ગુજરાત : પ્રેમીયુગલ ગામમાંથી ભાગ્યું અને પ્રેમીને ખબર પડી કે તેમનાં બે બાળકોમાંથી એકનો પિતા કોઈ બીજો છે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, SEKSAN MONGKHONKHAMSAO / GETTY IMAGES

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'કોર્ટ કાયદા મુજબ સજા કરવી પડે એટલે કોર્ટ 'હેવી હાર્ટ' સાથે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવા બાદલ પોસ્કોના ગુના હેઠળ કોર્ટને મળેલી સત્તા પ્રમાણે એને મળેલી આજીવન કેદની સજાને બદલે 20 વર્ષની કેદ કરવામાં આવે છે.'

ડભોઈ સેશન્સ કોર્ટ સમક્ષ આવેલા એક પૉક્સોના કેસમાં આરોપી અને સરકારી વકીલની દલીલો સાંભળીને ખુદ જજ પણ અવઢવમાં પડી ગયા હતા, પરંતુ કોર્ટને મળેલી સત્તાનો ઉપયોગ કરી એમણે સજાને હળવી કરી છે.

આઠ વર્ષ સુધી ચાલેલા આ કેસમાં થયેલા એક પછી એક ખુલાસાએ જજને ચુકાદો આપતા પહેલાં વિચારતા કરી દીધા હતા.

પ્રેમકહાણી એવી છે કે બંને પ્રેમી ભાગી ગયાં અને અજાણ્યા ગામમાં રહેવા લાગ્યાં. ત્યાં તેમણે બાળકને જન્મ આપ્યો અને થોડા સમય પછી ગામમાં ઘરે પરત ફર્યાં. પણ પોલીસ ફરિયાદ થઈ હોવાથી પુરુષની ધરપકડ કરાઈ હતી. કોર્ટ કેસ ચાલ્યો અને બંને જણાં છૂટ્યાં પડ્યાં. શું છે આખી કહાણી વાંચો...

બીબીસી

મજૂરીકામથી શરૂ થઈ પ્રેમકહાણી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Thinkstock

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ પ્રેમકથા ડભોઈના એક નાનકડા ગામ વણાદરાથી શરૂ થાય છે.

અહીં એક ગામમાં રહેતા શૈલેશ વસાવાને એની સાથે મજૂરીએ આવતી ગામની જ એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે.

2012માં બંનેની પ્રેમકહાણી શરૂ થાય છે અને 2013માં બંને જણાં છાનેછપને પ્રેમ કરતા છોકરીના પિતાના હાથે પકડાઈ જાય છે. છોકરી એ સમયે સગીર હતી એટલે એનાં માતાપિતાએ એને ઘરમાં પૂરી દીધી, જેથી બે પ્રેમી એકબીજાને મળી શકે નહીં.

થોડા સમય સુધી માતાપિતા અથવા એના ભાઈમાંથી એક જણ એની પર નજર રાખવા ઘરે રહે છે. માતાપિતાને લાગે છે કે હવે બધું થાળે પડી ગયું છે એટલે ઑગસ્ટ 2013માં માતાપિતા બંને ખેતી કામે જવાનું શરૂ કરે છે અને ભાઈ ઢોર ચરાવવા સીમમાં જવાનું શરૂ કરે છે.

દરમિયાન છોકરીને એક દિવસ ઘરે મોકળાશ મળતાં એ 14મી ઑગસ્ટે પોતાના પ્રેમી શૈલેશ વસાવા પાસે પહોંચી જાય છે અને બંને ગામ છોડીને ભાગી જાય છે.

સગીર દીકરી ભાગી જતા એના પિતાએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડભોઈ સેશન્સ કોર્ટમાં સગીરા હર્ષિદાએ (કેસ સમયે સગીર હોવાથી નામ બદલ્યું છે) જુબાની આપી હતી કે 'એને એના ગામના શૈલેશ સાથે પ્રેમસંબંધ હતો. બંને જણાંએ ગામ છોડ્યું એ પહેલાં પ્રેમસંબંધ હોવાથી શારીરિક સુખ માણ્યું હતું. એમના પ્રેમસંબંધની વાત પિતાને ખબર પડી હતી અને એમણે શૈલેશ સાથે સંબંધ રાખવાની મનાઈ ફરમાવતા એને જ શૈલેશ વસાવાને ગામ છોડીને ભાગી જવા માટે દબાણ કર્યું હતું.'

બીબીસી

અજાણ્યા ગામના ખેતરમાં બાળકને જન્મ આપ્યો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, DEV IMAGES / GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સગીરાએ કોર્ટમાં એ પણ કબૂલ કર્યું હતું કે 'શૈલેશ એની સાથે લગ્ન નહીં કરે તો એ બીજે લગ્ન નહીં કરે અને આપઘાત કરશે. શૈલેશ સાથે એ ભાગીને ગાંધીનગરના ગીચોડ ગામના એક ખેતરમાં રહેતાં અને મજૂરીકામ કરતાં હતાં. આ સમયમાં એ ગર્ભવતી થતા એક બાળકને જન્મ આપ્યો હતો. અને જે ડૉક્ટરને ત્યાં પ્રસૂતિ કરાવી હતી ત્યાં એણે પોતાની ઉંમર 22 વર્ષ જણાવી હતી.'

વધુમાં કબૂલાત કરી કે 'દીકરાનો જન્મ થયા પછી માતાપિતા સાથે ફોન પર વાત પણ કરી હતી. અને એને 18 વર્ષ થઈ જતા 2015માં રક્ષાબંધન સમયે પોતાના ગામ વણાદરા આવ્યાં હતાં. શૈલેશ ખુદ એના ભાઈને રાખડી બંધાવવા લઈ આવ્યો હતો, પણ છોકરીના પિતાએ પોલીસ ફરિયાદ કરી હોવાથી શૈલેશની ધરપકડ થઈ હતી. એ જેલમાં ગયો અને જામીન મળ્યા પછી એ શૈલેશ વસાવાના ઘરે જ રહેતી હતી.'

તો સગીરા સાથે લગ્ન કરનાર શૈલેશ વસાવાએ કોર્ટમાં કહ્યું હતું કે 'બંને વચ્ચે પ્રેમસંબંધ હતા અને ગામ છોડીને ભાગી ગયાં હતાં. એમણે લગ્ન પહેલાં અને પછી પણ શારીરિક સંબંધ રાખ્યા હતા. જ્યારે એ જેલમાંથી જામીન પરથી છૂટ્યો ત્યારે ફરીથી પતિ-પત્ની તરીકે રહેતાં હતાં અને એની પત્નીએ બીજા બાળકને પણ જન્મ આપ્યો હતો. એ એની સહમતીથી મારી સાથે રહેતી હતી.'

બીબીસી

જ્યારે ખબર પડી કે બીજું બાળક કોઈ અન્યનું છે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, UMESH NEGI

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

શૈલેશ વસાવાના વકીલ જેવાય પઠાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ દરમિયાન કોર્ટના આદેશથી સગીરાનું મેડિકલ ચેકઅપ થયું, જેમાં એને બળજબરી વગર શારીરિક સંબંધ બાંધ્યા હોવાના રિપોર્ટ પણ આવ્યા. પણ કોર્ટના આદેશથી બંને બાળકોના ડીએનએ ટેસ્ટ થયા ત્યારે ખબર પડી કે સગીરાનાં બે બાળકોમાંથી પહેલા બાળકનો બાયોલૉજિકલ ફાધર શૈલેશ ન હતો, એ બાળક અન્યનું હતું. સગીરાના પહેલા બાળકનો પિતા શૈલેશ નહીં હોવાનું કોર્ટમાં સાબિત થતાં જ સગીરા એનાં બંને બાળકોને છોડી પોતાના પિતાના ઘરે જતી રહી અને બીજાં લગ્ન કરી લીધાં."

આદિવાસી સામાજિક કાર્યકર અમરસિંગ બારિયાની મદદથી બીબીસીએ શૈલેશના પિતા રમેશ વસાવા સાથે ટેલિફોનિક વાતચીત કરી.

રમેશ વસાવાએ કહ્યું કે "મારા દીકરા શૈલેશ પાસે જ્યારે આ રિપોર્ટ આવ્યો કે એ એના દીકરાનો બાપ નથી ત્યારે એને ખૂબ આઘાત લાગ્યો. એ સમયે છોકરી અમારા ઘરે જ રહેતી હતી. મારા દીકરા શૈલેશે જ્યારે એનો જવાબ માગ્યો ત્યારે એણે ઘરમાં ઝઘડો કર્યો અને બે બાળકોને મૂકીને જતી રહી. અમારી હાલત ખરાબ થઈ ગઈ."

"શૈલેશ પણ ઉદાસ રહેવા લાગ્યો. એણે અમને કહ્યું કે મેં જેના માટે દુનિયા સાથે લડાઈ કરી એણે જ મને દગો કર્યો? એ ઘણા સમયથી ઘરે પણ નથી આવતો. કોર્ટમાં ચુકાદો આવ્યો ત્યારે પણ એ કોર્ટમાં હાજર રહ્યો નહોતો. અમે એના કેસ અંગે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવાના છીએ. એની સાથે ફોન પર વાત થઈ ત્યારે એને કહ્યું કે દુનિયા સામે લડ્યો એણે જ દગો કર્યો પછી આગળ લડીને શું કરવાનું?"

બીબીસી

કોર્ટે ચુકાદામાં શું કહ્યું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ડભોઈ સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ એચબી ચૌહાણે દલીલ કરી હતી કે સગીરા સાથે શારીરિક સંબંધ સહમતિથી બાંધ્યો હોવા છતાં પોક્સો હેઠળ આજીવન કેદની સજા થવી જોઈએ.

તમામ દલીલો અને પુરાવા જોયા બાદ ડભોઈ સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ એચજી વાઘેલાએ પોતાનો ચુકાદો આપતા સ્ટ્રીક્ચર પાસ કર્યું હતું કે 'પુરાવાને જોતા સગીર છોકરીએ પોતાની મરજીથી પોતાનાં માતાપિતાને છોડીને શૈલેશ સાથે ભાગી છે અને શારીરિક સંબંધ બાંધ્યા છે. ઉપરાંત ભોગ બનનાર સગીરા એનાં બે બાળકોને મૂકીને ચાલી ગઈ છે એટલે પોક્સોનો ગુનો હોવા છતાં આજીવન કેદની સજા આપી શકાય એમ નથી. અને સેશન્સ કોર્ટને હાઈકોર્ટ જેટલી સત્તા નથી કે કાયદા ઉપર જઈ શકે. આમ છતાં 'હેવી હાર્ટ' સાથે પોક્સોના કેસ હેઠળ કસૂરવાર ઠેરવે છે, પરંતુ સેશન્સ કોર્ટને મળેલી સત્તાના આધારે ઈપીકો 235 [1] પ્રમાણે એને આજીવન કેદના બદલે 20 વર્ષની કેદની સજા અને 500 રૂપિયાનો દંડ અને દંડ ન ભારે તો એક માસની સાદી સજા ફરમાવવામાં આવે છે.'

પોતાના ચુકાદામાં જજ એચજી વાઘેલાએ એમ પણ કહ્યું છે કે 'સગીરા પોતાનાં બે બાળકોને છોડીને જતી રહી છે અને પિતાને સજા થાય ત્યારે બાળકો રખડી પડે એમ છે, ત્યારે પોક્સોના કેસમાં જે વિક્ટિમ કૉમ્પન્સેશન મળે છે એ સગીરાને બદલે આ બાળકોને મળે એ માટે ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઑથૉરિટીને ભલામણ કરી છે.'

શૈલેશ વસાવા ચુકાદા સમયે કોર્ટમાં હાજર નહીં હોવાથી એની સામે ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું છે.

અમે શૈલેશ વસાવાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ હાજર ન હોવાથી એનો સંપર્ક થઈ શક્યો નહોતો.

તો ભોગ બનેલી સગીરાના પરિવારે આ કેસ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

બીબીસી
બીબીસી