અમદાવાદની કંપની અને હૈદરાબાદમાં બેસીને અમેરિકનોના હજારો ડૉલર પડાવતી, કેવી રીતે ઝડપાઈ ટોળકી?

કૉલ સેન્ટર

ઇમેજ સ્રોત, Cyberabad Police/Getty

    • લેેખક, સતીશ બલ્લા
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદમાં રજિસ્ટર થયેલી એક કંપની હૈદરાબાદમાં બેસીને અમેરિકનો સાથે છેતરપિંડી કરતી એક ટોળકીને પોલીસે પકડી પાડી છે.

એ ટોળકીના કેટલાક સભ્યો પોતે અમેરિકન સરકારના અધિકારીઓ તથા પોલીસ હોવાનો દાવો કરતા હતા, જ્યારે કેટલાક ખુદને એમેઝોન કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ ગણાવીને અમેરિકન તથા કૅનેડિયન નાગરિકોને ફસાવતા હતા.

આ ટોળકીને સભ્યો તેમને જેલમાં ગોંધવાની ધમકી આપીને હજારો ડૉલર પડાવતા હતા અને ગિફ્ટ કાર્ડ સ્વરૂપે અમેરિકન નાગરિકોને વેચતા હતા. તેને ક્રિપ્ટોકરન્સીમાં પરિવર્તિત કરી અને હવાલા ચેનલ મારફત રૂપિયા ભારતમાં લાવવામાં આવતા હતા.

તેલંગાણા પોલીસે ઉઘાડા પાડેલા આ કૌભાંડનું સંચાલન કરતી એક કંપની અમદાવાદમાં રજિસ્ટર્ડ છે. કૌભાંડનું કેન્દ્ર હૈદરાબાદ હતું અને દેશનાં વિવિધ રાજ્યોના અનેક યુવાનો તેમાં કામ કરતા હતા. તેમની પાસેથી હજારો અમેરિકન નાગરિકોને બૅન્ક એકાઉન્ટ ડિટેલ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

મદપુર પોલીસે આ સંબંધે અત્યાર સુધીમાં 115 લોકોની ધરપકડ કરી છે.

ગ્રે લાઇન

ઑનલાઇન ગુનેગારોની ટોળકીમાં કોણ-કોણ છે?

પોલીસ

ઇમેજ સ્રોત, CYBERABAD POLICE

પોલીસે પકડી પાડેલા આરોપીઓમાં મોહમ્મદ અન્સારી મોહિરફાન (એઆરજે સોલ્યુસન્સ), ઘાંચી અકિબ (એજી સોલ્યુસન્સ), પ્રદીપ વિનોદ રાઠોડ (વેર્ટેઝ સોલ્યુસન્સ), ઓસમાન ગની ખાન (વેર્ટેઝ સોલ્યુસન્સ), શિવમ પ્રધાન (ફ્લોર લીડર, વેર્ટેઝ સોલ્યુસન્સ) અને દીપુ થાપર (ફ્લોર લીડર, વેર્ટેઝ સોલ્યુસન્સ) ઉપરાંત બીજા 109 લોકોનો સમાવેશ થાય છે.

સાઇબરાબાદના પોલીસ કમિશનર સ્ટીફન રવીન્દ્ર અને મદપુરના ડીસીપી સંદીપના જણાવ્યા મુજબ, આ ટોળકી રોજ સરેરાશ દસથી 20 અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતી હતી અને રોજ આશરે 20,000 ડૉલર પડાવતી હતી.

ગ્રે લાઇન

અમેરિકન અધિકારીઓના નામે છેતરપિંડી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CYBERABAD POLICE

આ કૌભાંડ કઈ રીતે આચરવામાં આવતું હતું તેની માહિતી સાઇબરાબાદ પોલીસે આપી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ ટોળકીએ હૈદરાબાદમાં એક કૉલ સેન્ટર બનાવ્યું હતું અને ત્યાંથી અમેરિકન કસ્ટમ્સ તથા બૉર્ડર પ્રૉટેક્શન સેલના નામે અમેરિકન નાગરિકોને ફોન કરવામાં આવતા હતા.

નાગરિકોને કહેવામાં આવતું હતું કે, “તમારા નામનું એક પાર્સલ મૅક્સિકોથી આવ્યું છે. તેમાં ડ્રગ્ઝ અથવા બીજી ગેરકાયદે સામગ્રી હોવાની અમને શંકા છે. તેથી તેને તપાસવામાં આવશે.”

આ વાત સાંભળીને અમેરિકન તેમનાથી ગભરાઈ જતા હતા અને પોતાની બધી ડિટેલ આપતા હતા. તેમને બે સરનામાં જણાવવામાં આવતાં હતાં. એ પૈકીનું એક તેમનું ઑરિજિનલ ઍડ્રેસ હોય. તે ઍડ્રેસની વિગત સાંભળ્યા પછી અમેરિકન નાગરિકને તે કન્ફર્મ કરવાનું કહેવામાં આવતું હતું.

તેમને કહેવામાં આવતું હતું કે, “તમે બહાર હતા ત્યારે સ્ટેટ માર્શલ્સ (ત્યાંની પોલીસ) દ્વારા તમારા ઘર પર દરોડો પાડવામાં આવ્યો હતો. એમને તમારા ઘરમાંથી નાણાકીય અપરાધો સંબંધી દસ્તાવેજો અને ડ્રગ્ઝ મળી આવ્યાં છે.”

આરોપીઓ આટલેથી અટકતા ન હતા. આ ગુનાના વ્યાપની માહિતી આપતાં આંધ્ર પ્રદેશના પોલીસ અધિકારીઓએ કહ્યું હતું, “અમેરિકા, મૅક્સિકો અને કોલંબિયા વચ્ચે દર વર્ષે 50 લાખ ડૉલરના વ્યવહારો થતા હોવાની ફોરેન એસેટ કન્ટ્રોલ ઑફિસને આશંકા છે.”

અમેરિકનોને જણાવવામાં આવતું હતું કે ફેડરલ જસ્ટિસ વિભાગ તમને શકમંદ માને છે. ટેક્સાસ રાજ્યની અલ પાસો કાઉન્ટીમાં કે અન્ય સ્થળે તમારા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તમારી ધરપકડનું વૉરંટ બહાર પાડવામાં આવ્યું છે.

આ હેતુસર વધુ ભણ્યા હોય તેવા નહીં, પરંતુ અમેરિકન લહેકા સાથેનું સારું અંગ્રેજી બોલી શકતા હોય તેવા લોકોને કૉલ સેન્ટરમાં નોકરી પર રાખવામાં આવતા હતા. તેઓ અંગ્રેજીના જ્ઞાન ઉપરાંત અમેરિકન પોલીસ દ્વારા બોલવામાં આવતી ભાષાનો ઉપયોગ બીજાને ધમકાવવા માટે કરતા હતા.

આ રીતે તેઓ અમેરિકન નાગરિકોને સપડાવતા હતા અને તેમને સંખ્યાબંધ સવાલો પૂછતા હતા. તેમને જણાવવામાં આવતું હતું કે તમારી પર્સનલ ડિટેલ કોઈએ ચોરી લીધી છે અને તમારા નામે ગુનો આચર્યો છે.

તેમને એમ પણ જણાવવામાં આવતું હતું કે તમે કશું ખોટું ન હોય તો તમારે માર્શલ્સ સાથે વાત કરવી પડશે. માર્શલ્સ કંઈ પણ કરી શકે છે. આ રીતે છેતરપિંડીનું નાટક શરૂ થતું હતું.

એ પછી તેમનો કૉલ અમેરિકન માર્શલ્સને ખરેખર ટ્રાન્સફર કરવામાં આવ્યાનું જણાવવામાં આવતું હતું. એ પછી કૌભાંડીઓનો ટીમ લીડર લાઇન પર આવતો હતો અને અમેરિકન માર્શલ્સ ઑફિસરની જેમ વાત કરતો હતો. આ વાતચીત રેકૉર્ડ થતી હોવાનું તેમને જણાવવામાં આવતું હતું.

બીબીસી ગુજરાતી

‘પૈસા ચૂકવી ન શકો તેમ હો તો બાંધછોડ કરીશું’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CYBERABAD POLICE

અમેરિકન નાગરિકોને જણાવવામાં આવતું હતું કે તમારે આમાંથી છુટકારો મેળવવો હોય તો દંડ ભરવો પડશે.

કોઈ દંડ ભરી શકે તેમ ન હોય તો બાંધછોડ કરીને દંડની રકમ ઘટાડવામાં આવતી હતી. તેમને ગિફ્ટ કાર્ડ ખરીદવાનું કહેવામાં આવતું હતું. તમે ઍપલ કે એમેઝોનનાં ગિફ્ટ કાર્ડ ખરીદશો તો તમારા નામે આવેલું પાર્સલ પાછું મોકલી દેવામાં આવશે, એવું પણ તેમને કહેવામાં આવતું હતું.

આ રીતે ફસાયેલા લોકો ગિફ્ટ કાર્ડ ખરીદે પછી તેમની સામેનો કહેવાતો કેસ પાછો ખેંચી લેવામાં આવતો હતો. ત્યાર બાદ કૉલ સેન્ટરના કર્મચારીઓ તેમને રીડીમ્શન કોડ પૂછતા હતા અને નોંધ કરતા હતા. એ કોડ પેક્સફુલ નામની વેબસાઇટ મારફત મૂળ કિંમત કરતાં ઓછા ભાવે વેચવામાં આવતા હતા.

આવો કોડ પેક્સફુલ પર રિડીમ કરે તે વ્યક્તિને ક્રિપ્ટોકરન્સીમાં ચુકવણી કરવામાં આવતી હતી. તેઓ નાણાંને યુએસડીટી સ્ટેબલકોઇન પર ઍક્સચેન્જ કરતાં હતાં. એ પછી તેને ટ્રસ્ટ નામના ક્રિપ્ટોકરન્સી ઍક્સચેન્જ પર ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવતી હતી.

એ ક્રિપ્ટોકરન્સી વેચી મારવામાં આવતી હતી અને તેનાં નાણાંનો ભારતીય ચલણના સ્વરૂપમાં ઉપાડ કરવામાં આવતો હતો. લોકલબિટકોઈન ડોટ કોમ જેવી વેબસાઇટનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. ભારતીય ચલણમાં પરિવર્તિત કરવામાં આવેલા પૈસા ડિજિટલ હવાલા સ્વરૂપે ભારત લાવવામાં આવતા હતા.

બીબીસી ગુજરાતી

એમેઝોનનું બનાવટી કૉલ સેન્ટર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CYBERABAD POLICE

છેતરપિંડીનું એક અન્ય મૉડલ પણ છે. તેમાં અમેરિકન સરકારના કર્મચારીઓના નામે નહીં, પરંતુ એમેઝોનના કૉલ સેન્ટરના કર્મચારી હોવાનું જણાવીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે.

આ પદ્ધતિમાં સૌપ્રથમ ગ્રાહકને ઑટોમૅટિક વૉઇસ કૉલ કરવામાં આવે છે. તેમને જણાવવામાં આવે છે કે તમે એમેઝોન પર આઇફોન, મેકબુક કે ઍરપોડ્ઝનો ઑર્ડર આપ્યો હોય તો એક નંબર દબાવો.

એ પછી કસ્ટમર કેર પ્રતિનિધિ હોવાનો દાવો કરતી એક વ્યક્તિ લાઇન પર આવે છે અને ગ્રાહકને તેનું કહેવાતું ઑર્ડર આઈડી જણાવે છે અને તમને આવતી કાલે ડિલિવરી મળી જશે, એવું કહે છે.

જોકે, પોતે આવો કોઈ ઑર્ડર આપ્યો ન હોવાનું સામા છેડા પરની વ્યક્તિ જણાવે ત્યારે કસ્ટમર કેર પ્રતિનિધિ તેમને કહે છે કે તમે જાતે જ ઑર્ડર આપ્યો છે અને તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે. ખાતરી કરવી હોય તો તમારો ફોન ચેક કરો. તમને એક મૅસેજ મળશે.

આ બનાવટી કૉલ સેન્ટરના કર્મચારીઓ લોકોને એવી ખાતરી ધરાર કરાવતા હતા કે તમે વૅરિફિકેશન ઑથેન્ટિકેટ કરશો તો જ તમારો ઑર્ડર આવશે. તેઓ થોડો વખત લોકોને ફોનલાઇન પર રાખતા હતા અને જણાવતા હતા કે અમે સિક્યૉરિટી ચેક કર્યું છે અને તમારા ઑર્ડરની તમામ વિગત અમારી પાસે છે.

લોકોને જણાવવામાં આવતું હતું કે તમે મોંઘી ચીજો ઑર્ડર કરી છે અને તે નહીં સ્વીકારો તો તમારો ક્રેડિટ સ્કોર પણ નબળો પડશે. નામ, ઉંમર તથા સરનામા જેવી વિગત જણાવ્યા પછી પણ પીડિત કહે કે મેં આવો કોઈ ઑર્ડર આપ્યો નથી ત્યારે “અમારા ઉપરી તમારી સાથે વાત કરશે,” એમ કહીને કૉલ કાપી નાખવામાં આવતો હતો, એવું મદપુરના ડીસીપી સંદીપે જણાવ્યું હતું.

લોકો આ રીતે ન સપડાય ત્યારે તેમને વધુ શંકામાં સપડાવવામાં આવતા હતા. તેમને પૂછવામાં આવતું હતું કે તમે તાજેતરમાં કોઈ કૉફી શોપમાં ગયા હતા? તમે પબ્લિક વાઇ-ફાઇનો ઉપયોગ કર્યો હતો? તમે તમારી અંગત વિગત કોઈને આપી હતી? આવા સવાલો વડે લોકોને મનમાં એવુ ઠસાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો કે તમારી ડિટેલ કોઈએ ચોરી લીધી છે અને તમારા નામે ઑર્ડર આપ્યો છે.

લોકોને જણાવવામાં આવતું હતું કે તમારે ઑર્ડર કૅન્સલ કરવો હોય તો એ બૅન્ક મારફત જ થઈ શકશે. તમે ઑર્ડર કૅન્સલ કરશો તો કૅન્સલેશન ચાર્જ વસૂલવામાં આવશે અને એમાં 200-300 ડૉલરનો ખર્ચ થશે. એમ કરવાને બદલે તમારે એમેઝોન ગિફ્ટ કાર્ડ ખરીદી લેવાં જોઈએ.

તેઓ આ રીતે ગિફ્ટ કાર્ડ વેચતા હતા અને ડૉલરને ક્રિપ્ટોકરન્સીમાં અને તેમાંથી નાણાં ભારતીય કરન્સીમાં ગેરકાયદે રૂપાંતરિત કરતા હતા.

બીબીસી ગુજરાતી

અમેરિકનોની પર્સનલ ડિટેલ ક્યાંથી મળી?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CYBERABAD POLICE

એક ખાનગી વેબસાઇટ પાસેથી અમેરિકા અને કૅનેડાના નાગરિકોના ડેટા ખરીદવામાં આવે છે. callcentersindia.com નામની એક વેબસાઇટ એક પૅકેજ હેઠળ અમેરિકનોનાં નામ, નંબર, ઘરનાં સરનામાં અને બૅન્ક એકાઉન્ટની વિગત વેચે છે.

પોલીસે આ ટોળકીને પકડી પાડી ત્યારે તેમની પાસેથી, કોને કૉલ કરવામાં આવ્યો હતો? કોણે ફોન ઉપાડ્યો ન હતો? પછી વાત કરીશ એવું કોણે કહ્યું હતું? વગેરે જેવી શ્રેણીબદ્ધ વિગત મળી આવી હતી.

લોકોને વિશ્વાસમાં લેવા માટે તેમણે માનવવ્યવસ્થા સાથે આઇવીઆર સિસ્ટમ પણ સેટ કરી હતી. આઇવીઆર એક એવી સિસ્ટમ છે, જેમાં લોકો ફોન કરે ત્યારે તેમને વિકલ્પની પસંદગી માટેનું ચોક્કસ બટન દબાવવાનું કહેવામાં આવે છે. તેઓ આઇવીઆર સેવા માટે પ્રતિ મિનિટ 45 પૈસા ચૂકવતા હતા. પહેલાં ટેલીકૉલર લોકો સાથે વાત કરતા હતા અને પછી લીડ્સ તેમની સાથે વાત કરતા હતા.

સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કૌભાંડ બાબતે અમેરિકન સરકારથી માંડીને ભારતીય પોલીસ સુધી કોઈ, કશું જાણતું નથી.

સાઇબરાબાદ પોલીસે અહીં નકલી કૉલ સેન્ટર ચલાવવામાં આવતાં હોવાની શંકાને આધારે તપાસ હાથ ધરી હતી. તેના પગલે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

તેમની પાસે હજારો નંબર છે. તેઓ રોજ લગભગ 20,000 કૉલ કરતા હતા. તેમાંથી રોજ 20-30 લોકો પણ સપડાય તો તેઓ છેતરપિંડી દ્વારા રોજ લગભગ 20,000 ડૉલરની કમાણી કરતા હશે, એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

બીબીસી ગુજરાતી

કર્મચારીઓની ધરપકડ શા માટે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CYBERABAD POLICE

આવા કિસ્સામાં સામાન્ય રીતે કંપનીના માલિકો તથા મુખ્ય લોકોની ધરપકડ કરવામાં આવતી હોય છે, પરંતુ પ્રસ્તુત કિસ્સામાં તમામ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. કુલ 115 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સ્ટીફન રવીન્દ્રે કહ્યું હતું કે, “કર્મચારીઓ નોકરીમાં જોડાયા ત્યારથી જ જાણતા હતા કે તેઓ છેતરપિંડીનું કામ કરી રહ્યા છે. તેથી અમે તેમની ધરપકડ કરી છે.”

આ કંપનીના માલિક ગુજરાતી છે, જ્યારે કર્મચારીઓ વિવિધ રાજ્યોના છે. દિલ્હીના 12, ગુજરાતના 11, આસામના 12, મહારાષ્ટ્રના 17, નાગાલૅન્ડ, બંગાળ તથા ઝારખંડના 36 અને હરિયાણાના એક કર્મચારી આ કંપનીમાં કામ કરતા હતા.

પોલીસે પહેલાં એવું ધાર્યું હતું કે આ એક જ કૉલ સેન્ટર હશે, પરંતુ બાદમાં તે ચાર જગ્યાએ ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ચારેય સ્થળે તપાસ કરી હતી અને બે કંપની સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરી હતી.

એજી સોલ્યુસન્શ અને એઆરજી કંપની અમેરિકન સરકારના નામે છેતરપિંડી કરતી હતી, જ્યારે વર્ટેક્સ એમેઝોનના નામે છેતરપિંડી કરતી હતી. એઆરજી સોલ્યુસન્શ ગુજરાતના અમદાવાદમાં રજિસ્ટર્ડ કંપની છે. અન્સારી અને અકિબ એઆરજી સોલ્યુસન્શના વડા છે. તેમાંથી કુલ 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એજી સોલ્યુસન્સની મુખ્ય વ્યક્તિ અન્સારી છે. અહીં જોડાતા પહેલાં તેમણે પાંચ વર્ષ સુધી એક અન્ય કૉલ સેન્ટરમાં કામ કર્યું હતું.

પ્રદીપ, વિનોદ, ઉસ્માન ગની અને પ્રધાન વર્ટેક્સ સોલ્યુસન્સમાં અગ્રણી છે. હૈદરાબાદના ઝુબેર મોઈન ખાન અને સાગર ચૌધરી પણ આ ઘટનામાં સંડોવાયેલા છે.

આ કૉલ સેન્ટર મદપુર વિઠ્ઠલ રાવનગરમાં ચાલી રહ્યું હતું. કોઈએ ફરિયાદ કરી ન હતી, પરંતુ પોલીસે મળેલી માહિતીને આધારે ગુનો નોંધ્યો છે.

આ કામગીરીમાં તિરુપતિના સીઆઈએન સૈલુ કે ગૌતમ, પી રવિકિરણ, પી નરસિમ્હા રાવ, એસ વેંકટેશ અને મદપુર સ્ટેશનના શ્વેતાએ ભાગ લીધો હતો.

રેડ લાઇન
રેડ લાઇન