એ દેશ જેણે નવા શહેર માટે જમીન ખાલી કરાવવા પોતાના જ નાગરિકોને ‘મારી નાખવાના આદેશ’ આપ્યા

ઇમેજ સ્રોત, SHUTTERSTOCK
- લેેખક, મર્લિન થૉમસ અને લારા અલ-ગિબાલી
- પદ, બીબીસી વેરિફાઈ અને બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન
સાઉદી અરેબિયાના સત્તાધિશોએ રણમાં બની રહેલા નિયોમ શહેર માટે જમીન ખાલી કરાવવા માટે સુરક્ષા દળોને વિરોધ કરનારા સામે બળપ્રયોગ કરવાનો હુકમ આપ્યો છે.
આ વાત સાઉદી અરેબિયાના એક પૂર્વ ગુપ્તચર અધિકારીએ બીબીસીને કહી છે.
'નિયોમ' નામની આ વિશાળ પરિયોજનાને પશ્ચિમી દેશોની ડઝનબંધ કંપનીઓ મળીને બનાવી રહી છે.
સાઉદીના પૂર્વ ગુપ્તચર અધિકારી કર્નલ રાબિહ અલ-એનેઝેઈએ કહ્યું કે તેમને ગલ્ફના એક રાજ્યમાં આવેલા એક કબીલાના ગામના લોકોને જબરજસ્તી બહાર કાઢવાનો આદેશ મળ્યો હતો.
આ ગામ, નિયોમ ઇકૉ-પ્રોજેક્ટના એક ભાગ 'ધ લાઇન'ના રસ્તામાં પડતું હતું.
આ પ્રોજેક્ટનો વિરોધ કરનારા પૈકીના એકને ગોળી મારીને ઠાર મારવામાં આવ્યો.
જોકે, આ મામલે સાઉદી સરકારે કે નિયોમ મૅનેજમૅન્ટે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો.
સાઉદી અરેબિયા તેની વિઝન 2030 પૉલિસી અંતર્ગત ઑઇલ ઇકૉનૉમીમાંથી બહાર આવવાના ભાગરૂપે 500 બિલિયન ડૉલર્સના ખર્ચે ઇકૉ-રિજિયન બનાવવા માગે છે અને 'નિઓમ' આ પ્રોજેક્ટનો એક ભાગ છે. જેનો વિકાસ તે પોતાની અર્થવ્યવસ્થાની ઑઇલ પરની નિર્ભરતા ઓછી કરવા માટે કરે છે. 'નિયોમ' ઇકૉ-રિજિયનની સૌથી મોટી પરિયોજના ‘ધ લાઇન’ છે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ‘ધ લાઇમ’ એ કાર-ફ્રી શહેર તરીકે ઓળખાશે. જેની લંબાઈ 170 કિલોમીટર અને પહોળાઈ 200 મીટર અને ઊંચાઈ 500 મીટર હશે. તે પૈકી 2.4 કિલોમીટરનો લાંબો આ પ્રોજેક્ટનો ભાગ 2030માં પૂર્ણ થવાની આશા છે.

નિયોમ પ્રોજેક્ટના બાંધકામ પાછળ વિશ્વની ડઝનબંધી કંપનીઓ સામેલ છે તે પૈકીની કેટલીક બ્રિટિશ કંપનીઓ પણ છે.
નિયોમ પ્રોજેક્ટના વિસ્તારમાં થઈ રહેલા બાંધકામને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ‘બ્લૅક કેનવાસ’ તરીકે ઓળખાવ્યું હતું. પરંતુ સરકારી આંકડા પ્રમાણે તેને કારણે 6 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. જોકે, યુકેની માનવાધિકાર સાથે સંકળાયેલી સંસ્થા ALQST આ આંકડો હજુ વધારે હોવાનું અનુમાન લગાવે છે.
બીબીસીએ આ પ્રોજેક્ટ હેઠળ ધ્વસ્ત કરાયેલાં ત્રણ ગામો- અલ-ખુરેબાહ, શરમા અને ગયાલની સેટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કર્યું. ગામ ખાલી કરાવવાના નામે નકશામાંથી ઘરો, શાળાઓ અને હૉસ્પિટલોનું નામોનિશાન મિટાવી દેવાયું છે.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પૂર્વ સાઉદી ગુપ્તચર અધિકારી કર્નલ અલ-એનેઝેઈ કે જેઓ ગત વર્ષે ભાગીને યુકે આવી ગયા હતા, તેમણે કહ્યું કે તેમને જે ગામોમાંથી લોકોને ભગાવવાનો હુકમ મળ્યો હતો તે ગામ અલ-ખુરેબાહ હતું. જે ‘ધ લાઇન’ પ્રોજેક્ટથી 4.5 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામમાં મહદંશે હૂવૈતાત કબીલાના લોકો વસવાટ કરતા હતા, જેઓ દેશના નોર્થ-વેસ્ટ વિસ્તાર તાબૂકમાંથી સદીઓ પહેલાં અહીં આવીને વસ્યા હતા.
તેમણે કહ્યું કે એપ્રિલ 2020ના આ હુકમમાં કહેવાયું હતું કે હૂવૈતાત ઘણા “વિદ્રોહીઓનું બનેલું જૂથ” છે. તેઓ પૈકી “જે જમીન સંપાદનનો વિરોધ કરે તેમને મારી નાખવા જોઈએ. એટલે કે આ ફરમાનમાં એ તમામ લોકો પર બળપ્રયોગ કરવાની પરવાનગી મળી ગઈ હતી જેઓ પોતાનું ઘર છોડવા તૈયાર નહોતા.”
કર્નલ એનેઝેઈએ બીબીસીને જણાવ્યું કે તેમણે ખરાબ તબિયતનું બહાનું કાઢીને ખુદને આ મિશનથી અલગ કર્યા. જોકે છતાં આ મિશનને આગળ ધપાવવામાં આવ્યું.
એક દિવસ બાદ સાઉદી અરેબિયાનાં સુરક્ષાદળો દ્વારા ગામ ખાલી કરવા દરમિયાન અબ્દુલ રહિમ અલ-હૂવૈતીને ગોળી મારી ઠાર મારવામાં આવ્યા. આ પહેલાં અલ હૂવૈતીએ તેની જમીનને ખાલી કરવાનો વિરોધ કર્યો હતો. ઉપરાંત તેણે જમીન હસ્તાંતરણના વિરોધમાં સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો પણ પોસ્ટ કર્યા હતા.
જોકે, તે વખતે સાઉદી સત્તાધીશોએ અલ-હૂવૈતી પર આરોપ લગાવતા એક નિવેદન બહાર પાડ્યું હતું કે તેણે સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો અને તેથી તેમના પર જવાબી કાર્યવાહી કરવા માટે મજબૂર થવું પડ્યું.
બીજી તરફ માનવાધિકાર સંસ્થાઓ અને યુએને કહ્યું કે તેમને માત્ર જમીન સંપાદનની પ્રક્રિયાનો વિરોધ કરવા બદલ જ મારી નાખવામાં આવ્યા.
બીબીસી સ્વતંત્રરીતે કર્નલ અલ-એનેઝેઈના ઘાતકી પ્રયોગ અંગેના આરોપોની તપાસ કરી શક્યું નથી.
પરંતુ સાઉદી ગુપ્તચર સંસ્થા સાથે કામ કરતા એક સૂત્રએ કર્નલના નિવેદનને સમર્થન આપ્યું કે કઈ રીતે જમીન સંપાદન અંગેનો ઑર્ડર આપવામાં આવ્યો હતો અને કયા શબ્દોમાં તેને કહેવાયો હતો. આ સૂત્રે એમ પણ કહ્યું કે કર્નલની વરિષ્ઠતા આ પ્રકારના મિશનને નેતૃત્વ પૂરું પાડવા માટે યોગ્ય હતી.
યુએન અને ALQSTના જણાવ્યા પ્રમાણે જમીન સંપાદનની પ્રક્રિયાનો વિરોધ કરી રહેલા 47 અન્ય ગામવાસીઓની પણ અટકાયત કરવામાં આવી. તે પૈકીના ઘણા સામે ચરમપંથના ગુના હેઠળ કેસો ચલાવ્યા.
તેમના જણાવ્યા પ્રમાણે અલ-હૂવૈતીના મૃત્યુ સામે જાહેરમાં કે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપતા લોકોની પણ ધરપકડ કરવામાં આવી.
સાઉદી સત્તાધીશોનું કહેવું હતું કે 'ધ લાઇન' પ્રોજેક્ટ હેઠળ જમીન સોંપનારાઓને વળતર આપવામાં આવ્યું છે. પરંતુ ALQSTના જણાવ્યા પ્રમાણે જે પ્રમાણે વળતર આપવાનું વચન આપવામાં આવ્યું હતું તેના પ્રમાણમાં બહુ ઓછી કિંમતની ચૂકવણી કરવામાં આવી હતી.
કર્નલ અલ-એનેઝાઈના કહેવા પ્રમાણે, “નિઓમ પ્રોજેક્ટ એ મોહમ્મદ બિન સલમાનનું સપનું છે. તેથી તેઓ વિરોધ કરતા હૂવૈતાત લોકો સામે ક્રૂરતાથી કામ પાર પાડે છે.”

કર્નલ અલ-એનેઝાઈ હવે સુરક્ષાનાં કારણોસર યુકેમાં રહે છે.
નિઓમ અંતર્ગત સ્કીનો પ્રોજેક્ટ સંભાળતા પૂર્વ અધિકારી ઍન્ડી વર્થે બીબીસીને જણાવ્યું કે 2020માં જ્યારે તેઓ તેમના મિશન પર જવા માટે તેમના વતન અમેરિકાથી રવાના થવાના હતા તેના થોડા સપ્તાહ પહેલાં તેમણે અબ્દુલ રહિમ અલ-હૂવૈતીની હત્યા વિશે સાંભળ્યું હતું.
ઍન્ડી વિર્થે કહ્યું કે તેમણે તેમના સાથી કર્મચારીઓને જમીન સંપાદન વિશે પૂછ્યું, પરંતુ તેમને કોઈ સંતોષકારક જવાબ નહોતા મળ્યા.
તેઓ વધુમાં કહે છે,“કંઇક ભયાનક જુલ્મો થયાની ગંધ આવી રહી હતી જે આ લોકો પર ગુજારવામાં આવ્યા હતા. તમે આગળ વધવા માટે તમારા જૂતાની એડીથી તેમનું ગળું નહીં દબાવી શકો.”
તેમણે આ પ્રોજેક્ટ શરૂ કર્યાના એકાદ વર્ષમાં જ તેને છોડી દીધો કારણકે તેમનો મૅનેજમૅન્ટ પ્રત્યે મોહભંગ થઈ ગયો હતો.
એક બ્રિટિશ ડિસેલિનેશન કંપનીના વરિષ્ઠ અધિકારી પણ આ પ્રોજેકટના પ્રખર ટીકાકાર છે કે જેમણે 2022માં ‘ધ લાઇન’ના 100 મિલિયન ડૉલર પ્રોજેક્ટમાંથી પોતાના હાથ પરત ખેંચી લીધા હતા.
મૅલ્કોમ ઑ સોલાર વૉટર પીએલસી કંપનીના સીઈઓ હતા, તેમણે જણાવ્યું, “કદાચ હાઈટૅક લોકો માટે આ પરિયોજના સારી હોય શકે છે પણ બીજાનું શું?”
તેઓ જણાવે છે કે સ્થાનિક વિસ્તારને લઈને અહીંના લોકોની સમજ સારી છે, તેને જોતાં તેમને પણ કિંમતી સંસાધન ગણવા જોઈએ.
મૅલ્કોમે કહ્યું, “તેમને હઠાવવાને બદલે તેમની સલાહ લેવાની જરૂર છે. નિર્માણ કરવું જોઈએ અને જરૂર પડે તો નવેસરથી કરવું જોઈએ, જેથી તમે તેના નિર્માણ કરવામાં સુધારો લાવી શકો.”
જેઓ વિસ્થાપિત થયા છે તે ગ્રામજનો આ વિશે બોલવા તૈયાર નથી. તેમને ભય છે કે કોઈ વિદેશી મીડિયા સામે બોલવાથી, વિરોધ કરનારા તેમના અન્ય સંબંધીઓની માફક તેમના પર જોખમ વધી શકે છે.
પરંતુ અમે સાઉદી વિઝન 2030 સ્કીમ અંતર્ગત વિસ્થાપિત કરાયેલા અન્ય લોકો સાથે વાતચીત કરી. વેસ્ટર્ન સાઉદી અરેબિયન સિટીમાં જિદ્દાહ સૅન્ટ્રલ પ્રોજેક્ટ અંતર્ગત દસ લાખ લોકો વિસ્થાપિત થયા છે. જે અંતર્ગત ઑપરા હાઉસ, સ્પોર્ટિંગ ડિસ્ટ્રિક્ટ અને રિટેઇલ તથા રેસિડન્સિયલ યુનિટ્સ ઊભાં કરવામાં આવ્યાં.
નાદિર હિજાઝી(બદલેલું નામ) ડિમોલિશન થયું તેવા 63 જેટલા અડોશપડોશના વિસ્તારો પૈકી એક અઝિઝિયાહમાં ઉછર્યા. તેમના પૈતૃક ઘરને 2021માં તોડી પાડવામાં આવ્યું. તેને માટે ઘર ખાલી કરવા તેમને માત્ર એક મહિના પહેલાં જ ચેતવણી આપવામાં આવી હતી.
હિજાઝીએ જણાવ્યું કે જે વિધ્વંસની તસવીરો તેમણે જોઈ તે આઘાતજનક હતી. તેઓ જણાવે છે કે તેમણે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કરવામાં આવતી કાર્યવાહી કરી.
“તેઓ લોકો પર, અમારી ઓળખ સામે યુદ્ધ છેડતા હતા.”
સાઉદી અરેબિયાના એક સામાજિક કર્મશીલે બીબીસીને જણાવ્યું કે જિદ્દાહમાં થયેલા ડિમોલિશન મામલે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. એક જેમણે વ્યક્તિગત જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો અને બીજા એ જેમણે ડિમોલિશનના વિરોધમાં સોશિયલ મીડિયા પર પોસ્ટર્સ પોસ્ટ કર્યા હતા.
જિદ્દાહની ધાહબાન સૅન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા એક વ્યક્તિના સંબંધીએ કહ્યું કે 15 લોકોને ત્યાં રાખવામાં આવ્યા હોવાનું તેણે સાંભળ્યું હતું. તેમને ત્યાં એટલા માટે રાખવામાં આવ્યા હતા કારણકે તેઓ તેમના અડોશપડોશનાં મકાનોનાં ડિમોલિશન બાદ તેમનાં પૈતૃક મકાનોને અલવિદા કરવા માટે ભેગા થયા હતા. સાઉદીની જેલમાં બંધ લોકોનો સંપર્ક કરવો અતિમુશ્કેલ હોવાને કારણે અમે આ દાવાની ચોક્સાઈ કરી શકતા નથી.
ALQST દ્વારા જિદ્દાહની આસપાસનાં મહોલ્લાઓમાંથી વિસ્થાપિત થયેલા 35 લોકોનો સર્વે કરવામાં આવ્યો. તે પૈકીના એક પણ જણે એમ ન કહ્યું કે તેને કોઈ વળતર પ્રાપ્ત થયું છે. ન તેમને કાયદા પ્રમાણે તેમના ઘરના ડિમોલિશન પહેલાં સમયસર હઠી જવાની ચેતવણી મળી. અડધાથી વધુ લોકોએ કહ્યું કે તેમને તેમના ઘરમાંથી બળજબરી કરીને કાઢવામાં આવ્યા હતા અને ન નીકળે તો તેમની ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી હતી.

કર્નલ અલ-એનેઝેઈ ભલે હાલ યુકેમાં હોય, પરંતુ તેમને તેમની સુરક્ષા અંગેનો ભય સતાવે છે.
તેમણે જણાવ્યું કે ગુપ્તચર વિભાગના એક અધિકારીએ જો તેઓ લંડનમાં સાઉદીના દૂતાવાસમાં સાઉદીના ગૃહ મંત્રી સાથે મુલાકાત કરે તો તેમને પાંચ મિલિયન ડૉલર આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
જોકે, તેમણે એ પ્રસ્તાવનો ફગાવી દીધો હતો.
અમે સાઉદી સરકાર સમક્ષ આ આરોપો અંગે જવાબ માગ્યો, પરંતુ અમને કોઈ પ્રતિક્રિયા નહીં મળી.
સાઉદી અરેબિયાની બહાર રહેતા સરકારના આલોચકો પર હુમલાનાં ઉદાહરણો પણ મોજૂદ છે.
તે પૈકીનો સૌથી મહત્ત્વનો કેસ જમાલ ખાશોગીનો છે. યુએસમાં રહેતા પત્રકાર જમાલ ખાશોગીની સાઉદીના એજન્ટો દ્વારા ઇસ્તંબૂલના દૂતાવાસમાં વર્ષ 2018માં હત્યા કરી નાખવામાં આવી.
અમેરિકાની ગુપ્તચર એજન્સીના રિપોર્ટમાં આ ઑપરેશનને મોહમ્મદ બિન સલમાન દ્વારા મંજૂર કરવામાં આવ્યું હોવાનો નિષ્કર્ષ છે.
જોકે ક્રાઉન પ્રિન્સે આ મામલે તેમની કોઈ ભૂમિકા હોવાનો ઇન્કાર કર્યો હતો.
આમ છતાં કર્નલ અલ-એનેઝેઈને સાઉદીના ભવિષ્યના શાનદાર શહેરને બનાવવા મામલે થયેલા ઑર્ડરને ન માનવાનો કોઈ અફસોસ નથી.
“મોહમ્મદ બિન સલમાન નિઓમ પ્રોજેક્ટ સામે કોઈ અવરોધ સહન નહીં કરે. મને તો આ બાબતની ચિંતા હતી કે મને, મારા લોકો પર કોણ જાણે કયા પ્રકારનાં પગલાં ઉઠાવવાનો આદેશ આપવામાં આવે તો મારે શું કરવું પડ્યું હોત?”
(એરવાન રિવૉલના રિપોર્ટની સાથે)








