મહમદ અલ ફયાદ: હૅરડ્સના માલિક પર ઘણી મહિલાઓએ લગાવ્યો બળાત્કારનો આરોપ, શું છે સમગ્ર મામલો?

- લેેખક, કૅસી કોર્નિશ-ટ્રેસ્ટ્રેલ, કીટન સ્ટોન, એરિકા ગૉરનૅલ અને સરાહ બેલ
- પદ, બીબીસી ન્યૂઝ
પ્રિન્સેસ ઑફ વૅલ્સ ડાયના સાથે કાર અકસ્માતમાં મૃત્યુ પામનાર ડોડી અલ ફયાદના પિતા મહમદ અલ ફયાદ એક વખત ફરી ચર્ચામાં છે. જોકે, ખોટા કારણોસર.
પ્રખ્યાત બ્રિટિશ લક્ઝરી ડિપાર્ટમેન્ટલ સ્ટોર હૅરડ્સના પૂર્વ માલિક મહમદ અલ ફયાદ પર મહિલાઓએ જાતીય શોષણના આરોપ લગાવ્યા છે.
પાંચ મહિલાઓએ કહ્યું છે કે તેઓ જ્યારે લંડનના હૅરડ્સ સ્ટોરમાં કામ કરતાં હતાં ત્યારે મહમદ અલ ફયાદે તેમના પર બળાત્કાર કર્યો હતો.
બીબીસીએ હૅરડ્સ સ્ટોરમાં કામ કરી ચૂકી 20 મહિલા કર્મચારીઓની જુબાનીઓ સાંભળી છે.
આ મહિલાઓનું કહેવું છે કે મહમદ અલ ફયાદે તેમનું જાતીય શોષણ અથવા તો બળાત્કાર કર્યો હતો.
મહમદ અલ ફયાદ હવે આ દુનિયામાં નથી. તેમનું 2023માં 94 વર્ષની વયે અવસાન થયું હતું. જોકે, મરણોપરાંત પણ તેમની પર બળાત્કાર જેવો ગંભીર આરોપો લાગી રહ્યા છે.
આ મામલે બનેલી ડૉક્યૂમેન્ટ્રી અને પૉડકાસ્ટ “અલ ફયાદ – ધી પ્રીડેટર એટ હૅરડ્સ”એ જે પુરાવાઓ એકઠા કર્યા છે તેના પરથી જાણકારી મળે છે કે અલ ફયાદે માલિક હતા ત્યારે તેઓ જાતીય શોષણને લગતા મામલાઓ રોકવામાં અસફળ તો રહ્યા જ પરંતુ તેમણે આ પ્રકારના આરોપો છુપાવવામાં પણ મદદ કરી.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હૅરડ્સના વર્તમાન માલિકે કહ્યું છે કે તેઓ આ આરોપોથી અચંભિત છે. સ્ટોરે આ માટે માફી પણ માંગી છે.
જાતીય શોષણનો શિકાર બનેલી ઘણી મહિલાઓનું પ્રતિનિધિત્વ કરનારી લીગલ કંપનીના વકીલ બ્રુસ ડ્રમોન્ડે કહ્યું, “હૅરડ્સમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર અને ગેરવર્તન પર ભરોસો થતો નથી. આ અત્યંત ભયાનક છે.”
આ અહેવાલ છપાવાની સાથેજ હૅરડ્સની કેટલીક પૂર્વ મહિલા કર્મચારીઓએ બીબીસીનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે હૅરડ્સે તેમના પર પણ જાતીય હુમલાઓ કર્યા હતા.
હૅરડ્સ સ્ટોરની પૂર્વ મહિલા કર્મચારીઓ સાથે જાતીય શોષણની ઘટનાઓ લંડન, પેરિસ, સેન્ટ ટ્રોપેઝ અને અબુ ધાબીમાં ઘટી હતી.
આ ઘટનાનો શિકાર બનેલી મહિલાઓ પૈકી એકે કહ્યું, “મેં સ્પષ્ટ કર્યું હતું કે હું તે થવા દઇશ નહીં. મેં મંજૂરી આપી ન હતી. હું ઇચ્છતી હતી કે તે ત્યાં જ અટકી જાય.”
આ મહિલાએ જણાવ્યું કે મહમદ અલ ફયાદે તેમની સાથે પાર્ક લેનમાં ફયાદના ઍપાર્ટમેન્ટમાં બળાત્કાર કર્યો હતો.
અન્ય એક મહિલાએ કહ્યું કે ફયાદે તેમની સાથે મૅફેયરમાં બળાત્કાર કર્યો હતો અને તે સમયે તે સગીર વયની હતી.
તેમણે કહ્યું, “મહમદ અલ ફયાદ એક રાક્ષસ હતો. જાતીય શોષણ કરનાર હેવાન હતો જેનામાં કોઈ નૈતિકતા ન હતી.”
તેમણે કહ્યું કે હૅરડ્સનો આખો સ્ટાફ તેમની કઠપુતળી હતો.
તેમણે કહ્યું, “અમને ડરાવીને રાખવામાં આવ્યા. તે પૂરી તૈયારી સાથે ડર ફેલાવતો. ડર એટલો હતો કે તે કહે કે કુદી જાવ તો અમે પુછતા કે કેટલી ઊંચાઈથી.”
મહમદ અલ ફયાદ પર જાતીય શોષણનો આરોપ તે જીવતા હતા ત્યારે પણ લાગ્યા હતા. મરણોપરાંત પણ તે આ આરોપોથી ઘેરાયેલા છે. જોકે, આ પહેલાં આટલા ગંભીર આરોપ લાગ્યા ન હતા.
બીબીસીનું માનવું છે કે આ મહિલાઓ ઉપરાંત બીજી મહિલાઓ પર પણ મહમદ અલ ફયાદે જાતીય શોષણ કર્યું હતું.
મહિલાઓએ શું કહ્યું ?

ઇમેજ સ્રોત, Getty Images
ફયાદની કારોબારી યાત્રા ઇજિપ્તના અલેક્ઝેન્ડ્રિયાની ગલીઓથી શરૂ થઈ હતી. તે આ ગલીઓમાં ફરી-ફરીને કોલ્ડ ડ્રિન્ક્સ વેચતાં હતાં.
જોકે, સાઉદી અરેબિયાના એક કરોડપતિ બહેનની સાથે થયેલા લગ્નને કારણે તેમની કિસ્મત બદલાઈ ગઈ. આ લગ્નને કારણે તેના માટે નવા ક્નેકશન બનાવવા અને મોટું વેપાર સામ્રાજ્ય ઊભું કરવામાં મદદ મળી.
મહમદ અલ ફયાદ 1974માં બ્રિટેન પહોંચ્યા. તેમણે 1985માં જ્યારે હૅરડ્સની કમાન સંભાળી ત્યારે તેઓ પ્રખ્યાત બની ગયા હતા.
1990 થી 2000ના દાયકામાં તેઓ નિયમિત રૂપે પ્રાઇમ ટાઇમ ટીવી ચૅટ અને ઍન્ટરર્ટેઇનમેન્ટ શોમાં મહેમાન તરીકે દેખાતા હતા.
આ દરમિયાન તેમના પુત્ર ડોડીની મિત્રતા પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયના સાથે થઈ હતી. જોકે, 1997માં એક કાર અકસ્માતમાં બંનેનું મોત થયું. નવી પેઢીને આ કહાણી નેટફ્લિકસ પર હાલમાં પ્રસારિત બે સિરિઝો થકી મળી હતી.
જોકે, જે મહિલાઓએ અમારી સાથે વાત કરી તેમણે કહ્યું કે મહમદ અલ ફયાદની છબી એક ખુશમિજાજ અને મિલનસાર વ્યક્તિની હતી. જોકે, આ વાત સત્યથી ઘણી દૂર છે.
આ મહિલાઓ પૈકી સોફિયા નામની મહિલાએ કહ્યું, “મહમદ અલ ફયાદ એક ધૃણાસ્પદ માણસ હતો. તેને એકથી વધારે વખત મારી સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો.”
સોફિયાએ 1988થી 1991 સુધી તેમના પીએ તરીકે કામ કર્યુ હતું.
તેમણે કહ્યું, “મહમદ અલ ફયાદને જ્યારે એક ખુશમિજાજ અને મિલાનસાર વ્યક્તિ તરીકે ઓળખાતા હતા ત્યારે મને ગુસ્સો આવતો.”
આ ડૉક્યૂમેન્ટ્રી જ્યારે બની રહી હતી ત્યારે કેટલીક મહિલાઓએ પોતાની ઓળખાણ આંશિકરૂપે છુપાવી હતી.
બીબીસી ઉપનામનો ઉપયોગ ન કરવા પર રાજી થયું. કેટલીક મહિલાઓએ પોતાની ઓળખાણ છુપાવવાના વિકલ્પનો ઉપયોગ કર્યો. તેમની વાતચીત દરમિયાન જે પુરાવાઓ સામે આવ્યા તે પરથી મહમદ અલ ફયાદની જાતીય ભૂખ અને જાતીય ગેરવર્તૂણુંકની એક પૅટર્ન નજરે ચડે છે.
હૅરડ્સમાં કામ કરી ચુકેલાં કેટલાંક પુરૂષો અને મહિલા કર્મચારીઓએ જણાવ્યું કે ફયાદ નિયમિતરૂપે પોતાના ડિપાર્ટમેન્ટલ સ્ટોરના વિશાળ સેલ્સફ્લૉર પર પહોંચી જતા હતા.
તે ત્યાં પહોંચીને પોતાના હિસાબે ફ્લૉર પર કામ કરનારી આકર્ષક યુવા મહિલાઓની ઓળખાણ કરી લેતા હતા. ત્યારબાદ તેમનું પ્રમોશન કરીને તેમને ઉપરના માળે ફયાદની ઑફિસમાં કામ કરવા માટે મોકલવામાં આવતી હતી.
મહિલા કર્મચારીઓનું જાતીય શોષણ કાં તો હૅરડ્સની ઑફિસ અથવા તો લંડનસ્થિત ઍપાર્ટમેન્ટમાં થતું હતું.
વિદેશ પ્રવાસો દરમિયાન પેરિસની રિટ્ઝ હોટલમાં પણ જાતીય શોષણ થયું હતું. ફયાદ જ આ હોટલના માલિક હતા. ફયાદના વિંડસર વિલાસ્થિત ઘરમાં પણ આ હુમલાઓ થયા.
કેટલાક બીજા પૂર્વ કર્મચારીઓએ જણાવ્યું કે તેમને ખબર હતી કે હૅરડ્સમાં શું ચાલી રહ્યું હતું.
એલિસ (બદલાયેલુ નામ) નામક એક પૂર્વ કર્મચારીએ કહ્યું, “તે બંધ દરવાજા પાસેથી પસાર થતી વખતે અમે એકબીજા સામે જોતાં અને વિચારતાં કે બીચારી છોકરી આજે તેનો દિવસ છે. અમે ખૂબ જ લાચારીનો અનુભવ કરતાં હતાં. અમે વિચારતાં કે અમે એટલાં નબળાં છીએ કે આ બધું રોકી શકતાં નથી.”
“તેણે મારી સાથે બળાત્કાર કર્યો”

ઇમેજ સ્રોત, Getty Images
રાશેલે (બદલેલું નામ) 1990ના દાયકામાં હૅરડ્સમાં પીએ તરીકે કામ કર્યુ હતું.
તેમણે જણાવ્યું કે એક રાતે કામ પછી તેમને ફયાદના લક્ઝરી ઍપાર્ટમેન્ટ પર બોલવવામાં આવ્યાં.
ઍપાર્ટમેન્ટ લંડનના હાઇડ પાર્કની બીજી તરફ આવેલા પાર્ક લેનના એક મોટા બ્લૉકમાં હતું. બિલ્ડિંગ સુરક્ષા ગાર્ડ્સથી ઘેરાયેલી હતી. આ સ્થળે હૅરડ્સના કર્મચારીઓની એક ઑન-સાઇટ ઑફિસ હતી.
રાશેલે કહ્યું કે ફયાદે મને પોતાના પલંગ પર બેસવાનું કહ્યું અને તેનો હાથ માર પગ પર રાખ્યો. તે શું ઇચ્છે છે તે સ્પષ્ટ હતું.
તેમણે કહ્યું, “મને મારા શરીર પર તેમના શરીરની હાજરીનો અનુભવ યાદ છે. તેના મોઢામાંથી અવાજ નીકળી રહ્યો હતો જે મારા માથા પરથી જઈ રહ્યો હતો.”
“તેણે મારી સાથે બળાત્કાર કર્યો છે.”
બીબીસીએ 13 મહિલાઓ સાથે વાત કરી અને તેમણે જણાવ્યું કે ફયાદે તેમના પર 60, પાર્ક લૅનમાં જાતીય હુમલાઓ કર્યા. રાશેલ સહિત ચાર મહિલાઓએ કહ્યુંકે ફયાદે તેમના પર બળાત્કાર કર્યો છે.
ફયાદના જાતીય હુમલાના પીડિત સોફિયાએ આખી ઘટના વિશે એવી રીતે જણાવ્યું જાણે તે ક્યારેય ખતમ ન થાય તેવું એક ખરાબ સપનું હતું.
તેમણે કહ્યું, “હું હૅરડ્સ છોડી ન શકું. મારાં માતા-પિતા પાસે કોઈ ઘર ન હતું જ્યાં હું પાછી જઈ શકું. મારે મકાનનું ભાડું પણ ચૂકવવું પડતું હતું. મારે આ બધું જ સહન કરવું પડ્યું. જોકે, હું તે ઇચ્છતી ન હતી. આ ખૂબ જ ભયાનક હતું. મારૂં મગજ એકદમ ફાટવાં લાગ્યું હતું.”
જેમાએ 2007થી 2009 સુધી ફયાદના પીએ તરીકે કામ કર્યું હતું. તેમણે કહ્યું કે વિદેશની વર્ક ટ્રિપ પર ફયાદનો વ્યવહાર વધારે ડરામણો બની જતો હતો.
તેમણે કહ્યું કે પેરિસના બોઈ ડે બૉલોનના વિન્ડસર વિલામાં ફયાદે મારી સાથે બળાત્કાર કર્યો હતો.
તેમણે જણાવ્યું કે તે બેડરૂમમાં પોતાના બેડમાં ચોંકીને ઊઠી. ફયાદ તેમના બેડની આગળ ઊભા હતા. માત્ર એક સિલ્ક ડ્રેસિંગ ગાઉન પહેરીને. પછી તેમણે મારા બેડ પર આવવાની કોશિશ કરી.
જેમાએ જણાવ્યું, “મેં તેને કહ્યું કે હું આ ઇચ્છતી નથી અને તે મને બેડ પર પાડવાનો પ્રયાસ કરતો રહ્યો. તે એક વખત લગભગ મારી ઉપર ચડી ગયો. હું હલી પણ ન શકી અને બેડ પર પડી અને ફયાદ મારા શરીર પર હાવી થઈ ગયો.”
તેમણે કહ્યું ફયાદે બળાત્કાર કર્યો પછી હું રડવાં લાગી. આ સમયે ફયાદ ગુસ્સામાં બોલ્યો કે ડેટૉલથી પોતાનું શરીર સાફ કરી લે.
આઠ બીજી મહિલાઓએ પણ જણાવ્યું કે ફયાદે પેરિસમાં પણ અલગ-અલગ ઇમારતોમાં જાતીય હુમલાઓ કર્યા. પાંચ મહિલાઓએ આ હુમલાને બળાત્કારનો પ્રયાસ ગણાવ્યો.
“રહસ્ય ખુલ્યું”

1994થી 2004 સુઘી હૅરડ્સમાં ડિપાર્ટમેન્ટ મૅનેજર તરીકે કામ કરી ચુકેલા ટોની લીમિંગે કહ્યું, “હું જ્યારે સેલ્સફ્લૉર પર કામ કરતો હતો ત્યારે મને મહિલાઓ સાથે થતાં ગેરવર્તન વિશે જાણકારી મળી. આ એક ખુલ્લું રહસ્ય હતું.”
તેમણે કહ્યું કે મને જાતીય શોષણ કે બળાત્કાર જેવા ગંભીર આરોપો વિશે જાણકારી ન હતી.
તેમણે ઉમેર્યું, “મને લાગે છે કે જો આ વાતની મને જાણકારી હતી તો બધાને જાણકારી હતી. જે લોકો એ કહે છે કે તેમને ખબર ન હતી તે ખોટું બોલે છે.”
લીમિંગની વાતોનું ફયાદની સિક્યોરીટી ટીમના પૂર્વ સભ્યોએ પણ સર્મથન કર્યું હતું.
એમન કોએલ 1989થી 1995 સુધી ફયાદની સિક્યોરિટીના ડેપ્યુટી ડાયરેક્ટર હતા. તેમણે કહ્યું, “અમે જાણતા હતા કે ફયાદને યુવાન છોકરીઓ પસંદ હતી.”
સ્ટીવ નથી ઇચ્છતા કે અમે તેમના ઉપનામનો ઉપયોગ કરીએ.
તેમણે કહ્યું, “મેં 1994-95 દરમિયાન ફયાદ માટે કામ કર્યું હતું. સુરક્ષા કર્મચારીઓ જાણતા હતા કે કેટલીક મહિલા કર્મચારીઓ સાથે હૅરડ્સ અને પાર્કમાં કંઈક ખાસ થઈ રહ્યું છે.”
ઘણી મહિલાઓએ અમને જણાવ્યું કે આ મહિલાઓએ જ્યારે ફયાદ માટે ડાયરેક્ટ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને મેડિકલ પરિક્ષણમાંથી પાસ થવું પડતું હતું. ડૉક્ટરોએ આ પરિક્ષણ દરમિયાન તેમનાં શરીરમાં કેટલાંક સાધનો પણ દાખલ કર્યાં હતાં.
ફયાદની સાથે સીધું કામ કરવાની વાતને એક ફાયદા તરીકે દર્શાવવામાં આવતો હતો. જોકે, ઘણા લોકોને ખબર હતી કે આ કથાકથિત પ્રગતિ દરમિયાન તેમની સાથે શું થઈ રહ્યું છે.
કૅથરિન 2005માં ઍક્ઝીક્યૂટિવ આસિસ્ટન્ટ હતાં. તેમણે કહ્યું, “કોઈને પણ એ જાણવાનો શું ફાયદો કે કોઈનું યૌન સ્વાસ્થ્ય ઠીક છે કે નહીં, જ્યાં સુધી તમે તેમની સાથે સેક્સ કરવા નથી જઈ રહ્યાં. આ બધું જ મને ખૂબ જ ભયાનક લાગતું હતું.”
“ભયની સંસ્કૃતી”

ઇમેજ સ્રોત, Getty Images
અમે જે મહિલાઓ સાથે વાત કરી તેમણે જણાવ્યું કે આ દરમિયાન અમને બીક લાગતી હતી. આ કારણે જ અમે આ ઘટનાઓ વિશે બોલી રહ્યાં ન હતાં.
સરાહે (ફેરવેલુ નામ) કહ્યું, “ચોક્કસપણે આખા સ્ટોરમાં ભયની સંસ્કૃતી હતી. સૌથી નાનાથી માંડીને સૌથી વરિષ્ઠ કર્મચારીઓ સુધી બધા જ ડરેલા હતા.”
કેટલાક બીજા કર્મચારીઓએ જણાવ્યું, “અમારૂ માનવું છે કે હૅરડ્સમાં લોકોના ફોન ટેપ કરવામાં આવતા હતા. મહિલાઓ ફયાદના ગેરવર્તણૂક વિશે એકબીજા સાથે વાત કરવાથી ડરતી હતી. તેમને બીક હતી કે કૅમેરા આ વાત કરતા સમયે તેમને પકડી લેશે.”
સિક્યોરિટીના ડેપ્યુટી ડાયરેક્ટર ઇમાન કોએલે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે મારા કામનો એક ભાગ રેકૉર્ડેડ કૉલ અથવા તો ટેપને સાંભળવાનો પણ હતો. ઍક્ઝીક્યૂટિવ સુઇટ્સ સહિત આખા સ્ટોરમાં રેકૉર્ડ કરી શકે તેવા કૅમેરા લગાડવામાં આવ્યા હતા.
ફયાદ જે વ્યક્તિનું રેકૉર્ડિંગ કરાવવા ઇચ્છતા તે વ્યક્તિનું રેકૉર્ડિંગ કરાવ્યું હતું.
હૅરડ્સે પોતાના એક નિવેદનમાં બીબીસીને કહ્યું, “આ તાકતનો અત્યંત દુરુપયોગ કરવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિનું કામ હતું. અમે તેની ભારે ટીકા કરીએ છીએ.”
કંપનીએ નિવેદનમાં કહ્યું, “હૅરડ્સ આજે 1985થી 2010ની વચ્ચે ફયાદના માલિકી હક્ક અને નિયંત્રણવાળી કંપનીથી તદ્દન અલગ છે. હૅરડ્સના દરેક કામના કેન્દ્રમાં કંપનીના કર્મચારીઓનું હિત છે.”
ફયાદનાં મૃત્યુ પહેલાં પણ તેમનાં રહસ્યો ખુલ્લાં પાડવાનો પ્રયાસ થયો. 199માં વૅનિટિ ફેર મૅગઝીને એક અહેવાલ છાપ્યો હતો કે હૅરડ્સમાં વંશીય ભેદભાવ અને જાતીય શોષણ થાય છે. જોકે, આ અહેવાલને કારણે મૅગઝીનને માનહાનિ કેસનો સામનો કરવો પડ્યો હતો.
ફયાદે પાછળથી મૅગેઝીન સાથે સમજૂતી કરી હતી. આ સમજૂતી હૅરડ્સના એક વરિષ્ઠ અધિકારીએ કરાવી હતી. મૅગેઝીન સામેનો કેસ પરત ખેંચી લેવાયો હતો.
આઈટીવીની “ધી બિગ સ્ટોરી”એ 1997માં જાતીય શોષણ અને છેડતી સહિત ગંભીર જાતીય શોષણની સ્ટોરી કરી હતી.
બીબીસીના એક ઇન્વેસ્ટિગેશનથી જાણકારી મળે છે કે અલી નામક એક મહિલાએ 2008માં પોતાના પર હુમલા વિશે પોલીસમાં રિપોર્ટ કર્યો હતો. તે સમયે તેણી 15 વર્ષની હતી. આ ઘટના હેડલાઇન બની હતી. જોકે, તે આરોપમાં પરિવર્તિત ન થઈ શકી.
ચૅનલ 4એ 2017માં એક મહિલા સાથે છેડતી, હુમલો અને ઉત્પીડનના આરોપોની ખબર પ્રસારિત કરી હતી. કોઈ મહિલાએ સામે આવીને પ્રથમ વખત આરોપ લગાવ્યાં. આ કારણે બીજી કેટલીક મહિલાઓને પણ સામે આવવાની હિંમત મળી. ત્યારબાદ 2018માં ચૅનલ 4 ન્યૂઝ પર ઇન્વેસ્ટિગેશન થયું.
મહમદ ફયાદનું મૃત્યુ 2023માં થઈ ગયું અને ત્યારબાદ ઘણી મહિલાઓએ બળાત્કાર અને બળાત્કારના પ્રયાસો વિશે જાહેરમાં બોલવાની હિંમત કરી છે.
કૅશ અને સમજૂતી

ઇમેજ સ્રોત, PA Media
બીબીસીની ડૉક્યૂમેન્ટ્રીથી જાણકારી મળે છે કે 2009માં જાતીય શોષણનાં મામલે જેમા સાથે જે સમજૂતી થઈ હતી તેમાં જેમાને નૉન-ડિસ્ક્લોઝર ઍગ્રીમેન્ટ એટલે કે એનડીએ પર સહી કરવી પડી હતી. એનડીએમાં સહી કરનાર વ્યક્તિ સમજૂતીને ગુપ્ત રાખવા માટે કાયદાકીય રીતે બંધાયેલી છે.
જેમાએ કહ્યું કે મારી સાથે બળાત્કાર થયો પછી મેં એક વકીલનો સંપર્ક કર્યો અને હૅરડ્સને જણાવ્યું કે જાતીય શોષણને કારણે નોકરી છોડી રહ્યાં છે.
જેમાનું કહેવું છે કે હુ તે સમયે ફયાદના હુમલાની ગંભીરતાને જાહેર કરવા માટે સક્ષમ ન હતી.
હૅરડ્સે તેમને છોડવાની મંજૂરી આપી દીધી. હૅરડ્સે કહ્યું કે જેમાએ બધા જ પુરવાઓને નષ્ટ કરીને એનડીએ પર સહી કરવી પડશે. ત્યારબાદ તેમને કૅશ આપવામાં આવશે. જેમાએ કહ્યું કે પુરાવાઓ નષ્ટ કરતી વખતે હૅરડ્સની એચઆર ટીમના એક સભ્ય ત્યાં હાજર હતા.
બીબીસીને જાણકારી મળી કે હૅરડ્સના તત્કાલીન સિક્યોરિટી ડાયરેક્ટર જૉન મૈકનમારાઓ મહિલાઓને ધમકી આપી હતી કે તેઓ જાતીય શોષણ વિશે વાત ન કરે.
અમે જે મહિલાઓ સાથે વાત કરી તે પૈકી કેટલીક મહિલાઓનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ બ્રુસ ડ્રમોન્ડ અને ડીન આર્મસ્ટ્રોંગ કેસીનું કહેવું છે કે આ પ્રકારના અસુરક્ષિત વાતાવરણ માટે સ્ટોર જવાબદાર હતો.
આર્મસ્ટ્રોંગે કહ્યું કે હૅરડ્સના વરિષ્ઠ અધિકારીઓ આ મામલાને દબાવવાના બધા જ પ્રયાસો કર્યા હતા.
આ મામલે કેટલીક મહિલાઓનું પ્રતિનિધિત્વ કરી રહેલાં વકીલ મારિયા મુલ્લાએ કહ્યું કે તેમના ઘણા કલાઇન્ટ હવે આગળ આવી રહ્યાં છે. કારણ કે પહેલાં આ મહિલાઓને ડરાવવામાં આવી હતી.
હૅરડ્સે બીબીસીને જણાવ્યું, “અલ ફયાદ પર લાગેલા જાતીય શોષણના આરોપો વિશે 2023માં નવી જાણકારી મળી એટલે આ દાવાઓને ઉકેલ મેળવવો અમારી પ્રાથમિકતા છે. હૅરડ્સના પૂર્વ અને વર્તમાન કર્મચારીઓ આ પ્રકિયા હેઠળ આવરી લેવાશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન








