વડોદરા: સોશિયલ મીડિયા પર '150થી વધુ યુવતી સાથે સેક્સ ચૅટ કરી બ્લૅકમેલ'નો આરોપી કેવી રીતે ઝડપાયો?

ઇમેજ સ્રોત, Laxmi Patel
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વડોદરાની એક યુવતીની ફરિયાદ પર પોલીસે એક એવો કથિત સાયબર ફ્રૉડ ઝડપી પાડ્યો છે જેની પર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોની પણ 150થી વધુ યુવતીઓ અને કેટલાક યુવકો સાથે સેક્સ ચૅટ કરવાનો અને બ્લૅકમેલ કરવાનો આરોપ છે.
પોલીસનો દાવો છે કે તેમને આ શખ્સના ફોનમાં અનેક યુવતીઓના ફોટો, વીડિયો અને ચૅટ મળ્યા છે.
"મારી ગર્લફ્રૅન્ડે મારી પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવ્યા હતા પછી મારી સાથે બ્રેકઅપ કરી લીધું હતું જેથી હું યુવતીઓ સાથે બદલો લેવા માટે તેઓની સાથે ચૅટ કરતો હતો તેમજ અલગ અલગ બહાનાથી તેમની પાસેથી પૈસા પડાવતો હતો "
પોલીસ અનુસાર પૂછપરછ દરમિયાન આ કબૂલાત રોહિતકુમાર રાકેશસિંહ નામના આરોપીએ કરી છે. આ આરોપીની કહાણી બોલીવૂડની ફિલ્મની સ્ક્રિપ્ટને પણ ટક્કર આપે તેવી છે.
વર્ષ 2011માં રિલીઝ થયેલી બોલીવૂડની ફિલ્મ "લેડિસ વર્સીસ રિક્કી બહલ"માં મુખ્ય પાત્ર રિક્કી બહલ નામનો યુવાન હોય છે જે ચાર જુદાં જુદાં રાજ્યોમાં અલગ-અલગ નામ ધારણ કરીને ચાર યુવતીઓને ફસાવીને તેમના દિલ જીત્યાં બાદ તેમને લાખો રૂપિયાનો ચૂનો ચોપડે છે પણ આ ફિલ્મની કહાણીને પણ ટક્કર આપે તેવી કહાણીનો પર્દાફાશ વડોદરાની સાયબર ક્રાઇમ પોલીસે કર્યો છે.
તારીખ 31મી ઑગસ્ટને 2023ના દિવસે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે 33 વર્ષીય રોહિતકુમાર રાકેશસિંઘની ધરપકડ કરી છે.
એમબીએની શૈક્ષણિક લાયકાત અને જાણીતી ટેલિકૉમ કંપનીમાં મૅનેજર તરીકેની પોસ્ટ ધરાવતા રોહિતકુમાર મધ્ય પ્રદેશના ભોપાલ જિલ્લાના હુઝૂર તાલુકાના વતની છે.
આરોપી રોહિત રાકેશસિંઘ ઉપર નોકરી અને લગ્ન કરવાં માગતી યુવતીઓ સાથે સોશિયલ મીડિયા ઉપર નોકરી કે લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરવાનો આરોપ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તપાસમાં શું સામે આવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રોહિતકુમાર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ અને સ્નૅપચૅટ ઉપરાંત ડેટિંગ વેબસાઇટ ટિંડર પર અનેક ઍકાઉન્ટ મારફતે અનેક યુવક-યુવતીઓની સાથે ચૅટ કરીને તેમને ફસાવતો હોવાનો આક્ષેપ છે.
વડોદરા સાયબર પોલીસે આરોપીને પકડ્યા બાદ તપાસ હાથ ધરી હતી, તેના આધારે પોલીસે આપેલી માહિતી અનુસાર, 'આરોપી રોહિતનાં ચાર વૉટ્સઍપ ઍકાઉન્ટ મળ્યાં છે. આ ચાર ઍકાઉન્ટના માધ્યમથી રોહિતે 25થી વધુ યુવક અને યુવતીઓએ સાથે ચૅટ કરતો હતો.'
'આ સિવાય સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ ઉપર આરોપીએ પાંચ ઍકાઉન્ટ બનાવેલાં છે જેના માધ્યમથી 15થી વધુ યુવક અને યુવતીઓ સાથેની તેની ચૅટ મળી આવી છે.'
પોલીસની તપાસ અનુસાર, 'બે જુદી-જુદી મૅટ્રિમૉની સાઇટ ઉપર આરોપીએ બે આઈડી બનાવેલી હતી જેના માધ્યમથી તેણે 65થી વધુ યુવક અને યુવતીઓએ સાથે ચૅટ કરતો હતો. સ્નૅપચૅટ ઉપર પણ આરોપીનાં બે ઍકાઉન્ટ છે. આ બે ઍકાઉન્ટના માધ્યમથી 20થી વધુ યુવક અને યુવતીઓએ સાથે વાત કરતો હતો.'
પોલીસ તપાસ અનુસાર, 'ફેસબુક ઉપર આરોપીએ ચાર એકાઉન્ટ બનાવેલાં હતાં. ચારેય એકાઉન્ટના માધ્યમથી 25થી વધુ યુવક અને યુવતીઓની સાથે વાતચીત કરતો હતો. આ સિવાય આરોપીએ ટિન્ડર નામની ડેટિંગ ઍપ ઉપર પણ પોતાનું ઍકાઉન્ટ બનાવેલું હતું.'
આમ રોહિત પર અલગઅલગ સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ મારફતે 150થી વધુ યુવતીઓ અને યુવકોની સાથે સંપર્કમાં હોવાનો આરોપ છે.
આરોપીએ યુવતીઓની સાથે કેટલાક યુવકોને પણ પોતાના શિકાર બનાવ્યા હોવાની પોલીસને શંકા છે પોલીસ તેની સાથે સોશિયલ મીડિયા સાઇટ ઉપર સંપર્કમાં આવેલા યુવાનોનો પણ સંપર્ક કરીને તેમની પાસેથી માહિતી એકઠી કરી રહી છે.

ગર્લફ્રેન્ડનો દગો અને છેતરપિંડી?

ઇમેજ સ્રોત, Getty Images
વડોદરા શહેરના સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એન. પટેલએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "વડોદરાની યુવતીની ફરિયાદના આધારે અમે મધ્ય પ્રદેશના હુઝૂર જિલ્લાના 33 વર્ષીય રોહિતકુમાર રાકેશસિંઘની ધરપકડ કરી છે."
"આરોપી રોહિતસિંઘ અલગઅલગ સોશિયલ મીડિયા સાઇટના માધ્યમથી દેશભરમાં જુદાં-જુદાં રાજ્યોની 150 જેટલી યુવતીઓ સાથે સંપર્કમાં હતો અને તેઓની સાથે સેક્સ ચૅટ કરતો હતો."
બી. એન. પટેલએ વધુમાં વાત કરતા જણાવ્યું હતુ કે, "આરોપી રોહિતસિંઘની પૂછપરછમાં તેણે જણાવ્યું હતુ કે, મારી ગર્લફ્રૅન્ડએ મારી પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવ્યા હતા અને ત્યાર બાદ મારી સાથે બ્રેકઅપ કરી લીધું હતું જેથી હું યુવતીઓ સાથે બદલો લેવા માટે ચૅટ કરતો હતો તેમજ અલગ અલગ બહાનાથી તેમની પાસેથી પૈસા પડાવતો હતો. "
બી.એન.પટેલે વધુમાં જણાવ્યું કે, "તે વર્ષ 2018થી આ પ્રકારે અલગ અલગ યુવતીઓ સાથે ચૅટ કરતો હતો. જોકે, અમે તેની ગર્લફ્રેન્ડ હોવાના અને તેના બ્રેકઅપ અંગેના પુરાવા પણ માગ્યા છે. તે સત્ય બોલી રહ્યો છે કે જૂઠ બોલી રહ્યો છે તેની તપાસ કરી રહ્યા છીએ. આરોપી તે કુંવારો છે."
તપાસ દરમિયાન પોલીસને ધ્યાનમાં આવ્યું કે આરોપી યુવતીઓ સાથે ચૅટ અને ફોન પર વાત કરતી વખતે અલગઅલગ ઓળખ આપતો હતો.
પોલીસ અનુસાર, "તે યુવતીઓ સાથે ચૅટ અને કૉલ પર જ વાત કરતો હતો. તે યુવતીઓને રૂબરૂ મળતો ન હતો."
"રોહિત નોકરી શોધી રહેલી યુવતીઓ સાથે એક બિઝનેસમૅન બનીને નોકરી આપવાના વાયદાઓ કરી વાત કરતો હતો. મૅટ્રિમૉની સાઇટ પર લગ્નમાં યુવતીઓ સાથે ડાયમંડ કિંગ અનુરાગ શર્મા બનીને વાત કરતો હતો."
"ક્યારેક આઈપીએસ તો ક્યારેક ફાઇવ સ્ટાર હોટલનો મૅનેજર તો ક્યારેક માલિક બનીને વાત કરતો હતો. આ સિવાય રોહિત તેનાં મમ્મીના નામે પણ ઍકાઉન્ટ બનાવ્યું હતું. જે માટે લગ્ન કરવા ઇચ્છતી યુવતીઓ સાથે રોહિતની માતા બનીને તે પોતે જ ચૅટ કરતો હતો."
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે," આરોપી રોહિત કેટલાક યુવકો સાથે તે યુવતી બનીને સેક્સ ચૅટ કરતો હતો. તેમની સામે અશ્લીલ માગણીઓ પણ કરતો હતો. તેમની પાસે ફોટો અને વીડિયો મગાવી તેમને પણ બ્લૅકમેલ કરી તેઓની પાસે પણ પૈસા પડાવતો હતો. ક્યારેક યુવતીઓ સાથે પણ યુવતી બનીને ચૅટ કરતો હતો. યુવતીઓના ઍકાઉન્ટમાં સ્ટૉકિંગ કરતો હતો. રોહિત તે અલગ અલગ રાજ્યની યુવતીઓ સાથે ફેક ઍકાઉન્ટ બનાવીને લગ્નની કે નોકરીની લાલચ આપીને ચૅટ કરી છે. પૈસા પડાવ્યા છે. રોહિતના ફોનમાંથી કેટલીક યુવતીની ચૅટ અને ફોટો પણ મળી આવ્યા છે."
પોલીસ હવે આ તમામ યુવતીઓનો સંપર્ક કરી રહી છે.
બી.એન.પટેલ અનુસાર "કેટલીક યુવતીઓ સાથે અમે સંપર્કમાં છીએ પરંતુ સમાજ કે ઘરના ડરના કારણે હજુ કોઈ યુવતી જવાબ લખાવવા માટે આગળ આવી રહી નથી. આરોપી રોહિત બ્લૅકમેલ કરીને પડાવેલાં રૂપિયાથી તે મોંઘી હોટલોમાં મોજ કરવા જતો હતો તેમજ દારૂ પીતો હતો."
રોહિતની ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટ દ્વારા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

કેવી રીતે ઝડપાયો રોહિત?

ઇમેજ સ્રોત, Getty Images
મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાના હુઝુર તાલુકાના રોહિતનો પર્દાફાશ થવા પાછળ પણ વડોદરાની એક યુવતીની હિંમત જવાબદાર છે.
વડોદરાની એક યુવતી જે રોહિત દ્વારા કથિત રીતે છેલ્લાં કેટલાંક વર્ષોથી છેતરપિંડીનો ભોગ બની રહી હતી.
વડોદરા શહેરમાં રહેતાં ભાવિકાએ (નામ બદલ્યું છે) થોડા દિવસો પહેલાં વડોદરા શહેરના સારબર ક્રાઇમમાં મધ્ય પ્રદેશના રોહિત વિરુદ્ધમાં બ્લૅકમેલિંગ, જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ યુવતી ભાવિકાએ આપેલી ફરિયાદમાં વિગતો આપી હતી કે, "તે વર્ષ 2019માં એક મૅટ્રિમૉની સાઇટથી મધ્યપ્રદેશના રોહિતના સંપર્કમાં આવી હતી. રોહિતએ મૅટ્રિમૉની સાઇટ ઉપર પોતાનું નામ અનુરાગ શર્મા દર્શાવીને તે નામનું એક ફેક આઈડી બનાવેલું હતુ. રોહિતએ અનુરાગ શર્માના નામે ભાવિકાના સંપર્કમાં આવ્યો હતો પછી તેની સાથે મિત્રતા કેળવી લીધી હતી.
ફરિયાદ અનુસાર, રોહિતએ આ દરમિયાન વાતચીતમાં ભાવિકા સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. રોહિત કાયમી વૉઇસ કૉલ કે સોશિયલ મીડિયા સાઇટના માધ્યમથી ભાવિકા સાથે સંપર્ક કરતો હતો અને તેની સાથે લાંબી ચૅટ પણ કરતો હતો. રોહિતે ભાવિકાનો વિશ્વાસ જીતી લીધો હતો પછી તેની પાસેથી તેના અંગતપળોના ફોટો તેમજ વીડિયો મંગાવ્યા હતા.
આગળ ફરિયાદમાં લખાયું છે કે, ભાવિકાએ પણ તેની ઉપર વિશ્વાસ મૂકીને તેને તે ફોટો અને વીડિયો મોકલી આપ્યા હતા. રોહિતે આ અંગત વિડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો હતો. રોહિત અલગ-અલગ ફોન નંબર અને અલગ-અલગ આઈડી પરથી પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઓળખ આપી ભાવિકાને મારી નાખવાની ધાક ધમકી આપતો હતો.
ફરિયાદ અનુસાર, સમાજમાં બદનામ કરવા અને તેને સમાજનો ડર દેખાડીને રોહિતે વર્ષ 2019થી અત્યાર સુધીમાં ભાવિકા પાસેથી 12. 67 લાખ રૂપિયાની રકમ પડાવી લીધી હતી. જોકે, રોહિતને વારંવાર રૂપિયા આપીને ભાવિકા તૂટી ગયાં હતાં સાથે માનસિક રીતે ભાંગી પડ્યાં હતાં. તેમણે આખરે આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરી હતી. જેથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે રોહિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી."
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આરોપી રોહિત રાકેશસિંઘ વિરુદ્ધમાં આઈપીસી 420, 120(બી), 114, 419, 354(ડી), 384, 388, 506 તેમજ આઈટી ઍક્ટની કલમ 66 (સી), 66(ડી) હેઠળ ગનો દાખલ કર્યો હતો પછી આરોપીની ધરપકડ કરી હતી.

ગુનો કેવી રીતે આચરાતો?
આ સમગ્ર પ્રકરણની તપાસ બાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે પત્રકારોને આપેલી માહિતીમાં આરોપીની મોડસ ઑપરેન્ડી અંગે જણાવ્યું હતુ કે,"આરોપી રોહિત મૅટ્રિમૉની સાઇટ તેમજ અલગ-અલગ સોશિયલ મીડિયા સાઇટ પર ફેક આઈડી બનાવ્યા હતા."
"આ ફેક આઈડીના માધ્યમથી યુવતીઓ સાથે મિત્રતા કેળવીને લગ્નની લાલચ આપીને અગંતપળોના વીડિયો અને ફોટો મેળવીને તે વાયરલ કરવાની ધમકી આપીને બ્લૅકમેલ કરતો હતો."
"આરોપી સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર વિવિધ પ્રોફાઇલ્સ બનાવી હતી. જેમાં અલગ અલગ કંપનીઓના મૅનેજર તથા માલિક તરીકેની પોતાની ઓળખ આપી સૅલેરી પેકૅજ કરોડોમાં દર્શાવી તેમજ પ્રોફાઇલમાં મોંઘી ગાડીઓ સાથેના ફોટો મૂકી પોતે બિઝનેસમૅન તરીકેની ખોટી ઓળખ ધારણ કરીને યુવતીઓ સાથે વાતચીત ચાલુ કરતો હતો."
"નોકરીની તલાશ કરતી યુવતીઓને પર્સનલ સેક્રેટરી તરીકે કામ આપવાનું જણાવી તેમને વિશ્વાસમાં લેતો હતો."
પોલીસે આપેલી માહિતી અનુસાર, "તેની સાથે અંગતપળો માણવાનું પણ કહેતો હતો. યુવતીઓને ફોસલાવી તેમની પાસેથી ફોટો તેમજ વીડિયો મંગવતો હતો. વીડિયો કૉલ કરી તેનું રેકૉર્ડિંગને વાયરલ કરવાની ધમકી આપીને બ્લૅકમેલ કરીને રૂપિયા પડાવતો હતો."
"આ સિવાય ડૉક્ટર હોવાની ઓળખ આપી છોકરીઓને નોકરીની લાલચ આપી તેમની પાસે અશ્લીલ માંગણી કરતો હતો. વિવિધ પ્રતિષ્ઠિત મૅટ્રિમૉની સાઇટ પર ડાયમંડ કિંગની આઈડી બનાવી હતી. પોતાના માતા તરીકે બીજું એક આઈડી બનાવી છોકરીઓ સાથે વાત કરી ડાયમંડ કિંગ સાથે લગ્ન કરવાની લાલચ આપતો હતો. ક્યારેક ગરીબ કે લાચાર બની અલગ અલગ બહાનાથી રૂપિયાની માંગણી કરતો હતો."

સાઇબર ફ્રોડથી કેવી રીતે બચશો?
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સાયબર ફ્રૉડથી બચવા સેફ્ટી ટિપ્સ આપે છે તે પ્રમાણે, "અજાણી વ્યક્તિ સાથે વીડિયો કૉલ કરવાનું ટાળવું જોઈએ. પોતાના અંગત ફોટો /વીડિયો સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિને શેર કરવા નહીં."
"સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ પર અજાણી વ્યક્તિ સાથે નાંણાકીય વ્યવહારો કરવો નહીં. જો આપને આ પ્રકારના સાયબર ક્રાઇમમાં કોઈપણ વ્યક્તિ બ્લૅકમઇલ કરે તો આપ તુરંત પોલીસ સ્ટેશન અથવા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરી શકો છો. લગ્ન માટે ઉત્સુક યુવક યુવતીઓએ કોઈ મૅટ્રિમૉની સાઇટ પર આકર્ષક પ્રોફાઇલ ધરાવતી અને ઑનલાઇન મળેલ વ્યક્તિને રૂબરૂ મળી ખરાઈ કર્યા સિવાય વિશ્વાસ કરવો નહીં. પોતાના અંગત ફોટો કે વીડિયો આપવા નહીં. કોઈપણ જાતનો નાણાકીય વ્યવહાર કરવો નહીં."














