‘તેમણે મને નગ્ન કરી, દરેક જગ્યાએ સ્પર્શ કર્યો અને બળાત્કારની ધમકી આપી’, પોલીસ અટકાયતમાં ટ્રાન્સજેન્ડર મહિલા સાથે થયેલો દુર્વ્યવહાર

- લેેખક, ઈબ્રત સાફો
- પદ, બીબીસી ન્યૂઝ ઉઝ્બેક
"તારું શરીર તો ઉત્તમ છે. તને કેવા પ્રકારનું સેક્સ ગમે છે?"
કેમિલા નોરોવા નામનાં 25 વર્ષનાં ટ્રાન્સજેન્ડર મહિલા, તેમને મધ્ય એશિયાના એક દેશ અને ભૂતપૂર્વ સોવિયેટ પ્રજાસત્તાક ઉઝ્બેકિસ્તાનમાં અટકાયતમાં લેવાયાં હતાં ત્યારે તેમની સાથે કેવી રીતે દુર્વ્યવહાર તથા જાતીય હુમલો કરવામાં આવ્યો હતો એ વિશે વાત કરતી વખતે દેખીતી રીતે વિચલિત હતાં.
તેઓ 17 વર્ષનાં હતાં ત્યારે રશિયા ગયાં હતાં, કારણ કે તેઓ લિંગ પરિવર્તનનું ઑપરેશન કરાવવા ઇચ્છતાં હતાં, પરંતુ તેમણે તેમનું ઉઝ્બેક નાગરિકત્વ જાળવી રાખ્યું હતું.
ઉઝ્બેકિસ્તાનમાં લિંગ પરિવર્તન કેટલું સરળ છે?

ઇમેજ સ્રોત, Kamilla Norova
ઉઝ્બેકિસ્તાનમાં આવી સર્જરી સામાન્ય નથી. કેટલા લોકોએ લિંગ પરિવર્તનનું ઑપરેશન કરાવ્યું છે તેના કોઈ આંકડા ઉપલબ્ધ નથી. પુરાવા સૂચવે છે કે લોકો દેશમાં હૉર્મોન થેરાપી લઈ શકે છે, પરંતુ લિંગ પરિવર્તનની સર્જરી ભાગ્યે જ થઈ શકે છે. જે ઉઝ્બેક લોકો આવી સર્જરી કરાવવા ઇચ્છતા હોય તેઓ રશિયા અથવા અન્ય દેશોમાં જવાનું પસંદ કરે છે.
પોતાના ઑપરેશન પછી કેમિલા ઉઝ્બેકિસ્તાનની રાજધાની તાશ્કંદ પાછાં ફર્યાં હતાં.
તેમને કહેવા મુજબ, તેમને ત્યાં ઉપજાવી કાઢેલા આરોપો હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં અને 25 દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવ્યાં હતાં. તેમણે જાતીય સતામણી, મારપીટ, જાનથી મારી નાખવાની ધમકીઓ અને આક્રમક તબીબી ચકાસણીનો સામનો કરવો પડ્યો હતો.
ઉઝ્બેકિસ્તાનમાં ટ્રાન્સ લોકોના અધિકાર એકેય કાયદામાં સમાવિષ્ટ નથી. જોકે, લોકોને, તેમની સર્જરી વિદેશમાં થઈ હોય તો પણ તેમના લિંગ પરિવર્તનની પુષ્ટિ કરતા નવા ઓળખપત્રો અથવા પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવે છે.
અમે કેમિલા સાથે ઑનલાઇન વાત કરી ત્યારે તેમણે તેમને તાશ્કંદમાં અટકાયત વખતે મળેલું ઓળખપત્ર દેખાડ્યું હતું. તેમાં તેમની જાતિ સ્ત્રી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેમિલા કહે છે, "મને મારું ડોમેસ્ટિક ઓળખપત્ર મળ્યું કે તરત જ મેં ટ્રાવેલ પાસપોર્ટ માટે અરજી કરી હતી. પાસપોર્ટ ઑફિસના વડાએ મને કહ્યું હતું કે તમારો ઇન્ટરવ્યૂ લેવો પડશે, કારણ કે વિદેશમાં રહેતી દરેક વ્યક્તિ સાથે આવી પ્રક્રિયા કરવામાં આવતી હતી."
કેમિલા સંમત થયાં હતાં અને તેમને ઇન્ટરવ્યૂ માટે તાશ્કંદમાં જિલ્લા પાસપોર્ટ ઑફિસના રૂમ નંબર ત્રણમાં લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાં તેમની મુલાકાત અંદાજે 25 વર્ષના બોબર નામના એક યુવાન પોલીસમૅન સાથે થઈ હતી.
કેમિલાના કહેવા મુજબ, બોબરે તેમનો ફોન ચેક કરવાનું શરૂ કર્યું હતું. તેમાં કેમિલાના સર્જરી પછીના ફોટોગ્રાફ્સ પણ હતા.
‘તેમણે મને છાતી દેખાડવા કહ્યું’
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"બોબરે કહ્યું હતું કે તારી પાસે શાનદાર શરીર છે. સુંદર સ્તનો છે. તને કેવા પ્રકારનું સેક્સ ગમે છે? તને બે પુરુષો સાથે સેક્સ માણવાનું ગમે છે?"
જોકે, કેમિલા જાતીય પ્રકૃતિ વિશેની આવી ટિપ્પણીઓથી ગુસ્સે થયાં હતાં. બોબરે તેમને "છાતી દેખાડવા કહ્યું હતું, જેથી એ તેમનાં સ્તનને સ્પર્શ કરી શકે." કેમિલાએ તેવું ન કર્યું, પરંતુ બોબરે તેમને સ્પર્શવા હાથ લંબાવ્યો ત્યારે કેમિલાએ તેના પર ફટકો માર્યો હતો. જોકે, બોબર તેમને સ્પર્શવા ઇચ્છતો હતો.
"એ પછી તેણે તેની નોટબુકમાંથી કાગળનો એક ટુકડો ફાઢ્યો અને તેના પર પોતાનો નંબર લખ્યો. તેણે એ નંબર મારા ફોનમાં ટાઇપ કરીને સેવ પણ કર્યો હતો. તેણે મને પૂછ્યું હતું કે હું ક્યાં રહું છું અને ત્યાં કોઈ હોટેલ છે કે કેમ. તેણે કહ્યું હતું કે "આપણે કોઈ હોટેલમાં મળી શકીએ" મેં તેને અવગણવાનો પ્રયાસ કર્યો હતો અને પૂછ્યું હતું કે મારો પાસપોર્ટ ક્યારે તૈયાર થશે. તેણે કહ્યું હતું કે સારું, આપણે એક હોટેલમાં મળીશું. પછી ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. હું રડવા લાગી. તેથી મને ત્યાંથી જવા દેવામાં આવી હતી."
કેમિલાને બાદમાં પાસપોર્ટ ઑફિસના વડાએ જણાવ્યું હતું કે બોબર પોલીસ દળના આતંકવાદ વિરોધી એકમનો કર્મચારી છે.
કેમિલાએ આપેલા નંબર મારફત બીબીસી ન્યૂઝ ઉઝ્બેકે બોબરનો સંપર્ક એક ચૅટઍપ દ્વારા કર્યો હતો અને તેની સામેના આક્ષેપોનો જવાબ માંગ્યો હતો. બીબીસીએ પાઠવેલો સંદેશો બોબરે વાંચ્યો હતો, પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો.
પોતાની સાથે થયેલા દુર્વ્યવહારથી ચોંકી ઉઠેલાં કેમિલાએ કાનૂની સલાહ લીધી હતી અને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તેમને અન્ય સરકારી ઑફિસમાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યાં હતાં.
સરકારી ઑફિસમાં તેમની મુલાકાત બે પુરુષ પોલીસ અધિકારીઓ સાથે થઈ હતી. કેમિલાને તેનો ફોન રિસેપ્શન લોકરમાં રાખવાનું કહેવામાં આવ્યું હતું અને તેમને ઉપરના માળે પૂછપરછ રૂમમાં લઈ જવામાં આવ્યાં હતાં. કેમિલા સાથે આવેલા દોસ્તો તથા પરિવારજનોને રૂમમાં જવા દેવાયા ન હતા.
કેમિલા કહે છે, "શરૂઆતમાં તો તેમનું વર્તન સભ્ય હતું, પરંતુ બાદમાં તેમણે મને ભયાનક વાતો કહેવાનું શરૂ કર્યું હતું."
‘તમે બધી વેશ્યાઓ છો’

ઇમેજ સ્રોત, Kamilla Norova
"તેમણે કહ્યું હતું કે બધી ટ્રાન્સવીમેન સમાન હોય છે. તમે બધી વેશ્યાઓ છો. તેમણે મારા પર આક્ષેપ કર્યો હતો કે ઉચ્ચ પદો પર બેઠેલા સંસદસભ્યો જેવા લોકો મારા પ્રેમી હોય છે. થોડીવાર પછી મેં પાણી માંગ્યું ત્યારે બે પૈકીના એકે મને કહ્યું હતું કે હું એક બોટલમાં પેશાબ કરીશ અને તમારે મારો પેશાબ પીવાનો છે. બીજાએ સવાલ કર્યો હતો કે 'તમે બોબર વિશે ફરિયાદ કેમ કરી'? તમારે તેનું પરિણામ ભોગવવું પડશે."
કેમિલાના કહેવા મુજબ, ધમકીઓ અને અપમાને ટૂંક સમયમાં હિંસક શારીરિક હુમલાનું સ્વરૂપ લીધું હતું. એક અધિકારીએ એક તબક્કે કેમિલાનું ગળું પકડ્યું હતું, તેમને દીવાલ તરફ ધક્કો માર્યો હતો. હોલ્સ્ટરમાંથી ગન કાઢી હતી અને કેમિલા રડતાં હતાં ત્યારે કહ્યું હતું, "અહીં તારું મોત થશે."
કેમિલા કહે છે, "પછી દરવાજો ખુલ્યો હતો. એક પુરુષ અને એક મહિલા અધિકારી અંદર આવ્યાં હતાં. હુમલાખોરે મને થપ્પડ મારવાનું શરૂ કર્યું હતું, મને ધક્કો માર્યો હતો અને ઊંચી એડીના પગરખાં પહેર્યાં હોવાથી સંતુલન ગુમાવતાં હું જમીન પર પડી ગઈ હતી. બાકીના લોકો હસતા હતા."
"હું ઊઠવાનો પ્રયાસ કરતી હતી ત્યાં તે મને ફરીથી મારવા લાગ્યો હતો. મેં મહિલા અધિકારીને વિનંતી કરી હતી કે તમે એક સ્ત્રી છો. એક પુરુષ એક સ્ત્રીને મારી રહ્યો છે એ તમને દેખાતું નથી? મહિલા અધિકારીએ કહ્યું હતું, તમે સ્ત્રી નથી. તમારા જેવા લોકોને મારી જ નાખવા જોઈએ."
વકીલ માટેની કેમિલાની અરજીઓની અવગણના કરવામાં આવી હતી. તેના બદલે વધારે પોલીસ અધિકારીઓ આવ્યા હતા અને કેમિલા સાથે દુર્વ્યવહાર ચાલુ રહ્યો હતો. પછી તેમને ધમકી આપવામાં આવી હતી અને ઉઝ્બેક ભાષામાં લખેલા દસ્તાવેજ પર સહી કરવા દબાણ કરવામાં આવ્યું હતું. કેમિલાને ઉઝ્બેક ભાષાનું મર્યાદિત જ્ઞાન હોવાથી દસ્તાવેજમાં શું લખ્યું છે તેનો ખ્યાલ આવ્યો ન હતો.
એ પછીની ઘટનાઓને યાદ કરતાં કેમિલા જણાવે છે, તેમને કોર્ટરૂમમાં ઉપરના માળે લઈ જવામાં આવ્યાં હતાં. કોર્ટરૂમમાં તેમના પર જે આરોપ મૂકવામાં આવ્યો હતો, એ જાણીને તેઓ ચોંકી ગયાં હતાં.
ન્યાયાધીશે એવું કહ્યું હતું કે કેમિલા શેરીમાં શંકાસ્પદ વર્તન કરતાં હતાં ત્યારે તેમને અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં અને તેમણે તેમની ઓળખ માટે પોલીસ અધિકારીઓ સાથે જવાનો ઇનકાર કર્યો હતો.
કેમિલાએ તે આરોપનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેમને 15 દિવસની જેલ સજા કરવામાં આવી હતી.
‘ફરિયાદ કરવાનો અધિકાર’

ઇમેજ સ્રોત, Reuters
કેમિલાના કહેવા મુજબ, જેલમાં આક્રમક, પીડાદાયક અને અપમાનજનક તબીબી પરીક્ષણ સાથે તેમની અગ્નિપરીક્ષા ચાલુ રહી હતી.
15 દિવસની મુદ્દતને અંતે તેમની સજા વધુ આઠ દિવસની, પોતાના દસ્તાવેજો મેળવવા અધિકારીને લાંચ આપવાના આરોપસર લંબાવવામાં આવી હતી. તે આરોપને કેમિલાએ નકારી કાઢ્યો હતો.
બીબીસી ન્યૂઝ ઉઝ્બેકે કેમિલાના આરોપોના વિગતવાર વર્ણન સાથે ઉઝ્બેકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને સવાલ કર્યો હતો કે આ કૃત્યમાં સંડોવાયેલા અધિકારીઓની તપાસ કરવામાં આવશે કે કેમ.
મંત્રાલયની પ્રેસ ઑફિસના વડાએ જવાબ આપ્યો હતો, "કાયદાનું અમલીકરણ કરતી એજન્સીઓના કામથી નારાજ નાગરિકોને એક નિશ્ચિત પ્રક્રિયા મારફત ફરિયાદ કરવાનો અધિકાર છે."
ઉઝ્બેકિસ્તાનમાં સામાન્ય રીતે ટ્રાન્સ લોકો અને એલજીબીટી પ્રત્યેનું લોકોનું વલણ ખૂબ જ નકારાત્મક છે. ટ્રાન્સ લોકોની પજવણી અને તેમને મારપીટ કરવાના વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે.
રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવે દેશમાં ધાર્મિક પ્રથાઓ સંબંધી સ્વાતંત્ર્ય આપ્યું એ પછી દેશમાં ઇસ્લામિક લાગણી વધી રહી છે. તેના પરિણામે ધાર્મિક બ્લોગર્સ અથવા ઇમામોએ એલજીબીટી લોકોની ખુલ્લેઆમ નિંદા શરૂ કરી છે.
ભયની લાગણી અનુભવતા ઘણા એલજીબીટી અથવા ટ્રાન્સ લોકો ઉઝ્બેકિસ્તાન છોડી જવાનું વિચારી રહ્યા છે.
કેમિલા 17 વર્ષનાં હતાં ત્યારે તેમણે મૉસ્કોમાં તેમની બહેન પાસે જવા દેશ છોડ્યો હતો. ત્યાં તેમણે બન્ને અંડકોષ દૂર કરવાની ઑર્કિએક્ટોમી સહિતની સર્જરી કરાવી હતી.
આરોપો પડતા મૂકાયા
કેમિલાએ રશિયામાં ગાયક અને ગીતકાર તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી ઇન્સ્ટાગ્રામ પર તેમના બે લાખથી વધુ ફૉલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર તેઓ તેમનાં પિક્ચર્સ અને મ્યુઝિક વીડિયોની ક્લિપ્સ પોસ્ટ કરે છે.
આખરે ઉઝ્બેક સત્તાવાળાઓએ કેમિલાને નવો પાસપોર્ટ આપ્યો છે, જેમાં તેમનું નવું જેન્ડર દર્શાવવામાં આવ્યું છે.
કેમિલાના જણાવ્યા મુજબ, તેમને કહેવામાં આવ્યું હતું કે તેમના પરના તમામ આરોપો રદ કરવામાં આવ્યા છે.
કેમિલા માને છે કે તમામ મુશ્કેલીઓ સહન કર્યા પછી તેમને ખુદને ગમે તેવી રીતે જીવન જીવવાનો અધિકાર છે.
કેમિલા કહે છે, "હવે હું મારો નાનો પરિવાર બનાવવા ઇચ્છું છું અને કાયદો પરવાનગી આપશે તો એક નાની છોકરીને દત્તક લેવી છે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












