સ્વીટી પટેલ કેસમાં ચંપલે કઈ રીતે હત્યાનો ભેદ ઉકેલ્યો અને પોલીસ ઓફિસર પતિ ઝડપાઈ ગયો?

ઇમેજ સ્રોત, crime branch ahmedabad
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'અમારા હાથમાં કેસની તપાસ આવી ત્યારે એક મહિના જેટલો સમય થઈ ગયો હતો. અમારા માટે આ કેસમાં ગુનેગાર શોધવો એટલે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું મુશ્કેલ હતું. એક દાયકાથી વધુ સમયથી પોલીસમાં નોકરી કરનાર ઑફિસરે પોતાનાં પત્નીનું ખૂન કરી બધા પુરાવા નાશ કર્યા હતા, પણ એનાં પત્નીના એક જોડ ચંપલથી એ પકડાઈ ગયો.'
વર્ષ 2021માં સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનારી હત્યાની આ ઘટનાને ઉકેલનારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. ચૈતન્ય માંડલિકે બીબીસીને આ કેસમાં ઝડપાઈ ગયેલા પોલીસ અધિકારીએ કરેલી એ ભૂલ વિશે જણાવતાં આમ કહ્યું હતું.
અગિયાર વર્ષમાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલી ચૂકેલા વડોદરાના પોલીસ ઑફિસર અજય દેસાઈએ પોતાનાં પત્નીનું ખૂન કર્યું ત્યારે બહુ સાવચેતી રાખી હતી.
વડોદરા ગ્રામ્ય પોલીસમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનારા 37 વર્ષીય અજય દેસાઈ 2010થી પોલીસમાં નોકરી કરતા હતા.
અજય દેસાઈ અને એનાં પત્ની સ્વીટી પટેલ આમ તો સમદુખિયાં હતાં અને એટલે એકબીજાની નજીક આવી ગયાં હતાં અને છેલ્લાં ત્રણ વર્ષથી ગાંધર્વલગ્ન કરી લિવ ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં.

જ્યારે અજય દેસાઈ પર શંકા ગઈ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
સ્વીટી પટેલના ગુમ થયાની ફરિયાદ નોંધાવનાર સ્વીટીના ભાઈ જયદીપ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "હું અને મારો ભાઈ ભવદીપ આણંદ પાસેના પાનોસરા ગામમાં બાપદાદાની ખેતી સાંભળીએ છીએ."
"અમારી બહેન સ્વીટી બી.એ. સુધી ભણી હતી, એણે ઇન્સ્પેક્ટર અજય દેસાઈ સાથે 2016માં પ્રેમલગ્ન કર્યાં હતાં."
તેઓ ઉમેરે છે, "એની સાસરીમાં કોઈ એને બોલાવતું નહોતું એટલે બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. બે વર્ષના દીકરા અંશના કારણે બંને સાથે રહેતાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"છઠ્ઠી જૂને સ્વીટી રાત્રે એક વાગ્યે એના બે વર્ષના દીકરા અંશને મૂકીને ચાલી ગઈ છે, એવો અમારા બનેવી પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈનો ફોન આવ્યો હતો."
તેઓ કહે છે, "અમે વડોદરા ગયા અને અજય દેસાઈના કહેવાથી મારી બહેન ગૂમ થઈ હોવાની ફરિયાદ લખાવી હતી."
જયદીપ કહે છે કે "અમને પહેલાં તો અજય પર શંકા ગઈ નહોતી, કારણ કે એ ખુદ પોલીસમાં હતો એટલે એ તપાસ કરીને શોધી લાવશે એવી અમને આશા હતી, પણ એણે કોઈ ખાસ પ્રયાસ ન કર્યા."
"સમય જતાં અમને પણ શંકા જવા લાગી કે પોલીસમાં હોવા છતાં અજય એમની પત્ની અને મારી બહેનને શોધતો નથી."
જયદીપ વધુમાં કહે છે, "અમારી શંકા વધુ પ્રબળ બની એટલે અમે પોલીસના ઉપલા અધિકારીઓ સમક્ષ અજય દેસાઈ પરની શંકા વ્યક્ત કરી."
"એ પછી અમને ખબર પડી કે પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈને બીજી પત્ની હતી અને એ પણ વડોદરામાં રહેતી હતી અને મારી બહેનને ભાડાના મકાનમાં રાખતો હતો."

અજય અને સ્વીટીનું ત્રીજું લગ્ન

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. ચૈતન્ય માંડલિકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અજય અને સ્વીટીનું આ ત્રીજું લગ્ન હતું.
"અજયનાં પહેલા લગ્ન પછી છૂટાછેડા થયા હતા અને સ્વીટીના પણ છૂટાછેડા થયા હતા. સ્વીટીનાં પહેલા લગ્ન એના ગામમાં રહેતા હેતાસ પંડ્યા સાથે થયાં હતાં અને એને 12 વર્ષનો એક દીકરો પણ છે. પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં બંને છૂટાં પડ્યાં હતાં."
"ત્યારબાદ 2015માં સોશિયલ મીડિયાની મદદથી એ અમેરિકામાં કોઈના સંપર્કમાં આવી હતી અને અમેરિકા જઈ બીજાં લગ્ન કર્યાં, પણ આ લગ્ન લાંબા ના ચાલ્યાં અને એ ભારત પરત આવી."
"આ સમયે 2015માં ઇન્સ્પેક્ટર અજય દેસાઈ અને સ્વીટીનો પરિચય એક પાર્ટીમાં થયો અને બંને પ્રેમમાં પડ્યાં."
"બાદમાં અજય અને સ્વીટીએ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામના વરદાયિની માતાના મંદિરમાં લગ્ન કરી લીધાં અને પછી સાથે રહેતાં હતાં."
ડી.સી.પી. માંડલિક કહે છે કે અમારી તપાસમાં બહાર આવ્યું છે કે અજયે પોતાની જ્ઞાતિની અમદાવાદમાં રહેતી છોકરી સાથે પણ લગ્ન કર્યું હતું.
તેઓ કહે છે, "અજયની અમદાવાદમાં રહેતી પત્નીને ખબર નહોતી કે અજય સ્વીટીની સાથે વડોદરામાં મકાન રાખીને રહે છે."
તેઓ વધુમાં કહે છે, "અમારી પાસે આ કેસ આવ્યો ત્યારે અમે અમારી એક ટીમ વડોદરા મોકલી."
"ઇન્સ્પેક્ટર અજય દેસાઈના ઘરની બહાર આવેલાં સીસીટીવી ફૂટેજ તપાસ્યાં. સ્વીટી ઘરમાં દાખલ થયાનાં ફૂટેજ હતાં પણ બહાર જવાનાં કોઈ ફૂટેજ નહોતાં."

સ્વીટીના ચંપલે ભાંડો ફોડ્યો
માંડલિક કહે છે, "અમે તાત્કાલિક અજય દેસાઈના બંગલાનું સર્ચ ઑપરેશન કર્યું અને જોયું તો સ્વીટીનાં ચંપલ અને સેન્ડલ ત્યાં જ હતાં."
"અજયના કહેવા પ્રમાણે એ રાત્રે એક વાગ્યે દીકરાને મૂકીને સફેદ કુરતો અને કાળા પાયજામામાં ઘર છોડીને ગઈ હતી. અમારી શંકા વધુ પ્રબળ બની, કારણ કે પરદેશ રહેલી અને ભણેલી મહિલા ખુલ્લા પગે બહાર ન નીકળે."
ચૈતન્ય માંડલિકે વધુમાં કહ્યું, "અમે સીસીટીવી ફૂટેજ ફરી ફંફોસ્યાં તો અજય જે જીપ વાપરતો હતો એ કાયમ બંગલાની બહાર રહેતી જે રિવર્સમાં અંદર લાવીને મૂકી હતી. બાજુમાં વીજકંપનીની ઑફિસમાં મૂવમૅન્ટ બંધ થઈ ત્યારે એ જીપની મૂવમૅન્ટ જોવા મળી હતી."
"ચંપલે એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે સ્વીટી ઘર છોડીને ગઈ નથી. અમે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો તો ખબર પડી કે અજયે ઘી અને ખાંડ મંગાવ્યાં હતાં."
"અજય જે જ્ઞાતિમાંથી આવે છે, એમાં અંતિમક્રિયા વખતે ઘી અને ખાંડનો ઉપયોગ થાય છે. અમારી શંકા મજબૂત થઈ."
"અમે અજયની કૉલ ડિટેઇલ જોઈ તો એના અને સ્વીટીના ફોનનું લોકેશન વડોદરાથી 50 કિલોમિટર દૂર અટાલીમાં વૈભવ હોટલ પાસે સાડા ત્રણ કલાકે બતાવતું હતું."
"અમે અટાલી તપાસ કરી તો હોટલના પાછળના ભાગમાં એક લાકડાનો ભારો બાળવામાં આવ્યો હતો."
"આ હોટલની બાજુમાં બની રહેલા મકાનના પાછળના ભાગમાંથી ધુમાડા નીકળ્યા હોવાની અમને ખબર પડી અને તપાસ કરી તો ત્યાંથી માણસનાં હાડકાં મળી આવ્યાં. હવે અમારી શંકા પ્રબળ બની ગઈ કે ઇન્સ્પેક્ટર અજય દેસાઈએ જ સ્વીટીનું ખૂન કર્યું છે."

પોલીસે કેવી રીતે કેસને ઉકેલ્યો?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
ડી.સી.પી. માંડલિક કહે છે કે આ અમારા માટે સરળ નહોતું. અમે ઇન્સ્પેક્ટર અજયના મોબાઇલમાં લાઇવ લોકેશન મોકલનારની તપાસ કરી તો એ અજયના મિત્ર કિરીટસિંહ જાડેજાનો ફોન હતો.
"અમે એની પૂછપરછ કરી તો એને કબૂલી લીધું કે ઇન્સ્પેક્ટર અજય દેસાઈ એમની નવી બની રહેલી હોટલ પર આવ્યો હતો."
"કિરીટસિંહના કહેવા પ્રમાણે અજયે એવું કહ્યું હતું કે એની બહેનને કોઈ પરિણીત પુરુષ સાથે સંબંધ હતો અને એ ગર્ભવતી થઈ હતી, એનો ગર્ભપાત કરતાં અવસાન થયું છે. એથી પરિવારજનો સાથે અંતિમસંસ્કાર કરવા આવે છે."
"જોકે અજય દેસાઈ જીપ લઈને એકલો આવ્યો હતો અને જાડેજાને દૂર રાખીને અગ્નિસંસ્કાર કર્યા હતા."
પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈના પિતરાઈ નીલ દેસાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમને ખબર નહોતી કે અજયે ત્રીજી વાર લગ્ન કર્યાં હતાં. અમને કેસ બહાર આવ્યા પછી ખબર પડી કે એ સ્વીટી પટેલ સાથે લવ ઇન રિલેશનમાં રહેતો હતો. જો આ વાતની અમને ખબર હોત તો અમે એની મદદ કરી હોત."
ડી.સી.પી. માંડલિક કહે છે કે "આ કબૂલાત અમારા માટે પૂરતી હતી. અમે બંનેને સામસામે બેસાડીને ક્રૉસ ઇન્ટ્રોગેશન કર્યું."
"અજય ભાંગી પડ્યો અને કબૂલી લીધું કે સ્વીટી સાથેના સંબંધોની એના કુટુંબ કે પત્નીને જાણ નહોતી, પણ એની નવી પત્ની અને સ્વીટી બંને એક જ સમયે ગર્ભવતી થયાં હતાં અને બંનેએ સાથે જ બાળકનો જન્મ આપ્યો હતો."
"સ્વીટી વારંવાર પત્નીનો દરજ્જો આપવા માટે અજય પર દબાણ કરતી હતી."
"સ્વીટી સિવિયર ડિપ્રેશનમાં હોવાને કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. સ્વીટીએ ઑસ્ટ્રેલિયા જવાની વાત કરી હતી પણ ગઈ નહીં, જેથી એને જાનથી મારી નાખવાનો પ્લાન અજયે એપ્રિલ મહિનામાં બનાવ્યો હતો."
તેમણે વધુમાં કહ્યું, "એના માટે એણે રેકી પણ કરી હતી. ચાર જૂને રાત્રે ઝઘડો થતાં એનું ગળું દાબીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને નક્કી કરેલા પ્લાન પ્રમાણે મૃતદેહને ચાર ગણાં લાકડાંથી સળગાવી દીધો, જેથી હાડકાં કોલસા જેવાં થઈ જાય અને ડીએનએ ટેસ્ટ કરાવે તો પકડાય નહીં."
"એફ.એસ.એલ. દ્વારા આ હાડકાંને લેસરથી સાફ કરીને ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો, જેનાથી એ પકડાઈ ગયો."
માંડલિક કહે છે કે સ્વીટીના ચંપલની જોડને કારણે અમને એક પછી એક કડી મળતી ગઈ અને અમે પત્નીનું ખૂન કરનાર અજય દેસાઈ પાસેથી ગુનો કબૂલ કરાવી શક્યા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













