'કોલસાના થેલા કરતાં ઓછી કિંમતે હત્યા કરી નાખીશું', મ્યાનમારની જેલમાં થતા અત્યાચારની કથા

ઇમેજ સ્રોત, MAUNG PHO
- લેેખક, જોનાથન હેડ
- પદ, દક્ષિણ-પૂર્વ એશિયા સંવાદદાતા
21 વર્ષીય વાઇ-ફાઇ ટેકનિશિયન ફ્યો વાઇ હલાઇંગ જુલાઈ-2021માં એક સપ્તાહથી ગુમ થઈ ગયા હતા. એ વખતે તેમના પિતાને એક અનામી ફોન કોલ આવ્યો હતો. તેમને મ્યાનમારના સૌથી મોટા શહેર યાંગોનમાંના તેમના ઘરેથી દૂરના અંતરે આવેલા એક પુલ પર જવાનો સંદેશ ફોન કોલમાં આપવામાં આવ્યો હતો.
ફ્યો વાઇ હલાઇંગના સ્ટ્રીટ ફૂડનો ધંધો કરતા પિતાને તે પુલ પર જણાવવામાં આવ્યું હતું કે તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પછી તેમણે એ બાબતે સરકારી માલિકીના અખબારમાં સમાચાર વાંચ્યા હતા.
મ્યાનમારની સૈન્ય સરકાર સામે લડતા બળવાખોરોના સંગઠન પીપલ્સ ડિફેન્સ ફોર્સને ટેકો આપવા બદલ અને આતંકવાદી હુમલા માટેના વિસ્ફોટકોને સંગ્રહ કરવાના આરોપસર જે 29 લોકોને ધરપકડ કરવામાં આવી હતી, તેમાં ફ્યો વાઇ હલાઇંગનો પણ સમાવેશ થતો હતો.
તે જૂથમાં 19 વર્ષનો, એન્જિનિયરિંગનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી સી થુ આંગ પણ હતો. સાક્ષીઓએ તેમનાં માતાને જણાવ્યું હતું કે ફ્યો વાઇ હલાઇંગ ગુમ થયાના બીજા દિવસે પોલીસ સી થુ આંગને લઈ ગઈ હતી.
બન્ને યુવાનો મ્યાનમારના ગુલાગમાં ગાયબ થઈ ગયા હતા. ગુલાગ જેલ અને પૂછપરછના કેન્દ્રોનું નેટવર્ક છે, જેનો ઉપયોગ અસંતુષ્ટોની અટકાયત તથા તેમને ત્રાસ આપવા માટે દાયકાઓથી કરવામાં આવે છે.
તે ઇન્સેન જેલના કેન્દ્રમાં આવેલું છે. ઇન્સેન જેલ લશ્કરી શાસન દ્વારા કરવામાં આવતા દમનનું પ્રતીક બની ગઈ છે. સાત વર્ષના કારાવાસની સજા કરવામાં આવી એ પછી ફ્યો વાઇ હલાઇંગ અને સી થુ આંગને લઈ જવામાં આવ્યા હતા.
બીબીસીએ અટકાયતમાં લેવાયેલા કેટલાક લોકોના પરિવારજનો સાથે અને મૌંગ ફો નામના એક કલાકાર સાથે વાત કરી હતી.
મૌંગ ફોએ છ મહિનાના જેલવાસ દરમિયાન કારાગારની અંદરના જીવનનાં ઝીણવટભર્યાં ચિત્રો દોર્યાં હતાં અને હાલ તેઓ તે ચિત્રો સમગ્ર થાઇલૅન્ડમાં પ્રદર્શિત કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

જેલ જે અત્યંત ભયંકર ઇતિહાસ ધરાવે છે..

ઇમેજ સ્રોત, MAUNG PHO
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉત્તરીય યાંગોનના નકશામાં એક વિશાળ ચક્ર જેવી દેખાતી ઇન્સેન જેલ મ્યાનમારમાંના બ્રિટિશ સંસ્થાનવાદી શાસનના અત્યંત ભયંકર વારસા પૈકીની એક છે.
આ ચક્રાકાર જેલનું નિર્માણ 1877માં કરવામાં આવ્યું હતું અને તેના તમામ ખૂણા પર સેન્ટ્રલ ગાર્ડહાઉસ ચાંપતી નજર રાખી શકે છે. એ મ્યાનમારની સૌથી મોટી જેલ છે.
મોટા ભાગના રાજકીય કેદીઓએ તેમને થયેલી સજાનો થોડો સમયગાળો તો અહીં પસાર કરવો જ પડે છે. રાજકીય કેદીઓને તેમની સામેનો ખટલો શરૂ થાય તે પહેલાં મહિનાઓ સુધી અહીં અટકાયતમાં રાખવામાં આવે છે. કેટલાક લોકો અહીં જીવતા રહી શકતા નથી.
સી થુ આંગનાં માતાએ કહ્યું હતું, “સી થુ ગ્રેજ્યુએટ થશે પછી પરિવારનો આધાર બનશે એવી મને આશા હતી. મારા પાડોશીઓએ મને દિલાસો આપવાના પ્રયાસ કર્યા હતા. પછી મને સમજાયું હતું કે મારા પરિવારને આધાર આપવાવાળું હવે બીજું કોઈ નથી. મારા પતિ બીમાર અને પથારીવશ છે. તેથી મેં મારી જાતને કહ્યું કે મારા પતિ, મારા નાના દીકરા અને જેલમાંના મોટા દીકરાનું ધ્યાન પણ મારે પોતે જ રાખવાનું છે.”
એ પછીથી બન્ને પરિવારો સામે વિશ્વની સૌથી જંગલી જેલમાં સબડતા તેમના પુત્રોને ટેકો આપવાના પડકારની ચિંતા છે.
ધરપકડના ત્રણ સપ્તાહ પછી સી થુ આંગની માતાને ઇન્સેન જેલમાંથી ફોન આવ્યો હતો અને તેમના દીકરા માટે ખોરાક તથા પૈસા મોકલવાનું જણાવવામાં આવ્યું હતું.
જેલમાં ભંગાર ભોજન મળે છે અને પરિસ્થિતિ પણ ખરાબ હોય છે. તેથી કોઈ આધાર વિનાના કેદીઓની તબિયત કથળી શકે છે.
સી થુ આંગનાં માતાના કહેવા મુજબ, તેઓ દીકરાને ફૂડ પાર્સલ મોકલવા માટે દર મહિને 1,40,000 ક્યાટ્સ (આશરે 5,500 રૂપિયા) ખર્ચવા પડે છે. સી થુ આંગના માતા શેરીઓમાં બાફેલા સોયાબીન વેચીને ગુજરાન ચલાવે છે. તેમાંથી થતી કમાણીનો લગભગ બે-તૃતીયાંશ હિસ્સો તેમણે દીકરાના ફૂડ પાર્સલ માટે ખર્ચવો પડે છે.

કેદીઓને ભયંકર યાતનાઓ આપવામાં આવતી...

ઇમેજ સ્રોત, MAUNG PHO
ફ્યો વાઇ હલાઇંગ સામેનો ખટલો ત્રણ મહિના સુધી ચાલ્યો હતો. તેના પિતાએ દીકરીને ચુકાદાના એકાદ મહિના પહેલાં માત્ર બે વખત જોયો હતો અને તેના પુત્ર સાથે જેલમાં શું કરવામાં આવી રહ્યું છે તેની વાતો સાંભળી હતી.
ફ્યો વાઇ હલાઇંગને પાંચ અલગઅલગ પૂછપરછ કેન્દ્રોમાં જોરદાર યાતના આપવામાં આવી હતી. એ પૂછપરછ કેન્દ્રોમાં સંગોન ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક આવેલા કુખ્યાત, ક્રૂર યે ક્યી એઇનો પણ સમાવેશ થાય છે.
ફ્યો વાઇ હલાઇંગના પિતાએ કહ્યું હતું, “મારા દીકરાને એક શબઘરમાં લઈ જવામાં આવ્યો હતો અને સડી ગયેલા તમામ મૃતદેહો દેખાડવામાં આવ્યા હતા. તેને કહેવામાં આવ્યું હતું કે તારું જીવન હવે નકામું છે. અમે કોલસાના એક થેલા કરતાં પણ ઓછી કિંમતે તારી હત્યા કરી શકીએ તેમ છીએ.”
“મારા દીકરાની ધરપકડ કરવામાં આવી ત્યારે તેના પગમાં ગોળી મારવામાં આવી હતી. તેમણે મારા દીકરીના પગના નીચેના ભાગમાં લોખંડના સળિયા ફટકાર્યા હતા. તેના માથાના પાછળના ભાગમાં સોજો હતો. એક હાથ લબડી પડ્યો હતો અને તેની કરોડરજ્જુમાં ગંભીર ઇજા થઈ હતી. તે યાદશક્તિ લગભગ ગુમાવી ચૂક્યો છે અને હવે તેને લોકોનાં નામ પણ યાદ નથી.”
જેલમાં સબડતા દીકરાના ભરણપોષણ માટે પિતાએ પરિવારના તમામ દાગીના વેચી નાખ્યા છે. તેમની પાસે તેમનાં માતાના ગામમાં જમીનનો એક ટુકડો જ બચ્યો છે, જે તેમણે ટૂંક સમયમાં વેચી નાખવો પડશે.
એ પછી તેમણે મોહિંગા વેચીને થતી કમાણી વડે ગુજરાન ચલાવવું પડશે. મોહિંગા મ્યાનમારમાં સામાન્ય રીતે સવારના નાસ્તામાં આરોગવામાં આવતો માછલીનો સૂપ છે.
બે યુવાનોના વકીલ જણાવે છે કે તેઓ બન્નેના પરિવારો પાસેથી ઓછામાં ઓછી ફી લે છે. માત્ર કોર્ટમાં આવવા-જવાનો પરિવહન ખર્ચ જ લે છે.
તેમના જણાવ્યા મુજબ, બન્ને યુવાનોને દોષિત જાહેર કરવામાં આવશે તે નક્કી છે. તેથી તેઓ જેલમાંથી મુક્ત થાય તેવી કોઈ શક્યતા નથી.
એક વકીલે કહ્યું હતું કે “અમે સામાજિક કાર્યકરો કે સલાહકારો જેવા વધુ છીએ. અમારા અસીલોને તેમના પરિવારને મળવાની મંજૂરી ભાગ્યે જ આપવામાં આવે છે. અમે અમારા અસીલોને થોડી રાહત આપવાના પ્રયાસ કરીએ છીએ.”

પરિવારજનો માટે સૌથી કપરો સમય

ઇમેજ સ્રોત, MAUNG PHO
ફેરિયા તરીકે કામ કરીને ગુજરાન ચલાવતા મ્યો મિન્ટ નામના એક પિતા તેમના પુત્ર લિન લિન ટેટને ઇન્સેન જેલમાં કેવો ત્રાસ આપવામાં આવે છે તે જાતે નિહાળી શક્યા હતા.
ઑક્ટોબર, 2021માં તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને 10 મહિના પછી મુક્ત કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું હતું, “16 ફૂટX9 ફૂટની અમારી કોટડીમાં 100 લોકો હતા. અમારે પડખાભેર, એકમેકની સામે મોં રાખીને સૂવું પડતું હતું. જે લોકો મહિને એકથી દોઢ લાખ ક્યાટ ચૂકવી શકે તેમ હોય તેમને ઊંઘવા માટે સારી જગ્યા મળતી હતી. મારા દીકરા સાથે સારો વર્તાવ કરવામાં આવે એટલા માટે મેં મારી બચતમાંથી રક્ષકોને પૈસા ચૂકવ્યા હતા.”
લિન લિન ટેટને પાંચથી છ દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેની સાથે જેલની કોટડીમાં એક સપ્તાહ રહેલા મ્યો મિન્ટે કહ્યું હતું, “તેને બહુ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો.”
“તે ઇન્ટરોગેશન સેન્ટરમાંથી બહાર આવ્યો ત્યારે ચાલી કે ઊભો રહી શકતો ન હતો. તેને બે જણ ઘસડીને જેલની કોટડીમાં લઈ ગયા હતા. મેં તેના શરીર પર ઘણા ઘા જોયા હતા. તેના ગાલ અને પગ પર ડામ દેવામાં આવ્યા હતા. તેના પગના બે નખ ખેંચી કાઢવામાં આવ્યા હતા.”
“તે પારાવાર પીડા અનુભવતો હતો. મારી પાસે પીડાશામક ક્રીમ હતું. તે મેં તેને લગાવી આપ્યું હતું. તેનાથી વિશેષ કશું હું તેના માટે કરી શક્યો ન હતો. મારા દીકરાએ કહેલું કે તેના માથાના વાળ પકડીને તેનું માથું દીવાલ અથવા ટેબલ સાથે અફળાવવામાં આવ્યું હતું. તેમાં એ બહેરો થઈ ગયો હતો.”
કળાકાર મ્યૌંગ ફો વધારે નસીબદાર હતા. 2021ની સાતમી એપ્રિલે સૈનિકો તેમને યાંગોનમાંના તેમના ઘરેથી ખેંચી ગયા હતા.
ચીનના નેતા શી જિનપિંગની બાજુમાં ઊભા રહીને આત્મહત્યા કરતા બળવાખોર નેતા મીન ઓંગ હેઇલિંગનું ચિત્ર તેમણે દોર્યું હતું. એ ચિત્રને કારણે તેમને સૈનિકો લઈ ગયા હશે એવું તેમણે શરૂઆતમાં વિચાર્યું હતું.

ઇમેજ સ્રોત, MAUNG PHO
મ્યૌંગ ફોએ કહ્યું હતું, “તેમણે મારા માથા પર લાત મારી હતી અને મને ભાગવા કહ્યું હતું, જેથી તેઓ મને ગોળી મારી શકે. તેમણે મને કહ્યું હતું કે હવે (હાંકી કાઢવામાં આવેલા નેતા આંગ સાન સુ કીનું) હાઇ-હિલ્સ શાસન નથી. આ લશ્કરી શાસન છે. એ સાંભળીને મને લાગ્યું હતું કે આ મારા જીવનની છેલ્લી ક્ષણો છે.”
જોકે, પોલીસ સ્ટેશનમાં સમજાયું હતું કે મામલો ઓછો ગંભીર છે. તેઓ કશુંક બોલ્યા હતા અને એ બાબતે સ્થાનિક વહીવટકર્તાએ ફરિયાદ કરી હતી. તેના અનુસંધાને તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
ઇન્સેન કારાગારમાંની ભયાનક પરિસ્થિતિની નોંધ મૌંગ ફોને કલમ દ્વારા કરી હતી.
તેમણે લખ્યું છે, “જે કોટડીમાં અમને રાખવામાં આવ્યા હતા તેમાં વધુમાં વધુ 150 લોકો રહી શકે તેમ હતા, પરંતુ તેમાં 474 લોકોને રાખવામાં આવ્યા હતા. લોકોએ ટીનમાં પૅક કરેલી માછલીની જેમ સૂવું પડતું હતું.”
મૌંગ ફોન ડ્રાફ્ટ્સમેન હોવાથી તેમને કેટલાક વિશેષાધિકાર મળ્યા હતા. તેમણે જે રક્ષકનું પોર્ટ્રેટ દોરી આપ્યું હતું એ રક્ષક તેમને તાજા ફળનો રસ આપતો હતો. જોકે, તેમણે તેમની પેન તથા ચિત્રો મોટા ભાગે છુપાવી રાખવા પડતાં હતાં.
તેમણે એ ચિત્રો, પરિવારજનો દ્વારા કેદીઓને મોકલવામાં આવતા ફૂડ પાર્સલના કાગળના ટુકડાઓ પર દોર્યા હતા. એ ચિત્રો તેમણે કાપી નાખ્યા હતા અને તેને, જેલમાંથી જતી વખતે કેદીઓ તેમનો માલસામાન જે કાર્ડબોર્ડ બૉક્સમાં લઈ જતા હોય છે તેમાં છુપાવીને જેલની બહાર મોકલ્યા હતા.
મૌંગ ફોને છ મહિના બાદ મુક્ત કરવામાં આવ્યા હતા અને પછી ઘણા બર્મીઝ અસંતુષ્ટોની જેમ તેઓ થાઇલૅન્ડ ભાગી ગયા હતા.
લિન લિન ટેટ, ફ્યો વાઇ હેઇલિંગ અને સી થુ ઔંગના પરિવારો તેમના પુત્રોની માફી માટે અથવા તેમની સજામાં ઘટાડો થવાની આશામાં જીવી રહ્યા છે. લિન લિન ટેટની સજા સાત વર્ષથી ઘટાડીને છ માસની કરવામાં આવી છે.
સી થુ ઔંગનાં માતા કહે છે, “તેની ધરપકડ કરવામાં આવી પછી મેં ઘણું સહન કર્યું છે. એ મને બહુ મદદ કરતો હતો. તેને વાંચન ગમે છે અને તેણે યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં ટોચનો ક્રમાંક મેળવ્યો હતો. તે સારી રીતે શિક્ષિત થાય એવું હું ઇચ્છું છું. તે મારી જેમ ગરીબ રહે અને મુશ્કેલીભર્યું જીવન જીવે એવું હું ઇચ્છતી નથી.”

ઇમેજ સ્રોત, MAUNG PHO
ફ્યો વાઇ હેઇલિંગનો નાનો ભાઈ માત્ર આઠ વર્ષનો છે અને તે શક્ય તેટલી વધુ વખત મોટાભાઈને મળવા જેલમાં જાય છે.
તેમના પિતાના જણાવ્યા મુજબ, બન્નેનો જન્મદિવસ એક જ તારીખે આવે છે. બન્ને એકમેકની બહુ નજીક છે. તેઓ મોટા દીકરાને મહિને બે વખત ફૂડ પાર્સલ મોકલે છે અને મોટો દીકરો જેલમાં સાથી કેદીઓ સાથે તે ફૂડ શૅર કરે છે.
પૈસા બચાવી શકાય એટલા માટે મહિને એક જ વખત ફૂડ પાર્સલ મોકલવા ફ્યો વાઈ હેઇલિંગે તેના પરિવારને જણાવ્યું છે. ફ્યોએ પરિવારજનોને જણાવી દીધું છે કે એ પોતાનું રાજકીય કાર્ય ચાલુ રાખવા, સૈન્ય સરકારનો વિરોધ કરવા પ્રતિબદ્ધ છે.
“એક વાર શરૂ કર્યા પછી તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે,” એવું કહીને તેણે તેના નાનાભાઈને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી છે.
(બેંગકોકથી એડિશનલ રિસર્ચ અને રિપોર્ટિંગઃ લુલુ લુઓ)














