દિલ્હીમાં થયેલાં રમખાણો મામલે 10 આરોપી નિર્દોષ જાહેર, કોર્ટે પોલીસની ‘થિયરી’ પર ઉઠાવ્યા સવાલો

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2020માં દિલ્હીના ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં થયેલાં સાંપ્રદાયિક રમખાણોના વધુ એક મામલામાં કોર્ટે દિલ્હી પોલીસની ‘થિયરી’ પર સવાલો ઉઠાવતાં તમામ 10 આરોપીઓને તમામ કેસમાં નિર્દોષ જાહેર કર્યાં છે.
આ તમામ આરોપીઓ પર આરોપો લગાવવામાં આવ્યા હતા કે તેમણે રમખાણો દરમિયાન ઉત્તર-પૂર્વી દિલ્હીના ગોકુલપુરી પોલીસસ્ટેશનના વિસ્તારમાં એક ઘર અને એક દુકાન પર હુમલો કર્યો હતો.
આ આરોપીઓ પર આઈપીસીની કલમો 147/148/149/436/392/452/188/153-A/427/506 હેઠળ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું હતું.
દિલ્હીની કડકડડુમા કોર્ટેના વિશેષ સત્રના ન્યાયાધીશ પુલસ્ત્યા પ્રમચાલાએ કહ્યું હતું કે, “આરોપીઓ સમક્ષ લાગેલા આરોપો સંદેહથી વિશેષ સાબિત થઈ શક્યા નથી.”
કોર્ટે 11 સપ્ટેમ્બરે સંભળાવેલા પોતાના નિર્ણયમાં શંકાના લાભને આધારે આરોપીઓ- મહમદ શાહનવાઝ ઉર્ફે શાનુ, મહમદ શોએબ ઉર્ફે છુટવા, શાહરુખ, રાશિદ ઉર્ફે રાજા, આઝાદ, અશરફ અલી, પરવેઝ, મહમદ ફૈઝલ, રાશિદ ઉર્ફે મોનુ અને મહમદ તાહિરને નિર્દોષ જાહેર કર્યા છે.
શું હતો મામલો?

કોર્ટના નિર્ણયમાં નોંધાયેલી ઘટના અનુસાર, ફરિયાદી નરેન્દ્રકુમાર તરફથી એ આરોપ લગાવવામાં આવ્યો હતો કે રમખાણો દરમિયાન તોફાનીઓએ સોનું અને ચાંદીનાં ઘરેણાં સાથે બે લાખ રોકડા રૂપિયા લૂંટી લીધાં હતાં.
શિવવિહાર નાકા પાસે ચમનપાર્કમાં રહેતા નરેન્દ્રકુમારે 2020માં એક લેખિત ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદ અનુસાર, 24 ફેબ્રુઆરી, 2020ના રોજ અંદાજે 1500 લોકોની ભીડે તેમના ઘર પર હુમલો કરી દીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગ્રાઉન્ડ ફ્લૉર પર સ્થિત 'પિત્ઝા ડાયટ' દુકાનમાં તેમણે તોડફોડ કરી હતી અને તેના સવા કલાક બાદ કેટલાક લોકોએ ઉપરના માળે પહોંચીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેમણે 15 તોલા સોનું, અડધો કિલો ચાંદીનાં ઘરેણાં અને બે લાખ રૂપિયા રોકડા લૂંટી લીધાં હતાં.
તોફાનીઓએ રસોડામાં રહેલા સિલિન્ડર વડે ઘરમાં આગ પણ લગાડી દીધી હતી. હુમલા સમયે નરેન્દ્રકુમાર ઘરમાં હાજર હતા અને તેમનો પરિવાર કોઇ પણ રીતે જીવ બચાવીને ત્યાંથી પોતાના સંબંધીઓના ઘરે શરણ લેવા માટે જતો રહ્યો હતો.
કેસ 4 માર્ચ, 2020ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. લગભગ એક મહિના પછી, તપાસ અધિકારીએ ફરજ પરના કૉન્સ્ટેબલ વિપિન (સાક્ષી નં. 6), હૅડ કૉન્સ્ટેબલ સંજય (સાક્ષી નં. 9) અને એએસઆઈ હરિબાબુ (સાક્ષી નં. 13)ની પૂછપરછ કરી હતી. આ લોકોએ દાવો કર્યો હતો કે તેઓ આ ઘટનાના પ્રત્યક્ષદર્શી હતા. વધુ એક પ્રત્યક્ષદર્શી શ્યામસુંદર સાક્ષી નં.3 નું પણ નિવેદન લેવામાં આવ્યું હતું.
ચાર્જશીટ પ્રમાણે આ તમામ સાક્ષીઓએ તમામ 10 આરોપીઓની ઓળખ કરી હતી, ત્યારપછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ આરોપીઓની પહેલાં જ એફઆઈઆર નંબર 39/2020, ગોકુલપુરી પોલીસ સ્ટેશને ધરપકડ કરી હતી.
પોલીસની જુબાની અંગે સવાલો

ઇમેજ સ્રોત, Getty Images
આ કેસની સુનાવણી 14 જુલાઈ 2020ના રોજ શરૂ થઈ હતી અને 28 ઑગસ્ટ, 2024ના રોજ સુનાવણી પૂરી થયા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો તથા 11 સપ્ટેમ્બરે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો.
આ કેસમાં ફરિયાદી પક્ષે 17 સાક્ષીઓ સાથે દલીલો કરી હતી. પરંતુ કોર્ટને જાણવા મળ્યું કે પ્રથમ સાક્ષી નરેન્દ્ર કુમાર (સાક્ષી નંબર 1), તેમનાં પત્ની પૂનમ જોહર (સાક્ષી નંબર 2) અને શ્યામ સુંદર (સાક્ષી નંબર 3) આરોપીની ઓળખ સમયે ફરિયાદ પક્ષના દાવાને સમર્થન આપતાં ન હતાં. તેથી તેમને પ્રતિકૂળ સાક્ષી જાહેર કરવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત, કોર્ટે ઘટનાના સાક્ષી એવા બે કૉન્સ્ટેબલ અને એક હૅડ કૉન્સ્ટેબલનાં નિવેદનો પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે તેમનાં 'વિરોધાભાસી નિવેદનો' તેમનાં નિવેદનોની વિશ્વસનીયતા પર શંકા જન્માવે છે.
કોર્ટે પોતાના નિર્ણયમાં હૅડ કૉન્સ્ટેબલ સંજયના નિવેદન પર પણ સવાલ ઉઠાવ્યા છે.
કોર્ટને જાણવા મળ્યું હતું કે ડ્યુટી રૉસ્ટર મુજબ કૉન્સ્ટેબલ વિપિન અને એએસઆઈ હરિબાબુ એ ચમન પાર્કમાં ફરજ પર હતા, જ્યારે સંજયની ફરજ જોહરીપુરમાં હતી. સંજયને તે બે પોલીસકર્મીઓ સાથે ફરજ બજાવવાની સૂચના આપવામાં આવી હોવાના કોઈ પુરાવા નથી.
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, "આરોપી પક્ષે આપેલા પુરાવામાં આ વિરોધાભાસી તફાવત પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનોની વિશ્વસનીયતા પર પ્રતિકૂળ અસર કરે છે."
એ જ રીતે ત્રીજા તપાસ અધિકારી એવા ઇન્સ્પેક્ટર મનોજના નિવેદન પર સવાલ ઉઠાવતાં કોર્ટે કહ્યું હતું કે, “ફાઇલમાં ડ્યુટી રૉસ્ટરનો સમાવેશ કર્યા વિના જ તપાસ અધિકારીને જાણવા મળ્યું કે સંજય, વિપિન અને હરિબાબુ બ્રિજપુરી વિસ્તારમાં ફરજ પર હતા.”
કોર્ટે કહ્યું હતું કે, “પ્રશ્ન એ છે કે તેમને કેવી રીતે ખબર પડી? આવા દાવાઓ બનાવટી લાગે છે."
છઠ્ઠા સાક્ષી કૉન્સ્ટેબલ વિપિને આરોપી રાશિદ ઉર્ફે મોનુની ઓળખ કરી હતી અને હૅડ કૉન્સ્ટેબલ સંજયે મહમદ ફૈઝલ અને અશરફ અલીની ઓળખ કરી હતી. પરંતુ એએસઆઈ હરિબાબુએ તેમાંથી કોઈની ઓળખ કરી ન હતી.
પ્રત્યક્ષદર્શી વિપિન અને સંજયે નિવેદના આપવામાં મોડું કેમ કર્યું તે અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. કારણ કે તેઓ તપાસ અધિકારી સાથે ડેઇલી બ્રીફિંગમાં હાજર રહેતા હતા.
એવું પણ જાણવા મળ્યું હતું કે પ્રત્યક્ષદર્શીઓના દાવા મુજબ કોઈ PCR કૉલ કરવામાં આવ્યો ન હતો અને ફરિયાદી પક્ષે ત્રણ પોલીસકર્મીઓ (વિપિન, સંજય અને હરિ બાબુ)નાં નિવેદનો પર આધાર રાખ્યો હતો.
બચાવપક્ષની દલીલ
બચાવપક્ષે પોતાની દલીલમાં દાવો કર્યો હતો કે વિપિન, સંજય અને હરિબાબુ આરોપીઓનાં નામ અને તેમના વિશેની માહિતી જાણતા હતા. પરંતુ આ માહિતીને 8 એપ્રિલ, 2020 પહેલાં નોંધવામાં આવી ન હતી.
બચાવપક્ષે દાવો કર્યો હતો કે ત્રણેય પોલીસકર્મીઓને પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને તેમને જવાબો ગોખાવવામાં આવ્યા હતા. એટલા માટે તેમનાં નિવેદનો લેવામાં મોડું થયું હતું.
જોકે, જજે કહ્યું હતું કે, “2019ની કોરોના મહામારીને કારણે તપાસને આગળ વધારવામાં મોડું થઈ શકે છે. જોકે, બનાવટી દાવો અલગ મામલો છે, જેના કારણે તપાસ અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓના દાવાની વાસ્તવિકતા પર સંદેહ ઊભો થાય છે.”
બચાવપક્ષે આરોપીના 13 નંબરના સાક્ષીના નિવેદનને પણ પડકાર્યું હતું. તેણે શાહરુખ, પરવેઝ અને આઝાદની ઓળખ વિશે વિરોધાભાસી નિવેદનો આપ્યાં હતાં અને તેમની માનસિક પરિસ્થિતિ પર સવાલો ઊભા કર્યા હતા.
કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે, "મને છ, નવ અને 13 નંબરના સાક્ષીઓના પુરાવા પર આધાર રાખવો અસુરક્ષિત લાગે છે કે તમામ આરોપીઓ ફરિયાદી (નરેન્દ્ર કુમાર)ની સંપત્તિ પર હુમલો કરનાર ટોળાનો ભાગ હતા," અને પછી કોર્ટે ત્રણેય પોલીસકર્મીઓનાં 'બનાવટી' નિવેદનોને વિશ્વાસપાત્ર ન ગણીને તમામ 10 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા.
કોર્ટે કરી સખત ટિપ્પણીઓ

ઇમેજ સ્રોત, Getty Images
અગાઉ પણ 2020ના રમખાણોના ઘણા કેસોમાં વિવિધ અદાલતોએ દિલ્હી પોલીસની કાર્યશૈલીની આકરી ટીકા કરી છે.
દિલ્હી રમખાણો સંબંધિત ઘણા કેસોમાં કોર્ટે કડક ટિપ્પણી કરી છે અને દિલ્હી પોલીસની કાર્યશૈલીને ફટકાર લગાવી છે.
સુનાવણી દરમિયાન ઘણીવાર કોર્ટે દિલ્હી પોલીસની તપાસના સ્તરને 'નબળું' ગણાવ્યું હતું.
જુલાઈ 2024માં, દિલ્હી હાઈકોર્ટે રમખાણો દરમિયાન પોલીસ દ્વારા માર માર્યા બાદ 23 વર્ષીય ફૈઝાનના મૃત્યુનો કેસ સીબીઆઈને સોંપ્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે, “પોલીસકર્મીઓ દ્વારા પાંચ છોકરાઓને માર મારવો એ ‘ધાર્મિક કટ્ટરતાથી પ્રેરિત’ હતું અને તેથી તેને એક 'હેટ ક્રાઇમ' માનવામાં આવશે."
ફૈઝાન પોતાની મરજીથી એક રાત પોલીસ સ્ટેશનમાં રોકાયો હોવાના પોલીસના નિવેદન પર કોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
સપ્ટેમ્બર 2021માં કડકડડુમા કોર્ટમાં ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કરતી વખતે ન્યાયાધીશ વિનોદ યાદવે કહ્યું હતું કે, "જ્યારે ઇતિહાસ આઝાદી પછીના દિલ્હીનાં સૌથી ભયાનક કોમી રમખાણો પર નજર નાખશે, ત્યારે લોકશાહીના સમર્થકોનું ધ્યાન અવશ્ય તપાસ એજન્સીઓની નિષ્ફળતા જશે કે કઈ રીતે તપાસ એજન્સીઓ તપાસમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી શકી નહોતી.”
આ જ કેસમાં, 2023 માં, કર્કરડુમા કોર્ટમાં ન્યાયાધીશ પુલસ્ત્યા પ્રમચલાએ કહ્યું હતું કે, "ચાર્જશીટ પૂર્વગ્રહયુક્ત અને ખોટી રીતે દાખલ કરવામાં આવી હતી જેથી શરૂઆતમાં થયેલી ભૂલોને છુપાવી શકાય."
અગાઉ 2022માં ચાર ભૂતપૂર્વ ન્યાયાધીશો અને ભારતના ભૂતપૂર્વ ગૃહસચીવે દિલ્હી રમખાણો પર એક ફેક્ટ-ફાઇન્ડિંગ અહેવાલ બહાર પાડ્યો હતો.
આ રિપોર્ટથી દિલ્હી પોલીસની તપાસ પર ગંભીર સવાલો ઊભા થયા હતા. આ ઉપરાંત તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય, દિલ્હી સરકાર અને મીડિયાની ભૂમિકા પર પણ આકરી ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
દિલ્હી રમખાણો: 758 એફઆઈઆર, 2619 લોકોની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2020માં 23થી 26 ફેબ્રુઆરી વચ્ચે થયેલા કોમી રમખાણોમાં 53 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ચાર દિવસ સુધી ચાલેલા રમખાણોમાં જાનમાલનું મોટું નુકસાન થયું હતું. અનેક લોકોના ઘર અને દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
દિલ્હી પોલીસના આંકડા દર્શાવે છે કે માર્યા ગયેલા લોકોમાં 40 મુસ્લિમ અને 13 હિન્દુ હતા.
દિલ્હી પોલીસનાં સૂત્રો પાસેથી બીબીસીને મળેલી માહિતી અનુસાર, પોલીસે રમખાણો સંબંધિત કુલ 758 એફઆઈઆર નોંધી છે.
અત્યાર સુધીમાં કુલ 2619 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 2094 લોકો જામીન પર બહાર છે. કોર્ટે અત્યાર સુધીમાં માત્ર 47 લોકોને જ દોષિત જાહેર કર્યા છે અને 183 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.
પૂરતા પુરાવાના અભાવે કોર્ટે 75 લોકો સામેનો કેસ રદ કર્યો છે.
ન્યૂઝ વેબસાઈટ 'ધ પ્રિન્ટ'માં છપાયેલા અહેવાલ મુજબ દિલ્હી રમખાણોમાં માર્યા ગયેલા 53 લોકોનાં મોત સાથે જોડાયેલા મામલામાંથી 14 કેસમાં હજુ પણ તપાસ ચાલી રહી છે.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે દિલ્હી રમખાણો પાછળ એક મોટું કાવતરું હતું, જેનો પાયો 2019માં CAA અને NRCના વિરોધ દરમિયાન નાખવામાં આવ્યો હતો.
આ ષડ્યંત્રનો ઉલ્લેખ એફઆઈઆર નંબર 59/2020માં કરવામાં આવ્યો છે, જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસ જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદને દિલ્હી રમખાણોનો માસ્ટર માઇન્ડ માને છે. ઉમર ખાલિદ સપ્ટેમ્બર 2020થી જેલમાં છે અને તેના જામીન હજુ સુધી મંજૂર કરવામાં આવ્યા નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












