ગૌતમ અદાણીએ સાઇકલ પર શરૂ કરેલો વેપાર સેંકડો કરોડનું બિઝનેસ ગ્રૂપ કઈ રીતે બન્યો?

નરેન્દ્ર મોદી કહે છે કે બાળપણમાં તેઓ રેલવે પ્લૅટફૉર્મ પર ચા વેચતા હતા. ગૌતમ અદાણી અમદાવાદમાં પોતાનો માલ વેચવા સાઇકલ પર ઘરે ઘરે ફરતા હતા.

હવે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન છે. એમના નજીકના મિત્ર મનાતા ગૌતમ અદાણીની દુનિયાના સૌથી ધનાઢ્ય ગણાતા પાંચ લોકોમાં ગણના કરવામાં આવે છે. ગૌતમ અદાણીના ટીકાકારો એમની સંપત્તિમાં આવેલા જબરજસ્ત ઉછાળાને નરેન્દ્ર મોદીની રાજકીય પ્રગતિ સાથે જોડે છે. પહેલાં તેઓ ગુજરાતના સૌથી શક્તિશાળી વ્યક્તિ બન્યા, પછી ભારતના.

અદાણી એન્ટરપ્રાઇઝિસ (એનએસઇ રિયલ ટાઇમ પ્રાઇસિસ) – સ્રોતઃ યાહૂ ફાઇનાન્સ

અદાણી એન્ટરપ્રાઇઝિસ (એનએસઇ રિયલ ટાઇમ પ્રાઇસિસ) – સ્રોતઃ યાહૂ ફાઇનાન્સ

એમના ટીકાકારોનો દાવો છે કે નરેન્દ્ર મોદીની નિકટતાના કારણે ગૌતમ અદાણીની અસામાન્ય પ્રગતિ થઈ અને તેઓ ખૂબ ટૂંકા ગાળામાં દુનિયાના સૌથી ધનવાન લોકોમાંના એક બની ગયા. આ બાબતે પણ સવાલો ઊભા થતા રહ્યા છે.

‘ગૌતમ અદાણી રિઇમેજિનિંગ બિઝનેસ ઇન ઇન્ડિયા ઍન્ડ ધ વર્લ્ડ’ નામે ગૌતમ અદાણીનું જીવનચરિત્ર લખનારા મુંબઈના વરિષ્ઠ પત્રકાર અને રિસર્ચર આર. એન. ભાસ્કરે કહ્યું છે કે ગૌતમ અદાણીનો જન્મ એક ‘મર્યાદિત સંસાધનો’ ધરાવતા પરિવારમાં થયો હતો. 

ગૌતમ અદાણીની સફળતાની આ સફર ઘણા બધા લોકો માટે પ્રેરણાસ્રોત તો છે પરંતુ એમની પ્રગતિ વિવાદોથી પણ ઘેરાયેલી છે. ભારતનાં મીડિયા અને વિપક્ષનું એક જૂથ, વારેવારે ગૌતમ અદાણી પર એવો આરોપ કરે છે કે એમણે ઉદ્યોગની સફળતા માટે સરકારી તંત્રમાંના પોતાના સંબંધોનો ઉપયોગ કર્યો. એમણે કાયદાની છટકબારીઓનો લાભ લઈને ઉદ્યોગ શરૂ કરવા માટે નજીવી કિંમતે જમીનો મેળવી.

જોકે, ગૌતમ અદાણીએ આવા બધા જ આરોપોને પાયા વગરના ગણાવ્યા છે. પરંતુ એ પ્રશ્ન હજુયે ઊભો છે કે આખરે અદાણીની કંપનીઓ ભારતની પ્રથમ પંક્તિની કંપનીઓની લાઇનમાં કઈ રીતે આવી ગઈ? સૌથી મોટો સવાલ એ છે કે એવાં કયાં કારણો હતાં કે કૉલેજના પ્રથમ વર્ષે જ ભણવાનું છોડી દેનારા અદાણીએ મોટાં મોટાં સપનાં જોયાં અને ભારતના પ્રથમ Centibillionaire (સેન્ટિબિલિયનર) એટલે કે 100 અબજ ડૉલરથી વધારે સંપત્તિ ધરાવતા ઉદ્યોગપતિ બની ગયા.

આ ઉપરાંત, તાજેતરનાં વરસોમાં જે રીતે અદાણી ગ્રૂપની કંપનીઓના શૅર આકાશને આંબે છે, એનું કારણ શું છે? 31 ડિસેમ્બર, 2019ના રોજ અદાણી ગ્રૂપ કંપનીઓની માર્કેટ કૅપિટલ 2 લાખ કરોડ રૂપિયા હતી, જે ઝડપભેર ઊછળીને સપ્ટેમ્બર 2022માં 20.74 લાખ કરોડે પહોંચી ગઈ હતી, અર્થાત્, 2019થી 2022 સુધીમાં દસ ગણી વૃદ્ધિ.

બીબીસીના ઝુબૈર અહમદ અને અર્જુન પરમારે ગુજરાત અને મુંબઈ જઈને આ સવાલોના જવાબ મેળવવાના પ્રયત્ન કર્યા છે

ગૌતમ અદાણી જ્યારે 15–16 વર્ષના હતા ત્યારે તેઓ પહેલાં સાઇકલ પર અને પછી સ્કૂટર પર કપડાં વેચવા જતા હતા. આ ઉંમરે ગૌતમ અદાણીના મિત્ર હતા એ ગિરીશભાઈ દાણીને આજે પણ એ દિવસો યાદ છે. ગિરીશભાઈએ જણાવ્યું કે, “એ દિવસોમાં ગૌતમ અદાણી એક ફેરિયાની જેમ સાઇકલ પર ઘરે ઘરે અને દુકાને દુકાને કપડાં વેચવા જતા હતા. તેઓ ખૂબ મહેનતુ હતા.”

ગૌતમ અદાણીની આ વાસ્તવિક શરૂઆતના પુરાવા આજે પણ અમદાવાદના કોટ વિસ્તારમાં મળી આવે છે. એમના પિતાની દુકાન ‘અદાણી ટેક્સટાઇલ્સ’ના બોર્ડને ભલે કાટ લાગી ગયો હોય, પરંતુ તે હજુ પણ છે. સ્થાનિક દુકાનદારો કહે છે કે અદાણી પરિવારે આ દુકાન પોતાની પાસે જ રાખી છે (વેચી નથી.). ગૌતમ અદાણીના પિતાની આ દુકાન અમદાવાદના ખૂબ જ ભીડવાળા બજારમાં છે જ્યાં કપડાં અને સાડીઓની અસંખ્ય દુકાનો છે. સતત વ્યસ્ત રહેતા આ બજારમાં અદાણીના નામે બીજી પણ ઘણી દુકાનો છે, જેમાંની કેટલીક તો નવી છે. પરંતુ, અદાણી પરિવાર સાથે એનો કશો સંબંધ નથી.

આજુબાજુના દુકાનદારોએ હળવી વાતચીતમાં દાર્શનિક અંદાજમાં કહ્યું, “આ બજારમાં સેંકડો દુકાનો છે. આમાંની ઘણી તો એ સમયની છે જ્યારે ગૌતમભાઈ કપડાંના વેપારી હતા. એ વખતે કોઈને એવી ખબર ક્યાં હતી કે આગામી ત્રણ-ચાર દાયકામાં અમારી વચ્ચેનો એક દુકાનદાર દુનિયાનો બીજા નંબરનો ધનાઢ્ય વ્યક્તિ બની જશે.”

ગૌતમ અદાણી પોતાના સતત ફૂલતાફાલતા બિઝનેસ સામ્રાજ્યને અમદાવાદસ્થિત મુખ્યમથકથી સંભાળે છે. શૅરબજારમાં લિસ્ટેડ અદાણીની સાત કંપનીઓનું બજારમૂલ્ય 235 અબજ ડૉલર (નવેમ્બર 2022) છે, જે ઘણા દેશોની જીડીપી કરતાં વધારે છે.

અદાણી ગ્રૂપ ભારતમાં આ બિઝનેસ ક્ષેત્રોમાં સૌથી આગળ છેઃ

1970 અને 80ના દાયકામાં કોઈ પણ ભારતીય ઉદ્યોગપતિ માટે વિદેશમાં મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ ચલાવવી લગભગ અસંભવ હતી. ગૌતમ અદાણી, ભારતના એવા પહેલા ઉદ્યોગપતિ બન્યા છે જેઓ દેશની બહાર ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઇઝરાયલ અને ઇન્ડોનેશિયા જેવા ઘણા દેશોમાં મોટી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ ચલાવે છે. જોકે, ટાટા અને ઍરટેલ જેવી ભારતીય કંપનીઓ ઘણા દેશોમાં મોબાઇલ અને વાહનોના બિઝનેસમાં છે પરંતુ વિદેશમાં બૅઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પ્રોજેક્ટ ચલાવવાની સફળતા અદાણી ગ્રૂપે પ્રાપ્ત કરી છે.

અદાણી જૂથની વેબસાઇટ અનુસાર, “અદાણી ઑસ્ટ્રેલિયા, એબટ પૉઇન્ટ પૉર્ટ ટર્મિનલનું માલિક છે અને એને ચલાવે છે. આ ટર્મિનલ, ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડમાં છેલ્લાં 35 વર્ષોથી પૂર્ણ જવાબદારી સાથે કોલસાની નિકાસ કરી રહ્યું છે.”

અદાણી ગ્રૂપની વેબસાઇટ અનુસાર, નાણાકીય વર્ષ 2021–22માં એની કુલ આવક 70 હજાર કરોડ રૂપિયા હતી.

જો આઝાદી પછી ભારતની અર્થવ્યવસ્થા ટાટા અને બિરલાએ ઊભી કરી હતી તો 21મી સદીમાં અદાણી અને અંબાણી ભારતની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જાય છે. અબજપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની તુલનાએ ગૌતમ અદાણી પોતાના પરિવારમાં પહેલી પેઢીના ઉદ્યોગસાહસિક છે. આ કારણે એમની સફળતા વધારે ખાસ બની જાય છે.

પરંતુ ગૌતમ અદાણીના ટીકાકારો કહે છે કે એમની આ પ્રગતિ રાજકીય સંબંધોના કારણે શક્ય થઈ છે.

બીજી ફેબ્રુઆરી, 2022ના રોજ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં દાવો કર્યો કે–

“અર્થવ્યવસ્થાના સંગઠિત ક્ષેત્રમાં એકાધિકાર સ્થિર કરવામાં આવી રહ્યા છે. કોઈ પણ સૅક્ટર પર નજર નાખો અને હું તમને બે સૌથી મોટા એકાધિકારવાદી ઉદ્યોગપતિઓ વિશે થોડી માહિતી આપી દઉં (કેટલાક સાંસદ અદાણી અને અંબાણીનું નામ લે છે.). કોરોનાની મહામારી દરમિયાન, વાઇરસના ડેલ્ટા અને ઑમિક્રોન જેવા વૅરિયન્ટ જોવા મળ્યા હતા. પરંતુ, આપણા ભારતની લગભગ આખેઆખી અર્થવ્યવસ્થામાં ડબલ એ વૅરિયન્ટ ફેલાઈ રહ્યો છે. એક માણસનું – હું એમનું નામ નહીં લઉં – ભારતનાં બધાં બંદરો પર કબજો છે. (કેટલાક સાંસદ બોલે છે અદાણી) બધાં ઍરપૉર્ટ પર કબજો છે. વીજળી, ટ્રાન્સમિશન, ખનન, ગ્રીન એનર્જી, ગૅસ વિતરણ, ખાદ્યતેલ. ભારતમાં કંઈ પણ થાય છે તો દરેક જગ્યાએ અદાણીજી જોવા મળે છે. તો બીજી બાજુ, અંબાણીજી પેટ્રોકૅમિકલ, ટેલિકૉમ, રિટેલ, ઇ-કૉમર્સનાં સૅક્ટર્સમાં છે. આ ઉદ્યોગોમાં એમનો સંપૂર્ણ કબજો. દેશની સમગ્ર સંપત્તિ ‘મુઠ્ઠીભર’ (આંગળીના વેઢે ગણાય એટલા) લોકોના કબજામાં છે.”

આ રાજકીય નિવેદનમાંની કેટલીક વાતો મસાલેદાર બનાવીને કહેવાઈ છે. પરંતુ, આમાંના ઘણા દાવા વાસ્તવિક સ્થિતિ સાથે મેળ ખાય છે. અમદાવાદના વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કહ્યું કે–

“એમાં કોઈ શંકા નથી કે અદાણી ખૂબ બુદ્ધિશાળી છે, પરંતુ એમને જ્યારે પણ સરકાર પાસેથી મદદની જરૂર પડતી ત્યારે નરેન્દ્ર મોદી એમને ભરપૂર મદદ કરતા હતા. ચીમનભાઈ (ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી)એ એમને કચ્છમાં જમીન આપી હતી. પરંતુ જો અદાણીને સૌથી વધારે જમીનો કોઈએ આપી હોય તો તે નરેન્દ્ર મોદી છે અને એ પણ ખૂબ સસ્તા ભાવે. જો મોદી વડા પ્રધાન ના હોત તો અદાણીને ઍરપૉર્ટ્સ અને બંદરો ક્યારેય ના મળી શક્યાં હોત. અમદાવાદ ઍરપૉર્ટ, જે ખૂબ નફામાં ચાલતું હતું, એ પણ અદાણીને આપી દેવાયું.”

નવીનાળ ગામ અદાણીના મુંદ્રા પૉર્ટ અને વિશેષ આર્થિક ક્ષેત્ર (એસઇઝેડ)થી માંડ ત્રણેક કિલોમિટર દૂર છે.

ત્યાંના ખેડૂત નારાયણ ગઢવીએ કહ્યું કે નવીનાળ એવાં 19 ગામોમાંનું એક છે જે સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન માટેના જમીનસંપાદનથી અસરગ્રસ્ત થયેલું. નારાયણ ગઢવીને સરકાર સામે ઘણી ફરિયાદો છે. નારાયણ ગઢવીએ જણાવ્યું–

“લોકો કહે છે કે કેન્દ્ર સરકાર કે એના વડા ઉદ્યોગપતિઓની ખૂબ નિકટ છે. સાચું તો એ છે કે તેઓ સતત ઉદ્યોગપતિઓની મદદ કરતા રહે છે. એમને ટૅક્સમાં રાહત આપે છે અને સસ્તા ભાવે જમીનો ફાળવે છે.”

“એ સાચું છે કે ગૌતમભાઈ પણ એમની (સરકારની) ખૂબ નજીકના છે. તમે જોઈ શકો છો કે 2019થી 2021માં કોરોના વખતે આખી દુનિયામાં ખેતી અને ઉદ્યોગ પર ખરાબ અસર થઈ હતી. કશો વિકાસ નહોતો થતો પરંતુ અદાણીએ જબરજસ્ત વિકાસ કર્યો. એ સાચું છે કે આ સરકાર એમને ઘણી બધી છૂટ આપે છે, જેમ કે ઍરપૉર્ટ, રેલવે અને રેલવે લાઇનો. પરંતુ ગૌતમભાઈ પણ સાહસિક અને જોખમ ઉઠાવનારા વ્યક્તિ છે.”

ગૌતમ અદાણીના મિત્ર ગિરીશભાઈ દાણી નથી માનતા કે મોદીએ ક્યારેય એમના અબજપતિ મિત્રની મદદ કરી છે. ગિરીશભાઈએ કહ્યું, “દરેક મોદીજી વિશે વાત કરે છે. પરંતુ જ્યાં સુધી મને ખબર છે મોદીજી એવા માણસ નથી જે કોઈની સાથે પક્ષપાત કરે.”

“હું રાજકારણમાં નથી. બની શકે કે મોદીજી અદાણીને થોડીઘણી મદદ કરતા હોય. છેવટે તાળી તો બંને હાથે જ પડે છે.”

અદાણીના સત્તાવાર જીવનચરિત્રકાર આર.એન. ભાસ્કર એમને 2005થી ઓળખે છે. ભાસ્કર માને છે કે “ઉદ્યોગપતિઓને રાજનેતાઓની એટલી જ ગરજ હોય છે, જેટલી નેતાઓને બિઝનેસમૅનોની. આ એવો તાલમેલ છે જે દરેક જગ્યાએ જોવા મળી જાય છે.”

પરંતુ શું ગૌતમ અદાણી મોદીની એટલા બધા નજીક છે જેટલા કોઈ અન્ય નેતાની? આ પ્રશ્નના ઉત્તરમાં ભાસ્કરે કહ્યું–

“2001માં જ્યારે મોદી ગુજરાતમાં સત્તા પર આવ્યા ત્યારે અદાણી જે રીતે અન્ય મુખ્ય મંત્રીઓ સાથે મૈત્રીસંબંધો રાખતા હતા, એવી જ રીતે તેઓ મોદીના પણ મિત્ર બની ગયા. મોદી 2014 સુધી ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા. એમાં દેખીતું છે કે બંને વચ્ચે નિકટતા વધી હશે. મોદી જ્યારે વડા પ્રધાન બની ગયા ત્યારે સ્પષ્ટ છે કે અદાણી સાથે એમને પહેલેથી પરિચય હતો. એક બીજું કારણ પણ છે. જ્યારે પણ કોઈ સરકાર રાજકીય, સામાજિક કે આર્થિક કારણે કોઈ કામ તરત જ કરવા ઇચ્છતી હોય ત્યારે તે હંમેશાં ઉદ્યોગપતિને પસંદ કરે છે જે સૌથી વધારે અસરકારક રીતે એને અમલમાં મૂકી શકે. હું એવું કામ કોઈ એવા વ્યક્તિને આપવા નહીં ચાહું જે કામ ખરાબ કરીને મારી બદનામી કરાવે.”

ગૌતમ અદાણીને વધારે છૂટછાટ આપી હોવાના આરોપોના લીધે ઘણા વિવાદ પણ ઊભા થયા છે. આપણે એમાંના થોડાક જોઈએ.

ત્રણ મોટી વિવાદિત પરિયોજનાઓ

મુંદ્રા બંદર અને વિશેષ આર્થિક ક્ષેત્ર (SEZ – સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન)

મુંદ્રા બંદર ગુજરાતના કચ્છ જિલ્લાના પશ્ચિમ કિનારે આવેલું છે. એને અદાણી ગ્રૂપના વિકાસમાં સીમાસ્તંભ ગણવામાં આવે છે.

આ બંદરનું મહત્ત્વ જણાવતાં ભાસ્કરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, “ગૌતમભાઈએ પોતાની કરિયરનો સૌથી પહેલો જે ઔદ્યોગિક સોદો કર્યો તે કદાચ મુંદ્રા પૉર્ટ સાથે સંકળાયેલો હતો.” તેમણે આગળ લખ્યું છે કે, “એવું કહી શકાય કે મુંદ્રા બંદર વગર અદાણીના ઘણા બધા ઉદ્યોગ તો કદાચ શરૂ જ ના થઈ શક્યા હોત.”

ભાસ્કરે જણાવ્યા અનુસાર, મુંદ્રા બંદર અને વિશેષ આર્થિક ક્ષેત્ર લિમિટેડ (MPSEZ) અંતર્ગત અદાણી જૂથ પાસે 15,665 એકર જમીનનો માલિકી હક્ક છે. એ ઉપરાંત, એમને હજી બીજી પણ લગભગ 16,688 એકર જમીન સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ગૌતમ અદાણી અને એમના જૂથ પર ઘણી વાર એવા આરોપ થતા રહે છે કે એમણે મુંદ્રા બંદર માટે ‘બજારભાવ કરતાં ખૂબ જ ઓછા ભાવે જમીન મેળવી છે’. ઘણાં બધાં મીડિયા સંગઠનોએ અદાણી જૂથને પાણીના ભાવે જમીન વેચવા માટે એ વખતની ગુજરાત સરકારની ટીકા કરી હતી.

જોકે, ગૌતમ અદાણીએ એપ્રિલ 2014માં NDTVને આપેલા ઇન્ટર્વ્યૂમાં આ આરોપોનું ખંડન કર્યું હતું.

આ ઇન્ટર્વ્યૂમાં ગૌતમ અદાણીએ કહ્યું કે, “મુંદ્રા પૉર્ટના વિકાસ માટે જે જમીન આપવામાં આવી તે ઉપજાઉ નહોતી; એ જમીન સસ્તા ભાવે પ્રાપ્ત કરવાનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો.”

અદાણી એ આરોપોને પણ ખોટા ગણાવે છે કે એમણે જે કિંમતે જમીન ખરીદી તે ‘બજારભાવના એક તૃતીયાંશ કરતાં પણ ઓછી હતી’. ગૌતમ અદાણીએ આ ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે, “આ આરોપો પાયા વગરના છે. જ્યારે અમે મુંદ્રામાં અમારું કામ શરૂ કર્યું હતું ત્યારે ગુજરાતમાં ચીમનભાઈ પટેલની સરકાર હતી. 1993માં અમને 10 પૈસા પ્રતિ વર્ગમીટરના ભાવે આ કામ માટે જમીન ફાળવવામાં આવી હતી; એ વખતે તે સંપૂર્ણ વગડાઉ, ખરાબ અને પાણીમાં ડૂબેલી જમીન હતી.”

અદાણીએ આગળ કહ્યું છે, “1993માં જ્યારે અમે સરકારના નિર્દેશથી કચ્છના વિકાસ માટે ત્યાં ગયા તો એ વખતે ત્યાં કશુંયે નહોતું; તમે એ બાબતની તપાસ કોઈની પણ પાસેથી કરી શકો છો કે જ્યારે અમે મુંદ્રા ગયા ત્યારે જમીનની કિંમત માત્ર 400 રૂપિયા એકર હતી; જો અમે પોતાના સ્તરે લોકો પાસેથી 5 હજાર રૂપિયા પ્રતિ એકરના દરે જમીન ખરીદવાનો વિકલ્પ પસંદ કર્યો હોત તો આસાનીથી લોકો તૈયાર થઈ જતા; પરંતુ અમે એ વખતે 10 ગણા વધારે દામ ચૂકવીને જમીન મેળવી હતી.”

પોતાના પુસ્તકમાં આર.એન. ભાસ્કરે પણ આ આરોપોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે, “સરકાર એ જમીન વેચીને નફો કમાઈ. જમીનના માલિકો અને મીઠાના અગરિયા (મજૂરો)ને પણ ફાયદો થયો. લોકોને જે કિંમત મળી એનાથી તેઓ ખુશ હતા. તેથી આજે જ્યારે ટીકાકારો એમ કહીને ગૌતમભાઈની ટીકા કરે છે કે એમણે સોના જેવી જમીન પાણીના મૂલે મેળવી તો તેઓ એ ભૂલી જાય છે કે એ વખતે એ જમીનનો ભાવ એટલો જ હતો.”

બીબીસીએ જ્યારે અદાણી ગ્રૂપને મુંદ્રા પૉર્ટના વિકાસ માટે આપવામાં આવેલી જમીનનો તે સમયનો બજારભાવ જાણવા માટે માહિતી અધિકાર હેઠળ ગુજરાત સરકાર પાસે માહિતી માગી તો સરકારે કોઈ જવાબ ન આપ્યો.

દિલીપ પટેલ વરિષ્ઠ પત્રકાર છે અને ગુજરાતના રાજકારણના જાણકાર છે. તેઓ ગૌતમ અદાણીના જબ્બર વિકાસનું શ્રેય ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુંદ્રા બંદર’ને આપે છે. બીબીસી સાથેની વાતચીતમાં દિલીપ પટેલે કહ્યું–

“એમાં કોઈ શંકા નથી કે મુંદ્રા બંદર માટે જમીન ફાળવણીનું કામ ચીમનભાઈ પટેલની સરકારના સમયમાં શરૂ થયેલું; પરંતુ અદાણીને વધારે જમીન તો નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આપવામાં આવી હતી; અને તે પણ કોડીના ભાવે.”

 અદાણી ગ્રૂપ પર મુંદ્રામાં પર્યાવરણના નિયમો તોડવાનો આરોપ પણ થયો છે. ભારતનાં મીડિયાએ માહિતી આપી છે કે કૉંગ્રેસની આગેવાનીવાળી સરકારે 2013માં મુંદ્રા બંદર પર પર્યાવરણના નિયમ તોડવા બદલ અદાણી ગ્રૂપને 200 કરોડનો દંડ ફટકાર્યો હતો. પરંતુ, કેન્દ્રમાં જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે એણે દંડ રદ કરી દીધો.

આ માહિતી બિઝનેસ સ્ટાન્ડર્ડ અખબારે માહિતી અધિકાર હેઠળ અરજી કરીને મેળવી હતી.

મુંદ્રા બંદરની નજીકના ગામના ખેડૂત નારાયણ ગઢવીએ બીબીસીને જણાવ્યું કે, “અમે આધુનિકીકરણનો વિરોધ ના કર્યો. ચોક્કસ, એનાથી રોજગારી ઊભી થશે અને દેશના વિકાસને પ્રોત્સાહન મળશે. પરંતુ આ પ્રગતિ સ્થાનિક લોકોની આજીવિકાના ભોગે ન થવી જોઈએ; પર્યાવરણ પર ખરાબ અસર ન થવી જોઈએ અને કોઈ પણ કિંમતે સ્થાનિક માછીમારોની રોજી–રોજગારી ન છીનવવી જોઈએ.” 

અમે આ આરોપો સબબ અદાણી ગ્રૂપનો પક્ષ જાણવા માટે એમની સાથે ઇ-મેઇલથી સંપર્ક કર્યો હતો પરંતુ હજુ સુધી અમને એમનો જવાબ નથી મળ્યો.

ઍરપૉર્ટ્સની હરાજીમાં સફળતા

2019માં અદાણી ગ્રૂપે જ્યારે દેશનાં છ ઍરપૉર્ટ્સના આધુનિકીકરણ અને એના સંચાલનના કૉન્ટ્રેક્ટ મેળવ્યા ત્યારે એની સામે પણ સવાલ ઊભા થયા હતા. કેમ કે, ત્યારે અદાણી ગ્રૂપ પાસે ઍરપૉર્ટનું સંચાલન કરવાનો કોઈ અનુભવ નહોતો. ફરી એક વાર અદાણી ગ્રૂપ પર આરોપ થયા હતા કે કૉન્ટ્રેક્ટની હરાજીમાં એને પ્રાધાન્ય આપવામાં આવ્યું અને અદાણી ગ્રૂપને લાભ કરાવવા માટે નિયમોમાં ફેરબદલ કરવામાં આવી. આ ઍરપૉર્ટ્સ અમદાવાદ, લખનૌ, મેંગલૂરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવંતપુરમ્ છે.

આ ઍરપૉર્ટ્સ સંપાદિત થતાં જ અદાણી ગ્રૂપ ઍરપૉર્ટનું સંચાલન કરનારી દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી કંપની બની ગઈ, જે GMR અને GVK ગ્રૂપ કરતાં થોડીક જ પાછળ હતી. અને પછી, GVK ગ્રૂપ પાસેથી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું નિયંત્રણ પ્રાપ્ત કર્યા પછી દેશનાં હવાઈમથકો પર આવતા-જતા મુસાફરોના 25 ટકા ભાગ પર અદાણી ગ્રૂપનો કબજો થઈ ગયો. એ ઉપરાંત અદાણી ગ્રૂપનાં ઍરપૉર્ટ્સ પરથી દેશનો 33 ટકા ઍરકાર્ગો લૉડ કરવામાં આવે છે.

મીડિયાના સમાચારો અનુસાર, કોઈ એક કંપનીને બેથી વધારે ઍરપૉર્ટ્સના વ્યવસ્થાપન-સંચાલનનો હક્ક આપવા સામે નાણામંત્રાલય અને નીતિ આયોગે સલાહ આપી હતી, પરંતુ એના પર ધ્યાન આપવામાં ન આવ્યું. આ આરોપ ખૂબ ગંભીર હતા અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ બાબતે ખુલાસો કરવો પડ્યો હતો. સરકારે પ્રેસને આપેલા એક બયાનમાં કહેલું, “એ આરોપ તથ્યાત્મક રીતે ખોટા છે કે સરકારે પોતાના જ વિભાગોના વાંધાને ધ્યાનમાં ન લીધા.” સરકારે પોતાના બયાનમાં એ વાત પણ ભારપૂર્વક કહી કે “આ મામલો જોવા માટે બનાવાયેલી સમિતિએ ઘણી વિચારણા કર્યા પછી નિર્ણય કર્યો કે કોઈ કંપનીને અપાતાં ઍરપૉર્ટ્સની સંખ્યાને સીમિત કરવામાં ન આવે. કેમ કે, આ છ ઍરપૉર્ટ્સ ખૂબ નાનાં છે અને દેશના માત્ર 9.5 ટકા હવાઈ મુસાફરો ત્યાં થઈને પસાર થાય છે.”

મંત્રાલય અનુસાર આ સમિતિએ ઍરપૉર્ટનું સંચાલનના અનુભવની શરતને ફરજિયાત ન કરવાનો નિર્ણય કર્યો હતો, જેથી હરાજીમાં બોલી કરવાની પ્રક્રિયામાં વધારે હોડ થાય અને ઍરપૉર્ટ્સના વ્યવસ્થાપન-સંચાલનમાં કોઈ એક કંપની કે જૂથનો એકાધિકાર ન થઈ જાય.

બીબીસીએ 2005ના માહિતી અધિકાર કાયદા અંતર્ગત સરકાર પાસે આ છ ઍરપૉર્ટ્સની હરાજી પ્રક્રિયા વિશે માહિતી આપવાની અરજ કરી હતી. ભારતની હવાઈમથક સત્તાએ આ RTIના જવાબમાં જે દસ્તાવેજ આપ્યા હતા એ અનુસાર, બધાં, છએ છ ઍરપૉર્ટ્સની બોલીમાં અદાણી ગ્રૂપે હરાજીમાં ભાગ લેનારી બાકીની બધી કંપનીઓને પછાડી દીધી હતી.

RTI દ્વારા પ્રાપ્ત કરેલા દસ્તાવેજોનો ઝીણવટથી અભ્યાસ કરતાં ખબર પડી કે છ ઍરપૉર્ટ્સના વ્યવસ્થાપનના હક્ક મેળવવા માટે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે જે બોલી કરી હતી તે મુસાફર દીઠ 115થી 177 રૂપિયાની વચ્ચે હતી.

અદાણી ગ્રૂપે ઍરપૉર્ટ્સની હરાજીમાં બાકીની બધી પ્રતિસ્પર્ધક કંપનીઓને ભલે પછાડી દીધી પરંતુ જો બોલી કરવામાં હવાઈમથક સંચાલનના ‘પહેલાંથી અનુભવ’ની શરત હટાવાઈ ન હોત તો આ હરાજીમાં અદાણી ગ્રૂપે કોચીન ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ લિમિટેડ અને જીએમઆર ઍરપૉર્ટ લિમિટેડની જોરદાર હરિફાઈનો સામનો કરવો પડત.

સરકારની ભાગીદારીવાળી નૅશનલ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એનઆઇઆઇએફ)એ પણ ગુવાહાટી, અમદાવાદ અને જયપુર ઍરપૉર્ટ માટે બોલી કરવામાં રસ દાખવ્યો હતો. એનઆઇઆઇએફની વેબસાઇટ પર દર્શાવાયું છે કે તેઓ બૅઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં રોકાણ કરે છે. આ હવાઈમથકો માટે એનઆઇઆઇએફની ઘણી બોલીઓની ઝીણવટથી તપાસ કરતાં ખબર પડી કે એની અને અદાણી ઍન્ટરપ્રાઇઝની બોલીઓમાં પૅસેન્જર દીઠ 5થી 31 રૂપિયા સુધીનો જ તફાવત હતો, એટલે કે એનઆઇઆઇએફની પૅસેન્જર દીઠ બોલી અદાણીની બોલી કરતાં માત્ર 5થી 31 રૂપિયા જ ઓછી હતી.

ગોડ્ડાનો થર્મલ પાવર પ્લાન્ટ

ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં જ્યારે બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના ભારત આવેલાં ત્યારે ગૌતમ અદાણીએ એમની મુલાકાત કરી હતી. ત્યાર બાદ અદાણીએ એક ટ્વીટમાં ગોડ્ડામાં 1,600 મેગાવૉટ ક્ષમતા ધરાવતી કોલસા આધારિત વીજળી પરિયોજના શરૂ કરીને, 16 ડિસેમ્બર, 2022 સુધીમાં ત્યાંથી બાંગ્લાદેશ સુધી વીજળી પહોંચાડવાની લાઇન ચાલુ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.

આની સાથે જ, ઝારખંડના ગોડ્ડા જિલ્લાના વીજળીઘર અને એની સાથે સંકળાયેલા વિવાદ ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયાં હતાં. મીડિયા રિપોર્ટમાં આરોપ થયા છે કે અદાણી ગ્રૂપ અને ઝારખંડ સરકારે આ વીજળીઘર ઊભું કરવા માટે નક્કી કરાયેલી પ્રક્રિયાનું પાલન કર્યા વગર ખેડૂતો પાસેથી એમની ઉપજાઉ જમીનો લઈ લીધી. ગોડ્ડા વહીવટી તંત્રે 11 પાનાંની એક નોટ પ્રસિદ્ધ કરી હતી, જેમાં અદાણી ગ્રૂપની પરિયોજના માટે 917 એકર જમીન સંપાદિત કરવા માટે સરકારને સૂચન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક ખેડૂતો અને જમીનમાલિકોએ જમીનસંપાદનની પ્રક્રિયા વિરુદ્ધ ઝારખંડ હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો. આ ખેડૂતોના વકીલ સોનલ તિવારીએ બીબીસીને જણાવ્યું કે–

“આ જમીનસંપાદનનો કેસ છે. અરજદાર આ હેતુસર પોતાની જમીન લેવાય તેનો વિરોધ કરે છે. આ કેસમાં જમીનસંપાદન જનહિતના એ સિદ્ધાંતની વિરુદ્ધ છે જેનો આધાર ‘રાઇટ ટૂ ફેર કંપન્સેશન ઍન્ડ ટ્રાન્સપરન્સી ઇન લૅન્ડ ઍક્વિઝિશન રિહેબિલિટેશન ઍન્ડ રિસેટલમેન્ટ ઍક્ટ 2013”માં આપવામાં આવ્યો છે. હું આ કેસમાં ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.”

ઝારખંડના મોતિયા ગામમાં રહેતા 73 વર્ષીય રિટાયર્ડ અધ્યાપક ચિંતામણિ સાહૂએ ગોડ્ડા વીજળીઘર માટે જમીનસંપાદનનો વિરોધ કર્યો હતો. અમે જ્યારે એમની સાથે વાત કરી ત્યારે તેઓ નિરાશ દેખાતા હતા. એમને સમયસર ન્યાય મળવાની કશી આશા નથી. ચિંતામણિ સાહૂએ કહ્યું કે ખેડૂતોએ હાઈકોર્ટમાં ભલે અરજી કરી રાખી હોય, પરંતુ કોલસાથી ચાલનારું આ વીજળીઘર બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

બીબીસી સાથે વાત કરતાં ચિંતામણિએ કહ્યું–

“આ વીજળીઘર માટે અમારી બાપદાદાના વખતની પાંચ એકર જમીન લઈ લેવામાં આવી; અને એ પણ જનહિતનું બહાનું કરીને; અહીં અમારી જમીન, પાણી અને સસ્તી મજૂરીથી વીજળી ઉત્પન્ન થશે અને પછી એને બાંગ્લાદેશને આપી દેવાશે; એનાથી અદાણી વધારે અમીર બનશે; એમાં જનહિત ક્યાં છે?”

ચિંતામણિ સાહૂએ આરોપ કર્યો કે 2016માં જ્યારે જમીનસંપાદન મુદ્દે વાતચીત કરવા પંચાયત બેસાડવામાં આવેલી ત્યારે જમીનસંપાદનનો વિરોધ કરનારા ગ્રામીણોના એક જૂથને એમાં ભાગ નહોતો લેવા લીધો. અદાણી ગ્રૂપ અને વહીવટી તંત્રે જમીનસંપાદન માટે ગામલોકોની સંમતિ મેળવવાની શરતનું પાલન નથી કર્યું. જોકે, કંપનીએ એવું ચોક્કસ કર્યું કે કાગળ પર બધું બરાબર હોય. એવું લાગે કે કંપનીએ સંપાદનની બધી શરતો પૂરી કરી છે. સાહૂએ આરોપ કર્યો છે કે વહીવટી તંત્ર પણ અદાણી ગ્રૂપની મદદ કરી રહ્યું હતું. અહીં નોંધવા જેવી બાબત એ છે કે 2014થી 2019 સુધીમાં ઝારખંડમાં રઘુબર દાસની આગેવાનીવાળી ભાજપની સરકાર હતી.

ચિંતામણિ સાહૂએ આરોપ કરતાં આગળ કહ્યું કે, “જમીનસંપાદનનો વિરોધ કરનારા પર દબાણ કરવા માટે ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા. એમાં મારું નામ પણ છે. વીજળીઘર માટે મેળવવામાં આવેલી મોટા ભાગની જમીન ઉપજાઉ હતી. મોતિયા, ડાંકા, માલી અને પટવા ગામોની જમીનો લેવામાં આવી છે. અમે વિરોધ કર્યો પરંતુ કશું ના થયું, તો પણ મેં મારો વિરોધ ચાલુ રાખ્યો. મેં મારી જમીનના સંપાદનની મંજૂરી નથી આપી, ન મેં એના બદલામાં વળતર લીધું છે.”

2013ના જમીનસંપાદન કાયદા અંતર્ગત, ‘જનહિતના હેતુસર’ કોઈ ખાનગી કંપની કે પછી સરકારી અને ખાનગી કંપનીની ભાગીદારીવાળી પરિયોજના માટે પણ જમીનનું સંપાદન કરી શકાય છે. પરંતુ એના માટે કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. કાયદાની કલમ 4માં નોંધાયેલી પ્રક્રિયા અનુસાર, જમીનસંપાદનની સામાજિક અસરનો અભ્યાસ કરવો જોઈએ. એ ઉપરાંત, આ કાયદા હેઠળ જમીનસંપાદન કર્યાથી બીજી કલમની જોગવાઈ પણ લાગુ થાય છે, જેના અનુસાર, જમીન સંપાદિત કરવાથી જેમની જમીન લીધી હોય તેવા લોકોના પુનર્વાસની વ્યવસ્થા કરવી જોઈએ.

એ ઉપરાંત, એક જોગવાઈ એવી પણ છે કે પુનર્વાસની યોજના પર ચર્ચા કરવા માટે ગ્રામસભા અંતર્ગત એક સાર્વજનિક સુનાવણી થવી જોઈએ અને એ દરમિયાન ઉઠાવાયેલ બધા વાંધાને નોંધીને જિલ્લાના કલેક્ટરને જાણ કરવી જોઈએ.

બીબીસીએ આ મામલે ઝારખંડ સરકારની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી પરંતુ હજુ સુધી એમનો કોઈ જવાબ અમને મળ્યો નથી.

આરંભિક ગાળો

સપ્ટેમ્બરમાં જ્યારે ફૉર્બ્સ મૅગેઝિને ગૌતમ અદાણીને દુનિયાના બીજા ક્રમના સૌથી ધનાઢ્ય વ્યક્તિ જાહેર કર્યા ત્યારે તેઓ અચાનક જ દુનિયાભરમાં છવાઈ ગયા. આંતરરાષ્ટ્રીય મીડિયામાં એ બાબતની હોડ કરવામાં આવી કે ગૌતમ અદાણીનાં વ્યક્તિત્વ અને એમના બિઝનેસ વિશે વધારેમાં વધારે માહિતી એકઠી કરાય.

કોરોના વાઇરસની મહામારી દરમિયાન જ્યારે દુનિયામાં કરોડો લોકો ગરીબીની ગર્તામાં ડૂબી ગયા ત્યારે અદાણીની સંપત્તિમાં કૂદકે ને ભૂસકે વધારો થયો હતો.

પરંતુ આ રહસ્યમય ઉદ્યોગપતિ વિશે વધારેમાં વધારે માહિતી એકઠી કરવાનો આ રસ એમની સંપત્તિ સુધી જ મર્યાદિત નહોતો. લોકો ખરેખર એ વ્યક્તિ વિશે જાણવા માગે છે કે આખરે એ કઈ વ્યક્તિ છે કે જેણે 70 દેશોમાં 100થી વધારે જગ્યાએ પોતાના બિઝનેસનું વિસ્તરણ કરી લીધું અને તોપણ તેઓ લાંબા સમય સુધી દુનિયાની નજરથી ઓઝલ રહ્યા.

તો, આખરે, ગૌતમ અદાણી કોણ છે જેની દખલ એ દરેક વસ્તુમાં છે જે આપણે આજે ઉપયોગમાં લઈએ છીએ; એ વીજળી હોય કે બંદર હોય કે હવાઈમથક? શું એના બિઝનેસની કોઈ ખાસ પદ્ધતિ છે? સફળતાનો કોઈ મંત્ર છે? કે બિઝનેસનું કોઈ મૉડલ છે, જે હરીફાઈમાં સફળતા અપાવે છે? જેણે 1970ના દાયકામાં હીરાના એક મામૂલી વેપારી રહેલા વ્યક્તિની હેસિયત એટલી વધારી દીધી જ્યાં તે મુકેશ અંબાણી સાથે મળીને ભારતની અર્થવ્યવસ્થાને આગળ વધારનારા મુખ્ય પાત્ર બની ગયા છે.

60 વર્ષના ગૌતમ અદાણીએ મીડિયાને ખૂબ ઓછા ઇન્ટર્વ્યૂ આપ્યા છે અને સાર્વજનિક ભાષણ તો એમણે એનાથી પણ ખૂબ ઓછાં આપ્યાં છે. ગૌતમ અદાણી, કૉર્પોરેટ જગતની ઝાકઝમાળ અને ગ્લૅમરથી દૂર રહે છે. તેઓ પોતાના પ્રચારથી અળગા રહે છે. અમે એમને ઇન્ટર્વ્યૂ આપવા માટે વિનંતી કરી હતી પરંતુ અમને એમ કહેવામાં આવ્યું કે ગૌતમ અદાણી પાસે આગામી થોડા મહિનાઓ સુધી સમય નથી. સામાન્ય રીતે ગૌતમ અદાણી કૉર્પોરેટ કમ્યુનિકેશન વિભાગ દ્વારા જ વાત કરે છે.

ગૌતમ અદાણી વિશેની સૌથી વધારે માહિતી આપણને રિસર્ચર અને પત્રકાર આર.એન. ભાસ્કરના પુસ્તકમાંથી જ મળી શકે છે. જ્યારે અમે ભાસ્કરને પૂછ્યું કે ગૌતમ અદાણી વિશે થોડાક વિવાદિત સોદા સિવાય વધારે કશી માહિતી કેમ નથી, તો આ સવાલના જવાબમાં આર.એન. ભાસ્કરે બે વાતો જણાવી. પહેલી એ કે “ગૌતમ અદાણીને મીડિયા કવરેજની કંઈ વધારે પરવા નથી. તેઓ શરમાળ છે અને અન્ય કોઈ ઉદ્યોગપતિની જેમ દેખાડો નથી કરતા. ગૌતમભાઈ ઇન્ટર્વ્યૂ આપવામાં ખચકાય છે અને એમની તસવીર લેવી હોય તો એમને મજબૂર કરવા પડે છે.”

ભાસ્કરે આગળ કહ્યું કે, “બીજું કારણ એ છે કે જ્યારે તમે ગૌતમ અદાણી જેવા વ્યક્તિ હો તો તમે પોતાની દરેક રણનીતિ વિશે વાત નથી કરતા. તેના માટે ધીરજની જરૂર હોય છે. એમાં ઘણાં વરસ લાગી જાય છે.”

આરંભિક સંકેત

અમદાવાદના જે વિસ્તારમાં અદાણી પરિવારની દુકાન હતી, ત્યાં દિનેશ વોરાની પણ જથ્થાબંધ કપડાંની દુકાન છે. દિનેશ વોરાની ખ્યાતિનું કારણ એ છે કે એમની કાકાની દીકરી બહેન પ્રીતિ ગૌતમ અદાણીનાં પત્ની છે. તેમણે કહ્યું કે, લગ્ન વખતે ગૌતમ અદાણીમાં એવી કશી અસામાન્ય પ્રતિભા દેખાઈ નહોતી કે એક દિવસ તેઓ આટલા મોટા ઉદ્યોગપતિ બની જશે.

દિનેશ વોરા

દિનેશ વોરા

હવે દિનેશ વોરાને અદાણી પરિવારને હળવામળવાનું થોડું ઓછું થાય છે. તેમણે કહ્યું, “હવે અમે ત્યાં બહુ ઓછું જઈએ છીએ. અમે માત્ર સગાઈ-લગ્ન અને અન્ય પારિવારિક પ્રસંગોમાં જ એમના ત્યાં જઈએ છીએ. એવું નથી કે અમે જ્યારે ઇચ્છીએ ત્યારે ત્યાં ના જઈ શકીએ. પરંતુ અમને પોતાને લાગે છે કે કારણ વગર ત્યાં જઈશું તો એમનો સમય બગાડીશું.”

ગૌતમ અદાણીની જેમ એમના નજીકના મિત્રો આજે પણ અમદાવાદમાં રહે છે, જે હવે એક મોટું શહેર બની ગયું છે. લચ્છુભાઈ નામે ઓળખાતા લક્ષ્મણ ચૌધરી સાથે અમારી મુલાકાત થતાં સૌથી પહેલાં ખૂબ જ ગર્વથી એવું જણાવ્યું કે તેઓ ગૌતમ અદાણીના જૂના મિત્ર છે. તેમણે કહ્યું, “હું ગૌતમભાઈને 40 વર્ષોથી એટલે કે 1982થી ઓળખું છું.”

જ્યારે અમે લચ્છુભાઈને પૂછ્યું કે, શું યુવાનીના દિવસોમાં ગૌતમ અદાણીમાં એમને એવું કશું દેખાતું હતું કે તેઓ એક દિવસ આટલી ઊંચાઈએ પહોંચી જશે? જવાબમાં લક્ષ્મણ ચૌધરીએ કહ્યું, “શરૂઆતથી જ એમના વિચારો મોટા લોકો સાથે નિકટતા વધારવી, સારા સંબંધો કેળવી રાખવાના રહ્યા હતા. જ્યારે કામ પ્રત્યેની વફાદારીની વાત હોય તો એમના જેવા બીજા કોઈ નહોતા.”

બિઝનેસ અને સારા જીવનઅનુભવ માટે ગૌતમ અદાણી મુંબઈ જતા રહ્યા હતા. ત્યાં તેઓ હીરા ઉદ્યોગમાં જોડાઈ ગયા. ત્યારે ગૌતમ અદાણી પ્રસાદ ચૅમ્બર્સ નામની એક બહુમાળી ઇમારતમાં કામ કરતા હતા. એ ઇમારત આજે પણ મુંબઈના અતિ વ્યસ્ત ઓપેરા હાઉસ વિસ્તારમાં શાનથી ઊભી છે.

સ્કૂલમાં ગૌતમ અદાણી એક સામાન્ય વિદ્યાર્થી હતા. એમનું મન ભણતર કરતાં વધારે તો વેપારમાં રહેતું હતું. તેથી, કૉલેજમાં પ્રથમ વર્ષ પૂરું કર્યા પછી એમણે અભ્યાસ કાયમને માટે છોડી દીધો હતો.

શું એ સમયે એમનામાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બનવાનાં કોઈ લક્ષણ દેખાતાં હતાં? શું એમનામાં પૈસા કમાવાનો કોઈ હુનર છુપાયેલો હતો? આર.એન. ભાસ્કરે કહ્યું કે, “તેઓ બીજા કોઈ પણ સામાન્ય બાળક જેવા જ હતા. પરંતુ કોઈ પણ ક્રિએટિવ બાળકની જેમ એમનામાં જબરજસ્ત ઊર્જા હતી અને જેવું મેં મારા પુસ્તકમાં પણ લખ્યું છે કે બાળપણથી જ તેઓ ‘તોફાની’ હતા. જ્યારે હું એમનાં ભાઈ અને ભાભીને મળ્યો ત્યારે એમણે જણાવ્યું કે ગૌતમ તો હંમેશાં એક તોફાની બાળક હતો અને એમનું બાળપણ તોફાનો કરવામાં પસાર થયું હતું.”

ભાસ્કરે આગળ જણાવ્યું કે ગૌતમ અદાણીનું ધ્યાન બસ એક જ વસ્તુ પર હતું, એટલે કે બિઝનેસ પર. તેમણે જણાવ્યું કે, “કિશોરાવસ્થામાં ગૌતમ અદાણી પોતાની ઉંમરના બીજા લોકો કરતાં એ રીતે જુદા હતા કે તેઓ ફિલ્મી મૅગેઝિન નહોતા વાંચતા. એમના દિમાગમાં હંમેશાં સવાલો થતા રહેતા હતા કે વસ્તુઓ કઈ રીતે કામ કરે છે? કામ કઈ રીતે થઈ શકે?”

પૈતૃક ઘર

ગૌતમ અદાણી ગુજરાતના એક સામાન્ય મધ્યમવર્ગીય જૈન પરિવારના છે. એમના પિતા કપડાંના એક નાના વેપારી હતા. તેઓ ઉત્તર ગુજરાતની ભીડ અને ધૂળિયા ગામ થરાદના રહેવાસી હતા. આજે પણ ત્યાં અદાણી પરિવારનું પૈતૃક ઘર છે. હવે એ ઘરની સારસંભાળ આનંદ બારોટ કરે છે. ખુશીથી છલકાતા બારોટે અમને જણાવ્યું કે, “ગૌતમ અદાણી અહીં સાત-આઠ મહિના પહેલાં પોતાની ટીમની સાથે આવેલા. એમણે મારી સાથે વાતો કરી. અને ડ્રોન કૅમેરાથી ઇમારતની તસવીરો લીધી.”

ગૌતમ અદાણીના પોતાના વતનના ઘરે જવાના સમાચારની આખા થરાદમાં ખૂબ ચર્ચા થઈ. કેમ કે એના ઘણા મહિના પછી જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે દરેક એમની આ ‘અનોખી મુલાકાત’ની વાત કરવામાં સૌથી વધુ રસ ધરાવતા હતા. થરાદમાં એક જૈન મંદિર છે. ત્યાંના પૂજારીએ ખૂબ જ ગર્વથી જણાવ્યું કે ગૌતમે ત્યાં દર્શન અને પૂજા કરવા માટે ‘એક કલાક’ વિતાવ્યો હતો.

પોતાની ઓળખાણ ગૌતમ અદાણીના ભત્રીજા તરીકે આપ્યા પછી સુરેશ હીરાલાલ અદાણીએ અમને જણાવ્યું કે જે દિવસે ગૌતમભાઈ થરાદ આવેલા ત્યારે તે બહારગામ ગયા હતા. સુરેશે કહ્યું–

“હું એમને મળી ના શક્યો. હું બહારગામ હતો અને જ્યારે મેં સાંભળ્યું કે અદાણી મારા પૈતૃક ઘરે આવ્યા છે ત્યારે બીજા દિવસે હું દોડતો પહોંચ્યો પણ ત્યાં સુધીમાં તો તેઓ જતા રહ્યા હતા. મેં એમને અમદાવાદમાં મળવાની કોશિશ કરી હતી પરંતુ એ એટલું આસાન નથી.”

સુરેશ હીરાલાલ ગૌતમ અદાણીના એવા થોડાક સંબંધીઓમાંના છે જેમણે પોતાનું પૈતૃક ગામ ક્યારેય નથી છોડ્યું અને ગરીબીએ પણ એમનો પીછો નથી છોડ્યો.

થરાદ જૂના ભારતનું દર્શન કરાવે છેઃ ખાડાવાળા રસ્તા, રહેણાક મકાનોની આડીઅવળી લાઇનો અને એના સાંકડા માર્ગો પર અનિયંત્રિત દોડતો ટ્રાફિક. ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક ગૌતમ અદાણીએ ભલે ઝગમગવાળાં ઘણાં શહેર અને કાચની ચમકદાર ઊંચી ઇમારતો બનાવ્યાં છે પરંતુ થરાદ ગામની તસવીર એનાથી બિલકુલ જુદી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગૌતમ અદાણીએ એમને ત્યાં એક મંદિર બનાવી આપવાનો વાયદો કર્યો છે અને પાણીની એક ટાંકી બનાવડાવી આપી છે. એ માટે તેઓ અદાણીના આભારી છે. જોકે ગામના લોકોની ઇચ્છા છે કે ગૌતમ અદાણી એમના ગામને એક આધુનિક શહેર તરીકે વિકસાવે.

ગૌતમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીએ થરાદ ગામ છોડી દીધું હતું અને તેઓ અમદાવાદમાં વસી ગયા હતા. ગૌતમ અદાણી 1962માં અમદાવાદમાં જ જન્મ્યા. એમનાં સાત ભાઈ-બહેન અને એમનાં બાળકોના પરિવાર એકબીજાની ખૂબ નજીક છે અને અદાણી ગ્રૂપનો ભાગ છે. અદાણીના એક ભાઈ દુબઈ રહે છે.

ગૌતમ અદાણીના મિત્રો અને પરિવારજનોની વાત કરતાં એ બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે એક નવયુવક તરીકે સામાન્ય વ્યક્તિ તરીકે જ ઓળખાતા હતા અને એમનામાં કોઈ અનોખી વાત નહોતી દેખાતી પરંતુ પોતાની યુવાવસ્થામાં પણ અદાણીની નજર ઊંચા લક્ષ્ય પર રહેતી હતી અને તેઓ હંમેશાં આગામી સારી તકની શોધમાં રહેતા હતા. એમની આ ખૂબીઓ એ વખતે બરાબર પ્રગટ થઈ જ્યારે તેઓ મુંબઈથી અમદાવાદ પાછા ફર્યા અને પોતાના મોટા ભાઈ મનસુખભાઈ અદાણીની પ્લાસ્ટિકનો વેપાર કરતી કંપની ‘ઇઝી પૅકેજિંગ’માં જોડાઈ ગયા.

આર.એન. ભાસ્કરે કહ્યું કે, “ગૌતમભાઈ માત્ર વેપાર કરીને ખુશ નહોતા. પોતાના ભાઈના ધંધામાં જોડાયા પછી સૌથી પહેલાં એમણે એ વેપારને વધાર્યો. પોતાના બિઝનેસને વધારવા માટે એમણે સપ્લાયના સસ્તામાં સસ્તા સ્રોતની શોધ કરી. એમણે એ જાણવાની કોશિશ કરી કે માલના અસલી સપ્લાયર કોણ છે. પછી તેઓ એમને મળવા (વિદેશ) ગયા અને મોટી માત્રામાં સામાન ખરીદ્યો. ગૌતમ અદાણીને ખબર હતી કે તેઓ આ માલ ભારતમાં ઘણા લોકોને વેચી શકે છે. એમનામાં જોખમ લેવાનું સાહસ હતું પરંતુ આ જોખમમાંથી હેમખેમ નીકળવાની આવડત પણ એમનામાં સારી એવી હતી.”

1986માં ગૌતમ અદાણી 24 વરસના થયા ત્યારે એમનું લગ્ન કરી દેવાયું. અદાણીનાં પત્ની પ્રીતિ અદાણી ડેન્ટિસ્ટ છે. તેઓ પણ જૈન સમુદાયમાંથી છે અને એમના પિતા સાથે અદાણી પરિવારને સારી ઓળખાણ હતી.

ગૌતમના મિત્ર લચ્છુભાઈએ કહ્યું કે લગ્નની વ્યવસ્થા તેમણે જ કરી હતી. લચ્છુભાઈએ કહ્યું, “લગ્નની બધી વ્યવસ્થા મેં જ કરી હતી. એ શરૂઆતના દિવસો હતા, એટલે લગ્નમાં કશો ભભકો નહોતો. લગ્નમાં પરિવારના નજીકના લોકો અને મિત્રોએ જ ભાગ લીધો હતો. એ એક પારંપરિક જૈન લગ્ન સમારોહ હતો.”

એ સમય સુધીમાં ગૌતમ અદાણીનો ઇમ્પૉર્ટનો બિઝનેસ સારો ચાલવા લાગ્યો હતો અને તેઓ મોટા પાયે બિઝનેસ કરતા હતા. 1988થી 1992 સુધી ગૌતમ અદાણીનો ઇમ્પૉર્ટનો બિઝનેસ 100 ટનથી કેટલાય ગણો વધીને 40 હજાર ટન સુધી પહોંચી ગયો હતો. ટૂંકા ગાળામાં જ અદાણીએ નિકાસમાં પણ હાથ અજમાવવો શરૂ કરી દીધો અને ખૂબ ઝડપથી તેઓ મોટા ઍક્સ્પૉર્ટર બની ગયા, જે લગભગ બધા જ સામાનની નિકાસ કરતા હતા.

મુંદ્રા બંદરને કારણે આવ્યો નિર્ણાયક વળાંક

એક વ્યસ્ત ઍક્સ્પૉર્ટર અને ઇમ્પૉર્ટર તરીકે ગૌતમ અદાણી બંદર પર સામાન ઉતારવા અને ચઢાવવામાં ઘણી વાર કારણ વગરનું મોડું અને અણઆવડતનો અનુભવ કરી ચૂક્યા હતા. આનાથી એમને દર વર્ષે 10થી 12 કરોડ રૂપિયાનું નુકસાન થતું હતું. આ કારણે જ એમણે પોતાનું ખાનગી બંદર બનાવવાનો નિર્ણય કર્યો, જે એમણે મુંદ્રામાં બનાવ્યો. આ એ સમય હતો જ્યારે ભારતની અર્થવ્યવસ્થાનું ઉદારીકરણ થઈ રહ્યું હતું. ગુજરાત સરકારે ખાનગી ઉદ્યોગકારોની મદદથી 10 બંદર વિકસાવવાનો નિર્ણય કર્યો હતો. એમાં મુંદ્રા પણ સામેલ હતું. મુંદ્રા બંદરની ઊંડાઈ બાજુના સરકારી બંદર કંડલા કરતાં ઘણી વધારે હતી તેથી કુદરતી રીતે અહીં મોટાં જહાજ આવી-જઈ શકતાં હતાં.

મુંદ્રા બંદર પર કાર્સ

મુંદ્રા બંદર પર કાર્સ

ગૌતમ અદાણીના બિઝનેસના વિસ્તરણમાં મુંદ્રા બંદર સીમાચિહ્નરૂપ પથ્થર સાબિત થયું. ગૌતમ અદાણીના બાળપણના મિત્ર ગિરીશભાઈના શબ્દોમાં કહીએ તો, “એમણે મુંદ્રામાં વગડાઉ જમીન ખરીદી હતી. આજે તે સ્વર્ગમાં ફેરવાઈ ગઈ છે.” બંદર બન્યા બાદ ત્યાં 2014માં વિશેષ આર્થિક ક્ષેત્ર (SEZ) સ્થાપિત કરવામાં આવ્યું. આજે ત્યાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ખૂબ વધી ગઈ છે, અને અદાણી પાવર, ટાટા પાવર અને અદાણી વિલ્મર જેની ઘણી કંપનીઓ ત્યાં સક્રિય છે.

જ્યારે અમે વિશેષ આર્થિક ક્ષેત્ર (SEZ)ની આસપાસનાં ગામોનો પ્રવાસ કર્યો તો એ વાત બિલકુલ સ્પષ્ટ જોઈ કે જાણે ત્યાં અદાણીનું શાસન છે. ત્યાં એમનું જ ફરમાન ચાલે છે. જ્યારે અમે કેટલાક ગામલોકો સાથે વાત કરવાની કોશિશ કરી તો એમણે અમારી સાથે વાત કરવાની ના પાડી દીધી. તેઓ નહોતા ઇચ્છતા કે અદાણીના માણસો એમને અમારી સાથે વાત કરતા જુએ. અહીં એક વાતનો ઉલ્લેખ કરવો ઉપયોગી સાબિત થશે કે મુંદ્રા પહોંચતાં પહેલાં અમે એક ચર્ચિત સ્થાનિક કાર્યકર્તાનો સંપર્ક કર્યો હતો. એ વ્યક્તિએ પહેલાં અહીં બંદર અને વિશેષ આર્થિક ક્ષેત્ર માટે જમીનસંપાદનની સામે વિરોધપ્રદર્શન કર્યાં હતાં. અમે એ વ્યક્તિને વિનંતી કરી હતી કે બની શકે તો તેઓ અમને કેટલાક એવા ગ્રામજનોને મળાવે જેમને જમીનસંપાદન અંગે કશી ફરિયાદ હોય. એના બદલે એમણે અમારી વાતચીત રેકૉર્ડ કરીને અદાણી કૉર્પોરેટ કમ્યુનિકેશન વિભાગને આપી દીધી. એ વિભાગની પાસે એવા લોકોનું એમનું પોતાનું લિસ્ટ હતું. તેઓ ઇચ્છતા હતા કે અમે એ જ લોકો સાથે વાત કરીએ. અમે અન્ય એક ઍક્ટિવિસ્ટની મુલાકાત લીધી. તેઓ અમારા સવાલોના જવાબ આપવા તૈયાર ન થયા. જોકે એમણે અમને કેટલાક દસ્તાવેજો જરૂર આપ્યા. ચોક્કસપણે ત્યાં એવો માહોલ હતો જાણે અદાણીના મામલામાં કોઈ મોં ખોલવા નથી માગતા.

જોકે અન્ય એક સ્થાનિક ખેડૂત નારાયણ ગઢવીએ અમારી સાથે વાતચીત કરવાનું સાહસ કર્યું અને મજબૂતીથી પોતાનો પક્ષ પણ રજૂ કર્યો. નારાયણ ગઢવી ઘણાં વર્ષોથી ખેડૂતોના હક્કની લડાઈ લડે છે અને એમણે હજુ પણ આશા નથી છોડી. તેમણે જણાવ્યું કે વિશેષ આર્થિક ક્ષેત્રમાં 19 ગામ જોડવામાં આવ્યાં હતાં. જેનો ઉપયોગ આસપાસના ખેડૂત પોતાનાં પશુઓ ચરાવવા માટે કરતા હતા. નારાયણ ગઢવીએ કહ્યું કે, 1960 અને 1970ના દાયકામાં સ્થાનિક અને રાજ્ય સરકારે આ જમીનો ખેડૂતોને આપી હતી. તેમણે આરોપ કર્યો કે વિશેષ આર્થિક ક્ષેત્ર માટે એમની બધી જ જમીનો પડાવી લેવાઈ અને એનું વળતર પણ નથી ચૂકવાયું. જોકે, વાતમાં થોડી નરમી લાવતાં નારાયણ ગઢવીએ આગળ કહ્યું કે, “અદાણીએ વિશેષ આર્થિક ક્ષેત્રને વિકસિત કર્યું છે. અહીં બહુ બધી કંપનીઓ આવી છે. અહીં ટાટાની પણ એક વીજળી પરિયોજના છે, જે એક અલ્ટ્રા મેગાપાવર પ્લાન્ટ છે. અમે આ કંપનીઓના વિરોધી નથી. અમારી એક જ માગ છે કે સરકાર કે અદાણી કાં તો અમારાં ઢોરો માટે ચારો આપે, કાં અમારી જમીનો પાછી આપી દે. અથવા તો અમને ઢોર ચરાવવા માટે સરકાર અલગ જમીન આપે.”

પરંતુ એમાં કશી શંકા નથી કે બંદર અને વિશેષ આર્થિક ક્ષેત્ર (SEZ) બંને, ભારતની અર્થવ્યવસ્થાનાં પાવરહાઉસ છે.

‘મૂડીવાદી ભ્રષ્ટાચાર’ અને એના વેપારી સામંત

રાહુલ ગાંધી અને બીજા ઘણા વિપક્ષી નેતા નરેન્દ્ર મોદી પર મૂડીવાદના જબ્બર સમર્થક હોવાનો આરોપ કરે છે અને અદાણી–અંબાણીને એમના વેપારી સામંત તરીકે જોવામાં આવે છે. પરંતુ, આર.એન. ભાસ્કરે કહ્યું–

“વિકાસશીલ દેશ જાતે એક જ વ્યક્તિની છત્રછાયા તરફ વલણ દર્શાવે છે, રાજનેતા અને ઉદ્યોગપતિ એકબીજાના તાલમેલથી કામ કરે છે. આ જ રીતે, અદાણી પણ પ્રગતિના પંથે પડ્યા. પહેલાંના સમયમાં બિરલાએ આ પ્રકારની પ્રગતિ કરી હતી.”

ભાસ્કર આને વૈશ્વિક ચલણ તરીકે જુએ છે અને કહ્યું કે, “જો તમે સરકાર છો, તો તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે કોઈ એક વ્યક્તિ એટલો મોટો ના બની જાય કે પછી તમે એને નિષ્ફળ થવા ન દઈ શકો. પરંતુ દુનિયાભરમાં વિકાશીલ દેશોમાં લોકો એમ જ ખૂબ મોટા ઉદ્યોગપતિ બની ગયા છે. તમે અમેરિકામાં રૉકફેલરનું ઉદાહરણ જુઓ. એક જમાનામાં અમેરિકાનો સમગ્ર તેલ ઉદ્યોગ એમનો જ હતો. મૉનોપૉલિઝ કમિશનને એમનો એકાધિકાર ખતમ કરવામાં 20 વર્ષ થયાં હતાં અને કંપનીને 34 ભાગમાં વહેંચી દેવાઈ હતી. તો પણ એ બધી જ 34 કંપનીઓ ધનવાન હતી. તમે રેલવે લાઇન પાથરતા ઉદ્યોગપતિઓને જોઈ લો. રેલવે સાથે સંકળાયેલી બધી છૂટ એક જ માણસને મળતી હતી. કેમ? તમે રૉથ્સચાઇલ્ડને જ લો, જેનો વિદેશી મુદ્રાની લેણ-દેણના વેપારમાં એકાધિકાર હતો.”

ભારતમાં ગૌતમ અદાણીના મિત્રએ એમના બચાવમાં કહ્યું કે નેહરુ ટાટા, બિરલા અને બજાજ જેવા ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓને પ્રાધાન્ય આપતા હતા. તેમણે પૂછ્યું કે શું તે ‘ક્રોની કૅપિટલિઝમ નહોતું?’

એમાં બેમત નથી કે આ સમયે ગૌતમ અદાણીના બિઝનેસનો વિજયરથ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. ભારતમાં બૅઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનો એક મોટો ભાગ એમના હાથમાં છે. ગૅસ અને વીજળીના વિતરણનો મોટા ભાગનો બિઝનેસ એમની કંપનીઓ કરે છે. પરંતુ, ઘણા બધા લોકોને લાગે છે કે આ તો બસ શરૂઆત છે. ભારતમાં બૅઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં અપાર શક્યતાઓ છે. વિશ્વ બૅન્કના તાજેતરના રિપોર્ટ અનુસાર, પોતાની ઝડપથી વધી રહેલી વસ્તીની જરૂરિયાતો પૂરી કરવા માટે ભારતે 2036 સુધી દર વર્ષે 55 અબજ ડૉલર જેટલી રકમ શહેરી બૅઝિક ઇન્ફ્રાસ્ટક્ચરના વિકાસમાં રોકવી પડશે.

ભારતમાં વિશ્વ બૅન્કના નિર્દેશક ઑગસ્ટ તાનો કાઉઆમેનું કહેવું છે કે ભારતમાં ખાનગી ક્ષેત્રની મૂડીની સખત જરૂર છે. તેમણે કહ્યું કે, “હરિત, સ્માર્ટ, સમાવેશી અને ટકાઉ શહેરીકરણ માટે ભારતનાં શહેરોને મોટી માત્રામાં મૂડીની જરૂર છે. શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB) અને ખાસ કરીને મોટી અને ધિરાણ કરી શકે તેવી સંસ્થા ખાનગી સ્રોતો પાસેથી વધારેમાં વધારે ધિરાણ લઈ શકે, એના માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવું આવશ્યક છે, ત્યારે જ શહેર પોતાની ઝડપથી વધી રહેલી વસ્તીની રહેણીકરણીમાં ટકાઉ રીતે સુધારો કરી શકશે.” 

અત્યાર સુધી બૅઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની મોટા ભાગની પરિયોજનાઓમાં કાં તો કેન્દ્ર સરકાર નાણાં રોકે છે અથવા તો રાજ્યોની સરકારો. આ ક્ષેત્રમાં ખાનગી રોકાણ પાંચ ટકાથી વધી નથી શક્યું. તો સ્પષ્ટ છે કે ખાનગી રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો પાસે બૅઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની મોટી પરિયોજનાઓ હાથ ધરવાની ઘણી શક્યતાઓ છે.

આ સિવાય પણ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી વાર સાર્વજનિક રીતે દેશની સંપત્તિ વધારનારાઓને વધારે સન્માન આપવાની માગ કરી છે અને એ વાત પર ભાર મૂક્યો છે કે રાષ્ટ્ર પ્રતિ એમની વિશાળ સેવાઓને માન્યતા આપવી જોઈએ. નરેન્દ્ર મોદી ભવિષ્યમાં પણ સંપત્તિ નિર્માણ કરનારાઓને પ્રોત્સાહન આપતાં જ રહેશે અને સ્પષ્ટ છે કે એનો સૌથી વધારે લાભ અદાણી, અંબાણી અને બીજા કેટલાક ઉદ્યોગપતિઓને મળતો રહેશે.  

ગૌતમ અદાણીના મિત્ર ગિરીશભાઈએ કહ્યું કે આમ આદમીની દૃષ્ટિએ ગણ્યાગાંઠ્યા લોકો અમીર થતા જાય છે. પરંતુ એમની દૃષ્ટિએ એના માટે નક્કર કારણ છે. તેમનું કહેવું છે, “હા, અમીર અને ગરીબ વચ્ચે મોટી ખીણ છે. પરંતુ મોદીની વાત સાચી છે. તેઓ એ લોકો વિશે વિચારી રહ્યા છે જેઓ રોજગારી ઊભી કરશે. જે બૅઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરશે અને મોદીએ એમના પર વિશ્વાસ રાખવો જોઈએ.” 

 

ગૌતમ અદાણીની સાથે ગિરીશભાઈ દાણી

ગૌતમ અદાણીની સાથે ગિરીશભાઈ દાણી

ગૌતમ અદાણીની સાથે ગિરીશભાઈ દાણી

ગૌતમ અદાણીની સાથે ગિરીશભાઈ દાણી

ગૌતમ અદાણીની સાથે ગિરીશભાઈ દાણી

ગૌતમ અદાણીની સાથે ગિરીશભાઈ દાણી

Item 1 of 3

ગૌતમ અદાણીની સાથે ગિરીશભાઈ દાણી

ગૌતમ અદાણીની સાથે ગિરીશભાઈ દાણી

ગૌતમ અદાણીની સાથે ગિરીશભાઈ દાણી

ગૌતમ અદાણીની સાથે ગિરીશભાઈ દાણી

ગૌતમ અદાણીની સાથે ગિરીશભાઈ દાણી

ગૌતમ અદાણીની સાથે ગિરીશભાઈ દાણી

આર.એન. ભાસ્કર માને છે કે વડા પ્રધાને માત્ર ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓ પ્રતિના સન્માનનો સ્વીકાર ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે–

“હું મોદી સાથે બે બાબતોમાં અસંમત છું. 2014થી લઈને અત્યાર સુધી લગભગ 35 હજાર અમીર ભારતીય (HNI) ભારત છોડી ચૂક્યા છે. તેથી સ્પષ્ટ છે કે સરકાર કંઈક ને કંઈક એવું ચોક્કસ કરી રહી છે કે સંપત્તિના નિર્માતા દેશ છોડીને જઈ રહ્યા છે. ભારતમાં સફળ થવા માટે તમારે મક્કમ બનવું પડશે. અને જો તમે ગયા વર્ષના લોકસભાના આંકડા જુઓ તો 1.6 લાખ લોકોએ એક વર્ષમાં ભારતની નાગરિકતા ત્યજી દીધી હતી. લોકો પોતાનું વતન છોડીને શા માટે જઈ રહ્યા છે, જો રોજગારીની સારી સંભાવનાઓ હશે? બિઝનેસ માટે સારું વાતાવરણ હશે તો તેઓ દેશ છોડીને નહીં જાય. ભારતે એવી તકો ઊભી કરવાની જરૂર છે. તમે યોગ્યતાને એમ જ જવા ન દઈ શકો.”

અદાણીનું સામ્રાજ્ય : દેવાનો પહાડ?

દેવા પર રિસર્ચ કરનારી કંપની ક્રેડિટસાઇટ્સના ઑગસ્ટના રિપોર્ટમાં અદાણીના બિઝનેસ સામ્રાજ્યને ખૂબ જ દેવામાં ડૂબેલું કહેવામાં આવ્યું હતું. રિપોર્ટમાં અદાણીના બિઝનેસ સાથે સંકળાયેલાં અન્ય જોખમો પરથી પણ પરદો ઊંચકવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પ્રગટ થયા બાદ અદાણી કંપનીના શૅર ઘણા પટકાયા હતા. અદાણી ગ્રૂપની આ ડરામણી સમીક્ષા એ સમયે પ્રગટ થઈ હતી જ્યારે એમની કંપનીઓ ટેલિકૉમ, સિમેન્ટ અને બૅઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની લાંબા સમયગાળાની પરિયોજનાઓમાં રોકાણ કરી રહી હતી. ક્રેડિટસાઇટ્સના રિપોર્ટ અનુસાર, અદાણીની કંપનીઓ પર દેવાનો ભારે બોઝ એના ગ્રૂપ માટે ખૂબ મોટું જોખમ છે. પરંતુ અદાણી ગ્રૂપે આ રિપોર્ટને નકારતાં કહેલું, “અદાણી ગ્રૂપ પોતાનું દેવું સતત ઘટાડતું જાય છે. વ્યાજ, ટૅક્સ અને નુકસાન પહેલાંની આવક (Ebitda) અને કુલ દેવા વચ્ચેનો ગુણોત્તર, છેલ્લાં 9 વર્ષોમાં 7.6 ગણાથી ઘટીને 3.2 ગણો જ થઈ ગયો છે.”

માર્ચ 2022માં અદાણી ગ્રૂપ પર કુલ 1.88 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. 2015–16માં અદાણી ગ્રૂપના કુલ દેવામાં સરકારી બૅન્કોનો હિસ્સો 55 ટકા હતો, તેની સરખામણીએ 2021–22માં કુલ ઋણમાં સરકારી બૅન્કોનું દેવું ઘટીને 21 ટકા જ થઈ ગયું હતું.

ગુજરાતમાં અદાણીના વિરોધીઓ સમેત ઘણા લોકો એમની કંપનીઓ પર લદાયેલા ‘દેવાના વધારે બોજા’થી વધારે ચિંતિત ન લાગ્યા. વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કહ્યું કે ગુજરાતમાં કોઈ પણ ધંધો ચલાવવા કે નવો વેપાર શરૂ કરવા માટે પોતાના પૈસા નથી રોકાતા. ગિરીશભાઈએ કહ્યું કે આપણે અદાણીના દેવા બાબતે ચિંતા ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે, “અદાણી ક્યારેય પોતાનું દેવું ચૂકવવામાં નિષ્ફળ નથી ગયા. એમના શૅર્સને જુઓ. લોકો એમના શૅર એટલા માટે ખરીદે છે કેમ કે તેઓ એમના પર વિશ્વાસ ધરાવે છે.”

ક્રેડિટસાઇટ્સ રિપોર્ટમાં અદાણી ગ્રૂપની એક મોટી ખામી તરફ ધ્યાન દોરાયું હતું અને તે ચિંતાનો વિષય બનવી જોઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અદાણી ગ્રૂપમાં ‘એક જ વ્યક્તિ પર નિર્ભરતા ઘણી વધારે’ છે. એનાથી ખબર પડે છે કે ગૌતમ અદાણીની ગેરહાજરીમાં સિનિયર મૅનેજમૅન્ટની ક્ષમતા કદાચ ગ્રૂપને ચલાવવા માટે અપૂરતી સાબિત થાય. એટલે સુધી કે ગૌતમ અદાણીના નજીકના મિત્ર પણ એમ જ માને છે કે અદાણી ગ્રૂપ એક વ્યક્તિના ભરોસે ચાલે છે. ગિરીશભાઈએ કહ્યું કે, “આ વન મૅન શો છે. ગૌતમ અદાણી જ બૉસ છે. એમને જાણ ન હોય તો પાંદડુંયે ના હલે. પરંતુ તમામ જવાબદારીઓ છતાં જો તમે એમની પાસે બેસો તો તેઓ બિલકુલ શાંત દેખાશે.”

કોલસા વિરુદ્ધ સ્વચ્છ ઈંધણનો વિરોધાભાસ

ગૌતમ અદાણીએ ધરતીનું તાપમાન ઘટાડવા માટે ગ્રીન હાઇડ્રોજન, પવનચક્કી અને સૌર ઊર્જાની પૅનલ્સમાં 70 અબજ ડૉલરનું રોકાણ કરવાનો વાયદો કર્યો છે. વિશ્લેષકો માને છે કે એમનું આ પગલું સરાહનીય છે. પરંતુ તેમને એ વિડંબના લાગે છે કે જે માણસ ભારતમાં કોલસાનો સૌથી મોટો આયાતકાર છે, એ જ પર્યાવરણને શુદ્ધ કરવામાં સૌથી મોટા રોકાણનો વાયદો કરી રહ્યો છે. પર્યાવરણ કાર્યકર્તાઓએ સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં અદાણીના 70 અબજ ડૉલરના રોકાણને આવકાર્યું છે. પરંતુ તેઓ એમ પણ ઇચ્છે છે કે અદાણી એ સમયમર્યાદા પણ જણાવે જેમાં તેઓ ધીમે ધીમે કોલસા અને ખનનના બિઝનેસને સંકેલી લેશે. એવું એમણે અત્યાર સુધી નથી કર્યું.

લચ્છુભાઈ અને ગિરીશભાઈ, જેઓ ગૌતમ અદાણીને સારી રીતે ઓળખે છે, એમને એવી ખાતરી છે કે ભારે રોકાણના વાયદા પછી અદાણીનું બિઝનેસ સામ્રાજ્ય નવી ઊંચાઈઓ આંબશે. તેઓ ક્યાં જઈને અટકશે? એ સવાલના જવાબમાં બંને એવું માને છે કે ગૌતમ અદાણીએ પોતાનો બિઝનેસ આગામી પેઢીને સોંપવાની તૈયારી કરી લીધી છે. એમના મોટા પુત્ર કરણ અત્યારે સિમેન્ટનો બિઝનેસ સંભાળે છે, તો નાના પુત્ર જીત ગ્રૂપને ચલાવવામાં ખૂબ ગંભીરતાથી જોડાયેલા છે. એ ઉપરાંત પણ બીજી પેઢીના બીજા ઘણા સંબંધીઓ છે જેઓ અદાણી ગ્રૂપનો અતૂટ હિસ્સો છે.

ગિરીશભાઈ અને લચ્છુભાઈ, બંનેએ ભારપૂર્વક કહ્યું કે ગૌતમ અદાણીની શાનદાર સફળતાનું કારણ ન તો મોદી છે કે ન તો બીજા કોઈ રાજનેતા. એમનું કહેવું છે કે અદાણીની પ્રગતિનું મુખ્ય કારણ એ છે કે આ બધું એમના ભાગ્યમાં લખેલું હતું. જોકે આર.એન. ભાસ્કર ગૌતમ અદાણીની સફળતાને થોડાક જુદા દૃષ્ટિકોણથી જુએ છે. તેમણે કહ્યું કે–

“ભાગ્ય પણ એનો જ સાથ આપે છે જે માનસિક રીતે સફળતા માટે સૌથી વધારે તૈયાર હોય.”

અને એમના અનુસાર ગૌતમ અદાણી સફળતા માટે માનસિક રીતે સૌથી વધારે તૈયાર હતા.

બીબીસી સંવાદદાતાઃ ઝુબૈર અહમદ અને અર્જુન પરમાર
શૉર્ટહૅન્ડ પ્રોડક્શનઃ શાદાબ નઝ્મી
ઇલસ્ટ્રેશનઃ પુનિત બરનાલા
ફોટોઃ ગેટી
આને પ્રકાશિત કરવામાં આવ્યોઃ 19 ડિસેમ્બર, 2022