રહીમને મોતની સજાથી બચાવવા હિન્દુ અને મુસલમાનો એક થયા, કેવી રીતે 40 જ દિવસમાં ભેગા કર્યા 34 કરોડ?

ઇમેજ સ્રોત, INDIA TODAY
ગત દિવસોમાં 'ધ કેરલા સ્ટોરી' નામની ફિલ્મને દૂરદર્શન પર દેખાડવા પર વિવાદ થયો હતો. કેટલાક લોકોનું કહેવું છે આનાથી સાંપ્રદાયિક તણાવ ભડકી શકે છે.
પરંતુ આ વિવાદ દરમિયાન કેરળના સોશિયલ મીડિયામાં પર 'ધ કેરલા સ્ટોરી' શીર્ષક સાથે કેટલાક અહેવાલો જોવા મળ્યા.
એકમાં કેરળની ધર્મનિરપેક્ષ સંસ્કૃતિની ઝલક મળે છે, તો બીજામાં તેને માનવતાનું મોટું ઉદાહરણ કહેવાઈ રહ્યું છે.
પહેલાં કૉંગ્રેસ નેતા શશિ થરૂરની એક સોશિયલ મીડિયા પોસ્ટથી ચર્ચા શરૂ થઈ, તો બીજી તરફ સાઉદી અરેબિયામાં મોતની સજા પામેલા એક શખ્સને બચાવવા માટે 34 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા.

'ધ કેરલા સ્ટોરી'નો વિવાદ શું છે?
સુદિપ્તો સેન નિર્દેશિત ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' રિલીઝ થતા ચર્ચામાં આવી હતી. ગત પાંચ એપ્રિલે તેને ફરી વાર દૂરદર્શન પર દેખાડાઈ હતી.
ફિલ્મની કહાણી કેરળની ચાર છોકરીઓની છે અને ધર્માંતરણ પર આધારિત છે, જેના કારણે અનેક લોકોએ તેને ફરી રિલીઝ કરવા પર વિરોધ કર્યો હતો.
પરંતુ આખરે ફિલ્મ સિનેમાઘરોમાં પહોંચી ગઈ. જોકે હજુ પણ તેને લઈને વિવાદ પૂરો થયો નથી.
જ્યારે ફિલ્મને દૂરદર્શન પર દેખાડવાનો નિર્ણય લેવાયો ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર તેનો વિરોધ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે "નેશનલ ટેલીવિઝને આ ફિલ્મ દેખાડીને પ્રોપેગૅન્ડાનો હાથ ન બનવું જોઈએ, કેમ કે ચૂંટણી અગાઉ આ સાંપ્રદાયિક તણાવનું કારણ બની શકે છે."

'ધ રિયલ કેરલા સ્ટોરી'
ફિલ્મને લઈને ચાલતા વિવાદ વચ્ચે ગત દિવસોમાં 'ધ કેરલા સ્ટોરી' શીર્ષકથી મીડિયામાં બે રીતના અહેવાલો આવી રહ્યા હતા.
પ્રથમ મામલો શશિ થરૂરના ટ્વીટ સાથે જોડાયેલો છે.
તેમણે કેરળના 400 વર્ષ જૂના દુર્ગા મંદિરની તસવીર મૂકીને લખ્યું, "આ રિયલ કેરલા સ્ટોરીનું વધુ એક ઉદાહરણ છે, જેમાં હિન્દુઓ અને મુસલમાનોએ મળીને 400 વર્ષ જૂના દુર્ગા મંદિરનું નવનિર્માણ અને સૌંદર્યીકરણ કર્યું."
તેમના આ ટ્વીટને એક લાખથી વધુ વાર જોવાયું હતું.

અબ્દુલ રહીમની મદદ માટે અભિયાનનાં વખાણ

ઇમેજ સ્રોત, RAMESH PATHANIA/MINT VIA GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સોશિયલ મીડિયા પર 'ધ રિયલ કેરલા સ્ટોરી' નામથી અનેક ચીજો મુકાઈ રહી છે. પરંતુ ગત શનિવારે એક એવા સમાચાર આવ્યા, જેને ઘણા લોકો 'ધ રિયલ કેરલા સ્ટોરી' કહી રહ્યા છે.
આ કહાણી દુનિયામાં ફેલાયેલા કેરળના લોકોના આંતરિક સહયોગની છે, જેમાં તેમણે અબ્દુલ રહીમ નામના એક શખ્સનો જીવ બચાવવા માટે માત્ર 40 દિવસમાં 34 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.
મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને અબ્દુલ રહીમને બચાવવાના અભિયાનનાં વખાણ કર્યાં હતાં.
તેમણે ફેસબુક પર લખ્યું, "માનવતાની કહાણીઓના માધ્યમથી કેરળના લોકો પોતાની ઓળખ વધારી રહ્યા છે, જ્યારે નફરત ફેલાવનારા ખોટી કહાણીઓ ફેલાવી રહ્યા છે. દુનિયામાં ફેલાયેલા કેરળના લોકો સાઉદી અરેબિયામાં મોતની સજાનો સામનો કરી રહેલા કોઝીકોડના નિવાસી અબ્દુલ રહીમની મુક્તિ માટે 34 કરોડ રૂપિયા જમા કરાવવા માટે એક થયા."
"એક માણસનો જીવ બચાવવા માટે અને એક પરિવારનાં આંસુ લૂછવા માટે કેરળે પ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ એ વાતની નિશાની છે કે કેરળ ભાઈચારાનો ગઢ છે, જેને સાંપ્રદાયિકતા ધ્વસ્ત ન કરી શકે. આ કેરળની અસલી કહાણી છે."
તો કેરળ કૉંગ્રેસે અબ્દુલ રહીમની કહાણી અંગે ઍક્સ પર પોસ્ટ કરીને તેને 'ધ રિયલ કેરલા સ્ટોરી' ગણાવી છે.
પાર્ટીએ લખ્યું, "કેરળની અસલી તસવીર! સતત નફરતના અભિયાનનો સામનો કર્યા છતાં કેરળમાં મલયાલિયોની અદમ્ય દૃઢતા અને સહાનુભૂતિ સૌથી ઉપર છે."
"રિયાધમાં 18 વર્ષથી કેદ અને મોતની સજાનો સામનો કરી રહેલા અબ્દુલ રહીમની મુક્તિ માટે અંદાજે 34 કરોડ રૂપિયા જમા કરાયા. હજારો લોકો એ માતાની મદદ માટે એક થયા, જેઓ પોતાના પુત્રની જિંદગી બચાવવા માટે પૈસા જમા કરાવવાના પ્રયાસમાં લાગેલાં હતાં. એ બધા લોકોનો આભાર, જેમણે આ માનવીય પ્રયાસમાં મદદ કરી."

અબ્દુલ રહીમની કહાણી

ઇમેજ સ્રોત, @PINARAYIVIJAYAN/X
કોલકાતાના અંગ્રેજી અખબાર 'ધ ટેલિગ્રાફ' અનુસાર, કોઝીકોડના 41 વર્ષીય અબ્દુલ રહીમ અગાઉ ઑટો રિક્ષા ચલાવતા હતા. 'ઇન્ડિયા ટુડે'ની વેબસાઇટ અનુસાર, તેઓ 2006માં હાઉસ ડ્રાઇવિંગ વિઝા પર રિયાધ પહોંચ્યા હતા. ત્યાં ડ્રાઇવિંગ સહિત તેમને એક વિકલાંગ બાળકની સારસંભાળનું કામ મળ્યું.
એક દિવસ એક દુર્ઘટનામાં એ બાળકનું મોત થઈ ગયું. આ કારણે 2012માં તેમને સાઉદી કોર્ટે મોતની સજા સંભળાવી હતી. ગત 18 વર્ષથી તેઓ જેલમાં છે.
આ દરમિયાન કેરળના મલયાલી સમુદાયે તેમના માટે કાયદાકીય મદદ શરૂ કરી અને તેમના પરિવારજનોને 'બ્લડ મની' પર રાજી કર્યા.
અગાઉ અબ્દુલ રહીમની મોતની સજાની સામે અપીલ પણ કરાઈ હતી. પરંતુ ટ્રાયલ કોર્ટે (2017 અને 2022)માં તેમને અપાયેલી ફાંસીની સજા યથાવત્ રાખી હતી.
'ધ ટેલિગ્રાફ'ના રિપોર્ટ અનુસાર, સાઉદી અરેબિયામાં રહેતા કેરળના વેપારી અશરફ વેંકટે શુક્રવારે તેમને જણાવ્યું કે અનેક વર્ષોથી માફી આપવાના ઇનકાર બાદ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળકનો પરિવાર 2023માં 15 મિલિયન રિયાલની બ્લડ મનીના બદલે અબ્દુલ રહીમનો જીવ બક્ષવા તૈયાર થયો.
અશરફ કહે છે, "બ્લડ મનીના બદલે માફી આપવા માટે 16 ઑક્ટોબર, 2023માં પરિવારે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ લિખિત વાયદા હેઠળ છ મહિના માટે ફાંસીનો આદેશ સ્થગિત કરી દેવાયો."
'ધ હિન્દુસ્તાન ટાઇમ્સ' અનુસાર, આની પહેલ અબ્દુલ રહીમની મુક્તિ માટે 2021માં બનેલી અબ્દુલ રહીમ કાનૂની ઍક્શન કમિટીએ કરી.
અબ્દુલ રહીમને બચાવવાનું અભિયાન કેવી રીતે શરૂ થયું?
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સંબંધિત 'કેરળ મુસ્લિમ કલ્ચરલ સેન્ટર'ના સાઉદી યુનિટના જનરલ સેક્રેટરી અશરફ વેંકટ તાજેતરમાં કેરળમાં ભાજપ સમેત બધા રાજકીય પક્ષોની મદદથી ફંડનું અભિયાન આગળ વધારવા માટે કોઝીકોડ પહોંચ્યા હતા.
વેંકટ કહે છે, "રહીમનો જીવ બચાવવા માટે બનાવેલી કમિટીમાં હિન્દુ, મુસલમાન અને ભાજપ સમેત બધા રાજકીય પક્ષોના સભ્યો સામેલ છે."
ગત શુક્રવારે તેમણે કહ્યું હતું, "અમે તેમની મુક્તિ માટે જરૂરી 34 કરોડ રૂપિયાના લક્ષ્ય સુધી પહોંચી ગયા છીએ. મહેરબાની કરીને હવે વધુ પૈસા ન મોકલો. અમારી પાસે 34.45 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા છે. જરૂર કરતાં આવેલા વધુ રકમનું ઑડિટ કરાશે અને સારા હેતુ માટે તેનો ઉપયોગ કરાશે."
તેમણે કહ્યું કે ટ્રસ્ટ હવે રિયાધમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરીને કરારને આગળ વધારવાનું અને અબ્દુલ રહીમની મુક્તિ સુનિશ્ચિત કરવાનું કામ કરશે.
વેંકટ કહે છે, "રકમ જમા કરવાની 15 એપ્રિલની અંતિમ તારીખથી કેટલાક દિવસ અગાઉ અબ્દુલ રહીમને માફ કરવા માટે અસરગ્રસ્ત પરિવારને 'બ્લડ મની'ના રૂપમાં રકમ અપાશે."
અબ્દુલ રહીમને પોતાના સ્પૉન્સરના 15 વરસના વિકલાંગ પુત્રના મોત માટે જવાબદાર ઠેરવીને ગુનેગાર ઠેરવ્યા હતા.
અબ્દુલ રહીમનું કામ છોકરાની સારસંભાળ કરવાનું અને તેને ગાડીથી લાવવાનું-લઈ જવાનું હતું. પરંતુ રહીમે ભૂલથી છોકરાની ગરદન પર લાગેલી એ મેડિકલ ડિવાઇસને નીચે પાડી દીધી, જેનાથી તેને શ્વાસ લેવામાં મદદ મળતી હતી. તેના કારણે તેનું મોત થઈ ગયું.
અબ્દુલ રહીમનાં માતાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
અબ્દુલ રહીમનો જીવ બચાવવા માટે સાઉદીમાં કેરળના લોકોના સંગઠને મહત્ત્વની ભૂમિકા નિભાવી, તો સુરેશ નામની વ્યક્તિએ પણ ઘણી મદદ કરી.
સુરેશ કાયદાકીય સહાયતા કમિટીના અધ્યક્ષ છે. તેમણે 3 માર્ચે કોઝીકોડમાં 'સેવ અબ્દુલ રહીમ' મોબાઇલ ઍપ લૉન્ચ કરી હતી.
34 કરોડ રૂપિયા જમા કરાવવાના અભિયાનમાં જ્યારે વેપારીઓ અને બ્લૉગર્સ પણ પ્રચારપ્રસારમાં સામેલ થયા ત્યારે ગતિ આવી હતી.
'ધ ટેલિગ્રાફ' અનુસાર, અબ્દુલ રહીમનાં માતા પથુમ્માએ કહ્યું કે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે તેમની પાસે શબ્દો નથી.
તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, "અહીંના લોકોની મદદથી આટલી મોટી રકમ જમા થઈ શકી. હું બધાનો આભાર માનું છું."
આ અંગે અશરફ વેંકટે કહ્યું કે રિયાધમાં ભારતીય દૂતાવાસને રકમ મોકલવાનું કામ શરૂ થઈ ગયું છે. રકમ એક વક્ફ અને કોર્ટના નિરીક્ષણ હેઠલ બૅન્ક ખાતામાં મોકલી દેવાશે.
વેંકટે કહ્યું કે રકમ ટ્રાન્સફર કર્યા બાદ અમે અબ્દુલ રહીમની મુક્તિની આશા રાખી શકીએ છીએ, જોકે અમે એ નથી જાણતા કે આમાં કેટલો સમય લાગશે.














