ડોનાલ્ડ ટ્રમ્પ : એ સાત બાબતો જે વધારી શકે છે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિની મુશ્કેલીઓ

ઇમેજ સ્રોત, Reuters
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા એવા રાષ્ટ્રપતિ બની ગયા છે જેમના પર ફોજદારી આરોપો લગાવવામાં આવશે.
અત્યાર સુધી ન્યૂયૉર્કની ગ્રાન્ડ જ્યુરીએ તેમના પર લગાવવામાં આવેલા આરોપો જાહેર કર્યા નથી. તેથી એ ખબર પડી નથી કે તેમની વિરુદ્ધ ક્યા આરોપો લાગશે.
તેમના વિરુદ્ધ લાગેલા તમામ આરોપો સીલબંધ છે. મંગળવારે કોર્ટમાં કાર્યવાહી દરમિયાન તેમને ઔપચારિક રીતે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
જોકે, એમ લાગી રહ્યું છે કે આ કેસ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોર્નસ્ટારને પૈસા આપવા અંગેનો હોવાનો હોઈ શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાન દરમિયાન ટ્રમ્પના કહેવા પર એક પોર્નસ્ટારને પૈસા આપવામાં આવ્યા હતા. પોર્નસ્ટારે દાવો કર્યો હતો કે ટ્રમ્પ સાથે તેમના સંબંધ હતા અને તેમને એ મુદ્દે મોં બંધ રાખવા માટે પૈસા આપવામાં આવ્યા હતા.
જોકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ કેસની અસર ડોનાલ્ડ ટ્રમ્પની રાજનૈતિક કારકિર્દી પર પડશે? શું તેમાં ડોનાલ્ડ ટ્રમ્પને રાહત મળશે?

ઇન્ડિક્ટમૅન્ટ શું છે?
ગુરુવારે ન્યૂયૉર્કની ગ્રાન્ડ જ્યુરીએ ડોનાલ્ડ ટ્રમ્પને ‘ઇન્ડિક્ટ’ કરવા માટે મતદાન કર્યું.
ઇન્ડિક્ટમૅન્ટ (Indictment)નો અર્થ થાય છે - સત્તાવાર રીતે આરોપ લગાવવા. પ્રોસિક્યુટર્સ એવી વ્યક્તિ સામે આરોપો દાખલ કરે છે જે તેમની દૃષ્ટિએ દોષિત હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરોપપત્રમાં આરોપો વિશે વિગતવાર માહિતી સામેલ હોચ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર જે આરોપો લગાવવામાં આવી શકે છે તે ગંભીર અપરાધની શ્રેણીમાં આવતા પણ હોઈ શકે છે.
અમેરિકામાં તેને 'ફેલોની' કહેવામાં આવે છે. આ એવા ગુના છે જેમાં વ્યક્તિને એક વર્ષ કે તેથી વધુની કેદ થઈ શકે છે.
ગ્રાન્ડ જ્યુરી દ્વારા ગુપ્ત મતદાનના આધારે આરોપ નક્કી કરવામાં આવે છે. આ કેસમાં ન્યૂયૉર્ક સિટીની મૅનહૅટ્ટનની ગ્રાન્ડ જ્યુરીએ ટ્રમ્પ પર આરોપ લગાવવાનો નિર્ણય કર્યો છે.
ગ્રાન્ડ જ્યુરીએ નાગરિકોનું એક જૂથ છે જે સાક્ષીઓ તેમજ પ્રસ્તુત પુરાવાઓને ધ્યાનમાં લે છે અને ત્યાર પછી નક્કી કરવામાં આવે છે કે શું વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા માટે પૂરતા પુરાવા છે?

ઇમેજ સ્રોત, Getty Images
2. શું ટ્રમ્પની ધરપકડ થશે?
આરોપ લગાવ્યા પછી વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તે જરૂરી નથી.
પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પ્રોસિક્યુટર્સે ટ્રમ્પના વકીલોનો સંપર્ક કર્યો ત્યારે આ મુદ્દે કથિત રીતે વાટાઘાટ કરવામાં આવી હતી. એ પછી ટ્રમ્પની ટીમ અને અન્ય નિષ્ણાતોએ કહ્યું છે કે ટ્રમ્પ પોતે મંગળવારે આત્મસમર્પણ કરશે.
આત્મસમર્પણ બાદની કાર્યવાહી વિશે કોઈ માહિતી સામે આવી નથી. જોકે, કહેવાઈ રહ્યું છે કે તેમની સામે સામાન્ય પ્રક્રિયાને અનુસરીને તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.
ટ્રામ્પને હાથકડી લગાવીને પણ કોર્ટમાં લાવી શકાય છે. માનવામાં આવે છે કે તેઓ 'પર્પ વૉક' કરતા કોર્ટ જશે એટલે કે પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ તેમને પત્રકારો અને સામાન્ય નાગરિકોની ભીડ વચ્ચે કોર્ટમાં લાવવામાં આવશે. આ દરમિયાન તેમના હાથોમાં હાથકડી પણ હોઈ શકે છે.
જોકે ટ્રમ્પના વકીલનું કહેવું છે કે તે સમયે તેમનાં હાથો પર હાથકડી નહીં જ હોય.

3. 'પર્પ વૉક' શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ‘ઇન્ડિક્ટમૅન્ટ’ને મંજૂરી મળી ગઈ છે અને મંગળવારે તેઓ એના માટે ખુદ કોર્ટમાં રજૂ થવા જઈ રહ્યા છે. તો તેમણે ન્યૂયૉર્ક સિટી કોર્ટ બહાર કૅમેરા અને માઇક્રોફોન લઈને હાજર પત્રકારોની ભીડ વચ્ચેથી પસાર થવું પડશે.
આ પ્રક્રિયાને 'પર્પ વૉક' કહેવામાં આવે છે. અહીં અગ્રેજી શબ્દ Perpનો અર્થ Perpetrator એટલે કે અપરાધ કરનાર થાય છે.
કેટલાક શકમંદોને પોલીસ હાથકડી પહેરાવીને સાથે લઈ જાય છે. જ્યારે કેટલાક કિસ્સામાં આરોપી ખુદ આગળ ચાલીને કોર્ટમાં જાય છે.
ખાસ કેસોમાં આરોપીઓને હાથકડી પહેરાવીને કોર્ટ તરફ લઈ જવાતા હોય તેવાં દૃશ્યો યાદગાર બની જતાં હોય છે.
જ્યારે હોલીવૂડના જાણીતા પ્રોડ્યુસર હાર્વી વાઇનસ્ટીન પર બે મહિલાઓના બળાત્કાર અને તેમની સાથે અપરાધિક સેક્સનો આરોપ લાગ્યો હતો. ત્યારે ન્યૂયૉર્ક પોલીસ ડિપાર્ટમેન્ટે હાથકડી પહેરાવીને 'પર્પ વૉક' કરાવી હતી.
આ દરમિયાન લેવામાં આવેલી તસવીરો 'મી ટૂ મુવમેન્ટ'ની પ્રતીકાત્મક તસવીરો બની ગઈ.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'પર્પ વૉકની' અન્ય એક જાણીતી ઘટના આઈએમએફના વડા ડૉમિનિક સ્ટ્રૉસ-કાન સાથે જોડાયેલી છે. તેમના પર એક મહિલા હાઉસકિપરે યૌન શોષણ અને બળાત્કારના પ્રયાસનો આરોપ મૂક્યો હતો.
જ્યારે તેમને હાથકડી પહેરાવીને કોર્ટમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે તેઓ પરસેવે રેબઝેબ હતા અને અત્યંત થાકેલા જણાઈ આવતા હતા.
બાદમાં તેમણે કહ્યું હતું કે આ રીતે હાથકડી પહેરાવીને મીડિયા સામે પરેડ કરાવવી યોગ્ય નથી.
સ્ટ્રૉસ-કાને 2013માં આપેલા એક ઇન્ટરવ્યુમાં આ મામલે કહ્યું હતું, "જ્યાં સુધી તમારા વિરુદ્ધ ગુના સાબિત ન થઈ જાય ત્યાર સુધી તમને નિર્દોષ માનવા જોઈએ. પરંતુ તમને સૌની સામે એવી રીતે રજૂ કરવામાં આવે છે, જાણે તમને અપરાધી માની લેવામાં આવ્યા હોય. જોકે, સત્યની કોઈને ખબર જ નથી હોતી."
કોર્ટમાં થયેલી સુનાવણી બાદ તેમની પર લાગેલા આરોપો રદ કરી દેવાયા હતા. જોકે, તેમણે આઈએમએફમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને તેમના પર આરોપ લગાવનારી મહિલાને એક અજ્ઞાત રકમ આપીને સમજૂતી કરી લીધી હતી.
એ સંયોગ જ છે કે ટ્રમ્પના પૂર્વ સલાહકાર અને અમેરિકાના ઍટર્ની જનરલ રૂડી જુલિયાનીએ 1980 અને 1990ના દાયકામાં પર્પ વૉકના ચલણને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ આરોપીઓને હાથકડીમાં મીડિયા સમક્ષ લાવીને આ રીતે પર્પ વૉક કરાવવાથી થનારા ફાયદા વિશે જાણતા હતા.

4. અરેન્મૅન્ટ શું છે?

ઇમેજ સ્રોત, JUSTIN LANE/EPA-EFE/REX/SHUTTERSTOCK
જો આ કાર્યવાહી અત્યંત ઝડપી રહેશે તો ટ્રમ્પ વિરુદ્ધ આરોપો એટલે કે ‘અરેન્મૅન્ટ’ આાગામી મંગળવારે જ લગાવવામાં આવી શકે છે. આવું પહેલી વખત થશે જ્યારે ટ્રમ્પ પર લાગેલા આરોપો ખુલ્લી કોર્ટમાં જાહેરમાં વાંચવામાં આવશે.
કોર્ટમાં ટ્રમ્પ કે તેમના વકીલ સામે આવશે, ટ્રમ્પને પૂછવામાં આવશે કે તેમણે ગુનો કર્યો છે કે નહીં. તે સમયે પ્રતિવાદી કોર્ટને કહેશે કે તેઓ દોષિત છે કે નહીં.
આ દરમિયાન કોર્ટરૂમમાં કૅમેરા હોઈ શકે છે. પણ એ જજની પરવાનગી પર આધાર રાખે છે.
તેમના ‘અરેન્મૅન્ટ’ બાદ એટલે કે તેમના પરા આરોપ લાગી ગયા બાદ તેમની પાસે આશા રાખવામાં આવશે કે તેઓ ત્યાંથી જવા માટે વાયદો કરે. તેમને એક બૉન્ડ ભરવો પડી શકે છે અને સાથે જ વાયદો કરવો પડી શકે છે કે સુનાવણી માટે તેમને જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે તેઓ કોર્ટમાં હાજર રહેશે.
અમેરિકન મીડિયા અનુસાર ‘ઇન્ડિક્ટમૅન્ટ’માં માત્ર અહિંસક અપરાધ માટેના આરોપો હશે. કાયદા પ્રમાણે પ્રોસિક્યુટર્સ એમ ન કહી શકે કે આવા કેસમાં વ્યક્તિને જામીન પર રાખવામાં આવે.

5. ટ્રમ્પ પર કયા આરોપો છે?

ઇમેજ સ્રોત, Reuters
સત્તાવાર રીતે અમને એ ખ્યાલ નથી કે ટ્રમ્પ કયા આરોપોનો સામનો કરી રહ્યા છે પરંતુ એ ખ્યાલ છે કે તેમના વિરુદ્ધ પોતાના પૂર્વ વકીલ માઇકલ કોહેનને પૈસા આપવા મામલે તપાસ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોહેને એ પૈસા 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં પોર્નસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને આપ્યા હતા.
સ્ટૉર્મી ડેનિયલ્સે દાવો કર્યો હતો કે 2006માં ટ્રમ્પે તેમની સાથે યૌનસંબંધ બાંધ્યો હતો. એ વિશે મોં બંધ રાખવા માટે તેમને પૈસા આપવામાં આવ્યા હતા.
તેમને કરાયેલી ચૂકવણી ગેરકાયદે નહોતી પરંતુ પ્રોસિક્યુટર્સનું કહેવું છે કે જ્યારે ટ્રમ્પે કોહેનને પૈસા આપ્યા તો રેકૉર્ડમાં તેનો ઉલ્લેખ કાયદાકીય ફી તરીકે કરવામાં આવ્યો હતો. તેનો અર્થ એ છે કે ટ્રમ્પ પોતાના બિઝનેસ રેકૉર્ડમાં ગેરરીતિ આચરી રહ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે એક મોટી રકમ કથિત રીતે પ્લેબૉય મૉડલ કૅરન મૅકડૉગલને આપવામાં આવી હતી. તેમણે પણ દાવો કર્યો હતો કે ટ્રમ્પના તેમની સાથે સંબંધ હતા.
6. અન્ય સંભવિત આરોપો કયા હોઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પ પર લગાવવામાં આવનારા આરોપો હાલ સીલબંધ કવરમાં છે. જોકે, તેને લઈને અટકળો તેજ છે. અન્ય કેટલાક મામલે પણ તેમના પર આરોપો લગાવવામાં આવી શકે છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર્યા બાદ ટ્રમ્પે પોતાના સમર્થકોને 'ફાઇટ લાઇક હૅલ'ની અપીલ કરીને ભાષણ આપ્યું હતું. તે ભાષણ બાદ છ જાન્યુઆરી 2021ના રોજ તેમના સેંકડો સમર્થકો કૅપિટોલ હિલમાં ઘૂસી ગયા હતા. અત્યાર સુધી સ્પષ્ટ નથી કે ટ્રમ્પ વિરુદ્ધ આ આરોપ મૂકવામાં આવશે કે નહીં.
અન્ય એક આરોપ ટ્રમ્પના ફ્લોરિડાસ્થિત ઘરમાંથી મળી આવેલા ક્લાસિફાઇડ ડૉક્યુમેન્ટ્સ સાથે જોડાયેલો હોઈ શકે છે. તેમાં તપાસમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાવી શકાય તેમ છે.
ટ્રમ્પ પર 2020માં જો બાઇડનની જીત બદલવા માટે દક્ષિણમાં આવેલા રાજ્ય જ્યૉર્જિયાના અધિકારીઓ પર દબાણ ઊભું કરવાનો પણ આરોપ છે.

7. શું 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે ટ્રમ્પ?

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રશ્નનો જવાબ છે, હા. તેઓ 2024ની ચૂંટણી લડી શકશે.
આરોપ સિદ્ધ થવા કે આરોપ લાગ્યા બાદ પણ જો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માગે તો લડી શકે છે.
અમેરિકન સંવિધાન અનુસાર, રાષ્ટ્રપતિપદના ઉમેદવારનો ગુનાહિત ઇતિહાસ ચોખ્ખો હોવો જરૂરી નથી.
આ પહેલાં પણ અમેરિકન અધિકારીઓ પર મહાભિયોગ થઈ ગયો છે અને તેઓ મોટા-મોટા ગુનાઓ પણ દોષિત સાબિત થઈ ચૂક્યા છે.
જોકે, ત્યાર પછી તેઓ એ પદ પર ક્યારેય પાછા લાવવામાં આવ્યા નથી. પરંતુ અમેરિકન સૅનેટે મહાભિયોગના બે મામલામાં ટ્રમ્પને છોડી દીધા હતા.
બીબીસી નૉર્થ અમેરિકા સંવાદદાતા ઍન્થની જર્ચર કહે છે, "અમેરિકન કાયદામાં કોઈ બાબત એવી નથી કે જે કોઈ ઉમેદવારને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે અભિયાન ચલાવવા અને રાષ્ટ્રપતિ બનવાથી રોકી શકે. અહીં સુધી કે એ વ્યક્તિ જેલમાંથી પણ આ કામ કરી શકે છે."














