એ લોકોની કહાણી જે જલદી વૃદ્ધ નથી થતા, આ રીતે અટકી ગઈ ઉંમર

બોલિવિયાના સિમાન લોકો
ઇમેજ કૅપ્શન, સિમાન લોકો ઉત્તર બોલિવિયામાં આવેલા એમેઝોનના વર્ષાવનમાં રહે છે
    • લેેખક, અલેજાન્દ્રો મિલાન વેલેન્સિયા
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

માર્ટિના કેન્ચી 80 વર્ષનાં છે અને તેમનામાં અદમ્ય ઉત્સાહ અને જોમ દેખાય છે.

માર્ટિના જંગલની મધ્યમાં રહે છે. લાલ પતંગિયાંનું વાદળ તેમને તેમના ચાકો એટલે કે ખેતર ભણી દોરી જાય છે. ચાકો જમીનનો એક ટુકડો છે, જેમાં માર્ટિના પોતાના આહાર માટે જરૂરી યુક્કા, મકાઈ, કેળાં અને ચોખા ઉગાડે છે.

અડધો કલાક ચાલ્યા પછી માર્ટિના માત્ર દસ મિનિટમાં કસાવાના ત્રણ છોડ ખોદી કાઢે છે, હાથ વડે તેમાંથી કંદમૂળ કાઢી લે છે અને કેળાંની લૂમ કાપવા માટે છરીના માત્ર બે ફટકાથી કેળાનાં અનેક ઝાડ કાપી નાખે છે. પછી એ બધું ઘરે લઈ જવા પોતાની પીઠ પર લટકાવી દે છે.

માર્ટિના તેમની ઝૂંપડીમાં પાછાં આવે છે અને તેમના ગામનું પરંપરાગત પીણું ચિચા તૈયાર કરવા માટે મકાઈના દાણા પીસે છે ત્યારે હું તેમને પૂછું છું, “તમને ઈજા થવાનો ડર નથી લાગતો?”

માર્ટિના સ્વાભાવિક રીતે જવાબ આપે છે, “ડર શું છે તે હું જાણતી નથી.”

માર્ટિના સિમાન છે. સિમાન બહુરાષ્ટ્રીય લોકો વસવાટ કરે છે એવા દેશ બોલિવિયાની સત્તાવાર માન્યતા પ્રાપ્ત 36 સ્વદેશી ભાષાઓ પૈકીની એક છે.

માર્ટિના બોલિવિયાના એમેઝોન વર્ષાવનના દૂરના એક ખૂણામાં આવેલા મિશન ફાતિમામાં રહેતા અર્ધ-વિચરતા સમુદાયના 16,000 સભ્યો પૈકીનાં એક છે. આ પ્રદેશ લા પાઝથી લગભગ 600 કિલોમીટર ઉત્તરમાં આવેલો છે અને સાન બોર્જાથી છ કલાક હોડીમાં બેસીને કરવી પડતી મુસાફરી બાદ ત્યાં પહોંચી શકાય છે.

WhatsApp

ઇમેજ સ્રોત, BBC Gujarati

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

બોલિવિયામાં 16,000 સિમાન રહે છે.
ઇમેજ કૅપ્શન, એવો અંદાજ છે કે બોલિવિયામાં લગભગ 16,000 સિમાન રહે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નિષ્ણાતો માને છે કે દુનિયાથી દૂર રહેવાનું વલણ આ વંશીય જૂથની વયવૃદ્ધિના સંદર્ભમાં વધારે મહત્ત્વપૂર્ણ છે. તે એટલું અનન્ય અને અનોખું છે કે તેનો અભ્યાસ વિજ્ઞાનીઓ દાયકાઓથી કરી રહ્યા છે.

નૃવંશશાસ્ત્રી હિલાર્ડ કપલાન છેલ્લાં 20 વર્ષથી જે કામ કરી રહ્યા છે તેને વધારે સારી રીતે સમજવા માટે અમે સાન બોર્જા ગયા હતા. સાન બોર્જા ખાતેના પોતાના દિવાનખંડમાં બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, “જાપાની પુરુષો અને સ્ત્રીઓની સરખામણીએ સિમાનમાં ધમનીઓ ઓછી સખત હોય છે. તેઓ અત્યંત ઓછી ચરબીવાળો આહાર ગ્રહણ કરે છે.”

અમેરિકાની યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફોર્નિયા અને ન્યૂ મૅક્સિકોના વિદ્વાનો સાથે મળીને કરવામાં આવેલા તેમના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે સિમાન લોકો પૃથ્વી પરના માણસોમાં સૌથી વધારે આરોગ્યપ્રદ ધમનીઓ ધરાવે છે. તેમનું મગજ ઉત્તર અમેરિકન, યુરોપિયન અને વિશ્વના બીજા લોકોની સરખામણીએ બહુ ધીમા દરે વૃદ્ધ થાય છે.

માર્ટિનામાં ઢળતી વયે જે ઉત્સાહ જોવા મળ્યો તેવો ઉત્સાહ બીજા અનેક વૃદ્ધ સિમાનોમાં જોવા મળે છે. તેમણે એકવીસમી સદીમાં પણ નિર્વાહના સાધન તરીકે ખેતી, માછીમારી અને શિકારની ઔદ્યોગિકીકરણ પૂર્વેની પરંપરા જાળવી રાખી છે. કપલાનના કહેવા મુજબ, તેમાં “શારીરિક પ્રવૃત્તિઓ અને આહાર પદ્ધતિનો સમાવેશ થાય છે, જેની તેમના સ્વાસ્થ્ય પર ચોક્કસ અસર થાય છે.”

જટાતા અને ચિચા

Tsiman people of Bolivia

ઇમેજ સ્રોત, BBC

ઇમેજ કૅપ્શન, સિમાન લોકો દરરોજ સરેરાશ 17,500 પગલાં ચાલે છે અને તેઓ ખુલ્લા પગે ચાલે છે.

માર્ટિનાની વાત કરીએ તો સિમાન મહિલાઓ માટે સૌથી વધુ સમયની જરૂર હોય તેવી પ્રવૃત્તિઓમાંની એક ખાસ કામ છે. તેઓ મિશન ફાતિમાની સરહદની તળેટીના સૌથી ઊંડા વિસ્તારોમાં ઊગતા જટાતા નામના છોડ વડે લાકડાના મકાનોની છતનું વણાટ કામ કરે છે.

પૂરતા પૈસા મળે એ માટે માર્ટિનાએ જંગલમાં જવું પડે છે, કુલ છ કલાક ચાલવું પડે છે અને પાછા આવતી વખતે જટાતાની ડાળીઓ પીઠ પર લાદીને લાવવી પડે છે.

માર્ટિના કબૂલે છે, “આ કામ દરરોજ વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે, પરંતુ હું મહિનામાં એક-બે વખત એવું કરું છું.”

વાત ત્યાં પૂરી થતી નથી. પાંદડાં સુકાઈ જાય પછી એક પ્રક્રિયા શરૂ થાય છે, જે છોકરીના વાળનો ચોટલો વાળવા જેટલી નાજુક હોવાની સાથે ગગનચુંબી ઇમારત બનાવવા જેવી જટિલ પણ હોય છે. તેનો વણાટ એટલો મજબૂત હોવો જોઈએ કે તેમાંથી પાણી ના ગળે. તેની સાથે હવાને અંદર પ્રવેશતી અટકાવે તેટલો ચુસ્ત પણ ન હોવો જોઈએ.

સિમાનના વૃદ્ધો
ઇમેજ કૅપ્શન, સિમાન વૃદ્ધોના સારા સ્વાસ્થ્યનું મુખ્ય કારણ પોષણ છે

આમાંની ઘણી છતોનું વેચાણ સાન બોર્જા અથવા ત્રિનિદાદ જેવાં શહેરી કેન્દ્રોમાં પણ કરવામાં આવે છે. તેનાથી આ કામમાં સામેલ મહિલાઓને થોડી આર્થિક રાહત મળે છે.

શરૂઆતથી જ સંશોધન ટીમ સાથે સંકળાયેલા રહેલા બોલિવિયાના ડૉ. ડેનિયલ ઇદ રૉડ્રિગ્ઝ બીબીસીને સમજાવે છે, “વૃદ્ધ સિમાન લોકોએ પોતાના ખોરાકની વ્યવસ્થા જાતે કરવાની હોય છે, કારણ કે પરિવારો અને સમુદાય વચ્ચેના આધારમાં પરમ સત્ય એ છે કે અહીં દરેક વ્યક્તિ પોતાના માટે જવાબદાર છે અને ઘણીવાર તો આ વડીલોના વંશજો પહેલાં તેમનાં સંતાનોનું પેટ ભરવા વિશે વિચારતા હોય છે.”

તેઓ ઉમેરે છે, “આ કારણે તેમણે દૈનિક પ્રવૃત્તિઓ ફરજિયાત કરવી પડે છે, જે માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ દરેક સ્તરે જરૂરી હોય છે.”

માર્ટિના ચિચા પાસે પહોંચે છે ત્યારે લાલ પતંગિયાં ફફડતાં બંધ થઈ જાય છે. જાડું, પીળું, આથાવાળું પીણું કોળાના મોટા પાત્રમાં ફરવા લાગે છે.

આ પીણાનો સ્વાદ મીઠો છે અને તે અનેક ચહેરા પર સ્મિત લાવે છે.

માર્ટિના અને અન્ય વૃદ્ધ લોકોમાં જોવા મળતી ઊર્જાનું કારણ સમજાવતાં જેસસ બાની કહે છે, “અહીં કોઈ ધુમ્રપાન કરતું નથી. અમારા સિમાન લોકોની એકમાત્ર આદત ચિચા પીવાની છે.”

હૃદય અને મગજ

નૃવંશશાસ્ત્રી હિલાર્ડ કેપ્લાન સિમાન લોકો પર સંશોધનનું નેતૃત્વ કરી રહ્યા છે.
ઇમેજ કૅપ્શન, નૃવંશશાસ્ત્રી હિલાર્ડ કેપ્લાન 20થી વધુ વર્ષોથી સિમાન લોકો પર સંશોધન કરી રહ્યા છે

અમેરિકન કાર્ડિયોલૉજિસ્ટ રેન્ડલ સી. થોમસન અને નિષ્ણાતોની ટીમે માર્ચ 2013માં એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે (ઇજિપ્ત, ઇન્કા અને અલાસ્કા નજીકના એલ્યુટીયન ટાપુઓ પૈકીના એકની) ત્રણ પ્રાચીન સંસ્કૃતિઓના 140થી વધુ મમીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 47માં તેમને આર્ટિયોસ્કેલેરોસિસનાં ચિહ્નો મળ્યાં હતાં.

આ નિવેદને એ તબીબી માન્યતાને પડકારી હતી કે વૃદ્ધ લોકોની ધમનીઓમાં થતો જંતુયુક્ત પ્લાક આધુનિકતા અને બેઠાડુ જીવનશૈલી ધરાવતા તથા અલ્ટ્રા-પ્રોસેસ્ડ આહાર કરતા ઔદ્યોગિક સમાજને કારણે જોવા મળતી સ્થિતિ છે.

આ સંશોધન બાબતે ઉત્સુક લોકોમાં કેપલાન અને તેમની યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા, સાન્ટા બાર્બરાના સાથીદાર માઈકલ ગુર્વેનનો પણ સમાવેશ થાય છે.

જોકે, તેમને પરિણામ કરતાં વધુ આશ્ચર્ય પદ્ધતિથી થયું હતું.

એ સમયે કેપલાન અને ગુર્વેન બોલિવિયામાં સિમાન લોકોનો દસ વર્ષથી અભ્યાસ કરી રહ્યા હતા.

ટેક્નૉલૉજીની અસર પહેલાં સમાજ કેવી રીતે વૃદ્ધ થતો હતો તે વિશે વધુ જાણવાના હેતુસર તેઓ બોલિવિયા ગયા હતા.

સોળમી સદીમાં સ્પેનિશ લોકો ત્યાં આવ્યા હતા, પરંતુ સિમાન લોકોએ તેમના પૂર્વજોના રિવાજો અનુસાર જીવવાનું ચાલુ રાખ્યું છે. તેઓ આધુનિક વિશ્વના મોટા ભાગના ફેરફારોથી અજાણ છે. તેઓ વિશ્વ સાથે થોડા સમય પહેલાં સુધી ભાગ્યે જ કોઈ સંપર્ક ધરાવતા હતા.

વાસ્તવમાં તેમની ભાષા મોસેટેન-ચિમાને તેમની અલગતાને પ્રતિબિંબિત કરે છે. સમકાલીન કળાકૃતિઓને નામ આપવા માટે તેઓ સ્પેનિશનો ઉપયોગ કરે છે. તેમની સાથે વાતચીત કરવા માટે જેસસે અનુવાદક તરીકે ભૂમિકા ભજવી હતી.

કેપલાન કહે છે, “અમારા અભ્યાસમાં અમે નોંધ્યું હતું કે વૃદ્ધોમાં હાઈપરટેન્શન, ડાયાબિટીસ અથવા હૃદયની સમસ્યાઓ જેવી વૃદ્ધાવસ્થાની લાક્ષણિક બિમારીઓનાં ચિહ્નો દેખાતાં ન હતાં. અમારો અભિગમ તબીબી નહીં, પરંતુ માનવશાસ્ત્રીય હતો.”

તેઓ કહે છે, “પ્રોફેસર થોમસને સીટી સ્કૅન સાથેની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. તેમના શરીરની અંદર શું થઈ રહ્યું છે તે સીટી સ્કૅન દ્વારા જાણી શકાય.”

કેપલાન અને ગુર્વેને તેમના સંશોધનને તબીબી ક્ષેત્ર સુધી વિસ્તારવા પોતાની સાથે જોડાવા થોમસનની ટીમને રાજી કરી હતી.

ત્રિનિદાદની એક હૉસ્પિટલમાં લગભગ એક વર્ષ સુધી ચલાવવામાં આવેલા આ કાર્યક્રમમાં 700 વૃદ્ધ સિમાન લોકોએ ભાગ લીધો હતો. બેની ડિપાર્ટમેન્ટ પ્રદેશમાં એકમાત્ર કાર્યરત્ સીટી સ્કૅનર ત્રિનિદાદમાં હતું.

આ અભ્યાસનું પ્રથમ પરિણામ 2017માં લૅન્સેટ સામયિકમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમને શરૂઆતથી જે શંકા હતી તેને આ પરિણામે પુષ્ટિ આપી હતી. તપાસ કરવામાં આવી હતી એ પૈકીના 87 ટકા સિમાન લોકોમાં એથરોસ્કેરોટિક હાર્ટ ડિસીઝનું ન્યૂનતમ જોખમ હોવાની તેમને શંકા હતી.

બીજા તબક્કાનું પરિણામ 2023માં નેશનલ ઍકૅડમી ઑફ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયું હતું. તે વધારે આશ્ચર્યજનક હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે બ્રિટન, જાપાન કે અમેરિકા જેવા ઔદ્યોગિક દેશોમાંના સમાન વયના લોકો કરતાં સિમાન વૃદ્ધોના મગજની દુર્બળતા 70 ટકા ઓછી હતી.

કપલાનના જણાવ્યા મુજબ, 80 વર્ષની સિમાન વ્યક્તિનાં હૃદય તથા મગજની તંદુરસ્તી ન્યૂયૉર્ક અથવા લંડનમાંની 55 વર્ષની વ્યક્તિ જેવી જ હતી. તેમનું મગજ ઘણું ધીમેથી વૃદ્ધ થતું હતું.

ઈદે અમને ત્રિનિદાદની હૉસ્પિટલની બહાર કહ્યું હતું, “અમારી પાસે સમગ્ર વસ્તીમાં અલ્ઝાઇમરનો એકેય કેસ નથી. આપણે જે દુનિયામાં રહીએ છીએ તેમાં આ બહુ નોંધપાત્ર હકીકત છે.” આ હૉસ્પિટલમાં સિમાન વૃદ્ધો પર ચાલી રહેલા સંશોધનના નવા તબક્કાનું નેતૃત્વ ઈદ કરી રહ્યાં છે.

ડેટા હાથવગો હોવાથી વિજ્ઞાનીઓએ આ લાંબા ગાળાની સુખાકારીની સ્રોતને શોધવા માટે પહેલાં કરતાં વધુ આકરી મહેનત કરવાનું શરૂ કર્યું.

કપલાનની આગેવાની હેઠળના બે અભ્યાસોને અન્ય સંશોધકોએ વ્યાપકપણે સમર્થન આપ્યું છે. એ પૈકીના અનેક સાથે બીબીસીએ વાત કરી હતી. દવા અને માનવશાસ્ત્ર બંને ક્ષેત્રે આ એક મહત્ત્વપૂર્ણ રહસ્યોદ્ધાટન હોવાની પુષ્ટિ તેમણે કરી હતી.

સિમાન લોકોનું ઈડન

સિમાન લોકોનું ઈડન
ઇમેજ કૅપ્શન, છેલ્લાં છ વર્ષોમાં, સીટી સ્કૅનનો ઉપયોગ કરીને લગભગ 1,500 સિમાનનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

જુઆન ગુટીરેઝ આઠ વર્ષના હતા ત્યારે તેમણે સૌપ્રથમ વખત લોમા સાન્ટા નામના સ્થળ વિશે સાંભળ્યું હતું. સ્પાઈડર વાનરોને જુઆનની હાજરીનો અહેસાસ થાય અને તે ગાઢ જંગલમાં ભાગી જાય એ પહેલાં તેની રાહ જોતાં જુઆન તેની કથા કહે છે.

“અહીં બહુ ઓછાં પ્રાણીઓ છે અને તેમનો શિકાર કરવા માટે બહુ ચાલવું પડે છે,” જુઆન ફરિયાદ કરે છે.

જુઆન હવે 78 વર્ષના છે, પરંતુ પ્રાણીને ધ્યાનમાં રાખીને તેઓ અદ્ભૂત ચપળતાથી આગળ વધે છે. તેમની શારીરિક સ્થિતિ અત્યંત મજબૂત છે. તેમના મસ્તક પર એકેય સફેદ વાળ નથી. આંખો તેજસ્વી છે. હાથ સ્નાયુબદ્ધ અને મજબૂત છે. તેમના ચહેરા પર કરચલી ન હોય તો તેઓ જીવવા માટે શિકાર કરવા જતા એક યુવાન પિતા જેવા લાગે.

કેપલાન કહે છે, “મોટા ભાગના સિમાન લોકો ચારથી છ કલાક આરામ કર્યા વિના સક્રિય રહી શકે છે. ચાલવાનું હોય, વાવેતર કરવાનું હોય કે ઘરકામ કરવાનું હોય, સતત આગળ વધતા રહેવું એ તેમની ઓળખનો એક હિસ્સો અને તેમની ધમનીઓના ઈર્ષ્યા થાય તેવા સ્વાસ્થ્યનું છે.”

ઇલેક્ટ્રોનિક ઘડિયાળોના ઉપયોગને લીધે સંશોધકો જાણી શક્યા હતા કે સિમાન લોકો રોજ સરેરાશ 17,000 પગલાં ચાલે છે, જ્યારે પશ્ચિમના દેશોમાં વ્યક્તિ રોજ સરેરાશ 6,000 પગલાં ચાલતી હોવાનો અંદાજ છે.

શિકાર શારીરિક મહેનત માંગતું કામ છે

એ લોકો જે સિકાર કરીને ખાય છે
ઇમેજ કૅપ્શન, શિકાર એ એક એવી પ્રવૃત્તિ છે જેનો ઉપયોગ તેઓ હજુ પણ તેમના આહારમાં જરૂરી પ્રોટીન મેળવવા માટે કરે છે.

જુઆનને તેમના પિતાએ તેઓ સાથે હોલી હિલ શોધવા બેનીનો પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે બધું શીખવાડ્યું હતું. હોલી હિલને તેઓ પ્રાણીઓ, ફળદ્રુપ જમીન અને પારદર્શક નદીથી ભરપૂર પ્રદેશ ગણાવ્યો હતો. પાણી એટલું સ્વચ્છ હોય છે કે તમે પાણીમાં હાથ નાખીને માછલી પકડી શકો છો. આ સિમાન લોકોનું ઈડન છે.

તીરને કેવી રીતે પૉલિશ કરવું અને તાપીર જેવાં મોટાં અથવા વાંદરાં જેવાં નાનાં પ્રાણીના શિકાર માટે ક્યા તીરનો ઉપયોગ કરવો એ તેઓ તેમના પિતા પાસેથી શીખ્યા હતા. સફળ શિકાર માટે હથિયારોનાં કૌશલ્ય અને વ્યૂહરચનાનો પરિચય પણ તેમને તેમના પિતાએ કરાવ્યો હતો.

તેમનું લક્ષ્ય ટાઈટેટુ તરીકે ઓળખાતું રૂવાંટીવાળું નાનું જંગલી ડુક્કર છે. જુઆન કમાન ખેંચે તે પહેલાં ટાઈટેટુ પર્ણસમૂહમાંથી ઝડપથી સરકી જાય છે.

તેનાથી નિરાશ થઈને તેઓ આહાર માટે પ્રાણીઓ શોધવાનું કઈ રીતે વધારેને વધારે મુશ્કેલ બની રહ્યું છે તેની, આહાર માટે પ્રાણીનો શિકાર ન કરી શકાય તો તેમના સમુદાયનું ભવિષ્ય કેવું હશે તેની વાત કરે છે. હોલી હિલ ન હોત તો તેમની હાલત કેવી હોત?

દિવસો બાદ ઘરે પાછા ફર્યા પછી તેઓ અમને જણાવે છે કે એ પવિત્ર સ્થળની નિરર્થક શોધ વચ્ચે તેમણે લગ્ન કર્યાં હતાં અને સંતાનોના પિતા બન્યા હતા.

ગમગીની અને શાણપણના સંકેત વચ્ચે તેઓ અચાનક કહે છે, “આખરે સમજાય છે કે લોમા સાન્ટા તમારો પરિવાર છે.”

જમીન અને પાણી

એ લોકો જે સિકાર કરીને ખાય છે
ઇમેજ કૅપ્શન, જુઆન શિકાર પર જવાની તૈયારી કરી રહ્યા છે

સિમાન લોકોના અસાધારણ સ્વાસ્થ્યને સમજાવતું બીજું મુખ્ય પાસું છે તેમનો આહાર.

સંશોધકોએ શોધી કાઢ્યું છે કે સિમાન લોકો જે કંઈ પણ ખાય છે તેમાં માત્ર 14 ટકા જ ચરબી હોય છે. (અને ટ્રાન્સ ફેટ તો હોતી જ નથી) તેમના ખોરાકમાં ફાઈબરની માત્રા વધુ હોય છે અને તેમાંથી 72 ટકા કાર્બોહાઈડ્રેટ્સ હોય છે.

સ્ટવ તરીકે કામ કરતા અંગારા પર રસોઈ કેવી રીતે રંધાઈ રહી છે તે ચેક કરતાં માર્ટિના સમજાવે છે, “હું ઊઠું છું ત્યારે સૌથી પહેલું કામ નાસ્તા માટે ભાત રાંધવાનું કરું છું. પછી બપોરના ભોજન માટે કેળાં અને યુકા લેવા જાઉં છું.”

પ્રોટીન(આ કિસ્સામાં માંસ)ની વ્યવસ્થા જુઆન જેવા થોડા દિવસ પહેલાં શિકાર કરવા ગયેલા પુરુષો દ્વારા કરવામાં આવે છે.

તેઓ 300 ગ્રામ તાપીર લઈને આવે તેવી અપેક્ષા હોય છે, પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે તે ભૂતકાળની કલ્પના છે. કોઈ સારા દિવસે તેમને વાંદરો અથવા કેટલાક પક્ષીઓનો શિકાર કરવા મળશે.

ખોરાકનો વધુને વધુ મહત્ત્વનો સ્રોત બની ગયેલી એક શેડ કે સુરુબી મળે છે, જે તેમને નદી પૂરી પાડે છે.

ભલે ગમે તે મળે, પરંતુ તે ખોરાકનો એક હિસ્સો હશે. તેમાં કોઈ પ્રોસેસ્ડ ઘટકો નહીં હોય. સિમાન લોકો દ્વારા વપરાશમાં લેવાતી દરેક વસ્તુ જંગલની જમીન અથવા પાણીમાંથી મળે છે. તેઓ કશું તળેલું કે આથેલું ખાતા નથી.

ઈદ કહે છે, “આ બધું આપણા શરીરમાં કૉલેસ્ટ્રોલના નીચા સ્તરને નિર્ધારિત કરતું પરિબળ હોય છે.”

તેજસ્વી મન

જલદી વૃદ્ધ ન થતા લોકો
ઇમેજ કૅપ્શન, ફર્મિન નાનાં બાળકોને તીર બનાવવાં માટે વપરાતા શણની સંભાળ રાખવા વિશે શીખવે છે.

મિશન ફાતિમાના એક અન્ય સિમાન રહેવાસી ફર્મિન નાટના ઘરની દિવાલો ધુમાડાથી રંગાયેલી છે. લાકડાનો એક ટુકડો ઘરની માટીની ભોંય પર સળગતો રહે છે અને ક્યારેય ઓલવાતો નથી. ઘરમાં પ્રવેશી શકતો એકમાત્ર કુતરો ગરમ રાખ પર આરામ કરવા બેસી જાય છે.

ફર્મિન તેની સામે જુએ છે, સ્મિત કરે છે અને પોતાના મારિકોમાંથી એક વાંસળી કાઢે છે, જે આધુનિક પાઈપોમાં વપરાતી પ્લાસ્ટિક ટ્યૂબમાંથી હાથે બનાવવામાં આવેલી છે. ફર્મિન એક પ્રાચીન સ્વદેશી ધૂન વગાડવાનું શરૂ કરે છે.

તેમાંથી બ્રેક લે છે ત્યારે મને કહે છે, “હું બાળપણમાં મારા દાદાજી પાસેથી ગીતો શીખ્યો હતો.”

ફર્મિન 78 વર્ષના છે અને જણાવે છે કે તેમને તેમના માતા-પિતા તથા દાદા-દાદીએ માત્ર સંગીત વિશે જ નહીં, પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવા બાબતે શીખવેલું બધું જ સારી રીતે યાદ છે.

ફર્મિને આ પરંપરા જાળવી રાખી છે. તીરમાં વપરાતા હેમ્પને કેવી રીતે સંભાળવું અને તેની કેવી રીતે કાળજી લેવી એ તેઓ તેમના પરિવારજનોને શીખવે છે. એ તીર ટાર્પોન ફિશિંગ માટેના મૂળભૂત સાધનો પૈકીનું એક છે.

તેઓ તેમને કહે છે, “તીરને દરરોજ સાફ કરવાં જોઈએ, જેથી તેમના ઘાટને નુકસાન ન થાય.”

2017માં 'લૅન્સેટ' સામયિકમાં લેખ પ્રકાશિત થયા પછી આગળનો તબક્કો શું હોવો જોઈએ એ બાબતે સંશોધકો સ્પષ્ટ હતા. ઈદ કહે છે, “અમે સિમાન લોકોના કાર્ડિયોવેસ્ક્યુલર ભાગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ અમારે તેમના મગજના સ્વાસ્થ્યનો પણ અભ્યાસ કરવાનો છે તે સ્પષ્ટ હતું.”

ઈદ ઉમેરે છે, “અમે નોંધ્યું હતું કે વૃદ્ધત્વ સાથે જ્ઞાનાત્મક ફેરફારો થતા હોવા છતાં એ ગંભીર સમસ્યાઓ કે સ્મૃતિલોપ સર્જતા નથી.”

ફર્મિન એ સિમાન લોકો પૈકીના એક હતા, જેમણે એમઆરઆઈ અધ્યયન માટે મિશન ફાતિમાથી ત્રિનિદાદ સુધીનો પ્રવાસ કર્યો હતો. ત્યાં તેમના મસ્તકનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેને શરીરના દ્રવ્યમાન તથા આહાર જેવા અન્ય ડેટા સાથે સરખાવ્યું હતું.

ઈદ નોંધે છે, “માત્ર મગજનું ઈમેજિંગ પૂરતું ન હતું. અમને જ્ઞાનાત્મક કાર્ય જેવી અન્ય માહિતીની પણ જરૂર હતી.”

એ માટે તેમણે સમુદાયોની મુલાકાત લેવી પડી હતી.

જલદી વૃદ્ધ ન થતા લોકો
ઇમેજ કૅપ્શન, ફર્મિન મેનિકી નદીને કાંઠે વાંસળી વગાડે છે

તબીબી ટીમના સભ્ય ગેરાર્ડો હિલ્ડા કેંચીને પૂછે છે, “કૃપા કરીને મને આઠ પ્રાણીઓનાં નામ જણાવો.” હિલ્ડા સાથે ગેરાર્ડો તેની ચિમન ભાષામાં વાત કરે છે.

હિલ્ડા જરાય આશ્ચર્ય વિના ગેરાર્ડો સામે જુએ છે. હિલ્ડા 81 વર્ષનાં છે અને સાન્ટા મારિયાના સમુદાયમાં તેમના બીજા પતિ સલોમોન સાથે રહે છે. સાન બોર્જાથી સાન્ટા મારિયા પહોંચવા માટે મેનિકો નદીમાં હોડીમાં લગભગ ત્રણ કલાક પ્રવાસ કરવો પડે છે. ચાકો હોવાને લીધે તેમની પાસે ખાવા માટે જરૂરી હોય તે બધું જ છે.

હિલ્ડા જરાય અચકાયા વિના જવાબ આપે છે, “ટેપિટન, વાંદરો, કૂતરો, માછલી, બિલાડી, બતક, મરઘી અને ડુક્કર.”

ગેરાર્ડો પોતાના હાથમાંનું ફોર્મ ભરતાં પૂછે છે, “નદીમાં રહેતી છ માછલીઓનાં નામ શું છે?”

હિલ્ડા તરત જવાબ આપે છે, “સુરુબી, કેટફિશ, તુજુનો ટાચાકા, પેલેટા અને સાબાલો.”

“હવે એકથી દસ સુધીની સંખ્યા કહો.”

“એક, બે...પાંચ..” હિલ્ડા ગૂંચવાઈ જાય છે, અચકાય છે.

સ્થાનિક સરકાર વતી સિમાન લોકોની જ્ઞાનાત્મક કસોટી લેનાર ગેરાર્ડો સમજાવે છે, “આ લોકોને સંખ્યાઓ સંબંધે સમસ્યાઓ છે, પરંતુ તે એટલા માટે નહીં કે તેઓ ભૂલી ગયા છે. તેનું કારણ એ છે કે તેમને એ ક્યારેય શીખવવામાં આવ્યું ન હતું.”

હિલ્ડા અને ફર્મિન જેવા લોકોનાં જ્ઞાનાત્મક પરીક્ષણો અને એમઆરઆઈ ઈમેજીસ અગાઉના અભ્યાસો અનુરૂપ પરિણામ દર્શાવે છેઃ સિમાન લોકોમાં મગજના કાર્યમાં ઘટાડો થવાની પ્રક્રિયા અન્ય લોકોની સરખામણીએ ઘણી ધીમી છે. વિશ્વના અન્ય ભાગોમાંના સમાન વયના, પરંતુ અલ્ઝાઈમર્સ જેવા વૃદ્ધત્વ સાથે સંકળાયેલા કોઈ ડીજનરેટિવ રોગ તેમનામાં જોવા મળતા નથી.

ચેપ અને બાળપણ

સિમાનને માટે મોટાભાગનું પ્રોટીન જંગલમાં શિકાર કરતા પ્રાણીઓમાંથી મળે છે.

ઇમેજ સ્રોત, MICHAEL GUVERN

ઇમેજ કૅપ્શન, સિમાનને માટે મોટાભાગનું પ્રોટીન જંગલમાં શિકાર કરતા પ્રાણીઓમાંથી મળે છે.

જોકે, આ કથામાં કેટલાક જો અને તો પણ છે.

ગુર્વેન અને કેપલાન બન્ને ભારપૂર્વક જણાવે છે કે આ તારણોનો અર્થ એવો નથી કે સિમાન લોકો વિશ્વના અન્ય સમુદાયો કરતાં લાંબું જીવે છે અથવા વૃદ્ધાવસ્થાની સામાન્ય તકલીફોથી પીડાતા નથી.

ઈદ કહે છે, “સીટી સ્કૅન પણ કેલ્સિફાઈડ એરિયા દર્શાવે છે, જે મગજની રક્તશીરાઓમાં સડો હોવાનું સૂચવે છે. તે પાર્કિન્સન્સ જેવી જ સંભવિત ડીજનરેટિવ પ્રક્રિયાના સંકેતો પણ છે.”

હિલ્ડા, ફર્મિન, જુઆન અને માર્ટિના જેવા વૃદ્ધ લોકો સક્રિય જીવન જીવતા હોવા છતાં સત્ય એ છે કે અભ્યાસ શરૂ થયો ત્યારે સિમાન લોકોનો આયુષ્યદર માત્ર 45 વર્ષનો હતો. તેનું મુખ્ય કારણ ઉચ્ચ શિશુ-મૃત્યુદર હતો.

હકીકત જેટલી કાચી છે એટલી જ ક્રૂર પણ છે.

સિમાન લોકોના માનસિક સ્વાસ્થ્ય પર કેન્દ્રિત અભ્યાસના ત્રીજા તબક્કાના એક એમઆરઆઈ સાથે આગળ વધવાની થોડી મિનિટો પહેલાં ઈદ એક વૃદ્ધ મહિલા સાથે વાત કરે છે. એ મહિલાની ચકાસણી થવાની છે.

ઈદ તેમને પૂછે છે, તમને કેટલાં સંતાનો છે?

“છ”, મહિલા જવાબ આપે છે, પરંતુ તેમના ચહેરા પર અપાર ઉદાસી દેખાય છે.

“કેટલાં બાળકો મૃત્યુ પામ્યાં છે?”

એ સ્ત્રી નિરાશ દેખાય છે. ડૉક્ટરના સવાલનો સચોટ જવાબ આપવા તેઓ હાથનો સહારો લે છે.

આખરે તેઓ કહે છે, “પાંચ.”

વૃદ્ધાવસ્થામાં પણ આશ્ચર્યજનક જીવન જીવવાની મોકળાશ આપતી આ જ અલગતા અન્ય લોકો માટે બોજ સમાન છે. ઈદ કહે છે, “ત્યાં શિશુ- મૃત્યુદર બહુ ઊંચો હતો. 80 વર્ષ સુધીની વયે પહોંચેલા આ લોકો એવા હતા, જે બીમારીઓ અને ચેપથી ભરેલા બાળપણમાં પણ ટકી શક્યા હતા.”

એ લોકો જેમની ઉંમર વધતાં અટકી ગઈ છે?
ઇમેજ કૅપ્શન, 81 વર્ષનાં હિલ્ડા તેમના પતિ પાબ્લો સાથે રહે છે. તેઓ ખાવાં માટે ચોખા, કેળ અને કસાવા એકત્ર કરે છે.

સિમાન વસ્તીના લગભગ તમામ લોકોએ તેમના જીવનમાં કોઈક તબક્કે પરોપજીવીઓ અથવા કૃમિઓના હુમલાનો સામનો કર્યો છે.

સંશોધકોના મતે આ એક નોંધપાત્ર શોધ છે અને તેઓ તેઓ સાબિત કરવા ઈચ્છે છે કે આહાર અને વ્યાયામ ઉપરાંત સિમાન લોકોની ઈર્ષ્યા આવે તેવા વૃદ્ધાવસ્થા માટે ચેપ પણ એક અન્ય કારણ હોઈ શકે છે.

આ થીયરીનું પ્રારંભિક બિંદુ કોવિડ-19 રોગચાળો હતું.

બોલિવિયામાં લગભગ બે વર્ષમાં કોરોનાવાઇરસ સંકટને કારણે આશરે 22,000 લોકો મૃત્યુ પામ્યાં હતાં અને દસ લાખ લોકોને ચેપ લાગ્યો હતો. ખાસ કરીને સિમાન પ્રદેશની નજીક આવેલા સાન્ટા ક્રુઝમાં પરિસ્થિતિ ગંભીર હતી.

કેપલાન કહે છે, “સિમાન લોકોમાં કોવિડ-19થી મોતની વાત તો દૂર રહી, તેનો એકેય ગંભીર કેસ પણ નોંધાયો ન હતો. સાન બોર્જા અને ત્રિનિદાદમાં લોકો બીમાર પડી રહ્યા હતા, પરંતુ અહીં નદી કિનારે રહેતા સમુદાયોમાં એક પણ કેસ ન હતો.”

સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલો અને કેપલાનની ટીમ દ્વારા એકઠા કરવામાં આવેલો ડેટા તેમને એવું માનવા દોરી ગયો હતો કે કોરોનાવાઇરસ જેવા રોગો સામેની પ્રતિરક્ષાને આ સમુદાયમાં બાળપણ દરમિયાનના ચેપના ઊંચા દર સાથે સંબંધ હોઈ શકે છે.

જોકે, તેઓ પોતે જણાવે છે કે આ હજુ પણ એક થિયરી જ છે.

આબોહવા પરિવર્તન અને ‘પેક-પેક’

એ લોકો, જે જલદી વૃદ્ધ નથી થતા
ઇમેજ કૅપ્શન, સિમાનના વડીલોના મગજની તંંદુરસ્તી નક્કી કરવા માટે જ્ઞાનાત્મક ક્ષમતાની કસોટી કરવામાં આવી હતી.

જુઆન માત્ર બે પક્ષી સાથે તેના સમુદાયમાં પરત ફરે છે. પરિવારથી દૂર રહીને ત્રણ દિવસ ચાલ્યા પછી પણ આટલો અલ્પ શિકાર અપૂરતો છે, પરંતુ તેઓ આવા પરિણામથી ટેવાયેલા છે.

તેઓ મહિનાઓથી પૂરતા પ્રમાણમાં મોટા પ્રાણીઓનો શિકાર કરી શક્યા નથી અને તેનું એકમાત્ર કારણ આગ છે, એવું તેઓ જણાવે છે.

2023ના અંતમાં બોલિવિયા અને ખાસ કરીને બેની વિભાગ જંગલી આગમાં નાશ પામ્યો હતો. તે દવ કેટલાક સપ્તાહ સુધી ચાલ્યો હતો અને તેમાં લગભગ 20 લાખ હેક્ટર જંગલનો વિનાશ થયો હતો.

જુઆન કહે છે, “તે આગને કારણે પ્રાણીઓ અહીંથી જતાં રહ્યાં.”

આ કારણસર જુઆન છેલ્લા ઘણા મહિનાઓથી પશુપાલન કરવાનો વિચાર કરી રહ્યા છે. તેઓ તેમના ઘર નજીકના ગોચરમાં ગર્વથી અમને ચાર યુવા બળદ દેખાડે છે. એ બળદ આગામી મહિનાઓમાં તેમના પરિવાર માટે પ્રોટીનનો સ્રોત બનશે એવી તેમને આશા છે.

“ઓછામાં ઓછું, પ્રાણીઓ જંગલમાં પાછાં નહીં આવે ત્યાં સુધી તો એ આહારનો સ્રોત બનશે,” જુઆન કહે છે.

સિમાન લોકોને ઈર્ષ્યાપાત્ર સ્વસ્થ ધમનીઓ મળી છે તે આદતો પર આબોહવા પરિવર્તન અસર કરી રહ્યું હોવાની વાતથી કપલાન વાકેફ છે. માત્ર જંગલની આગ જ નહીં, પરંતુ દુષ્કાળ અને પૂર પણ જીવન નિર્વાહનાં અન્ય સાધનો શોધવા તેમના પર દબાણ કરી રહ્યા છે.

તેમણે જે ફેરફારો ફરજિયાત કરવાના છે તે પહેલાંથી જ છાપ છોડી રહ્યા છે.

તાજેતરના અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યની દૃષ્ટિએ સિમાન વૃદ્ધો નોંધપાત્ર રીતે સ્વસ્થ હોવા છતાં જે કેટલાક સૂચકાંકો વર્ષો પહેલાં અદૃષ્ય હતા તે હવે આંકડાઓમા દેખાવા લાગ્યા છે.

ઈદ સમજાવે છે, “અમે 2003માં અભ્યાસ શરૂ કર્યો ત્યારે વિશ્લેષણ હેઠળના તમામ લોકોમાં ડાયાબિટીસના બેથી ઓછા કેસ હતા. હવે તેનો આઠથી ગુણાકાર થયો છે.”

યુવા લોકોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવા લાગ્યું છે.

તેઓ ઉમેરે છે, “તેમની આદતોમાં નાનકડો ફેરફાર પણ આ સ્વાસ્થ્ય સૂચકાંકને અસર કરે છે. દાખલા તરીકે, પેક-પેકના ઉપયોગની શરૂઆત.”

પેક-પેક એક છ હોર્સપાવરની આઉટબૉર્ડ મોટર છે, જે તેના કદ અને ઓછી કિંમતને કારણે મેનિકીમાં સહેલ કરતા લોકોમાં પ્રિય બની ગઈ છે.

આ સરળ પરિવર્તનને લીધે સિમાન લોકોની આહારની આદતોમાં ફેરફાર થયો છે. સપ્લાય સેન્ટર્સ સુધીનું અંતર ઘટવાથી હવે તેઓ ખાંડ, લોટ અને તળવા માટેના તેલ જેવું ફૂડ મેળવી શકે છે.

ઈદ કહે છે, “તેઓ સૌથી વધુ શારીરિક મહેનત માંગતી પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ રોઈંગ પણ છોડી રહ્યા છે અને આ ખોરાક તેમના કોલેસ્ટ્રોલના સ્તરમાં વધારો કરે છે તેમજ હવે ડાયાબિટીસ અને સ્થૂળતાના કેસ જોવા મળી રહ્યા છે.”

જોકે, સંશોધકો જણાવે છે કે સિમાન લોકો પરના અભ્યાસમાંથી શીખવા જેવું ઘણું બધું છે.

એ લોકો, જે જલદી વૃદ્ધ નથી થતા
ઇમેજ કૅપ્શન, હવે સિમાન લોકોના રિવાજો બદલાઈ ગયા છે.

પલાન તારણ જણાવતાં કહે છે, “તે સરળ છે. તેઓ રોજ એકત્ર કરે છે તેના કરતાં ઘણી વધારે ઊર્જા અથવા કેલરીનો વપરાશ કરે છે. ખોરાક મેળવવાની સમસ્યાઓને કારણે તેઓ ઓછામાં ઓછું ખાતા હોવાનો અર્થ એ નથી કે વૃદ્ધોની સક્રિયતામાં ઘટાડો થાય છે.”

સિમાન લોકો માટે આ બધા આંકડાઓ અને સંશોધનનાં પરિણામનો મુખ્ય પાઠ એ દર્શાવવાનો છે કે વ્યક્તિ ઓછી વસ્તુઓ સાથે પણ ખુશ રહી શકે છે.

મિશન ફાતિમા ખાતેની મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપતી ચળવળના એક નેતા જસ્ટિના કેન્ચી કહે છે, “દેખીતી જરૂરિયાતો હોવા છતાં ધરતી અમને જે આપે છે તે અમારા માટે પૂરતું છે. તેથી જ અમે શાંત, નચિંત લોકો છીએ અને ખુશ છીએ.”

તેઓ ઉમેરે છે, “રોગચાળો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હતો. આખું વિશ્વ લૉકડાઉનમાં અને બીમાર હતું ત્યારે અહીં જીવન રાબેતા મુજબ, ક્વૉરેન્ટીન વિના, ચેપ વિના રાબેતા મુજબ ચાલતું રહ્યું હતું, કારણ કે અમારી પાસે ટકી રહેવા માટે બધું જ હતું.”

હિલ્ડા જ્ઞાનાત્મક પરીક્ષા પૂર્ણ કરીને સાલોમોન પાસે પાછા ફરે છે. સાલોમોન લાકડાં અને જટાતાથી બનેલા નાના ઘરમાં તેમની રાહ જોઈ રહ્યા છે. ઘરની દિવાલો પર કોઈ ચિત્રો કે ફેમિલી પોર્ટેઈટ્સ લટકતાં નથી, પરંતુ ચોન્ટુ ફળો અને કેળાની લૂમો લટકે છે. તેનો ઉપયોગ રાત્રિભોજન માટે કરવામાં આવશે. હિલ્ડા ખુશ છે, કારણ કે બે દિવસ પડેલો જોરદાર વરસાદ બંધ થઈ ગયો છે અને તેઓ ચોખા લણવા પોતાના ખેતરમાં જઈ શકશે.

તેઓ ખુશ છે અને અમને કહે છે કે તેમનાં સંતાનો તથા તેમનાં સંતાનોનાં સંતાનોએ “તેમના 100માં જન્મદિવસની ઊજવણી માટે” એક ડુક્કરનો શિકાર કર્યો છે. ઘણા સિમાન લોકોને તેમની ચોક્કસ વયની ખબર નથી અથવા તેમની તેની દરકાર પણ નથી.

હિલ્ડા અમને સસ્મિત ચહેરે કહે છે, “હું મૃત્યુથી ડરતી નથી, કારણ કે તેઓ મને અહીં જ દફનાવશે. હું અહીં જ રહીશ.” તેઓ સોલોમોન તરફ નજર કરે છે, અમારી તરફ જુએ છે અને ફરીથી હસે છે.