ડીપફેક પોર્નના દૂષણને કારણે દક્ષિણ કોરિયાની તરુણીઓ અને યુવતીઓમાં ફફડાટ

- લેેખક, જીન મેકેન્ઝી અને લીહ્યુન ચોઈ
- પદ, બીબીસી ન્યૂઝ
ગયા અઠવાડિયે હીજિન(નામ બદલ્યું છે)ના ફોન પર એક અનામી પ્રેષક તરફથી મૅસેજિંગ ઍપ્લિકેશન ટેલિગ્રામમાં એક મૅસેજ પૉપઅપ થયો હતોઃ "તમારા ફોટોગ્રાફ્સ અને અંગત માહિતી લીક થઈ ગઈ છે. ચાલો ચર્ચા કરીએ."
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હીજિને તે મેસેજ વાંચવા ચેટરૂમ ઓપન કર્યો ત્યારે તેમને તેમનો એક ફોટો જોવા મળ્યો હતો. એ ફોટો તેઓ વર્ષો પહેલાં સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં ત્યારનો હતો. પછી એ જ ફોટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલો બીજો ફોટો આવ્યો. બીજો ફોટો બિભત્સ કહેવાય તેવો અને નકલી હતો.
ભયભીત હીજિને તેનો પ્રતિસાદ આપ્યો ન હતો, પરંતુ બનાવટી ફોટા આવતા રહ્યા હતા. એ બધા ફોટોમાં તેમનો ચહેરો અત્યાધુનિક ડીપફેક ટેકનૉલૉજીના ઉપયોગ વડે, સેક્સમાં મગ્ન શરીર સાથે જોડાયેલો હતો.
ડીપફેક્સમાં મોટાભાગે વાસ્તવિક વ્યક્તિના ચહેરાને નકલી, બિભત્સ શરીર સાથે જોડવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઈ)નો ઉપયોગ કરીને આવા વધુને વધુ ડીપફેક્સ બનાવવામાં આવી રહ્યા છે.
હીજિને બીબીસીને કહ્યું હતું, "હું બહુ ડરી ગઈ હતી. નિઃસહાયતા અનુભવતી હતી."
જોકે, જેની સાથે આવું થયું હોય તેવા હીજિન એકલાં ન હતાં.
દક્ષિણ કોરિયાનાં મહિલા પત્રકાર કો નરિને બે દિવસ પહેલાં એક સ્ટોરી પ્રકાશિત કરી હતી, જે તેમની કારકિર્દીના સૌથી મોટા સ્કૂપમાં પરિવર્તિત થવાની હતી. તાજેતરમાં એવું બહાર આવ્યું છે કે પોલીસ કાઉન્ટીની બે મુખ્ય યુનિવર્સિટીઓમાં ડીપફેક પોર્ન ટોળકીઓની તપાસ કરી રહી છે. કો નરિનને ખાતરી હતી કે આવી બેથી વધારે ટોળકીઓ હોવી જોઈએ.
તેમણે સોશિયલ મીડિયા પર શોધ શરૂ કરી અને ટેલિગ્રામ પરના એવા ડઝનેક ચેટ ગ્રૂપ્સનો પર્દાફાશ કર્યો હતો, જ્યાં યૂઝર્સ તેમની પરિચિત મહિલાઓના ફોટોગ્રાફ્સ શેર કરતા હતા અને એઆઈ સૉફ્ટવેરના ઉપયોગ દ્વારા એ ફોટોગ્રાફ્સને ગણતરીની સેકન્ડોમાં બનાવટી પોર્નોગ્રાફિક ઇમેજીસમાં રૂપાંતરિત કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કો નરિને અમને કહ્યું હતું, "દરેક મિનિટે લોકો તેમની પરિચિત છોકરીઓના ફોટોગ્રાફ્સ અપલોડ કરતા હતા અને તેને ડીપફેકમાં રૂપાંતરિત કરવાનું કહેતા હતા."
કો નરિનને જાણવા મળ્યું તું કે આ ગ્રૂપ્સ માત્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જ નિશાન બનાવતા ન હતા.
તેમાં હાઈ સ્કૂલ્સ તથા મિડલ સ્કૂલ્સ માટે પણ ચોક્કસ ચેટરૂમ્સ હતા. કોઈ ચોક્કસ વિદ્યાર્થિનીના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં કન્ટેન્ટ બનાવવામાં આવતું હતું. એવી છોકરીનો પોતાનો ચેટરૂમ પણ બનાવવામાં આવતો હતો.
"હ્યુમિલિયેશન રૂમ્સ” અથવા "ફ્રેન્ડ ઑફ ફ્રેન્ડ રૂમ્સ" તરીકે ઓળખાતા આવા ચેટરૂમમાં આકરી શરતે ઍન્ટ્રી મળતી હતી.
હેન્ક્યોરે નામના અખબારમાં પ્રકાશિત થયેલા કો નરિનના અહેવાલથી સમગ્ર દક્ષિણ કોરિયાને આઘાત લાગ્યો હતો. પોલીસે સોમવારે જાહેરાત કરી હતી કે ફ્રાન્સના સત્તાવાળાઓએ ટેલિગ્રામના રશિયન સ્થાપક સામે તેમની એપ સંબંધી ગુનાઓ બદલ તપાસ શરૂ કરી છે તેના પગલે અમે પણ તપાસ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.
આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોને આકરી સજાનું વચન સરકારે આપ્યું છે અને રાષ્ટ્રપતિએ યુવા લોકોને વધુ સારી રીતે શિક્ષિત કરવાની હાકલ કરી છે.
ટેલિગ્રામ ચેનલે બીબીસીને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું, "અમારા પ્લૅટફૉર્મ પરની પોર્નોગ્રાફી સહિતની હાનિકારક સામગ્રી સામે અમે સક્રિયપણે પગલાં લઈ રહ્યા છીએ."
‘વ્યવસ્થિત અને સંગઠિત પ્રક્રિયા’

બીબીસીએ આવા સંખ્યાબંધ ચેટરૂમ્સનું વિવરણ જોયું છે. એ પૈકીના એક ચેટરૂમમાં સભ્યોને તેમના નામ, ઉંમર, તેઓ જ્યાં રહે છે તે વિસ્તારનું નામ અને ચારથી વધુ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવાનું કહેવામાં આવે છે.
કો નરિને કહ્યું હતું, "આ પ્રક્રિયા એટલી વ્યવસ્થિત અને સંગઠિત હતી કે તેને જોઈને મને આંચકો લાગ્યો હતો. મને સૌથી ભયાનક જે બાબત જાણવા મળી તે એ હતી કે તેમાં શાળાના સગીર વિદ્યાર્થીઓ માટેનું એક ગ્રૂપ હતું અને તેમાં 2,000થી વધુ મેમ્બર્સ હતા."
કો નરિનનો અહેવાલ પ્રકાશિત થયાના દિવસો પછી મહિલા અધિકાર કર્મશીલોએ પણ ટેલિગ્રામને ફંફોસવાનું અને કડીઓને અનુસરવાનું શરૂ કર્યું હતું.
એ સપ્તાહના અંત સુધીમાં જાણવા મળ્યું હતું કે 500થી વધુ સ્કૂલ્સ અને યુનિવર્સિટીઓના નિશાન બનાવવામાં આવી હતી. આમાંથી વાસ્તવમાં કેટલા વિદ્યાર્થીઓને અસર થઈ છે તે સ્થાપિત કરી શકાયું નથી, પરંતુ એ પૈકીના ઘણાની વય 16 વર્ષથી ઓછી હોવાનું માનવામાં આવે છે. દક્ષિણ કોરિયામાં 16 વર્ષની વયને સંમતિની વય ગણવામાં આવે છે. મોટાભાગના શંકાસ્પદ ગુનેગારો કિશોર વયના છોકરાઓ છે.
હીજિને જણાવ્યું હતું કે આ સમસ્યાના વ્યાપ વિશે જાણ્યું ત્યારે મારી ચિંતામાં વધારો થયો હતો, કારણ કે કેટલા લોકોએ મારા ડીપફેક્સ જોયા હશે એ વાતની મને હવે ચિંતા થાય છે.
હીજિને શરૂઆતમાં આ બધા માટે ખુદને દોષી ઠેરવ્યાં હતાં. "હું સતત વિચારતી રહી હતી કે મેં મારા ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા એટલે આવું થયું છે. મારે વધારે સાવચેત રહેવાની જરૂર ન હતી?"
એ પછી દેશભરમાં સંખ્યાબંધ મહિલાઓ અને કિશોરીઓએ ભવિષ્યમાં પોતાનું શોષણ પણ થઈ શકે છે, એવા ડરથી સોશિયલ મીડિયા પરના તેમના ફોટોગ્રાફ્સ હટાવી લીધા છે અથવા તો તેમના અકાઉન્ટ્સ જ ડીઍક્ટિવેટ કરી નાખ્યાં છે.
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આહ-યુન નામનાં એક વિદ્યાર્થિનીની સહાધ્યાયીઓને નિશાન બનાવવામાં આવી હતી.
આહ-યુને કહ્યું હતું, "અમે કશું ખોટું કર્યું ન હોવા છતાં અમારે અમારી વર્તણૂંક અને સોશિયલ મીડિયાના અમારા ઉપયોગને સેન્સર કરવો પડે છે એ વાતથી અમે નિરાશ અને ગુસ્સે છીએ."
આહ-યુનને કહેવા મુજબ, તેમની યુનિવર્સિટીમાંની એક પીડિતાને પોલીસે એવી સલાહ આપી હતી કે તમારો કેસ આગળ ધપાવશો નહીં, કારણ કે ગુનેગારને પકડવાનું બહુ મુશ્કેલ હશે અને તે "વાસ્તવમાં ગુનો નથી," કારણ કે "ફોટોગ્રાફ્સ નકલી હતા."
કૌભાંડના મૂળમાં મેસેજિંગ ઍપ ટેલિગ્રામ

ઇમેજ સ્રોત, Getty Images
આ કૌભાંડના મૂળમાં મેસેજિંગ ઍપ ટેલિગ્રામ છે.
પબ્લિક વેબસાઇટ્સથી વિપરીત રીતે ટેલિગ્રામને સત્તાધારીઓ સરળતાથી ઍક્સેસ કરી શકે છે અને પછી ફોટોગ્રાફ્સ હટાવવાની વિનંતી કરી શકે છે. ટેલિગ્રામ એક ખાનગી, ઍન્ક્રિપ્ટેડ મેસેજિંગ ઍપ છે.
તેમાં યૂઝર્સ ઘણીવાર અનામી હોય છે.
ચેટરૂમ્સને "સીક્રેટ" મોડ પર સેટ કરી શકાય છે અને તેમાંની સામગ્રી, મૂળનો એક અંશ પણ જોવા ન મળે તેવી રીતે ડીલિટ કરી શકાય છે. આ કારણે ટેલિગ્રામ ગુનાહિત પ્રવૃત્તિના વિકાસનું મુખ્ય કેન્દ્ર બની છે.
રાજકારણીઓ અને પોલીસે ગયા સપ્તાહે જોરદાર પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ગુનાઓની તપાસનું અને ગુનેગારોને સજા કરવાનું વચન આપ્યું હતું.
સોલ નેશનલ પોલીસ એજન્સીએ સોમવારે જાહેરાત કરી હતી કે બાળકોના નકલી પોર્નોગ્રાફિક ફોટોગ્રાફ્સના વિતરણને શક્ય બનાવવામાં ટેલિગ્રામની ભૂમિકાની તેઓ તપાસ કરશે.
ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરાવ પર, પોર્નોગ્રાફી શેર કરવા સહિતના તેમની ઍપ સંબંધિત ગુનાઓમાં સંડોવણીનો આરોપ ગયા સપ્તાહે ફ્રાન્સમાં મૂકવામાં આવ્યો હતો.
જોકે, મહિલા અધિકાર કર્મશીલોએ, ટેલિગ્રામ પરના જાતીય દુર્વ્યવહાર સામે લાંબા સમય સુધી કોઈ પગલાં ન લેવાનો આરોપ દક્ષિણ કોરિયાના સત્તાવાળાઓ પર મૂક્યો છે, કારણ કે કોરિયામાં આવું સંકટ પહેલાં પણ સામે આવ્યું હતું.
સેક્સ કૌભાંડમાં સંડોવાયેલી એક ટોળકીએ મહિલાઓ તથા બાળકોને પોતાની નગ્ન ઇમેજીસ શેર કરવા ટેલિગ્રામ મારફત દબાણ કર્યું હોવાનું 2019માં બહાર આવ્યુ હતું.
એ સમયે પોલીસે ટેલિગ્રામની મદદ માંગી હતી, પરંતુ ટેલિગ્રામે પોલીસની સાતેસાત વિનંતીની અવગણના કરી હતી. આખરે ટોળકીના રિંગલીડરને 40 વર્ષના કારાવાસની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ સેન્સરશિપ સંબંધી ભયના કારણે ટેલિગ્રામ સામે કોઈ પગલાં લેવાયાં ન હતાં.
કો નરિને કહ્યું હતું, "તેમણે મુખ્ય લોકોને સજા ફટકારી હતી, પરંતુ અન્યથા પરિસ્થિતિની અવગણના કરી હતી અને એ કારણે પરિસ્થિતિ વણસી હોય એવું મને લાગે છે."
પાર્ક જિહ્યુને પત્રકારત્વના યુવા વિદ્યાર્થી તરીકે 2019માં અનેક ચેટરૂમ્સની અનેક સેક્સ-રિંગ્ઝનો પર્દાફાશ કર્યો હતો અને ત્યારથી તેઓ ડિજિટલ સેક્સ ક્રાઇમનો ભોગ બનેલા લોકોના એક રાજકીય વકીલ બની ગયાં છે.
તેમણે જણાવ્યું હતું કે ડીપફેક કૌભાંડ બહાર આવ્યું ત્યારથી અનેક વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતા દિવસમાં ઘણી વખત રડતાં-રડતાં ફોન કરે છે.
પાર્ક જિહ્યુને કહ્યું હતું, "સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી યાદીમાં તેમણે તેમની સ્કૂલનું નામ જોયું છે અને તેઓ ગભરાઈ ગયા છે."
ડીપફેક પોર્નોગ્રાફીમાં સગીરોની સંખ્યામાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ કોરિયામાં આ ઍપને નિયંત્રિત કરવા અથવા તો તેના પર પ્રતિબંધ મૂકવાની હાકલ સરકારને કરતા લોકોમાં પાર્ક જિહ્યુન મોખરે છે.
તેમણે કહ્યું હતું, "આ ટેકનૉલૉજી કંપનીઓ કાયદા અમલીકરણ એજન્સીઓને સહકાર ન આપે તો સરકારે નાગરિકોના રક્ષણ માટે તેને નિયંત્રિત કરવી જોઈએ."
તાજેતરમાં આ કૌભાંડ બહાર આવ્યું તે પહેલાં દક્ષિણ કોરિયાના ઍડવોકસી સેન્ટર ફૉર ઑનલાઇન સેક્સુઅલ એબ્યુઝ વિક્ટિમ્સ(એકોસાવ)ના ધ્યાનમાં આવ્યું હતું કે ડીપફેક પોર્નોગ્રાફીમાં સગીરોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે.
એકોસાવે 2023માં તરુણ વયના 86 પીડિતોનું કાઉન્સેલિંગ કર્યું હતું. તે સંખ્યા આ વર્ષના આઠ જ મહિનામાં વધીને 238 પર પહોંચી ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં વધુ 64 ટીનેજ પીડિતો આગળ આવ્યા છે.
એકોસાવના એક અગ્રણી પાર્ક સિઓંઘ્યેએ જણાવ્યું હતું કે તેમના કર્મચારીઓ પર પાછલા સપ્તાહે સંખ્યાબંધ ફોનકોલ્સ આવ્યા હતા અને તેઓ 24 કલાક કામ કરતા રહ્યા હતા.
તેમણે કહ્યું હતું, "તે અમારા માટે યુદ્ધની પરિસ્થિતિ જેવો પૂર્ણકાલીન કટોકટીનો સમય હતો."
તેમણે ઉમેર્યું હતું, "નવીનતમ ડીપફેક ટેકનૉલૉજીને કારણે હવે પહેલાં કરતાં વધારે ફૂટેજ જોવા મળે છે અને તેમાં વધારો થવાની અમને ચિંતા છે."
પીડિતોના કાઉન્સેલિંગની સાથે એકોસાવ હાનિકારક સામગ્રી પર નજર રાખે છે અને તેને દૂર કરવા ઑનલાઇન પ્લૅટફૉર્મ સાથે મળીને કામ કરે છે. ટેલિગ્રામે અમારી વિનંતીથી સામગ્રી દૂર કરી હોય તેવા કેટલાંક ઉદાહરણો છે, એમ જણાવતાં તેમણે નોંધ્યું હતું, "તેથી તે અશક્ય નથી."
ટેલિગ્રામે એક નિવેદનમાં બીબીસીને જણાવ્યું હતું કે તેના મોડરેટર્સ "એપના જાહેર હિસ્સા પર સક્રિયપણે નજર રાખે છે, એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરે છે અને યૂઝર્સની ફરિયાદના આધારે, ટેલિગ્રામની સેવાની શરતોનું ઉલ્લંઘન કરતી સામગ્રી દરરોજ દૂર કરે છે."
મહિલા અધિકાર સંગઠનો સ્વીકારે છે કે એઆઈ ટેકનૉલૉજી પીડિતોનું શોષણ આસાન બનાવી રહી છે.
તેઓ દલીલ કરે છે કે આ દક્ષિણ કોરિયામાં મહિલાઓ સામેની ઑનલાઉન ઘૃણાનું નવીનતમ સ્વરૂપ છે.
અગાઉ મહિલાઓએ ઑનલાઇન મૌખિક દુર્વ્યવહારનો સામનો કરવો પડતો હતો. પછી જાસૂસી કૅમેરાનો રોગચાળો ફેલાયો હતો, જેમાં જાહેર શૌચાલયો અને ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરતી સ્ત્રીઓના ગુપ્ત વીડિયો ઉતારવામાં આવ્યા હતા.
84 મહિલા જૂથોની સહીવાળા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું, "આ સમસ્યાનું મૂળ કારણ સ્ટ્રક્ચરલ સેક્સીઝમ છે અને તેનો ઉપાય લિંગ સમાનતા છે."
આ દેશના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલની સીધી ટીકા છે, જેમણે સ્ટ્રક્ચરલ સેક્સીઝમના અસ્તિત્વને નકારી કાઢ્યું હતું, પીડિત સહાય જૂથો માટેના ભંડોળમાં કાપ મૂક્યો હતો અને હવે તેઓ સરકારનું જેન્ડર ઇક્વાલિટી મંત્રાલય પણ બંધ કરી રહ્યા છે.
લી મ્યુંગ-હ્વા યુવા સેક્સ અપરાધીઓની સારવાર કરે છે. ડીપફેકનો દુરુપયોગ હમણાં શરૂ થયો હોય એવું લાગે છે, પરંતુ તે લાંબા સમયથી સપાટી નીચે છુપાયેલો હોવાની વાત સાથે તેઓ સંમત થાય છે.
આહા સોલ યૂથ કલ્ચરલ સેન્ટરના આ કાઉન્સેલરે કહ્યું હતું, "કિશોર વયના લોકો માટે ડીપફેક તેમના કલ્ચરનો ભાગ બની ગયું છે. તેઓ તેને કોઈ ખેલ કે ટીખળ ગણે છે."
અપરાધીઓને તેમણે શું કર્યું છે તે સ્પષ્ટ શબ્દોમાં જણાવો ત્યારે તેઓ જાતીય શોષણ શું છે તેના વિશે વધુ જાગૃત થાય છે અને ફરીથી એવા અપરાધ કરતા અટકે છે, એવું જણાવતા એક સંશોધનને ટાંકીને લી મ્યુંગ-હ્વાએ જણાવ્યું હતું કે યુવાનોને જાગૃત કરવા તે સર્વોપરી કામ છે.
દરમિયાન સરકારે જણાવ્યું છે કે ડીપફેક ઈમેજીસ બનાવતા અને શેર કરતા લોકો માટેની ફોજદારી સજામાં વધારો કરવામાં આવશે તેમજ પોર્નોગ્રાફી નિહાળતા લોકોને પણ સજા કરવામાં આવશે.
સરકારના આ નિવેદનમાં, અપરાધીઓને પૂરતી સજા કરવામાં ન આવતી હોવાની ટીકાના સંદર્ભ છે. એક મુદ્દો એ પણ છે કે મોટાભાગના ગુનેગારો તરુણ વયના છે. તેમની સામે યુથ કોર્ટ્સમાં કેસ ચલાવવામાં આવે છે અને ત્યાં તેમને વધુ હળવી સજા કરવામાં આવે છે.
ચેટરૂમ્સ કાંડ ઉઘાડો પડ્યો ત્યારથી અનેક ચેટરૂમ બંધ થઈ ગયા છે, પરંતુ તેમના સ્થાને નવા જરૂર શરૂ થશે. આ કાંડના અહેવાલ આપી રહેલા પત્રકારોને નિશાન બનાવવા માટે એક હ્યુમિલિયેશન રૂમ પહેલેથી જ તૈયાર છે.
આ કાંડનો ઘટસ્ફોટ કર્યો તે કો નરિને જણાવ્યું હતું કે તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે. “મારો ફોટો અપલોડ કરવામાં આવ્યો છે કે કેમ તે જોવા હું ચેટરૂમ્સ સતત ચેક કરતી રહું છું.”
દક્ષિણ કોરિયાની દરેક તરુણી અને યુવતીઓ એટલી હદે ચિંતિત છે કે તેઓ તેમના પરિચિત પુરુષો પર શંકા કરવા લાગી છે, એવું યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આહ-હ્યુને જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું, “ચોક્કસ લોકો મારી જાણ બહાર આવા ગુનાઓ નહીં કરે તેની મને ખાતરી નથી. લોકો સાથેના મારા વ્યવહારમાં હું અતિ-જાગૃત બની ગઈ છું, જે સારી વાત નથી.”
(એડિશનલ રિપોર્ટિંગઃ હોસુ લી અને સુહનવૂક લી)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












