'એ મરવા પડ્યો તો પણ એની પાસે કામ કરાવતા રહ્યા', અમેરિકા જઈને ખેતમજૂરી કરનારાઓની મજબૂરીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બ્રાન્ડન ડ્રેનોન, બર્ન્ડ ડેબ્યુસમેન જુનિયર
- પદ, બીબીસી ન્યૂઝ
હ્યુગોએ ગયા વર્ષે તેના એક મિત્રને શક્કરિયાના વિશાળ ખેતરમાં મૃત્યુ પામતો જોયો હતો. અમેરિકાના ઉત્તર કૅરોલિનાના વિસ્તારમાં આવેલા એક ખેતરમાં તેનું નિર્જીવ શરીર ટ્રકના એક ટાયર સામે ઝૂકેલું હતું.
હ્યુગોએ તે ઘટનાને યાદ કરતા કહ્યું, “તેમણે મારા મિત્રને કામ કરવા દબાણ કર્યું હતું. એ સતત કહેતો હતો કે મારી તબીયત સારી નથી, હું મરી રહ્યો છું.”
“એક કલાક પછી મારો મિત્ર ગુજરી ગયો.”
હ્યુગો(અસલી નામ નથી)એ તેના જીવનની મોટાભાગની પળો અમેરિકામાં માઇગ્રન્ટ ખેત-કામદાર તરીકે પસાર કરી છે. ખેત-કામદારની નોકરીમાં પગાર સામાન્ય રીતે લઘુતમ વેતન અથવા તેનાથી પણ ઓછો હોય છે અને કામની પરિસ્થિતિ ઘાતક બનતી હોય છે.
પોતે એ ઘટના બાબતે વાત કરશે તો તેણે પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે, એવી ચિંતા હ્યુગોએ વ્યક્ત કરી હતી. તેથી બીબીસી તેના છદ્મ નામનો ઉપયોગ કરવા સંમત થયું હતું.
હ્યુગો અમેરિકામાં કામ કરવાના વિઝા સાથે 2019માં મૅક્સિકોથી રવાના થયા હતા. અમેરિકામાં બહેતર જીવનના સપના સાથે પત્ની અને બે બાળકોને છોડીને તેઓ રવાના થયા હતા. તેઓ પાછા આવશે કે કેમ તેની કોઈ ખાતરી ન હતી.
ખતરનાક નોકરીઓ કરવી પડે છે

ઇમેજ સ્રોત, Universal Images Group via Getty Images
શક્કરિયાના ખેતરમાં મૃત્યુ પામેલાં તેમના દોસ્તનું નામ આર્ટુરો ગોન્ઝાલેઝ મેન્ડોઝા હતું.
મેન્ડોઝા કામ કરવા માટે પ્રથમવાર અમેરિકા આવ્યા હતા. ખેતરમાં કામ શરૂ કર્યાના પ્રથમ થોડા સપ્તાહમાં જ, સપ્ટેમ્બર 2023માં તેમનું અવસાન થયું હતું. 29 વર્ષના મેન્ડોઝા તેમનાં પત્ની તથા બાળકોને મૅક્સિકોમાં છોડીને અમેરિકા ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હ્યુગોએ કહ્યું, “અમે અમારી જરૂરિયાતને કારણે કામ કરવા અહીં આવ્યા છીએ. જરૂરિયાત માટે જ અહીં આવવું પડે છે અને એ માટે પરિવારને પાછળ છોડીને આવવું પડે છે.”
ખેડૂતો અને મીટપૅકર્સથી માંડીને લાઇન-કૂક્સ તથા બાંધકામ કામદારો સુધીની ઘણીવાર ખતરનાક નોકરીઓ માઇગ્રન્ટ્સ કરે છે, જેમાં કાર્યસ્થળે થતાં મોતને સામાન્ય રીતે લોકો ધ્યાનમાં લેતા નથી, પરંતુ પાછલા વર્ષ દરમિયાન બહુવિધ હાઈ-પ્રોફાઈલ મોત અને સરહદ પરની સ્થળાંતરની સમસ્યાને કારણે આ મુદ્દો પ્રકાશમાં આવ્યો છે.
મેન્ડોઝા મૃત્યુ પામ્યાં તે દિવસે જોરદાર ગરમી હતી.
તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું. કામદારો માટે પૂરતું પીવાનું પાણી ન હતું અને ખેતરમાં કલાકોની લાંબી પાળી દરમિયાન માત્ર પાંચ મિનિટનો વિરામ આપવામાં આવતો હતો.
ગરમીથી બચવાની એકમાત્ર જગ્યા ખુલ્લા મેદાનમાં પાર્ક કરવામાં આવેલી ઍર કન્ડીશનીંગ વિનાની એક બસ હતી.
કામદારોની મજબૂરી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉત્તર કૅરોલિનાના શ્રમ વિભાગના અહેવાલમાં આ વિગતો દર્શાવવામાં આવી હતી. શ્રમ વિભાગે બાર્નેસ ફાર્મિંગ કૉર્પોરેશન નામની કંપનીને આ વર્ષે “જોખમી” પરિસ્થિતી માટે દંડ ફટકાર્યો હતો.
ખેતરમાં શ્રમિકનું મૃત્યુ થયું હોવાની અહેવાલમાં પુષ્ટિ કરવામાં આવી હતી. તેમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે મૅનેજમેન્ટે આરોગ્યસંભાળ સેવાની વ્યવસ્થા ક્યારેય કરી ન હતી કે પ્રાથમિક સારવાર પણ આપી ન હતી.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે મૃત્યુના થોડા કલાકો પહેલાં “મેન્ડોઝા ગૂંચવાઈ ગયા હતા. તેમને વાત કરવામાં, ચાલવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેઓ બેભાન થઈ ગયા હતા.”
અહેવાલમાં જણાવ્યા મુજબ, એક અન્ય ખેત મજૂરે ઇમર્જન્સી સર્વિસીસને કૉલ કર્યો હતો, પરંતુ ઍમ્બ્યુલન્સ આવે તે પહેલાં મેન્ડોઝાને હાર્ટઍટેક આવ્યો હતો અને તેઓ મૃત્યુ પામ્યાં હતાં.
બાર્નેસ ફાર્મિંગના કાનૂની પ્રતિનિધિએ બીબીસીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ તેમના કામદારોના સ્વાસ્થ્ય તથા સલામતી પર “ગંભીરતાપૂર્વક” ધ્યાન આપે છે અને શ્રમ વિભાગની ટીમનાં તારણોનો વિરોધ કરે છે.
તેમણે કહ્યું હતું, “આરોગ્ય તથા સલામતી પ્રત્યેની ફાર્મની પ્રતિબદ્ધતાને કારણે ટીમના ઘણા સભ્યો વર્ષોથી બાર્નેસમાં પાકની મોસમમાં પાછા આવતા રહ્યા છે.”
જોકે, હ્યુગો પાછા ફર્યા નથી. તેઓ હવે વેલ્ડિંગ કંપનીમાં કામ કરે છે.
હ્યુગોએ કહ્યું, “અમારા પૈકીના ઘણા લોકો સાથે અમંગળ ઘટનાઓ બને છે. હું જાણું છું કે તેવું મારી સાથે પણ થઈ શકે.”
કામના સ્થળે મૃત્યુનો દર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના બ્યૂરો ઑફ લેબર સ્ટેટેસ્ટિક્સના જણાવ્યા મુજબ, કૃષિ ઉદ્યોગમાં કામના સ્થળે મૃત્યુનો દર સૌથી વધારે છે. એ પછીના ક્રમે પરિવહન અને બાંધકામ છે.
આ વર્ષની શરૂઆતમાં એક પછી એક થયેલાં મૃત્યુને કારણે કેટલાંક જોખમી પરિબળો પર ધ્યાન ખેંચાયું છે.
બાલ્ટીમોરમાં માર્ચમાં રાતે પુલનું સમારકામ કરી રહેલા છ લેટિન અમેરિકન કામદારો પુલ તૂટી પડવાને કારણે મૃત્યુ પામ્યાં હતાં.
અઠવાડિયા પછી ફ્લોરિડામાં મૅક્સીકન ખેત કામદારોને લઈ જતી એક બસને નડેલા અકસ્માતમાં આઠ લોકો માર્યા ગયા હતા.
ડેમૉક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં ભાષણ આપતી વખતે મૅરીલૅન્ડના ગવર્નર વેસ મૂરે બાલ્ટીમોરની ઘટનાને યાદ કરી હતી અને “લોકો ઉંઘતા હતા ત્યારે પુલના ખાડાઓ ભરવાનું કામ કરતાં” મૃત્યુ પામેલાં કામદારોને તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી.
મેન્ડોઝા અને હ્યુગો બન્ને પાસે એચટુએ વિઝા હતા. તેને લીધે તેઓ અમેરિકામાં કૃષિ શ્રેત્રે અસ્થાયી સ્વરૂપે કામ કરી શકતા હતા. આ પ્રકારના વિઝા ધરાવતા વિદેશી મૂળના કામદારોની સંખ્યામાં વધારો થયો છે.
2017થી 2022ની વચ્ચે એચટુએ વિઝાધારકોની સંખ્યામાં 64.7 ટકા અથવા તો લગભગ 1,50,000 કામદારોનો વધારો થયો છે.
નેશનલ સૅન્ટર ફૉર ફાર્મવર્કર હેલ્થના જણાવ્યા અનુસાર, કુલ પૈકીના લગભગ 70 ટકા ખેત-કામદારો વિદેશી છે અને ત્રણ ચતુર્થાંશ હિસ્પેનિક છે.
ઇમિગ્રેશન નીતિના અભ્યાસુ અને કૉલોરાડો ડૅનવર યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર ક્લો ઇસ્ટે કહ્યું હતું, “અમેરિકામાં ઘણી નોકરીઓ માટે કામદારોનો મુખ્ય સ્રોત ઇમિગ્રેશન છે.”
“આ પ્રકારની જોખમી નોકરીઓ અમેરિકામાં જન્મેલા કામદારો કરતા નથી, પરંતુ વિદેશમાં જન્મેલા કામદારો જ કરે છે, એ હકીકત આપણે જાણીએ છીએ.”
કૃષિના ઉદ્યોગની નોકરીઓ વધુ ખતરનાક

ઇમેજ સ્રોત, Getty Images
ફ્લૉરિડા, ટૅક્સાસ અને જ્યૉર્જિયામાં એચટુએ વિઝા ધરાવતા ખેતમજૂરો વિશેની 2020ની એક સરકારી તપાસમાં “અત્યાધુનિક ગુલામી” જેવી પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ તપાસને પગલે 24 લોકો પર માનવતસ્કરી, મની લૉન્ડરિંગ અને બીજા ગુનાઓના આરોપ મૂકવામાં આવ્યા હતા.
અમેરિકાના કાર્યકારી ઍટર્ની ડેવિડ એસ્ટેસે તે સમયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું, “અમેરિકન ડ્રીમ વિશ્વભરના નિરાધાર અને લાચાર લોકો માટે એક શક્તિશાળી આકર્ષણ છે. તેમાં લોભિયાઓ લોકોના શોષણના પ્રયાસ કરે છે.”
નિષ્ણાતોના કહેવા મુજબ, અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા માઇગ્રન્ટ્સને નોકરી પર રાખવામાં આવે તો તેમને ઓછું રક્ષણ મળે છે અને સૅન્ટર ફૉર માઇગ્રેશન સ્ટડીઝના જણાવ્યા અનુસાર, કુલ પૈકીના લગભગ અડધો અડધ ખેત-કામદારો નોંધાયેલા નથી.
ઇન્ટરનેશનલ માઇગ્રેશન રિવ્યૂમાં પ્રકાશિત એક લેખ અનુસાર, “અમેરિકામાં સૌથી ખતરનાક, જોખમી અને અન્યથા અપ્રિય નોકરીઓમાં વણ નોંધાયેલા ઇમિગ્રન્ટ કામદારોની સંખ્યા સૌથી વધારે છે.”
કૃષિઉદ્યોગમાં સૌથી ખતરનાક નોકરીમાંની એક ડેરી ફાર્મિંગ છે.
તેના જોખમોમાં ઝેરી રસાયણો અથવા જોખમી મશીનરીના વધારે પડતા એક્સપોઝરનો સમાવેશ થાય છે. ખાતરના ખાડાઓમાં જીવલેણ ઝેરી વાયુઓ અને ડૂબી જવાનું જોખમ હોય છે. પ્રાણીઓનો ખતરો પણ હોય છે.
કિશોરાવસ્થામાં મૅક્સિકોથી અમેરિકા આવેલાં ઑલ્ગા-વર્મોન્ટમાં એક અનડૉક્યુમેન્ટેડ માઇગ્રન્ટ ડેરી ફાર્મ વર્કર છે. તેમના કહેવા મુજબ, તેમની બહેનને એક ગાયે લગભગ કચડી મારી હતી.
ઓલ્ગાએ કહ્યું હતું, “ગાય મારી બહેનને લાતો મારતી હતી અને મારી બહેન મરી રહી હતી. મારી બહેનની જીભ બહાર નીકળી ગઈ હતી.”
ઓલ્ગાના જણાવ્યા મુજબ, એ ઘટનામાં તેમની બહેનનાં હાથ અને બે પાંસળીઓ તૂટી ગઈ હતી. તેમ છતાં ફાર્મના મૅનેજરે તેમને તત્કાળ કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો.
બહેન કામ કરી શકે એવી સ્થિતિમાં નથી તેવી નોંધ ડૉક્ટરે ન આપી ત્યાં સુધી “બૉસે તેને મુક્તિ આપી ન હતી,” એમ ઓલ્ગાએ કહ્યું હતું.
તેમનાં બહેન હવે ખેતીમાં કામ કરતી નથી.
અલબત, ઓલ્ગા હજુ પણ એ કામ કરે છે.
29 વર્ષનાં ઓલ્ગાએ કહ્યું હતું, “દરરોજ 12 કલાક કામ કરવું પડે છે. કોઈ પગારવધારો મળતો નથી. કોઈ આરામ મળતો નથી અને તેઓ પગાર પણ સમયસર ચૂકવતા નથી. તેમને ઇચ્છા થાય ત્યારે પગાર આપે છે.”
'માઇગ્રન્ટ્સ હોવાના કારણે અમારા પર હુમલા'

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં અમેરિકાના શ્રમ વિભાગે કામચલાઉ ખેત-કામદારો માટે કામ કરવાની પરિસ્થિતિ વધુ સલામત બનાવવાના હેતુસર નિયમો અમલમાં મૂક્યા હતા. તેમાં નોકરીદાતાની સામે કામદારોના અધિકારોની હિમાયત માટે સંગઠિત કામદારોના રક્ષણ અને નોકરીદાતાઓ દ્વારા કામદારોના પાસપૉર્ટ તથા ઇમિગ્રેશન દસ્તાવેજો પોતાના કબજામાં રાખવા પરના પ્રતિબંધનો સમાવેશ થાય છે.
જોકે, માઇગ્રન્ટ કામદારોના શોષણને રોકવાના સત્તાવાળાઓના પ્રયાસ વધવાની સાથે અમેરિકા-મૅક્સિકો સરહદે ગેરકાયદે ઇમિગ્રેશનના વિક્રમસર્જક સ્તર વિશેની રાજકીય ચર્ચાઓથી પ્રેરિત ઇમિગ્રેશન વિરોધી આક્ષેપબાજીથી હિસ્પેનિક માઇગ્રન્ટ્સની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રેશનને અનેક વખતે “આક્રમણ” ગણાવ્યું છે અને સરહદ પાર કરતા લોકોને “પ્રાણીઓ, ડ્રગ ડિલર્સ” અને “બળાત્કારીઓ” કહ્યા છે.
ઓલ્ગાએ કહ્યું હતું, “આ બધાથી ખિન્નતા અનુભવું છું. માઇગ્રન્ટ્સ હોવાને કારણે અમારા પર કાયમ હુમલાઓ કરવામાં આવે છે. આ દેશમાં ટકી રહેવા માટે અમે કેવી રીતે જીવીએ છીએ એ તેમણે ધ્યાનમાં લેવું જોઈએ.”
આકરા ઇમીગ્રેશન કાયદાઓને કારણે કામદારો સેફટી પ્રોટોકોલ્સ બાબતે વાત કરતા ડરશે, એવી વાતો કરતા પ્રોફેસર ઇસ્ટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન દ્વારા જૂનમાં અમલી બનાવવામાં આવેલાં સરહદી નિયંત્રણોને કારણે સલામતીની પરિસ્થિતિ વણસી શકે છે.
હ્યુગોએ કહ્યું હતું, “મોટાભાગના લોકો ચૂપ રહે છે, કારણ કે તેઓ બધા આકરા કાયદાથી ડરે છે. તમે ફરિયાદ કરી શકતા નથી.”
તાજેતરની એક ઘટનાને યાદ કરતાં હ્યુગોએ જણાવ્યું હતું કે એક દુકાન માલિકે તેમને પાણી વેચવાનો ઈનકાર કર્યો હતો, કારણ કે તેઓ યોગ્ય રીતે અંગ્રેજી બોલી શકતા ન હતા. હ્યુગોએ તાજેતરમાં આવા વધુ ભેદભાવ જોયા છે.
તેમણે કહ્યું હતું, “લોકો અમારી સાથે ખરાબ વર્તન કરે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












