દીકરાને ભરણપોષણ ન આપવું પડે એટલે પિતાએ રચ્યું પોતાના જ મોતનું નાટક, કેવી રીતે ઝડપાયો?

આરોપી જેસી કિપફ

ઇમેજ સ્રોત, Grayson County Detention Centre

ઇમેજ કૅપ્શન, આરોપી જેસી કિપફ

એક વ્યક્તિએ બાળકોને સહાયતા ભથ્થું આપવાથી બચવા માટે રાજ્યનો ડાટાબેસ હૅક કર્યો અને પોતાને ખોટી રીતે મૃત જાહેર કર્યો. આ બદલ તેને છ વર્ષથી વધારે સમય માટે જેલની સજા કરવામાં આવી છે.

અમેરિકાના કૅન્ટકીમાં જેસી કિપફને કમ્પયુટર થકી છેતરપિંડી અને ઓળખાણ ચોરી કરવાના આરોપ હેઠળ 81 મહિનાની જેલની સજા મળી છે.

39 વર્ષીય જેસીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં હવાઈ મૃત્યુ નોંધણી સિસ્ટમ સુધી પહોંચવા માટે અને પોતાને ખોટી રીતે મૃત જાહેર કરવા માટે એક કેસ બનાવવાની વાતને સ્વીકારી હતી.

ત્યારબાદ જેસીએ હવાઈ રાજ્ય મૃત્યુ નોંધપત્ર વર્કશીટને પૂરી કરી. તેમણે પોતાને જ મેડિકલ સર્ટિફિકેટ આપનાર વ્યક્તિ તરીકે પોતાનું જ નામ લખ્યું. ત્યાર બાદ ડૉક્ટરની ડિજિટલ સાઇનનો ઉપયોગ કરીને પોતાના મૃત્યુને પ્રમાણિત કર્યું.

આનો અર્થ હતો કે જેસી કેટલાક સરકારી ડાટાબેઝમાં પોતાની નોંધણી એક મૃત વ્યક્તિ તરીકે કરવામાં સફળ રહ્યા.

જેસીએ સ્વીકાર્યું કે તેમણે પોતાનાં બાળકોના સહાયતા ભથ્થામાં આપવાના બાકી એક લાખ ડૉલરથી વધારેની રકમ ન ચુકવવા માટે આ પગલાં લીધાં.

હૅકર બીજી મૃત્યુ નોંધણી સિસ્ટમો અને કંપનીના ડેટા સુધી પણ પહોંચી ગયા હતા. આ માટે તેમણે ડૉક્ટરો અને મજૂરોનો ડેટા ચોરી કરીને તેમની લૉગ ઇન માહિતીનો ઉપયોગ કર્યો હતો.

તેમણે આ સિસ્ટમ સુધી કેવી રીતે પહોંચી શકાય તેની માહિતી અને સોશિયલ સિક્યૉરિટી નંબર જેવા ખાનગી ડેટાની જાણકારીને ડાર્કનેટ પર બીજા સાઇબર ગુનેગારોને વેચવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

ડાર્કનેટ પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડાર્કનેટ ઇન્ટરનેટની એ દુનિયા છે જ્યાં માત્ર એક ખાસ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને જ પહોંચી શકાય છે. આ સૉફ્ટવેર વપરાશકર્તાની ઓળખાણ છુપાવી રાખે છે.

કેટલાક ડાર્કનેટ માર્કેટપ્લેસ છે જ્યાં સાઇબર ગુનેગારો ચોરી કરેલા ડાટા અથવા કૉમ્પ્રોમાઇઝ્ડ આઇટી સિસ્ટમનું ઍક્સેસ સુધી પહોંચવાની રીતો વેચે છે.

જેસીએ ન્યાયલયમાં જણાવ્યું કે તેમે અલ્જીરિયા, રશિયા અને યુક્રેનના લોકો સહિત આંતરરાષ્ટ્રીય ખરીદદારોને આ ડેટા વેચ્યો હતો.

કૅન્ટકીના પૂર્વી જિલ્લા અર્ટની કાર્લટન એસ શિયરે કહ્યું, “પોતાની બાળ સહાયતાની જવાબદારીથી બચવા માટેનો આ નિંદનીય અને વિનાશકારી પ્રયત્ન હતો.”

ફેડરલ કાયદા મુજબ જેસીએ પોતાની 85 ટકા સજા ભોગવવી પડશે અને તેમને ત્રણ વર્ષ સુધી અમેરિકાના પ્રોબેશન ઑફિસરની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

સરકારી અને કૉર્પોરેટ કમ્પયુટર સિસ્ટમને થયેલા નુકસાન અને બાળ સહાયતા ભથ્થું આપવાની તેની નિષ્ફળતાને કારણે કુલ ખર્ચો એક લાખ 95 હજાર 758 ડૉલર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.