લાખોની ઠગાઈના આરોપીને છોડાવવા 'CMનો માણસ બની રોફ મારતો' નિકુંજ પટેલ કોણ છે?

મુખ્ય મંત્રી કાર્યાલયનો નકલી અધિકારી બની ફોન કરવાના ગુનાનો આરોપી નિકુંજ પટેલ

ઇમેજ સ્રોત, Arjun Pandya

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી કાર્યાલયનો નકલી અધિકારી બની ફોન કરવાના ગુનાનો આરોપી નિકુંજ પટેલ
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુરતમાં બેસી સૌરાષ્ટ્રના લોકોના બનાવટી કંપની બનાવી લાખો રૂપિયા ચાઉં કરવાની આરોપી ગૅંગને પકડ્યા પછી દોઢ વર્ષે આ સમગ્ર કથિત કૌભાંડના માસ્ટરમાઇન્ડ અસલમ મેમણ (ગરાના)ને 10 ઑગસ્ટના રોજ જામનગર પોલીસ સુરત ખાતેથી પકડી રિમાન્ડ પર લઈ જઈ રહી હતી.

બરાબર એ જ સમયે અચાનક જામનગરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો (એસપી) ફોન રણકે છે. અને સામેથી સત્તાવાહી અવાજમાં કહેવાય છે કે, “હું મુખ્ય મંત્રીના કાર્યાલયમાંથી બોલું છું, તાત્કાલિક અસલમ ગરાનાને છોડી મૂકો.”

“જે પ્રકારે સત્તાવાહી અવાજમાં ફોન આવ્યો એ પરથી અને ફોન નંબરથી ખ્યાલ આવ્યો કે આ વૉટ્સઍપ કૉલ મુખ્ય મંત્રી કાર્યાલયમાંથી નહોતો આવ્યો. આ એક ખાનગી મોબાઇલ નંબર પરથી આવેલો કૉલ હતો.”

“પહેલાં અમે અસલમને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો. અને તપાસ કરી તો ખબર પડી કે જે નામ સાથે ફોન આવ્યો હતો એવી કોઈ વ્યક્તિ મુખ્ય મંત્રીની ઑફિસમાં કામ નથી કરતી. એટલે મામલાની તપાસ જામનગર સાઇબર ક્રાઇમને સોંપી દીધી. જેથી આરોપીને સમયસર પકડી શકાય.”

જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ આ સમગ્ર ઘટના દરમિયાન પોતાના અનુભવ અને કાર્યવાહી અંગે વાત કરતાં ઉપરોક્ત વાત કરી હતી.

આ કેસ છે બનાવટી કંપનીઓ બનાવી સામાન્ય લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપી અને પોલીસના સકંજામાં આરોપીના ઝડપાયા બાદ કથિતપણે ‘નકલી સરકારી અધિકારી બની રોફ’ મારનારનો પોલીસ કસ્ટડીમાં પહોંચવાનો.

ગ્રે લાઇન

ગુજરાત અને મહારાષ્ટ્રમાં આરોપી સામે કેસ

આરોપી અસલમ મેમણ

ઇમેજ સ્રોત, Arjun Pandya

ઇમેજ કૅપ્શન, આરોપી અસલમ મેમણ (વચ્ચે)

આ કેસની તપાસ કરનાર જામનગરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમને જયારે આ પ્રકારનો ફોન આવ્યાની જાણ થઈ ત્યારે અમારા માટે પણ આ વાત નવાઈ હતી. જ્યારે અમારી પાસે સપ્ટેમ્બર, 2022માં ફોરેન ઍક્સચેન્જમાં પૈસા રોકીને વધુ વળતર આપવાના નામે જામનગર અને એની આસપાસના વિસ્તારમાં લોકોની છેતરપિંડીની ફરિયાદો આવી ત્યારે તાત્કાલિક તપાસના આદેશો અપાયા હતા. અમે તપાસ કરી તો નકલી કંપનીઓ બનાવી અસલમ મેમણની ટોળકી લોકોને છેતરતી હતી. અમે પહેલાં છ લોકોની આ કેસમાં ધરપકડ કરી હતી.”

પોલીસ કાર્યવાહીની વિગતો આપતાં તેમણે આગળ જણાવ્યું હતું કે, “આ લોકો પાસેથી અલગઅલગ સીમકાર્ડ અને બોગસ કંપનીના નામે ખોલાવેલાં એકાઉન્ટ મળ્યાં હતાં. ગીર સોમનાથથી અમે જાન્યુઆરી 2023માં એઝાઝ ચૌહાણ અને ફૈઝાન જમાદાર નામના આરોપીઓની ધરપકડ કરી હતી. આ લોકો કાગળ પરની નકલી કંપની એટલે કે 'ફિશિંગ કંપની' ચલાવતા અને એના એકાઉન્ટમાં આ નાણાં જમા કરાવતાં હતાં. જે ઉપાડી આંગડિયા મારફતે એમના આકા અસલમ મેમણ (ગરાના)ને મોકલાતાં હતાં.”

તપાસમાં બહાર આવેલી વિગતો અંગે વધુ વાત કરતાં પોલીસ અધિકારી જણાવે છે કે, “આરોપીઓના તમામ નાણાકીય વ્યવહારોની તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ પૈકી એક ટ્રાન્ઝેક્શન અસલમના એકાઉન્ટમાં થયું હતું.”

“આ બધી બનાવટી કંપનીઓ હતી અને નાણાં અલગઅલગ દેશ-રાજ્યનાં એટીએમ મારફતે ઉપાડવામાં આવતાં હતાં. તેથી અમે અસલમને પકડવા એક ટીમની રચના કરી.”

પોલીસ અધિકારી જયવીરસિંહ ઝાલા કહે છે કે, “અસલમ દુબઈ જઈ આવ્યો હતો અને તેણે દુબઈ ખાતે હવાલા મારફતે પૈસા પણ મોકલ્યા હતા. અસલમ પર ગુજરાત સહિત મહારાષ્ટ્ર જેવાં અન્ય રાજ્યોમાં પણ બોગસ કંપની બનાવી લોકો સાથે ઠગાઈ કર્યાના કેસ છે. અમે મહારાષ્ટ્ર પોલીસ સાથે સતત સંપર્કમાં હતા. તેની ધરપકડ કરીને અમે જ્યારે રિમાન્ડ મેળવી રહ્યા હતા એ સમયે આ નકલી અધિકારીનો ફોન આવ્યો હતો.”

પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું તેમણે પોતાનાં સગાં અને મિત્રોના નામે મિલકતમાં પૈસા રોક્યા હતા.

ગ્રે લાઇન

‘બિનસરકારી નંબર પરથી વૉટ્સઍપ કૉલ’

ડીવાય. એસ. પી. જયવીરસિંહ ઝાલા

ઇમેજ સ્રોત, Arjun Pandya

ઇમેજ કૅપ્શન, જામનગરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

‘સીએમઓના નકલી અધિકારી’ બનીને ફોન કરવાના મામલાની તપાસમાં જોડાયેલા જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ ભરત પટેલે મામલા અંગે જણાવ્યું હતું કે, “જે દિવસે અસલમ પકડાયો હતો એ દિવસે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ખાસ મિટિંગ ચાલી રહી હતી અને એ સમયે નિકુંજ પટેલનો ફોન મેં જ ઉપાડ્યો હતો. બેઠક પત્યા બાદ પોલીસ અધિકારી પ્રેમસુખ ડેલુસાહેબને નિકુંજ પટેલના ફોન અંગે વાત કરી હતી, બિનસરકારી નંબર પરથી આવેલા વૉટ્સઍપ કૉલને જોઈને તરત જ તેમણે આ ફોન ખોટો હોવાનું કહી તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.”

કથિતપણે નકલી અધિકારી બનીને ફોન કરનારની શોધ માટે પોલીસના પ્રયાસો અંગે માહિતી આપતાં એએસઆઇ પટેલે કહ્યું હતું કે, “આ હુકમ બાદ અમે સાઇબર ક્રાઇમની મદદથી તપાસ કરતાં ફોન કરનારનું લોકેશન અમદાવાદના ગોતા વિસ્તારનું મળ્યું હતું. અમે તરત જ અમદાવાદ માટે રવાના થયા. પોલીસ અધિકારી અમદાવાદ પોલીસ સાથે સતત સંપર્કમાં હતા. નિકુંજ પટેલનું લોકેશન ગોતામાં એક જાણીતા કાફેમાં મળ્યું હતું.”

“આ કાફેમાં મોટા ભાગે જમીન દલાલોની બેઠક હોય છે અને અમે 12 ઑગસ્ટે ગોતાથી એની તાત્કાલિક ધરપકડ કરી જામનગર લાવ્યા હતા.”

ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ પોલીસની તપાસના મહત્ત્વના મુદ્દા અંગે વાત કરતાં કહ્યું હતું કે, “અસલમે હવાલાથી દુબઈમાં રહેલા લોકોને કેટલા પૈસા મોકલાવ્યા છે? ગુજરાત અને મહારાષ્ટ્રમાં ક્યાં ક્યાં પૈસા રોક્યા છે? એની તપાસ ચાલી રહી છે. એણે જ્યાં જમીનોમાં પૈસા રોક્યા છે એને પણ આમાં સાંકળી લેવામાં આવશે, ત્યાર બાદ ભોગ બનનાર તમામનાં નાણાં પરત કરાશે.”

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કથિતપણે મુખ્ય મંત્રીના કાર્યાલયના નકલી અધિકારી બનીને ફોન કરવાના કૃત્યના આરોપી નિકુંજ પટેલની સામે નકલી સરકારી અધિકારી બનવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 170 અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે પણ એના અને અસલમના સંબંધોની પણ તપાસ થઈ રહી છે.

જયવીરસિંહ ઝાલાએ કહ્યું હતું કે, “અસલમના પૈસા નિકુંજ પાસે હતા કે કેમ? નિકુંજ પટેલના મોબાઇલ ફોનની તપાસ ચાલી રહી છે એ કોના સાથે સંપર્કમાં હતો. તેમજ એ અસલમ મેમણ સાથે કેવી રીતે સંકળાયેલો હતો એની પણ તપાસ થઈ રહી છે.”

બીબીસી ગુજરાતી

કોણ છે નિકુંજ પટેલ?

પોલીસપકડમાં પહોંચ્યો આરોપી નિકુંજ

ઇમેજ સ્રોત, Arjun Pandya

ઇમેજ કૅપ્શન, પોલીસસકંજામાં પહોંચ્યો આરોપી નિકુંજ

મૂળ પાટણનો વતની નિકુંજ પટેલ 23 વર્ષનો છે. પાટણના વેપારી અને નિકુંજના કૌટુંબિક સગા સુનીલ પટેલે બીબીસી ગુજરાતી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે નિકુંજ પર ક્રિકેટનો સટ્ટો રમવાને કારણે દેવું થઈ ગયું હતું.

તેમણે કહ્યું હતું કે, “તે બાદ એ ગાંધીનગર આવી નેતાઓ સાથેની સેલ્ફી લેતો. જે ફોટો પાટણમાં લોકોને બતાવી રાજકીય વ્યક્તિઓ સાથે પોતાને ઘરોબો હોવાની વાતો કરતો.”

“એ એના લેણદારોને પણ ધમકાવતો. પાટણ ખાતે એક લેણદાર સાથે થયેલી મારામારી બાદ તેણે પાટણ છોડવું પડ્યું હતું. તેના કુટુંબના લોકો પણ તેને સહકાર નહોતા આપતા.”

સુનીલ પટેલ આગળ જણાવે છે કે, “ઉત્તર ગુજરાતના ઘણા લોકો અમદાવાદના ગોતા અને નવા વાડજ ખાતે રહે છે. તેથી એ પણ ત્યાં જ રહેવા જતો રહ્યો. પરંતુ એ જ્યારે પણ પાટણ આવતો ત્યારે મોંઘી કાર લાવીને જમીનના મોટા સોદા થયાની વાતો કરી લોકોને આંજવાનો પ્રયાસ કરતો.”

ગોતામાં જમીનદલાલીનું કામ કરતા મહેશ રાજપૂતે આ અંગે કહ્યું હતું કે નિકુંજ પોતાને ‘મુખ્ય મંત્રીનો ખાસ માણસ ગણાવતો હતો.’

મહેશ રાજપૂતે નિકુંજની પ્રવૃત્તિઓ અંગેની વિગતો આપતાં કહ્યું હતું કે, “પોતે મુખ્ય મંત્રીના ઘાટલોડિયા મતવિસ્તારના કાર્યાલયમાં કામ કરતો હોવાનું કહેતો, અહીંથી ઘણા લોકોને એ ત્યાં લઈ જતો હતો, એ ત્યાંના નેતાઓ સાથે અમને ખબર ના પડે એમ દૂર રાખીને વાતચીત કરતો અને તે બાદ સચિવાલય લઈ જતો. જ્યાં અમને પાર્કિંગમાં કારમાં બેસાડી સચિવાલયનો આંટો મારતો અને કહેતો કે મુખ્ય મંત્રી સાથે મુલાકાત કરીને આવ્યો છે.”

તેઓ નિકુંજ પટેલ પર આરોપ મૂકતાં આગળ જણાવે છે કે, “એણે ઘણા લોકો પાસેથી જમીનના સોદામાં સરકારી મદદના નામે પૈસા લીધા હોવાની ફરિયાદો આવી છે પણ કોની પાસેથી પૈસા લીધા છે એની કોઈને ખબર નથી.”

“એ અનેક નેતાઓને ઓળખતો હોવાનો દાવો કરી સેલ્ફી બતાવીને લોકોને ફસાવતો હતો. પણ એ પકડાયો ત્યારે અમને ખબર પડી કે એ એક ઠગ હતો અને લોકોને મૂર્ખ બનાવતો હતો.”

રેડ લાઇન
રેડ લાઇન