શ્રીદેવીનું મોત કેવી રીતે થયું હતું? પાંચ વર્ષ પછી બોની કપૂરે કર્યો ખુલાસો

શ્રીદેવી

ઇમેજ સ્રોત, Reuters

અભિનેત્રી શ્રીદેવીનું મૃત્યુ એ હજુ પણ ઘણા લોકો માટે એક રહસ્ય છે. પરંતુ તેમના પતિ અને ફિલ્મ નિર્માતા બોની કપૂરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં આ રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો છે.

શ્રીદેવીના મૃત્યુ પછી દુબઇના અધિકારીઓએ કહ્યું હતું કે તેમનું મૃત્યુ બાથટબમાં ડૂબી જવાને કારણે થયું હતું.

પરંતુ તેમના પતિ બોની કપૂરે હાલમાં જ એક વિશેષ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ડૉક્ટરોએ માત્ર તેમના ડૂબી જવા પર ઘ્યાન કેન્દ્રિત કર્યું પરંતુ તેનું અસલી કારણ તો તેમનું ડાયટિંગ કરવું અને મીઠું જ ન ખાવું એ હતું.

શ્રીદેવીનું દુબઈની એક હોટલમાં 24 ફેબ્રુઆરી 2018ના રોજ સંદિગ્ધ અવસ્થામાં મૃત્યુ થયું હતું.

શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો છે પરંતુ પછી જાણકારી આપવામાં આવી હતી કે તેઓ તેમની હોટલના બાથટબમાં ડૂબી ગયાં હતાં.

શ્રીદેવી

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA

બોલીવૂડમાં 20મી સદીની સૌથી સફળ અભિનેત્રીઓમાં એક ગણાતા શ્રીદેવીનું 54 વર્ષની વયે અચાનક અવસાન થતાં તેમના ચાહકોને આઘાત લાગ્યો હતો.

ન્યૂઝ વેબસાઇટ 'ધ ન્યૂ ઇન્ડિયન'ના પત્રકાર રોહન દુઆ સાથેની વાતચીતમાં ફિલ્મ નિર્માતા બોની કપૂરે કહ્યું કે શ્રીદેવીનું મૃત્યુ ‘કુદરતી’ ન હતું પરંતુ ‘આકસ્મિક’ હતું અને તેમને શ્રીદેવીની હત્યાના આરોપોનો સામનો કરવો પડ્યો.

બોની કપૂરે કહ્યું, "તે કુદરતી મૃત્યુ ન હતું પણ તે એક આકસ્મિક મૃત્યુ હતું. મેં તેના વિશે વાત ન કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે મેં મૃત્યુ પછી તપાસ દરમિયાન લગભગ 24થી 48 કલાક સુધી તેના વિશે એકધારી વાત કરી હતી. અધિકારીઓએ પણ કહ્યું હતું કે અમારે ભારતીય મીડિયાના દબાણમાં આમ કરવું પડ્યું હતું. એમને ખબર પડી હતી કે શ્રીદેવીની હત્યા કરવામાં આવી નથી."

‘ઘણી વાર ભૂખ્યાં રહેતાં હતાં શ્રીદેવી’

શ્રીદેવી

ઇમેજ સ્રોત, SUJIT JAISWAL

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બોની કપૂરે જણાવ્યું કે તેમને લાઈ ડિટેક્શન ટેસ્ટમાંથી પણ પસાર થવું પડ્યું હતું.

બોની કપૂરે કહ્યું કે, "હું તમામ પ્રકારની તપાસમાંથી પસાર થયો જેમાં લાઈ ડિટેક્શન ટેસ્ટનો પણ સમાવેશ થતો હતો. પછી જે રિપોર્ટ સામે આવ્યો તેમાં સ્પષ્ટપણે ખબર પડે છે કે આ દુર્ધટનાવશ બન્યું હતું."

આહારમાં મીઠું ન છોડવાની સલાહ આપતાં બોની કપૂરે કહ્યું હતું કે તેના કારણે તમે બેભાન થઈ શકો છો. જેવું શ્રીદેવી સાથે થયું અને તે પડી ગયાં તેવું તમારી સાથે પણ થઈ શકે છે. પડી જવાને કારણે તેમનો આગળનો એક દાંત પણ તૂટી ગયો.

'મિસ્ટર ઈન્ડિયા'ના નિર્માતા બોની કપૂરે જણાવ્યું હતું કે શ્રીદેવી પડદા પરની પોતાની ઇમેજને લઈને ખૂબ જ સંવેદનશીલ હતાં અને મૃત્યુ પહેલાં પણ તે ડાયટ પર હતાં.

તેમણે કહ્યું, "તેઓ ઘણીવાર ભૂખ્યાં રહેતાં હતાં. તેઓ હંમેશાં સ્ક્રીન પર સારાં દેખાવા માગતાં હતાં."

બોની કપૂરે જણાવ્યું કે લગ્ન પછી આવું અનેક પ્રસંગોએ બન્યું કે જ્યારે શ્રીદેવીને આંખે અંધારાં આવી જતાં. ડૉક્ટરોએ કહ્યું હતું કે તેમને લૉ બ્લડપ્રેશરની સમસ્યા છે.

"ડૉક્ટરોએ તેમને કહ્યું હતું કે તેમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેથી તેમણે સખત ડાયટિંગ ન કરવું જોઈએ અને મીઠું પણ ન છોડવું જોઈએ."

બોની કપૂરે કહ્યું, "મોટાભાગની મહિલાઓને લાગે છે કે મીઠાને કારણે તેમના શરીરમાં પાણી જળવાઈ રહે છે અને તેના કારણે તમારું શરીર ફૂલે છે. આ પણ એક કારણ હતું."

"હું પણ તેમને કહેતો હતો કે મીઠું સંપૂર્ણપણે ન છોડો. હું કહેતો કે સલાડ ખાતી વખતે તેમાં થોડું મીઠું છાંટી લેવું જોઈએ.”

તેમણે કહ્યું, "તેઓ આ બધું ફિલ્મો માટે જ કરી રહ્યાં હતાં એવું ન હતું. તેમનું વજન 45થી 46 કિલો જેટલું થઈ ગયું હતું. તમે ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશમાં પણ જોયું હશે."

બાથરૂમમાં પડીને તેમના દાંત તૂટી ગયા હતા

શ્રીદેવી

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે કહ્યું કે, "શ્રીદેવીના નિધન પછી અભિનેતા નાગાર્જુન શોક વ્યક્ત કરવા આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે જ્યારે શ્રીદેવી સાથે તેમણે એક ફિલ્મ કરી રહી હતી ત્યારે તે ક્રેશ ડાયટ પર હતા. તે બાથરૂમમાં પડી ગયાં હતાં અને તેના દાંત પણ તૂટી ગયા હતા અને પછી કૃત્રિમ કૅપ લગાવવામાં આવી હતી."

તેમણે કહ્યું કે પંકજ પરાશરની ‘અધૂરી’ ફિલ્મમાં પણ તેમની સાથે આવું જ થયું હતું. નાગાર્જુને જે કહ્યું તેની મને જાણ ન હતી પરંતુ આ પરિસ્થિતિથી હું વાકેફ હતો.

તેણે કહ્યું, "હું શ્રીદેવીને આવું કરવા માટે ક્યારેય ન કહી શકું પરંતુ હું જાણતો હતો કે તે સખત ડાયટિંગનું પાલન કરે છે અને મીઠું છોડી દે છે."

તેમણે કહ્યું, "મેં મારા ડૉક્ટરને પણ આ વિશે તેને આગ્રહ કરવા કહ્યું હતું અને હું પોતે પણ તેમને મીઠું ન છોડવા માટે વિનંતી કરતો હતો."

"હું ડિનર ટેબલ પર 'મીઠા વિનાનું સૂપ' અને 'મીઠા વિનાનો ખોરાક' એમ કહીને મજાક કરતો હતો, પરંતુ કમનસીબે અમે જે કહ્યું તે તેણે ગંભીરતાથી લીધું નહીં અને પછી આ જીવલેણ ઘટના બની."

જ્યારે બીબીસીએ આ અંગે ડૉ. નઝર નસીમ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "શરીરમાં મીઠાની ઊણપ અથવા સોડિયમની વધુ પડતી ઊણપને કારણે આંખે અંધારાં આવવા જેવી ઘટનાઓ બની શકે છે, પરંતુ તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું નથી કે તે મૃત્યુ તરફ પણ દોરી શકે છે."

જોકે, નિષ્ણાતો સખત ડાયટિંગ કે કીટો ડાયટ વિશે ચેતવણી આપે છે. ઑક્ટોબર 2020માં, બંગાળી ફિલ્મ અભિનેત્રી મિષ્ટી મુખર્જીનું પણ કિડની ફેઇલ થવાને કારણે અવસાન થયું હતું અને તેમના પ્રતિનિધિએ કહ્યું હતું કે કીટો ડાયટને કારણે તેમની કિડની ફેઇલ થઈ હતી.

બોની કપૂરની સલાહ

શ્રીદેવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રીદેવી

જોકે આહાર વિશેષજ્ઞ ડૉ. નૌશીન અબ્બાસે બીબીસી ઉર્દૂના આઝમ ખાન સાથે વાતચીત કરતા કહ્યું કે, "તમે કીટો ડાયટને કારણે શુદ્ધ ખાદ્ય પદાર્થો તરફ વળી જાઓ છો. ક્રીમ અને ઘી જેવાં પદાર્થોના ઉપયોગથી ચરબીને રોકી દો છો."

તેઓ જણાવે છે કે, "તેને તમારે જીવનશૈલી ન બનાવવી જોઈએ. તમે હંમેશાં માટે આ ડાયટ પર ન ચાલી શકો અને જો તમે આમ કરો છો તો તમે તમારું શરીર અસંતુલિત થઈ જાય છે. આ પ્રકારનું ડાયટ ખતરનાક હોય છે કારણ કે તે તમારા શરીરના સંતુલનને ખરાબ કરી દે છે."

જોકે, શ્રીદેવીના પતિ બોની કપૂરે જણાવ્યું કે તેઓ હવે ખૂબ સતર્ક થઈ ગયા છે.

"જ્યારે હું મારા કોઈ મિત્ર કે તેમનાં પત્નીને મળું છું તો હું તેમને બ્લડપ્રેશર સામાન્ય રાખવા માટે મદદ કરું છું."

"તમારા આરોગ્યની ચાવી તમારા હાથમાં છે. જો તમે ડાયટિંગ કરી રહ્યા છો તો અતિશય ન કરો."

શ્રીદેવીની ફિલ્મ કારકિર્દી

શ્રીદેવીનો જન્મ 13 ઑગસ્ટ, 1963ના રોજ દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં થયો હતો અને તેમણે 1978માં ફિલ્મ 'સોલહવાં સાવન'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

2020માં રિલીઝ થયેલી 'મોમ' તેમની 300મી ફિલ્મ હતી. 1986માં તેમની માત્ર હિન્દીમાં જ દસ ફિલ્મો રિલીઝ થઈ હતી. તે એક જ વર્ષમાં તેમણે એક ડઝનથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

તેમને ફિલ્મ ‘ચાલબાઝ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પ્રથમ ફિલ્મફેર ઍવોર્ડ મળ્યો હતો, પરંતુ એ પહેલાં તેમને તમિલ ફિલ્મો માટે પણ ઘણા ઍવોર્ડ મળ્યા હતા.

તેમની સૌથી લોકપ્રિય ફિલ્મોમાં 'ચાંદની', 'લમ્હે', 'મિસ્ટર ઈન્ડિયા', 'ખુદા ગવાહ', 'સદમા' અને 'નગીના'નો સમાવેશ થાય છે.

હિન્દી ફિલ્મો ઉપરાંત તેમણે દક્ષિણ ભારતમાં તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

શ્રીદેવીએ 1996માં નિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રીઓ ખુશી અને જ્હાનવી કપૂર છે. જ્હાન્વી કપૂર પણ હવે અભિનેત્રી છે.

શ્રીદેવીને 2013માં સરકાર દ્વારા પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સિવાય તેમને પાંચ વખત ફિલ્મફેર ઍવોર્ડ પણ મળ્યો છે.

90ના દાયકામાં જ્યારે તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીને અલવિદા કહ્યું ત્યારે તેમની ફિલ્મો સારી રીતે ચાલી રહી ન હતી. પરંતુ લાંબા વિરામ બાદ જ્યારે તેઓ પાછાં ફર્યાં ત્યારે તેમના અભિનયે ફરી એકવાર ધૂમ મચાવી હતી.