ડોનાલ્ડ ટ્રમ્પઃ રિયલ ઍસ્ટેટના સામ્રાજ્યથી બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊતરવા સુધીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી ગઈ છે, ત્યારે બીજી વખત યુએસના રાષ્ટ્રપતિ બનવા માગતા ડોનાલ્ડ ટ્રમ્પ પર સૌની નજર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે ટ્રમ્પ સતત ત્રીજો પ્રયાસ કરી રહ્યા છે. પણ રાષ્ટ્રપતિની દોડમાં સામેલ થયા પહેલાં તેઓ અમેરિકાના સૌથી ચર્ચાસ્પદ અબજોપતિ હતા.
ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે સૌથી પહેલાં 2015-16માં વ્હાઇટ હાઉસમાં પ્રવેશ્યા હતા. એ પહેલાંના દાયકાઓમાં ન્યૂ યૉર્કના રિયલ ઍસ્ટેટ ક્ષેત્રના આ મહારથીનું જીવન ટેબ્લૉઇડ અખબારો અને ટીવી પર વારંવાર ચમકતું હતું.
અમેરિકામાં તેઓ ઘરે-ઘરે જાણીતી વ્યક્તિ હતા અને તેમના ચૂંટણીપ્રચારની શૈલી પણ અનોખી હતી. તેના કારણે તેઓ અનુભવી રાજકારણીઓને હરાવવામાં સફળ થયા અને અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા. પરંતુ તેમનો કાર્યકાળ એટલો વિવાદાસ્પદ રહ્યો કે એક ટર્મ પછી જ લોકોએ તેમને ઘરે બેસાડી દીધા.
ટ્રમ્પ અત્યારે 78 વર્ષના છે અને રિપબ્લિકન પાર્ટીના નેતા ફરી એક વખત તમામ પડકારોને પાર કરીને જબરદસ્ત રાજકીય પુનરાગમનનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં તેઓ ઑવલ ઑફિસમાં વધુ એક વખત રાષ્ટ્રપતિના ટેબલ પર બેસવા માગે છે.
ટ્રમ્પનો પારિવારિક વારસો

ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂ યૉર્કમાં રિયલ ઍસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ગણાતા ફ્રેડ ટ્રમ્પના ચોથા સંતાન છે.
તેમના પરિવાર પાસે અઢળક સંપત્તિ હોવા છતાં તેઓ પોતાના પિતાની કંપનીમાં સૌથી નીચા સ્તરે નોકરી કરે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. ત્યાર પછી 13 વર્ષની ઉંમરે તેમણે શાળામાં ગેરવર્તન કરવાનું શરૂ કર્યું તો તેમને આગળ ભણવા માટે એક મિલિટરી એકૅડેમીમાં મોકલી દેવાયા હતા.
ત્યાર બાદ ટ્રમ્પે પૅન્સિલ્વેનિયા યુનિવર્સિટીની વ્હૉર્ટ્ન સ્કૂલમાંથી ડિગ્રી મેળવી હતી. તેમના મોટા ભાઈ ફ્રેડ ટ્રમ્પ જુનિયરે જ્યારે પાઇલટ બનવાનો નિર્ણય લીધો ત્યારે તેમના પિતાનો બિઝનેસ ચલાવવાની જવાબદારી ડોનાલ્ડ ટ્રમ્પ પર આવી ગઈ.
ડોનાલ્ડ ટ્રમ્પના ભાઈ ફ્રેડને વધુ પડતો શરાબ પીવાની આદત હતી. જેના કારણે 43 વર્ષની વયે જ તેમનું અવસાન થયું. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે પોતાના ભાઈની આવી હાલત જોઈને તેઓ પોતે હંમેશાં સિગરેટ અને શરાબથી દૂર રહ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પ કહે છે કે કંપનીમાં સામેલ થયા એ પહેલાં તેઓ પોતાના પિતા પાસેથી 10 લાખ ડૉલરની એક 'નાનકડી' રકમ ઉધાર લઈને રિયલ ઍસ્ટેટમાં આવ્યા હતા.
તેમણે ન્યૂ યૉર્કના કેટલાક વિસ્તારોમાં પોતાના પિતાના રહેણાક હાઉસિંગ પ્રોજેક્ટના સંચાલનમાં મદદ કરી, ત્યાર પછી કંપનીનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું. 1971માં તેને ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન નામ આપવામાં આવ્યું.
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પિતા ફ્રેડ ટ્રમ્પને હંમેશાં પોતાના ‘પ્રેરણાસ્રોત’ ગણાવતા હતા. 1999માં તેમના પિતાનું મૃત્યુ થયું.
ટ્રમ્પ એક બ્રાન્ડ તરીકે
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટ્રમ્પની આગેવાનીમાં તેમનો પારિવારિક બિઝનેસ બ્રુકલિન અને ક્વિન્સના રેસિડેન્શિયલ રિયલ ઍસ્ટેટની જગ્યાએ પૉશ ગણાતા મેનહેટ્ટનના શાનદાર પ્રોજેક્ટ્સમાં સ્થળાંતરિત થઈ ગયો હતો.
તેમણે વિખ્યાત ફિફ્થ ઍવેન્યુ ખાતે ગગનચુંબી ટ્રમ્પ ટાવર બનાવ્યો જે તેમની સૌથી પ્રખ્યાત ઇમારત છે અને કેટલાંય વર્ષો સુધી તે તેમનું ઘર પણ રહ્યું હતું. તેમણે જર્જરિત કૉમોડોર હોટેલનું સમારકામ કરાવીને તેને ભવ્ય હોટલ ગ્રાન્ડ હ્યાતમાં રૂપાંતરિત કરી દીધી.
ટ્રમ્પ બ્રાન્ડનું નામ ધરાવતી બીજી ઘણી સંપત્તિઓ બની જેમાં કેસિનો, કૉન્ડોમિનિયમ્સ, ગૉલ્ફ કોર્સ અને હોટલો સામેલ છે. આ બધી ભવ્ય ઇમારતો ઍટલાન્ટિક સિટી, શિકાગો અને લાસ વેગાસથી લઈને ભારત, તુર્કી અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં બનાવવામાં આવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ મનોરંજન જગતમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતા ગયા. સૌથી પહેલાં મિસ યુનિવર્સ, પછી મિસ યુએસએ અને મિસ ટીન યુએસએ જેવી સૌંદર્યસ્પર્ધાઓના માલિક બન્યા. ત્યાર પછી એનબીસી પર રિયાલિટી શો ‘ધ ઍપ્રેન્ટિસ’ શરૂ કર્યો, જેના તેઓ નિર્માતા અને હૉસ્ટ બંને હતા.
‘ધ ઍપ્રેન્ટિસ’ શો 14 સિઝન સુધી ચાલ્યો જેમાં ભાગ લેનારા સ્પર્ધકોએ ટ્રમ્પના બિઝનેસ સામ્રાજ્યમાં મૅનેજમૅન્ટ કૉન્ટ્રાક્ટ મેળવવા માટે સ્પર્ધા કરવાની હતી. આ શોમાં ટ્રમ્પની ટ્રૅડમાર્ક લાઇન "યુ આર ફાયર્ડ"ના કારણે "ડોનાલ્ડ" ઘરે ઘરે જાણીતા બની ગયા.
ટ્રમ્પે પોતાના જીવનમાં કેટલાંય પુસ્તકો લખ્યાં છે, ફિલ્મોમાં ચમક્યા છે અને પ્રો-રેસલિંગ પ્રોગ્રામોમાં પણ જોવા મળ્યા છે. તેમણે પીણાથી લઈને નેકટાઈ સુધી દરેક પ્રકારની ચીજો વેચી છે. પરંતુ તાજેતરમાં તેમની સંપત્તિમાં મોટો કડાકો આવ્યો છે. ફૉર્બ્સ મૅગેઝિનના અંદાજ મુજબ હાલમાં તેમની સંપત્તિ લગભગ ચાર અબજ ડૉલર છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વ્યવસાયોમાં કેટલીક વખત નિષ્ફળ પણ ગયા છે અને કુલ છ વખત પોતાના બિઝનેસમાં દેવાળું જાહેર કર્યું છે. તેમના ટ્રમ્પ સ્ટિક્સ અને ટ્રમ્પ યુનિવર્સિટી જેવા બિઝનેસ નિષ્ફળ રહ્યા છે.
તેમણે પોતાના ટૅક્સ વિશેની માહિતીને તપાસથી છુપાવી છે. 2020માં ન્યૂ યૉર્ક ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે તેમણે કેટલાંય વર્ષ સુધી ટૅક્સ ચૂકવવાનું ટાળ્યું છે અને લાંબા ગાળાના નાણાકીય નુકસાનની જાણકારી પણ મળી છે.
ટ્રમ્પનો પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પના અંગત જીવનને જોરદાર પબ્લિસિટી મળી છે. તેમનાં પ્રથમ પત્ની ઇવાના ઝેલનિકોવા એક ઍથ્લીટ અને મૉડલ હતાં તથા સૌથી જાણીતાં હતાં. 1990માં ટ્રમ્પ દંપતીએ છૂટાછેડા લીધા ત્યારે તેમને ત્રણ સંતાનો હતાં - ડોનાલ્ડ જુનિયર, ઇવાન્કા અને એરિક.
ટ્રમ્પ દંપતીમાં બહુ કડવાશભરી કાનૂની લડાઈ ચાલતી હતી જેના વિશે અખબારોની ગૉસિપ કૉલમોમાં બહુ લખાતું હતું. તેમનાં સ્વર્ગીય પત્ની ઈવાનાએ ટ્રમ્પ સામે ઘરેલુ હિંસાનો આરોપ મૂક્યો હતો, જેને પછી તેમણે જ હળવો કરી નાખ્યો હતો. ટ્રમ્પ વિશેની એક નવી ફિલ્મમાં આ વાતનો ઉલ્લેખ છે.
1993માં તેમણે ફિલ્મ ઍક્ટ્રેસ માર્લા મેપલ્સ સાથે લગ્ન કર્યાં હતાં. તેનાથી બે મહિના અગાઉ તેમને ટિફની નામે પુત્રીનો જન્મ થયો હતો. 1999માં તેમના છૂટાછેડા થઈ ગયા.
ટ્રમ્પના હાલનાં પત્ની ભૂતપૂર્વ સ્લોવેનિયન મૉડલ મેલેનિયા નોસ છે. 2005માં ટ્રમ્પ અને મેલેનિયાનાં લગ્ન થયાં હતાં અને તેમને બૅરન વિલિયમ ટ્રમ્પ નામે એક પુત્ર છે જે તાજેતરમાં જ 18 વર્ષના થયા છે.
રાજકારણી ડોનાલ્ડ ટ્રમ્પ સામે જાતીય દુર્વ્યવહાર અને લગ્નેત્તર સંબંધોના આરોપો પણ લાગતા રહ્યા છે.
2024ની શરૂઆતમાં બે અલગ અલગ જ્યુરીએ ચુકાદો આપ્યો કે ટ્રમ્પે જાતીય સતામણીના આરોપો નકારીને લેખિકા ઈ જિન કેરોલ સામે બદનક્ષીનો દાવો કર્યો છે. કોર્ટે ટ્રમ્પને 8 કરોડ 80 લાખ ડૉલર ચુકવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ટ્રમ્પે તેની સામે અપીલ કરી હતી.
ઍડલ્ટ ફિલ્મોનાં અભિનેત્રી સ્ટૉર્મી ડેનિયલે આરોપ મુક્યો હતો કે 2006માં ટ્રમ્પના તેમની સાથે લગ્નેત્તર સંબંધો હતા અને આ મામલે ચૂપ રહેવા માટે ટ્રમ્પે તેને નાણાં આપ્યાં હતાં. આ આખી વાત છુપાવવા માટે ટ્રમ્પે બિઝનેસ રેકર્ડમાં હેરાફેરી કરી હોવાનો ગુનો પણ સાબિત થયો હતો.
રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images
1980માં એક ઇન્ટરવ્યૂમાં 34 વર્ષીય ટ્રમ્પે રાજકારણને ‘બહુ હલ્કું કામ’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ‘સૌથી સક્ષમ લોકો’ રાજકારણના બદલે બિઝનેસ કરવાનું પસંદ કરે છે.
જોકે, 1987 સુધીમાં તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનો વિચાર આવવા લાગ્યો. વર્ષ 2000માં તેમણે રિફૉર્મ પાર્ટી દ્વારા રેસમાં ઊતરવાનો પ્રયાસ કરી જોયો હતો, ત્યાર પછી 2012માં રિપબ્લિકન પાર્ટી તરફથી તેમણે મેદાનમાં ઊતરવાની કોશિશ કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ જન્મવાદ અથવા ‘બર્થીઝમ’ના સૌથી બોલકા સમર્થકો પૈકી એક હતા. આ એક ષડયંત્રની થિયરી છે જેમાં બરાક ઓબામાનો જન્મ ખરેખર અમેરિકામાં થયો હતો કે કેમ તેવો સવાલ ઉઠાવવામાં આવે છે. તેમણે 2016 સુધી આ વાત ખોટી છે એવું સ્વીકાર્યું ન હતું. તેમણે આ વિશે ક્યારેય માફી પણ નથી માંગી.
જૂન 2015માં ટ્રમ્પે યુએસના પ્રમુખ બનવા માટે પહેલી વાર સત્તાવાર રીતે દાવો કર્યો. તેમણે જાહેરાત કરી કે અમેરિકન ડ્રીમ ખતમ થઈ ગયું છે, પરંતુ સાથે સાથે એવું પણ કહ્યું કે હું તેને "વધારે મોટું અને વધુ સારું" બનાવીશ.
તેમણે પોતાના વક્તવ્યમાં પોતાની સંપત્તિ અને વ્યાવસાયિક સફળતાનું પ્રદર્શન કર્યું. મૅક્સિકો પર અમેરિકામાં ડ્રગ્સ, અપરાધ અને બળાત્કારીઓને મોકલવાનો આરોપ મૂક્યો, અને સરહદ પર દીવાલ બાંધવાનો ખર્ચ મૅક્સિકો પાસેથી વસૂલ કરવાની વાત કરી.
ડિબેટના મંચ પર ટ્રમ્પના પ્રભાવશાળી દેખાવ અને વિવાદોથી ભરેલી નીતિઓના કારણે તેમણે પ્રશંસકો અને ઉગ્ર ટીકાકારોને સમાન રીતે આકર્ષિત કર્યા. સાથે-સાથે મીડિયાને પણ તેમાં ખાસ રસ પડ્યો.
"મેક અમેરિકા ગ્રૅટ અગેઇન" હેઠળ તેમણે ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટનનો સામનો કરવા માટે રિપબ્લિકન પાર્ટીમાં ભૂતકાળના હરીફોને આસાનીથી પાછળ છોડી દીધા હતા.
આ એક એવું અભિયાન હતું જે વિવાદોથી ઘેરાયેલું હતું, જેમાં તેમની એક ઑડિયો ટૅપ લિક થઈ ગઈ જેમાં તેઓ જાતીય શોષણ વિશે ડંફાસ મારતા હતા. તેઓ આખી ચૂંટણી દરમિયાન ઓપિનિયન પોલમાં પણ પાછળ ચાલતા હતા.
પરંતુ ટ્રમ્પે એક અનુભવી રાજનેતાને આશ્ચર્યજનક રીતે હરાવ્યા હતાં. તેમણે રાજકીય પંડિતો અને સર્વેક્ષણના નિષ્ણાતોને ખોટા પાડ્યા અને શાનદાર જીત મેળવી હતા. 20 જાન્યુઆરી 2017ના રોજ તેમણે અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ટ્રમ્પે નાટકીય રીતે કામ કરવાનું શરૂ કર્યું. તેઓ ઘણી વખત ટ્વિટર (હવે ઍક્સ) પર સત્તાવાર જાહેરાતો કરતા અને વિદેશના નેતાઓ સાથે ખુલ્લેઆમ ટકરાવમાં ઊતરતા હતા.
તેઓ જળવાયુ અને વેપારને લગતી મહત્ત્વની સંધિઓમાંથી ખસી ગયા. સાત મુસ્લિમ દેશોના લોકો માટે યુએસ આવવા પર પ્રતિબંધ મૂક્યો, ઇમિગ્રેશન પર સખત નિયંત્રણો લાદ્યાં, ચીન સાથે વ્યાપાર યુદ્ધની શરૂઆત કરી, ટૅક્સમાં વિક્રમજનક કાપ મૂક્યો અને મધ્ય-પૂર્વના દેશો સાથેના સંબંધોને નવો આકાર આપ્યો.
ટ્રમ્પના 2016ના ચૂંટણીપ્રચાર અને રશિયાની સાંઠગાંઠના આરોપો થવા લાગ્યા તેથી એક સ્પેશિયલ કાઉન્સેલરે લગભગ બે વર્ષ સુધી તેની તપાસ કરી. 34 લોકોએ અપરાધિક આરોપોનો સામનો કરવો પડ્યો જેમાં કમ્પ્યૂટર હૅકિંગ અને નાણાકીય ગુનાખોરીના આરોપો હતા, પરંતુ ટ્રમ્પ સામે આરોપો ન હતા. આ તપાસમાં રશિયાની કોઈ સંડોવણી હોવાનું સાબિત ન થયું.
ત્યાર બાદ તરત ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં એવા ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા કે જેની સામે મહાભિયોગની કાર્યવાહી થઈ હતી. તેમની સામે આરોપ હતો કે તેમણે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન પર કાદવ ઉછાળવા માટે એક વિદેશી સરકાર પર દબાણ કર્યું હતું.
ડેમોક્રેટિક નેતૃત્વ હેઠળ હાઉસ ઑફ રિપ્રૅઝન્ટેટિવ્સ (પ્રતિનિધિ સભા)એ ટ્રમ્પ સામે ઇમ્પિચમેન્ટની કાર્યવાહી કરી. પરંતુ રિપબ્લિકનની બહુમતી ધરાવતી સેનેટે તેમને નિર્દોષ છોડી દીધા.
2020ના ચૂંટણીના વર્ષમાં દુનિયામાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો હતો. કોરોના સંકટનો તેમણે જે રીતે સામનો કર્યો તે બદલ તેમની આકરી ટીકા થઈ, કારણ કે કોરોનાથી મૃત્યુ અને સંક્રમણની બાબતમાં અમેરિકા આખી દુનિયામાં સૌથી આગળ હતું.
ટ્રમ્પે એક વિવાદાસ્પદ નિવેદનમાં સૂચન કરેલું કે શરીરમાં જંતુનાશકો દાખલ કરીને કોરોનાનો ઇલાજ કરી શકાય કે નહીં તેનું સંશોધન થવું જોઈએ. ઑક્ટોબરમાં ખુદ ટ્રમ્પને કોવિડ 19નો ચેપ લાગ્યો. ત્યાર પછી તેમણે ચૂંટણી અભિયાનમાં ફરજિયાત બ્રૅક લેવો પડ્યો હતો.
2020ની ચૂંટણીમાં ટ્રમ્પને 7.4 કરોડ મત મળ્યા હતા જે અમેરિકાના કોઈ પણ ચાલુ રાષ્ટ્રપતિ કરતાં વધુ હતા. પરંતુ તેઓ 70 લાખ મત કરતાં વધુ માર્જિનથી જો બાઇડન સામે હારી ગયા.
નવેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધી તેમણે ચોરાયેલા વોટ અને ચૂંટણીમાં મોટા પાયે છેતરપિંડીના આરોપો મૂક્યા. પરંતુ 60થી વધુ અદાલતી મામલામાં આ આરોપો ફગાવી દેવાયા હતા.
પરંતુ ટ્રમ્પે પરિણામોને સ્વીકાર્યાં નહીં. બાઇડનની જીતને કૉંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે પ્રમાણિત કરવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે ટ્રમ્પે 6 જાન્યુઆરીએ વૉશિંગ્ટનમાં પોતાના ટેકેદારોને એકઠા કર્યા અને કૅપિટલને ઘેરી લેવા કહ્યું.
ટ્રમ્પના ટેકેદારોની રેલી એક હુલ્લડમાં ફેરવાઈ ગઈ જેના કારણે સાંસદો અને તેમના પોતાના વાઇસ-પ્રૅસિડન્ટ જોખમમાં મૂકાઈ ગયા. તેના કારણે ટ્રમ્પનું બીજી વખત ઐતિહાસિક ઇમ્પિચમેન્ટ થયું. આ વખતે પણ સૅનેટે તેમને છોડી દીધા, પરંતુ તેઓ માંડ-માંડ બચ્યા.
ટ્રમ્પે તે દિવસે જે કર્યું તે હવે બે ક્રિમિનલ કેસમાં કેન્દ્ર સ્થાને છે.
ટ્રમ્પનું પુનરાગમન

કૅપિટલ પર હુમલા પછી ટ્રમ્પની રાજકીય કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ હતી. ટ્રમ્પને ફંડ આપનારાઓ અને ટેકો આપનારાઓએ ટ્રમ્પને હવે ક્યારેય સમર્થન ન આપવાની વાત કરી. તેમના કેટલાક નજીકના સહયોગીઓએ તો જાહેરમાં તેમની સાથે છેડો ફાડ્યો.
તેમણે નવા રાષ્ટ્રપતિના શપથ સમારોહમાં પણ હાજરી ન આપી અને પોતાના પરિવારને લઈ ફ્લૉરિડા જતા રહ્યા. પરંતુ પોતાના ટેકેદારોની એક વફાદાર સેનાની મદદથી તેમણે રિપબ્લિકન પાર્ટી પર પોતાનો પ્રભાવ ટકાવી રાખ્યો.
ટ્રમ્પના રાષ્ટ્રપતિપદનો સૌથી મહત્ત્વનો નિર્ણય તેમની વિદાય પછી લાગુ થયો હતો. ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં ત્રણ જમણેરી ન્યાયાધીશોને નામાંકિત કર્યા હતા જેમણે એક રૂઢિવાદી બહુમતને મજબૂત બનાવ્યો જેમણે 50 વર્ષથી ચાલ્યા આવતા રાષ્ટ્રીય ગર્ભપાત અધિકારોને ખતમ કરવામાં મદદ કરી હતી.
2022ની મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ખરાબ દેખાવ માટે જવાબદાર ગણવામાં આવ્યા હોવા છતાં ટ્રમ્પે વધુ એક વખત રાષ્ટ્રપતિ પદ માટે મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી અને થોડા જ સમયમાં પોતાની પાર્ટીમાં સૌથી અગ્રેસર ઉમેદવાર બની ગયા.
તેમના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ સહિત લગભગ એક ડઝન વિરોધીઓએ તેમને પડકાર્યા, પરંતુ તેઓ બધા નિષ્ફળ રહ્યા. ટ્રમ્પે ડિબેટનો સ્ટેજ ટાળ્યો અને સીધા જો બાઇડનને નિશાન બનાવ્યા.
ટ્રમ્પે ચાર ક્રિમિનલ કેસમાં 91 ગંભીર આરોપોનો સામનો કરવાની સાથે સામાન્ય ચૂંટણીજંગની શરૂઆત કરી. પરંતુ કાનૂની કેસને વિલંબિત કરવાની તેમની વ્યૂહરચના ઘણા અંશે સફળ રહી છે. ત્રણ કેસ એવા છે જે ચૂંટણી પહેલાં નહીં ચાલે. આ ઉપરાંત તેમની સામે જે સૌથી નબળો આરોપ છે તે ન્યૂયોર્ક કેસમાં નવેમ્બરના અંત સુધી સુનાવણી ટાળવામાં આવી છે.
ગઈ 13મી જુલાઈએ પૅન્સિલ્વેનિયાના બટલર ખાતે એક ચૂંટણીસભા દરમિયાન એક 20 વર્ષીય બંદુકધારી યુવાને ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કર્યો હતો. થોમસ મૅથ્યૂ ક્રુક્સે પોતાની એઆર પ્રકારની રાઈફલથી આઠ રાઉન્ડ ફાયર કર્યા હતા. તેમાં ટ્રમ્પને જમણા કાન પર ગોળી વાગી હતી. જોકે, ટ્રમ્પના સુરક્ષાકર્મીઓએ બંદુકધારીને તાત્કાલિક ઠાર માર્યો હતો.
થોડા દિવસો પછી રિપબ્લિકન નેશનલ કન્વૅન્શનમાં પાર્ટીએ તેમના ભરપૂર વખાણ કર્યા અને સત્તાવાર રીતે તેમને સળંગ ત્રીજી વખત રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા. તેના કારણે જો બાઇડન સાથે તેમનો બીજી વખત સીધો મુકાબલો નક્કી થયો.
ડેમોક્રેટ નેતા બાઇડનની લોકપ્રિયતા ઘણી ઘટી ગઈ હતી. તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકાએ આર્થિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે પ્રગતિ કરી, પરંતુ ઊંચો ફુગાવો, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અને વિદેશનીતિની અરાજકતા જેવી સમસ્યાઓ પણ જોવા મળી.
જો બાઇડન રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી ખસી ગયા અને પોતાના ડૅપ્યુટી કમલા હૅરિસને આગળ કર્યા, ત્યાર બાદ ટ્રમ્પે તેમને પ્રશાસનની નિષ્ફળતાઓ સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો જેમાં તેમનો થોડી ઘણી સફળતા પણ મળી છે.
રાષ્ટ્રીય પોલમાં જાણવા મળ્યું છે કે કમલા હૅરિસે ઉદારવાદી મતદારો પર પોતાનો પ્રભાવ પાથર્યો છે અને લાખો ડૉલરનું ફંડ પણ એકત્ર કર્યું છે, પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ દિશામાં જશે તે નક્કી નથી.
ટ્રમ્પે પોતાના સમર્થકોને કહ્યું છે કે અમેરિકામાં ચૂંટણીની તારીખ 5 નવેમ્બર આપણા દેશના ઇતિહાસની સૌથી મહત્ત્વની તારીખ સાબિત થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













