કોકેઇન ગૉડમધર : ત્રણ-ત્રણ પતિઓની હત્યા કરનાર એ ક્રૂર મહિલાની કહાણી

ઇમેજ સ્રોત, NETFLIX
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
'જો મને ક્યારેય કોઈનાથી ડર લાગ્યો હોય, તો તે ગ્રિસૅલ્ડા બ્લૅન્કો છે.' કોલંબિયામાં ડ્રગ્સના નેટવર્કના 'બેતાજ બાદશાહ' મનાતા પાબ્લો એસ્કોબારે તેનાં હરીફ ગ્રિસૅલ્ડા વિશે આ વાત કહી હોવાની ચર્ચા છે.
પાબ્લો કોલંબિયાના હિંસક ડ્રગ્સ માફિયાઓમાંથી એક માનવામાં આવે છે. 1980-90ના દાયકામાં તેણે પોતાની બાદશાહત સ્થાપિત કરવા માટે ચાર હજાર લોકોની હત્યા કરાવી નાખી હોવાનો તેના પર આરોપ હતો તથા અનૌપચારિક રીતે આ આંકડો પાંચ હજાર કરતાં પણ વધુ હોવાનું કહેવાય છે. ત્યારે ગ્રિસૅલ્ડાના ખોફ વિશે અનુમાન કરી શકાય.
ગ્રિસૅલ્ડાએ 'પુરુષોનો વ્યવસાય' મનાતા ડ્રગ્સના ધંધામાં પગપેસારો કરવા અને પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરવા માટે ક્રૂરતાને પોતાનું શસ્ત્ર બનાવ્યું હતું. તેણે જીવનકાળ દરમિયાન ત્રણ લગ્ન કર્યાં, પરંતુ પતિઓ પ્રત્યેના તેના વ્યવહારને કારણે તે 'બ્લૅક વિડો' તરીકે પણ ઓળખાતી.
એક તબક્કે તેની ગૅગ દરમહિને દોઢ ટન કોકેઇન અમેરિકામાં ઘુસાડતી હતી. ગ્રિસૅલ્ડાએ યુવતીઓ મારફત અમેરિકામાં કોકેઇન ઘુસાડવાનો નુસખો શોધી કાઢ્યો હતો, જેના વિશે અધિકારીઓને ખબર પડી, ત્યાં સુધીમાં ખાસ્સું મોડું થઈ ગયું હતું.
ઈટાલિયન મૂળના અમેરિકન એજન્ટે ગ્રિસૅલ્ડાની ધરપકડમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. કાયદાને ચુંગાલમાં લેતી વેળાએ સરકારી અધિકારીએ ગ્રિસૅલ્ડાએ જે કર્યું, તે ઈટાલીમાં માફિયાઓમાં પ્રચલિત ચલણ હતું. તેણે અમેરિકાની જેલમાં 19 વર્ષની જેલની સજા કાપી અને પારિવારિક દૃષ્ટિએ પણ કિંમત ચૂકવી હતી.
ગ્રિસૅલ્ડાની જે જગ્યાએ તથા જે રીતે હત્યા થઈ, તેના કારણે ઘણાને લાગતું હતું કે તેના કિસ્સામાં 'કવિન્યાય' થયો.
કોલંબિયાનાં 'કોકેઇન ક્વીન'નાં જીવન પર આધારિત વેબસિરીઝ 'ગ્રિસૅલ્ડા' ઓટીટી પ્લૅટફૉર્મ નેટફ્લિકસ ઉપલ ઉપલબ્ધ છે. બહુચર્ચિત 'નાર્કોસ' અને 'નાર્કોસ : મૅક્સિકો'ના નિર્માતાઓએ આ સિરીઝ બનાવી છે, જેનું દિગ્દર્શન 'નાર્કોસ'ના ડાયરેક્ટર આંદ્રેસ બેઝે કર્યું છે.
ગૃહયુદ્ધમાં ગ્રિસૅલ્ડા

ઇમેજ સ્રોત, Alamy
1943નું વર્ષ એવો સમય હતો કે જ્યારે સર્વત્ર બીજા વિશ્વયુદ્ધના ઓળા છવાયેલા હતા. અમેરિકા, યુરોપિયન દેશો, સોવિયેત સંઘ અને બીજા કેટલાક સામ્યવાદી દેશોએ આ આઘાતને પચાવી લીધો હતો, પરંતુ નાના અને અલ્પવિકસિત દેશો આગામી વર્ષો સુધી તેનું પરિણામ ભોગવવાના હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એજ વર્ષે ગ્રિસૅલ્ડા બ્લૅન્કોનો જન્મ કોલંબિયાના એક ગરીબ પરિવારમાં થયો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી દેશમાં સામ્યવાદ અને લોકશાહી પરિબળો વચ્ચે હિંસક સંઘર્ષ ચાલુ થઈ ગયો હતો, જે 1958 સુધી ચાલવાનો હતો.
ગૃહયુદ્ધ, ગરીબી, અંધાધૂંધી અને ભૂખમરાની વચ્ચે તેણે 11 વર્ષની ઉંમરે પહેલો ગુનો આચર્યો હતો. તેણે અમીર ઘરના બાળકનું અપહરણ કર્યું હતું. એ પછી ખંડણી માગી હતી, પરંતુ તેના પરિવારજનોએ રકમ ન ચૂકવી. જેના કારણે ગ્રિસૅલ્ડાએ કથિત રીતે બાળકની હત્યા કરી નાખી હતી.
આ પછીનાં વર્ષો દરમિયાન તેણે ચોરી, ખિસ્સા કાપવા જેવા નાના-મોટા ગુના આચર્યા. તે રીતે અમેરિકાના આર્થિક પાટનગરમાં પોતાના પહેલા પતિ સાથે ગેરકાયદેસર રીતે આવીને વસી ગઈ અને 21 વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં ત્રણ દીકરાની માતા બની ગઈ હતી.
આ એવો સમય હતો કે જ્યારે અમેરિકાના સમાજમાં હિપ્પી કલ્ચર પ્રસ્થાપિત થઈ રહ્યું હતું. મોજમજા માટે અને પલાયનવૃત્તિથી પ્રેરાઈને યુવાનો ગાંજા અને ચરસ જેવાં દ્રવ્યોનું સેવન કરી રહ્યાં હતાં. આવા સમયે કોકેઇન, હેરોઇન અને એલસીડી જેવા નશાકારક પદાર્થો બજારમાં આવી રહ્યા હતા.
ગ્રિસૅલ્ડાનો પહેલો પતિ તેની સાથે મારઝૂડ કરતો અને તેને છોડી ગયો. ત્રણ દીકરાની જવાબદારી એકલી ગ્રિસૅલ્ડા ઉપર આવી પડી. તેની પાસે શિક્ષણ કે આવકના કોઈ નિશ્ચિત સ્રોત ન હતા.
કોકેઇનના ધંધામાં નફાની શક્યતાઓ અંગે ગ્રિસૅલ્ડા વાકેફ હતી અને ધંધા તરીકે તેને ઓળખનાર શરૂઆતના 'નાર્કોસ'માંથી એક હતી. કોલંબિયા અને આસપાસના દેશોમાં અમુક સો ડૉલર પ્રતિકિલોગ્રામના ભાવે મળતું કોકેઇન અમેરિકામાં પહોંચતાની સાથે જ હજારો-લાખો ડૉલરમાં વેચાતું.
જોકે નશાકારક પદાર્થોને અમેરિકામાં ઘુસાડવાની મોટી સમસ્યા હતી. આવા સમયે તેણે એક નુસખો શોધી કાઢ્યો હતો.
ઉપવસ્ત્રોનો ઉપયોગ

ઇમેજ સ્રોત, NETFLIX
ગ્રિસૅલ્ડાની મુલાકાત આલ્બર્ટો બ્રાવો નામના ડ્રગ્સ પૅડલર સાથે થઈ અને તેની સાથે માયામી આવી ગઈ. તેણે ડ્રગ્સને અમેરિકામાં ઘુસાડવા માટે યુવતીઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.
એક ફેકટરીમાં યુવતીઓ માટે કોકેઇન છુપાવી શકાય તે પ્રકારનાં ખાસ અંતરવસ્ત્રો અને ઉપવસ્ત્રો તૈયાર થતાં અને તેમાં ગ્રૅસિલ્ડાના વેપારીહિત પણ હતાં.
કોલંબિયાની યુવાન, શિક્ષિત, આકર્ષક યુવતીઓને વિશિષ્ટ પ્રકારનાં ઉપવસ્ત્રો અને આંતરવસ્ત્રો પહેરવાં માટે કહેવામાં આવતું. એક યુવતી સરેરાશ બેથી ત્રણ કિલોગ્રામ ડ્રગ્સ સાથે અમેરિકામાં પ્રવેશી શકતી.
આત્મવિશ્વાસથી ભરપૂર આધુનિક અને 'ચાર્મ ઑફેન્સિવ' ધરાવતી યુવતીઓ ઇમિગ્રેશનના અધિકારીઓને થાપ આપવામાં સફળ રહેતી.
એ સમયે આ નવતર પ્રયોગ હતો અને તે ખૂબ જ સફળ રહ્યો હતો અને અધિકારીઓ આના વિશે સતર્ક થાય તે પહેલાં જોત-જોતામાં તેનું પોતાનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું હતું. એક તબક્કે 'મર્દના મોઢેથી' સાંભળવા માગતા ડ્રગ્સતસ્કરોની સાથે ડીલ કરવા માટે તેણે પુરુષસભ્યને આગળ કર્યો હતો.
હત્યાના એક કેસમાં ધરપકડ પછી, તેણે પોતાનો ધંધો જાતે સંભાળવા માંડ્યો હતો અને પોતે જ સામે આવીને ડીલ કરતી. આવા સમયે તેના માટે એક લાભકારક ઘટના ઘટી.
1980ના દાયકાની શરૂઆતમાં ડ્રગ્સના ધંધામાંથી બહાર નીકળી જવા માટે ગ્રિસૅલ્ડાને તેની હરીફ ગૅંગે દોઢ કરોડ ડૉલરની ઓફર કરી હતી, પરંતુ પ્રસ્તાવ સ્વીકારવાના બદલે તેણે લડવાનું પસંદ કર્યું હતું.
પુરુષોનો ધંધો મનાતા ડ્રગ્સના વેપારમાં પોતાની જાતને પ્રસ્થાપિત કરવા માટે ગ્રિસૅલ્ડાને ખૂબ જ મહેનત કરવી પડી હતી. તેણે પોતાની આસપાસના પુરુષો કરતાં વધુ ચાલાક અને તેજ બનવું પડ્યું હતું.
ગ્રિસૅલ્ડાની ગૅંગ તેના ચરમ પર હતી દર મહિને અમેરિકામાં દોઢ ટન કોકેઇન ઘુસાડતી હતી, જેની કિંમત કુલ્લે અબજો ડૉલરમાં થતી. 1980ના દાયકાની શરૂઆતમાં તેની ગણતરી વિશ્વની સૌથી ધનવાન અને ભયાનક મહિલાઓમાં થતી. અમેરિકા તથા કોલંબિયામાં તેનાં અનેક ઘર હતાં અને તે મોંઘી-મોંઘી હોટલોમાં રોકાતી.
'બ્લૅક વિડો બ્લૅન્કો'

ઇમેજ સ્રોત, Elizabeth Morris/Netflix
1970ના દાયકાની શરૂઆતમાં માયામીમાં ડ્રગ્સના વેપાર ઉપર પ્રભુત્વ માટે ગૅંગોની વચ્ચે હિંસક અને લોહિયાળ અથડામણો થવા લાગી અને હત્યાઓ પણ થતી. ગ્રિસૅલ્ડાએ પોતાનું વર્ચસ્વ જમાવવા અને ધાક બેસાડવા માટે ક્રૂર હિંસક પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.
એપ્રિલથી સપ્ટેમ્બર 1980ના સમય દરમિયાન લગભગ એક લાખ 35 હજાર ક્યુબાવાસીઓ અમેરિકામાં આવ્યા, જેને 'મૅરિયેલિટોસ' તરીકે ઓળખવામાં આવે છે. તેમાંથી અમુક અગાઉથી જ ક્રિમિનલ ગૅંગમાં સામેલ હતા અને ડ્રગ્સની તસ્કરી કે સોપારી લઈને હત્યા કરવા જેવી પ્રવૃત્તિઓ કરતા.
ગ્રિસૅલ્ડાએ તેમનામાંથી અમુકની પોતાની ગૅંગમાં ભરતી કરી અને ભાડૂતી મારાઓને બદલે ગૅંગના સભ્યો જ હત્યા કરે તે માટે મારા તૈયાર કર્યા. બે શખ્સ ઉપર મોટરબાઇક ઉપર આવે, પાછળ બેસેલો શખ્સ ટાર્ગેટ ઉપર ગોળીબાર કરે અને તેની હત્યા કરી નાખે પછી બંને ત્યાંથી ફરાર થઈ જાય અને ભીડમાં ઓગળી જાય.
કહેવાય છે કે દુશ્મનોનો સોથ વાળી દેવા માટે ગ્રિસૅલ્ડાએ જ આ સ્ટાઇલને પ્રચલિત કરી હતી. તેઓ 'પિસ્તોલિરો' તરીકે ઓળખાતા.
ગ્રિસૅલ્ડાએ ગૅંગના ગદ્દાર, દુશ્મનો ઉપરાંત પોતાના પતિઓની પણ હત્યા કરાવી હતી, જેના કારણે તેને 'બ્લૅક વિડો' એવું ઉપનામ પણ મળ્યું હતું. અમેરિકા સહિત પશ્ચિમી દેશોમાં પતિ કે પ્રેમીની હત્યા કરાવનારી મહિલાઓ માટે આ શબ્દપ્રયોગ પ્રચલિત છે.
1970માં આલ્બર્ટો સાથે માયામી આવી તે પહેલાં તેણે પોતાની સાથે મારઝૂડ કરનારા પહેલા પતિની હત્યા કરાવડાવી નાખી હતી. 1975માં તેણે આલ્બર્ટોની હત્યા કરી નાખી.
ગ્રિસૅલ્ડાને લાગતું હતું કે બીજા પતિ આલ્બર્ટોએ તેના પૈસા ચોર્યા છે એટલે તેણે પોતે જ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આલ્બર્ટોનો ભત્રીજો વેર લેવા માટે ગ્રિસૅલ્ડા પાછળ પડી ગયો હતો અને તેના માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી.
ગ્રિસૅલ્ડાએ ત્રીજા લગ્ન કર્યાં અને તેના થકી પોતાના ચોથા દીકરાને જન્મ આપ્યો. ઈટાલિયન માફિયાની કહાણી પર આધારિત અમેરિકાની કલ્ટ ક્લાસિક ફિલ્મ 'ધ ગોડફાધર'થી તેણી ખૂબ જ પ્રભાવિત હતી.
એટલે જ તેણે પોતાના ચોથા દીકરાને માઇકલ કૉર્લિયોની એવું નામ આપ્યું હતું. જે ફિલ્મના શીર્ષકપાત્રનો સૌથી નાનો દીકરો છે. અલ પચિનોએ આ ભૂમિકા ભજવી હતી.
જ્યારે તેનો ત્રીજો પતિ તેના દીકરા માઇકલને લઈને માયામીની બહાર કોલંબિયા ગયો, ત્યારે ગ્રિસૅલ્ડાએ ત્યાં જ તેની હત્યા કરાવડાવી નાખી હોવાનું કહેવાય છે. જોકે રિયલ લાઇફનું એક ઈટાલિયન પાત્ર તેની પાછળ પડ્યું હતું.
કિસ ઑફ ડેથ

ઇમેજ સ્રોત, UGC
અમેરિકામાં ડ્રગ ઍન્ફોર્સમૅન્ટ ઍડમિનિસ્ટ્રેશન પર દેશમાં ઘૂસતા નશાકારક પદાર્થોને અટકાવવાની જવાબદારી છે. શરૂઆતનાં વર્ષોમાં ડીઈએના એજન્ટ્સ અને અધિકારીઓને લાગતું જ ન હતું કે કોઈ મહિલા આટલા મોટા પાયે ડ્રગ્સનો વેપાર કરી શકે અને સુવ્યવસ્થિત રીતે નેટવર્ક ચલાવી શકે
ઈટાલિયન મૂળના બોબ પાલુમ્બો અને તેમની ટીમ ગ્રિસૅલ્ડાના ડ્રગ્સ નેટવર્કની ઉપર નજર રાખી રહ્યા હતા અને તેને પકડવા માટે પ્રયાસરત હતા.
પાલુમ્બોના કહેવા પ્રમાણે : "એક વખત અમને બાતમી મળી હતી કે ચોક્કસ હોટલમાં ગ્રિસૅલ્ડા ઊતરી છે. અમે ત્યાં નજર રાખી રહ્યા હતા, પરંતુ તે નજરે ન પડી. અમારી ધારણાથી વિપરીત તેણે એક્ઝિક્યુટિવ બિઝનેસવુમન જેવી દેખાતી. તેનાં પરિધાન ફેશનેબલ અને આધુનિક હતાં, બોલચાલ કે વાતવર્તણૂકથી તે કોઈ ઉચ્ચવર્ગની સંપન્ન મહિલા જેવી જ લાગતી."
"ગાલમાં પડતાં ખંજનને કારણે હું અને મારો સાથી આ મહિલા જ ગ્રિસૅલ્ડા હોવા વિશે એકમત થયા. એ પછી અમે ફોન ટેપ કરવા અને સર્વેલન્સ રાખવા જેવાં માધ્યમો થકી તેની ઉપર નજર રાખવાનું ચાલુ કર્યું."
11 વર્ષની ડીઈએની ધીરજ અને મહેનતથી વર્ષ 1985માં એ સમય પણ આવ્યો કે જ્યારે કૅલિફોર્નિયામાંથી ગ્રિસૅલ્ડાની ધરપકડ કરવામાં આવી.
બોબના કહેવા પ્રમાણે, "અમે જ્યારે ગૅસિલ્ડાના ઘરમાં પ્રવેશ્યા ત્યારે તે ઉપરના માળે બાઇબલ વાંચી રહી હતી. ગ્રિસૅલ્ડાએ એ વાતે રાહતનો શ્વાસ લીધો કે બીજી હત્યા પછી તેના લોહીનો તરસ્યા બનેલા આલ્બર્ટોના ભત્રીજાના બદલે અમે તેના સુધી પહોંચ્યા હતા."
બોબ તેની પાસે ગયા અને ગ્રિસૅલ્ડાના ગાલ પર હળવી કિસ કરી. ઇટાલિયન માફિયામાં તેને 'કિસ ઑફ ડેથ' કહેવામાં આવે છે અને બોબ એ જ સંદેશ આપવા માગતા હતા.
ગ્રિસૅલ્ડાને 19 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. વર્ષ 2004માં તે અમેરિકાની જેલમાંથી બહાર આવી. એ પછી તેને કોલંબિયા પરત મોકલી દેવામાં આવી, જ્યાં તેનો ચુકાદો થવાનો હતો.
ગ્રિસૅલ્ડાનો અંત

ઇમેજ સ્રોત, Santa Ana Police
ગ્રિસૅલ્ડાના જીવન પર સ્પેનિશ અને અંગ્રેજી ભાષામાં ગીતો લખાયાં છે, ફિલ્મો અને ડૉક્યુમેન્ટરીઓ બની છે. નેટફ્લિક્સની વેબસિરીઝ 'ગ્રિસૅલ્ડા' આ યાદીમાં ઉમેરો છે.
સામાન્ય રીતે આવી વેબસિરીઝમાં માફિયાબૉસ, ડ્રગ્સ તેનો વેપાર તથા હત્યાઓ ગ્લેમરાઇઝ થઈ જતા હોય છે, જોકે વેબસિરીઝ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આવું ન થાય એ માટે તેમણે પૂરતી તકેદારી લીધી છે અને વિષયવસ્તુને વફાદાર રહેવાનો પ્રયાસ કર્યો છે.
જેલમાંથી જ તેણે પોતાનું ગુનાઓનું સામ્રાજ્ય ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓના કહેવા પ્રમાણે, માયામીમાં 50થી 75 હત્યાઓમાં ગ્રિસૅલ્ડાની સંડોવણી હતી. એ જેલમાં ગઈ એ પછી માયામીમાં હત્યાઓના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
જોકે અદાલતમાં સરકારી તંત્ર માત્ર ત્રણ હત્યામાં તેની સીધી સંડોવણીને પુરવાર કરી શક્યું હતું. તેના ઉપર ડ્રગ્સનું ઉત્પાદન, આયાત અને વિતરણ જેવા ગુના પણ સાબિત થયા અને 19 વર્ષની જેલની સજા કાપી હતી.
આ અરસામાં ગ્રિસૅલ્ડાના મોટા ત્રણેય દીકરા મૃત્યુ પામ્યા. વર્ષ 2004માં તે જેલમાંથી બહાર આવી એ પછી તેને કોલંબિયા મોકલી દેવામાં આવી હતી. ઘણાં લોકોને લાગતું હતું કે ગ્રિસૅલ્ડા ઍરપૉર્ટની પણ બહાર નહીં નીકળી શકે.
જોકે, ગ્રિસૅલ્ડાએ કોલંબિયામાં તેની નવી ઇનિંગ શરૂ કરી, ત્યારે તે ખૂબ જ 'લો-પ્રોફાઇલ' રહી. તેણે ઠાઠમાઠથી જીવન જીવવના બદલે સામાન્ય વિસ્તારમાં ખાસ સંપર્કો વગર રહેતી.
ત્રીજી સપ્ટેમ્બર 2012ના દિવસે 69 વર્ષીય ગ્રિસૅલ્ડા ગર્ભવતી પુત્રવધૂ સાથે કસાઈની દુકાને બહાર નીકળી રહી હતી, ત્યારે ધોળા દિવસે તેણે જ પ્રચલિત કરેલી પદ્ધતિ મુજબ જ બે યુવક બાઇક ઉપર આવ્યા. પાછળ બેઠેલો યુવક બાઇક ઉપરથી ઊતર્યો અને ગ્રિસૅલ્ડા ઉપર ગોળીબાર કરીને ભીડમાં અદ્દશ્ય થઈ ગયા.
ગ્રિસૅલ્ડાને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ તેનો જીવ બચી ન શક્યો.












