સાઉદી અરેબિયામાં 70 વર્ષ બાદ દારૂની પ્રથમ દુકાન ખૂલશે, કારણ શું?

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદી અરેબિયાએ કહ્યું કે તે રિયાધમાં બિનમુસ્લિમ પ્રવાસીઓના ચોક્કસ સમૂહને દારૂ વેચવા માટે એક દુકાન ખોલશે.
70 વર્ષમાં પહેલી વાર સાઉદી અરેબિયામાં દારૂ વેચાશે. રિયાધમાં આ દારૂની દુકાનના ગ્રાહક સીમિત રાજદ્વારી સ્ટાફ હશે.
આ રાજદ્વારી સ્ટાફ વર્ષોથી સીલબંધ સત્તાવાર પૅકેજ આયાત કરતા હતા, જેને ‘ડિપ્લોમૅટિક પાઉચ’ કહેવાય છે.
સાઉદીના અધિકારીઓનું કહેવું છે કે આ દુકાન દારૂનો ગેરકાયદે વેપાર રોકશે. સાઉદી અરેબિયામાં દારૂ પર પ્રતિબંધ 1952થી છે. એ સમયે કિંગ અબ્દુલ અઝીઝના પુત્રે દારૂના નશામાં એક બ્રિટિશ રાજદ્વારીની હત્યા કરી દીધી હતી.
સમાચાર એજન્સી એએફપી અને રૉયટર્સે જે દસ્તાવેજો જોયા છે, એ અનુસાર દારૂની આ નવી દુકાન રિયાધના રાજદ્વારી ક્વાર્ટરમાં હશે.
દારૂ માટેના નિયમો શું હશે?

ઇમેજ સ્રોત, Getty Images
દારૂ વેચવાની યોજનાથી વાકેફ અધિકારીઓએ રૉયટર્સને કહ્યું કે દુકાન કેટલાંક અઠવાડિયાંમાં ખૂલી શકે છે.
જોકે તેના માટે કેટલાક નિયમો પણ છે-
- દારૂ મેળવનારા રાજદ્વારીઓએ પહેલાં નોંધણી કરાવી પડશે અને પછી સરકાર તરફથી મંજૂરી મળશે
- દારૂની દુકાનમાં 21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આવવાની મંજૂરી નહીં હોય અને દુકાનમાં હંમેશાં યોગ્ય પોશાક પહેરવો પડશે
- દારૂ પીનારા કોઈ અન્ય પાસેથી દારૂ નહીં મંગાવી શકે, જેમ કે પોતાના ડ્રાઇવર પાસેથી દારૂ ન મંગાવી શકો
- નિવેદન અનુસાર, દારૂ ખરીદવાની માસિક સીમા હશે
- જોકે એએફપીએ જે દસ્તાવેજો જોયા છે એ પ્રમાણે આ નિયમો કડક નહીં હોય
રજિસ્ટર્ડ ગ્રાહકોને દર મહિને 240 'પૉઇન્ટ' દારૂ મળશે. એક લિટર સ્પિરિટ્સ બરાબર છ પૉઇન્ટ ગણાશે. એક લિટર વાઇન ત્રણ પૉઇન્ટના રૂપમાં ગણાશે અને એક લિટર બિયર એક પૉઇન્ટ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ નથી જણાવાયું કે સામાન્ય વિદેશીઓને પણ દારૂ મળશે કે રાજદ્વારી સુધી સીમિત રહેશે. દારૂ રિયાધના જનજીવનનો ભાગ બનશે, પણ દારૂડિયાઓ માટે મહત્ત્વનું એ હશે કે ક્યાં પીવે છે અને પીધા પછી કેવો વ્યવહાર કરે છે.
હાલમાં સાઉદી અરેબિયામાં દારૂ પીવા કે રાખવા પર દંડ, કેદ, જાહેરમાં કોરડા મારવા અને અનધિકૃત વિદેશીઓને પરત મોકલવાનો કાયદો છે.
દારૂનીતિ સંબંધિત નવા દસ્તાવેજો અનુસાર, સાઉદી પ્રશાસન નવા નિયમો પર કામ કરી રહ્યું છે. નવા નિયમો હેઠળ ચોક્કસ માત્રામાં દારૂની લઈ જવાની મંજૂરી હશે અને તેનાથી અનિયંત્રિત દારૂની લેણ-દેણ પર રોક લાગશે.
જ્યારે પ્રિન્સે બ્રિટિશ રાજદ્વારીને ગોળી મારી

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષોથી રાજદ્વારી સ્ટાફ પોતાના પાઉચનો ઉપયોગ કરે છે અને સાઉદી પ્રશાસન આ મામલે કોઈ દખલ દેતું નથી. સાઉદી અરેબિયા આ વલણને પણ તેના 'વિઝન 2023'ના અરીસામાં જોઈ રહ્યું છે.
સાઉદી અરેબિયાના વડા પ્રધાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આ વિઝન હેઠળ કડક નિયમોને હળવા કરી રહ્યા છે. ખાડીના અન્ય દેશોમાં પણ દારૂની આવી નીતિઓ છે.
જોકે યુએઈ અને કતારમાં 21થી ઉપરની ઉંમરવાળા બિનમુસ્લિમોને હોટલ, ક્લબ અને બારમાં દારૂ વેચવાની મંજૂરી છે.
સાઉદી અરેબિયાના દસ્તાવેજમાં પણ એ નથી જણાવાયું કે એ પણ યુએઈ અને કતારની જેમ કરશે કે નહીં. ઇસ્લામમાં દારૂ હરામ છે. સાઉદી અરેબિયાનું 1952 સુધી દારૂને લઈને એક પ્રકારનું કરારબદ્ધ વલણ હતું.
પરંતુ 1951માં પ્રિન્સ મિશારી બિન અબ્દુલ અઝીઝ અલ-સાઉદે જેદ્દામાં બ્રિટિશ રાજદ્વારી સિરિલ ઉસ્માનની ગોળી મારીને હત્યા કરી હતી. એક ફંક્શનમાં દારૂ ન આપવાને લીધે તેમણે આવું કર્યું હતું. આ ઘટનાના એક વર્ષ પછી કિંગ અબ્દુલ અઝીઝે દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. મિશારીને હત્યાના કેસમાં દોષી ઠરાવ્યા હતા.
અગાઉ મહિલાઓને ડ્રાઇવિંગનો અધિકાર મળ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2018માં સાઉદી અરેબિયામાં પહેલી વાર મહિલાઓને લાઇસન્સ આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. 2018 જૂનમાં પહેલી વાર 10 મહિલાને લાઇસન્સ અપાયું હતું.
આ વર્ષે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મહિલાઓ પર લાગેલા ડ્રાઇવિંગ પ્રતિબંધને હટાવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.
2018માં જૂનથી સાઉદી અરેબિયામાં મહિલાઓ રસ્તા પર ગાડીઓ દોડાવતી નજરે ચડી હતી.
મહિલાઓને ગાડી ચલાવવાનો હક આપવાનું આ પગલું રૂઢિવાદી દેશને આધુનિક બનાવવા માટે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ઉદારીકરણ અભિયાન હેઠળ લેવાયું હતું.
જોકે આ પગલાથી ક્રાઉન પ્રિન્સને ટીકાની સામનો પણ કરવો પડ્યો હતો.
હકીકતમાં સાઉદીની જે મહિલા અધિકાર કાર્યકરોએ ત્યાંની મહિલાઓને ડ્રાઇવિંગનો અધિકાર અપાવવાનું અભિયાન ચલાવ્યું હતું, તેમની સાઉદીની સરકારે બહારની તાકતો સાથે સંબંધ હોવાનો આરોપ મૂકીને ધરપકડ કરી હતી.
વિઝન 2030ની જાહેરાત 2016-17માં કરાઈ હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થાની તેલનિકાસ પર નિર્ભરતા ઓછી કરીને તેમાં વિવિધતા લાવવાનો છે.
દેશમાં અન્ય ઉદ્યોગોને વિકસિત કરવા, પર્યટન ઉદ્યોગોને પ્રબલન આપવું અને ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે, જેથી દેશમાં વધુ નોકરી પેદા કરી શકે અને સરકાર પરથી એ બોજ ઓછો થઈ જાય.
ઇસ્લામિક ઓળખથી દૂર જઈ રહ્યા છે ક્રાઉન પ્રિન્સ?

ઇમેજ સ્રોત, Getty Images
38 વર્ષના મોહમ્મદ બિન સલમાન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ છે. ક્રાઉન પ્રિન્સ છેલ્લાં સાત વર્ષથી પ્રાંતનું નેતૃત્વ કરી રહ્યા છે.
ક્રાઉન પ્રિન્સે પોતાના નેતૃત્વમાં સાઉદી અરેબિયામાં ઘણા એવા નિર્ણયો કર્યા, જેનાં વખાણ થયાં છે અને કહેવાયું કે એમબીએસ સાઉદીને એક ઇસ્લામિક રૂઢિવાદી પ્રદેશથી આધુનિક દેશ બનાવી રહ્યા છે.
વર્ષ 2016માં ક્રાઉન પ્રિન્સને વિઝન 2030 પરથી પડદો હટાવાનો હતો. આ વિઝન હેઠળ અનેક સુધારા શરૂ કરાયા. તેમણે સાઉદીમાં વધુ છૂટછાટ આપી. ક્રાઉન પ્રિન્સે સિનેમા અને કૉન્સર્ટનો પ્રતિબંધ દૂર કર્યો.
એટલે સુધી કે હિપ-હૉપ કલાકારોને પણ બોલાવ્યા. મહિલાઓને ગાડી ચલાવાનો અધિકાર મળ્યો અને તેમના પહેરવેશ મુદ્દે પણ ઉદારતા દાખવી.
ક્રાઉન પ્રિન્સે પ્રતિક્રિયાવાદી મૌલવીઓની ભૂમિકા સીમિત કરી. ધાર્મિક પોલીસને ખતમ કરી. તેમજ એમબીએસે ઇઝરાયલ સાથે સંબંધો સારા કરવાનો વિકલ્પ પણ શોધ્યો.
અમેરિકન પત્રિકા ધ ઍટલાન્ટિકાએ સાઉદી ક્રાઉન પ્રિન્સને 2022માં પૂછ્યું હતું કે શું તેઓ સાઉદી અરેબિયાને એટલું આધુનિક બનાવશે કે તેની ઇસ્લામિક ઓળખ નબળી પડી જાય?
આ સવાલ પર ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું, "દુનિયામાં દરેક દેશની સ્થાપના અલગઅલગ વિચારો અને મૂલ્યોના આધારે થઈ છે. ઉદાહરણ તરીકે અમેરિકા લોકતંત્ર, સ્વતંત્રતા અને મુક્ત અર્થવ્યવસ્થા જેવાં મૂલ્યોને આધારે બન્યું છે. લોકો આ મૂલ્યોને આધારે એક થાય છે. પરંતુ શું બધાં લોકતંત્રો સારાં છે? શું બધાં લોકતંત્રો યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે? ના, સહેજ પણ નહીં."
"અમારો પ્રાંત ઇસ્લામનાં મૂલ્યો અને વિચારોના પાયા પર બન્યો છે. તેમાં કબાયલી સંસ્કૃતિ છે, અરબની સંસ્કૃતિ છે. સાથે જ સાઉદીની સંસ્કૃતિ અને માન્યતા છે. આ અમારો આત્મા છે. જો અમે તેને છોડી દેશું તો દેશ નષ્ટ થઈ જશે. અમારા માટે મહત્ત્વનું એ છે કે સાઉદી અરેબિયાને વિકાસ અને આધુનિકીકરણના યોગ્ય રસ્તે કેવી રીતે લવાય. આવો સવાલ અમેરિકા માટે છે કે કેવી રીતે લોકતંત્ર, મુક્ત બજાર અને સ્વતંત્રતાને યોગ્ય રસ્તે રખાય. આ સવાલ એટલે જરૂરી છે કે એ ખોટો રસ્તે જઈ શકે છે."
"આથી અમે અમારાં મૂલ્યોથી દૂર નહીં થઈએ, કેમ કે એ અમારો આત્મા છે. સાઉદી અરેબિયામાં પવિત્ર મસ્જિદો છે અને તેને કોઈ હટાવી ન શકે. અમારી એ જવાબદારી છે કે આ પવિત્ર મસ્જિદો હંમેશાં રહે અને અમે સાઉદીના લોકો માટે આ પ્રાંતને, તેના વિસ્તારને યોગ્ય રસ્તે રાખવા માગીએ છીએ. શાંતિ અને સહઅસ્તિત્વના આધારે અમે ઇચ્છીએ છીએ કે અન્ય દુનિયામાં બાબતોને જોડીએ."














