IPC, CrPC અને ઍવિડન્સ ઍક્ટમાં બદલાવ : હવે રાજદ્રોહ ગુનો નહીં રહે, બીજું શું બદલાઈ શકે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય દંડ સંહિતા (આઈપીસી), દંડ પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી) અને ભારતીય પુરાવા અધિનિયમ (ઍવિડન્સ ઍક્ટ)માં સંશોધન માટે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યાં. આ ત્રણેય બિલ હવે સંસદીય સમિતિ પાસે રિવ્યૂ માટે મોકલી દેવાયા છે.
આ કાયદા ભારતમાં ગુનાના અભિયોજનની પ્રક્રિયાના પાયા સમાન છે. કયું કૃત્યુ ગુનો છે અને તેના માટે શી સજા થવી જોઈએ એ ભારતીય દંડ સંહિતા અંતર્ગત નક્કી થાય છે.
દંડ પ્રક્રિયા સંહિતામાં ધરપકડ, તપાસ અને કેસ ચલાવવાની પ્રક્રિયા લખાયેલી છે. ભારતીય પુરાવા અધિનિયમ જણાવે છે કે કેસનાં તથ્યોને કેવી રીતે સાબિત કરાશે, નિવેદન કેવી રીતે નોંધાશે અને પુરાવા રજૂ કરવાની જવાબદારી (બર્ડન ઑફ પ્રૂફ) કોના પર હશે.
ગૃહમંત્રીનું કહેવું છે કે આ કાયદા સંસ્થાનવાદનો વારસો છે અને તેમને સાંપ્રત સમયને અનુકૂળ બનાવાશે.
બિલ રજૂ કરતા અમિત શાહે કહ્યું, “1860થી 2023 સુધી અંગ્રેજો દ્વારા બનાવાયેલા કાયદા આધારે આ દેશની ક્રિમિનલ ન્યાય પ્રણાલી ચાલતી રહી. આના સ્થાને ભારતીય આત્મા સાથે આ ત્રણ કાયદા સ્થાપિત થશે અને આ પ્રણાલીમાં ખૂબ મોટો ફેરફાર થશે.”
તેમણે કહ્યું, “ત્રણેય કાયદા પર ગુલામીનાં નિશાન છવાયેલાં છે. પહેલાં એ બ્રિટિશ સંસદમાં પસાર કરાયા અને તે બાદ અહીં લાગુ કરાયા. તેમાં આજેય 475 સંસ્થાનવાદી રેફરન્સ છે જેમ કે ક્રાઉન, યુનાઇટેડ કિંગડમ, લંડન ગૅઝેટ.”
તેમણે જણાવ્યું કે આ બિલો દ્વારા કયા બદલાવ આવશે.

કયા બદલાવ આવશે?

ઇમેજ સ્રોત, GETTY
ભારતીય ન્યાય સંહિતા બિલ, 2023 રજૂ કરવાનો હેતુ કાયદા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો અને કાયદાકીય પ્રક્રિયાના સરળીકરણનો ગણાવાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇન્ડિયન ઍવિડન્સ ઍક્ટને હઠાવીને ‘ભારતીય સાક્ષ્ય અધિનિયમ’ લાગુ કરવાના આશય સાથે લવાયેલા બિલમાં લખ્યુ છે કે હાલના કાયદા પાછલા અમુક દાયકા દરમિયાન થયેલ ટેકનૉલૉજિકલ પ્રગતિ સાથે મેળ નથી ખાતા અને તેથી તેમને બદલવાની જરૂરિયાત છે.
સીઆરપીસીને હઠાવીને ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023’ નામક બિલ સંસદમાં રજૂ કરાયું છે. તેનો ઉદ્દેશ ન્યાયપ્રક્રિયામાં વિલંબ થતો અટકાવવાનો જણાવાયો છે.
કહેવાયું છે કે નવા કાયદામાં કેસના નિકાલ માટે ટાઇમલાઇન હશે અને તેમાં ફૉરેન્સિક સાયન્સના ઉપયોગની જોગવાઈ હશે.
પોતાના ભાષણમાં અમિત શાહે કહ્યું કે ભારતમાં હાલ ગુનાસિદ્ધિનું પ્રમાણ ખૂબ ઓછું છે. ફૉરેન્સિક સાયન્સની મદદથી સરકાર આ પ્રમાણ 90 ટકા સુધી લઈ જવા માગે છે.
આ ત્રણેય બિલોમાં હાલના ત્રણેય કાયદામાં ઘણાં પરિવર્તન લાવવા અંગેની જોગવાઈ છે. જે અંતર્ગત રાજદ્રોહ હવે ગુનાની શ્રેણીમાં નહીં આવે.
મે, 2022માં રાજદ્રોહનો કાયદો સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. એ સમયે અદાલતે કહ્યું હતું કે સરકારોએ આ કાયદા અંતર્ગત કઠોર કાર્યવાહી ન કરવી જોઈએ.
જોકે, નવા કાયદાના સૅક્શન 150 અંતર્ગત એક નવો ગુનો સામેલ કરાયો છે. જે અનુસાર ભારતમાંથી છૂટા પડવાની, અલગતાવાદી ભાવના રાખવા કે ભારતની એકતા અને સાર્વભૌમત્વ સામે ખતરો ઊભો કરવાના કૃત્યને ગુનો ગણાવાયો છે.
આના માટે આજીવન કેદ કે સાત વર્ષની સજાની જોગવાઈનો પ્રસ્તાવ છે. હાલ રાજદ્રોહ કાયદામાં આજીવન કેદ કે ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.
ઘણા ગુનાને જેન્ડર-ન્યૂટ્રલ બનાવાયા છે. સાથે જ ઘણા કેટલાક નવા ગુના પણ જોડવામાં આવ્યા છે. તેમાં સિન્ડિકેટ ક્રાઇમ પણ સામેલ છે. આ સાથે જ બૉમ્બ બનાવવાની પ્રવૃત્તિનેય ગુનાની શ્રેણીમાં લાવવામાં આવી છે.
હત્યાની વ્યાખ્યામાં પાંચ કે તેથી વધુ લોકો દ્વારા જાતિ કે ધર્મના આધારે મૉબ લિંચિંગને સામેલ કરાયું છે.

ઇમેજ સ્રોત, SPL
આ સિવાય પહેલી વાર કૉમ્યુનિટી સર્વિસને સજા તરીકે સામેલ કરાઈ રહી છે. અમિત શાહે કહ્યું કે હાલ પણ કૉમ્યુનિટી સર્વિસની સજા અપાય છે પરંતુ તેના માટે કાયદા અંતર્ગત જોગવાઈ નથી. નવા કાયદામાં તેની જોગવાઈ હશે.
ઘણા ગુનાની સજામાં વધારો કરાયો છે, જેમ કે ગૅંગ રેપના મામલામાં હાલ ઓછામાં ઓછી દસ વર્ષની કેદની જોગવાઈ છે, હવે તેમાં વધારો કરીને 20 વર્ષની જોગવાઈ કરાઈ રહી છે.
પુરાવા અધિનિયમમાં ઇલેક્ટ્રોનિક ઇન્ફર્મેશનને પણ સામેલ કરાઈ છે. સાથે જ સાક્ષી, પીડિત અને આરોપ હવે ઇલેક્ટ્રોનિક માધ્યમ થકી પણ કોર્ટમાં હાજર રહી શકશે. અમિત શાહે કહ્યું કે પરિવર્તનો સાથે ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયાથી માંડીને કોર્ટમાં દલીલો સુધી સુધી બધું ઓનલાઇન શક્ય હશે.
નવી જોગવાઈઓમાં ફોરેન્સિકનો ઉપયોગ અને કેસની સુનાવણીની ટાઇમલાઇન પણ નક્કી કરાઈ છે. ઉદાહરણ તરીકે સેશન કોર્ટમાં કેસની દલીલો પૂરી થયા બાદ, 30 દિવસની અંદર નિર્ણય આપવો પડશે. આ ડેડલાઇન 60 દિવસ સુધી લંબાવી શકાય છે.
હાલ આના માટે કોઈ સમયમર્યાદા નક્કી નથી. આ સિવાય હવે કોર્ટોએ 60 દિવસની અંદર જ ચાર્જ ફ્રેમ કરવાના રહેશે. નવા બિલમાં સર્ચ દરમિયાન વીડિયોગ્રાફીની પણ જોગવાઈ છે.

કાયદામાં બદલાવથી શી અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ત્રણેય બિલો સંસદની સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલાયા હોવાની વાત મહત્ત્વપૂર્ણ છે.
મે, 2020માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ ત્રણ કાયદામાં પરિવર્તન સૂચવવા માટે એક કમિટીની રચના કરી હતી. તે બાદ ઘણા નિવૃત્ત જજો, વરિષ્ઠ વકીલો અને નિવૃત્ત અમલદારોએ કમિટીને પોતાના વિચાર મોકલી આપ્યા હતા. તેમનું કહેવું હતું કે કમિટીમાં વિવિધતાનો અભાવ છે અને તેણે પારદર્શી રીતે કામ કરવું જોઈએ.
હવે બિલ સંસદીય સમિતિ સમક્ષ છે જ્યાં વિપક્ષ આ અંગે પોતાનો મત વ્યક્ત કરશે. આ બિલોને લૉ કમિશન પાસે પણ મોકલવામાં આવશે. એ બાદ જ બિલોને સંસદમાં ફરી વાર લાવવામાં આવશે, જ્યાં તેના પર ચર્ચા થશે અને તે બાદ એ પસાર કરાશે.
અંતિમ ડ્રાફ્ટ સામે આવ્યા બાદ જ ખબર પડશે કે આ પરિવર્તનોની હાલના કેસો પર કેવી અસર પડશે.
બંધારણના અનુચ્છેદ 20 અંતર્ગત કોઈ પણ વ્યક્તિને માત્ર એ કૃત્ય માટે દોષિત ઠેરવી શકાય છે જે ઘટના સમયે અપરાધની શ્રેણીમાં હોય. તેથી જે પણ બદલાશે તે ભવિષ્યમાં થનારા ગુના સંદર્ભે જ બદલાશે.
કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનાવવા સંબંધે, અમિત શાહે કહ્યું કે તેમનું લક્ષ્ય મોટા ભાગના કેસો ત્રણ વર્ષની અંદર ખતમ થાય એવું છે, જેથી કેસનો ભરાવો ઓછો થઈ શકે.














