આ જેલ છે 'ધરતી પરનું નરક'? ખીચોખીચ ભરેલા કેદીઓને એક વખત ખાવાનું અને બાથરૂમની દીવાલો પર લટકીને ઊંઘવાનું

કૉંગોની જેલ, મકાલા જેલ, માનવઅધિકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Stanis Bujakera

ઇમેજ કૅપ્શન, ખરાબ ગુણવત્તાનું અપાતું ભોજન
    • લેેખક, વેડયેલી ચિબેલુશી
    • પદ, બીબીસી ન્યૂઝ

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો(ડીઆરકોંગો)માં આ સપ્તાહે જેલ તોડવાનો એક જીવલેણ તથા નિષ્ફળ પ્રયાસ બાદ મકાલા જેલનું વર્ણન કરતાં કારાગારમાંના બે લોકોએ એક ચોક્કસ શબ્દનો ઉપયોગ કર્યો હતોઃ 'નરક'

એક ભૂતપૂર્વ કેદી તથા પત્રકાર સ્ટેનિસ બુજાકેરાએ ડીઆર કૉંગોની આ સૌથી મોટી જેલ બાબતે બીબીસીને કહ્યું હતું, "મકાલા એ ખરેખર નરક છે."

વિપક્ષી રાજકારણીના મોતમાં સૈન્ય સામેલ હોવાનું જણાવતો એક લેખ લખવાના આરોપસર સત્તાવાળાઓએ બુજાકેરાના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કુખ્યાત મકાલા જેલમાં મોકલી આપ્યા હતા. તેઓ છ મહિના જેલમાં રહ્યા હતા.

તેમણે કહ્યું હતું, "મકાલા એ જેલ નથી, પરંતુ અટકાયત કેન્દ્ર છે, જે યાતના શિબિર (કોન્સન્ટ્રેશન કૅમ્પ) જેવું છે. તેમાં લોકોને મરવા માટે મોકલવામાં આવે છે."

ક્ષમતા કરતાં દસ ગણા કેદીઓ ગોંધી રાખવામાં આવ્યાં

કૉંગોની જેલ, મકાલા જેલ, માનવઅધિકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Stanis Bujakera

ઇમેજ કૅપ્શન, સ્ટેનિસ બુજાકેરા એ ડૅમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોના ખૂબ જાણીતા પત્રકાર છે, તેમનું કહેવું છે કે મકાલાની જેલમાં તેમની સાથે જે થયું તેનાથી તેઓ આઘાતમાં છે.

રાજધાની કિન્શાસામાં આવેલી આ જેલની ક્ષમતા 1,500 કેદીઓની છે, પરંતુ તેમાં તેનાથી લગભગ દસ ગણા વધુ કેદીઓને ગોંધવામાં આવ્યા હોવાનો અંદાજ છે.

એ કેદીઓમાં નાના ગુનેગારોથી માંડીને રાજકીય કેદીઓ તથા હત્યારાઓનો સમાવેશ થાય છે.

મકાલાના કેદીઓએ જે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેની ફરિયાદ માનવાધિકાર જૂથો લાંબા સમયથી કરતા રહ્યા છે. કેદીઓએ ભીડ, અપૂરતો ખોરાક અને સ્વચ્છ પાણીની અત્યંત ઓછી ઉપલબ્ધતા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જેલમાંની કંગાળ પરિસ્થિતિ આ સપ્તાહની ઘટનાને પગલે ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે.

ગૃહ પ્રધાન જૅકમૅન શબાનીએ જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે મકાલા જેલમાંથી બહાર નીકળવાના પ્રયાસમાં 129 કેદીઓએ જીવ ગુમાવ્યો હતો.

શબાનીના જણાવ્યા મુજબ, ભાગવાનો પ્રયાસ કરતા બે ડઝન લોકોને ઠાર મારવામાં આવ્યા હતા, પરંતુ મોટાભાગના લોકો નાસભાગમાં ગૂંગળાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા હતા.

બચી ગયેલા ચાર કેદીઓએ ન્યૂયૉર્ક ટાઇમ્સ અખબારને જણાવ્યું હતું કે ભાગી છૂટવાના પ્રયાસ પહેલાં કેદીઓને પાણી કે ઇલેક્ટ્રિક પંખાની સુવિધા વિનાની, ખીચોખીચ ભરેલી કોટડીઓમાં દોઢ દિવસ સુધી રાખવામાં આવ્યા હતા.

તેમના જણાવ્યા મુજબ, કેટલાક કેદીઓ ગરમીથી બચવા માટે શરૂઆતમાં જ બહાર નીકળી ગયા હતા.

બુજાકેરાએ જણાવ્યું હતું કે મકાલામાં આવી અસામાન્ય પરિસ્થિતિ છે. ત્યાં નળમાં પાણી આવતું જ નથી, જ્યારે "વીજળી ભાગ્યે જ હોય છે. પરિણામે કેદીઓએ દિવસો સુધી અંધારામાં રહેવું પડે છે."

તેમણે ઉમેર્યું હતું, "કેદીઓને શબ્દશઃ તેમના ભાગ્ય પર છોડી દેવામાં આવે છે. અત્યંત ગીચતા અને અસ્વચ્છતા ચેપ તથા રોગના ફેલાવાને મોકળું મેદાન પૂરું પાડે છે."

'જેલમાં વીઆઈપી વિભાગમાં રહેવા માટે 3 હજાર ડૉલર માંગવામાં આવે'

કૉંગોની જેલ, મકાલા જેલ, માનવઅધિકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Stanis Bujakera

ઇમેજ કૅપ્શન, બુજાકેરાએ આપેલા વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે જગ્યાના અભાવમાં કેદીઓ બાથરૂમની દીવાલો પર લટકીને ઊંઘતા જોવા મળે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બુજાકેરાના કહેવા મુજબ, આ પરિસ્થિતિના પરિણામે કેદીઓ "દરરોજ" મૃત્યુ પામે છે.

કૉંગોલીઝ માનવાધિકાર જૂથ લા વૉઇક્સ ડેસ સાન્સ વૉઇક્સના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર રોસ્ટિન મેનકેતાએ પણ આવી જ વાત કરી હતી.

તેમણે ઘણી વખત મકાલા જેલની મુલાકાત લીધી છે અને તારણ કાઢ્યું છે કે કોઈ વ્યક્તિને મકાલા જેલમાં મોકલવામાં આવે ત્યારે "એવું લાગે છે કે તેમને નરકમાં મોકલવામાં આવ્યા છે."

મકાલા જેલમાં હતા ત્યારે બુજાકેરાએ કેટલાક વીડિયો બનાવ્યા હતા. તેમાં જેલની કોટડીના ફ્લોર પર એકસાથે અનેક માણસો એકમેકને લગભગ ચોંટીને સૂતેલા જોવા મળે છે.

તેમનાં અંગો એકમેકના શરીર પર હોય છે અને નાજુક સંતુલનના સાહસમાં કેટલાક પુરુષો બાથરૂમ વચ્ચેની દિવાલો પર સૂતેલા જોવા મળે છે.

મકાલા જેલના વીઆઈપી વિભાગમાં સ્થિતિ વધુ સારી છે. આ વિભાગમાં બહુ ઓછા લોકોને સ્થાન મળી શકે છે. અહીં ઊંઘવા માટે પલંગ અને વધારે જગ્યા મળે છે.

વીઆઈપી વિભાગમાં રહેવા માટે બુજાકેરા પાસેથી 3,000 ડૉલર માંગવામાં આવ્યા હતા, પરંતુ તેઓ રકઝક કરીને તેને 450 ડૉલર સુધી ઘટાડવામાં સફળ થયા હતા.

તેમણે બીબીસીને કહ્યું હતું, "કેદીઓ વચ્ચેની આર્થિક અસમાનતાથી ભેદભાવ સર્જાય છે. સૌથી ગરીબ લોકોને તેમના ભાગ્ય પર છોડી દેવામાં આવે છે."

એટલું જ નહીં, મકાલા જેલમાં વૉર્ડન બહુ ઓછા હાજર હોય છે. જેલની અંદર કાયદો તથા વ્યવસ્થા જાળવવાનું કામ કેદીઓને સોંપવામાં આવે છે.

માર્ચ 2015થી ઑગસ્ટ 2016 સુધી મકાલા જેલમાં ગોંધવામાં આવેલા માનવાધિકાર કાર્યકર્તા ફ્રેડ બાઉમાએ બીબીસીના ફૉક્સ ઑન આફ્રિકા પૉડકાસ્ટને આ સપ્તાહે કહ્યું હતું, "કેદીઓ જ જેલનું સંચાલન કરે છે."

"એવું લાગે કે તમે દેશો બદલ્યા છે અને નવી સરકાર છે અને તમારે નવા નિયમો શીખવાના છે."

દિવસમાં માત્ર એકવાર ભોજન

કૉંગોની જેલ, મકાલા જેલ, માનવઅધિકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, મકાલાની જેલમાં 1500 કેદીઓ માટેની જગ્યા છે પરંતુ એવું માનવામાં આવે છે કે ત્યાં 10 ગણા વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે.

સ્વાયત સરકાર જેવી આ વ્યવસ્થા નિષ્ક્રિય છે અને તેના પરિણામે "સત્તાની હાનિકારક વ્યવસ્થા આકાર પામે છે અને કેદીઓ વચ્ચે હિંસા તથા અથડામણો થાય છે," એમ બુજાકેરાએ કહ્યું હતું.

જોકે, એકમાત્ર મકાલાની પરિસ્થિતિ જ આવી નથી. સમગ્ર દેશની જેલોને લાંબા સમયથી પૂરતું ભંડોળ મળતું નથી અને કેદીઓથી ખીચોખીચ છે.

વર્લ્ડ પ્રિઝન બ્રીફ પ્રોજેક્ટના જણાવ્યા મુજબ, ડીઆર કૉંગોની જેલો વૈશ્વિક સ્તરે છઠ્ઠા ક્રમની સૌથી વધુ ભીડવાળી જેલો છે.

આ સમસ્યાનો સત્તાધીશોએ ઘણી વખત સ્વીકાર કર્યો છે. સોમવારના જેલ તોડવાના પ્રયાસને પગલે નાયબ ન્યાય પ્રધાન સેમ્યુઅલ મ્બેમ્બાએ જેલમાંની ભીડ માટે મેજિસ્ટ્રેટને એમ કહીને દોષી ઠેરવ્યા હતા કે "ઘણી વખત શકમંદોને પણ જેલમાં મોકલી દેવામાં આવે છે."

ઘણા કેદીઓને વાસ્તવમાં કોઈ ગુના માટે સજા કરવામાં આવી નથી, પરંતુ કેસ ચાલવાની રાહમાં તેઓ મહિનાઓ અથવા વર્ષો સુધી જેલમાં ગોંધાયેલા રહે છે.

ડીઆર કૉંગોની જેલોમાં આપવામાં આવતા ખોરાકની પણ વ્યાપક ટીકા કરવામાં આવે છે.

મકાલામાં કેદીઓને દિવસમાં માત્ર એક વખત ભોજન મળે છે અને તેમાં મર્યાદિત પોષક મૂલ્ય ધરાવતો આહાર હોય છે.

બુજાકેરાએ ઝડપેલા ફોટોગ્રાફ્સ પૈકીના એકમાં મકાઈની વાનગી ભરેલું એક ટબ જોવા મળે છે. તે સખત રીતે સુકાઈ ગયેલી અને શુષ્ક છે. તેની સાથે પાણી જેવો પાતળો શાકભાજીનો રસો છે.

કુપોષણથી બચવા માટે ઘણા કેદીઓએ તેમના સંબંધીઓ દ્વારા લાવવામાં આવતા ખોરાક પર આધાર રાખવો પડે છે.

અલબત, દરેક કેદી પાસે આવી વ્યવસ્થા નથી.

એક સખાવતી સંસ્થાએ 2017માં અહેવાલ આપ્યો હતો કે મકાલામાં ખોરાકની અછતને કારણે ઓછામાં ઓછા 17 કેદીઓ ભૂખ્યા મરી ગયા હતા.

મેનકેતાએ જણાવ્યું હતું કે મકાલામાંની વિકટ પરિસ્થિતિને કારણે કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હોય તે શક્ય છે.

તેમણે દલીલ કરી હતી કે એ ઘટનાનું પુનરાવર્તન ટાળવા માટે સત્તાવાળાઓએ નવી જેલો બનાવવી જોઈએ અને હાલની જેલોમા સુધારા કરવા જોઈએ.

બુજાકેરા હાલ અમેરિકામાં છે. તેમણે જણાવ્યું હતું કે આ ફેરફાર ઝડપથી થવા જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે આ એક શૌચની ન્યાય પ્રણાલી છે. સોમવારની ઘટનાએ દર્શાવ્યું છે તેમ ઉપચારની રાહ જોતા લોકો મરી રહ્યા છે.

(પૂરક માહિતીઃ કિન્શાસાથી બીબીસીના એમરી માકુમેનો)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.