ડોનાલ્ડ ટ્રમ્પે મોદીનાં વખાણ કર્યાં, પણ ભારત પર નિશાન સાધ્યું

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ આગામી અઠવાડિયે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
17 સપ્ટેમ્બરે મિશિગનના ફ્લિંટમાં એક ટાઉનહૉલ દરમિયાન રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ટ્રમ્પે કહ્યું, "આગામી અઠવાડિયે મોદી અમેરિકા આવી રહ્યા છે અને તેમની મુલાકાત થશે. તેઓ ઉમદા વ્યક્તિ છે."
ટ્રમ્પને ભારત સાથે મુક્ત વેપાર અને અમેરિકામાં નોકરીઓની સુરક્ષા મુદ્દે સવાલ કરાયો હતો. જોકે ટ્રમ્પે ચૂંટણીપ્રચાર દરમિયાન પીએમ મોદી સાથે મુલાકાત અંગે કોઈ માહિતી આપી નહોતી.
મોદી આ અઠવાડિયાના અંતમાં અમેરિકા જઈ રહ્યા છે.
મોદીનાં વખાણ, પણ ભારત પર નિશાન
રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના કાર્યકાળના અંતમાં ક્વાડ દેશોના નેતાઓને આમંત્રિત કર્યા છે.
ક્વાડ જૂથમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ભારત અને જાપાન છે.
જો બાઇડન પોતાનું અંતિમ ક્વાડ સમિટ ડેલાવેયરના વિલ્મિંગટનમાં કરવાના છે.
23 સપ્ટેમ્બરમાં પીએમ મોદી ન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં સમિટ ઑફ ધ ફ્યૂચરને પણ સંબોધન કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ટાઉનહૉલમાં ટ્રમ્પે પોતાના સમર્થકોને કહ્યું, "મોદી ઉમદા વ્યક્તિ છે. અનેક નેતાઓ ઉમદા છે. તેઓ સહેજ પણ પાછળ નથી. તેઓ પોતપોતાની ગેઇમમાં ટૉપ પર છે અને આપણી વિરુદ્ધ પોતાની નીતિઓનો ઉપયોગ કરે છે. પણ ભારત બહુ મુશ્કેલ છે. બ્રાઝીલ પણ મુશ્કેલ છે. હું તમને બધાને આ વાત કહી શકું છું."
ટ્રમ્પે ભલે પીએમ મોદીનાં વખાણ કર્યાં હોય પણ ભારતની નીતિઓની ટીકા પણ કરી છે.
ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકાથી આયાત થનારી વસ્તુઓ પણ ભારે ટૅક્સ લાદે છે અને ખુદ અમેરિકા નિકાસ કરે તો કોઈ ટૅક્સ માગતું નથી.
આ મામલે ટ્રમ્પે ભારતને નીતિઓનો દુરુપયોગ કરનાર દેશ ગણાવ્યો છે.
ટ્રમ્પની આ ટિપ્પણી મુદ્દે ભારતના પૂર્વ વિદેશ સચિવ અને રશિયામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા કંવલ સિબ્બલે લખ્યું છે, "ટ્રમ્પ હજુ પણ હાર્લી ડૅવિડસન મુદ્દે આત્મમુગ્ધ છે. અમેરિકા મુક્ત વેપારની વાત ત્યારે જ કરે છે, જ્યારે તે ગેઇમમાં ઉચ્ચ સ્થાને હોય. હાલમાં આ કેસ સંરક્ષણવાદીનો નથી. દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા જે ડૉલરના માધ્યમથી વૈશ્વિક નાણા વ્યવસ્થા પર કંટ્રોલ રાખે છે. તે ભારત સાથે બરાબરીની માગ કેવી રીતે કરી શકે? અમેરિકા માટે સમસ્યા ચીન છે, ભારત નહીં."
ભારત પર ટ્રમ્પનું બેવડું વલણ

ઇમેજ સ્રોત, Reuters
ટ્રમ્પ ભારત અંગે પહેલાં પણ બોલતા રહ્યા છે. ક્યારેક તેઓ પીએમ મોદીનાં વખાણ કરે છે, ક્યારેક ભારતની ટીકા કરે છે.
થોડા સમય અગાઉ જ્યારે ટ્રમ્પ પર હુમલો થયો ત્યારે પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી હતી.
અગાઉ 2016માં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ન્યૂ જર્સીમાં એક પ્રચારરેલીમાં ટ્રમ્પે કહ્યું હતું, "હું હિન્દુઓનો મોટો ફેન છું અને ભારતનો પણ બહુ મોટો ફૅન છું."
અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનને ટ્રમ્પે કહ્યું હતું, "ભારત બહુ સારું કરી રહ્યું છે, પણ કોઈ તેના અંગે વાત નથી કરતું."
ઑગસ્ટ 2019માં ફ્રાન્સમાં ટ્રમ્પ અને મોદી વચ્ચે મુલાકાત થઈ હતી.
આ દરમિયાન મીડિયા સામે પીએમ મોદીએ હિન્દીમાં કહ્યું હતું, "મને લાગે છે કે અમને બંનેને વાત કરવા દો અને જ્યારે જરૂર પડશે ત્યારે તમારા સુધી માહિતી પહોંચાડીશું."
તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું, "હકીકતમાં મોદી બહુ સારું અંગ્રેજી બોલે છે. બસ, તેઓ અંગ્રેજીમાં વાત નથી કરવા માગતા."
ફેબ્રુઆરી 2020માં જ્યારે ટ્રમ્પ ભારત આવ્યા ત્યારે અમદાવાદના સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ કર્યો હતો. ટ્રમ્પ અને મોદીએ અમદાવાદમાં એક મોટો રોડ શો કર્યો હતો.
તેના પહેલાં જ્યારે મોદી અમેરિકા ગયા ત્યારે 'હાઉડી મોદી' કાર્યક્રમ થયો હતો. આ કાર્યક્રમમાં પણ ટ્રમ્પે હાજરી આપી હતી.
ટ્રમ્પે જ્યારે ભારત પર નિશાન સાધ્યું

ઇમેજ સ્રોત, Reuters
2016થી 2020 સુધી અનેક વાર ટ્રમ્પે ભારત પર નિશાન સાધ્યું હતું.
હમણાં જુલાઈ 2024માં ટ્રમ્પે એક ચૂંટણીરેલીમાં કહ્યું હતું, "જો તમે ચીનમાં કંઈક બનાવવા માગો તો તેઓ ઇચ્છશે કે આપણે ચીજો અહીં બનાવીએ અને ત્યાં મોકલીએ. પછી તે તમારા પર 250 ટકા ટૅરિફ લગાવશે. અમે એ ઇચ્છતા નથી. પછી તમને આમંત્રણ આપશે કે આવો અને પોતાનો પ્લાન્ટ સ્થાપો. પછી આ કંપનીઓ ત્યાં જાય છે."
ટ્રમ્પે કહ્યું, "હાર્લી ડૅવિડસન સાથે પણ ભારતે આવું જ કર્યું. હાર્લી ડૅવિડસન 200 ટકા ટૅરિફ લગાવવાને કારણે પોતાની બાઇક ત્યાં વેચી ન શકી."
હાર્લી ડૅવિડસન દુનિયાની જાણીતી બાઇક કંપની છે.
આ કંપનીની બાઇક લાખો રૂપિયાની હોય છે અને સુપરબાઇક કહેવાતી હાર્લી ડૅવિડસન ધનિકોમાં ખાસ્સી લોકપ્રિય છે.
ટ્રમ્પે કહ્યું હતું,"મેં હાર્લી ડૅવિડસન કંપનીના વડાને પૂછ્યું હતું કે ભારતમાં તમારો વેપાર કેવો ચાલે છે. જવાબ મળ્યો કે સારો નથી ચાલતો. આપણે 200 ટકા ટૅરિફ કેમ આપી રહ્યા છીએ. બીજા શબ્દોમાં કહીએ તો જો આપણે બાઇક વેચીએ તો તેઓ આપણા પર આટલો વધુ ટૅક્સ લગાવે છે."
પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું, "મેં તેમને કહ્યું કે જો 200 ટકા ટૅરિફ લાગી રહ્યો છે તો તમે ત્યાં બાઇક નહીં વેચી શકો. પણ ભારતે હાર્લી ડૅવિડસનને પ્લાન્ટ માટે આમંત્રિત કરી હતી અને કંપની પણ ગઈ હતી. કંપની કદાચ પ્લાન્ટ સ્થાપી રહી છે. આ દેશ આ રીતે કામ કરે છે. હું તેના માટે ભારતને જવાબદાર નહીં ઠેરવું. હું એના માટે પોતાને જવાબદાર ગણું છું કે આપણે આવું થવા દીધું. હવે આગળથી આવું નહીં થાય."
જોકે ટ્રમ્પના અગાઉનાં નિવેદનો પર નજર કરીએ તો તેઓ ટૅરિફ મુદ્દે અલગ-અલગ દાવા કરતા આવ્યા છે.
જ્યારે ટ્રમ્પે મોદીને મિત્ર ગણાવ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images
2019માં ટ્રમ્પે કહ્યું હતું, "અમે મૂરખ દેશ નથી. તમે ભારતને જુઓ. નરેન્દ્ર મોદી મારા ખૂબ સારા મિત્ર છે. તમે જુઓ કે તેમણે શું કર્યું. અમારી મોટરસાઇકલ પર 100 ટકા ટૅક્સ લગાવે છે. અમને તેમના પર ટૅક્સ લગાવતા નથી. માત્ર એક ફોન પર મોદીએ ટૅક્સમાં 50 ટકાનો ઘટાડો કર્યો. આ હજુ પણ અસ્વીકાર્ય છે. ભારત તેના પર કામ કરી રહ્યું છે.
નવેમ્બર 2019માં ટ્રમ્પે પ્રદૂષણ મુદ્દે ભારત પર નિશાન સાધ્યું હતું.
એ સમયે ભારતના ઘણા ભાગોમાં હવાનો ગુણવત્તા સૂચકાંક ખતરનાક સ્તરે પહોંચી ગયો હતો.
ટ્રમ્પે કહ્યું હતું, "ભારત, ચીન અને રશિયાની ગંદકી વહીને લૉસ એન્જલસ સુધી પહોંચી ગઈ છે. તમને ખબર છે કે અહીં એક સમસ્યા છે. તુલનાત્મક રીતે આપણી પાસે જમીનનો નાનો ટુકડો છે. જો તમે ચીન, રશિયા અને ભારત જેવા અન્ય દેશો સાથે સરખામણી કરો તો તેઓ સફાઈ અને ધુમાડાને રોકવા કંઈ નથી કરતા. તેઓ તેમની ગંદકી સમુદ્રમાં ઠલવી રહ્યા છે અને તે લૉસ એન્જલસ સુધી પહોંચી રહી છે."
જોકે રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ટ્રમ્પે પાકિસ્તાન પર 'આતંકવાદને શરણ' આપવાનો આરોપ લગાવ્યો હતો. ભારત પણ આ જ વલણ અપનાવી રહ્યું છે.
ગલવાનમાં હિંસક અથડામણ બાદ પણ ટ્રમ્પે મધ્યસ્થીની વાત કરી હતી, જેને ભારતે ફગાવી દીધી હતી. ટ્રમ્પે આ મામલે ચીનને સાથ આપ્યો હતો.
અમેરિકા ચીનને પોતાનું પ્રતિસ્પર્ધી માને છે અને સમયાંતરે અન્ય રીતે ચીનને તેનો અહેસાસ કરાવતું રહે છે.
રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થતાં પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝા વ્યવસ્થામાં ઘણા ફેરફારો કર્યા હતા.
ટ્રમ્પના આ નિર્ણયથી સૌથી વધુ ભારતીયો પ્રભાવિત થયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












