પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બાળકોના જાતીય શોષણનો મામલો, આરોપી લાંબા સમય સુધી કેવી રીતે બચતો રહ્યો?

પીડિત પરિવારોએ કહ્યું કે શરમ અને ડરને કારણે તેઓ સામે આવવાંથી અચકાઈ રહ્યાં હતા
ઇમેજ કૅપ્શન, પીડિત પરિવારોએ કહ્યું કે શરમ અને ડરને કારણે તેઓ ફરિયાદ કરવાથી ખચકાતા હતા (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કેટલાંક બાળકો પર કથિત જાતીય શોષણ અને તેના વીડિયો સામે આવવાને કારણે આ કેસ ચર્ચામાં છે.

મેરઠ જિલ્લામાં એક ગામનો આ મામલો સામે આવ્યા પછી છ બાળકો(જે પૈકી બે હવે પુખ્ત છે)ના જાતીય શોષણ અને શોષણનો વીડિયો બનાવવાના આરોપમાં 37 વર્ષીય વ્યક્તિની સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે.

આરોપી પર જાતીય શોષણ ઉપરાંત પૉક્સોઍક્ટની કલમો પણ લગાડવામાં આવી છે. આ મામલે ફરીયાદ નોંધાવા માટે છ પીડિતો સામે આવ્યા છે.

માનવામાં આવે છે કે પીડિતોની સંખ્યા વધારે હોઈ શકે છે.

જોકે, આ કેસને કારણે પશ્ચિમ ઉત્તર પ્રદેશનું આ ગામ હચમચી ગયું છે. ઘટના અને તેના વિશે જે જાણકારીઓ સામે આવી રહી છે તેને કારણે ગામના લોકો હેરાન અને ચિંતિત છે.

સ્થાનિક લોકો માટે માનવું મુશ્કેલ છે કે તેમની નજીક આટલા લાંબા સમયથી એક ગંભીર ગુનો આચરવામાં આવી રહ્યો હતો.

આરોપીની ધરપકડ પછી પણ આ કહાણી ખતમ થઈ નથી. ગામના લોકો આ કેસ બહાર આવ્યા પછી જે માહોલ છે તેનો સામનો કરી રહ્યા છે.

ગામની બહાર કરિયાણાની દુકાન ચલાવતા એક યુવકને આરોપીના ઘરનું સરનામું પુછ્યું તો તેઓ નારાજ થઈ ગયા.

યુવકે કહ્યું, “આ ઘટનાએ સમગ્ર ગામને શર્મસાર કર્યું છે. અમારાં બધાંનાં સન્માનો છીનવી લીધાં. આ કેસમાં માત્ર ધરપકડ જ પૂરતી નથી, પરંતુ આરોપીને એવી સજા થવી જોઇએ કે ઉદાહરણરૂપ બને.”

આરોપીને પહેલાં પણ જેલમાં ગયો હતો

પીડિતોએ કહ્યું કે આરોપીએ જાતિય શોષણ કરતા પહેલાં નશો આપ્યો અને પછી વીડિયો બનાવીને બ્લૅકમેલ કર્યા. પીડિત સાથે વાત કરતા બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા.
ઇમેજ કૅપ્શન, પીડિતોએ કહ્યું કે આરોપીએ જાતિય શોષણ કરવા પહેલાં નશો આપ્યો અને પછી વીડિયો બનાવીને બ્લૅકમેલ કર્યા. પીડિત સાથે વાત કરતા બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા.

અમે જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે આરોપીનાં માતા તેમની નાની બાળકીને સંભાળી રહ્યાં હતાં. અમે જ્યારે પરવાનગી લઈને આરોપીના ઘરમાં દાખલ થયા ત્યારે આરોપીનાં પત્ની રસોડામાં જતાં રહ્યાં.

ઘરના એક ખૂણામાં ડઝનેક બીયરની કૅન પડી હતી. આ ઘરમાં તે જ રૂમ છે જ્યાં બાળકોનું જાતીય શોષણ થયું અને સીસીટીવી કૅમેરો લગાવીને તેમના વીડિયો રેકૉર્ડ કરવામાં આવ્યા.

આ રૂમની દિવાલ પર ધાર્મિક તસવીરો છે જ્યારે બીજી દિવાલ પાસે તે બેડ છે જે વીડિયો રેકૉર્ડિગમાં દેખાય છે.

આરોપીનાં માતાએ માત્ર એટલું જ કહ્યું, “દીકરાએ જે કર્યું તે તેને જ ખબર હશે, અમને ક્યારેય ન લાગ્યું કે તેણે ક્યારેય ખોટું કર્યું છે.”

“શર્મ અને બદનામીના ડરને કારણે ચૂપ રહ્યાં”

આ કેસનાં બધા જ પીડિતો ડિપ્રેશનમાં છે અને તેમના પરિવારનાં લોકો તેમનું ધ્યાન રાખી રહ્યાં છે
ઇમેજ કૅપ્શન, આ કેસના બધા જ પીડિતો ડિપ્રેશનમાં છે અને તેમના પરિવારના લોકો તેમનું ધ્યાન રાખી રહ્યા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આરોપીના ઘરની નજીક જ એક પીડિતનું ઘર છે જે વયસ્ક નથી. તેમને હાલમાં અહીંથી બહાર મોકલી દેવામાં આવ્યો છે.

આ પીડિતનાં માતાએ રડતાં-રડતાં કહ્યું, “અમને ખબર પણ ન હતી કે અમારાં બાળક સાથે આટલું ગંદુ કામ થઈ રહ્યું છે. તે ચૂપચાપ રહેતો હતો અને ખૂબ જ ચિંતિત હતો. પરંતુ અમે પુછતાં ત્યારે તેણે અમને કઈ ન જણાવ્યું.”

આ પરિવારને લગભગ ત્રણ મહિના પહેલાં જાતીય શોષણનો વીડિયો મળ્યો હતો.

પરિવારે આપેલી માહિતી પ્રમાણે, એક દિવસ પીડિતના નાના ભાઈ પીડિતના ફોન પર બહાર મજૂરી કરવા ગયેલા પોતાના પિતા સાથે વીડિયો કૉલ પર વાત કરી રહ્યા હતા.

આ દરમિયાન એક અજાણ્યા નંબરથી એક વીડિયો આવ્યો. આ વીડિયોમાં આરોપી તેમના મોટા ભાઈ સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યો.

આ વીડિયો જોઇને પીડિતના ભાઈ ખૂબ જ ચિતિંત થયા હતા.

પરિવારે આપેલી માહિતી પ્રમાણે, પીડિત શરૂઆતમાં ચુપ રહ્યા પછી તેમણે છેલ્લા કેટલાક મહિનાઓથી સહી રહેલી યાતનાઓ વિશે જણાવ્યું.

પીડિતનાં માતાએ જણાવ્યું, “તે ખૂબ જ રડ્યો, પછી તેને જણાવ્યું કે આરોપીએ કેટલાક મહિનાઓ પહેલાં તેને પોતાની વાતોમાં ફસાવીને પોતાના રૂમની અંદર બોલાવ્યો. આરોપીએ તેને તેના રૂમમાં નશાકારક ડ્રિન્ક પીવડાવીને બળજબરીથી જાતીય શોષણ કર્યું અને ત્યારબાદ તે વીડિયો દેખાડીને વારંવાર જાતીય શોષણ કર્યું.”

પીડિતના પરિવારનો દાવો છે કે આ દરમિયાન આરોપીએ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને વારંવાર બ્લૅકમેલ કર્યા અને પીડિતનું શોષણ કરવા ઉપરાંત પૈસા પણ પડાવી લીધા.

પીડિતનાં માતાએ દાવો કર્યો કે આ ઘટના વિશે જાણકારી મળતાની સાથે જ પરિવારે ગ્રામપ્રધાનનો સંપર્ક કર્યો અને કેસનો ઉકેલ લાવવા માટે વિનંતી કરી.

મને કહેવામાં આવ્યું કે આ કેસની કોઈ ફરિયાદ પોલીસને કરવામાં ન આવી અને આરોપીના લૅપટૉપમાંથી વીડિયો ડિલીટ કરીને કેસને સંકેલી દેવાનો પ્રયાસ કર્યો.

જોકે, ગ્રામપ્રધાને આ આરોપોને નકાર્યા. તેમણે કહ્યું, “કોઇપણ પીડિત ક્યારેય મારી પાસે આવ્યા નથી. જો તેઓ મારી પાસે આવ્યા હોત તો મેં તરત જ પોલીસનો સંપર્ક કર્યો હોત અને આ કેસ પર પડદો ન પાડ્યો હોત.”

વીડિયો વાઇરલ થયા પછી ફરિયાદ નોંધાઈ

આ કેસના પીડિતો ગરીબ પરિવારમાંથી આવે છે
ઇમેજ કૅપ્શન, આ કેસના પીડિતો ગરીબ પરિવારમાંથી આવે છે

ઑગસ્ટના પહેલા અઠવાડીયામાં જ્યારે ઘણા વીડિયો વાઇરલ થયા ત્યારે સ્થાનિક પોલીસે પીડિત પરિવારોનો સંપર્ક કર્યો.

થોડાક ખચકાટ પછી અને પોલીસે મનાવ્યા પછી પરિવારો લેખિત ફરિયાદ આપવા માટે તૈયાર થયા.

પોલીસે 19 ઑગસ્ટે એક પીડિતનાં માતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધી. ત્યારબાદ ઘણા બીજા પીડિતો પણ સામે આવ્યા અને નિવેદનો નોંધાવ્યાં.

પોલીસે 26 ઑગસ્ટે આરોપીની એક કેરીના બગીચામાંથી ધરપકડ કરી.

સ્થાનિક પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, આરોપીએ ધરપકડ પછી કોઇપણ પ્રકારનો પસ્તાવો ન દર્શાવ્યો, પરંતુ કહ્યું કે તેની સાથે પણ શોષણ થયું છે.

મેરઠના પોલીસ અધિક્ષક (ગ્રામ્ય) રાકેશકુમાર મિશ્રાએ જણાવ્યું કે આરોપીના મોબાઇલ ફોન અને લૅપટૉપમાંથી વધારે પુરાવા એકઠા કરવા માટે તેને ફૉરેન્સિક લૅબ મોકલ્યાં છે.

પોલીસે આપેલી જાણકારી મુજબ આરોપી પર જાતીય શોષણ અને પૉસ્કો ઍક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને બીજા પુરાવા સામે આવશે તો કેસમાં વધારે કલમો ઉમેરવામાં આવશે.

પીડિત પરિવારો પોલીસ સામે આવવા માંગતા ન હતા

પોલીસ અધિક્ષક રાકેશકુમાર મિશ્રાએ કહ્યું કે પોલીસ આ પ્રકારના ગુનાને રોકવા માટે જાગરૂકતા ફેલાવાનો પ્રયાસ કરશે
ઇમેજ કૅપ્શન, પોલીસ અધિક્ષક રાકેશકુમાર મિશ્રાએ કહ્યું કે પોલીસ આ પ્રકારના ગુનાને રોકવા માટે જાગૃતિ ફેલાવાનો પ્રયાસ કરશે

પોલીસની અત્યાર સુધી થયેલી તપાસમાં જે આરોપીની ધરપકડ કરવામાં આવી તે સિવાય બીજા કોઈના સામેલ હોવાના પુરાવા મળ્યા નથી.

જોકે, રાકેશકુમાર મિશ્રાએ કહ્યું, “તપાસની હજુ શરૂઆત છે અને વધારે તથ્યો સામે આવી શકે છે. જો કોઈ બીજી વ્યક્તિ પણ સામેલ હશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે.”

આ ગામના જ રહેવાસી યુવક અભિષેકે કહ્યું, “ઑગસ્ટના પહેલા અઠવાડીયામાં કેટલાક વીડિયો ગામમાં અને આસપાસનાં ગામોમાં વાઇરલ થઈ રહ્યા હતા.”

અભિષેકે કહ્યું, “એક-એક કરીને ઘણાં બાળકોના વીડિયો વાઇરલ થયા. ગામનાં લોકો આઘાતમાં હતા. કોઈ પરિવાર એફઆઈઆર દાખલ કરવાની હિંમત દાખવી ન શક્યો. પરિવારો આઘાતમાં હતા અને ડરેલા હતા.”

જોકે, ગામના લોકોનું કહેવું છે કે વીડિયો સામે આવ્યો તે પહેલાં કોઇને અંદાજો ન હતો કે આવું કંઈ થઈ રહ્યું છે.

અભિષેકે કહ્યું, “બાળકો આરોપીની દુકાનો પર આવતાં-જતાં હતાં. લોકોને લાગતું કે તે નશો કરે છે અને બાળકોને નશાની લત લગાડે છે. જોકે, આવું કંઈ થઈ રહ્યું છે તે કોઈએ વિચાર્યું ન હતું.”

છ પીડિતો અત્યાર સુધી સામે આવ્યા છે. તેમની ઉંમર 12 વર્ષથી લઇને 23 વર્ષની છે. ચાર પીડિત સગીર છે.

આ બધા જ પીડિતોએ બીબીસીને એક જેવી જ કહાણી જણાવી. આરોપીએ બહાનું બનાવીને પોતાના ઘરે બોલાવ્યા, પછી નશાકારક ડ્રિન્ક આપીને જાતીય શોષણ કર્યું અને તેના વીડિયોના આધારે બ્લૅકમેઇલ કર્યા અને પૈસા પણ પડાવી લીધા.

બધાં બાળકોએ દાવો કર્યો કે તેમને હથિયાર દેખાડીને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી.

કોઇપણ પીડિત શરમને કારણે પોતાના પરિવાર કે નજીકની વ્યક્તિને પોતાની સાથે ઘટી રહેલી ઘટના વિશે જણાવવાનું સાહસ ન કરી શક્યા.

બધા પીડિતો જણાવે છે કે તેમને પૈસા આપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

એક સગીર પીડિત ચૂપચાપ છે. તેઓ ગરીબીની સ્થિતિમાં પોતાની માતા અને બહેન સાથે રહે છે. તેઓ હવે ઘરની બહાર નીકળતા પણ અચકાય છે.

આ પરિવાર સરકારી અનાજ પર જીવનનો ગુજારો કરે છે. આ ઘટનાને કારણે આ પરિવારની સ્થિતિ વધારે મુશ્કેલ બની છે.

પીડિતનાં માતાએ કહ્યું, “તેણે ત્રણ મહિના પહેલાં જ્યારે આ પીડા વિશે જણાવ્યું ત્યારે હું તેને ડૉક્ટર પાસે લઈ ગઈ. તેને લોહી નીકળી રહ્યું હતું. ડૉક્ટરે વારંવાર કહ્યું કે બાળક સાથે ખોટું કામ થયું છે, પરંતુ તેણે હા ન કહી. તે ચૂપ રહ્યો.”

પીડિતનાં માતાએ છેલ્લાં ઘણાં વર્ષોથી થોડા-થોડા પૈસા ભેગા કરીને દીકરીનાં લગ્ન માટે 25 હજાર રૂપિયા એકઠા કર્યા હતા. જોકે, આ બાળકે બ્લૅકમેલિંગથી પરેશાન થઈને પૈસા ચોરી કરીને આરોપીને આપી દીધાં.

પીડિતનાં માતાએ કહ્યું, “અમારા પરિવારની શાંતિ, પૈસા અને સમ્માન બધું જ લુટાઈ ગયું. કોઈ અમારી મદદ માટે આગળ આવ્યું નથી.”

પીડિતોને ઘરમાંથી પૈસા ચોરી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા.

એક બીજા પીડિતના પરિવારે જણાવ્યું કે અમને જમીન વેચ્યા પછી જે પૈસા મળ્યા હતા, પીડિતે તેમાંથી થોડાક-થોડાક પૈસા ચોરીને આરોપીને આપી દીધા.

આ પીડિત સગીરે કહ્યું, “આરોપીએ જ્યારે-જ્યારે મને પોતાની પાસે બોલાવ્યો ત્યારે મેં ધરમાંથી થોડાક પૈસા ચોરીને આપી દીધા. મેં જ્યાં સુધી પૈસા આપ્યા ત્યાં સુધી તેને મારી સાથે ખોટું કામ ન કર્યું.”

હવે પુખ્ત થઈ ગયેલા એક પીડિત પણ પોતાની સાથે જે થયું તેના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. 20 વર્ષના આ યુવકે ગામ છોડી દીધું અને હવે શહેરમાં નોકરી કરી રહ્યા છે.

આ યુવકે કહ્યું, “હું કદાચ 13 કે 14 વર્ષનો હતો જ્યારે મારી આરોપી સાથે મિત્રતા થઈ અને તેની ઘરે અવરજવર શરૂ થઈ. તેણે એક દિવસ મને કોઈ નશો આપ્યો અને મારી સાથે ખોટું કામ કર્યું અને મોબાઇલથી વીડિયો બનાવી લીધો.”

“વીડિયોને વાઇરલ કરવાની ધમકી આપીને તે ઘણાં વર્ષો સુધી મારી સાથે સેક્સ કરતો રહ્યો. મેં છેલ્લાં છ વર્ષમાં જે પણ કમાણી કરી તે તેને જ આપી. હું કંટાળીને ગામ છોડીને જતો રહ્યો ત્યારે તે મને ફોન કરીને બોલવતો હતો, અલગઅલગ નંબરો પરથી ફોન કરતો.”

યુવકે દાવો કર્યો, “મેં એપ્રિલમાં મારા માલિક પાસેથી 50 હજાર રૂપિયા ઍડવાન્સમાં લઇને આરોપીને આપ્યા. હું દેવામાં આવી ગયો. મારી પાસે એવું કશું ન હતું કે જેને વેચીને હું પૈસા આપી શકું. મેં ગયા મહિને જ્યારે પૈસા ન આપ્યા ત્યારે આરોપીએ દેશી તમંચાના બટથી મને માર્યો. મારી આંખોમાં સોજો આવી ગયો. તેમ છતાં પણ હું પરિવારને મારી સાથે થઈ રહેલા અત્યાચાર વિશે ન કહી શક્યો.”

પીડિતો પુખ્ત બન્યા પછી પણ ડરનો અંત આવ્યો ન હતો

પીડિત ચૂપચાપ અને ઉદાસ રહે છે, તેમને કોઇપણ પ્રકારની મદદ મળી નથી (પ્રતીકાત્મક તસવીર)
ઇમેજ કૅપ્શન, પીડિત ચૂપચાપ અને ઉદાસ રહે છે, તેમને કોઇપણ પ્રકારની મદદ મળી નથી (પ્રતીકાત્મક તસવીર)

વીડિયો સામે ન આવ્યો ત્યાં સુધી આ યુવકે છેલ્લાં છ વર્ષથી પોતાની સાથે થઈ રહેલા શોષણ વિશે કોઈને પણ ન જણાવ્યું. તે એકલો જ ચિંતામાં જીવી રહ્યો હતો.

આ યુવકે કહ્યું, “હું કેટલાક લાખ રૂપિયા અત્યાર સુધી આપી ચૂક્યો છું. આરોપીએ પૈસા ક્યારે બૅન્ક એકાઉન્ટમાં ન લીધા. હંમેશા રોકડા જ લીધા.”

આ યુવકનો પરિવાર હવે તેમનો સહયોગ કરી રહ્યો છે. જોકે, તેઓ એકલા જ છેલ્લા વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યા.

વીડિયો સામે આવ્યો તે કારણે ભલે લોકોને તેમના વિશે ખબર પડી હોય પરંતુ આ રીતે તેમની પીડાનો અંત પણ થયો છે.

આ યુવકે કહ્યું, “હું ગામ છોડ્યા પછી પણ હંમેશા એક પ્રકારના ડરમાં રહેતો હતો કે તેનો ફોન ન આવે. ઘરવાળા પૂછતા હતાં કે જે પૈસા હું કમાઈ રહ્યો છું તે ક્યાં જાય છે. હું વારંવાર આત્મહત્યા વિશે વિચારતો હતો. આ પીડામાં હવે મારો પરિવાર તો મારી સાથે છે.”

છ પીડિતો અત્યાર સુધી સામે આવ્યા છે. પોલીસ અને ગામના લોકોને લાગે છે કે બીજા પીડિતો પણ હોઈ શકે છે.

છ વર્ષ સુધી જાતીય શોષણનો શિકાર બનેલા આ યુવકે કહ્યું, “હું આ વાત કોઈને પણ ક્યારેય ન કહેતો. મારો વીડિયો વાઇરલ થયો એટલે મારે બહાર આવવું પડ્યું. મારા જેવા ઘણા હશે જે ક્યારેય સામે આવશે નહીં.”

બાકીના પાંચ પીડિતો સાથે છેલ્લાં એક-બે વર્ષની અંદર શોષણ થયું છે. 20 વર્ષના આ યુવકે કહ્યું, “મને લાગે છે કે આરોપીના સંપર્કમાં જે બાળક આવ્યો તેનું શોષણ થયું જ હશે.”

એક સગીર પીડિત પોતાની માતાની હાજરીમાં કહે છે, “મારી સાથે પહેલી વખત આ ઘટના ઘટી ત્યારે તેને મને તમંચો દેખાડીને એટલો ડરાવ્યો કે મેં ઘણા દિવસ સુધી કોઈ સાથે વાત ન કરી.”

પીડિતો પર આરોપીનો ભય ખૂબ જ હાવી હતો

ક્રિમિનોલૉજિસ્ટ સાક્ષી વૈશ્ય માને છે કે બાળકો પાસે કોઈ સપોર્ટ સિસ્ટમ ન હતી આ કારણે જે તેઓ સામે ન આવ્યાં
ઇમેજ કૅપ્શન, ક્રિમિનોલૉજિસ્ટ સાક્ષી વૈશ્ય માને છે કે બાળકો પાસે તેમને કોઈ સમર્થન આપે તેવી વ્યવસ્થા ન હતી અને આ કારણે જે તેઓ સામે ન આવ્યાં

પોલીસ અધિક્ષક (ગ્રામ્ય) રાકેશ મિશ્રાએ કહ્યું, “બધાં જ પીડિત બાળકો ખૂબ જ ભયભીત હતા. ખૂબ સમજાવ્યા પછી તેમણે પોલીસને વિગતવાર નિવેદનો આપ્યાં. તેમનાં નિવેદનો હવે કોર્ટમાં નોંધવામાં આવશે.”

જોકે, આ ઘટના સામે આવ્યા પછી પણ જિલ્લા વહીવટી તંત્રએ બાળકો માટે કાઉન્સેલરની સુવિધા આપી નથી.

જિલ્લા પ્રોબેશન અધિકારી અતુલ સોનીએ કહ્યું, “આ કેસ કોર્ટમાં આવશે ત્યારબાદ ન્યાયધીશ બાળ મિત્રની નિમણૂક કરી શકે છે. અમને કોર્ટ તરફથી આદેશ મળશે તો અમે બાળકો માટે કાઉન્સેલરની નિમણૂક કરીશું.”

ક્રિમિનોલૉજીમાં પીએચડી કરેલા સ્વતંત્ર ક્રિમિનોલૉજિસ્ટ સાક્ષી વૈશ્યએ કહ્યું, “આરોપી અને પીડિતો વિશે જે જાણકારી સામે આવી છે અને જે વીડિયો સામે આવ્યાં છે તેના પરથી તો લાગે છે કે આરોપી પીડોફાઇલ તો નથી. કારણ કે પીડોફાઇલ સામાન્ય રીતે છ વર્ષથી 12 વર્ષનાં બાળકોને જ નિશાન બનાવે છે. આ કેસમાં મોટાભાગના પીડિતોની ઉંમર 12 વર્ષથી વધારે છે અને પીડિતો કિશોર છે. એક પણ પીડિત યુવતી નથી જેના પરથી જાણકારી મળે છે કે આરોપી એક ખાસ ઉંમરનાં બાળકોનું શોષણ કરીને તેમનાં પર પોતાનો પાવર સ્થાપિત કરવા માંગતો હતો.”

સાક્ષીએ કહ્યું, “આરોપી આનંદ માટે શોષણ ન કરતો, પરંતુ પૈસા પણ લેતો. આ કારણે તેના ગુનાનો ઇરાદો પણ સ્પષ્ટ જોવા મળે છે.”

તેમણે ઉમેર્યું, “આરોપી આટલા સમય માટે આ કરતો રહ્યો કારણ કે તેને બધા જ પીડિતોને પોતાના પ્રભાવની હેઠળ લઈ લીધા હતા. અને પીડિતોમાં પોતાનો ડર ઊભો કર્યો હતો.”

આ કેસમાં બધા જ પીડિતો ગરીબ પરિવારમાંથી આવે છે.

સાક્ષીએ કહ્યું, “આરોપીએ પીડિતોની પસંદગી સમજી વિચારીને જ કરી. તેણે એવાં બાળકોને નિશાન બનાવ્યાં જેમનાં વિરોધની શક્યતાઓ ઓછી હતી. આરોપીએ સમજી વિચારીને દરેક પગલાં લીધાં અને આ ઘટનાને અંજામ આપ્યો.”

સાક્ષી વૈશ્ય માને છે કે આ ઘટના આટલા સમય સુધી પ્રકાશમાં ન આવી તેનું એક કારણ ગામનું સામાજીક વાતાવરણ પણ છે.

પોલીસ અધિક્ષક રાકેશ મિશ્રાએ કહ્યું, “આ પ્રકરણ પછી જાગૃતિ ફેલાવાની જરૂર છે. પોલીસ ચોક્કસપણે એવાં પગલાઓ લેશે જે આ પ્રકારની ઘટનાઓને રોકે.”

ગામમાં એ વાતની પણ ચર્ચા છે કે આ કેસમાં બીજાં ઘણાં બાળકો તો પીડિત નથી ને.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.