મ્યાનમારમાં નરસંહારઃ 'મેં શ્વાસ રોકી રાખીને મરવાનું નાટક કર્યું, મારા પર મૃતદેહનો ઢગલો હતો'

મતાવમાં લગ્ન પ્રસંગે થયેલા હુમલા પછીનું દૃશ્ય

ઇમેજ સ્રોત, Students' Revolutionary Force

ઇમેજ કૅપ્શન, મતાવમાં લગ્ન પ્રસંગે થયેલા હુમલા પછીનું દૃશ્ય
    • લેેખક, બીબીસી બર્મીઝ
    • પદ, વર્લ્ડ સર્વિસ ન્યૂઝ

જૂનની શરૂઆતની એક સૂર્યપ્રકાશમય સવાર હનીન સી માટે આનંદનો દિવસ હતી. મ્યાનમારના ઉત્તર-પશ્ચિમ પ્રદેશના મટાવ ગામમાં હનીન સીનાં લગ્ન તે દિવસે થવાનાં હતાં.

હનીન સીના કહેવા મુજબ, તેમના લગભગ 100 મિત્રો અને પરિવારજનો ઉજવણી કરી રહ્યા હતા ત્યારે એક વિમાન નીચે ઊતર્યું હતું અને તેમાંથી બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. તેમાં મહિલાઓ અને બાળકો સહિત 33 લોકો માર્યાં ગયાં હતાં.

હનીન સી કહે છે, “ઉપરના માળે આશીર્વાદ સમારોહ પછી અમે બધા કુટુંબના ફોટા લેવા નીચે આવ્યા હતા. અમારા પરિવારો લગ્નમંડપની સામે ઊભા હતા અને અમારી નજીક બીજા કેટલાક લોકો હતા. આ બે જૂથ વચ્ચે બૉમ્બ ફેંકવામાં આવ્યો હતો.”

હનીન શી ઉમેરે છે, બીજો બૉમ્બ વરરાજા જ્યાં રહેતા હતા તે ઘરની સામે ફેંકવામાં આવ્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મ્યાનમારના લશ્કરી નેતાઓના વફાદાર સૈનિકોએ પછી નજીકની નદીના સામે કાંઠેથી ગોળીબાર શરૂ કર્યો હતો, કારણ કે લોકો મૃતકોને તથા ઘાયલોને બચાવવાના પ્રયાસ કરતા હતા.

મંડલય અને મેગવે પ્રદેશોની સાથે સાગિગ પણ મ્યાનમારના મધ્ય વિસ્તારમાં આવે છે. તેને ડ્રાય ઝોન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રદેશ આંગ સાંગ સુ કીની ચૂંટાયેલી સરકાર સામેના 2021ના બળવા સુધી શાંતિપૂર્ણ રહ્યું હતું.

જુન્ટાના સૈનિકોએ લેટ ટોકે ટાવ ગામને રાખના ઢગલામાં ફેરવી દીધું હતું
ઇમેજ કૅપ્શન, જુન્ટાના સૈનિકોએ લેટ ટોકે ટાવ ગામને રાખના ઢગલામાં ફેરવી દીધું હતું

ત્રણ વર્ષ પછી હવે તે પીપલ્સ ડિફેન્સ ફોર્સિસ (પીડીએફ) નામે ઓળખાતા ઓછા શસ્ત્રસજ્જ વિરોધી જૂથને ગઢ બની ગયું છે. સત્તાધારી (જુન્ટા) સશસ્ત્ર દળો મ્યાનમારના સરહદી વિસ્તારોમાં વંશીય બળવાખોરો સામેની લડાઈ દ્વારા પોતાનો વિસ્તાર કરી રહ્યા છે અને પીડીએફના ટેકેદાર ગણાતા ડ્રાય ઝોનના નાગરિકો પર વારંવાર હુમલા કરે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લગ્ન સમારંભ પર કરવામાં આવેલા બૉમ્બમારાના સોશિયલ મીડિયા પરના ફોટોગ્રાફ્સમાં તાડપત્રીથી ઢંકાયેલા મૃતદેહો, તૂટેલાં વૃક્ષો અને નાશ પામેલાં મકાનો જોવાં મળે છે.

નવવિવાહિત યુગલ નાળિયેરનાં બે વૃક્ષોને કારણે બૉમ્બમારાથી બચી ગયું હતું. તેમ છતાં વિસ્ફોટને લીધે ઊડેલો કાટમાળ માથા પર અથડાતાં હનીન સી બેભાન થઈ ગયાં હતાં અને બીજા દિવસે સવારે ભાનમાં આવ્યાં હતાં.

હનીન સી કહે છે, “બૉમ્બમારા વિશે લોકોએ જે કહ્યું એટલું જ હું જાણું છું.”

મ્યાનમારના સૈન્યે હુમલા બાબતે કોઈ ટિપ્પણી કરી ન હતી. જોકે, સેનાના પ્રવક્તા જનરલ ઝાવ મીન તુને બીબીસીને જણાવ્યું હતું કે જુન્ટાના સમર્થકોએ આપેલી બાતમી મુજબ પીડીએફ લગ્નના બહાના હેઠળ ગામમાં બેઠક યોજી રહી હતી.

સૈન્ય સમર્થિત ટેલિગ્રામ ચેનલોએ જણાવ્યું હતું કે પીડીએફના બે સભ્યો લગ્ન કરી રહ્યા હોવાથી ગામ પર હુમલો કરવામાં આવ્યો હતો. હનીન સીના કહેવા મુજબ, તેમના પતિ એક સામાન્ય નાગરિક છે અને પોતે અગાઉ પીડીએફના સભ્ય હતા. હવે તેઓ પીડીએફના નિયંત્રણ હેઠળના વિસ્તારો માટેની સમાંતર સરકારી વ્યવસ્થાના એક ભાગ પીપલ્સ ઍડમિનિસ્ટ્રેશન ઑર્ગેનાઇઝેશન માટે કામ કરે છે.

હનીન શી તેમનું અસલી નામ નથી, પરંતુ તેમણે બળવા પછી અપનાવેલું એક ક્રાંતિકારી નામ છે.

હનીન સીને શંકા છે કે જુન્ટાના બાતમીદારોએ આપેલી માહિતીને આધારે તેમના ગામ પર હુમલો કરવામાં આવ્યો હતો.

તેઓ કહે છે, “મારી સામે દ્વેષ હોય તેવા લોકો હોઈ શકે છે. હું શરૂઆતથી જ ક્રાંતિમાં હિસ્સેદાર રહી છું.”

100 લોકો ઉજવણી કરી રહ્યા હતા ત્યારે એક વિમાન નીચે ઉતર્યું હતું અને તેમાંથી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા

ઇમેજ સ્રોત, Students' Revolutionary Force

ઇમેજ કૅપ્શન, 100 લોકો ઉજવણી કરી રહ્યા હતા ત્યારે એક વિમાન નીચે ઉતર્યું હતું અને તેમાંથી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા

શાંતિપૂર્ણ અને સલામત સમાજ માટે વિદ્યાર્થીઓ તથા કર્મશીલો દ્વારા સ્થાપવામાં આવેલી સંશોધન સંસ્થા ન્યાન લિન થિટ એનાલિટિકા (એનએલટીએ)ના જણાવ્યા અનુસાર, લશ્કરી બળવાના ત્રણ વર્ષમાં જુન્ટા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓની સંખ્યામાં સતત વધારો થયો છે.

2024ના પ્રથમ ચાર મહિનામાં 819 પૈકીના 119 હુમલા સાગિંગમાં કરવામાં આવ્યા હતા, જે રાખિન સિવાયના કોઈ પણ પ્રદેશ કરતાં વધારે છે.

એનએલટીએની ગણતરી મુજબ, બળવા પછીના હવાઈ હુમલાઓમાં 100થી વધુ શાળાઓ અને લગભગ 200 ધાર્મિક ઇમારતોને નુકસાન થયું છે.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (આઈઆઈએસએસ)ના જણાવ્યા મુજબ, ડ્રાય ઝોન માટેની જુન્ટાની રણનીતિમાં 2023માં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં વધુ સૈનિકો તહેનાત કરવામાં આવ્યા હતા. હુમલાઓમાં અનેક ગામડાંને આડેધડ સળગાવી દેવાયાં હતાં. તેને કારણે પીડીએફના હુમલા પછી લક્ષ્યાંકિત કામગીરીનો માર્ગ મોકળો થયો છે. તેથી હિંસા તથા “અત્યાચાર”માં વધારો થયો હોવાનું આઈઆઈએસએસના જુલાઈ, 2023ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

અહેવાલ જણાવે છે, “હુમલો કરતા સૈનિકો કેટલાક કિસ્સાઓમાં પીડીએફના અગ્રણી લડવૈયાનાં નામોની યાદી સાથે ગામડાંમાં પ્રવેશ્યા હતા. તેમણે સ્થાનિક લોકોને ખાતરી આપી હતી કે તેઓ પીડીએફના લડવૈયાઓની ઓળખમાં મદદ કરશે તો તેમના ગામને આગ ચાંપવામાં આવશે નહીં.”

'અમે તમને મારી નાખીશું'

ઓગસ્ટ, 2022માં પીડીએફના સૈનિકોને ફૂલો આપતા સાગિંગ પ્રદેશના ગ્રામજનો

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ઓગસ્ટ, 2022માં પીડીએફના સૈનિકોને ફૂલો આપતા સાગિંગ પ્રદેશના ગ્રામજનો

એનએલટીએના કહેવા મુજબ, 2024ના પ્રથમ ચાર મહિનામાં સેનાએ 46 નરસંહાર કર્યાં હતાં.

આ અહેવાલો વિશે બીબીસીએ સૈન્યને સવાલ કર્યો હતો, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો ન હતો.

પીડીએફએ પણ ગામડાં સળગાવી દીધાં છે અને નાગરિકોની હત્યા કરી છે. ડ્રાય ઝોનનાં ઘણાં ગામો પીડીએફ અથવા જુન્ટાના સમર્થનમાં બહાર આવી રહ્યાં છે. પરિસ્થિતિ અત્યંત વિભાજિત છે.

પીડીએફનાં અનેક જૂથોએ મંડલય પ્રદેશના સોનેવા ગામ પર નવમી મેએ સંયુક્ત હુમલો કર્યો હતો. એ ગામ પીયુ સો હેટી તરીકે ઓળખાતા જુન્ટા તરફી લડવૈયાઓએ કબજે કર્યું હતું. તેમાં 31 નાગરિકો માર્યા ગયા હતા.

યાન નાઈંગ (સાચું નામ નથી) ગોળીબાર અને ભારે તોપમારાના અવાજથી પરોઢિયે જ જાગી ગયા હતા.

30 વર્ષના યાન નાઈંગ કહે છે, “મેં ભાગવા માટે મારી મોટરબાઇક ઉતાવળે ચાલુ કરી હતી, પરંતુ પછી તરત મેં ગામની બન્ને બાજુથી સૈનિકોને આવતા જોયા હતા.”

યાન નાઈંગ ઘરેથી નીકળીને ગામના મઠમાં ગયા હતા, જ્યાં મોટા ભાગના અન્ય ગ્રામજનોએ પણ આશરો લીધો હતો.

યાન નાઈંગને કહેવા મુજબ, સૈનિકોની બે ટુકડી મઠમાં પહોંચી હતી અને તેમણે અંદર રહેલા તમામ લોકોને બહાર આવવીને ઘૂંટણિયે પડવાનો તથા નીચી નજર રાખીને બેસવાનો આદેશ આપ્યો હતો.

યાન નાઈંગ કહે છે, “કેટલાક સૈનિકો બરાડતા હતા કે અમે તમને બધાને મારી નાખીશું.”

ગામવાસીઓ પીડીએફના સભ્યોને બચાવી રહ્યા હોવાનો આક્ષેપ સૈન્યે કર્યો હતો અને પીડીએફના સભ્યોની ઓળખ જાહેર કરવાની માગ કરી હતી.

યાન નાઈંગના કહેવા મુજબ, તેમની બાજુમાં ઘૂંટણિયે પડેલા એક માણસે સૈનિકો તરફ નજર કરી હતી.

તેઓ કહે છે, “સૈનિકો પૈકીને એકે તે જોયું હતું અને તેને બૂટ વડે લાત મારી હતી તથા બંદૂકના કૂંદાથી ફટકાર્યો હતો.”

'મેં મરી જવાનો ડોળ કર્યો હતો'

લેટ ટોકે ટાવ ગામને મે મહિનામાં આગ ચાંપી દેવામાં આવી હતી
ઇમેજ કૅપ્શન, લેટ ટોકે ટાવ ગામને મે મહિનામાં આગ ચાંપી દેવામાં આવી હતી

એ પછી ઉચ્ચ કક્ષાના એક અધિકારીએ ગોળીબાર શરૂ કરવાનો આદેશ આપ્યો હતો, એમ જણાવતાં યાન નાઈંગ ઉમેરે છે, “તેમણે બધાને ગોળી મારવાનું શરૂ કર્યું હતું. લોકો જમીન પર ઢળી પડ્યા હતા. મને પણ ગોળી વાગી હોવાનો ઢોંગ કરીને હું જમીન પર ફસડાઈ પડ્યો હતો.” યાન નાઈંગને લાગ્યું હતું કે તેમના પર મૃતદેહોનો ગંજ ખડકાયો હતો.

યાન નાઈંગે અડધી આંખ ખોલી ત્યારે ઘાયલ લોકો, મરણાસન્ન લોકોને લાચારીથી જમીન પર પડેલા જોયા હતા.

તેઓ કહે છે, “બધા મૃત્યુ પામ્યા છે તેની ખાતરી કરવા સૈનિકોએ તેમના પર વધુ એક વખત ગોળીબાર કર્યો હતો.”

યાન નાઈંગના કહેવા મુજબ, તેમની બાજુમાં પડેલા માણસ સાથે પણ આવું થયું હતું.

તેઓ કહે છે, “તેના માથામાંથી નીકળેલી ગોળી મારી છાતી સુધી પહોંચી હતી. એ ક્ષણે હું જાણતો હતો કે હલનચલન ન કરવું જોઈએ. મરી ગયો હોવાનો ડોળ કરીને મેં શ્વાસ રોકી રાખ્યો હતો. આંખો ખોલવાની મારી હિંમત ન હતી.”

દૂર જતા સૈનિકોનાં પગલાંનો અવાજ સાંભળ્યો ત્યારે યાન નાઈંગે ધીમે ધીમે શ્વાસ લેવાનું શરૂ કર્યું હતું.

યાન નાઈંગની છાતીમાંનો ઘા ઉપરછલ્લો હતો, પરંતુ એ ઘટનામાં 32 નાગરિકો મૃત્યુ પામ્યા હતા.

સૈન્યના પ્રવક્તા જનરલ ઝાવ મીન તુને જણાવ્યું હતું કે યાન નાઈંગે આ ઘટના વિશે આપેલી વિગત બાબતે તેઓ કશું કહેવા ઇચ્છતા નથી. તેમણે ઉમેર્યું હતું કે પીડીએફ યુદ્ધ જીત્યું ત્યારે તેણે શ્રેય લીધું હતું અને હાર્યું ત્યારે પોતાને પીડિત તરીકે રજૂ કરે છે.

યાન નાઈંગનું કહેવું છે કે એ ઘટના પછી કોઈએ ગામમાં પાછા જવાની હિંમત કરી નથી. ગામમાં કશું જ બચ્યું નથી. ઘરો સળગી ગયાં છે અને નવનિર્મિત કૂવો નાશ પામ્યો છે.

યાન નાઈંગ કહે છે, “નિર્દોષ લોકો માર્યા ગયા. માતાઓએ તેમનાં સંતાનો ગુમાવ્યાં. પરિવારો તૂટી ગયા. હું તેમને ક્યારેય માફ નહીં કરું. મારા લોકો વતી હું ઇચ્છું છું કે સૈનિકોએ પણ આટલી જ પીડા સહન કરવી પડે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.