સંસદમાં હિંસા ટ્રમ્પના રાજકીય વારસાને કેવી રીતે અસર કરશે?

અમેરિકાની સંસદ પર ટ્રમ્પ સમર્થકોનો હુમલો અને હિંસા

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, એન્થની જર્ચર
    • પદ, ઉત્તર અમેરિકા સંવાદદાતા

ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ આ રીતે પૂરો થઈ રહ્યો છે. કોઈ ધમાલ સાથે નહીં, પણ ધડાકા સાથે.

ટ્રમ્પ ઘણા સપ્તાહોથી છઠ્ઠી જાન્યુઆરીનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમણે તેમના ટેકેદારોને પાટનગર વોશિંગ્ટન ડીસી આવવાનું અને સંસદને પડકારવાનું કહ્યું હતું. એ ઉપરાંત નવેમ્બરની ચૂંટણીના પરિણામને રદ્દ કરવાનું તેમણે ઉપ-રાષ્ટ્રપ્રમુખ માઈકલ પેન્સને જણાવ્યું હતું.

બુધવારે સવારે રાષ્ટ્રપ્રમુખ અને તેમના વક્તાઓએ શરૂઆત કરી હતી.

રાષ્ટ્રપ્રમુખના અંગત વકીલ રુડી જ્યુલિયાનીએ ચૂંટણીનો વિવાદ 'ટ્રાયલ બાય કોમ્બેટ' વડે ઉકેલવાની વાત કરી હતી.

ટ્રમ્પના સૌથી મોટા દીકરાએ પણ તેમના પક્ષના સભ્યોને આવો જ સંદેશો આપ્યો હતો.

તેમણે કહ્યું હતું કે "આ એ લોકોની રિપબ્લિકન પાર્ટી નથી. આ ડોનલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી છે."

એ પછી રાષ્ટ્રપ્રમુખે વધતી ભીડને વાઈટ હાઉસથી બે માઈલ દૂર સંસદ ભવન તરફ કૂચ કરવા ઉશ્કેરી હતી. રાષ્ટ્રપ્રમુખની ઉશ્કેરણીને કારણે ભીડમાંના લોકો "ચોરી રોકો" અને "બકવાસ" જેવા નારા લગાવી રહ્યા હતા.

રાષ્ટ્રપ્રમુખે કહ્યું હતું, "આપણે હાર ક્યારેય માનીશું નહીં. ક્યારેય હાર નહીં સ્વીકારીએ. આપણા દેશે બહુ સહન કર્યું છે. બસ, બહુ થયું."

રાષ્ટ્રપ્રમુખનું ભાષણ પૂરું થતાંની સાથે જ સંસદની અંદર એક અલગ પ્રકારનો ડ્રામા શરૂ થયો હતો. સંસદના સંયુક્ત સત્રમાં દરેક રાજ્યના પરિણામની રજૂઆત થઈ રહી હતી.

અમેરિકાની સંસદ પર ટ્રમ્પ સમર્થકોનો હુમલો અને હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

પહેલાં પેન્સે એવું નિવેદન આપ્યું હતું કે તેમના પાસે વધુ સત્તા નથી અને તેમની ભૂમિકા પ્રક્રિયાત્મક વધારે છે.

એ પછી રિપબ્લિકન નેતાઓએ એરિઝોનાની ચૂંટણી સંબંધે પોતાનો પ્રથમ વાંધો રજૂ કર્યો હતો. એ રાજ્યમાં જો બાઈડનની જીતનો સ્વીકાર કરવો જોઈએ કે નહીં એ વિશે અલગ ચર્ચા ગૃહમાં ચર્ચા શરૂ થઈ હતી.

ગૃહની કાર્યવાહીમાં ઘણી ધમાલ થઈ હતી. બન્ને પક્ષના લોકો પોતપોતાના વક્તાઓની ટિપ્પણીઓ બાબતે ખુશાલી વ્યક્ત કરતા હતા.

નવા ચૂંટાયેલા સંસદસભ્ય લોરેન બોબર્ટે કહ્યું હતું, "મેં ગયા રવિવારે બંધારણના પાલન તથા સમર્થનના શપથ લીધા છે એટલે ખોટી વાત સામે વાંધો લેવાનું મારા માટે જરૂરી છે."

"હું લોકોની અવગણના થવા દઈશ નહીં."

સેનેટમાં અલગ જ સ્વરૂપમાં ચર્ચા ચાલી રહી હતી. સેનેટના બહુમતી નેતા મિચ મેક્કોનલ કાળા રંગનો સૂટ અને ટાઈ પહેરીને બેઠા હતા, જે કોઈની અંતિમક્રિયા માટે એકદમ યોગ્ય હોય છે. તેઓ ડોનલ્ડ ટ્રમ્પને 'દફનાવવા' આવ્યા હતા, તેમને વખાણવા નહીં.

અમેરિકાની સંસદ પર ટ્રમ્પ સમર્થકોનો હુમલો અને હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાની સંસદ પર ટ્રમ્પ સમર્થકોનો હુમલો અને હિંસા

તેમણે કહ્યું હતું, "આ ચૂંટણીને હારેલા પક્ષ તરફથી કરવામાં આવેલા આક્ષેપોને આધારે જ રદ્દ કરવામાં આવશે તો આપણું લોકતંત્ર મોતના કૂવામાં પ્રવેશ કરશે."

"એ પછી સમગ્ર દેશ સ્વીકારી શકે એવી કોઈ ચૂંટણી જ નહીં જોવા મળે. દર ચાર વર્ષે સત્તા માટે કોઈ પણ સંજોગોમાં આવી ખેંચતાણ થશે."

ડ્રામા ધીમેધીમે શરૂ થયો હતો. પ્રદર્શનકર્તાઓ સંસદ ભવનનાં પગથિયાં પર નાચતા હોય અને ઝંડા લહેરાવતા હોય તેવાં દૃશ્યો ટેલિવિઝન પર પ્રસારિત થયાં હતાં. બિલ્ડિંગમાં ઘૂસેલા તોફાનીઓના ફોટોગ્રાફ્સ અને વીડિયો સોશ્યલ મીડિયા પર આવવાં શરૂ થયા હતાં. તોફાનીઓ ચૂંટાયેલા સભ્યોની ઓફિસોમાં ઘૂસવાના પ્રયાસ કરતા હતા. એ ઉપરાંત સંસદના નીચલા ગૃહમાં સલામતી અધિકારીઓએ તેમની બંદૂકો બહાર કાઢી હોવાની તસવીરો પણ પ્રકાશિત આવી હતી.

અમેરિકાની સંસદ પર હુમલો

ઇમેજ સ્રોત, Reuters

ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન વિલમિંગટન, ડેલાવેરમાં અર્થતંત્ર બાબતે ભાષણ આપવાના હતા. એ ભાષણ નહીં આપીને તેમણે વોશિંગ્ટનમાં થઈ રહેલા 'બળવા'ની નિંદા કરી હતી.

તેમણે કહ્યું હતું, "અત્યારે આપણે લોકતંત્ર પર અભૂતપૂર્વ હુમલો થઈ રહ્યો છે. એવો હુમલો આપણે આધુનિક સમયમાં ક્યારેય જોયો નથી. સ્વતંત્રતાની ઓળખ ગણાતી સંસદ પર હુમલો."

અંતમાં તેમણે ટ્રમ્પને પડકારતાં જણાવ્યું હતું કે તેમણે ટીવી પર જઈને હિંસાની ટીકા કરવી જોઈએ અને હિંસાની રોકવાની માગ કરવી જોઈએ.

થોડી મિનિટો પછી ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો હતો, પણ એ બાઈડને સૂચવ્યા મુજબનો ન હતો.

તેને બદલે ટ્રમ્પે ચૂંટણી સંબંધી તેમની જૂની ફરિયાદો કરતાં તેમના ટેકેદારોને કહ્યું હતું, "આપ ઘરે જાઓ. અમે આપને પ્રેમ કરીએ છીએ. તમે બહુ ખાસ છો."

line

સોશ્યલ મીડિયાનો ટ્રમ્પ પર પ્રતિબંધ

ટ્રમ્પ અને માઇક પેન્સ

ઇમેજ સ્રોત, Getty Images

આ નિવેદન ટ્રમ્પે તેમના ટેકેદારોના અપરાધો બાબતે અગાઉ આપેલા પ્રતિભાવ જેવું જ હતું. એ ટેકેદારોની રેલીમાં હિંસાની ઘટના હોય કે પછી શાર્લેટવિલેમાં શ્વેત સર્વોચ્ચવાદીઓની રેલીમાં ઝપાઝપી પછી 'બન્ને બાજુ સારા લોકો' જેવાં નિવેદન હોય કે પછી બાઈડન સાથેની તેમની પહેલી જાહેર ચર્ચામાં કટ્ટર જમણેરી છોકરાઓના જૂથને તેમણે આપેલો 'સ્ટેન્ડ બેક, સ્ટેન્ડ બાય'નો સંદેશ હોય.

ટ્રમ્પે તેમના ટેકેદારોને વખાણતી બે ટ્વીટ કરી હતી. તેને ટ્વિટરે હટાવી દીધી હતી અને રાષ્ટ્રપ્રમુખનું અકાઉન્ટ 12 કલાક માટે લોક કરી દીધું હતું. આવું અગાઉ ક્યારેય થયું ન હતું.

ફેસબૂકે પણ એવું જ કર્યું હતું અને ટ્રમ્પ પર આખા દિવસ માટે પ્રતિબંધ લાદ્યો હતો.

ટ્રમ્પને સોશ્યલ મીડિયા સાથે લાંબા સમયથી ગાઢ સંબંધ રહ્યો છો, પણ તેમને તેમના કાર્યકાળમાં આ રીતે પહેલીવાર ચૂપ કરી દેવામાં આવ્યા હતા.

ડોનલ્ડ ટ્રમ્પ માટે આ ક્ષણો 'તમારામાં શરમ જેવું કંઈ બચ્યું છે કે નહીં' એવા પ્રકારની હોય તો એ ક્ષણો કેપિટલ હિલમાં લોહી અને કાચની કરચો સાફ કરવામાં આવી રહી છે ત્યારે આવી છે.

બપોરની સાંજ થઈ અને આખરે પોલીસ સંસદ ભવનની સલામતી સુનિશ્ચિત કરવામાં સફળ થઈ ત્યારે બન્ને બાજુથી હિંસાનો વિરોધ શરૂ થયો હતો.

ચક શૂમર જેવા ડેમોક્રેટ પક્ષના સભ્યએ પણ હિંસા માટે ટ્રમ્પને દોષી ઠરાવ્યા, એ વાત આશ્ચર્યજનક નહીં લાગે.

ચક શૂમરે કહ્યું હતું, "છઠ્ઠી જાન્યુઆરી અમેરિકાના ઈતિહાસમાંના સૌથી વધુ કાળા દિવસો પૈકીનો એક દિવસ હશે. લોકોની લાગણીને ઉશ્કેરતા રાષ્ટ્રપ્રમુખને કારણે, તેમના ટેકેદારોને કારણે, તેમનામાં ભરોસો કરતા લોકોને કારણે અને તેમના જુઠ્ઠાણાંનો વારંવાર પુનરોચ્ચાર કરીને અમેરિકાને બરબાદીના રસ્તે ધકેલી રહેલા ગુલામ મીડિયાને કારણે શું થઈ શકે તેની આપણા દેશને આ અંતિમ ચેતવણી છે."

line

રિપબ્લિકનો પણ કરી રહ્યા છે ટ્રમ્પની ટીકા

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

નોંધપાત્ર વાત એ છે કે રિપબ્લિકનો પણ આવું જ કહી રહ્યા છે.

ટ્રમ્પનાં ટીકાકાર અને રિપબ્લિકન પક્ષના સંસદસભ્ય લિન ચિનેયે એક ટ્વીટમાં કહ્યું હતું, "બંધારણીય ફરજ બજાવતા રોકવા માટેનો હિંસક ભીડનો એક હુમલો આપણે હમણાં જ નિહાળ્યો છે. રાષ્ટ્રપ્રમુખે જ આ ભીડ બનાવી છે, આ ભીડને ઉશ્કેરી છે અને આ ભીડને સંબોધન કર્યું છે તેમાં કોઈ શંકા નથી."

ટ્રમ્પના ટીકાકારો જ નહીં, તેમને મોટાભાગે ટેકો આપતા રહેલા સંસદસભ્ય ટીમ કોટને પણ ટ્રમ્પવિરોધી નિવેદન કર્યું હતું.

તેમણે કહ્યું હતું, "ઘણો સમય થઈ ગયો છે. રાષ્ટ્રપ્રમુખે ચૂંટણીનું પરિણામ હવે સ્વીકારી લેવું જોઈએ. તેમણે અમેરિકાના લોકોને ભ્રમિત કરવાનું છોડી દેવું જોઈએ અને હિંસક ભીડને વખોડવી જોઈએ."

મિલાનિયા ટ્રમ્પનાં સ્ટાફ પ્રમુખ સ્ટેફની ગ્રીશમ અને વાઈટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સારાહ મેથ્યૂસે વિરોધમાં રાજીનામાં આપી દીધાં હતાં. આગામી 24 કલાકમાં અનેક વહીવટી અધિકારીઓ રાજીનામાં આપી દેશે તેવા સમાચાર પણ આવી રહ્યા છે.

સીબીએસ ન્યૂઝના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના કેબિનેટ અધિકારી અમેરિકન બંધારણના 25મા સુધારા બાબતે ચર્ચા કરી રહ્યા છે. ઉપ-રાષ્ટ્રપ્રમુખ અને કેબિનેટ રાષ્ટ્રપ્રમુખને અસ્થાયી સ્વરૂપે કઈ રીતે હટાવી શકે તેની જોગવાઈ એ સુધારામાં છે.

ઉપ-રાષ્ટ્રપ્રમુખ પેન્સ તથા કેબિનેટ એ સુધારાના અમલની દિશામાં આગળ વધે કે ન વધે, પણ ટ્રમ્પનો કાર્યકાળ બે સપ્તાહમાં પૂરો થઈ જશે. રિપબ્લિકન પક્ષ સત્તા ગૂમાવી ચૂક્યો છે, વાઈટ હાઉસ ગૂમાવી ચૂક્યો છે અને તેના એક ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખની ઈમેજ સંપૂર્ણપણે ખરડાઈ ચૂકી છે, પણ ટેકાદારોના એક વર્ગમાં તેઓ સારો પ્રભાવ ધરાવે છે. આ સંજોગોમાં રિપબ્લિકન પક્ષના નેતાઓ સામે ભવિષ્યનો સવાલ સર્જાયો છે.

line

ટ્રમ્પની ચૂપકીદી

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

બુધવારની ઘટનાઓ પછી પક્ષની દિશા માટે એક લડાઈ શરૂ થઈ શકે છે, કારણ કે પક્ષની અંદરના લોકો જ ટ્રમ્પ તથા તેમના વફાદારો પાસેથી નિયંત્રણ છીનવવાના પ્રયાસ કરી રહ્યા છે.

મેક્કોનલે આજે કરેલા નિવેદનમાં પણ એ જોવા મળે છે. એમના સિવાય યૂટાના સંસદસભ્ય અને રાષ્ટ્રપ્રમુખપદના ભૂતપૂર્વ ઉમેદવાર મિટ રોમની પણ નેતૃત્વની ભૂમિકામાં આવી શકે છે.

તેમને ટ્રમ્પના લોકલોભામણા રાજકારણમાં રસ ધરાવતા પક્ષના બીજા લોકો પડકારી શકે છે.

નોંધપાત્ર વાત એ છે કે ચૂંટણીના પરિણામને પડકારવાની જાહેરાત સેનેટમાં જેમણે સૌથી પહેલાં કરી હતી તે મિસૂરીના સંસદસભ્ય જોશ હોલે, કેપિટલ હિલમાં હિંસા બાદ સંસદની કાર્યવાહી શરૂ થઈ ત્યારે પણ તેમના વિરોધમાં અડગ રહ્યા હતા.

દરેક સંકટ એક રાજકીય તક લઈને આવતું હોય છે અને અનેક નેતાઓ એવા છે જે આ તકનો લાભ લેવાનું ચૂકશે નહીં.

ડોનલ્ડ ટ્રમ્પ હજુ પણ સત્તા પર છે. જોકે, હાલ તેઓ ચૂપ હશે. વાઈટ હાઉસમાં પોતાના સોશ્યલ મીડિયા વિના બેસીને ટીવી જોતા હશે, પણ તેઓ લાંબો સમય ચૂપ રહેશે નહીં.

તેઓ તેમના ફ્લોરિડામાંના નવા ઘરે જવા માટે વાઈટ હાઉસમાંથી નીકળશે ત્યારે હિસાબ ચૂકતે કરવાનું કામ શરૂ કરી શકે છે. હાલ તો તેમનો રાજકીય વારસો બરબાદ થઈ ગયો છે, પણ તેઓ કદાચ ફરી સત્તા પર આવશે તો નવા રાજકીય વારસો બનાવી શકશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો