ભારત કરતાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેટલી અલગ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી
અમેરિકી રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેનું મતદાન આ વર્ષે 5મી નવેમ્બરે થવાનું છે. રાષ્ટ્રપતિપદ માટે મુખ્ય મુકાબલો રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમૉક્રેટિક પક્ષનાં ઉમેદવાર કમલા હૅરિસ વચ્ચે છે.
સતત અસમંજસ અને ચર્ચાઓના દોર પછી ડેમૉક્રેટિક પક્ષના ઉમેદવાર જૉ બાઇડને તેમની ઉમેદવારી પાછી ખેંચી લેતા ડેમૉક્રેટિક પક્ષે પસંદગીનો કળશ કમલા હૅરિસ પર ઢોળ્યો છે.
જો કમલા હૅરિસ વિજયી બનશે તો અમેરિકાના પ્રથમ મહિલા તથા પ્રથમ બ્લૅક રાષ્ટ્રપતિ બનવાનો રેકૉર્ડ સર્જશે.
અમેરિકાની ‘પ્રેસિડેન્શિયલ સિસ્ટમ’માં ચૂંટણીનું એક અલગ રસપ્રદ ગણિત છે. અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા એ ‘ઇનડાયરેક્ટ ઇલેક્શન પ્રોસેસ’ છે જેમાં જનતા રાષ્ટ્રપતિને સીધી રીતે ચૂંટતી નથી. લોકો પોપ્યુલર વોટથી ઇલેક્ટોરલ કૉલેજના પ્રતિનિધિઓ ચૂંટે છે, અને એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાષ્ટ્રપતિ ચૂંટે છે.
કોણ બની શકે અમેરિકાના રાષ્ટ્રપતિ?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે બંધારણની ત્રણ શરતો પૂર્ણ કરવી પડે છે.
રાષ્ટ્રપતિ બનવા ઇચ્છિત વ્યક્તિનો જન્મ અમેરિકામાં જ થયો હોવો જોઇએ.
વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઇએ.
જે-તે વ્યક્તિએ જન્મ પછી અમેરિકામાં ઓછામાં ઓછાં 14 વર્ષ વીતાવ્યાં હોવાં જોઇએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે વ્યક્તિ આ જરૂરિયાતોને પૂર્ણ કરે છે તે અમેરિકાની ચૂંટણી લડવાની ઇચ્છા જાહેર કરી શકે છે. જ્યારે કોઈ ઉમેદવાર 5 હજાર ડૉલરથી વધુ ચૂંટણીફંડ એકઠું કરે છે કે ખર્ચે છે ત્યારે તેને ફેડરલ ઇલેક્શન કમિશનમાં નોંધણી કરાવવી પડે છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર કેવી રીતે નક્કી થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- પહેલો તબક્કો: ઉમેદવારી
મતદાનના દિવસના લગભગ દોઢ વર્ષ પહેલાં આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જે ઉમેદવારોને રાષ્ટ્રપતિ બનવું હોય તેઓ ચૂંટણીના આગલા વર્ષે (સ્પ્રિંગ ઑફ 2023) માર્ચ, એપ્રિલ કે મે મહિનામાં જ જાહેરાત કરી દે છે કે મારે રાષ્ટ્રપતિ બનવું છે.
ચૂંટણીના પછીના તબક્કા પહેલાં જ અમુક ઉમેદવારો તેમને મળતા સમર્થનને આધારે પહેલાં જ પોતાનું નામ પાછું ખેંચી લે છે, અંતે અમુક લોકપ્રિય ઉમેદવારો જ બચે છે.
- બીજો તબક્કો: પ્રાઇમરીઝ ઍન્ડ કોકસ
પ્રાઇમરીઝ એ રાષ્ટ્રપતિ ચૂંટણીની પહેલી સીડી છે. તેના વિશે કોઈ લેખિત આદેશ કે નિયમો અમેરિકી બંધારણમાં ન હોવાથી આ પ્રક્રિયા પાર્ટી અને રાજ્ય પર નિર્ભર હોય છે.
પ્રાઇમરીઝનું આયોજન રાજ્ય સરકારો અને પાર્ટીઓ મળીને કરે છે.
મોટાભાગનાં રાજ્યોમાં પ્રાઇમરીઝનું આયોજન થાય છે, જેમાં મુખ્ય પક્ષોના સભ્ય ન હોય તેવા લોકોને પણ મતદાન કરવાની તક મળતી હોય છે. તો ક્યાંક આ મતદાન માત્ર પક્ષોના સભ્યો વચ્ચે જ બંધબારણે પણ થતું હોય છે. લોકો પ્રાઇમરીઝમાં મત આપીને પોતાનો મનગમતો ઉમેદવાર કોણ છે તે સંકેત આપે છે.
કેટલાંક રાજ્યોમાં પ્રાઇમરીઝની બદલે કોકસનું આયોજન થાય છે. કોકસ પદ્ધતિમાં મતદાનનું આયોજન રાજકીય પક્ષો જ કરે છે. તેના નિયમો અને તેમાં મતદાન કોણ કરશે એ પણ જે-તે પક્ષ જ નક્કી કરે છે. પક્ષના સભ્યો અંગત મતદાન કરીને કે હાથ ઉપર કરીને પોતાનો ઉમેદવાર નક્કી કરે છે.
કેટલાંક રાજ્યોમાં પ્રાઇમરીઝ અને કોકસ બંનેનું આયોજન થતું હોય છે.
આ રીતે અમેરિકાનાં તમામ 50 રાજ્યોમાં પ્રાઇમરીઝ કે કોકસને આધારે સૌથી લોકપ્રિય ઉમેદવાર નક્કી થઈ જતો હોય છે.
સામાન્ય ભાષામાં કહીએ તો ડેમૉક્રેટિક કે રિપબ્લિકન અથવા અન્ય પક્ષોને અંદાજ આવી જતો હોય છે કે તેમના પક્ષમાંથી સૌથી લોકપ્રિય બે-ત્રણ ઉમેદવારો કોણ છે.
- ત્રીજો તબક્કો: નેશનલ કન્વેન્શન
ત્યારબાદ બંને પક્ષોનું પ્રેસિડેન્શિયલ નેશનલ કન્વેન્શન યોજાય છે. જેમાં અંતિમ રાષ્ટ્રપતિ ઉમેદવારની જાહેરાત કરવામાં આવે છે.
આ નેશનલ કન્વેન્શનમાં જવા માટેના દરેક જિલ્લા, રાજ્યસ્તરેથી પ્રતિનિધિની પસંદગી પ્રાઇમરીઝ અને કોકસમાં થતી હોય છે. પ્રતિનિધિઓની સંખ્યા એ રાજ્યની વસ્તીને આધારે, યોગ્યતાના આધારે જે-તે પક્ષ જ નક્કી કરતો હોય છે.
જુલાઇથી સપ્ટેમ્બરની વચ્ચે બંને પક્ષોના કન્વેન્શનનું આયોજન થાય, જેમાં આ પ્રતિનિધિઓ પક્ષના સ્તરે મતદાન કરીને અંતિમ રાષ્ટ્રપતિપદનો ઉમેદવાર ચૂંટી કાઢે છે. જો વધુ લોકપ્રિય ઉમેદવાર હોય તો તેમાં પણ અંતિમ ઉમેદવાર નક્કી કરવા માટે મતદાનના રાઉન્ડ થઈ શકે.
ગત અઠવાડિયે જ ડેમૉક્રેટિક પક્ષના યોજાયેલા કન્વેન્શનમાં કમલા હૅરિસને અધિકૃત રીતે ડેમૉક્રેટિક પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં. એ જ રીતે રિપબ્લિકન પક્ષના પ્રતિનિધિઓએ તેમના કન્વેન્શનમાં ટ્રમ્પને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા.
સામાન્ય રીતે ઉમેદવાર પસંદ થયા બાદ ઉમેદવારીનો સ્વીકાર કરતું સંબોધન કરે છે.
મતદાન અને પ્રચાર

ઇમેજ સ્રોત, Getty Images
બંને પક્ષોના નેશનલ કન્વેન્શનમાં ઉમેદવારની જાહેરાત થાય એ પછી સામાન્ય રીતે બંને મુખ્ય પક્ષોના ઉમેદવારો પોતાના સાથી ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારની જાહેરાત કરે છે અને પ્રચાર શરૂ કરે છે. જાહેરાત પહેલાં પણ જો પોતાની ઉમેદવારી નિશ્ચિત હોય તો તેમણે પ્રચાર શરૂ કરી દીધો જ હોય છે.
અમેરિકામાં બંને મુખ્ય પક્ષોના ઉમેદવારો વચ્ચે ડિબેટ્સની પરંપરા ખૂબ જૂની છે. પરંતુ 1987માં ‘ધી કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટ્સ’ નામનું એનજીઓ બંને પાર્ટીઓએ સાથે મળીને બનાવ્યું. આ સંસ્થા સ્વતંત્ર દાતાઓના પૈસાથી ચાલે છે અને રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ વચ્ચે ડિબેટ્સનું આયોજન કરે છે.
ડિબેટ્સ પહેલાં અને ડિબેટ્સ પછી અનેક સંસ્થાઓ તેના પર સંશોધન કરી, લોકોના પ્રતિભાવો મેળવી પોતાનાં અહેવાલો અને તારણો બહાર પાડે છે કે જે-તે ડિબેટ બાદ ક્યા ઉમેદવારની સ્વીકાર્યતા લોકોમાં વધુ છે.
એ સિવાય અનેક રેલીઓનું આયોજન થતું હોય છે. અમેરિકામાં સામાન્ય રીતે જે પક્ષને જે રાજ્યમાં જીતની શક્યતા ન લાગતી હોય તેમાં તે નહીંવત પ્રચાર કે ખર્ચ કરે છે.
કયા રાજ્યમાં કોનું પ્રભુત્ત્વ?
અમેરિકાનાં 50 રાજ્યોને સામાન્ય રીતે ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવતાં હોય છે.
- રેડ સ્ટેટ્સ: આ રાજ્યો પરંપરાગત રીતે રિપબ્લિકન પાર્ટીનો ગઢ ગણાય છે અને ત્યાં તેમના ઉમેદવારની આસાન જીતની સંભાવના હોય છે. ઉ.દા. ઓહાયો, વેસ્ટ વર્જિનિયા, ઑક્લાહામા
- બ્લૂ સ્ટેટ્સ: આ રાજ્યો પરંપરાગત રીતે ડેમૉક્રેટિક પાર્ટીનો ગઢ ગણાય છે અને ત્યાં તેમના ઉમેદવારની આસાન જીતની સંભાવના હોય છે. ઉ.દા. વૉશિંગ્ટન, ન્યૂ યૉર્ક
- પર્પલ સ્ટેટ્સ: આ રાજ્યોને સ્વિંગ સ્ટેટ્સ ગણવામાં આવે છે જ્યાં બંને પક્ષો વચ્ચે જબરદસ્ત ટક્કર થાય છે, અહીં કોઈની જીતની ભવિષ્યવાણી થઈ શકતી નથી. આથી, જ આ રાજ્યો જ અમેરિકાના નવા પ્રમુખ નક્કી કરે છે એમ કહી શકાય. ઉ.દા. ઍરિઝોના, જ્યૉર્જિયા, મિશિગન
આ ચૂંટણીમાં કુલ સાત રાજ્યો સ્વિંગ સ્ટેટ્સ તરીકે અંદાજવામાં આવ્યાં છે.
મતદાનનો દિવસ અને મતગણતરી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકી કૉંગ્રેસમાં બે ગૃહો છે. ઊપલું ગૃહ સેનેટ તરીકે ઓળખાય છે જ્યારે નીચલું ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સ તરીકે ઓળખાય છે.
સેનેટમાં કુલ 100 સભ્યો હોય છે જેમનો છ વર્ષનો કાર્યકાળ હોય છે. દરેક રાજ્યની બે બેઠકો એમ 50 રાજ્યની કુલ 100 બેઠકો નિર્ધારિત હોય છે. દર બે વર્ષે તેના 33 ટકા સભ્યો નિવૃત્ત થાય છે.
જ્યારે હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સની કુલ 435 બેઠકો હોય છે. દર બે વર્ષે હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સની ચૂંટણી થાય છે. અલાસ્કા રાજ્યમાં હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સની એક અને કૅલિફૉર્નિયામાં સૌથી વધુ 52 બેઠકો છે.
મતદાનના દિવસે અમેરિકાના લોકો સેનેટ અને હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સના સભ્યોને ચૂંટે છે. આ જીતેલાં સભ્યો મળીને ઇલેક્ટોરલ કૉલેજની રચના કરે છે.
આમ, ઇલેક્ટોરલ કૉલેજમાં હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સના 435 સભ્યો અને સેનેટના 100 સભ્યો ચૂંટાય છે. એ સિવાય ત્રણ સભ્યો વૉશિંગ્ટન ડી.સી.ના હોય છે. એટલે કે કુલ 538 સભ્યો થાય છે.
એમાંથી જે ઉમેદવારને 270 સભ્યોનું સમર્થન મળે તેને બહુમતી મળી એમ કહી શકાય.
મતગણતરીનો નિયમ થોડો વધુ જટિલ છે. ઉ.દા. તરીકે તમારા વિસ્તારમાં જે પક્ષના ઉમેદવારને સૌથી વધુ પોપ્યુલર વોટ (લોકોએ આપેલા મત) મળ્યા છે એ જ જીતીને ઇલેક્ટોરલ કૉલેજમાં પ્રતિનિધિ તરીકે જશે એવું જરૂરી નથી.
અહીં ‘Winner Takes All’ નો નિયમ લાગુ પડે છે. આ નિયમ અનુસાર, જે વ્યક્તિને 50 ટકા કરતાં વધુ પોપ્યુલર વોટ (લોકોનાં મત) મળે તેને તે રાજ્યમાં તમામ ઇલેક્ટોરલ વોટ મળે.
ઉ.દા. તરીકે કૅલિફૉર્નિયા રાજ્યમાં કુલ 52 ઇલેક્ટોરલ વોટ છે. લોકોએ આપેલા મત પ્રમાણે ધારો કે ડેમૉક્રેટિક પક્ષને 27 બેઠકો અને રિપબ્લિકન પક્ષને 25 બેઠકો મળે છે. પરંતુ મતદાનની ટકાવારીમાં રિપબ્લિકન પક્ષને 51 ટકા અને ડેમૉક્રેટિક પક્ષને 49 ટકા મત મળે છે. તો એ રાજ્યમાં વિનર ટૅઇક્સ ઑલના નિયમ પ્રમાણે જીતેલી 25ને બદલે તમામ 52 વોટ રિપબ્લિકન પક્ષને ફાળે જતા રહે છે. ડેમૉક્રેટિક પક્ષને એ નિયમ પ્રમાણે આ રાજ્યમાંથી કોઈ વોટ મળ્યા નથી એમ કહેવાય.
2016માં હિલેરી ક્લિન્ટનને દેશમાં 48.2 ટકા અને ટ્રમ્પને 46.1 ટકા મતો (પોપ્યુલર વોટ્સ) મળ્યા હતા. તેમ છતાં તેમને ઇલેક્ટોરલ કૉલેજમાં માત્ર 227 વોટ અને ટ્રમ્પને 304 વોટ મળ્યા હતા. આથી, ટ્રમ્પ રાષ્ટ્રપતિપદે ચૂંટાયા હતા.
માયને અને નેબ્રાસ્કા સિવાય તમામ 48 રાજ્યોમાં ‘વિનર ટૅઇક્સ ઑલ’ના નિયમ પ્રમાણે પરિણામ આવે છે.
જો કોઇને બહુમતી ન મળે તો?

ઇમેજ સ્રોત, Getty Images
ઇલેક્ટોરલ કૉલેજમાં કોઇપણ પક્ષના ઉમેદવારને બહુમતી ન મળે એવી પરિસ્થિતિમાં અમેરિકાના બંધારણના 12મા સુધારા અનુસાર આકસ્મિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે.
અહીં ભારતની જેમ કોઈ સાથી પક્ષોના ટેકાથી સીધી રીતે રાષ્ટ્રપતિ ચૂંટાય કે સરકાર રચાય એવું હોતું નથી.
આવું એટલે શક્ય છે કારણ કે આ મુખ્ય ઉમેદવારો સિવાય અન્ય લોકો પણ ચૂંટણીમેદાનમાં હોય છે. ક્યારેક તેઓ એટલા મજબૂત હોય છે કે તેઓ પણ કેટલીક બેઠકો જીતી લાવે છે. ન્યૂયૉર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આ વખતે પણ કૉર્નેલ વેસ્ટ, જિલ સ્ટેઇન અને ચેઝ ઓલિવર જેવા થર્ડ પાર્ટી કૅન્ડિડેટ્સ પણ ચૂંટણીમેદાનમાં છે..
આ આકસ્મિક ચૂંટણીમાં બંને ગૃહોમાં ચૂંટાયેલા સભ્યો જ મતદાન કરે છે, તેમાં લોકો મતદાન કરતાં નથી.
જો રાષ્ટ્રપતિપદના કોઇપણ ઉમેદવારને બહુમતી ન મળે તો હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સ મતદાન યોજે છે.
ફરીથી યોજાતી આ ચૂંટણી સૌથી વધુ મત મેળવ્યા હોય તેવા 3 ઉમેદવારો માટે જ યોજાય છે. તેમાં દરેક રાજ્યનો 1 મત ગણવામાં આવે છે. ઉ.દા. તરીકે અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યના ચૂંટાયેલા સભ્યો અંદરોઅંદર પોતાનો કૉમન મત નક્કી કરે છે અને સાથે મળીને કોઈ ઉમેદવારને પોતાના રાજ્યનો 1 મત આપે છે.
આમ, 50 રાજ્યનાં 50 મતમાંથી જે ઉમેદવારને 26 મત મળે તે રાષ્ટ્રપતિ બને છે.
જો, કદાચ એવું બને કે આ પ્રક્રિયામાં પણ કોઈને બહુમતી ન મળે તો અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ કરી શક્યું નથી એમ ગણાય અને ચૂંટણી પછીની 4થી માર્ચે જે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ હોય એ જ રાષ્ટ્રપતિ બની જાય છે.
એટલે કે જો આ વખતની ચૂંટણીમાં હૅરિસ કે ટ્રમ્પ કોઇ રાષ્ટ્રપતિ તરીકેનું પૂરતું સમર્થન આ પ્રક્રિયા બાદ પણ ન મેળવી શકે તો તેમના બંનેમાંથી કોઈ રાષ્ટ્રપતિ પદે કોઈપણ રીતે ચૂંટાઈ ન શકે, ઉપરાષ્ટ્રપતિ જ સીધા રાષ્ટ્રપતિ બની જશે.
આ જ રીતે ઉપરાષ્ટ્રપતિને બહુમતી ન મળી હોય તો તેવા કિસ્સામાં સેનેટમાં ચૂંટણી યોજાય છે અને સેનેટના સભ્યો મતદાન કરે.
આવી પરિસ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિપદના બે ઉમેદવારો માટે ચૂંટણી યોજાય છે. સેનેટના 100 સભ્યો બરાબર તેમના 100 મત ધ્યાનમાં લેવામાં આવે છે.
જે ઉમેદવારને 51 મત મળે તે ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે.
અમેરિકાની ચૂંટણીના અન્ય રસપ્રદ નિયમો
- માત્ર મહાભિયોગ પ્રસ્તાવથી જ અમેરિકામાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિને હઠાવી શકાય. બીજી એકપણ રીતે નહીં.
- રાષ્ટ્રપતિનાં મૃત્યુની પરિસ્થિતિમાં ભારતમાં છ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી પડે છે. જ્યારે અમેરિકામાં ચાલુ કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિનું મૃત્યુ થઈ જાય તો ઉપરાષ્ટ્રપતિ જ રાષ્ટ્રપતિ બની જાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી તેના નિયત સમયે દર 4 વર્ષે જ થાય છે. અમેરિકાના 25મા બંધારણીય સુધારામાં તેનું સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે.
- ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ સૌથી વધુ ચાર વખત અમેરિકાના રાષ્ટ્રપતિપદે ચૂંટાયા હતા. 1951માં બંધારણીય સુધારો કરીને નક્કી કરવામાં આવ્યું કે કોઇપણ વ્યક્તિ રાષ્ટ્રપતિપદે બે વાર જ ચૂંટાઈ શકશે.
- પહેલી નવેમ્બર પછીના પહેલા મંગળવારે જ અમેરિકાની ચૂંટણી યોજાય છે. આ વખતે 5 નવેમ્બરે મંગળવાર આવે છે. ચૂંટાયેલા ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો હંમેશા 12 ડિસેમ્બર પછીના પહેલા સોમવારે મતદાન કરે છે અને રાષ્ટ્રપતિ ચૂંટે છે.
- નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હંમેશા 20 જાન્યુઆરીથી જ પોતાની કામગીરી શરૂ કરે છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












