ટ્રમ્પના ઉપરાષ્ટ્રપતિ માટેના ઉમેદવાર જેડી વેન્સનાં પત્ની અને ‘ગુરુ’ ઉષાને મળો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જેડી વેન્સને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે.
ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સ બીજી અનેક બાબતો માટે પણ જાણીતા છે.
જેડી વેન્સ ઓહાયોના સેનેટર છે. તેઓ લેખક તથા રોકાણકાર હોવા ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પના ટીકાકાર પણ હતા.
જેડી વેન્સનાં પત્નીને ભારત સાથે સંબંધ છે.
અમે આ અહેવાલમાં જેડી વેન્સના ઇન્ડિયા કનેક્શન, તેમનાં પત્ની ઉષા અને તેમના વ્યક્તિત્વ વિશે જણાવીશું.

વેન્સનું ઇન્ડિયા કનેક્શન

ઇમેજ સ્રોત, Getty Images
જેડી વેન્સે ભારતીય મૂળનાં ઉષા ચિલુકુરી સાથે 2014માં લગ્ન કર્યાં હતાં.
બન્નેની મુલાકાત 2010માં યેલ યુનિવર્સિટીમાં થઈ હતી. ઉષા અને જેડીનાં ત્રણ સંતાનો છે. તેમાં ઈવાન, વિવેક અને મીરાબૅલનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉષાનાં માતાપિતા ભારતથી અમેરિકા જઈને વસ્યાં હતાં. ઉષા સેન ડિયાગોમાં મોટાં થયાં છે.
ઉષાનું બૅકગ્રાઉન્ડ તેમના પતિથી ઘણું અલગ હતું. ઉષાએ યેલ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન કર્યા બાદ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
આજકાલ ઉષા વકીલાત કરી રહ્યાં છે.
જેડી વેન્સે તેમનાં પત્ની ઉષાના ઘણીવાર વખાણ કર્યાં છે. તેઓ ઉષાને તેમના યેલ ખાતેના “આધ્યાત્મિક ગુરુ” કહે છે.
ફૉકસ ન્યૂઝને ગયા મહિને આપેલી મુલાકાતમાં ઉષાએ કહ્યું, "મને જેડી પર ભરોસો છે અને હું તેમને બહુ પ્રેમ કરું છું. અમારા જીવનમાં શું થાય છે તે અમે નિહાળીશું."
સીએનએનના એક અહેવાલ મુજબ, જેડી વેન્સે ઉષા વિશે લખ્યું હતું, “તેઓ એ સવાલોને સમજી જાય છે, જેની મને ખબર પણ હોતી નથી. ઉષા મને કાયમ એ તકો ઝડપી લેવા કહે છે, જેના વિશે મને જરાય ખબર હોતી નથી.”
જે ડી વેન્સે કહ્યું હતું, "કમાલ છે ઉષા, તેનો લોકોને અહેસાસ નથી. ઉષા 1,000 પાનાનું પુસ્તક થોડા કલાકોમાં વાંચી શકે છે."
ટ્રમ્પ વિશેના જેડી વેન્સનાં જૂનાં નિવેદનો

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જેડી વેન્સ રાષ્ટ્રપતિ ચૂંટણીની સ્પર્ધામાં હવે ભલે ટ્રમ્પના સાથી બની ગયા હોય, પરંતુ અગાઉ તેઓ ટ્રમ્પની ખુલ્લેઆમ ટીકા કરતા હતા.
તેની ઝલક જેડી વેન્સનાં આ નિવેદનોમાં જોઈ શકાય છે.
- “મને ટ્રમ્પ ક્યારેય ગમ્યા નથી.”
- “હે ભગવાન, કેવો બેવકૂફ છે.”
- “મને ટ્રમ્પ નિંદનીય લાગે છે.”
આ વાતો જેડી વેન્સે તેમના અનેક ઇન્ટરવ્યુ અને ટ્વિટર (એક્સ) પર 2016માં કહી હતી.
આ એ સમયની વાત છે, જ્યારે ‘હિલબિલી એલીગી’ નામનું સંસ્મરણનું પુસ્તક લખ્યા પછી જેડી વેન્સને ખ્યાતિ મળી હતી.
જેડી વેન્સે લખેલા બેસ્ટ સેલર પુસ્તક ‘હિલબિલી એલીગી’ના આધારે એક ફિલ્મ પણ બની છે. આ ફિલ્મ નૅટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.
જેડી વેન્સે 2016માં ફેસબૂક પર એક સહયોગીને મોકલેલા અંગત સંદેશામાં લખ્યું હતું, “મને લાગે છે કે ટ્રમ્પ સનકી...છે અથવા તો અમેરિકાના હિટલર છે.”
અલબત, આવાં નિવેદનોનાં થોડાંક વર્ષો પછી જેડી વેન્સ ટ્રમ્પના સહયોગી બની ગયા હતા.
જેડી વેન્સ ઓહાયોથી પહેલીવાર સેનેટર બન્યા છે. એક રીતે કહી શકાય કે 2028ની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં જેડી વેન્સ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોની યાદીમાં સામેલ થઈ ગયા છે.
પરંપરાગત વોટિંગ રેકૉર્ડ અને મિડ વેસ્ટર્ન એટલે કે ઉત્તર-મધ્ય ક્ષેત્રને કારણે રિપબ્લિકન પાર્ટીને આશા છે કે મતદારોમાં તેનું સમર્થન વધશે.
જેડી વેન્સ વિશે કહી શકાય કે પરિવર્તન તેમની આદતોમાં સમાવિષ્ટ છે.
સવાલ એ છે કે જેડી વેન્સ અમેરિકાના રાજકારણમાં આટલી ઊંચાઈ પર પહોંચ્યા કઈ રીતે?
એક પુસ્તક, જેણે વેન્સને ખ્યાતિ અપાવી

ઇમેજ સ્રોત, Getty Images
જેમ્સ ડેવિડ બ્રોમેન એટલે કે જે ડી વેન્સનો જન્મ ઓહાયોમાં થયો હતો. તેઓ નાના હતા ત્યારે તેમના પિતા ઘર છોડીને ચાલ્યા ગયા હતા.
જેડીનો ઉછેર તેમનાં દાદાદાદીએ કર્યો હતો. જેડી તેમને મમ્મા અને પપ્પા કહેતા હતા.
જેડીએ 2016એ તેમના સંસ્મરણ ‘હિલબિલી એલિગી’માં પોતાના દાદા-દાદી વિશે અત્યંત લાગણીસભર આલેખન કર્યું હતું.
જેડી વેન્સ ઓહાયોના મિડલ ટાઉનના છે, પરંતુ પોતાના પરિવારના મૂળ પહાડી વિસ્તાર એપલાચિયા સાથે જોડાયેલા હોવાનું જણાવે છે. આ વિસ્તાર અમેરિકાના સૌથી ગરીબ વિસ્તારો પૈકીનો એક છે.
જેડી વેન્સે તેમના સંસ્મરણમાં પોતાના દોસ્તો, પરિવાર માટેના ખરાબ નિર્ણયો વિશે લખ્યું છે. જેડી વેન્સે રૂઢિચુસ્ત વલણ પણ અપનાવ્યું હતું.
જેડી વેન્સે આ લોકોને સરકારી સહાય પર નિર્ભર વ્યર્થ અને નિષ્ક્રિય ગણાવ્યા હતા.
જેડી વેન્સે લખ્યું હતું કે 'અપલાચિયાના લોકો ખરાબ હાલતમાં છે અને બદતર વ્યવહાર કરે છે અથવા પ્રતિભાવ આપે છે. આ લોકો એવા કલ્ચરમાંથી આવેલા છે, જે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાને બદલે તેનાથી દૂર જવાને મહત્વ આપે છે.'
તેમણે પુસ્તકમાં લખ્યું હતું કે 'આ કડવું સત્ય છે અને પહાડી લોકો માટે સૌથી કઠોર સત્ય એ છે, જે તેમણે ખુદને જણાવવું જોઈએ.'
આ પુસ્તકે જેડી વેન્સને નવા સ્તરે ખ્યાતિ અપાવી હતી. આ પુસ્તક હવે બેસ્ટ સેલર બની ગયું છે.
પુસ્તકનું પ્રકાશન થયું તે પહેલાં જેડી વેન્સ મિડલ ટાઉનમાંથી નીકળી ચૂક્યા હતા.
પહેલાં યુએસ મરીન, પછી ઇરાકમાં તહેનાતી, ત્યાર બાદ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં અને યેલ લૉ સ્કૂલમાં ગયા હતા.
એ પછી દિવસોમાં તેમણે કૅલિફોર્નિયામાં રોકાણકાર તરીકે કામ શરૂ કર્યું હતું.
લેખકથી ટીકાકાર સુધીની સફર

ઇમેજ સ્રોત, Getty Images
‘હિલબિલી એલિગી’ પુસ્તકને કારણે જેડી વેન્સનો સમાવેશ બેસ્ટ સેલર લેખકોમાં થયો હતો એટલું જ નહીં, તેમને ટિપ્પણીકાર તરીકે પણ વિવિધ કાર્યક્રમોમાં આમંત્રણ મળતું હતું.
એ કાર્યક્રમોમાં જેડી વેન્સ પાસેથી એવી આશા રાખવામાં આવતી હતી કે તેઓ ટ્રમ્પે વ્હાઇટ અને વર્કિંગ ક્લાસ મતદારો વિશે કરેલી વાતો વિશે ટિપ્પણી કરે.
એ વખતે જેડી વેન્સ ટ્રમ્પની ટીકા કરવાની કોઈ તક છોડતા ન હતા.
ઑક્ટોબર, 2016માં એક ઇન્ટરવ્યૂમાં જેડી વેન્સે કહ્યું હતું, “મને લાગે છે કે આ ચૂંટણીની નકારાત્મક અસર થઈ રહી છે. ખાસ કરીને વ્હાઇટ વર્કિંગ ક્લાસ પર.”
વેન્સે કહ્યું હતું, “લોકોને એકમેક સામે આંગળી ચિંધવાનું કારણ મળી રહ્યું હોય એવું થઈ રહ્યું છે. ક્યારેક મૅક્સિકન શરણાર્થીઓની તરફ, ક્યારેક ચીની વેપારીઓ તરફ તો ક્યારેક કોઈ બીજાની તરફ.”
રાજકારણમાં કેવી રીતે આવ્યા વેન્સ
જેડી વેન્સ 2017માં ઓહાયો પાછા ફર્યા હતા અને એક કંપનીમાં જોડાયા હતા.
તેઓ રાજકારણમાં આવશે તેવી વાતો લાંબા સમયથી ચાલતી હતી, પરંતુ ઓહાયોના રિપબ્લિકન પાર્ટીના સેનેટર રૉબ પૉર્ટમૅને 2022માં ફરી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો ત્યારે એ વાતો હકીકત બની હતી.
જેડી વેન્સનો પ્રચાર પ્રારંભ બહુ સુસ્ત હતો, પરંતુ વેન્સના ભૂતપૂર્વ બૉસે તેમને એક કરોડ ડૉલરની મદદ કરી. એ પછી પ્રચારે વેગ પકડ્યો હતો.
અલબત, ટ્રમ્પની ટીકા કરતા જૂનાં નિવેદનો જેડી વેન્સના માર્ગમાં અડચણો બન્યાં હતાં. ઓહાયોમાં રિપબ્લિકન્સની સંખ્યા ઘણી મોટી છે.
જેડી વેન્સે તેમનાં જૂનાં નિવેદનો માટે માફી માગી હતી અને ટ્રમ્પનો ટેકો મેળવવામાં પણ તેઓ સફળ થયા હતા.
આ સમગ્ર પ્રક્રિયામાં વેન્સ “અમેરિકાને ફરી મહાન બનાવીશું”ના રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ધરાવતા ખેલાડી બની ગયા હતા. તેઓ ટ્રમ્પનો ઍજન્ડા જ આગળ વધારવાના પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
તેનું પરિણામ એ આવ્યું છે કે તેઓ વિશ્વના સૌથી શક્તિશાળી પૈકીના એક એવા આ પદની સ્પર્ધામાં સામેલ થઈ ગયા છે.
(એડિશનલ રિપોર્ટિંગઃ જ્યૂડ શિરિન, માઇક વેંડલિંગ અને બીબીસી મુંડો)












