એક રિપોર્ટે મલયાલમ ફિલ્મ ઉદ્યોગને કેવી રીતે હચમચાવી નાખ્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી હિંદી માટે
એક તપાસ રિપોર્ટે મલયાલમ ફિલ્મ ઉદ્યોગને હચમચાવી નાખ્યો છે.
આ પાછળનું કારણ છે અભિનેત્રીઓના જાતીય શોષણના મામલા સાર્વજનિક થયા. ફરિયાદોનો ઢગલો અને જસ્ટિસ હેમા કમેટીનો રિપોર્ટ.
આ અભિનેત્રીઓ પૈકી કેટલીક અભિનેત્રીઓ પોતાનું કરિયર છોડવા પણ મજબૂર બની હતી.
મહિલા કલાકારોએ જાણીતા અભિનેતાઓ અને દિગદર્શક વિશે કહ્યું કે તે મહિલા કલાકારોનું જાતીય શોષણ કરતા હતા. આ સાથે જ ન્યાયધીશ હેમા કમેટીની રિપોર્ટમાં કહેવામાં આવેલી વાતોની પણ પુષ્ટિ થઈ છે.
આ રિપોર્ટને જ્યારે જાહેર કરવામાં આવ્યો ત્યારે એ ભાગ હટાવી દેવામાં આવ્યો જેમાં શોષણ કરનારા લોકો અને પીડિતોનાં નામ હતાં.
'કેટલાક ગંભીર મુદ્દાઓ સામે આવી શકે છે'

ઇમેજ સ્રોત, Getty Images
મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરનાર મહિલાઓએ છેલ્લા 48 કલાકોમાં એ લોકોનાં નામ જણાવ્યા છે જેમણે 2009 પછી જાતીય શોષણ કર્યું હતું.
જે લોકો પર આરોપ લાગ્યા છે તે પૈકી માત્ર એક વ્યક્તિએ સત્તાવાર રીતે પોલીસને જણાવ્યું કે તેમની વિરુદ્ધ લગાવેલા આરોપ પાયાવિહોણા છે.
કેરળ સરકારે હાલમાં જ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટીનું કામ ફરિયાદ નોંધવાનું છે. જોકે, આ ટીમ એફઆઈઆર નોંધશે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બંગાળી અભિનેત્રી શ્રીલેખા મિત્રાએ એક જાણીતા અભિનેતા રંજીત પર આરોપ લગાવ્યા છે. રંજીતે આ આરોપોનો નકાર્યા.
રંજીતે આ દરમિયાન કેરળ ચલચિત્ર એકૅડેમીના ચેરમૅન પદ પરથી રાજીનામું આપ્યું હતું.
શ્રીલેખાએ ત્યારબાદ 26 ઑગસ્ટના રોજ કોચ્ચી પોલીસ કમિશનર પાસે સત્તાવાર ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બીનજામીનપાત્ર ગુના હેઠળ દાખલ કરવામાં આવી છે.
અભિનેત્રી માલા પાર્વતીએ બીબીસી હિંદીને જણાવ્યું, "માત્ર ગણતરીના લોકો સામે આવ્યા છે. કેટલાક બીજા પણ ગંભીર મુદ્દાઓ છે જે સામે આવી શકે છે. જે લોકો જાહેરમાં આવ્યા છે તે એ લોકો નથી જે હેમા કમેટી સામે હાજર થયા હતા."
કેરળની રાજ્ય સરકારના નિર્દેશ પર 2017માં હેમા કમેટીની રચના કરવામાં આવી હતી. વીમેન ઇન સિનેમા ક્લેક્ટિવ (ડબ્લ્યૂસીસી) નામની સંસ્થાએ મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનને આ મુદ્દે અપીલ કરી હતી.
આ ત્યારે થયું હતું જ્યારે એક જાણીતાં અભિનેત્રીનું ચાર લોકોએ જાતીય શોષણ કર્યું હતું.
આ મામલામાં મુખ્ય આરોપી અભિનેતા દિલીપ હતા જે હાલમાં જામીન પર છે.
રાજ્ય સરકારે આ રિપોર્ટ સાડા ચાર વર્ષ પછી જાહેર કર્યો છે અને પોલીસને મળેલી બધી જ ફરિયાદોની તપાસ કરવાની વાત કરી છે.
કેરળ સરકારે આ કેસોની તપાસ જાતે કરવાની વાતથી ઇનકાર કર્યો છે. જોકે, બે ફરિયાદો આવ્યા પછી દબાણ વધવાને કારણે રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરવાનો નિર્ણય કર્યો.
ફરિયાદમાં શું છે?
હાલમાં નોંધાયેલી ફરિયાદમાં જે વાત કહેવામાં આવી છે તે વાતનો ઉલ્લેખ હેમા કમેટીના રિપોર્ટમાં પણ છે.
ફરિયાદી મહિલાઓએ તે ઘટનાઓ વિશે જાણકારી આપી છે, જેમાં તેમને વારંવાર ‘સમજૂતી’ અથવા ‘એડજસ્ટ’ કરવા માટે કહેવામાં આવતું હતું.
તેને બદલે ઍસોસિએશન ઑફ મલયાલમ મૂવી (એએમએમએ)નું સભ્યપદ આપવાની વાત કહેવામાં આવી હતી.
મીનુ મુનીરે બીબીસી હિંદીને જણાવ્યું, "આ ઘટના ત્યારની છે જ્યારે હું ફિલ્મ શૂટિંગની જગ્યા રાજ્ય સચિવાલયના વૉશરૂમમાંથી બહાર નીકળી. એક જાણીતા અભિનેતાએ મને પાછળથી પકડી લીધી અને મારી મરજી વગર મને ચુંબન કર્યા."
તેમણે કહ્યું, "મેં તેને પાછળની તરફ ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગઈ. તે કહેતો રહ્યો કે ત્રિવેન્દ્રમમાં એક એપાર્ટમેન્ટ છે અને હું તેને ત્યાં મળું. બીજા એક જાણીતો અભિનેતા હતો. તે મને કહેતો કે હૉટલનો રૂમ ખુલ્લો રાખજે, હું આવીશ."
મીનુ મુનીરે જણાવ્યું, "મેં સ્પષ્ટપણે કહ્યું કે આ શક્ય નથી. તેણે કહ્યું કે તારે આ કરવું જ પડશે કારણ કે હું તારા માટે જ ફાઇવ સ્ટાર હોટલથી આ હોટલમાં આવ્યો છું. તે બીજા દિવસે (શૂટિંગના) સેટ પર કારણ વગર બૂમાબૂમ કરતો રહ્યો. એક ધારાસભ્ય અને અભિનેતાએ પણ મારી સાથે આવી વાત કરી હતી. હું તેમના જાળમાં ન ફસાઈ કારણ કે હું આ ઉદ્યોગમાં એટલા માટે આવી હતી કેમ કે મને આ કળા સાથે પ્રેમ હતો."
મુનીરને લાગ્યું કે જો તેઓ એએમએમએનાં સભ્ય બની જશે તો આ પ્રકારના શોષણનો સામનો કરવો નહીં પડે. જોકે, મુનીરને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે તેમને કહેવામાં આવ્યું કે સભ્યપદ મફતમાં મળી જશે જો તે "સમજૂતી" અને "એડજસ્ટ" કરવા માટે તૈયાર થઈ જાય.
મુનીરે ઉમેર્યું, "એક પ્રોડક્શન કન્ટ્રોલર હતો જેણે કારમાં મારી સાથે ખરાબ વર્તન કર્યું. મેં 2013માં એક મૅગઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં આ બધા વિશે વાત કરી હતી, પરંતુ કોઈએ પૂછપરછ ન કરી."
જેના પર આરોપ છે તેઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ રિપોર્ટમાં જે અભિનેતા અને દિગદર્શકનાં નામ છે તેમાંથી કોઈની પણ પ્રતિક્રિયા મળી ન શકી. પ્રતિક્રિયા મળશે ત્યારે આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.
આ બધા જ મામલા 2008થી 2012ની વચ્ચેના છે.
બીજાં બે અભિનેત્રીઓ ગીતા વિજયન અને શ્રીદેવિકાએ જાણીતા નિર્દેશક પર આરોપ લગાવ્યો છે કે તેઓ અડધી રાતે તેમનો દરવાજો ખખડાવવા લાગ્યા હતા.
શ્રીદેવિકાના કેસમાં આવું ચાર દિવસ થયું. ગીતા વિજયન આ મામલે ફરિયાદ દાખલ કરવા માટે તૈયાર છે.
જે નિર્દેશકો પર આરોપ લાગ્યા છે તે આ આરોપો પર કશું બોલ્યા નથી. નિર્દેશકો જો નિવેદન આપશે તો આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.
બીજા એક કેસમાં એક સ્ક્રિપ્ટ રાઇટરે ડીજીપીને એક ફરિયાદ મોકલી છે.
તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું કે, "હું જ્યારે 2022માં કોલ્લમમાં એક ફિલ્મ વિશે વાત કરવા માટે ગઈ હતી ત્યારે એક અભિનેતા અને નિર્દેશકે મારું જાતીય શોષણ કર્યું હતું."
ચુંબન કરવાનો પ્રયત્ન કર્યા પછી અભિનેતા-નિર્દેશકે સ્ક્રિપ્ટ રાઇટર પાસે માફી માગી અને એક આસિસ્ટન્ટ થકી 10 હજાર રૂપિયા મોકલવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને રાઇટર આ વાત કોઈને ન જણાવે.
મુનીરની જેમ આ રાઇટરે પણ ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો.
રેવતી સંપથે અભિનેતા સિદ્દિકી પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. સિદ્દિકીએ ત્યાર બાદ એએમએમએના મહાસચિવના પદ પરથી રાજીનામું આપી દીધું.
સિદ્દિકીએ રાજ્યના પોલીસ પ્રમુખને આપેલી ફરિયાદમાં રેવતી પર આરોપ લગાવ્યો છે કે તેઓ (રેવતી) સિદ્દિકીની વિરુદ્ધ ખોટા આરોપ લગાવી રહ્યા છે અને ગુનાહિત ષડયંત્રમાં સામેલ છે.
સિદ્દિકીએ 2016માં ફિલ્મના પ્રિવ્યુ સ્ક્રીનિંગ પછી બળાત્કારના આરોપને ખોટો ગણાવ્યો છે.
તેમણે કહ્યું, "રેવતી તે દિવસે મને પોતાનાં માતા-પિતાની હાજરીમાં મળ્યાં હતાં. તેઓ સાડા આઠ વર્ષ પછી જે બળાત્કારનો આરોપ લગાવી રહ્યાં છે, તેવું કશું થયું નથી. પાંચ વર્ષ પહેલાં જાતીય શોષણ જેવી કોઈ ઘટના થઈ નથી."
સિદ્દિકીએ કહ્યું કે, "આ આરોપોનો ઇરાદો મારી અને એએમએમએની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચડાવનો લાગે છે. તેઓ હવે જે આરોપો લગાવે છે તે પહેલાં લગાડેલા આરોપો કરતાં એકદમ જુદા છે."
અભિનેતા પૃથ્વીરાજ સુકુમારને એક નિવેદન જાહેર કરીને કહ્યું, "જો કોઈ આરોપ હોય તો તેની તપાસ થવી જોઈએ. તપાસ પછી જો આરોપ સાચા પુરવાર થાય તો કડક સજા મળવી જોઈએ."
કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ મામલે વિપક્ષે કેરળ સરકારની ટીકા કરી છે. સિવિલ સોસાયટીના લોકો પણ હેમા કમિટીના રિપોર્ટને મોડો જાહેર કરવા બદલ સરકાર પર નિશાના તાકી રહ્યા છે.
કેરળ સરકારે કહ્યું કે જાતીય શોષણથી પીડિત અભિનેત્રી ફરિયાદ કરશે તો તપાસ કરવામાં આવશે.
બીજા શબ્દોમાં કહીએ તો રાજ્ય સરકાર આ મામલે હેમા કમિટીના રિપોર્ટ પર પોતાની તરફથી કોઈ કાર્યવાહી કરશે નહીં.
કેરળ સરકારના એક મંત્રીએ બીબીસી હિંદીને પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું, "જો ફરિયાદ કરવા માટે મહિલાઓ આગળ ન આવે તો સરકાર કેવી રીતે પહેલ કરે? સવાલ એ છે કે જો ગુનો થયો છે તો શું રાજ્ય સરકાર પહેલ કરી શકે? આ વિશે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે."
જોકે, બીજી એક દલીલ એ પણ છે કે જે લોકોએ કમેટીની સામે નિવેદન આપ્યા તેમની પણ તપાસ થવી જોઈએ.
માલા પાર્વતીએ કહ્યું કે એ ભૂલવું ન જોઈએ કે કમિટીની સામે આ મહિલાઓએ પણ પુરાવાઓ આપ્યા હતા.
કેરળ હાઇકોર્ટનાં વકીલ સંધ્યા રાજુએ બીબીસીને જણાવ્યું, "ગુનો જ્યારે થાય છે તે રાજ્યની સામે ગુનો ગણાય છે. તપાસ કરનારી એજન્સીઓએ પહેલ કરવી જોઈએ અને પ્રક્રિયા શરૂ કરીને ફરિયાદી પક્ષની મદદ કરવી જોઈએ. આનો અર્થ એ નથી કે પીડિત જ્યારે ફરિયાદ કરે તો જ તપાસ થઈ શકે છે."
વકીલ સંધ્યા રાજુએ કહ્યું, "જો કોઈ ગુનાનો કેસ સામે આવે છે તો સરકાર જ મુખ્ય પક્ષ હોય છે. સરકારે આ સ્થિતિમાં કાર્યવાહી કરવી જોઈએ."
કાયદાકીય રીતે આશા છે કેરળ હાઇકોર્ટ આ મામલે નિર્ણય કરશે. કોર્ટે રાજ્ય સરકારને હેમા કમિટીનો આખો રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે.
જેમાં તે 54 પેજ પણ સામેલ છે, જેમાં કથિત શોષણ કરનારા અને પીડિતોનાં નામનો ઉલ્લેખ હતો.
વકીલ સંધ્યાએ કહ્યું, "રાજ્ય સરકાર જો પહેલ કરશે તો તેનાં દૂરગામી પરિણામો થશે. આ કેસની અસર માત્ર ફિલ્મ ઉદ્યોગ પર જ નહીં પરંતુ બીજા ક્ષેત્રોમાં પણ જોવા મળશે. તે પછી નિર્માણ ક્ષેત્ર હોય કે કૉર્પોરેટ ક્ષેત્ર કે પછી કાયદાનું ક્ષેત્ર."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












