અમેરિકામાં કેમ મહત્ત્વની છે સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા?

- લેેખક, પ્રવીણ શર્મા
- પદ, બીબીસી ગુજરાતી માટે
સપ્તાહો ચાલેલી ખેંચતાણ બાદ અમેરિકાની જનરલ સર્વિસ ઍડમિનિસ્ટ્રેશન (જીએસએ) સમક્ષ એ બાબત સ્પષ્ટ અને સુનિશ્ચિત થઈ ગઈ છે કે ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મળી ગઈ છે.
બીજી તરફ હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નવા પ્રશાસન માટેની સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા એટલે કે ટ્રૅન્ઝિશન શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. એટલે બાઇડન પ્રશાસન માટે સત્તા હસ્તાંતણની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પર બેસવાની તૈયારી ઘણી જટિલ અને અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે.

રાષ્ટ્રપતિની સત્તાનું હસ્તાંતરણ શું હોય છે?

ઇમેજ સ્રોત, Reuters
રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ચૂંટણી વિજય અને શપથ સમારોહ વચ્ચેના સમયને ટ્રૅન્ઝિશન એટલે કે સત્તાના હસ્તાંતરણનો સમયગાળો કહેવામાં આવે છે.
આ હસ્તાંતરણ ચૂંટાયેલા રાષ્ટ્રપતિની નૉન-પ્રૉફિટ ટ્રૅન્ઝિશન ટીમ કરે છે. આ ટીમ કૅમ્પેન ટીમથી અલગ હોય છે અને તેનો પોતાનો સ્ટાફ અને બજેટ હોય છે.
જવાહરલાલ નહેરુ યુનિ.ના સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર કે. પી. વિજયલક્ષ્મી જણાવે છે, "અમેરિકામાં તમામ રાજ્યોમાં 24 ડિસેમ્બર સુધી તમામ પરિણામોને સર્ટિફાઈ કરવા જરૂરી છે. 20 જાન્યુઆરીએ ઇનૉગ્યુરેશન દિવસ છે."
પ્રો. વિજયલક્ષ્મી કહે છે, "અમેરિકામાં જનરલ સર્વિસ ઍડમિનિસ્ટ્રેશન એજન્સી ઔપચારિક રીતે ટ્રૅન્ઝિશન પ્રોસેસને શરૂ કરે છે અને ચૂંટાયેલા રાષ્ટ્રપતિની ટીમને મદદ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન નવા આવનારા રાષ્ટ્રપતિ પોતાની કૅબિનેટ નક્કી કરે છે."
પૂર્વ રાજદૂત અને ગેટવે હાઉસના ડાયરેક્ટર નીલમ દેવી કહે છે, "અમેરિકામાં ભારતની જેમ એક ચૂંટણી પંચ નથી. ત્યાં દરેક રાજ્ય મતગણતરી કરે છે અને તેનાં પરિણામ જાહેર કરે છે. હાલ ટ્રમ્પે ત્યાં હાર નથી સ્વિકારી એટલે નવા રાષ્ટ્રપતિના આવવાની પ્રક્રિયા એકદમ સ્પષ્ટ અને નક્કર હોય એ જરૂરી છે. આથી ટ્રૅન્ઝિશન પ્રોસેસ ઘણી મહત્ત્વની છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, JIM WATSON
વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને અમેરિકી મામલોના જાણકાર ડૉ. જી. બાલાચંદ્રન સામાન્ય ભાષામાં આ સમગ્ર પ્રક્રિયા વિશે જણાવે છે.
તેઓ કહે છે, "20 જાન્યુઆરી સુધી ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે અને તેઓ જે ઇચ્છે તે કરી શકે છે. રાત્રે 12 વાગ્યે 21 જાન્યુઆરી શરૂ થશે તે સાથે જ રાષ્ટ્રપતિ જો બાઇડન થઈ જશે. અમેરિકા કોઈ નાનો મોટો દેશ નથી. અફઘાનિસ્તાન, ઇરાક સહિતના કેટલાક દેશોમાં તેમનો ઍક્શન પ્લાન ચાલી રહ્યો છે."
"આથી રાષ્ટ્રપતિ બનતા પહેલાં જ બાઇડનને વિશ્વભરમાં ચાલતી બાબતો અને અમેરિકાના કામકાજની જાણકારી પહેલાંથી જ હોવી જોઈએ. જો છેલ્લી ઘડીએ તેમની સામે બાબતો મૂકવામાં આવશે તો તેમને નિર્ણયો લેવામાં મુશ્કેલી થશે."
તેઓ વધુમાં કહે છે, "આથી રાષ્ટ્રપતિ બન્યા બાદ બાઇડન સમક્ષ કોઈ પ્રકારની સમસ્યા ન આવે અને સત્તાનું હસ્તાંતરણ સરળતાથી થઈ શકે એટલા માટે તમામ જાણકારી તેમને અને તેમની ટીમને હોવી જોઈએ."
ડૉ. બાલચંદ્રન કહે છે, "સીઆઈએ અને બીજી એજન્સી પાસેથી બધી ખુફિયા અને મહત્ત્વની માહિતીઓની જાણકારી તેમને આપવામાં આવી રહી છે."

ટ્રૅન્ઝિશન પ્રક્રિયા કેમ હાથ ધરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રો. વિજયલક્ષ્મી કહે છે, "ટ્રૅન્ઝિશન પ્રોસેસ એટલા માટે કરવામાં આવે છે જેથી 3 નવેમ્બરે ચૂંટણી થવાથી 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લેતાની સાથે જ કામ શરૂ કરી શકે. સાથે જ વચ્ચેના સમયગાળામાં કામ અટકવા ન જોઈએ. આથી આ પ્રક્રિયા થોડી લાંબી ચાલે છે."
પાર્ટનરશિપ ફૉર પબ્લિક સર્વિસનું સેન્ટર ફૉર પ્રેસિડેન્શિયલ ટ્રૅન્ઝિશન અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને તેમની ટીમોને નવા પ્રશાસન અથવા રાષ્ટ્રપતિના બીજા કાર્યકાળનો પાયો રાખવામાં મદદ કરવા માટેની જાણકારી અને સંશાધન પૂરા પાડનારું એક નિષ્પક્ષ માધ્યમ છે.
આ કેન્દ્ર હસ્તાંતરણ પ્રક્રિયાને લાગુ કરવામાં મદદ કરે છે. તે નવા રાજકીય નેતૃત્ત્વને મદદ કરે છે અને રાજકીય નિયુક્તિઓને સરકારી નેતૃત્ત્વ સાથે કામ કરવા મામલે માર્ગદર્શન આપે છે.
વળી તે વર્તમાન રાષ્ટ્રપતિને બીજા કાર્યકાળ માટેની તૈયારી કરવામાં પણ મદદ કરે છે અને જો કોઈ નવા રાષ્ટ્રપતિ ચૂંટાય છે તો એવી સ્થિતિમાં તેઓ વર્તમાન રાષ્ટ્રપતિને સત્તાના સરળ હસ્તાંતરણ માટે જરૂરી પગલાં વિશે પણ સલાહ આપે છે.
આ કેન્દ્રએ 2020માં હસ્તાંતરણની માર્ગદર્શિકા જારી કરી દીધી છે. તેમાં નવા નેતૃત્ત્વ માટે તમામ પ્રકારનાં પાસાંનો ઉલ્લેખ કરાયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેમાં કહેવાયું છે કે જો હસ્તાંતરણ પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવે તો નવા પ્રશાસનની સફળતા માટે તે ચાવીરૂપ પુરવાર થાય છે. બીજી તરફ જો તેને યોગ્ય રીતે ન કરવામાં આ તો નવા પ્રશાસન માટે રિકવર કરવું મુશ્કેલ થઈ જાય છે.
પ્રથમ અથવા બીજી ટર્મ માટે ટ્રૅન્ઝિશનની યોજના બનાવવાનું કામ ચૂંટણીની તારીખ પહેલાથી જ શરૂ થવું જોઈએ. આ માટે એક સંગઠન તૈયાર કરવું, લક્ષ્ય નક્કી કરવું અને પોતાની પ્રાથમિકતાઓને પ્રાપ્ત કરવા માટે જરૂરી પગલાં ઉઠાવવાની બાબત પણ સામેલ છે.
નીલમ દેવી કહે છે, "નવા રાષ્ટ્રપતિ અને તેમની ટીમને તમામ મહત્ત્વની બાબતો વિશે બ્રીફ કરવામાં આવે છે."
તેઓ કહે છે, "ભલે બાઇડન ચૂંટાયા છે અને ટ્રૅન્ઝિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ નિર્ણયો લઈ શકે છે અને તેમાં બાઇડન દખલગીરી નથી કરી શકતા."

નવા રાષ્ટ્રપતિ માટે ટ્રૅન્ઝિશનના મુખ્ય લક્ષ્ય

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રૅન્ઝિશન પ્રક્રિયામાં વ્હાઇટ હાઉસ અને રાષ્ટ્રપતિના ઇગ્ઝેક્યુટિવ ઑફિસના સ્ટાફની એક મહત્ત્વની ભૂમિકા હોય છે.
આ સિવાય 4000થી વધુ પ્રેસિડેન્શિયલ નિમણૂંકો કરવામાં આવે છે. જેમાંથી 1200થી વધુ નિયુક્તિઓ એવી હોય છે જેના માટે સેનેટની મંજૂરી જરૂરી હોય છે.
સાથે જ આ પ્રક્રિયામાં નવા પ્રશાસન માટે એક નીતિ પ્લૅટફૉર્મ તૈયાર કરવું પણ સામેલ હોય છે જે કૅમ્પેનમાં કરવામાં આવેલા વાયદાઓ પર આધારિત હોય છે.
તેમાં ઍગ્ઝેક્યુટિવ પગલાં, એક મૅનેજમૅન્ટ એજન્ડા, એક બજેટ પ્રસ્તાવ અને સંભવિત કાનૂનોની યોજના બનાવવાની વાત પણ સામેલ હોય છે.
પ્રો. વિજયલક્ષ્મી કહે છે, "ટ્રૅન્ઝિશન ઘણું મહત્ત્વનું હોય છે કેમ કે આ દરમિયાન નવા મંત્રી નિયુક્ત કરવામાં આવે છે. દરેક વિભાગમાં સૌથી વરિષ્ઠ બ્યૂરોક્રૅટ્સને જવાબદારી આપવામાં આવે છે કે તેઓ નવા આવનારા લોકોને બ્રીફ કરે."
કૅમ્પેન દરમિયાન રજૂ કરવામાં આવેલી નીતિ લાગુ કરવા માટે 100થી 200 દિવસની યોજનાની તૈયારી પણ આ ટ્રૅન્ઝિશન પ્રક્રિયાનો ભાગ હોય છે.
આ તમામ તૈયારીઓ પહેલાંથી જ કરવી જરૂરી હોય છે કેમ કે નવા પ્રશાસન આવતાની સાથે ઝડપથી કામ શરૂ કરે છે.

ક્યારે શરૂ થાય છે ટ્રૅન્ઝિશન?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે ટ્રૅન્ઝિશનની ઔપચારિક રીતે શરૂઆત ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ થતી હોય છે.
1963ના પ્રેસિડેન્શિયલ ટ્રૅન્ઝિશન ઍક્ટ હેઠળ ચૂંટાયેલા રાષ્ટ્રપતિની ટીમને કચેરી અને બીજા સંશાધનો પૂરા પાડવાની જવાબદારી આપવામાં આવેલી છે. સાથે જ સરકાર સિક્યૉરિટી ચૅકના હેતુ સાથે બૅકગ્રાઉન્ડ ચૅક પણ પૂરું પાડવામાં આવે છે.
વર્ષ 2010માં આ કાનૂનમાં થયેલા સંશોધન હેઠળ પ્રમુખ પાર્ટીના ઉમેદવારને ટ્રૅન્ઝિશન માટે સરકારી સહાયતા પહેલા જ શરૂ કરવાની મંજૂરી આપી દેવાઈ છે. તેમાં તેમને સરકારી કચેરી, કમ્પ્યૂટરો અને સર્વિસીઝને નૉમિનેટ કન્વેંશન પછી વાપરવાની મંજૂરી અપાઈ. આ વર્ષે નૉમિનેટ કન્વેંશન ઑગસ્ટમાં થયા હતા.
શું ટ્રૅન્ઝિશન સમય દરમિયાન બાઇડન અથવા તેમની ટીમ ટ્રમ્પના નિર્ણયોના નિર્ણયોમાં દખલ કરી શકે છે?
પ્રો. વિજયલક્ષ્મી કહે છે કે આ સમયગાળામાં બાઇડન નિર્ણયોમાં કોઈ દખલગીરી નથી કરી શકતા.
તેઓ કહે છે, "ટ્રમ્પ ઇગ્ઝેક્યુટિવ ઑર્ડર મારફતે નિર્ણયો કરી શકે છે."
પ્રો. વિજયલક્ષ્મી કહે છે કે અમેરિકામાં કોઈ કેન્દ્રીય ચૂંટણીપંચ નથી અને ત્યાં મતોની ગણતરી કરી અનૌપચારિક પરિણામો આવે છે.
તેઓ ઉમેરે છે કે ટ્રૅન્ઝિશન પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે. એટલે બાઇડન સમક્ષ પ્રાથમિકતા કોવિડ-19 સામે કામગીરી અને તેની રસીના વિકાસ તથા વહેંચણીની રહેશે.

ટ્રૅન્ઝિશન પ્રોસેસમાં આટલો સમય કેમ લાગે છે?

ઇમેજ સ્રોત, Reuters
સામાન્યરીતે તેમાં 11 સપ્તાહનો સમય લાગે છે. તે નવેમ્બરની શરૂઆતમાં મતદાનની તારીખથી શપથ ગ્રહણની તારીખ વચ્ચેની અવધિ હોય છે.
ઇનૉગ્યુરેશન દિવસ 20 જાન્યુઆરીએ હોય છે. જો ચૂંટણીના પરિણામમાં મોડું થાય તો ટ્રૅન્ઝિશનની અવધિ ઓછી પણ કરી શકાય છે.
પ્રો. વિજયલક્ષ્મી કહે છે કે આ વર્ષે કાનૂની બાબતો અને મતોની ગણતરી મામલે સર્જાયેલા વિવાદને કારણે જીએસએ આ પ્રક્રિયા શરૂ નથી કરી શકી. આથી તેમાં થોડો વિલંબ થઈ રહ્યો છે.

ટ્રૅન્ઝિશનનાં નાણાં ક્યાંથી આવે છે?
આ પ્રક્રિયાના નાણાં સરકારી તિજોરી અને ખાનગી ભંડોળ દ્વારા ખર્ચ કરવામાં આવે છે. જીએસએના પ્રશાસક પાસે બાઇડનની ટ્રૅન્ઝિશન ટીમ માટે 60 લાખ ડૉલર્સ રિલીઝ કરવાનો કાનૂની અધિકાર છે.
માનવામાં આ છે કે આ રકમ સિવાય બાઇડને પણ વ્યક્તિગંત ડોનેશન દ્વારા ઓછામાં ઓછા 70 લાખ ડૉલર્સ પોતાના ટ્રૅન્ઝિશન માટે ભેગા કર્યાં છે.

ભારત અને અમેરિકાના સિસ્ટમમાં અંતર
સત્તા હસ્તાંતરણમાં ભારતની સરખામણીમાં અમેરિકાની સિસ્ટમ અલગ કેમ છે એના પર થિંકટૅન્ક આઈડીએસએમાં પશ્ચિમ એશિયા સેન્ટરના પૂર્વ પ્રમુખ ડૉ. મીના સિંહ રૉય કહે છે,"અમેરિકામાં ફૅડરલ સિસ્ટમ છે, જ્યારે ભારતમાં આવું નથી. અમારે ત્યાં રાજ્યોને અમેરિકા જેટલી સ્વાયત્તતા નથી. તેમાં ચૂંટણી સંબંધિત નિર્ણયો રાજ્યોના હાથમાં હોય છે."
ડૉ. રૉય કહે છે કે ભારતમાં સિસ્ટમ કેન્દ્રીકૃત છે અને મોટાભાગની બાબતો કેન્દ્ર નક્કી કરે છે. જ્યારે તેમને ત્યાં એવું નથી. અમેરિકાનું ફૅડરલ સિસ્ટમ ભારત કરતા એકદમ અલગ છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












