સુરતમાં ઑનર કિલિંગ? લિંબાયતમાં લગ્નમંડપમાં પીઠીની વિધિ વખતે જ બહેનની હત્યા

સુરતમાં ભાઈએ બહેનની કરી હત્યા

ઇમેજ સ્રોત, DHARMESH AMIN

ઇમેજ કૅપ્શન, પરિવારજનોની મરજી વિરુદ્ધ જીતેન્દ્ર સાથે લગ્ન કરી રહેલી કલ્યાણીની તેના જ પિતરાઈએ કરી હત્યા
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

લગ્નમંડપ તૈયાર હતો. પીઠી ચોળવાની વિધિ ચાલતી હતી. સંગીતના સૂર રેલાતા હતા. મહેમાનો આવી ગયા હતા. વર અને કન્યાના હરખનો પાર નહોતો. હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી પંડિત મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. ફોટો સેશન પણ ચાલતું હતું અને ભોજન તૈયાર હતું.

કોઈપણ લગ્નમાં આ પ્રકારનું દૃશ્ય સહજ છે. પરંતુ સુરતના લિંબાયતમાં આ દૃશ્યમાં પોતાના પ્રેમીને જ પતિ તરીકે મેળવીને નવજીવનનાં સપનાં જોતી યુવતીના લોહીથી એ લગ્નમંડપ ખરડાયો અને તેની આંખો હંમેશ માટે મીંચાઈ ગઈ.

લગ્નનું એ ઉંમગભર્યું દૃશ્ય હત્યાના આઘાત અને શોકની ઘટનામાં બદલાઈ જવા પાછળ એ યુવતીના પિતરાઈએ કરેલો જીવલેણ હુમલો હતો. યુવતીની પીઠી ચોળવાની વિધિ દરમિયાન જ તેના ભાઈએ લગ્નમંડપમાં આવીને તેની હત્યા કરી નાખી. કારણ હતું, તેની બહેન તેના પરિવારજનોની મરજી વિરુદ્ધ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી રહી હતી.

આ હત્યા એક ‘ઑનર કિલિંગ’નો મામલો હોવાનું નકારી શકાતું નથી. જોકે કાયદામાં ‘ઑનર કિલિંગ’ની ઘટનાઓને અલગથી વ્યાખ્યાયિત કરવામાં નથી આવી. પરંતુ કાયદાના જાણકારો તેને સામાજિક સંદર્ભમાં ‘ઑનર કિલિંગ’ કહી શકાય તેમ જણાવે છે.

પોલીસે બહેનની હત્યાના આરોપી ભાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં ભાઈએ બહેનની કરી હત્યા

શું હતી ઘટના?

સુરતમાં ભાઈએ બહેનની કરી હત્યા

ઇમેજ સ્રોત, DHARMESH AMIN

ઇમેજ કૅપ્શન, પીઠી ચોળવાની વિધી વખતે જ્યારે કલ્યાણીને તેના જ પિતરાઈએ ચાકુ માર્યું તે વેળાની તસવીર

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રામેશ્વર સોસાયટીનો આ બનાવ છે. રામેશ્વર સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર મહાજનને કલ્યાણી પાટીલ સાથે પ્રેમ થઈ ગયો હતો. કલ્યાણીની જ્ઞાતિ અને જીતેન્દ્રની જ્ઞાતિ અલગ છે. જેને કારણે બન્નેનાં લગ્ન માટે પરિવારજનો રાજી નહોતા.

જીતેન્દ્ર અને કલ્યાણીએ પરિવારજનોથી વિરુદ્ધ જઈને એક મહિના પહેલાં જ કોર્ટમાં જઈ લગ્ન કરી લીધાં.

કલ્યાણીના પતિ જીતેન્દ્ર પાટીલના પિતા ધાગાજી મહાજને સુરત ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી ધર્મેશ અમીન સાથેની વાતચીતમાં કહ્યું, “કોર્ટ મૅરેજ બાદ અમે તેમના હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્નનું આયોજન કર્યું. લગ્ન 27 જૂનના દિવસે થવાનાં હતાં. એટલે લગ્નનાં એક દિવસ પહેલાંની વિધિ અનુસાર 26 જૂનના દિવસે કલ્યાણીને પીઠી ચોળવાની વિધિ ચાલી રહી હતી.”

“એ દરમિયાન કલ્યાણીનો પિતરાઈ હિમ્મત વામન પાટીલ ત્યાં આવ્યો અને તેણે તેની બહેનના પેટમાં ચાકુ હુલાવી દીધું. હિમ્મત કલ્યાણીના સગા કાકાનો દીકરો છે.”

હુમલા બાદ કલ્યાણી ત્યાં જ ઢળી પડ્યાં હતાં. એક તરફ કલ્યાણી અસહ્ય પીડાથી કણસતાં હતાં, ત્યાં જિતેન્દ્રના પરિવારજનોએ કલ્યાણીના પિતરાઈને પકડી પાડ્યો હતો. હિમ્મતે કલ્યાણીના પતિ જીતેન્દ્ર પર પણ હુમલો કર્યો હતો અને તેને ઈજા પહોંચાડી હતી.

ઘાયલ કલ્યાણીને 108 એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં, પરંતુ તેમના પર લાગેલા ઘા એટલા જીવલેણ હતા કે તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું.

સુરતમાં ભાઈએ બહેનની કરી હત્યા

શું કહેવું છે કલ્યાણીના સાસરાપક્ષનું?

સુરતમાં ભાઈએ બહેનની કરી હત્યા

ઇમેજ સ્રોત, DHARMESH AMIN

ઇમેજ કૅપ્શન, કલ્યાણીના સસરા ધાગાજી મહાજન

ધાગાજી મહાજને કહ્યું કે, “બન્ને અલગ-અલગ સમાજમાંથી આવતા હતા, તેને કારણે આ હત્યા થઈ.”

ધાગાજી કહે છે, “એક મહિના પહેલા જ તેમના કોર્ટ મૅરેજ થયા હતા. કલ્યાણી એક મહિનાથી અમારા ઘરમાં જ રહેતી હતી. અહીં કોઈ વિરોધ નહોતો. અમે વિચાર્યું કે વહુ ઘરમાં આવી જ ગઈ છે એટલે અમે લગ્ન સમારંભનું આયોજન કર્યું.”

“પીઠી ચોળવાની વિધિ હતી. ફોટો સેશન થયું. પણ એટલીવારમાં કંઈ સમજ જ ન પડી કે ક્યારે કલ્યાણીના કાકાના દીકરાએ અહીં આવીને તેના પર હુમલો કરી દીધો.”

“આ ખોટું થયું. પોલીસ તપાસ કરે છે, પણ અમને ન્યાય જોઈએ છે.”

સુરતમાં ભાઈએ બહેનની કરી હત્યા

પોલીસનું શું કહેવું છે?

સુરતમાં ભાઈએ બહેનની કરી હત્યા

ઇમેજ સ્રોત, DHARMESH AMIN

ઇમેજ કૅપ્શન, બહેનની હત્યાનો આરોપી હિમ્મત પાટીલ

લિંબાયત પોલીસ આ બનાવ બાદ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપીને કલ્યાણીના પરિવારજનોએ જ પકડી લીધો હતો અને તેને પોલીસને હવાલે કરી દીધો. પોલીસે હવે તેની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

પોલીસે હિમ્મત સામે આઈપીસી કલમ 302 દાખલ કરીને તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

તપાસ કરનારા અધિકારી લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ એચ. બી. ઝાલાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યું કે, “આ ઓનરકિલિંગ જેવી ઘટના ન કહી શકાય.”

ઝાલાએ વધુમાં જણાવ્યું, “કલ્યાણી અને જીતેન્દ્રનાં લગ્ન તેમના પરિવારજનોને મંજૂર જ નહોતાં.

ઝાલા કહે છે, “હિમ્મતને આ લગ્ન સમારંભ યોજાયો તેને કારણે લાગી આવ્યું હતું અને તેથી તેણે આ ઘટનાને અંજામ આપ્યો.”

કલ્યાણીને એક સગો ભાઈ નાનો છે. હિમ્મત 24 વર્ષનો છે તેથી તે જ કલ્યાણીનો પિતરાઈ હોવા છતાં મોટા ભાઈની ગરજ સારતો હતો.

સુરત હત્યા બીબીસી ગુજરાતી

હત્યા પાછળનું મુખ્ય કારણ શું?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લિંબાયત પોલીસ સ્ટેશનના અન્ય પીઆઈ વી. એ. જોગરાણાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું. “29 મેના રોજ કલ્યાણીનાં લગ્ન તેમનાં માતા-પિતા દ્વારા નક્કી કરવામાં આવેલા યુવક સાથે યોજવામાં આવ્યાં હતાં. કંકોત્રી પણ છપાઈ ગઈ હતી. પરંતુ એ દરમિયાન કલ્યાણીને જીતેન્દ્ર સાથે પ્રેમ હોવાથી તે બન્ને ભાગી ગયાં.”

પોલીસના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ જ્યારે કલ્યાણી જીતેન્દ્ર સાથે જતા રહ્યાં હતાં ત્યારે પણ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જોકે કલ્યાણી 18 વર્ષનાં હોવાથી પોલીસે કલ્યાણીને પોતાની મરજીથી લગ્ન કરવાનો હક છે, એમ જણાવતા કલ્યાણીના પરિવારજનો તેમના ઘરે જતા રહ્યા હતા. બાદમાં કલ્યાણી જીતેન્દ્રના ઘરે જ રહેવા આવી ગયાં હતાં.

જોગરાણા કહે છે, “આમ વેરના બીજ ત્યારે જ રોપાઈ ગયાં હતાં. હવે જ્યારે કલ્યાણીનાં લગ્ન પરિવારજનોની ઇચ્છા વિરુદ્ધ જીતેન્દ્ર સાથે આયોજીત થયા, ત્યારે હિમ્મતે આવીને તેની જ બહેનની હત્યા કરી.”

પોલીસે હાલ પીએમ રિપોર્ટ મેળવ્યો છે. સાક્ષીઓનાં નિવેદન લેવાની શરૂઆત કરી દીધી છે. જે ચાકુથી કલ્યાણીની હત્યા કરવામાં આવી તેની જપ્તી મેળવી છે. સાથે આરોપી હિમ્મત પાટીલની પૂછપરછ પણ શરૂ કરી છે.

ઓનર ઑનર કિલિંગ

ઑનર કિલિંગ વિશે શુ કહે છે કાયદો?

કાયદાની ભાષામાં આ એક હત્યા જ છે. કાયદાવિદોના જણાવ્યા અનુસાર જ્યારે પરિવારના જ સભ્ય દ્વારા પોતાના પરિવાર કે સમાજ કે ધર્મ કે કુટુંબની કથિત પ્રતિષ્ઠાને હાની કે કથિત સન્માન નષ્ટ કરે તેવી પરંપરાને તોડવાના કથિત અપરાધમાં હત્યા કરવામાં આવે તો તેને ‘ઑનર કિલિંગ’ કહેવાય છે.

કાયદાવિદો કહે છે કે ‘ઑનર કિલિંગ’ વિકૃત સામાજિક માનસિકતાને પ્રોત્સાહન આપે છે.

અમદાવાદના માનવાધિકાર સંગઠન સાથે જોડાયેલા અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી રાજેન્દ્ર શુક્લએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, “’ઑનર કિલિંગ’ની કાયદામાં વ્યાખ્યા નથી. પણ પોતાના સમાજ, જ્ઞાતિ, ધર્મની તથાકથિત પ્રતિષ્ઠા માટે કોઈ નિર્દોષની હત્યા કરવામાં આવે તેને ‘ઑનર કિલિંગ’ કહે છે.”

સુરતમાં ભાઈએ બહેનની કરી હત્યા
સુરતમાં ભાઈએ બહેનની કરી હત્યા