પ્રેમપ્રકરણ, અપહરણ, પ્રશંસકની હત્યા અને સુપરસ્ટારની ધરપકડ

અભિનેતા દર્શન

ઇમેજ સ્રોત, Manu PH

ઇમેજ કૅપ્શન, અભિનેતા દર્શન
    • લેેખક, ગીતા પાંડે અને ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી ન્યૂઝ

દક્ષિણ ભારતના કર્ણાટકની કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર દર્શન થુગુદીપાની એક ફિલ્મી કહાણી સાથે મળતા ગુનાના આરોપમાં છેલ્લા દસ દિવસથી ધરપકડ કરવામાં આવી છે.

દર્શન એ 17 લોકોમાં સામેલ છે જેમની પોલીસે તેમના જ 33 વર્ષીય પ્રશંસક રેણુકાસ્વામીની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. રેણુકાસ્વામીનો મૃતદેહ એક નાળામાં મળ્યો હતો.

આ અઠવાડીયાની શરૂઆતમાં બેંગલુરૂ શહેર પોલીસ કમિશનર બી. દયાનંદે કહ્યું, “રેણુકાસ્વામીની હત્યા અત્યંત ઘાતકી રીતે કરવામાં આવી હતી.” તેમણે આ હત્યાને એક જઘન્ય ગુનો ગણાવી હતી.

પોલીસે કહ્યું કે અમારૂં માનવું છે કે 47 વર્ષીય અભિનેતા દર્શન રેણુકાસ્વામીથી ગુસ્સે હતો. રેણુકાસ્વામી એક ફાર્મસી કંપનીમાં કામ કરતા હતા. દર્શન ગુસ્સે હતો કારણ કે રેણુકાસ્વામીએ કથિત રૂપે પવિત્રા ગૌડાને સોશિયલ મીડિયા પર અશ્લીલ મેસેજો મોકલ્યા હતા. ભારતીય મીડિયાએ પવિત્રાને દર્શનની ગર્લફ્રેન્ડ ગણાવી હતી. પવિત્રાની પણ ધરપકડ કરવામાં આવી છે.

આરોપી વિરુદ્ધ હત્યા, અપહરણ, પુરાવાને નષ્ટ કરવા અને ગુનાહિત ષડયંત્ર જેવા ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

દર્શન જેલમાં છે અને તેમને આરોપો પર કોઈ ટિપ્પણી કરી નથી. જોકે, દર્શનના વકીલ રંગનાથ રેડ્ડીએ બીબીસીને જણાવ્યું કે મુલાકાત દરમિયાન અભિનેતાએ પોતાના વિરુદ્ધ લાગેલા આરોપોને નકાર્યા હતા.

તેમણે કહ્યું, “આ માત્ર આરોપ છે. પોલીસ પાસે દર્શન વિરુદ્ધ કોઈ પુરાવા નથી. આ પરિસ્થિતિગત પુરાવાનો મામલો છે.”

રેડ્ડીએ જણાવ્યું કે પવિત્રાના લગ્ન દર્શન સાથે થયા હતા તે વાત તદ્દન ખોટી છે.

બીબીસી ગુજરાતી

કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર દર્શન

11 જૂને મૈસૂરમાં દર્શનની ધરપકડ કરવામાં આવી હતી

ઇમેજ સ્રોત, Kashif Masood

ઇમેજ કૅપ્શન, 11મી જૂને મૈસૂરમાં દર્શનની ધરપકડ કરવામાં આવી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કન્નડ ફિલ્મોમાં સૌથી ભરોસાપાત્ર સ્ટાર ગણાતા દર્શને લગભગ 60 ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાંથી કેટલીક ફિલ્મો સુપરહિટ રહી છે.

ફિલ્મ ક્રિટિક એસ શિવાકુમારે કહ્યું, “તેઓ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર છે, જેમના પ્રસંશકોની સંખ્યા વિશાળ છે. તેમના પોસ્ટરો તમને રીક્ષાઓમાં જોવા મળશે. દર્શનની નવી ફિલ્મના રીલીઝ સમયે પ્રશંસકો તેના પોસ્ટરોને દુધથી નવડાવતા જોવા મળશે.”

કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર યોગીશ દ્રારકાશિશ કહે છે કે દર્શન એક એવા અભિનેતા છે જે ફિલ્મને પ્રથમ જ દિવસે મોટી કમાણી કરાવી શકે છે.

“તેમની ફિલ્મો 400 થિયેટરોમાં 600-700 સ્ક્રિન પર રિલિઝ થાય છે. દર્શનના પ્રસંશકો તેની પૂજા કરે છે. તે દર વખતે હિટ ફિલ્મો આપતા સ્ટાર છે. તેમની છેલ્લી ફિલ્મ કતીરાએ 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને એક સુપરહિટ હતી.”

અહેવાલો પ્રમાણે દર્શન એક ફિલ્મ માટે 20-25 કરોડ રૂપિયા ફી પેટે લે છે. આ પ્રકારની ફી સ્થાનિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુર્લભ છે. કારણ કે મોટાભાગની ફિલ્મો નાના બજેટમાં બનાવવામાં આવે છે અને કર્ણાટકની નજીકના રાજ્યોમાં પણ આ ફિલ્મો રિલિઝ થતી નથી.

પોલીસે 11 જૂને જ્યારે દર્શનની ધરપકડ કરી હતી ત્યારે તેઓ પોતાની નવી ફિલ્મ ડેવિલની શૂટિંગ માટે મૈસૂરની એક હોટલમાં રોકાયા હતા. તેમની નાટકીય ધરપકડ અને ત્યારબાદની ઘટનાઓ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસે પોતાની પાસે અભિનેતા દર્શન અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કેવા પુરાવાઓ છે તેના વિશે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપી નથી. જોકે, સ્થાનિક મીડિયાએ પોલીસના સુત્રોનો હવાલો આપીને કથાકથિત આરોપો લગાવ્યા છે.

ટીવી ચેનલો પર સીસીટીવીનાં અસ્પષ્ટ ફૂટેજ દેખાડવામાં આવ્યા હતા. પત્રકારોએ દાવો કર્યો હતો કે આ ફૂટેજમાં રેણુકાસ્વામીનું અપહરણ દેખાય છે.

મીડિયામાં મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટની વિસ્તારથી ચર્ચા થઈ હતી. મીડિયામાં હડકંપ મચી ગયો જ્યારે સમાચાર મળ્યા કે દર્શને હત્યાની રાતે જે બુટ પહેર્યા હતા તે તેમની પત્ની વિજયલક્ષ્મીના ઘરમાં મળ્યા હતા. આ કારણે વિજયલક્ષ્મી પ્રેસ વિરુદ્ધ પ્રતિબંધિત આદેશ માટે મજબૂર બન્યા હતા.

આ કેસને કારણે દર્શનના ખાનગી જીવનની પણ તપાસ થઈ શકે છે, જેમાં દર્શનનાં તેમનાં પત્ની વિજયલક્ષ્મી અને પવિત્રા ગૌડા સાથે તેમના સંબંધ સામેલ છે. આ ઉપરાંત દર્શનના ભુતકાળના વ્યવહારોની કહાણીઓની ચર્ચા સમાચારો અને સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

પવિત્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર જાન્યુઆરીની એક પોસ્ટમાં અભિનેતા સાથે દસ વર્ષ લાંબા સંબંધો વિશે વાત કરી હતી. આ પોસ્ટ તેમની ધરપકડ પછી વાઇરલ થઈ હતી.

કૅરિયરના શરૂઆતી દિવસો

દર્શને પોતાની મોટાભાગની ફિલ્મોમાં એકશન હિરોની ભૂમિકાઓ ભજવી

ઇમેજ સ્રોત, Kashif Massod

ઇમેજ કૅપ્શન, દર્શને પોતાની મોટાભાગની ફિલ્મોમાં ઍકશન હિરોની ભૂમિકાઓ ભજવી

દર્શન અભિનેતા શ્રીનિવાસ થુગુદીપાના પુત્ર છે. શ્રીનિવાસ 1970ના દાયકામાં નકારાત્મક ભૂમિકાઓ ભજવીને ખૂબ જ સફળ અને લોકપ્રિય બન્યા હતા.

પ્રોડયુસર યોગીશ દર્શનને ત્રણ દાયકાઓથી ઓળખે છે. તેમણે કહ્યું, “અભિનેતાએ પોતાના શરૂઆતી દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. કારણ કે તેમના પિતાનું મૃત્યુ થયું હતું અને પરિવારની આર્થિક પરિસ્થિતિ અતિશય ખરાબ હતી.”

તેમની પહેલી નોકરી એક સિનમેટોગ્રાફર સાથે હતી. તેમને સેટ પર લાઇટિંગ ટીમ સાથે કામ કરવાના દરરોજ 150 રૂપિયા મળતા હતા.

જોકે, શિવાકુમારે કહ્યું કે એક મજબૂત શરીરવાળા યુવાનને કૅમેરાની સામે આવવાની સલાહ આપવામાં આવી હતી. દર્શને ફિલ્મ અને ટીવીમાં નાની-નાની ભૂમિકાઓ ભજવવાની શરૂઆત કરી. શિવાકુમારે કહ્યું કે તેમને પહેલો મોટો બ્રેક 2002માં મળ્યો હતો.

“તેઓ મેજેસ્ટિક ફિલ્મ થકી ચર્ચામાં આવ્યા હતા. આ ફિલ્મમાં તેમણે એક પ્રેમાળ ઠગ અને વિલનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે તેમને પ્રસિદ્ધિ અપાવી અને સ્ટાર બનાવી દીધા.”

ફિલ્મ ક્રિટિક અને કન્નડ સિનેમા પર પુસ્તક લખનાર મુરલીધર ખજાને કહ્યું કે આ ફિલ્મ થકી તેમના ઘણા પ્રશંસકો પણ મળ્યા. તેઓ સમાજમાં હાંશિયા પર રહેલા લોકોના હિરો બની ગયા.

યોગીશે જણાવ્યુ કે દર્શન તેના કરિયરના શરૂઆતી વર્ષોમાં ખૂબ જ મહેનતુ, વિનમ્ર અને શિસ્તબદ્ધ હતા. યોગીશે 2005-06માં તેમની સાથે એક ફિલ્મમાં કામ કર્યું હતું. યોગીશે કહ્યું કે તે સમયે મેં ભવિષ્યવાણી કરી હતી કે દર્શન ખૂબ જ લોકપ્રિય બનશે અને તેઓ બન્યા.

શિવાકુમારે કહ્યું કે તેમની ફિલ્મો ખૂબ જ સામાન્ય હતી, તેમના પાત્રો એક સરખા જ હતા અને તેમનો અભિનય પણ કંઈ ખાસ ન હતો. જોકે, તેમને એક ઍક્શન હિરોની ભૂમિકાઓ ભજવીને પોતાનું કૅરિયર સફળ બનાવ્યું હતું.

“તેમની ઘણી ફિલ્મોમાં તેમનું પાત્ર એક દલિત વ્યક્તિનું હતું, જે પોતાની સાથે ભૂતકાળમાં થયેલા અન્યાયને કારણે કાયદાને પોતાના હાથમાં લે છે.”

દર્શને બીજા બે કન્નડ સ્ટાર કિચ્ચા સુદીપા અને પુનીત રાજકુમાર સાથે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર એક દાયકા સુધી રાજ કર્યું.

યોગીશે કહ્યું, “દર્શન સતત હિટ ફિલ્મો આપતા રહ્યા અને તેમના પ્રશંસકોએ તેમને “ડી-બોસ” અને “ચૅલેન્જિંગ સ્ટાર” જેવાં ઉપનામો આપ્યાં હતાં. કારણ કે તેમને કોઇપણ વસ્તુ સરળતાથી મળી નહોતી. તેમના માટે દરેક વસ્તુ એક પડકાર હતો.”

જોકે, ખજાનેએ કહ્યું કે તેઓ આ સ્ટારડમને જાળવી ન શક્યા અને તેમને ખબર નહોતી કે સફળતા મળે ત્યારબાદ કેવું વર્તન કરવું જોઇએ.

દર્શન પર ઘરેલુ હિંસાનો આરોપ

અભિનેતા દર્શનને 2011માં પણ ચાર અઠવાડીયા માટે જેલમાં રાખવામાં આવ્યા હતા. તેમની પત્ની વિજયલક્ષ્મીએ દર્શન પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો હતો. તે સમયના સમાચાર અહેવાલો પ્રમાણે વિજયલક્ષ્મીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે દર્શને તેમની સાથે મારપીટ કરી, રિવૉલ્વર દેખાડી ધમકી આપી અને સિગરેટના ડામ આપ્યા હતા.

કેટલાક લોકોનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીના લોકોની મધ્યસ્થતા પછી તેમની પત્નીએ દર્શન વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.

યોગીશે યાદ કરતા કહ્યું, “દર્શન જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે 'ધન્યવાદ યાત્રા' કરીને આખા રાજ્યનો પ્રવાસ કર્યો હતો અને પોતાના પ્રશંસકોની માફી માંગી હતી. તેમણે (દર્શને) કહ્યું હતું કે મહેરબાની કરીને મને માફ કરો, મેં એક ખરાબ ઉદાહરણ પેશ કર્યું હતું.”

લેખક ખજાનેએ જણાવ્યું કે આ ઘટના પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક લોકોએ તેમનાથી દૂર ગયા હતા. જોકે, તેની અસર દર્શનની બૉક્સ-ઑફિસ સફળતા પર જોવા મળી ન હતી.

દર્શન પર હવે ગંભીર આરોપો છે તેમ છતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ મામલે કોઈ પ્રતિક્રિયા જોવા મળી નથી. કેટલાક અભિનેતાઓ જ આ મામલે ખુલ્લીને વાત કરી રહ્યા છે.

ખજાનેએ કહ્યું કે કેટલાક મામલાઓમાં ચૂપકીનું કારણ વ્યવસાયિક હિત પણ હોય તેવું પણ બની શકે.

“ઇન્ડસ્ટ્રી ચૂપ છે કારણ કે દર્શન પર દોઢ બિલિયન રૂપિયાનો દાવ છે. જો તેઓ જેલમાં જશે તો તેમની ત્રણ ફિલ્મોનું કામ મોડું થશે અથવા અટકી જશે. આ કારણે તેઓ દર્શન પર પ્રતિબંધ લગાડી શકે તેવી સ્થિતિમાં નથી.”

પ્રોડયુસર યોગીશે સ્વીકાર્યું કે દર્શનની ધરપકડ એ ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટી ક્ષતિ છે. તેમણે કહ્યું કે દર્શન પર પ્રતિબંધની માંગણી એ થોડી જલદી છે કારણ કે દર્શનની તપાસ ચાલી રહી છે અને જ્યાં સુધી તેમના વિરુદ્ધ કોઈ ગુનો પુરવાર ન થાય ત્યાં સુધી તેઓ નિર્દોષ છે.

“મારી એક જ વિનંતી છે કે દર્શનનું કાયદાકીય ટ્રાયલ થવું જોઇએ, મીડિયા ટ્રાયલ નહીં. હું એ નથી કહી રહ્યો કે તેઓ નિર્દોષ છે, પરંતુ દર્શનને એક વિલન તરીકે ચિતરવામાં આવી રહ્યા છે. તેમને ટ્રાયલ પહેલાં જ દોષી જાહેર કરી દેવામાં આવ્યા છે.”