સાઉદી અરેબિયાના પ્રિન્સના ઉદયની કહાણી જેમાં સત્તા અને ઑઇલની તાકાત છે, જે પોતાના નિયમો જાતે ઘડે છે

- લેેખક, જોનાથન રગમૅન
- પદ, બ્રૉડકાસ્ટર અને લેખક
જાન્યુઆરી 2015માં સાઉદી અરેબિયાના 90 વર્ષીય રાજા અબ્દુલ્લા હૉસ્પિટલમાં મરણપથારીએ હતા. તેમના સાવકા ભાઈ સલમાન આગામી રાજા બનવાના હતા. જ્યારે સલમાનના પ્રિય પુત્ર મોહમ્મદ બિન સલમાન સત્તા હાંસલ કરવાની તૈયારી કરતા હતા.
પોતાના નામના પ્રારંભિક અક્ષરોથી એમબીએસ તરીકે ઓળખાતા પ્રિન્સની ઉંમર ત્યારે માત્ર 29 વર્ષ હતી. તેમણે પોતાના રાજ્ય માટે ભવ્ય યોજનાઓ તૈયાર કરી હતી, જે ઇતિહાસની સૌથી મોટી યોજનાઓ હતી. પરંતુ તેમને ભય હતો કે તેમના પોતાના સાઉદી શાહી પરિવારના ષડયંત્રકારી લોકો તેમની વિરુદ્ધ કોઈ પગલાં ઉઠાવશે. તેથી તે મહિનાની એક સાંજે તેમણે એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીને પોતાના મહેલમાં બોલાવ્યા. તેઓ તેમની વફાદારી જીતવા માગતા હતા.
સાદ-અલ-જાબરી નામના અધિકારીને તેમનો મોબાઇલ ફોન બહાર ટેબલ પર જ રાખવા જણાવાયું.
એમબીએસે પણ પોતાનો ફોન બહાર રાખ્યો. હવે બંને એકલા હતા.
યુવાન પ્રિન્સને મહેલના જાસૂસોનો એટલો ભય હતો કે તેમણે ત્યાં હાજર એકમાત્ર લૅન્ડલાઇન ફોનના વાયરને પણ સોકેટમાંથી બહાર ખેંચીને તેને ડિસ્કનેક્ટ કરી નાખ્યો.
જાબરીના કહેવા મુજબ એમબીએસે તે વખતે વાત કરી કે કઈ રીતે તેઓ પોતાના રાજ્યને ગાઢ નિદ્રામાંથી જગાડવા માગે છે, જેથી કરીને વૈશ્વિક મંચ પર સાઉદીને તેનું યોગ્ય સ્થાન મળી શકે.
સાઉદી અર્થતંત્ર ઑઇલની નિકાસ પર આધારિત હતું. તેથી તેઓ સરકારી માલિકીની અને વિશ્વની સૌથી વધુ નફાકારક ઑઇલ ઉત્પાદક કંપની અરામ્કોમાં હિસ્સો વેચીને ઑઇલ પરની નિર્ભરતા ઘટાડવા માગતા હતા.
તેઓ ટૅક્સી કંપની ઉબર સહિત સિલિકૉન વેલીના ટેકનૉલૉજી સ્ટાર્ટઅપમાં અબજોનું રોકાણ કરવા માગતા હતા. ત્યાર પછી સાઉદી મહિલાઓને પણ કામ કરવાની મંજૂરી આપીને તેઓ 60 લાખ નવી રોજગારી પેદા કરવાના હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાબરી આ યોજનાથી ચકિત થઈ ગયા. તેમણે પ્રિન્સને તેમની મહત્ત્વાકાંક્ષાની હદ વિશે પૂછ્યું, તો જવાબ મળ્યો, "તમે મહાન સિકંદર વિશે સાંભળ્યું છે?"
એમબીએસે વાતચીત ત્યાં જ પૂરી કરી દીધી. મધરાતે જે બેઠક માંડ અડધા કલાક ચાલવાની હતી, તે ત્રણ કલાક સુધી ચાલી. જાબરી રૂમમાંથી બહાર આવ્યા ત્યારે તેમના મોબાઇલ ફોન પર તેમના સાથીદારોના કેટલાય મિસ્ડ કૉલ હતા, જેઓ તેમના અચાનક ગાયબ થઈ જવાના કારણે ચિંતિત હતા.
છેલ્લા એક વર્ષથી અમારી ડૉક્યુમેન્ટરી ટીમ એમબીએસના સાઉદી મિત્રો અને વિરોધીઓ સાથે વાત કરી રહી છે. તેમાં પશ્ચિમના વરિષ્ઠ જાસૂસો અને રાજદ્વારીઓ સાથે પણ વાત કરવામાં આવી છે.
સાઉદી સરકારને પણ બીબીસીની ફિલ્મ અને આ લેખમાં કરવામાં આવેલા દાવા વિશે પ્રતિક્રિયા આપવાની તક અપાઈ હતી. પરંતુ તેમણે કોઈ પ્રતિભાવ ન આપવાનું પસંદ કર્યું.
સાઉદી સુરક્ષાતંત્રમાં સાદ-અલ-જાબરી એટલા ઊંચા પદ પર હતા કે તેમને અમેરિકન જાસૂસી સંસ્થા સીઆઈએ અને બ્રિટિશ જાસૂસી સંસ્થા એમઆઈ6 ના વડા સાથે પણ મિત્રતા છે. સાઉદી અરેબિયા જાબરીને એક બદનામ ભૂતપૂર્વ અધિકારી ગણાવે છે, ત્યારે તેઓ સૌથી વધારે માહિતી ધરાવતા અસંતુષ્ટ પણ છે. તેમણે સાઉદી અરેબિયા પર તેના ક્રાઉન પ્રિન્સ કેવી રીતે શાસન ચલાવે છે તેના વિશે બોલવાની હિંમત કરી છે. તેમણે અમને જે દુર્લભ ઇન્ટરવ્યૂ આપ્યો છે તેમાં આશ્ચર્યજનક વિગતો છે.
પ્રિન્સને વ્યક્તિગત રીતે ઓળખતા કેટલાય લોકો સાથે વાત કરીને અમે એ ઘટનાઓ પર પ્રકાશ પાડીએ છીએ જેમણે એમબીએસને કુખ્યાત બનાવી દીધા છે. તેમાં 2018માં સાઉદી પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યા અને યમનમાં વિનાશક યુદ્ધની શરૂઆત પણ સામેલ છે.
મોહમ્મદ બિન સલમાનના પિતાની તબિયત નરમ છે ત્યારે 38 વર્ષીય એમબીએસના જ હાથમાં સાઉદીનું શાસન છે જે ઇસ્લામનું જન્મસ્થાન અને વિશ્વમાં સૌથી મોટું ઑઇલ નિકાસકાર છે. તેમણે સાદ અલ-જાબરીને જે મહત્ત્વની યોજનાઓ વર્ણવી હતી તેમાંથી કેટલીક યોજનાનો અમલ શરૂ કરી દીધો છે.
સાથે સાથે તેમના પર માનવ અધિકારોના ભંગનો પણ આરોપ છે જેમાં વાણી સ્વાતંત્ર્યને દબાવવું, મૃત્યુદંડની સજાનો વ્યાપક ઉપયોગ અને મહિલા અધિકાર કાર્યકર્તાઓને જેલમાં નાખવાનો સમાવેશ થાય છે.
મોહમ્મદ બિન સલમાનની અશુભ શરૂઆત કેમ થઈ

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાના પ્રથમ રાજાને ઓછામાં ઓછા 42 પુત્રો હતા જેમાંથી એક એમબીએસના પિતા સલમાન પણ હતા. પરંપરાગત રીતે રાજસત્તા આ પુત્રોને આપવામાં આવે છે. 2011 અને 2012માં અચાનક બે પુત્રોના અવસાન પછી ઉત્તરાધિકારીની હરોળમાં સલમાન આગળ આવ્યા.
પશ્ચિમી જાસૂસી એજન્સીઓ જે રીતે સોવિયેટ યુનિયનના રાજકારણનો અભ્યાસ કરતી, તે જ રીતે સાઉદીનો પણ અભ્યાસ કરે છે. એટલે કે આગામી રાજા કોણ હશે તેની ગણતરી કરે છે. આ તબક્કે MBS એટલા યુવાન અને અજ્ઞાત હતા કે તેઓ જાસૂસી એજન્સીઓના રડાર પર પણ ન હતા.
2014 સુધી MI6 ના વડા રહેલા સર જૉન સોવર્સ કહે છે, "તે મોટા ભાગે ઢંકાયેલા રહ્યા હતા. તેઓ સત્તા પર આવવા માટે નિર્ધારિત ન હતા."
ક્રાઉન પ્રિન્સ એક મહેલમાં ઊછર્યા હતા, જ્યાં ખરાબ વર્તનનાં ગંભીર પરિણામો ભોગવવાં પડતાં ન હતાં. તેથી જ તેમને પરિણામોનો વિચાર કર્યા વગર નિર્ણય લેવાની ખરાબ આદત પડી ગઈ.
એમબીએસ ટીનેજર હતા ત્યારે જ રિયાધમાં કુખ્યાત બની ગયા હતા. તે વખતે મિલકતના એક વિવાદમાં તેમના નિર્ણયની અવગણના કરનારા એક જજને તેમણે ટપાલથી કથિત રીતે બુલેટ મોકલી હતી. તેના કારણે તેમને "અબુ રસાસા" અથવા "ફાધર ઑફ ધ બુલેટ"નું ઉપનામ મળ્યું હતું.
સર જૉન સોવર્સ કહે છે, "તેમનામાં એક ચોક્કસ નિર્દયતા હતી. કોઈ તેમની વિરુદ્ધ થાય તે તેમને નથી ગમતું. પરંતુ તેનો અર્થ એવો પણ થયો છે કે તેઓ એવા પરિવર્તન લાવવા સક્ષમ છે જે અન્ય કોઈ સાઉદી નેતા નથી લાવી શક્યા."
MI6ના ભૂતપૂર્વ વડા કહે છે કે, એમબીએસે ઘણા આવકારદાયક ફેરફાર કર્યા તેમાં સૌથી મહત્ત્વનો ફેરફાર એ હતો કે ઇસ્લામિક જિહાદવાદનું ઉછેર કેન્દ્ર બની ગયેલી વિદેશી મસ્જિદો અને ધાર્મિક શાળાઓને મળતા સાઉદી ફંડિંગમાં તેમણે કાપ મૂક્યો છે. તેનાથી પશ્ચિમની સુરક્ષાને ઘણો લાભ થશે.
એમબીએસનાં માતા ફહદા બેદુઈન કબીલામાંથી આવે છે અને તેઓ એમબીએસના પિતાની ચાર પ્રિય પત્નીઓ પૈકી એક ગણાય છે. પશ્ચિમી રાજદ્વારીઓ માને છે કે રાજા ઘણાં વર્ષોથી વેસ્ક્યુલર ડિમેન્શિયા (મનોભ્રંશ)ના ધીમા પ્રકારથી પીડાય છે અને તેમણે એમબીએસની મદદ માગી હતી.
કેટલાક રાજદ્વારીઓએ અમારી સાથે એમબીએસ અને તેમના પિતા સાથેની તેમની મુલાકાતોને યાદ કરી. પ્રિન્સ પોતાના આઈપેડ પર નોંધ લખતા, તેના પિતાના આઈપેડ પર મોકલતા જેથી તેમણે આગળ શું બોલવું તેનો સંકેત મળે.
ડેવિડ કેમેરોન જ્યારે તેઓ બ્રિટનના વડા પ્રધાન હતા ત્યારે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહી ચૂકેલા લૉર્ડ કિમ ડેરોચ કહે છે કે, "મને હંમેશાં વિચાર આવતો કે એમબીએસ તેમના માટે તેમની લાઇનો ટાઇપ કરે છે કે કેમ."
પોતાના પિતા સાઉદીના રાજા બને તે માટે પ્રિન્સ એટલા અધીરા હતા કે તેમણે 2014માં પોતાના કાકા અને તત્કાલીન રાજા અબ્દુલ્લાને રશિયાથી મેળવેલી એક ઝેરી વીંટી વડે મારવાનું સૂચન કર્યું હતું.
જાબરી કહે છે, "મને ખબર નથી કે તે માત્ર બડાઈ મારતા હતા કે કેમ, પરંતુ અમે આ વાત ગંભીરતાથી લીધી." ભૂતપૂર્વ વરિષ્ઠ સુરક્ષા અધિકારીનું કહેવું છે કે તેમણે MBSનો આ વિશે વાત કરતો ગુપ્ત રીતે રેકૉર્ડ કરાયેલો સર્વેલન્સ વીડિયો જોયો છે. "તેમને ખાસ્સા એવા સમય સુધી કોર્ટ દ્વારા રાજા સાથે હાથ મિલાવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી."
કિંગ અબ્દુલ્લા કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા, જેના કારણે તેમના ભાઈ સલમાનને 2015માં રાજગાદી મળી. MBSને સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેમણે તરત યુદ્ધ શરૂ કરી દીધું.
યમનમાં યુદ્ધ માટે મોહમ્મદ બિન સલમાનને કેમ જવાબદાર ગણવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images
બે મહિના પછી હુથી બળવાખોરો સામેના પ્રિન્સે ગલ્ફ ગઠબંધનનું નેતૃત્વ કર્યું. હુથીઓએ પશ્ચિમ યમનના મોટા ભાગ પર નિયંત્રણ મેળવ્યું હતું અને એમબીએસ તેને સાઉદી અરેબિયાના પ્રાદેશિક હરીફ ઈરાનના પ્રૉક્સી તરીકે જોતા હતા. આ યુદ્ધના કારણે માનવીય આફત પેદા થઈ જેના કારણે લાખો લોકો ભૂખમરાની અણી પર આવી ગયા.
યુદ્ધ શરૂ થયું તે પહેલાં બ્રિટિશ રાજદૂત રહી ચૂકેલા સર જૉન જેન્કિન્સ કહે છે કે, "આ સમજદારીભર્યો નિર્ણય ન હતો. એક વરિષ્ઠ અમેરિકન સૈન્ય કમાન્ડરે મને જણાવ્યું કે તેમને યુદ્ધ શરૂ કરતા પહેલાં માત્ર 12 કલાકની નોટિસ અપાઈ હતી. આવું ક્યારેય નથી સાંભળ્યું."
આ સૈન્ય અભિયાનના કારણે બહુ ઓછા જાણીતા પ્રિન્સ અચાનક સાઉદી રાષ્ટ્રીય નાયક બની ગયા. જોકે, તેમના મિત્રો પણ સ્વીકારે છે કે એમબીએસે ઘણી મોટી ભૂલો કરી હતી તેમાં આ પ્રથમ ભૂલ હતી.
તેમના વર્તનની એક પુનરાવર્તિત પેટર્ન ઊભરી રહી હતી: એમબીએસને સાઉદીની નિર્ણય લેવાની પરંપરાગત રીતે ધીમી અને કોલેજિયેટ સિસ્ટમ પસંદ ન હતી. તેઓ અણધારી રીતે અથવા આવેગ પર કાર્ય કરવાનું પસંદ કરે છે. તેઓ યુએસની વાતમાં સૂર પુરાવવાનું પસંદ નથી કરતા, તેમને એક પછાત દેશના વડા તરીકે જોવામાં આવે તે નથી ગમતું.
જાબરીએ એવો આરોપ પણ મૂક્યો કે એમબીએસે ભૂમિદળને મોકલવાના શાહી હુકમનામા પર પોતાના પિતા કિંગની બનાવટી સહી કરી છે.
જાબરી કહે છે કે તેમણે યમન યુદ્ધ શરૂ થયું તે પહેલાં વ્હાઈટ હાઉસમાં તેની ચર્ચા કરી હતી. પ્રેસિડન્ટ ઓબામાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુસાન રાઈસે તેમને ચેતવણી આપી હતી કે યુએસ માત્ર હવાઈ હુમલાને સમર્થન આપશે.
જો કે, જાબરીનો દાવો છે કે યમનમાં આગળ વધવા માટે એમબીએસ એટલા મક્કમ હતા કે તેમણે અમેરિકાની ચેતવણીની અવગણના કરી.
જાબરી કહે છે, "અમને આશ્ચર્ય થયું કે ભૂમિદળને મોકલવા માટે શાહી હુકમ આવ્યો હતો. તેમણે શાહી હુકમ પર પિતાની બનાવટી સહી કરી હતી. રાજાની માનસિક ક્ષમતા કથળી રહી હતી."
જાબરી કહે છે કે આ આરોપ માટેનો તેમનો સ્ત્રોત "વિશ્વસનીય, ભરોસાપાત્ર" હતો અને આંતરિક બાબતોના મંત્રાલય સાથે જોડાયેલો હતો જ્યાં તેઓ ચીફ ઑફ સ્ટાફ હતા.
જાબરીએ રિયાધમાં સીઆઈએના સ્ટેશન ચીફને યાદ કરીને કહ્યું કે તેઓ ભયંકર ગુસ્સામાં હતા કારણ કે એમબીએસએ અમેરિકનોની અવગણના કરી હતી, તેમણે ઉમેર્યું કે યમન પર આક્રમણ ક્યારેય થવું જોઈતું ન હતું.
MI6ના ભૂતપૂર્વ ચીફ સર જૉન સોવર્સ કહે છે કે એમબીએસએ દસ્તાવેજોમાં ચેડાં કર્યા છે કે નહીં તેની તેમને નથી ખબર. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે યમનમાં લશ્કરી દખલ કરવાનો નિર્ણય એમબીએસનો હતો. તે તેમના પિતાનો નિર્ણય ન હતો, જોકે તેમના પિતા પણ તેમાં ખેંચાઈ આવ્યા છે.
અમને જાણવા મળ્યું કે અમબીએસ શરૂઆતથી જ પોતાને એક બહારની વ્યક્તિ તરીકે જોતા હતા. એક યુવાન માણસ જેની પાસે સાબિત કરવા માટે ઘણું બધું હતું અને તેના પોતાના સિવાયના અન્ય કોઈના નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરતા હતા.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નેશનલ સિક્યૉરિટી કાઉન્સિલમાં ફરજ બજાવતા કર્સ્ટન ફોન્ટેનરોઝ કહે છે કે તેમણે પ્રિન્સ માટે સીઆઈએની ઇન-હાઉસ મનોવૈજ્ઞાનિક પ્રોફાઇલ વાંચી ત્યારે તેમને લાગ્યું કે તેમાં ખામી છે.
તેઓ કહે છે, "તેમના પર આધાર રાખવા માટે કોઈ પ્રોટોટાઇપ ન હતા," "તેમની પાસે અમર્યાદિત સંસાધનો છે. તેમને ક્યારેય ‘ના’ પાડવામાં નથી આવી. તેઓ એવી પેઢીને પ્રતિબિંબિત કરનાર પ્રથમ યુવા નેતા છે જેને પ્રમાણિકપણે કહીએ તો સરકારમાં આપણામાંથી મોટા ભાગના લોકો સમજવા માટે વધારે પડતા વૃદ્ધ છે."
પોતાના નિયમો જાતે ઘડે છે

ઇમેજ સ્રોત, Getty Images
એમબીએસે 2017 માં એક પ્રખ્યાત પેઇન્ટિંગની ખરીદી કરી તે તેઓ કેવી રીતે વિચારે છે તેના વિશે ઘણું બધું જણાવે છે. તેઓ જોખમ લેવા તૈયાર છે, પોતાના ધાર્મિક રૂઢિચુસ્ત સમાજથી અલગ ચાલવામાં ગભરાતા નથી. સૌથી મહત્ત્વની વાત, તેમણે શક્તિના પ્રદર્શનમાં પશ્ચિમને પછાડવાનું નક્કી કર્યું છે.
2017માં એમબીએસ વતી એક સાઉદી રાજકુમારે સાલ્વેટર મુન્ડી નામની કલાકૃતિ પર 45 કરોડ ડૉલર (350 કરોડ પાઉન્ડ) ખર્ચ કર્યા હતા, જે વિશ્વની અત્યાર સુધીમાં સૌથી મોંઘા આર્ટનું વેચાણ છે. લિયોનાર્ડો દ વિન્સી દ્વારા દોરવામાં આવેલા પોટ્રેટમાં ઈસુ ખ્રિસ્તને સ્વર્ગ અને પૃથ્વીના માલિક, વિશ્વના તારણહાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેની હરાજી થઈ ત્યારથી લગભગ સાત વર્ષથી આ કળાકૃતિ અદૃશ્ય થઈ ગઈ છે.
ક્રાઉન પ્રિન્સનાં મિત્ર અને પ્રિન્સટન યુનિવર્સિટીમાં નીયર ઇસ્ટર્ન સ્ટડીઝના પ્રોફેસર બર્નાર્ડ હેકેલ કહે છે કે આ કૃતિ પ્રિન્સની નૌકા અથવા મહેલમાં રાખવામાં આવી છે તેવી અફવા છે પરંતુ વાસ્તવમાં આ પેઇન્ટિંગ જીનીવામાં સ્ટોરેજમાં છે. એમબીએસ તેને સાઉદીની રાજધાનીમાં એક મ્યુઝિયમમાં રાખવા માગે છે જે મ્યુઝિયમ હજુ તૈયાર નથી થયું.
હેકેલે એમબીએસને ટાંકીને કહ્યું, "હું રિયાધમાં એક મોટું મ્યુઝિયમ બનાવવા માંગુ છું. મને એક એન્કર ઑબ્જેક્ટ જોઈએ છે જે લોકોને આકર્ષિત કરે, જેમ કે મોના લિસા."
તેવી જ રીતે તેમની રમતગમત માટેની યોજનાઓ પણ એવી વ્યક્તિનું નિરુપણ કરે છે જે અત્યંત મહત્ત્વાકાંક્ષી છે અને પરિવર્તનથી ગભરાતા નથી.
સાઉદી અરેબિયાની વિશ્વ કક્ષાની રમતગમત માટે જંગી ખર્ચ કરે છે. તે 2034માં FIFA વર્લ્ડ કપની યજમાની કરવા માટે એકમાત્ર બિડર છે અને તેણે ટેનિસ અને ગોલ્ફ માટેની ટુર્નામેન્ટ યોજવા કરોડો ડૉલરનું રોકાણ કર્યું છે. આ જંગી ખર્ચને "સ્પોર્ટસવોશિંગ" તરીકે ઓળખાય છે. પરંતુ તેઓ એક એવા નેતા છે જેમને પશ્ચિમ તેમના વિશે શું વિચારે છે તેની કોઈ પરવા નથી. તેઓ તેનાથી વિપરીત જ દેખાડવા માંગે છે, તેઓ પોતાને અને સાઉદી અરેબિયાને મહાન દેખાડવા કંઈ પણ કરવા તૈયાર છે.
એમઆઈ6ના ભૂતપૂર્વ વડા સર જૉન સોવર્સ કહે છે, "એમબીએસને એક નેતા તરીકે પોતાની શક્તિ વધારવામાં રસ છે." "તેઓ આ કામ પોતાના દેશની શક્તિ વધારીને જ કરી શકે છે. આ બાબત જ તેમને પ્રેરે છે."
એમબીએસની સત્તા વધતી ગઈ તેમાં જાબરીની સાઉદી અધિકારી તરીકે 40 વર્ષની કારકિર્દી ટકી ન શકી. તેઓ એક સમયે ભૂતપૂર્વ ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન નાયફના ચીફ ઑફ સ્ટાફ હતા. પરંતુ એમબીએસ સત્તા જમાવતા હતા ત્યારે વિદેશી ઈન્ટેલિજન્સ સર્વિસે તેમના જીવ પર જોખમ છે એવી માહિતી આપ્યા પછી તેઓ સાઉદી છોડીને ભાગી ગયા. પરંતુ જાબરીનું કહેવું છે કે એમબીએસે તેમને ટેક્સ્ટ મેસેજ મોકલીને જૂનો હોદ્દો પાછો આપવાની ઑફર કરી હતી.
જાબરી કહે છે, "તે મને ફસાવવાની જાળ હતી પણ હું જાળમાં ન આવ્યો. તેમને ખાતરી છે કે તેઓ પરત જશે તો તેમનો ટૉર્ચર કરવામાં આવશે, જેલમાં પૂરી દેવાશે અથવા હત્યા પણ કરી શકાય છે. તેમનાં કિશોર વયનાં સંતાનો ઓમર અને સારાને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને પછી મની લોન્ડરિંગ અને નાસી છૂટવાનો પ્રયાસ કરવાના આરોપો હેઠળ જેલમાં પૂરી દેવાયા છે. બંનેએ આ આરોપો નકારી કાઢ્યા છે. યુનાઇટેડ નેશન્સ વર્કિંગ ગ્રૂપ ઑન આર્બિટ્રરી ડિટેન્શને બંનેને મુક્ત કરવા માગણી કરી છે.
જાબરી કહે છે, "તેમણે મારી હત્યાની યોજના ઘડી હતી." "મને એ વાતમાં જરાય શંકા નથી કે જ્યાં સુધી તેઓ મને મરેલો નહીં જુએ ત્યાં સુધી ચેનથી નહીં રહે."
સાઉદી અધિકારીઓએ કૅનેડામાંથી જાબરીના પ્રત્યાર્પણ માટે ઇન્ટરપોલ નોટિસો જારી કરી છે પણ સફળતા નથી મળી. તેમનો દાવો છે કે જાબરી આંતરિક બાબતોના મંત્રાલયમાં હતા ત્યારે અબજો ડૉલરના ભ્રષ્ટાચાર માટે વૉન્ટેડ છે. જો કે, સીઆઈએ અને MI6 દ્વારા તેમને અલ-કાયદાના આતંકવાદી હુમલાઓને રોકવામાં મદદ કરવા બદલ મેજર-જનરલનો હોદ્દો આપવામાં આવ્યો હતો.
ખાશોગ્જીની હત્યાનો મામલો

ઇમેજ સ્રોત, Reuters
વર્ષ 2018માં ઇસ્તંબુલ ખાતે સાઉદી દૂતાવાસમાં જમાલ ખાશોગ્જીની હત્યા થઈ તેમાં એમબીએસની સામેલગીરી નકારવી મુશ્કેલ છે. 15 હત્યારાઓની એક સ્ક્વૉડ ડિપ્લોમેટિક પાસપોર્ટ પર મુસાફરી કરી રહી હતી અને તેમાં એમબીએસના પોતાના અંગરક્ષકોનો સમાવેશ થતો હતો. ખાશોગ્જીનો મૃતદેહ ક્યારેય મળ્યો નહીં અને એવું માનવામાં આવે છે કે તેમના મૃતદેહના આરી વડે ટુકડા કરી નાખવામાં આવ્યા હતા.
પ્રોફેસર હેકલે હત્યાના થોડા સમય બાદ એમબીએસ સાથે વૉટ્સએપ મેસેજની આપલે કરી હતી. હેકેલ કહે છે, "હું પૂછતો હતો, 'આવું કેવી રીતે થઈ શકે?'"
"મને લાગે છે કે તેઓ ઘેરા આઘાતમાં હતા. તેને ખ્યાલ નહોતો કે આની પ્રતિક્રિયા આટલી ભારે હશે.”
થોડા સમય પછી ડેનિસ રૉસ એમબીએસને મળ્યા. રૉસ કહે છે, "તેમણે કહ્યું કે આ કામ તેમનું નથી અને આ એક ભયંકર ભૂલ હતી." "હું ચોક્કસપણે તેમના પર વિશ્વાસ કરવા માંગતો હતો, કારણ કે તેઓ આ પ્રકારના કામનો આદેશ આપે તે મને માનવામાં આવતું ન હતું."
એમબીએસે આ કાવતરાની જાણકારી હોવાનો હંમેશાં ઇનકાર કર્યો છે. જોકે, 2019માં તેમણે કહ્યું હતું કે તેમણે "જવાબદારી" લીધી કારણ કે ગુનો તેની દેખરેખ હેઠળ થયો હતો. ફેબ્રુઆરી 2021 માં બહાર પાડવામાં આવેલા એક ડિક્લાસિફાઇડ યુએસ ઇન્ટેલિજન્સ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ ખાશોગ્જીની હત્યામાં સામેલ હતા.
એમબીએસને જેઓ અંગત રીતે જાણે છે તેમને મેં પૂછ્યું કે શું તેઓ તેમની ભૂલોમાંથી શીખ્યા છે; કે પછી અથવા ખાશોગ્જીના પ્રકરણમાં બચી જવાના કારણે તેમની હિંમત વધી ગઈ છે.
પ્રોફેસર હેકેલ કહે છે, "તેઓ પાઠ શીખ્યા છે," એમબીએસને એ વાતની નારાજગી છે કે આ કેસનો ઉપયોગ તેમની વિરુદ્ધ અને તેમના દેશ વિરુદ્ધ થઈ રહ્યો છે. પરંતુ ખાશોગ્જી જેવી હત્યા ફરીથી નહીં થાય.
સર જૉન સોયર્સ એ બાબતે સહમત છે કે આ હત્યા એક ટર્નિંગ પૉઇન્ટ છે. "મને લાગે છે કે તેમણે કેટલાક પાઠ શીખ્યા છે. પરંતુ વ્યક્તિત્વમાં કોઈ ફરક નથી પડ્યો."
તેમના પિતા કિંગ સલમાન હવે 88 વર્ષના છે. તેમના અવસાન પછી એમબીએસ આગામી 50 વર્ષ સુધી સાઉદી અરેબિયા પર રાજ કરી શકશે.
જો કે, તેણે તાજેતરમાં તેમણે સ્વીકાર્યું છે કે સાઉદી-ઇઝરાયેલ સંબંધોને સામાન્ય બનાવવાના તેમના પ્રયાસોના પરિણામે તેમની કદાચ હત્યા કરવામાં આવી શકે છે.
પ્રોફેસર હેકેલ કહે છે, "મને લાગે છે કે ઘણા બધા લોકો તેમને મારવા માંગે છે અને તેઓ તે જાણે છે."
એમબીએસ જેવી વ્યક્તિ હંમેશા સાવચેત રહીને સુરક્ષિત રહે છે. પ્રિન્સની સત્તાનો ઉદય થયો ત્યારે સાદ અલ-જાબરીએ તે જોયું હતું જ્યારે તેમણે પોતાના મહેલમાં તેમની સાથે વાત કરતા પહેલાં ટેલિફોનના સૉકેટને દીવાલમાંથી બહાર કાઢી લીધો હતો.
એમબીએસ હજુ પણ પોતાના દેશને આધુનિક બનાવવાના મિશન પર છે, જેના માટે તેમના પુરોગામીઓએ ક્યારેય હિંમત કરી ન હોત. પરંતુ તેઓ એવા આપખુદ શાસક પણ બની શકે છે તેઓ એટલા નિર્દયી હોય કે તેમની આસપાસના લોકો પણ તેમને ભયંકર ભૂલો કરતા અટકાવવાની હિંમત નહીં કરે.
જોનાથન રુગમેન 'ધ કિંગડમ: ધ વર્લ્ડઝ મોસ્ટ પાવરફુલ પ્રિન્સ'ના કન્સલ્ટન્ટ પ્રોડ્યુસર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












