એ સંસ્કૃતિ જે ઉત્તર ભારતીય પુરુષો અને મૅક્સિકન મહિલાઓના મિલનથી અમેરિકામાં વિસ્તરી

ઇમેજ સ્રોત, LEIRE VENTAS / BBC NEWS WORLD
- લેેખક, લેરી વેન્ટાસ
- પદ, બીબીસી ન્યૂઝ સંવાદદાતા, લૉસ એન્જલસ
“તેમણે મને રિસેસ દરમિયાન ઘેરી લીધી, તેઓ મારા જ ક્લાસના સાત-આઠ મિત્રો હતા. તેમણે એક ગીતને મારી અટક સાથે ગંદી રીતે જોડીને બનાવ્યું હતું. હું તેમને કોણી મારીને દૂર ધકેલવાનો પ્રયાસ કરતી હતી અને તેઓ સાથે મળીને આ ગીત ગાતાં હતાં.”
અમેલિયાસિંહ નેતરવાલા આજે 89 વર્ષનાં છે, પરંતુ શાળાના પ્રાંગણમાંના તે દૃશ્યની દર્દનાક સ્મૃતિ હજુ સમય ભૂંસી શક્યો નથી. એ વખતે તેઓ અમેરિકાના દક્ષિણ-પશ્ચિમના ફિનિક્સ, એરિઝોનાની દક્ષિણે એક ગ્રામ્ય વિસ્તારમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતાં હતાં.
કૅલિફોર્નિયાના લૉસ એન્જલસની પશ્ચિમમાં આવેલા પોતાના ઘરમાં બેસીને બીબીસી સાથે વાત કરતાં અમેલિયા કહે છે, “આ એવી યાદ છે, જે આપણી સાથે કાયમ રહે છે.”
માત્ર શ્વેત લોકોની નજરમાં જ નહીં, પરંતુ મુખ્ય લઘુમતીની નજરમાં પણ તેઓ અન્યથી અલગ હતાં, તેવી સ્પષ્ટતા કરતાં તેઓ ઉમેરે છે, “મારા કોઈ મૅક્સિકન મિત્રો ન હતા. મને ક્યારેય સ્વીકારવામાં આવી ન હતી.”
તેમનું નામ જ તેમને અન્ય વિદ્યાર્થીઓથી અલગ પાડતું ન હતું. તેમના પિતાની ભાષા પણ તેમને અન્યોથી અલગ પાડતી હતી.
તેમના પિતા જીવનસિંહ મૂળ દક્ષિણ એશિયાના છે અને તેમનાં માતા રોઝા મૅક્સિકન રાજ્ય ચિહુઆહુઆમાં સરહદની પેલે પાર જન્મ્યાં હતાં. તેમનાં માતા પિન્ટો બિન્સ, એન્ચીલાડસ કે ટમાલીસ જેવી મૅક્સિકન વાનગીઓ જેટલી જ કુશળતાથી શાક, પરોઠાં અને દાળ રાંધતાં હતાં.
એક કૅથલિક તરીકે રોઝા અમેલિયા અને તેમનાં ચાર ભાઈ-બહેનોને દર રવિવારે ચર્ચમાં લઈ જતાં હતાં, જ્યારે તેમના પિતા કારમાં બેસીને તેમના પાછા આવવાની રાહ જોતા હતા. તેમનો પરિવાર દર વર્ષે પાંચ કલાક પ્રવાસ કરીને કૅલિફોર્નિયાની ઇમ્પિરિયલ વેલીમાં આવેલા સરહદી શહેર અલ સેન્ટ્રોના ગુરુદ્વારામાં પણ નિયમિત રીતે જતો હતો.
તેઓ પંજાબી-મૅક્સિકન હતાં, જેઓ ગઈ સદીની શરૂઆતમાં અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં આવેલા કૅલિફોર્નિયા જેવા વિસ્તારોમાં સ્થાયી થયા હતા. આ સમુદાય જાતિવાદી કાયદાઓ અને અસંભવિત સાંસ્કૃતિક સમાનતાના પરિણામે વિકસ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબથી સાન ફ્રાન્સિસ્કો

ઇમેજ સ્રોત, COURTESY OF AMELIA SINGH NETERVALA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
19મી સદીના અંતથી 20મી સદીની શરૂઆતમાં પંજાબમાંથી સેંકડો લોકો અમેરિકન વેસ્ટ કોસ્ટનાં બંદરો પર પહોંચ્યા હતા. પંજાબ 1947 સુધી બ્રિટિશ નિયંત્રણ હેઠળનો પ્રાંત હતું અને હવે ભારત તથા પાકિસ્તાન વચ્ચેનો વિભાજિત પ્રદેશ છે.
તેઓ એશિયાના પ્રથમ વસાહતીઓ ન હતા. તેઓ ચીની, જાપાનીઝ, કોરિયન અને ફિલિપિનો લોકોની જેમ જ આ માર્ગે આગળ વધ્યા હતા. ખાસ કરીને કૅલિફોર્નિયામાં આ લોકોના "સસ્તા શ્રમિકદળને લીધે મોટા પાયે કૃષિ વ્યવસાયની શરૂઆત અને વિકાસ શક્ય બન્યો હતો.”
ઈરવિનમાં યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયામાં નૃવંશશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસર કેરેન લિયોનાર્ડ તેમના 1994માં પ્રકાશિત પુસ્તક ‘મેકિંગ એથનિક ચોઇસીસઃ કૅલિફોર્નિયાઝ પંજાબી મૅક્સિકન અમેરિકન્સ’માં આ સસ્તા શ્રમિકદળની વાતને સમજાવે છે.
ખેતીના કામમાં કુશળ પંજાબીઓએ ગ્રામ્ય સમુદાયોના જીવનને ઝડપથી અપનાવી લીધું હતું અને સાન ડિએગોની પૂર્વમાં આવેલા મૅક્સિકો સાથેના સરહદી વિસ્તાર કૅલિફોર્નિયાના ઇમ્પિરીયલ વેલીમાં તેઓ મુખ્યત્વે સ્થાયી થયા હતા.
એક સમયે રણ ગણાતા આ વિસ્તારમાં કોલોરાડો નદીનું પાણી વાળવામાં આવ્યું હતું અને એક નવીન સિંચાઈ પ્રણાલી લાવવામાં આવી હતી. તેને લીધે આ ખીણપ્રદેશ ફળદ્રુપ તટપ્રદેશમાં પરિવર્તિત થઈ ગયો હતો.
ત્યાંથી કેટલાક લોકો યુબા સિટી અથવા ફ્રેસ્નોની આસપાસના વિસ્તારોમાંથી રાજ્યના ઉત્તરના માર્ગે આગળ વધ્યા હતા. તો અન્ય કેટલાક પાડોશી એરિઝોના, ન્યૂ મૅક્સિકો, ઉટાહ અથવા ટેક્સાસ ગયા હતા. અમેલિયાના પિતા તેમના ભાઈ સાથે 1906માં સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયા હતા.
ઘણા કુશળ હોવા છતાં આ લોકોને 'નવાંગતુક' ગણીને ખુલ્લા દિલે આવકારવામાં આવતા ન હતા.
લિયોનાર્ડ તેમના પુસ્તકમાં લખે છે તેમ, ફેડરલ ઇમિગ્રેશન કમિશનના સુપરવાઇઝરે 1909માં તેમનું વર્ણન “આપણી ધરતી પર પગ મૂકનાર તમામ એશિયાટિક જાતિઓમાં સૌથી ઓછા ઇચ્છનીય અથવા સૌથી વધુ અનિચ્છનીય લોકો” તરીકે કર્યું હતું.
સ્થાનિક હોલ્ટવિલે ટ્રિબ્યુન અખબારમાં 1910માં પ્રકાશિત એક લેખનું મથાળું હતું, ‘હિન્દુઓ અને તેમની આદતો, તેમના કૅલિફોર્નિયામાં આવવા પર શા માટે પ્રતિબંધ મૂકવો જોઈએ’.

ઇમેજ સ્રોત, LEIRE VENTAS / BBC NEWS WORLD
અહીં 'હિન્દુ' શબ્દમાં તેમના ધર્મનો ઉલ્લેખ ન હતો, કારણ કે એ લોકો પૈકીના મોટા ભાગના લોકો શીખ ધર્મના અનુયાયીઓ હતા. પરંતુ આ શબ્દનો ઉપયોગ ભારતીય ઉપખંડના પ્રદેશ હિન્દુસ્તાનના ઐતિહાસિક નામ તરીકે હતો.
હિન્દુસ્તાનમાં આજના ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂતાન અને નેપાળનો સમાવેશ થતો હતો.
આ જ લખાણનું એક દાયકા પછી 1920માં કૅલિફોર્નિયા સ્ટેટ કન્ટ્રોલ બોર્ડના એક અહેવાલમાં પુનરાવર્તન થયું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, “તેમનામાં પર્સનલ હાઇજીનનો અભાવ છે, તેમની નૈતિકતાનું સ્તર નીચું છે. તેઓ સિદ્ધાંતો અને ઉપદેશોનું આંધળું અનુસરણ કરે છે, જે અમેરિકન સિદ્ધાંતો મુજબ સંપૂર્ણપણે અયોગ્ય છે. આથી તેઓ અમેરિકન લોકો સાથે જોડાવવાને યોગ્ય નથી.”
અમેલિયા કહે છે, “અહીં આવ્યાના થોડા સમય બાદ મારા પિતાએ તેમની દાઢી પણ મુંડાવી નાખી હતી. લાંબા વાળ કાપી નાખ્યા હતા અને પાઘડી ઉતારી નાખી હતી.”
પોતાને ‘રગહેડ્સ’ નામે ન બોલાવવામાં આવે એટલા માટે અનેક શીખોએ આવો નિર્ણય લીધો હતો. “જોકે, મારા કાકા જીવનભર સાચા શીખ બની રહ્યા હતા.”
ભેદભાવ માત્ર મૌખિક ન હતો. તેમને શાળાઓ, રેસ્ટોરાં, હોટલ, થિયેટર, મ્યુનિસિપલ સ્વિમિંગ-પુલ જેવી જગ્યાઓએ તેમજ નગરો તથા શહેરોના વિદેશી વિભાગોમાંથી દૂર રાખવામાં આવતા હતા. દેશમાં મુક્તપણે ફરવાની અથવા વિકાસની શક્યતાઓને મર્યાદિત કરતા કાયદાઓનો સામનો પણ તેમણે કરવો પડ્યો હતો.

ઇમેજ સ્રોત, LEIRE VENTAS / BBC NEWS WORLD
આ વાત 1913ના કૅલિફોર્નિયા એલિયન લૅન્ડ લૉની છે. ચીની, જાપાની, કોરિયન અને પંજાબ સહિતના નાગરિકતાને પાત્ર ન હોય તેવા વિદેશી લોકોને જમીન ખરીદવા કે તેમને જમીન ભાડે આપવા પર એ કાયદા હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
પણ ઘણા લોકોએ કૉન્ટેક્ટ્સ, સંગઠનોની રચના, નૉમિનીના ઉપયોગ અને અન્ય દાવપેચ દ્વારા આ કાયદામાંથી છટકબારી શોધી કાઢી હતી.
ત્યારબાદ 1917ના ઇમિગ્રેશન કાયદાને પગલે એશિયા અને પેસિફિકના લોકો માટે અમેરિકામાં પ્રવેશવાના દરવાજા બંધ થઈ ગયા હતા.
પત્નીઓ તથા બાળકોને એક દિવસ અમેરિકા લાવવાની આશાએ, સ્વદેશમાં છોડી આવેલા લોકો માટે તેમની સાથે ક્યારેય મુલાકાત નહીં થઈ શકવાનું, દેશમાં ફરી પ્રવેશ માટે ગેરલાયક ઠરવાનું જોખમ સર્જાયું હતું.
આ કાયદાને કારણે કેટલાકે સ્વદેશ પાછા ફરવાનું પસંદ કર્યું હતું અને અન્ય લોકોએ અમેરિકામાં નવું જીવન શરૂ કરવાના પ્રયાસ કર્યા હતા.
મિક્સ્ડ મેરેજીસ

ઇમેજ સ્રોત, COURTESY OF AMELIA SINGH NETERVALA
એ સમય એવો હતો જ્યારે દેશમાં કોણ પ્રવેશી શકે અથવા મિલકતની માલિકી ધરાવી શકે એટલું જ કાયદાઓ નક્કી કરતાં ન હતાં પરંતુ કોણ કોની સાથે લગ્ન કરી શકે એ પણ કાયદા નક્કી કરતા હતા.
વાસ્તવમાં 1967ના સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી અમેરિકામાં આંતરજાતીય લગ્ન કાયદેસર બન્યાં ન હતાં. સુપ્રીમ કોર્ટ તે કાયદાઓને ગેરબંધારણીય માનતી હતી.
તેથી સૌથી પહેલાં આવેલા વસાહતીઓ માટે પત્ની શોધવાનું અને શ્વેત સ્ત્રીઓ અથવા એંગ્લો-સેક્સન વંશના લોકો સાથે લગ્ન કરવાની શક્યતા નહિવત્ હતી.
પણ તેમણે પોતાની જેમ જ ખેતરોમાં કામ કરવા આવતાં મૅક્સિકન વંશના અમેરિકનો સાથે અથવા મૅક્સિકોની સ્ત્રીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો બાંધવાનું શરૂ કર્યું હતું.
આ જૂથોનો અભ્યાસ કરનાર યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાના ઇતિહાસના પ્રોફેસર હરદીપ ઘિલ્લોને બીબીસીને કહ્યું હતું, “સરહદી વિસ્તારોમાં એશિયન અને મૅક્સિકન સમુદાયોનું સંયોજન સામાજિક નેટવર્ક્સ અને તે સમયના રાજકીય અર્થતંત્રથી પ્રભાવિત હતું.”
પંજાબીઓ ત્યાંના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાયી થયા હતા. એ વિસ્તારોમાં મૅક્સિકન વંશની મહિલાઓ લાંબા સમયથી વસવાટ કરતી હતી.
જોકે, “આર્થિક અસ્થિરતા અને મૅક્સિકન ક્રાંતિ (1910-1920)ને કારણે વધુ પરિવારો ઉત્તર તરફ સરહદ ઓળંગીને અમેરિકામાં ગયા હતા.”
આ રીતે “મૅક્સિકન વંશની કેટલીક મહિલાઓ તેમના ભાઈઓ અથવા પિતાઓ માટે કે તેમની સાથે કામ કરી ચૂકેલા દક્ષિણ એશિયન વસાહતીઓના સંપર્કમાં આવી હતી. અન્ય કિસ્સાઓમાં સ્ત્રીઓ સીધી તેમની સાથે કામ કરતી હતી અથવા ટ્રેન સ્ટેશનો કે સ્થાનિક વ્યવસાયોમાં તેમની મુલાકાતો થઈ હતી.”
અમેલિયાનાં માતા-પિતા આવી પરિસ્થિતિમાં મૅક્સિકન રાજ્ય ચિહુઆહુઆના અલ પાસો નામના ઉપનગરમાં મળ્યાં હતાં.

ઇમેજ સ્રોત, COURTESY OF AMELIA SINGH NETERVALA
તેઓ કહે છે, “મારાં માતા એક ફાર્માસિસ્ટનાં પુત્રી હતાં અને તેમને ચાર ભાઈ હતા. તેઓ ટેક્સાસમાં તેમના પિતરાઈ ભાઈને મળવા જતાં હતાં. એ વખતે તેમની મુલાકાત સરહદ પાસે થઈ હતી. જોકે, એ વખતે ત્યાં કોઈ સરહદ ન હતી.”
આ બધું ક્યારે અને કેવી રીતે થયું હશે તેની વિગત અમેલિયા પાસે નથી. તેઓ કહે છે, “મેં તેમને જ્યારે પણ સવાલ કર્યો હતો ત્યારે તેઓ મને પૂછતા હતા કે એ તારે શા માટે જાણવું છે?”
અમેલિયા માત્ર એટલું જ જાણે છે કે તેમણે ક્યારે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો અને પાદરી પાસે લગ્ન કરવા ગયાં ત્યારે તેણે ઇનકાર કર્યો હતો.
“પછી તેઓ બીજા ગામના એક નાના ચર્ચમાં ગયા હતા. ત્યાં પણ તેમને ઇનકાર સાંભળવા મળ્યો હતો. એ પછી તેઓ જસ્ટિસ ઑફ ધ પીસના કાર્યક્રમમાં ગયાં હતાં અને તેમણે નાગરિક સમારોહમાં લગ્ન કર્યાં હતાં.”
અમેલિયા ઉમેરે છે, “વર્ષો પછી મારાં માતાએ મને કહ્યું હતું કે તેમને પહેલેથી જ બે સંતાન હતાં ત્યારે એક ખ્રિસ્તી સાધ્વી તેમનાં ઘરે આવ્યાં હતાં અને કહ્યું હતું કે પાદરી તેમના લગ્ન કરાવી આપવા તૈયાર છે.”
“મારાં માતાએ પૂછ્યું હતું, “હવે તેનો શું અર્થ?” તેમણે ચર્ચમાં ક્યારેય લગ્ન કર્યાં જ નહીં.”
ઇતિહાસકાર ઘિલ્લોન સમજાવે છે, “મૅક્સિકન વંશની સ્ત્રીઓને અમેરિકન કાયદા હેઠળ ગોરી ગણવામાં આવતી હતી, જ્યારે દક્ષિણ એશિયાના પુરુષોની બાબતમાં એવું ન હતું.”
“કેટલાકે તો તેમના લગ્નને પ્રમાણિત કરી શકે અને તેમને મૅરેજ સર્ટિફિકેટ આપી શકે એવા અધિકારીને શોધવા અનેક કાઉન્ટી અને રાજ્યોનો પ્રવાસ કર્યો હતો.”
“આ યુગલોએ એ સમયના અમેરિકન કાયદાઓ દ્વારા સ્થાપિત વંશવેલા અને મર્યાદાઓને પડકારી હતી.”
કેરેન લિયોનાર્ડના જણાવ્યા મુજબ, 1940ના દાયકા સુધીમાં કૅલિફોર્નિયામાં આવાં માત્ર 400 લગ્ન જ થયાં હતાં.
કેટલીક અમેરિકન-મૅક્સિકન મહિલાઓ પર મોટી અસર કરી ચૂકેલા એક ઓછા જાણીતા કાનૂની મુદ્દા તરફ ઘિલ્લોન ધ્યાન દોરે છેઃ "તેમણે, જન્મસિદ્ધ કે પછી નેચરલાઇઝેશન અધિકાર વિના ઇમિગ્રન્ટ્સ સાથે લગ્ન કરીને મેળવેલું નાગરિકત્વ ગુમાવવાનું જોખમ લીધું હતું."
અમેરિકા 1930ના દાયકા સુધી મહિલાઓના વૈવાહિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના રાષ્ટ્રીયતાના અધિકારને માન્યતા આપતું હતું.
“આ મહિલાઓ માટે પરિણામ અત્યંત ગંભીર હતું. કેટલીક સ્ત્રીઓએ તેમના સંબંધીઓને મળવા માટે સરહદ પાર કરવાનું એવા ડરથી બંધ કરી દીધું હતું કે તેમને પાછા આવવા દેવાશે નહીં. અન્યોને મતદાન જેવા નાગરિક અધિકારોનો ઉપયોગ કરતી અટકાવવામાં આવી હતી.”
લોહીના સંબંધ

ઇમેજ સ્રોત, LEIRE VENTAS / COURTESY OF AMELIA SINGH NETERVALA
ગમે તે હોય, પણ પંજાબી-મૅક્સિકન સમુદાય તેમના લોહીના સંબંધોને કારણે ખૂબ જ એકરૂપ હતો.
પ્રોફેસર લિયોનાર્ડ આ વાતને અલ્વારેઝ પરિવારના ઉદાહરણથી સમજાવે છે.
અલ્વારેઝ તેમની ત્રણ દીકરી એન્ટોનિયા, અન્ના અનિતા તથા એસ્ટર અને એક પુત્ર જીસસ સાથે મૅક્સિકોથી અલ પાસો થઈને 1916માં કૅલિફોર્નિયા પહોંચ્યાં હતાં.
તેઓ હોલ્ટવિલેમાં સ્થાયી થયાં હતાં અને બે પંજાબી ભાગીદારો શેરસિંહ અને ગોપાલસિંહના ભાડાના ખેતરમાં કપાસ ચૂંટનાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. 21 અને 18 વર્ષના વયની ઉંમરની એન્ટોનિયા અને અન્નાએ 36 અને 37 વર્ષની વયના એ પુરુષો સાથે આખરે લગ્ન કર્યાં હતાં.
ટૂંક સમયમાં તેમની ચોથી બહેન વેલેન્ટિના પણ તેમની સાથે વાડીમાં જોડાઈ હતી. તેઓ થોડાં મોટાં હતાં અને તેમની 14 વર્ષની દીકરી એલેજાન્ડ્રીના સાથે આવ્યાં હતાં. રૂલિયાસિંહ અને તેમના એક મિત્ર, જેમણે અમેરિકન નામ આલ્બર્ટો જો અપનાવ્યું હતું, તે બંનેએ લગ્ન કર્યાંને એક વર્ષ પણ પસાર થયું ન હતું ત્યાં બાકીની અવિવાહિત બહેન એસ્ટરે 1919માં હરનાનસિંહ સિદ્ધુ સાથે લગ્ન કર્યાં હતાં.
આ એક પૅટર્ન હતી, પરંતુ અમેલિયાના પરિવારમાં એવું ન હતું. રોઝાસિંહે મૅક્સિકો છોડી દીધું હતું અને પછી ક્યારેય પાછું વાળીને જોયું ન હતું.
જોકે, તેમની દીકરીને, તેઓ ટેક્સાસમાં રહેતા હતા ત્યારે તેમના જેવા અન્ય મેઝીસ્ટો પરિવારો સાથેના ગાઢ સંબંધો, ગોડફાધર્સ તથા ગોડમધર્સના નેટવર્ક, તેઓ કેવી રીતે ઉજવણી કરવા માટે એકઠા થતા હતા એ બધું સારી રીતે યાદ છે. પછી તેઓ ફિનિક્સની દક્ષિણે આશરે 80 કિલોમીટર દૂર આવેલી કાસા ગ્રાન્ડે મ્યુનિસિપાલિટી વિસ્તારમાં રહેવા ગયા હતા.
એ દિવસોને યાદ કરતાં, એ પૈકીના એક સાંજના બ્લૅક ન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ દેખાડતાં તેઓ કહે છે, “પંજાબી પુરુષોને ડાન્સ કરવાનું પસંદ હતું. તેઓ વર્ષમાં બે કે ત્રણ વખત આવતા હતા અને સાંજે મારાં માતા તેમના માટે મૅક્સિકન સંગીત વગાડતાં હતાં.”

ઇમેજ સ્રોત, COURTESY OF AMELIA SINGH NETERVALA
ઘરની બહાર, શાળાઓમાં, દુકાનોમાં કે કામના સ્થળે અંગ્રેજીનું વર્ચસ્વ હતું, પણ ઘરમાં સ્પેનિશ બોલાતી હતી. “ભાંગી-તૂટી સ્પેનિશ.”
તેઓ સ્પષ્ટતા કરે છે. તેમના પિતા પણ એવું જ કરતા હતા. તેઓ પિતા પાસેથી પંજાબીના કેટલાક શબ્દો શીખ્યા હતા.
પોતે કિશોરાવસ્થામાં લૉસ એન્જલસમાં રહેવા આવ્યાં ત્યારે પ્રેકટિસના અભાવે બધું ભૂલી જતાં હતાં. તેને યોગ્ય ઠરાવતાં તેઓ કહે છે, “એક હતું – સતશ્રી અકાલ. શીખો એકબીજાના અભિવાદન માટે આ વાક્યનો ઉપયોગ કરે છે.”
આ મિશ્રિત ઘરમાં કદાચ સૌથી વધુ નોંધનીય તેમનું ભોજન હતું.
“મારાં માતા અમારા માટે પિન્ટો બીન્સ અને મગની દાળ કાયમ બનાવતાં હતાં. અમે ચિકન સાથે કરી ખાતાં હતાં અને બધામાં ભાત તો હતા જ, પરંતુ એ સ્પેનિશ શૈલીમાં, ભારતીય શૈલીમાં નહીં. મારાં માતા પરોઠાં પણ બનાવતાં હતાં.”
તેઓ ઉમેરે છે, “મારાં માતાને તેમના પિતાએ આ બધું રાંધતા શીખવાડ્યું હતું.”
જોકે, ક્રિસમસ, ન્યૂ યર અને અન્ય પ્રસંગોએ તેઓ મેન્યુડો અથવા ચિકન ટેમલ્સ જેવી મેક્સિકન ક્લાસિક વાનગીઓ બનાવતાં હતાં.
એ સ્ટીક, મેક અને ચીઝના દિવસો હતા. આખરે તે અમેરિકા હતું.
તેઓ ભારપૂર્વક કહે છે, “તે ગેસ્ટ્રોનોમિક ફ્યુઝનને બદલે એક સંયોજન હતું.”
બાદમાં પણ એવું થયું હતું. રસુલ્સે 1954માં કૅલિફોર્નિયાના યુબા સિટીમાં શરૂ કરેલી અલ રેન્ચેરો રેસ્ટોરાંના મેન્યુમાં સ્ટાર વાનગી ‘રોટી ક્વેસાડિલા’ હતી.
એક જટિલ કથા

ઇમેજ સ્રોત, COURTESY OF AMELIA SINGH NETERVALA
ઘિલ્લોન જણાવે છે કે આ સમુદાયમાં તાજેતરમાં લોકોને જાગેલો રસ મોટા ભાગે ફ્યુઝન ફૂડ પર કેન્દ્રિત છે, પરંતુ તેની સાચી કથા વધારે જટિલ છે અને તેને એ રીતે જ જાણવી જોઈએ.
તેઓ કહે છે, “વધારે પડતાં સરળ સ્ટીરિયોટાઈપ્સ દ્વારા એશિયન-લેટિનો જોડાણને રોમૅન્ટિક દર્શાવવાનું વલણ લોકોમાં જોવા મળે છે.”
“કેટલાક રોટી અને ટોર્ટિલાની સરખામણી કરે છે, જે સૂચવે છે કે પંજાબી અને મૅક્સિકન ફૂડ વચ્ચેની સમાનતા એ સરહદી વિસ્તારોમાં બંધાયેલા ઘનિષ્ઠ સંબંધોનો આધાર હતી. જોકે, ઇમિગ્રેશન રેકૉર્ડ્સ, સંસ્મરણો અથવા ઇન્ટરવ્યૂઝમાં નોંધાયેલી કથાઓ જણાવે છે કે તેમનું જીવન અને નિર્ણય લેવાની પ્રક્રિયા વધારે જટિલ હતી.”
તેમના એ નિર્ણયોનો પ્રભાવ 'હાફ ઍન્ડ હાલ્વ્ઝ' તરીકે ઓળખવામાં આવતા તેમના વંશજો પર પણ પડતો હતો.
પંજાબી-મૅક્સિકન યુગલો અમેરિકન નાગરિક બનવાને લાયક ન હતા, પરંતુ તેમનાં બાળકો લાયક હતાં. “તેમનાં માતા-પિતાના સામાજિક-આર્થિક અને રાજકીય અવરોધોનો તેમના જીવન પર નોંધપાત્ર પ્રભાવ પડ્યો હતો.”

ઇમેજ સ્રોત, COURTESY OF AMELIA SINGH NETERVALA
પંજાબી-મૅક્સિકન લગ્નોમાંથી થયેલાં સંતાનો 1940ના દાયકામાં 30 વર્ષની વયના થયાં ત્યાં સુધીમાં કૅલિફોર્નિયાએ તેના આ કાયદામાંથી છુટકારો મેળવ્યો હતો.
ભારત તેમજ ફિલિપાઈન્સના ઇમિગ્રન્ટ્સને અમેરિકાનું નાગરિકત્વ પ્રદાન કરવાની અને એ કારણે ઘર તથા ખેતીની જમીન ખરીદવાની છૂટ આપતા લ્યુસ-સેલર ઍક્ટ પર અમેરિકાના તત્કાલીન પ્રમુખ હેરી એસ ટ્રુમેને 1946માં હસ્તાક્ષર કર્યા હતા.
વિશ્વની બીજી બાજુએ એક સદી કરતાં વધુ સમય સુધી શાસન કર્યા પછી બ્રિટિશ સામ્રાજ્યથી ભારતને 1947માં આઝાદી મળી હતી.
આ પ્રદેશનું બાદમાં ભારત અને પાકિસ્તાન એમ બે દેશમાં વિભાજન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનનો પૂર્વ હિસ્સો વર્ષો પછી બાંગ્લાદેશ બન્યો હતો.
વિભાજનના નામે જાણીતી આ પ્રક્રિયા દરમિયાન વ્યાપક હિંસાચાર થયો હતો, જેમાં 10 લાખ લોકો માર્યા ગયા હતા અને દોઢ કરોડથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા.
આ સંદર્ભમાં હવે પ્રદેશના નવા વસાહતીઓએ આંતરજાતીય લગ્નો કરવાનું ટાળતા રહ્યા છે.
નવી પેઢી જેમ જેમ અમેરિકન સમાજમાં આત્મસાત થઈ તેમ તેમ તે અગ્રણી સમુદાય ભુલાઈ ગયો હતો, પરંતુ લિયોનાર્ડ અને તાજેતરમાં ઘિલ્લોન જેવા સંશોધકો તેમના કાર્ય દ્વારા તેને ફરીથી પ્રકાશમાં લાવ્યા છે.
પોતે જીવંત ઇતિહાસ છે, એવું જાણતાં અમેલિયા કહે છે, “હું મારા વંશની સમૃદ્ધિનો આદર અને સન્માન કરું છું.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












