40 કરોડ રૂપિયા, સોનાનાં બિસ્કિટ અને શસ્ત્રો ભરેલું એ રહસ્યમય પ્લેન કોણે રઝળતું મૂક્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માઈક થોમસન
- પદ, બીબીસી ન્યૂઝ

ઝામ્બિયાની રાજધાની લુસાકામાં 50 લાખ ડૉલર (આશરે 40 કરોડ રૂપિયા)થી વધુ રોકડ, નકલી સોનું, અને શસ્ત્રો તથા દારૂગોળો ભરેલું એક રહસ્યમય વિમાન મળી આવ્યું છે અને તેની તપાસ ચાલી રહી છે.
એ વિમાન ઇજિપ્તની રાજધાની કૈરોથી રવાના થયું હતું અને બે સપ્તાહ પહેલાં ઝામ્બિયામાં ઊતર્યું હતું. જોકે, ઇજિપ્ત કે ઝામ્બિયા એ બેમાંથી કોઈએ આ પ્લેન ભાડેથી લીધાનું કે તેમાં રહેલા માલની માલિકી પોતાની હોવાનું સ્વીકાર્યું નથી.
ઘણા સવાલ અનુત્તર હોવાથી અફવાઓનો દૌર ચાલી રહ્યો છે.
તેમાં ઇજિપ્ત અથવા ઝામ્બિયાના મોટા રાજકારણીઓ કે ટોચના લશ્કરી અધિકારીઓ સંડોવાયેલા છે? તે આવી એકમાત્ર ફ્લાઇટ હતી કે પછી આવી સેંકડો ફ્લાઈટમાંનું એ પહેલું વિમાન છે, જેને આંતરવામાં આવ્યું છે?
આ પ્લેનમાં મુસાફરી કરી રહેલા ઇજિપ્તના પાંચ અને ઝામ્બિયાના છ નાગરિકોને સોમવારે (28 ઑગસ્ટ, 2023) લુસાકાની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
ઇજિપ્ત અને ઝામ્બિયા બન્નેના નાગરિકો પર દાણચોરી તથા ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઝામ્બિયાના નાગરિકો પર જાસૂસીનો આરોપ પણ છે. કોર્ટમાં હાજર કરવામાં આવેલા ઝામ્બિયાના નાગરિકોમાં સ્ટેટ હાઉસ, રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલયના એક અધિકારીનો પણ સમાવેશ થાય છે.
એક પત્રકારની સત્યશોધક વેબસાઇટ Matsda2shએ આ ઘટનામાં ઇજિપ્તના અધિકારીઓની સંડોવણીનો આક્ષેપ ન કર્યો હોત તો આ ઘટના પ્રત્યે કોઈનું ધ્યાન ખેંચાયું ન હોત.

આ સમાચાર આપનારા પત્રકારને ગૂમ કરી દેવાયા

ઇમેજ સ્રોત, Getty Images
આ સમાચારના પ્રકાશનના થોડા સમય બાદ સાદા વસ્ત્રોમાં સજ્જ ઇજિપ્તનાં સુરક્ષા દળોએ પત્રકાર કરીમ અસદના ઘર પર દરોડો પાડ્યો હતો અને તેમની ધરપકડ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શરૂઆતમાં કરીમ અસદ ગૂમ થઈ ગયા હતા. તેમને ક્યાં અને શા માટે લઈ જવામાં આવ્યા હતા એ કોઈ જાણતું ન હતું.
બાદમાં ઇજિપ્તના સ્વતંત્ર પત્રકારોએ કથિત રીતે રોકડ ભરેલાં વિમાનમાંથી ઝામ્બિયાની પોલીસે તપાસ દરમિયાન જપ્ત કરેલા દસ્તાવેજો સોશિયલ મીડિયા પર પ્રકાશિત કર્યા હતા.
આ દસ્તાવેજો અસદના આક્ષેપની પુષ્ટિ કરે છે અને અટકાયતમાં લેવાયેલા ઇજિપ્તના ત્રણ સૈન્ય કર્મચારીઓ તથા એક વરિષ્ઠ પોલીસ અધિકારીની કથિત નિમણૂંક થયાનું દર્શાવે છે.
સોશિયલ મીડિયા પર અન્ય અનેક પત્રકારોના જોરદાર વિરોધ પ્રદર્શન બાદ અસદને બે દિવસ પછી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની ધરપકડનું ચોક્કસ કારણ હજી પણ રહસ્ય જ છે.
ઇજિપ્તના અધિકારીઓએ માત્ર એટલું જ જણાવ્યું છે કે અસદની વેબસાઇટ પર જે પ્લેનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે ખાનગી હતું અને કૈરોમાંથી પસાર થઈ રહ્યું હતું. આ સ્પષ્ટતાનો અર્થ બીજા શબ્દોમાં એવો થાય કે ઇજિપ્તના સત્તાવાળાઓ તથા અધિકારીઓને આ કેસ સાથે કશું લાગતું-વળગતું નથી.
થોડા સમય પછી તે પ્લેન લુસાકાના કેનેથ કોન્ડા ઍરપોર્ટ પર ઊતર્યું તેના થોડા સમય પછી બધાનું ધ્યાન ઝામ્બિયા પર કેન્દ્રીત થયું હતું.
સ્થાનિક અહેવાલો અનુસાર, ઝામ્બિયાની એક વ્યક્તિને કથિત સોનાની બેગ સાથે, વિમાનમાં આવેલા નવા ઇજિપ્તવાસીઓને મળવાની છૂટ સલામતી રક્ષકોએ આપી હતી. એવું કરવાની પરવાનગી કોણે આપી હતી તે કદાચ કોઈ નથી જાણતું, પરંતુ ઝામ્બિયાના મીડિયા અહેવાલો અનુસાર, થોડી રોકડ ચૂકવવાને કારણે એ વ્યક્તિને છૂટ મળી હશે.
પ્લેનમાં ચડ્યા પછી એ વ્યક્તિએ પોતાની પાસેનું કેટલુંક સોનું પ્લેનમાં બેસેલી વ્યક્તિને વેચી દીધું હતું. એ પછી તેમણે વધારે માગણી કરી હશે.
સલામતી ટીમ પ્લેનમાં તપાસ માટે આવી એ પહેલાં તે વ્યક્તિ જે સોનું વેચી રહી હતી એ વાસ્તવમાં નકલી હતું તે જાણી શકાયું છે કે કેમ તે સ્પષ્ટ નથી.
ધરપકડથી ધમાચકડી
પ્લેનમાં પ્રવાસ કરી રહેલા કેટલાક એજન્ટો સામે, પ્લેનમાં સવાર ઇજિપ્તના નાગરિકો પાસેથી બે લાખ ડૉલર સુધીની રકમ સ્વીકારવાના આરોપસર તપાસ કરવામાં આવી રહી છે.
તે કોઈની ધરપકડ વિના પ્લેનને ટેક ઑફ કરવાની છૂટ આપવાનું ઇનામ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પ્લેનમાં પૈસાની કથિત લેવડદેવડ થઈ રહ્યાનું જાણવા મળ્યું કે તરત જ સલામતી રક્ષકોનું એક અન્ય જૂથ પ્લેનમાં ધસી ગયું હતું અને પ્લેનમાં રહેલી દરેક વ્યક્તિની ધરપકડ કરી હતી.

સોનું અસલી છે કે નકલી?

ઇમેજ સ્રોત, Getty Images
પોતે લાખો ડૉલરની રોકડ, અનેક પિસ્તોલ, 126 રાઉન્ડ દારૂગોળો અને 100થી વધુ કિલોની સોનાની લગડી સાથે પ્લેનમાં શું કરી રહ્યા હતા તેનો સ્પષ્ટ ખુલાસો શંકાસ્પદ લોકો આપી શક્યા ન હતા.
ખાસ કરીને સોનાના બિસ્કીટ રહસ્યમય હતાં. બાદમાં એવું બહાર આવ્યું હતું કે એ બિસ્કીટ સોનાની માફક તાંબુ, નિકલ, ટીન અને જસતના મિશ્રણમાંથી બનાવવામાં આવ્યા હતા, પરંતુ ચળકતું હોય તે બધું સોનું નથી હોતું. પ્લેનમાંના ઇજિપ્તવાસીઓ એક ખરાબ સોદામાંથી ઉગરી ગયા હોય તેવું લાગે છે.
અટકાયત હેઠળ લેવાયેલા 10 લોકો પૈકીના એકનું પ્રતિનિધિત્વ કરતા ઝામ્બિયાના વકીલ મેકેબી ઝુલુએ બીબીસીને જણાવ્યું હતું કે પોતાને 1.1 કરોડ ડૉલર જ મળ્યા હોવાનું પોલીસે શરૂઆતમાં જણાવ્યું હતું. એ રકમ બાદમાં ઘટીને 70 લાખ ડૉલર અને આખરે 57 લાખ ડૉલર થઈ ગઈ હતી.
તેનો એક સંભવિત ખુલાસો એવો છે કે સલામતી દળો પહોંચ્યા તે પહેલાં કુલ પૈકીની લગભગ અડધી રોકડ પ્લેનમાંથી હઠાવી લેવામાં આવી હતી. આ વાત સાચી હોય તો આ ઘટનામાં સંડોવાયેલા લોકો 50 લાખ ડૉલરથી વધુ રોકડ સાથે ઍરપૉર્ટમાં આંટા મારતા હતા.
ઝુલુએ એમ પણ જણાવ્યું હતું કે ધરપકડ બાદ કેદીઓ સાથે કરવામાં આવતા અસમાન વ્યવહારથી તેઓ ચિંતિત છે.

કોણ ખોલશે આ રહસ્ય?

ઇમેજ સ્રોત, Getty Images
ઝુલુના કહેવા મુજબ, તેમના ઝામ્બિયન અસીલ અને ત્રણ વિદેશીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, જ્યારે છ ઇજિપ્તવાસીઓને હૉસ્ટેલમાં રાખવામાં આવ્યા છે.
બીજી તરફ પ્લેનમાં સોનાની બેગ લઈને ગયેલી વ્યક્તિ બધાં રહસ્યો ખોલશે અને ઝામ્બિયાની પોલીસને તપાસમાં મદદ કરશે.
નકલી સોનું બનાવવાની એક કામચલાઉ ફેકટરીમાંથી તાજેતરમાં ઝામ્બિયાના વધુ નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ લોકોની ધરપકડ થવાની આશા છે.
આ કેસ બાબતે સમગ્ર વિશ્વમાં રસ વધી રહ્યો છે, તેમ અટકળનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
વિવિધ દેશોમાં રહેતા ઇજિપ્તના સ્વતંત્ર પ્રોફેશનલ્શની થિન્કટૅન્ક ઇજિપ્ત ટેક્નૉક્રેટના જણાવ્યા મુજબ, ઇજિપ્તમાં 300થી વધુ ગુપ્ત કંપનીઓ કાળા નાણાંને કાયદેસરના બનાવવાના કામમાં સંડોવાયેલી છે.
કેટલાક લોકો કહે છે કે રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી નવ વર્ષ પહેલાં સત્તા પર આવ્યા ત્યારથી દેશમાં નાણાંની મોટાપાયે દાણચોરી કરવામાં આવી રહી છે.
આ વાત સાચી હોય તો પકડી પાડવામાં આવેલું વિમાન એકમાત્ર એવું વિમાન છે જેણે આવી સેંકડો ટ્રીપ કરી હતી?
કેટલાંક વર્તુળો એવું માને છે કે રાષ્ટ્રપતિ અલ-સીસીની સરકાર ગમે ત્યારે તૂટી પડશે એવા ભયને કારણે ઇજિપ્તના કેટલાક વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ તેમના નાણાં દેશમાંથી બહાર મોકલવાના જોરદાર પ્રયાસ કરી રહ્યા છે.
પ્રસ્તુત કેસ સાથે સંકળાયેલી તમામ વાતોની માફક આ વાત પણ કેટલી સાચી છે તે કોઈ ખાતરીપૂર્વક કહી શકે તેમ નથી.
આખરે કેસ ચાલશે ત્યારે બધા સવાલોના જવાબ મળશે તેવી આશા છે. જોકે, એ જવાબ નવા સવાલોનું પ્રારંભબિંદુ બનવાનું જોખમ પણ છે.














