9 લોકોની હત્યા કરી, પોલીસે પાગલ ગણીને છોડ્યા પછી વધુ 40નો જીવ લેનારા હત્યારાની કહાણી

રમણ રાઘવ

ઇમેજ સ્રોત, LILY KULKARNI

    • લેેખક, અરુંધતી રાનડે જોશી
    • પદ, બીબીસી મરાઠી માટે

માયાનગરી મુંબઈમાં એક-બે નહીં, પરંતુ નવ હત્યા કર્યા પછી વિકૃત દિમાગનો એ માણસ ‘મેં હત્યા કરી છે,’ એવું કહીને ખુદ પોલીસ પાસે ગયો હતો, પરંતુ પોલીસે તેને પાગલ ગણીને જવા દીધો હતો.

એ પછીનાં વર્ષોમાં રમણ રાઘવ માત્ર મુંબઈમાં જ નહીં, સમગ્ર દેશમાં સૌથી મોટો ભયંકર સિરિયલ કિલર બની ગયો હતો. તેણે 40 લોકોના જીવ લીધા હતા.

કોઈ પણ આધુનિક હથિયાર વિના બહુ જ આદિમ, પરંતુ ક્રૂર રીતે તેણે નિર્દોષ ગરીબ લોકોનાં માથાં પથ્થર ઝીંકીને અથવા લોખંડના જાડા સળિયા વડે છૂંદી નાખ્યાં હતાં.

કોઈ પણ અતિરંજિત, કાલ્પનિક ફિલ્મ ખલનાયકની સરખામણીએ વધારે ક્રૂર, અમાનવીય અને અતાર્કિક રમણ રાઘવ અનેક દસ્તાવેજી ફિલ્મો, ફિલ્મો, વેબ સિરીઝ અને નાટકોનો વિષય બન્યો.

અનુરાગ કશ્યપની ફિલ્મ ‘રમણ રાઘવ 2.0’ એ પૈકીની એક છે.

એ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ જીવંત કરેલા રમણને ફિલ્મનિર્માતાએ વાસ્તવિક જીવનથી પ્રેરિત ગણાવ્યો હતો, પરંતુ અસલી રમણ રાઘવની કહાણી એ ન હતી. એ સમયે વાસ્તવમાં શું થયું હતું?

આ સિરિયલ કિલરે પોલીસને જણાવ્યું હતું કે તેને આવું કામ કરવાનું ભગવાને કહ્યું હતું. ભગવાન સાથે તેને ‘વાયરલેસ કનેક્શન’ છે, એવું તેણે તેના કબૂલાતનામામાં જણાવ્યું હોવાને અખબારી અહેવાલો પ્રકાશિત થયા હતા.

આ રમણ રાઘવને પકડીને જેમણે જેલમાં ધકેલ્યો હતો એ તત્કાલીન પોલીસ અધિકારીઓ પણ એ તપાસનો રેકૉર્ડ પુસ્તક સ્વરૂપે કે ઇન્ટરવ્યૂ મારફત જાહેર કર્યો હતો.

રમણ રાઘવ ખરેખર કોણ હતો, તેણે લોકોની હત્યા શા માટે કરી હતી અને આખરે તેનું શું થયું હતું? સાચી વાત વાંચો.

બીબીસી

મહાનગરમાં ભયનો ગાઢ અંધકાર ફેલાયેલો હતો

રમણ રાઘવ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તમે જૂની ફિલ્મોમાં સાઠના દાયકાનું મુંબઈ જોયું હશે. આજના જેવું ગીચ વસ્તીવાળું નહીં, પરંતુ મુંબઈ એ સમયે ભીડભર્યું ‘જરા બચકે’ જીવવાનું શીખવતું મેગાસિટી હતું.

મુંબઈના આકર્ષણને કારણે દેશભરમાંથી લોકો અહીં આવતા હતા અને મોંઘી માયાનગરીમાં ગીચ વિસ્તારોમાં રહેતા હતા, ક્યારેક ફૂટપાથ પર પણ ઊંઘી જતા હતા.

ફૂટપાથ પર અને નાની ઝૂંપડીઓમાં રહેતા અનેક લોકોના જીવ 1965-66માં ફફડતા હતા.

રાતના અંધારામાં ખુલ્લામાં સૂતેલા લોકો પર કોઈ અજાણ્યો શખસ હુમલો કરતો હતો. એ સમયે જીઆઈપી લાઇન એટલે કે આજના પૂર્વનાં ઉપનગરોમાં મધ્ય રેલવેની આસપાસ રહેતા 19 લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમાંથી નવ લોકો તો ઘટનાસ્થળે જ મરણ પામ્યા હતા.

કોઈ વસ્તુની ચોરી કરવા માટે જે ક્રૂર રીતે લોકોની હત્યા કરવામાં આવી હતી એ જોતાં પોલીસને લાગ્યું હતું કે આ કામ કોઈ વિકૃત માણસે કર્યું હશે. બચી ગયેલા લોકો પૈકીના કોઈએ હુમલાખોરને જોયો ન હતો. તેથી ગુનેગાર સુધી પહોંચવું મુશ્કેલ હતું.

રેકૉર્ડ પરના ગુનેગારોને પૂછપરછ કરવામાં આવી. સમગ્ર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું. એ સમયે પોતાનું નામ રમણ રાઘવ હોવાનું જણાવતો એક ઇસમ પોલીસની જાળમાં સપડાયો હતો, પરંતુ કોઈ પુરાવા ન હોવાને કારણે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. તેને મુંબઈ બહાર તડીપાર કરવામાં આવ્યો હતો.

બે વર્ષ પછી એ જ રમણ રાઘવ ઉર્ફે સિંધી દલવાઈ ઉર્ફે તંબી ઉર્ફે અન્ના ઉર્ફે વેલુસ્વામી તથા બીજાં અનેક નામથી ઓળખાતો આ માણસ માયાનગરીમાં પાછો ફર્યો હતો અને તેણે અનેક નિર્દોષ ગરીબની નિર્દયતાથી હત્યા કરી હતી.

બીબીસી

બે વર્ષ પછી ફરી હત્યાકાંડ

પોલીસ અધિકારી રમાકાંત કુલકર્ણી

ઇમેજ સ્રોત, LILY KULKARNI

ઇમેજ કૅપ્શન, પોલીસ અધિકારી રમાકાંત કુલકર્ણી

1968ની મધ્યમાં ફરી એક વાર આવી જ ઘટના મુંબઈની સડકો પર બની હતી. ફૂટપાથ પર સૂતેલા નિર્દોષ લોકોનાં માથાં પર બોથડ ચીજ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા.

રામન રાઘવ ઉર્ફે સિંધી દલવાઈએ 24 હત્યા કરી હોવાની નોંધ પોલીસ રેકૉર્ડ પર છે, પરંતુ વાસ્તવિક આંકડો ઘણો વધારે હોવો જોઈએ એવું માનવામાં આવતું હતું. એ સમયે નવનિયુક્ત યુવાન પોલીસ અધિકારી રમાકાંત કુલકર્ણીએ આ કેસની તપાસ શરૂ કરી હતી.

આ જ રમાકાંત કુલકર્ણી આગળ જતાં મહારાષ્ટ્ર પોલીસના મહાનિદેશકના પદ પર પહોંચીને નિવૃત્ત થયા હતા. ગુનાની તપાસ કરવાની તેમની પદ્ધતિ એ સમયે બહુ ગાજી હતી. તેમની સરખામણી શૅરલૉક હોમ્સ સાથે કરવામાં આવતી હતી.

નિવૃત્તિ બાદ તેમણે ‘ફૂટપ્રિન્ટ્સ ઑન ધ સેન્ડ ઑફ ક્રાઈમ’ નામનું પુસ્તક લખ્યું હતું અને પડકારજનક કેસોની માહિતી તથા અનુભવની નોંધ તેમાં કરી હતી. પોતે રામન રાઘવને કેવી રીતે પકડ્યો એ વિશે તેમણે આ પુસ્તકમાં ‘સિરિયલ કિલર’ શીર્ષક હેઠળના પ્રકરણમાં વિગતવાર લખ્યું છે.

તેમણે લખ્યું છે, “હિન્દી ફિલ્મો અને એવાં લખાણો વાંચીને ઉછરેલી પેઢી એવું માને છે કે પોલીસ ગુનેગારને પકડી લે પછી કેસનો અંત આવી જાય છે, પરંતુ હકીકતમાં પોલીસ માટે કેસ ત્યાંથી શરૂ થતો હોય છે.”

“આરોપીએ પોલીસ સમક્ષ કરેલી કબૂલાત ભારતીય ન્યાયતંત્રમાં સ્વીકાર્ય નથી. આરોપીએ મૅજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત કરવી પડે છે અને પોલીસે પણ અદાલતમાં અલગ પુરાવા રજૂ કરવા પડે છે. એ પછી જ તેની સામેનો ગુનો સાબિત થઈ શકે છે.”

બીબીસી

સિરિયલ કિલર કેવી રીતે ઝડપાયો?

રમણ રાઘવની ઝૂંપડી

ઇમેજ સ્રોત, LILY KULKARNI

ઇમેજ કૅપ્શન, રમણ રાઘવની ઝૂંપડી

એક યુવાન હોટ-શોટ અધિકારી રમાકાંત કુલકર્ણીએ મુંબઈ પોલીસના જૂના રેકૉર્ડ તપાસ્યા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે બે વર્ષ પૂર્વે ફૂટપાથ પર થયેલા હત્યાકાંડ સંબંધી પૂછપરછ માટે એક વ્યક્તિને અટકાયતમાં લેવામાં આવી હતી.

એ શખસ રમણ રાઘવ હોઈ શકે એવી શંકા તેમને પડી હતી અને તેમણે તપાસના તાંતણા જોડવાની શરૂઆત કરી હતી. રામન રાઘવનાં અનેક નામ હતાં. તેને તડીપાર કરવામાં આવ્યો પછી પોલીસ પાસે તેનો કોઈ રેકૉર્ડ ન હતો.

રમણ શેરીઓમાં રખડતો ગુનેગાર હતો. તેનું કોઈ કાયમી રહેઠાણ હોવાની શક્યતા ન હતા. તેના વિશે એકેય પોલીસ સ્ટેશનમાંથી માહિતી મળતી ન હતી.

સામાન્ય દેખાતા અને શેરીઓમાં રખડુની માફક જીવન જીવતા ગરીબ માણસને શોધવા એ દિવસોમાં આખા મુંબઈને ફેંદવું તે સરળ કામ ન હતું. એ ઉપરાંત અંધારામાં મારેલું તીર નિશાન પર અટકે તો જ કોમ્બિંગ ઑપરેશન અર્થપૂર્ણ હતું. રમણ રાઘવ ઉર્ફે સિંધી દલવાઈ કે તંબી વિરુદ્ધ પોલીસ પાસે કોઈ મજબૂત પુરાવા ન હતા.

રમાકાંત કુલકર્ણીના પુસ્તકમાં જણાવ્યા મુજબ, તત્કાલીન યુવાન પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એલેક્સ ફિઆલ્હોને લીધે રમણ રાઘવની ધરપકડ શક્ય બની હતી.

‘ક્રાઈમ વાયર’ના એક લેખમાં ફિઆલ્હોએ એ ઘટનાની વાત કરતાં કહ્યું હતું, “મારા ખિસ્સામાં સિરિયલ કિલરનો સ્કૅચ હતો. એક દિવસ હું કામ પર જવા માટે રાબેતા મુજબ બસની રાહ જોઈ રહ્યો હતો ત્યારે મારા ખિસ્સામાંના સ્કૅચ જેવા એક માણસને બસસ્ટૉપ પર ઊભેલો જોયો હતો. તેણે ખાખી ચડ્ડી અને વાદળી રંગનું શર્ટ પહેર્યાં હતાં.”

“તેની પાસેની ભીની છત્રીને કારણે મારી શંકા બળવત્તર બની હતી, કારણ કે હું દક્ષિણ મુંબઈમાં જે સ્થળે ઊભો હતો ત્યાં બિલકુલ વરસાદ ન હતો. મેં તેને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે એ મલાડથી આવ્યો છે. મુંબઈના એ જ વિસ્તારમાં બે દિવસ પહેલાં ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી.”

એ શખસને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. તેની પાસેથી હાફ રીમ ચશ્માં અને અંગૂઠામાં સોય ભોંકાય નહીં એ માટે દરજી દ્વારા પહેરવામાં આવતી ધાતુની અંગૂઠી મળી આવી હતી. મલાડના હત્યાકાંડમાં એક દરજી પણ માર્યો હતો અને એ પેલા શખસ પાસેથી મળી આવેલી વસ્તુ તે દરજીની હતી.

રમણ રાઘવની 1968ની 27 ઑગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. તેની કબૂલાત, કોર્ટ કેસ, હાઈકોર્ટ સમક્ષ ફરી સુનાવણી અને ચુકાદાની પ્રક્રિયામાં લાંબો સમય ગયો હતો.

બીબીસી

ચિકન ખાધા પછી જ મોં ખોલ્યું

રમણ રાઘવ

ઇમેજ સ્રોત, LILY KULKARNI

રમણ રાઘવ નામનો આ સિરિયલ કિલર વિકૃત મગજનો હતો તેમાં કોઈ શંકા ન હતી, પરંતુ તે વાસ્તવમાં કેટલો તરંગી અને વિક્ષિપ્ત છે તેનો અંદાજ પોલીસને તબક્કા વાર મળ્યો હતો.

રમાકાંત કુલકર્ણીના પુસ્તકમાં જણાવ્યા મુજબ, તેનું મોં ખોલાવવાનું સરળ ન હતું અને પોલીસની ખરી કસોટી ત્યાંથી જ શરૂ થઈ હતી. રામને પ્રેમથી સમજાવીને તેનું મોં ખોલાવવું પડશે એવું કુલકર્ણીને સમજાયું હતું.

પોલીસે તેને દમદાટી આપી હતી, પરંતુ રામન જરાય વિચલિત થયો ન હતો. તારે શું જોઈએ છે એવું પૂછ્યું ત્યારે રમણ રાઘવે કહ્યું હતું, “મૂર્ગા.” પછી રામન માટે ચિકનની ઉત્તમ ડિશનો ઑર્ડર આપવામાં આવ્યો હતો.

એ પછી તેણે સુગંધી તેલ અને અરીસાની માગણી કરી હતી. સુગંધી તેલથી માથામાં જાતે માલિશ કર્યા પછી તે સંતુષ્ટ થયો હતો. ત્યાર બાદ તેણે પોલીસને પૂછ્યું હતું, “કહો, તમારે શું જાણવું છે?”

એ પછી તે પોલીસ સાથે, તેણે જે સ્થળો પર લોકોની હત્યા કરી હતી, હત્યા માટે વાપરવામાં આવેલો લોખંડી આકડો જે સ્થળે રાખ્યો હતો ત્યાં ગયો હતો. હત્યાના ઠેકાણેથી ઉપાડેલી વસ્તુઓ પોલીસને દેખાડી હતી. એ ઉપરાંત મૅજિસ્ટ્રેટ સમક્ષ બધી કબૂલાત કરવાનું વચન પણ આપ્યું હતું.

પહેલાં ફાંસી પછી જનમટીપ

રમણ રાઘવ

ઇમેજ સ્રોત, LILY KULKARNI

રમણ રાઘવનો કેસ નીચલી અદાલતમાં પૅન્ડિંગ હતો ત્યારે તેણે બેધડક કબૂલાત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે રામન માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગતું નથી. તેથી તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

ફાંસીની સજાનો અમલ તત્કાળ થતો નથી. એ માટે હાઈકોર્ટની મહોર મેળવવી જરૂરી હોય છે. તેથી સિરિયલ કિલરને ફાંસી આપવાનો કેસ હાઈકોર્ટમાં અટવાયો હતો.

રમણ રાઘવ માનસિક રીતે બીમાર છે કે કેમ, ગુનો કરતી વખતે તેની માનસિક સ્થિતિ બગડેલી હતી કે કેમ તે જાણવા માટે હાઈકોર્ટના આદેશ મુજબ મનોચિકિત્સકોની એક પેનલની નિમણૂક કરવામાં આવી હતી.

રમણ રાઘવ કહેતો હતો કે તેણે કાયદાનું પાલન કરવું પડશે.

હાઈકોર્ટે 1987ની ચોથી ઑગસ્ટે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું, “રમણ રાઘવ દાવો કરે છે કે લોકોની હત્યા કરવાનો આદેશ તેને ઉપરથી મળ્યો હતો. તેનો અર્થ એવો થાય કે આરોપી કોઈ આભાસી જગતમાં હતો ત્યારે તેણે આવાં કૃત્ય કર્યાં હતાં. રમણને ક્રોનિક પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયા થયો હોવાનું નિદાન થયું છે. તેથી મૃત્યુદંડની સજા રદ્દ કરવી જોઈએ અને તેને જનમટીપની સજા કરવી જોઈએ તેમજ તેની સારવાર પણ કરવી જોઈએ.”

બીબીસી

પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા એટલે શું?

સ્કિઝોફ્રેનિયા એક માનસિક બીમારી છે. પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયાનો ભોગ બનેલા માણસનું વ્યક્તિત્વ વિભાજિત હોય છે. તે આભાસી દુનિયામાં રહેતો હોય છે.

આવી વ્યક્તિને, કોઈ તેની સાથે વાત કરી રહ્યું છે. તેના કાનમાં અવાજો આવી રહ્યા છે એવો ભાસ થતો હોય છે. તેમના વિચારો બહુધા નકારાત્મક હોય છે. આભાસને કારણે આવી વ્યક્તિઓ આક્રમક બની જતી હોય છે અને તેને બીજાની હત્યા કરવાના વિચાર આવતા હોય છે.

મનોચિકિત્સક ડૉ. આનંદ પાટકરે 70ના દાયકામાં જેલમાં રહેલા રમણ રાઘવ સાથે વાતચીત કરી હતી. એ વિશે ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

ડૉ. પાટકરના અવલોકન ક્રોનિક પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા હોવાને કારણે રામનમાં અન્ય વ્યક્તિની હત્યા કરવાની વૃત્તિ બળવત્તર બની હતી.

બીબીસી

પૂણેની યરવડા જેલમાં થયું અવસાન

મુંબઈના ઇતિહાસના આ મહાભયંકર, તરંગી, મનોવિક્ષિપ્ત સિરિયલ કિલરને આખરે આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી અને તેને પૂણેની યરવડા જેવમાં મોકલી આપવામાં આવ્યો હતો.

જેલમાં તેની માનસિક અવસ્થા કેવી હતી, તેની કોઈ સારવાર કરવામાં આવી હતી કે કેમ એ વિશેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એપ્રિલ, 1995માં યરવડા સૅન્ટ્રલ જેલમાં રમણ રાઘવનું કિડનીની બીમારીને લીધે મૃત્યુ થયું હતું.

બીબીસી
બીબીસી