કૅનેડા : પ્રવાસી મજૂરોને ઓછા પગારથી માંડીને જાતીય શોષણનો સામનો કરવો પડે છે – યુએનના રિપોર્ટમાં ખુલાસો

કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, સરબજિતસિંહ ધાલીવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

કામ કર્યા પછી પગાર ન મળવો, ઓવરટાઇમ કરવો, કામ દરમિયાન બ્રૅક ન મળે અને શારીરિક શોષણ.

કૅનેડામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી રહેતા અસ્થાયી કર્મચારીઓ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.

અસ્થાયી વિદેશી મજૂરો સાથે થતા ખરાબ વ્યવહાર વિશે આંખો ખોલનારી આ હકીકતનો ખુલાસો સંયુક્ત રાષ્ટ્રના “ગુલામીનાં સમકાલીન સ્વરૂપો” નામના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં મહિલાઓના જાતીય શોષણ અને દુર્વ્યવહારનો પણ ઉલ્લેખ છે.

સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત પ્રોફેસર ટોમોયા ઑબોકાટાએ કૅનેડાનાં અલગ-અલગ શહેરોનો પ્રવાસ કરીને આ રિપોર્ટને તૈયાર કર્યો છે.

ઑબોકાટાએ કૅનેડા વિશે ગયા વર્ષે પણ આ જ પ્રકારનું નિષ્કર્ષ કાઢ્યું હતું. તેમણે ફરી એક વખત આ બધી જ વાતોને પોતાના રિપોર્ટમાં સામેલ કરી છે.

પ્રોફેસર ટોમોયા ઑબોકાટા બ્રિટનની યોર્ક યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાના વિશેષજ્ઞ છે.

તેમના મત પ્રમાણે, “કૅનેડામાં મજૂરોને કામ માટે ઓછો પગાર આપવો, મજૂરોને સુરક્ષા માટે જરૂરી ઉપકરણો વગર કામ કરવા માટે મજબૂર કરવા અને મનમરજી પ્રમાણે કામના કલાકો ઓછા કરવાના અહેવાલો મળ્યા છે.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કૅનેડાની પોલીસ વિશે પણ ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો, “કૅનેડા પોલીસ અધિકારીઓની ઘટનો હવાલો આપીને કથિતરૂપે આ ફરિયાદોનો ઉકેલ લાવવમાં નિષ્ફળ રહી છે.”

યુએનના રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, “જો કોઈ કર્મચારી ફરિયાદ કરે છે તો પોલીસ મામલાની તપાસ કરવાને બદલે તેને ઇમિગ્રેશન ઑથૉરિટીને હવાલે કરી દે છે.”

પ્રોફેસર ઑબોકાટાનો “કૅનેડામાં ગુલામીના સમકાલીન સ્વરૂપો અને તેનાં પરિણામો” નામનો રિપોર્ટ જ્યારથી પ્રકાશિત થયો ત્યારથી જ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

કારણ કે કૅનેડા પોતાને એક એવા દેશ તરીકે ઓળખાવે છે, જ્યાં માનવ અધિકારોનું રક્ષણ કરવામાં આવે છે.

પ્રોફેસર ઑબોકાટાએ આ રિપોર્ટને તૈયાર કરવા માટે ઑગસ્ટ 2023થી 6, સપ્ટેમ્બર 2023 સુધી કૅનેડાનાં અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી.

તેમણે ઑટાવા, મૉન્ટ્રિયલ, ટોરંટો, અને વૅનકુવર જેવા શહેરોની મુલાકાત લીધી હતી.

આ રિપોર્ટ તૈયાર કરવા માટે ઑબોકાટાએ કૅનેડાનાં મજૂર સંગઠનો, સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ, પ્રાંત અને કેન્દ્રની સરકારના પ્રતિનિધિઓ, માનવ અધિકાર વિશે કામ કરતી સંસ્થાઓ અને મજૂરો સાથે સંવાદ કર્યો હતો.

વર્તમાન રિપોર્ટને પ્રકાશિત કરતા પહેલાં કૅનેડાની સરકાર સાથે પણ શૅર કરવામાં આવ્યો હતો.

કામદારોમાં જાગૃતિનો અભાવ

રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે મજૂરોને પોતાના અધિકારો વિશે યોગ્ય જાણકારી હોતી નથી. આ કારણે તેઓ ખરાબ વર્તનનો શિકાર બને છે.
ઇમેજ કૅપ્શન, રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે મજૂરોને પોતાના અધિકારો વિશે યોગ્ય જાણકારી હોતી નથી. આ કારણે તેઓ ખરાબ વર્તનનો શિકાર બને છે

પ્રોફેસર ટોમોયા ઑબોકાટાએ કહ્યું કે કૅનેડાની સિસ્ટમમાં ઘણી ખામીઓ છે જે વિદેશી કામદારો સાથે થઈ રહેલા ખરાબ વ્યવહાર માટે જવાબદાર છે.

તેમના મત પ્રમાણે, જે મજૂરો માલિકના આમંત્રણ પર કૅનેડા આવે છે તે તેમની સાથે કામ કરવા માટે બંધાયેલા છે. આ રીતે જો માલિક પોતાના કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકે તો તે વ્યક્તિને કૅનેડાથી દેશનિકાલ કરી શકાય છે.

મજૂરો પાસે પરિસ્થિતિ ખરાબ થાય તો બીજો કોઈ વિકલ્પ નથી. આ કારણે મોટા ભાગના કર્મચારીઓ પોતાના માલિક વિરુદ્ધ ફરિયાદ કરતા અચકાય છે.

લગભગ 22 પેજના આ રિપોર્ટ પ્રમાણે, “મજૂરોને પોતાના અધિકારો વિશે યોગ્ય જાણકારી હોતી નથી. આ કારણે તેઓ દુર્વ્યવહારનો શિકાર બને છે.”

આ ઉપરાંત મજૂરોની સ્થાનિક ભાષા પર ઓછી પકડ અને ઇન્ટરનેટ સુધી લિમિટેડ પહોંચ પણ તેમના શોષણનું એક મુખ્ય કારણ છે.

રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, “કૅનેડાની સરકારે મજૂરોના શું અધિકાર છે અને તેનો કોઈ દુરુપયોગ કરે છે તો તેની વિરુદ્ધ કયા ફરિયાદ કરી શકાય તે વિશે જાગૃતિ વધારવા માાટે કોઈ અભિયાન શરૂ કર્યું નથી.”

કૅનેડાની સરકારનો પક્ષ

કૅનેડાનાં ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં નોંધાયેલી વાતનો સ્વીકાર કર્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડાનાં ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં નોંધાયેલી વાતનો સ્વીકાર કર્યો છે

સીબીસી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, કૅનેડાના ઇમિગ્રન્ટ મંત્રી માર્ક મિલરે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં અસ્થાયી વિદેશી કામદારોના સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવેલા “સમકાલીન ગુલામી” શબ્દ વિશે વાંધો ઉઠાવ્યો હતો.

જોકે, માર્ક મિલરે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં નોંધાયેલી વાતનો સ્વીકાર કર્યો છે અને તેને તરત જ રોકવાની જરૂર છે તેમ જણાવ્યું.

મિલરના મત પ્રમાણે, “કૅનેડામાં કોઈ પણ વ્યક્તિ ગમે તેવી નોકરી કરતા હોય પરંતુ તેમની સાથે કૅનેડાના કાયદા પ્રમાણે માન અને સન્માન સાથે વ્યવહાર થવો જોઈએ.”

મિલરે કહ્યું કે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સરકાર એ વાત પર પણ ધ્યાન આપી રહી છે કે ખાદ્ય પદાર્થોની કિંમત ન વધે.

અહીં ઉલ્લેખનીય છે કે કૅનેડાના કૃષિ ક્ષેત્રમાં અસ્થાયી વિદેશી મજૂરોનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.

શું છે અસ્થાયી વિદેશી કામદાર કાર્યક્રમ?

કૅનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો ખેતમજૂર તરીકે કામ કરે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો ખેતમજૂર તરીકે કામ કરે છે

કૅનેડામાં કામદારોની અછતને પૂરી કરવા માટે ઇમિગ્રેશનનો એક વિકલ્પ કૅનેડાનો અસ્થાયી વિદેશી કામદાર (ટીએફડબલ્યુ) કાર્યક્રમ છે.

આ કાર્યક્રમ એવી વ્યક્તિને કૅનેડામાં કામ કરવાની પરવાનગી આપે છે જે કૅનેડાની નાગરિક પણ નથી અને સ્થાનિક નિવાસી પણ નથી.

વિશેષજ્ઞોના મત પ્રમાણે, કૃષિ ક્ષેત્ર અને બીજા વ્યવસાયોમાં ઍમ્પૉલૉયર આ કાર્યક્રમ થકી મજૂરોને કૅનેડા આવવા માટે આમંત્રિત કરે છે.

અહીં ઉલ્લેખનીય છે કે 2018 પછી કૅનેડામાં અસ્થાયી વિદેશી કામદારોની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય નાગરિકો સહિત લાખો લોકોને કૅનેડામાં આમંત્રિત કરવામાં આવ્યા છે.

કૅનેડા સરકારે જાહેર કરેલા આંકડા પણ આ વાતની પુષ્ટિ કરે છે કે આ કાર્યક્રમ હેઠળ આમં|ત્રિત કામદારોની સંખ્યામાં સતત વધારો થયો છે. પરિણામ સ્વરૂપે મોટી સંખ્યામાં મજૂરોને અસ્થાયી રૂપે કૅનેડામાં કામ કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે.

સરકારે આપેલી માહિતી પ્રમાણે, અસ્થાયી વિદેશી કામદાર કાર્યક્રમ હેઠળ વર્ષ 2018માં લગભગ 84 હજાર કામદારોને કૅનેડા માટે આમંત્રિત કર્યા હતા. જોકે, વર્ષ 2022માં આ સંખ્યા વધીને એક લાખ 35 હજાર 818 સુધી પહોંચી ગઈ હતી.

વિશેષજ્ઞોનો મત

કૅનેડમાં અસ્થાયી કર્મચારીઓ ખરાબ પરિસ્થિતિઓમાં કામ કરે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડમાં અસ્થાયી કર્મચારીઓ ખરાબ પરિસ્થિતિઓમાં કામ કરે છે

કંવર સીરા બ્રૅમ્પટનસ્થિત ઇમિગ્રન્ટ વિશેષજ્ઞ છે જેઓ કૅનેડામાં વિદ્યાર્થીઓના શોષણ અને બીજા મુદા વિશે અવાજ ઉઠાવતા રહ્યા છે.

તેમણે બીબીસી સાથે ફોન પર કરેલી વાતચીતમાં કહ્યું, “સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં જે વાત સામે આવી છે તેને કારણે કૅનેડાની સાચી હકીકત દુનિયાની સામે આવી ગઈ છે.”

તેમણે કહ્યું, “કૅનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી અને કામદારોના શોષણના મામલા કેટલાક સમયથી સોશિયલ મીડિયા થકી લોકોની સામે આવી રહ્યા છે.”

“સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટે આ વાતની પુષ્ટિ કરી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે કૅનેડાની સરકાર આ વાતથી અજાણ છે કે દેશમાં શું થઈ રહ્યું છે.”

સીરાના મત પ્રમાણે, કૅનેડામાં એલએમઆઈના નામે વિદ્યાર્થીઓ અને મજૂરોની થતી લૂંટ કોઈનાથી અજાણી નથી. જોકે, કૅનેડાની સરકાર આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગે છે.

કંવર સીરાએ કહ્યું, “કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વર્ક પરમિટ પૂરી થઈ ગઈ છે અથવા થવાને આરે છે. આ વિદ્યાર્થીઓને જો કૅનેડામાં રહેવું હોય તો તેમણે એલએમઆઈ અથવા અસ્થાયી વિદેશી કામદાર કાર્યક્રમની મદદ લેવી પડે છે. જોકે, મજૂરોને બીક છે કે તેમનું શોષણ કરવામાં આવશે.”

“સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટનાં તથ્યો ખૂબ જ ચિંતાજનક છે. અસ્થાયી કામદાર પરમિટ અને એલએમઆઈના નામે ચાલી રહેલી લૂંટ તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.