'તે સિંગલ હોવાનો દાવો કરતો, પણ તેની પોતાની 17 વર્ષની દીકરી હતી,' રિલેશનશિપ ઍપમાં દગાનો શિકાર બનેલાં મહિલાની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, યસરા જબીન
- પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા
પાકિસ્તાનમાં રિલેશનશિપ ઍપ્સનો ઉપયોગ કરતી ઘણી મહિલાઓ છેતરપિંડીનો ભોગ બની રહી છે. કેટલાય પુરુષો પોતે અપરિણિત હોવાનું કહીને રિલેશનશિપ ઍપ પર આવે છે અને મહિલાઓને શિકાર બનાવે છે.
આવી દગાખોરીનો ભોગ બનેલાં એક મહિલા બીબીસીને કહે છે, "હું 35 વર્ષની છું. ગયા વર્ષે એપ્રિલમાં મારી સગાઈ તૂટી ગઈ, ત્યારે કોઈએ મને 'રિશ્તા ઍપ'માં જોડાઈને મારું નસીબ અજમાવવાનું સૂચન કર્યું કારણ કે લગ્ન વિશે ગંભીરતાથી વિચારતા લોકો જ રિલેશનશિપ ઍપનો ઉપયોગ કરે છે."
તે કહે છે, "આ સલાહને અનુસરીને મેં રિલેશનશિપ ઍપ ઇન્સ્ટોલ કરી. મેં આ ઍપનો ઉપયોગ પાંચ મહિના સુધી કર્યો, જે દરમિયાન મને તેમાં ઘણી પ્રોફાઈલ પસંદ આવી. કોઈની સાથે પ્રારંભિક સંપર્ક પછી જ્યારે મને લાગ્યું કે આમાં આગળ વધી શકાય છે, ત્યારે અમે એકબીજાને વધુ સારી રીતે ઓળખવા માટે ફોન નંબરની આપ-લે કરતા."
"આ ઍપના માર્કેટિંગમાં એવું કહેવામાં આવે છે કે પાકિસ્તાનીઓ 'ડેટ' નથી કરતા પણ લગ્ન કરે છે. પરંતુ પાંચ મહિનામાં મને આ ઍપ પર ઘણા એવા પુરુષો મળ્યા જેઓ લગ્ન જેવા ગંભીર સંબંધની મજાક ઉડાવતા હતા."
"મારા માટે યોગ્ય પાત્ર શોધતી વખતે, મેં ઓછામાં ઓછા પાંચ એવા પુરુષોનો સામનો કર્યો જેમણે પોતાના વિશે ખોટી માહિતી આપીને મને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હું એક સરકારી કર્મચારી હોવાથી હું મને મળવા માગતી દરેક વ્યક્તિની પ્રારંભિક ચકાસણી કરતી હતી. હું તેમના નામ અને ફોન નંબરના આધારે ચકાસણી કરતી. ત્યાર પછી મને જાણવા મળ્યું કે જે લોકો ઍપ પર પોતાને સિંગલ ગણાવી રહ્યા છે તેઓ પહેલેથી જ પરિણીત હતા."
35 વર્ષીય હબા (ઓળખ છુપાવવા નામ બદલવામાં આવ્યું છે) દ્વારા બીબીસીને આ વાત કહેવામાં આવી હતી. તેઓ એવી સેંકડો પાકિસ્તાનની મહિલાઓમાં સામેલ છે જેઓ સમાજમાં પ્રચલિત રિવાજના બદલે રિલેશનશિપ ઍપ અથવા મૅરેજ ઍપ્સ દ્વારા પોતાના માટે યોગ્ય પાત્ર શોધવા માંગે છે.
પાકિસ્તાન જેવા સમાજમાં મોટાભાગના લગ્નસંબંધો માતાપિતા, સગાસંબંધી, અને મહિલાઓ અને સંસ્થાઓ દ્વારા નક્કી થાય છે, પરંતુ તાજેતરનાં વર્ષોમાં તેમાં અમુક અંશે બદલાવ આવ્યો છે.
રિલેશનશીપ ઍપ્સનો ઉપયોગ કરતી ઘણી મહિલાઓએ બીબીસી સાથે વાત કરતાં દાવો કર્યો કે આ પ્લૅટફૉર્મ્સ પર તેઓ એવા પરિણીત પુરૂષોને પણ મળ્યા છે જેઓ પોતાના વિશે માત્ર ખોટી માહિતી જ નથી આપતા, પરંતુ અન્ય પ્રકારની છેતરપિંડીથી લગ્ન કરવા પ્રયાસ કરે છે. તેઓ મહિલાઓને ફસાવવાનો પણ પ્રયાસ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફેસબૂક અને અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર મહિલાઓને લગતા ગ્રૂપમાં ઘણી વાર યુઝર્સ આ મુદ્દે ચર્ચા કરે છે. ઘણી અપરિણીત મહિલાઓએ ભાવનાત્મક સંબંધ બન્યા પછી આવા પુરુષોનાં જુઠ્ઠાણાંની પોલ ખુલી હોવાની વાત કરી હતી. કેટલીક મહિલાઓએ એવું પણ કહ્યું કે તેમના પતિ પણ રિલેશનશિપ ઍપ્સ પર હાજર છે અને તેમની સાથે ચિટિંગ કરી રહ્યા છે. ઘણા પુરુષો તેનો ઉપયોગ 'ડેટિંગ ઍપ' તરીકે કરે છે.
'17 વર્ષની દીકરીના પિતાએ પોતાને અપરિણિત ગણાવ્યો'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રિશ્તા ઍપ પરના પોતાના અનુભવો વિશે વાત કરતાં હબાએ કહ્યું, "હું લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવા માટે રિશ્તા ઍપ પર આવી હતી, પરંતુ મને જાણવા મળ્યું કે આ રિલેશનશિપ ઍપ હોવા છતાં અહીંના ઘણા પુરુષોને માત્ર ડેટિંગમાં જ રસ છે. કેટલાક તો એવા પણ હતા જેઓ ખોટી માહિતી આપીને કામચલાઉ સંબંધ સ્થાપિત કરવા માંગતા હતા."
હબાએ કહ્યું, "મને એવા પાંચ પુરુષો મળ્યા કે જેમણે પોતે પરિણિત છે તે વાત જાહેર કર્યા વગર લગ્ન માટે ગંભીરતા દર્શાવી હતી. આવા એક પુરુષને તો હું મળી હતી. જ્યારે બીજા એક કિસ્સામાં પોતાને સિંગલ ગણાવનાર પુરુષને અસલમાં 17 વર્ષની દીકરી હતી. હું બહુ નિરાશ થઈ છું. હું સાથીદારની શોધમાં છું, પરંતુ પુરુષોને સ્ત્રીઓની લાગણી સાથે રમવાનું ગમે છે."
આવો જ એક અનુભવ વર્ણવતા તેણે કહ્યું, "મેં ઍપ પર એક પરિણીત પુરુષ સાથે ખુલીને વાત કરી અને તેને પૂછ્યું કે તે શા માટે અપરિણીત હોવાનો ઢોંગ કરી રહ્યો છે. ઍપ પર હાજર મહિલાઓ લગ્ન કરવા માગે છે જ્યારે પુરુષો સંબંધ શોધવાના ઇરાદાથી આવે છે."
"મેં તેને કહ્યું કે જો મને રિલેશનમાં કે ડેટિંગમાં રસ હોય, તો હું બમ્બલ અથવા ટિન્ડર ઍપ પર જઇશ. હું શા માટે આ ઍપનો ઉપયોગ કરું? તો તેના જવાબમાં તે વ્યક્તિએ જવાબ આપ્યો, "કાશ તમે મને બમ્બલ પર મળ્યા હોત."
મોટાભાગની રિલેશનશિપ ઍપ્સની પૉલિસી એવી છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અને બનાવટી ઓળખનો ઉપયોગ કરીને બોગસ લાઇફ સ્ટોરી બનાવવા અથવા મહિલાઓની સતામણી કરવાની સખત મનાઈ છે, છતાં મહિલાઓ આવી ઘટનાઓનો ભોગ બને છે.
બીબીસીએ રિલેશનશિપ ઍપ્સ પર અપરિણીત મહિલાઓ સાથે સંબંધ બાંધવા માટે પોતાના વૈવાહિક જીવનને છુપાવતા પરિણીત પુરુષો વિશે જાણવાનો પ્રયાસ કર્યો. અમે આવી જ એક વ્યક્તિ સાથે વાત કરી.
અરસલાન (નામ બદલ્યું છે) એ કહ્યું કે તે તેના લગ્નજીવનથી નાખુશ છે. તે તેની પત્નીથી અલગ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી છૂટાછેડા નથી લીધા.
તે કહે છે, "મારા પ્રથમ લગ્નનો અનુભવ સારો ન હતો અને મને બીજા લગ્નમાં રસ નથી. હું જીવનનો આનંદ માણવા માંગુ છું, પરંતુ મને ડર હતો કે જો હું અપરિણીત મહિલાઓને મારા પ્રથમ લગ્ન વિશે કહીશ તો તેઓ મારી સાથે કોઈપણ પ્રકારનો સંબંધ બાંધવામાં અચકાશે."
અરસલાને કહ્યું કે 'મેં આને ધ્યાનમાં રાખીને સૌથી પહેલાં ડેટિંગ ઍપ પર મારું એકાઉન્ટ બનાવ્યું અને ઍપમાં 'ટ્રાવેલિંગ' મોડ ચાલુ કર્યો. મારી પ્રોફાઇલમાં એવું લખવામાં આવ્યું કે હું પાકિસ્તાનની બહાર રહું છું અને અહીં રજાઓ મનાવવા આવ્યો છું. પરંતુ વાસ્તવમાં એવું નહોતું."
તેણે કહ્યું કે થોડા સમય પછી તેણે ડેટિંગ ઍપ અને રિશ્તા ઍપ પર પોતાની પ્રોફાઇલ બનાવી. પરંતુ એક મિત્રે તેને જાણ કર્યા પછી તેણે રિશ્તા ઍપમાંથી પોતાનું એકાઉન્ટ ડિલીટ કરી દીધું.
આવી ઘટનાઓને રોકવા માટે ઍપ્સ કેવાં પગલાં લઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
આવી ચિંતાજનક ઘટનાઓ બહાર આવ્યા પછી મોટાભાગની ડેટિંગ અને રિલેશનશિપ ઍપ્સે યુઝર્સની સુરક્ષા માટે ઘણા નવા ટૂલ્સ રજૂ કર્યા છે, આમ છતાં આવી ઘટનાઓ દરરોજ સાંભળવા મળે છે.
બીબીસીએ પાકિસ્તાનમાં કાર્યરત આવી ઍપ્સનો સંપર્ક કર્યો અને તેઓ પુરુષો દ્વારા મૅટ્રિમોનિયલ ઍપ્સના દુરુપયોગને રોકવા તથા મહિલાઓના ખાનગી ડેટાને સુરક્ષિત રાખવા શું કરે છે તે જાણવા પ્રયાસ કર્યો.
મઝ ઍપે લેખિત જવાબમાં જણાવ્યું, "મઝ પરની અમારી વિગતવાર સાઇન-અપ પ્રક્રિયા આ ઍપની ગંભીરતા અને લગ્ન-કેન્દ્રિત પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. તેમાં અમે વપરાશકર્તાઓને તેમનાં ધાર્મિક વિચારો, લગ્નના ઇરાદા, કુટુંબની સામેલગીરી તથા વૈવાહિક જીવન વિશે પૂછીએ છીએ."
એમએસ ઍપ કહે છે, "ઍપના વપરાશકર્તાઓને તેમની ઓળખના વૅરિફિકેશન માટે તેમના ફોટા અને સત્તાવાર દસ્તાવેજો અપલોડ કરવાનું કહેવામાં આવે છે અને માત્ર વૅરિફાઈ થયેલી પ્રોફાઇલ્સને જ બ્લૂ ટિક આપવામાં આવે છે."
તેમણે વધુમાં કહ્યું કે "ભવિષ્યમાં પાકિસ્તાનમાં તમામ યુઝર્સ માટે સરકારી દસ્તાવેજો દ્વારા વૅરિફિકેશન ફરજિયાત બનાવવા પર વિચારણા કરવામાં આવી રહી છે."
"આ ઉપરાંત, અમારી 'ગાર્ડિયન' સુવિધા યુઝર્સને તેમની પ્રોફાઇલમાં ગાર્ડિયન ઉમેરવા અને વધારાની સુરક્ષા અને સપોર્ટ માટે વાતચીતમાં જોડાવા દે છે. તકનીકી સુવિધાઓ ઉપરાંત અમે અમારા યુઝર્સને ઍપ્લિકેશનનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે શિક્ષિત કરીએ છીએ. અમારા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા અમે સંબંધ નિષ્ણાતો સાથે સહયોગ કરીએ છીએ અને સેમિનારનું આયોજન કરીએ છીએ."
એક પ્રશ્નના જવાબમાં મઝે કહ્યું કે 'મઝ ઍપ'ના દુરુપયોગ અંગે યુઝર્સની ફરિયાદોની સંખ્યા જણાવવી શક્ય નથી, પરંતુ તેમની પાસે 30 મહિલાઓની એક કૉમ્યુનિટી ટીમ છે જે 'ઑટોમેટેડ અને મેન્યુઅલ પદ્ધતિઓ દ્વારા પ્લૅટફૉર્મ્સના નિયમો અને તેના ઉલ્લંઘનની ફરિયાદો પર કામ કરે છે. "અમને ખબર પડે કે કોઈ પરિણીત પુરુષ મહિલાઓને છેતરે છે, તો અમે તેનું એકાઉન્ટ કાયમ માટે બ્લૉક કરી દઈએ છીએ."
જોકે, મૅટ્રિમોનિયલ ઍપ કહે છે કે આવી ફરિયાદોની સંખ્યા ઘણી ઓછી છે. 'મઝ' ઍપ મારફત અત્યાર સુધીમાં છ લાખ લગ્નો થઈ ચૂક્યાં છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












