શ્રીદેવી : 'પાકિસ્તાની તાનાશાહ ઝિયા-ઉલ-હકના એ જમાનામાં શ્રીદેવી જ સહારો હતી' - બ્લૉગ

ઇમેજ સ્રોત, SADMA FILM POSTER
- લેેખક, વુસઅતુલ્લાહ ખાન
- પદ, પાકિસ્તાનથી, બીબીસી ગુજરાતી માટે
હિંદી સિનેમાના વિખ્યાત અભિનેત્રી શ્રીદેવીનો આજે જન્મદિવસ છે. આજના દિવસે 1963માં તેમનો જન્મ થયો હતો. તેમની ફિલ્મોને ભારત સાથે સાથે પાકિસ્તાનમાં પણ ઘણી પસંદ કરવામાં આવતી હતી. શ્રીદેવીના જન્મદિવસ પર કરાચીથી બીબીસીના પૂર્વ પત્રકાર વુસઅતુલ્લાહ ખાનના આ લેખ. વાંચો પાકિસ્તાનમાં શ્રીદેવીની જાદુગરીની કહાણી આગળ એમના જ શબ્દોમાં.
આ ત્યારની વાત છે, જ્યારે હું કરાચી યુનિવર્સિટીમાં દાખલ થયો, એક વર્ષ પછી મને યુનિવર્સિટીના હૉસ્ટેલમાં રૂમ મળ્યો.
પહેલું કામ એ કર્યું કે પોતાનો રૂમ તૈયાર કર્યો, બીજું કામ શ્રીદેવીનાં બે પૉસ્ટર બજારમાં જઈને ખરીદ્યાં અને તેને રૂમની દીવાલો પર સામસામે ચોંટાડી દીધા.
આ ત્યારની વાત છે જ્યારે ભારતીય ફિલ્મોને વીસીઆર પર જોવી પાકિસ્તાનમાં ગેરકાનૂની હતું અને જો પકડાઈ જાવ તો ત્રણથી છ મહિનાની જેલની સજા થતી હતી.
પરંતુ યુવકો માને તો ને! પૈસા ભેગા કરીને વીસીઆર ભાડે પર લઈ આવતા અને સાથે છ ફિલ્મોમાં કમ સે કમ બે તો શ્રીદેવીની જ હોય.

જનરલ ઝિયાનો એ સમયગાળો

ઇમેજ સ્રોત, TWITTER @SRIDEVIBKAPOOR
'જસ્ટિસ ચૌધરી', 'જાની દોસ્ત', 'નયા કદમ', 'આગ ઔર શોલા', 'બલિદાન', 'સલ્તનત', 'માસ્ટરજી', 'જાગ ઉઠા ઇન્સાન', 'ઇન્કલાબ', 'અક્લમંદ', 'નઝરાના', 'આખરી રાસ્તા', 'કર્મા', 'મકસદ', 'સુહાગન', 'નિગાહે', 'જાંબાઝ', 'તોહફા', 'ઘરસંસાર', 'ઔલાદ', 'સદમા', 'હિમ્મતવાલા', 'નગીના', 'મિસ્ટર ઇન્ડિયા', 'ચાંદની'.
યાદી ખૂબ લાંબી છે.
અમે શ્રીદેવીની ગેરકાનૂની ભારતીય ફિલ્મો અને એ પણ હૉસ્ટેલના હૉલમાં બધા દરવાજા-બારીઓ ખુલ્લા રાખીને મોટો અવાજથી જોતા હતા જેથી હૉસ્ટેલ બહારની પોલીસચોકી સુધી પણ અવાજ પહોંચે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જનરલ ઝિયા-ઉલ-હકની તાનાશાહી સામે અમારો એ સમયનો પ્રતિરોધ હતો.
ક્યારેય ક્યારેક પોલીસવાળા દબાયેલા અવાજમાં હસતાં હસતાં કહેતા કે, 'અમે તમારી ભાવના સમજી શકીએ છીએ, પરંતુ અવાજ થોડો ઓછો કરી દો, જો કોઈ કડક ઑફિસર આવી ગયો તો અમારી બરાબરની ખબર લેશે અને વરદી ઊતારી લેશે, એ જોઈને તમને સારું લાગશે?'

શ્રીદેવીની કોઈ ફિલ્મ બતાવી દો....

ઇમેજ સ્રોત, Getty Images
આ સિપાહીઓની જગ્યાએ દર ત્રણ મહિને નવા સિપાહી આવતા. પરંતુ એક સિપાહી મને યાદ છે, કદાચ નામ જમીલ હતું એનું.
સ્પેશ્યલ બ્રાન્ચનો સિપાહી હતો એટલે વરદી નહોતો પહેરતો. હૉસ્ટેલની ચોકી પર એક વર્ષથી વધારે સમય નિયુક્ત રહ્યો.
જ્યારે તેણે ટ્રાન્સફર વિશે જણાવ્યું તો અમે ચાર-છ છોકરાઓએ કહ્યું કે, જમીલ આજે હૉસ્ટેલની કૅન્ટિનમાં તારા માટે દાવત કરીએ.
એણે કહ્યું, 'દાવત! એના કરતાં શ્રીદેવીની કોઈ ફિલ્મ બતાવી દો.'
એ રાત્રે સિપાહી જમીલના સન્માનમાં શ્રીદેવીની ફિલ્મ 'જસ્ટિસ ચૌધરી' મંગાવવામાં આવી અને તેને જોવામાં આવી.

90ના દાયકામાં...

ઇમેજ સ્રોત, JUSTICE CHAUDHARY/MOVIE POSTER
આજે હું 30-35 વર્ષો બાદ વિચારું છું કે જો શ્રીદેવી ન હોત તો જનરલ ઝિયા-ઉલ-હકની 10 વર્ષ સુધી રહેલી તાનાશાહી અમે કેવી રીતે પસાર કરત?
મેં શ્રીદેવીની આખરી ફિલ્મ 'ચાંદની' જોઈ હતી, પછી જીવન ક્યાંથી ક્યાં લઈ ગયું.
શ્રીદેવીને પણ કદાચ ખબર પડી ગઈ હતી, આથી 90ના દાયકામાં પણ તેઓ સાંજના સૂર્યની જેમ ધીમે ધીમે ઓછાં દેખાવાં લાગ્યાં.
મેં સાંભળ્યું કે, 'ઇંગ્લિશ વિગ્લિંશ' ખૂબ સારી ફિલ્મ હતી, પછી સાંભળ્યું કે, 'મૉમ'માં શ્રીદેવીએ સરસ અભિનય કર્યો હતો.
વૅન ગૉગ વિશે સાંભળ્યું છે કે તેઓ પોતાની કોઈ પેઇન્ટિંગ વધુ પસંદ આવી જાય તો તેને ફાડી નાખતા હતા.
શ્રીદેવીના મામલામાં પણ આવું થયું, કદાચ તેમની પેઇન્ટિંગ બનાવવાવાળાને વધારે પસંદ આવી ગઈ હશે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.













