અમદાવાદ : 'મારા સટોડિયા પતિએ દેવું ચૂકતે કરવા મને દેહવેપારમાં ધકેલી'

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હું સાધનસંપન્ન પરિવારમાંથી આવું છું, પણ મને આ ગુજરાતી યુવાન સાથે પ્રેમ થયો. બે વર્ષ સુધી લિવઈનમાં રહ્યા પછી તેની સાથે લગ્ન કર્યાં. મને એમ જ હતું કે એ સારો એવો બિઝનેસમૅન છે, પરંતુ દીકરીના જન્મ બાદ ખબર પડી કે એ તો જુગારિયો છે. લાખો રૂપિયા હાર્યા બાદ જ્યારે લોકો ઉઘરાણી કરવા આવવા લાગ્યા તો એણે દીકરીના લમણે બંદૂક મૂકીને બળજબરીથી મને દેહવ્યાપારમાં ધકેલી. મેં પ્રતિકાર કર્યો તો છૂટાછેડાનાં કાગળિયાં પર સહી કરાવીને મને કાઢી મૂકી."

આ શબ્દો છે મૂળ ઉત્તર પ્રદેશનાં વતની પ્રિયાંશીના...

(ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને નામ બદલવામાં આવ્યું છે)

પ્રિયાંશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મૂળ ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં રહેતાં પ્રિયાંશીના પિતા મોટા વેપારી છે. તેમને એક ભાઈ અને એક બહેન છે. તેઓ ઉત્તર પ્રદેશથી મુંબઈના અંધેરીમાં રહેતા તેમના કાકાને ત્યાં રહેવા આવ્યાં હતાં.

આ દરમિયાન તેમનો પરિચય વારંવાર ગુજરાતથી મુંબઈ જતા વિશાલ સાથે થયો હતો. આ પરિચય પ્રેમસંબંધમાં પરિણમ્યો અને સમય જતાં બંનેએ લગ્ન કર્યાં અને તેમને એક બાળકી પણ થઈ.

પ્રિયાંશીના જણાવ્યાનુસાર તેમને ખબર નહોતી કે તેમનું સુખી લગ્નજીવન અહીંથી ગંભીર વળાંક લેવા જઈ રહ્યું છે.

ગ્રે લાઇન

'બે વર્ષ લિવઇનમાં રહ્યા બાદ કોર્ટ મૅરેજ કર્યા'

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પ્રિયાંશીએ પોતાની કહાણી જણાવતાં કહ્યું, "હું નાની હતી ત્યારે જ મારી માતાનું અવસાન થયું હતું. હું ઉત્તર પ્રદેશ અને મુંબઈમાં મોટી થઈ છું. મારું પરિવાર આબરૂદાર અને પૈસાપાત્ર છે."

તેઓ આગળ કહે છે, "હું 2016માં મુંબઈસ્થિત મારા કાકાના ઘરે રહેતી હતી. ત્યારે મારો પરિચય વિશાલ ભાવસાર સાથે થયો હતો. અમે જ્યારે મળ્યાં ત્યારે તે પોતે અમદાવાદમાં મોટો બિઝનેસમૅન હોવાનું કહેતો."

વિશાલના પ્રારંભિક વલણ અંગે પ્રિયાંશી કહે છે, "એ જ્યારે પણ મુંબઈ આવતો તો સારી હોટલમાં રોકાતો હતો. અમે સારાં રૅસ્ટોરાં અને કૉફી શૉપમાં મળતાં હતાં. જેમ જેમ અમારો પરિચય વધ્યો, અમે એકબીજાના પ્રેમમાં પડ્યાં."

જોકે, પ્રિયાંશીને લાગતું હતું કે તેમનો પરિવાર આ લગ્ન માટે તૈયાર નહીં થાય અને થયું પણ એમ જ. છતાં પણ તેઓ 2018માં વિશાલ સાથે રહેવા માટે અમદાવાદ આવ્યાં.

આ સમય અંગે તેઓ જણાવે છે, "અમે બે વર્ષ લિવઈનમાં રહ્યાં. અમને એકબીજા સાથે ફાવી ગયું એટલે 2021માં અમે કોર્ટ મૅરેજ કર્યા."

તેમના કહેવા પ્રમાણે લગ્ન સમયે તેઓ ગર્ભવતી હતાં અને ટૂંકા લગ્નગાળામાં જ તેમણે દીકરીને જન્મ આપ્યો હતો.

જોકે, દીકરીના જન્મ બાદ વિશાલે ‘પોતાનો ખરો રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું.’

ગ્રે લાઇન

'ઉઘરાણી કરનારાને ડરાવવા તમંચો ખરીદ્યો'

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, VIRENDRA BHATI

ઇમેજ કૅપ્શન, વિશાલ ભાવસાર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રિયાંશીએ જ્યારે દીકરીને જન્મ આપ્યો ત્યારે કોરોનાકાળ ચાલતો હતો.

પ્રિયાંશીએ આપેલી વિગતો અનુસાર એ સમયે વિશાલ તેમની પાસે આવ્યો અને કોરોનામાં ધંધો ઠપ થઈ ગયો હોવાનું જણાવીને પૈસા માગ્યા.

આ અંગે પ્રિયાંશી કહે છે, "તેણે પૈસા માગતાં મેં પિયરથી લાવેલા તમામ દાગીના એને આપી દીધા હતા. જેના પર તેણે ગોલ્ડ લોન લીધી હતી. આ દરમિયાન અમારી નાનકડી બાળકી બીમાર પડી. એની સારવાર માટે પૈસાની જરૂર હોવાથી વિશાલ પાસે પૈસા માગ્યા તો તેણે ગલ્લાંતલ્લાં શરૂ કર્યાં."

"જે સાંભળીને મને શંકા ગઈ અને મેં થોડી તપાસ કરી."

તેઓ કહે છે કે આ તપાસમાં જે સામે આવ્યું તે જાણીને તેઓ ડઘાઈ ગયાં હતાં.

પ્રિયાંશી જણાવે છે, "મને ખબર પડી કે મારો પતિ કોઈ બિઝનેસમૅન નથી પણ દિવસરાત ક્રિકેટનો સટ્ટો રમે છે. તે કોરોનાકાળ દરમિયાન જુગારમાં ઘણા પૈસા હારી ગયો હોવાથી મારા દાગીના ગીરવી મૂક્યા હતા અને તેમાંથી થોડું દેવું ચૂકતે કર્યું હતું."

તેઓ આગળ કહે છે, "તકલીફ માત્ર આ જ નહોતી. મારી કૂખે દીકરી જન્મી, તેનાથી પણ એ નારાજ હતો. સમય જતાં લોકો પૈસાની ઉઘરાણી કરવા માટે ઘરે આવતા હતા. લોકો એને ધમકીઓ આપતા હોવાથી તે ક્યાંકથી દેશી તમંચો લઈ આવ્યો હતો અને ઉઘરાણી માટે આવતા લોકોને તમંચો બતાવીને ભગાવી દેતો હતો."

પ્રિયાંશી જણાવે છે, "એક દિવસ એના જુગારી મિત્રોએ પૈસાની નહીં, પરંતુ પત્નીની ઉઘરાણી કરી અને તેણે મને લેણદાર સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું. મેં ના પાડી તો મારી સાથે મારઝૂડ કરી. તો પણ હું તાબે ન થઈ તો મારી દીકરીના લમણે બંદૂક મૂકી. જેથી હું ડરી ગઈ અને તેણે કહ્યું એમ કર્યું."

"બસ, એ દિવસથી આ સિલસિલો આગળ વધ્યો."

બીબીસી ગુજરાતી

'ન્યૂડ ફોટો મૉર્ફ કરીને ધમકી આપી'

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, VIRENDRA BHATI

ઇમેજ કૅપ્શન, પ્રિયાંશી

પ્રિયાંશીના આરોપો અનુસાર પ્રથમ વખત આવું બન્યા બાદ એવું થયું કે વિશાલ જ્યારે પણ સટ્ટામાં પૈસા હારતો તો પ્રિયાંશીના શરીરનો સોદો કરીને પૈસા ચૂકવતો હતો.

પ્રિયાંશી રડમસ અવાજે કહે છે, "હું આ જિંદગીથી ત્રાસી ગઈ હતી. તેણે મને કહ્યું હતું કે જો હું તેને છૂટાછેડા આપી દઉં તો મને મારી દીકરી સાથે જવા દેશે. મેં તાત્કાલિક તેને સહી કરી આપી."

પ્રિયાંશીએ લગાવેલા આરોપો અનુસાર છૂટાછેડાના કાગળો પર સહી કરાવ્યા બાદ વિશાલે પ્રિયાંશીને ઘરમાંથી તગેડી મૂકી હતી અને દીકરી પણ આપી ન હતી. પ્રિયાંશી પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેમણે પોતાના ભાઈ સાથે વાત કરી.

આ અંગે તેઓ કહે છે, "મેં મારા ભાઈને વાત કરી અને તેણે મને માફ કરીને લખનૌ બોલાવી. મેં છ મહિના વિશાલને મારી દીકરી પાછી આપવા માટે કહ્યું પણ એ માન્યો નહીં અને સતત મને અમદાવાદ આવવા દબાણ કરવા લાગ્યો."

પ્રિયાંશી આગળ કહે છે, "આ દરમિયાન વિશાલ અને દેહવેપાર માટે ગ્રાહકો લાવનારી તેની મિત્ર ઊર્મિલા સહિતના ચાર મિત્રોએ મારા ફોટા મૉર્ફ કરીને નીચે નગ્ન સ્ત્રીઓના ફોટોઝ મૂકીને એડિટ કર્યા."

"તેમણે આ ફોટા મને વૉટ્સઍપ પર મોકલીને ધમકી આપી કે જો હું તેમની વાત નહીં માનું તો એ લોકો મારા ફોટો સોશિયલ મીડિયા પર કૉલગર્લ તરીકે વાઇરલ કરશે અને ક્યારેય મારી દીકરી મને નહીં આપે."

પ્રિયાંશી જણાવે છે કે આ ધમકીથી કંટાળ્યા બાદ તેમણે હિંમત એકઠી કરીને અંતે 15 મેના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બીબીસી ગુજરાતી

'અન્ય પાંચ આરોપીની શોધખોળ ચાલુ'

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, VIRENDRA BHATI

ઇમેજ કૅપ્શન, ઇન્સ્પેક્ટર એસ. જી. ભાટિયા

આ કેસની તપાસ કરી રહેલા નરોડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ. જી. ભાટિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ બહેન જ્યારે અમારી પાસે ફરિયાદ લઈને આવ્યાં ત્યારે તેમનો પતિ વિશાલ ઘર છોડીને ભાગી ગયો હતો. ઉત્તર પ્રદેશથી આવેલાં આ બહેન ખૂબ આઘાતમાં હતાં. જેમને અહીં રાખીને તેમનું કાઉન્સેલિંગ કર્યું એ પછી તેમની હિંમત વધી છે."

તેમણે આગળ કહ્યું, "31 મેના રોજ વિશાલના ફોનના લોકેશન પરથી તેને પકડી પાડ્યો હતો. સાથે જ દીકરી પ્રિયાંશીને માતાને સોંપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં વિશાલે કબૂલ્યું કે ક્રિકેટના સટ્ટામાં તે દસ લાખનું દેવું કરી ચૂક્યો હતો."

"આ મામલે હજી તેના પાંચ મિત્રો ફરાર છે. જેની તપાસ ચાલુ છે. તેઓ પણ ટૂંક સમયમાં પકડાઈ જશે."

વિશાલ અને પ્રિયાંશી અમદાવાદમાં જે સોસાયટીમાં રહેતાં હતાં, ત્યાંના રહેવાસી અને સામાજિક કાર્યકર એસ. એન. રાજપૂતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ દંપતીના ઘરે લોકોની અવરજવર થતી રહેતી હતી. અમને શરૂઆતમાં એમ લાગતું હતું કે મહેમાનો હશે."

તેમણે આગળ કહ્યું, "પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા રહેતા હતા. બંને એકલાં હોવાથી બહેનની પ્રસૂતિ વખતે પણ સોસાયટીની મહિલાઓએ મદદ કરી હતી. એક દિવસ જ્યારે તેઓ સોસાયટીની બહાર બેસીને રડતાં હતાં. ત્યારે અમે તેમને સાંત્વના આપીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. તેમણે પોલીસને જણાવેલી આપવીતી સાંભળીને અમે ખુદ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે સીધો સાદો દેખાતો તેમનો પતિ આવો હેવાન નીકળ્યો."

રેડ લાઇન
રેડ લાઇન