'નરેશ કનોડિયાએ મમ્મીનો ચહેરો જોયો નહોતો, ફિલ્મમાં પોતાની માતાને શોધતા'

નરેશ કનોડિયા, મહેશ નરેશ, હિતુ કનોડિયા, ગુજરાતી સિનેમા, ચલચિત્ર, ગુજરાત, મેરૂ માલણ, તમે રે ચંપો ને અમે કેળ, ઢોલા મારૂ, હિરણને કાંઠે, ફિરઝ ઈરાની, હિતેનકુમાર, વિક્રમ ઠાકોર, સ્નેહલતા

ઇમેજ સ્રોત, PUNEET BARNALA/BBC

ઇમેજ કૅપ્શન, નરેશ કનોડિયા
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

એંશી અને નેવુંના દાયકામાં નરેશ કનોડિયાની ફિલ્મો ટિકિટબારી પર ટંકશાળ પાડતી હતી. મહેશ-નરેશના સંગીતમાં જ્યારે 'જોડે રહેજો રાજ...', 'સાજણ તારાં સંભારણાં...' વગેરે ગીતો વાગે ત્યારે લોકો સિનેમાની સ્ક્રિન પર સિક્કા ફેંકતા હતા. સીટીઓ વાગતી હતી.

મહેશ-નરેશ એટલે કે મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા આ બંને ભાઈઓ વ્યાવહારિક જીવનમાં મઘઈ પાનની જોડી જેવા હતા અને ફિલ્મમાં સંગીત આપે ત્યારે તબલાની બે જોડ જેવા હતા.

ઉત્તર ગુજરાતનો હવાલો આપીને નરેશ કનોડિયાના પુત્ર અને અભિનેતા હિતુ કનોડિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે, "તાના–રીરીની બે બહેનોની જોડીની જેમ આ બે ભાઈઓએ પણ સંગીત અને કલાને જીવન સમર્પિત કર્યું હતું."

"મહેશ–નરેશ એ રામ-લક્ષ્મણ જેવા હતા અને હું મારી જાતને તેમનો હનુમાન ગણું છું. હું તેમની વાતો કરતાં ક્યારેય થાકતો જ નથી. બે ભાઈઓ વચ્ચે કેવો પ્રેમ હોય એ મહેશ-નરેશના જીવનમાં જોવા મળે છે. રામાયણમાં તો લક્ષ્મણ રામના પગ દાબતા હતા, પણ અમારે ત્યાં તો મોટા ભાઈ મહેશ ક્યારેક નાના ભાઈ નરેશના પગ દાબતા હતા."

"શૂટિંગમાથી કે કામથી નરેશ થાકીને ઘરે આવે ત્યારે મહેશબાપા (મહેશ કનોડિયા) કહેતા કે નરેશ તું આડો પડ, હું તારા પગ દબાવી આપું છું. આજના જમાનામાં આવું જવલ્લે જ જોવા મળે."

'મહેશ કનોડિયા એ નરેશના મોટા ભાઈ જ ન હતા, પણ તેમનાં માતાપિતા પણ હતા'

નરેશ કનોડિયા, મહેશ નરેશ, હિતુ કનોડિયા, ગુજરાતી સિનેમા, ચલચિત્ર, ગુજરાત, મેરૂ માલણ, તમે રે ચંપો ને અમે કેળ, ઢોલા મારૂ, હિરણને કાંઠે, ફિરઝ ઈરાની, હિતેનકુમાર, વિક્રમ ઠાકોર, સ્નેહલતા

ઇમેજ સ્રોત, Hitu Kanodia/FB

ઇમેજ કૅપ્શન, મહેશ - નરેશ

નરેશ કનોડિયા છ મહિનાના હતા ત્યારે તેમણે માતાને ગુમાવ્યા હતા. એ વખતે મહેશભાઈ છ વર્ષના હતા. માતા દલીબહેનનો દેહવિલય થયો ત્યારે નરેશ કનોડિયા દલીમાને ધાવતા હતા. તેમણે માનો ચહેરો જોયો નહોતો. કોઈ તસવીર પણ તેમની પાસે નહોતી. તેમની કલ્પનામાં માનું ચિત્ર કેવું હતું? તેઓ માને કઈ રીતે સાંભરતા હતા?

હિતુભાઈએ કહ્યું હતું કે, "ફિલ્મોમાં જે તેમની માતા બને તેમાં તેઓ દલીમાને નિહાળતા. ફિલ્મમાં તેમની માતાનો રોલ કરતી અભિનેત્રીને કહેતા કે તું મારી મા છે. તેઓ સાચી માનું વાત્સલ્ય ફિલ્મી માતામાં અનુભવવાનો પ્રયાસ કરતા હતા. જેમણે જીવનમાં મા જ જોઈ નથી એનાથી મોટું દર્દ કયું હોઈ શકે? મને એમ લાગે છે કે આ બધા દર્દમાંથી પસાર થવાનું મહેશ-નરેશના લલાટે લખાયેલું હતું જ, કારણ કે એટલા જ મહાન તેઓ બનવાના હતા."

મહેશ કનોડિયા એ નરેશભાઈના મોટા ભાઈ જ ન હતા, પણ તેમનાં માતાપિતા પણ હતા એવું હિતુભાઈ માને છે.

તેઓ કહે છે કે, "એ વખતે છ વર્ષના મહેશે છ મહિનાના નરેશનો હાથ ઝાલ્યો તે છેક મરણ સુધી બંને સાથે જ રહ્યા હતા. 25 ઑક્ટોબર 2020ના રોજ મહેશ કનોડિયાએ અને તેના ત્રીજા જ દિવસે 27 ઑક્ટોબરે નરેશ કનોડિયાએ દુનિયાને અલવિદા કહી દીધી હતી."

ફાઇવસ્ટાર હોટલમાં રોકાય તો પણ મહેશ કનોડિયા રૂમમાં જમીન પર બેસીને જ ભોજન લેતા

નરેશ કનોડિયા, મહેશ નરેશ, હિતુ કનોડિયા, ગુજરાતી સિનેમા, ચલચિત્ર, ગુજરાત, મેરૂ માલણ, તમે રે ચંપો ને અમે કેળ, ઢોલા મારૂ, હિરણને કાંઠે, ફિરઝ ઈરાની, હિતેનકુમાર, વિક્રમ ઠાકોર, સ્નેહલતા

ઇમેજ સ્રોત, Hitu Kanodia/FB

ઇમેજ કૅપ્શન, મહેશ, નરેશ, હિતુ, મોના થીબા સહિત કનોડિયા પરિવાર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મહેશ અને નરેશ કનોડિયાનું બાળપણ ખૂબ ગરીબીમાં વીત્યું હતું. કનોડા ગામથી અમદાવાદ આવીને વસેલા ગરીબ પરિવારે બાળપણમાં પૈસા ખાતર રસ્તે ઊભા રહીને ગીતો ગાયાં હતાં, મિલમજૂરોને ટિફિન પહોંચાડ્યાં હતાં, ગલીએ ગલીએ જઈને કાગળ-કચરો વીણ્યા હતા, બૂટપૉલિશ જેવાં કામો કર્યાં હતાં.

હિતુ કનોડિયા કહે છે કે, "હું જમીન સાથે જોડાયેલો રહું તેની શીખ મને ગળથૂથીમાં મળી છે એમ કહું તો ખોટું નહીં કહેવાય. ફિલ્મોમાં આવ્યા પછી પણ પપ્પા નરેશભાઈ સેટ પર જાય ત્યારે સૌપ્રથમ સ્પોટબૉય – લાઇટ ઉપાડવાનું કામ કરતાં લાઇટમૅનને ગૂડમોર્નિંગ કહે."

"એ પછી જે લોકો સેટ પર ચા-પાણી આપતા હોય કે સફાઈ કામદાર હોય તેમને મળે. આ મામલે નરેશ કનોડિયા કોઈની પણ પરવાહ કરતા નહોતા. તેઓ માનતા કે સેટ પરનો સફાઈ કામદાર અને સ્પોટબૉય એ મારા જેવા લોકો છે. મહેશ-નરેશે પણ કચરો વીણ્યો છે. લોકો દાતણની ચીરી કરીને જે ફેંકતા તે વીણી વીણીને કનોડિયાના ઘરનો ચૂલો સળગતો હતો. તેથી મહેશ-નરેશ બંને હમેશા જમીન સાથે જોડાયેલા રહ્યા હતા."

તેઓ કહે છે કે મહેશકુમાર ઍન્ડ પાર્ટીના દેશવિદેશમાં શો થાય અને ફાઇવસ્ટાર હોટલમાં રોકાય ત્યારે પણ હોટલના ભોજન એરિયામાં મહેશબાપા જમવા ન જાય. તેઓ રૂમમાં જ ભોજન મગાવે અને નીચે બેસીને જમે ત્યારે જ તેમને સંતોષ વળે. અમને પણ અમારા એ વડીલોએ સમજણ રોપી છે કે બેટા, જમીન સાથે જોડાઈને જ રહેવું.

મહેશ – નરેશના સંગીતમાં નરેશ કનોડિયાનો શું રોલ હતો?

નરેશ કનોડિયા, મહેશ નરેશ, હિતુ કનોડિયા, ગુજરાતી સિનેમા, ચલચિત્ર, ગુજરાત, મેરૂ માલણ, તમે રે ચંપો ને અમે કેળ, ઢોલા મારૂ, હિરણને કાંઠે, ફિરઝ ઈરાની, હિતેનકુમાર, વિક્રમ ઠાકોર, સ્નેહલતા

ઇમેજ સ્રોત, SAUNA HRIDAYMA HARHAMESH MAHESH-NARESH BOOK

ઇમેજ કૅપ્શન, મહેશકુમાર ઍન્ડ પાર્ટીના એક શોમાં પર્ફૉર્મ કરતા મહેશ અને નરેશ કનોડિયા

નરેશ કનોડિયાની ઘણી ફિલ્મોમાં સંગીત પણ મહેશ અને નરેશ કનોડિયાનું હતું. નરેશ કનોડિયાને લોકો અભિનેતા તરીકે જ વધારે ઓળખે છે. ફિલ્મનું સંગીત તૈયાર થતું ત્યારે નરેશ કનોડિયાનું એમાં શું ભૂમિકા રહેતી હતી?

આ વિશે જણાવતાં હિતુભાઈએ કહ્યું હતું કે, "ફિલ્મના ગીતની જે ધુન–ટ્યુન તૈયાર થતી તે મહેશબાપા તૈયાર કરતા હતા અને એમાં જે ઢોલક, તબલાં, શરણાઈ વગેરે વાદ્યોની રીધમ જે ઉમેરાતી તે પપ્પાની જવાબદારી રહેતી હતી. ટૂંકમાં, ગીતમાં જે નાચવાનું તાલ તત્ત્વ ઉમેરાતું તે નરેશ કનોડિયાનું હતું, કારણ કે ફિલ્મી પડદે તેમણે જ નાચવાનું હોય."

મહેશકુમાર ઍન્ડ પાર્ટી કે જેણે દેશવિદેશમાં સંખ્યાબંધ શો કર્યા હતા. તેની શરૂઆત અમદાવાદની પોળ અને શેરીઓમાં નાનકડા મહેશ કનોડિયાએ બંને ભાઈઓ નરેશ અને દિનેશ તેમજ તેમજ કાકાના દીકરા સુરેશ સાથે મળીને કરી હતી. બાળકોના બર્થડે અને લગ્નપ્રસંગે ગાવાથી કરી હતી. 'મહેશકુમાર ઍન્ડ પાર્ટી' 1947માં શરૂ થઈ હતી.

હિતુ કનોડિયાએ કહ્યું હતું કે, "ત્રીસ–ચાલીસ રૂપિયે તેઓ કાર્યક્રમ આપીને લોકોનું મનોરંજન કરતા હતા. મેં પણ મહેશકુમાર ઍન્ડ પાર્ટીના શોમાં લાઇટમૅનથી માંડીને કોરસમાં સમૂહગાયક તરીકે ગાવાથી માંડીને મૅનેજર સુધીનાં વિવિધ કામ એમાં કર્યાં છે. પપ્પાએ મને કહ્યું હતું કે તું મારો દીકરો ખરો, પણ તારે કંઈક બનવું હશે તો નીચેના લેવલથી જ કામ કરવું પડશે. એ રીતે હું ઘડાયો, જેનો મને ગર્વ અને આનંદ છે."

હિતુ કનોડિયા કહે છે કે, 'વણઝારી વાવ', 'તમે રે ચંપોને અમે કેળ', 'મેરુ મૂળાંદે' આ બધી એવી ફિલ્મો છે જે તક મળે તો મને એની રીમેક બનાવવી ગમે.

શું તમે એમાં નરેશ કનોડિયાની ભૂમિકા ભજવવાનું પસંદ કરશો? એના જવાબમાં હિતુ કનોડિયા કહે છે કે, "મારી ઔકાત નરેશ કનોડિયા બનવાની નથી, આટલું બોલીને ખડખડાટ હસતાં હસતાં હિતુ કનોડિયા કહે છે કે, પણ આઈ વીલ ટ્રાય."

સિત્તેર એંશીનો દાયકો અને ગામડાંના દર્શકોમાં નરેશ કનોડિયાનો ક્રેઝ

નરેશ કનોડિયા, મહેશ નરેશ, હિતુ કનોડિયા, ગુજરાતી સિનેમા, ચલચિત્ર, ગુજરાત, મેરૂ માલણ, તમે રે ચંપો ને અમે કેળ, ઢોલા મારૂ, હિરણને કાંઠે, ફિરઝ ઈરાની, હિતેનકુમાર, વિક્રમ ઠાકોર, સ્નેહલતા

ઇમેજ સ્રોત, Hitu Kanodia/FB

ઇમેજ કૅપ્શન, હિતુ - નરેશ કનોડિયા

સિત્તેર–એંશીનો દાયકો ગુજરાતી ફિલ્મોનો ધમધમતો સમય હતો. નરેશ કનોડિયા-ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મો થિયેટરોમાં રજૂ થતી હતી. ગામડાંના દર્શકો ટિકિટબારી પર વીંટળાઈ વળતા હતા. ગામડાંના લોકો જે કેડિયું, ચોયણી વગેરે પહેરતા એવો જ પોશાક ફિલ્મોમાં નરેશ કનોડિયા વગેરેનો રહેતો હતો. એ છેવાડાના દર્શકને રુદિયાને ખૂણે લાગતું કે આ હીરો તેમના જેવો જ છે.

છેલ્લા દોઢ બે દાયકામાં એ ગામડાંનો દર્શક સિનેમાઘરની ટિકિટબારી પર દેખાતો બંધ થઈ ગયો છે. એકસમયે એવી પણ ટીકા થતી કે ગુજરાતી ફિલ્મો એટલે ગામ, ગોકીરો અને ગરબા.

આનો જવાબ આપતાં હિતુ કનોડિયાએ કહ્યું હતું કે, "કેડિયાં-ચોરણાં બંધ કરો એવી જે ઝુંબેશ હતી તે અમુક મુટ્ઠીભર લોકોએ ઊભી કરી હતી. આપણે ત્યાં નવરાત્રીમાં આજની તારીખમાં લોકો કેડિયાં અને ચોરણી જેવા પરંપરગત પોશાક જ પહેરે છે. તેના વગર કેટલાંક નોરતાંમાં તો રમવાનો પ્રવેશ મળતો નથી."

"હાલમાં જ સમગ્ર દેશમાં સુપરહીટ થયેલી કાંતારા, બાહુબલી, પુષ્પા જેવી દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ હીરોએ લુંગી અને ધોતી જ પહેરી હતી. રજનીકાંત લુંગી જ પહેરીને આવે છે ત્યારે ત્યાં તો સીટીઓ વાગે છે."

"કેટલાક પ્રોડ્યુસર, રાઇટર અને ડિરેક્ટરના મનમાં ગુજરાતી ફિલ્મો વિશે ખોટી માન્યતા છે. તો એનું તો શું થઈ શકે?"

"જો પોતાના પોષાક, ભાષા કે પોતાના સંગીતથી કલાકાર મોઢું ફેરવશે તો ફેંકાઈ જશે. ફિલ્મજગતે પોતાના પ્રાન્તના માણસને સાચવી રાખવા પડશે, કલાકાર તરીકે તો જ તમે વર્ષોનાં વર્ષો સુધી લોકોના હૈયે વસેલા રહેશો. એવું મારું માનવું છે."

વધુ એક વાત જણાવતાં હિતુભાઈ કહે છે કે, "અમે અમેરિકા-લંડન જઈએ તો ત્યાંના ગુજરાતી અમને મળે તો નરેશ કનોડિયાની ફિલ્મો યાદ કરે છે. યાદ રહે વિદેશના ગુજરતીઓને પણ ફિલ્મો તો એ જ પસંદ છે."

બધા એમ જ સમજતા કે સ્નેહલતા એ મારી બીજી મમ્મી છે – હિતુ કનોડિયા

નરેશ કનોડિયા, મહેશ નરેશ, હિતુ કનોડિયા, ગુજરાતી સિનેમા, ચલચિત્ર, ગુજરાત, મેરૂ માલણ, તમે રે ચંપો ને અમે કેળ, ઢોલા મારૂ, હિરણને કાંઠે, ફિરઝ ઈરાની, હિતેનકુમાર, વિક્રમ ઠાકોર, સ્નેહલતા

ઇમેજ સ્રોત, Ultra Gujarati

ઇમેજ કૅપ્શન, સ્નેહલતા - નરેશ કનોડિયા

હિતુ કનોડિયા પણ લાંબા સમયથી અભિનેતા તરીકે કામ કરી રહ્યા છે. તેમણે વિવિધ કલાકારો સાથે કામ કર્યું છે.

ફિરોઝ ઈરાની વિશે તેમણે કહ્યું હતું કે, ગુજરાતી ફિલ્મોમાં ફિરોઝ ઈરાની જેવો કોઈ ખલનાયક જ નથી. તેઓ ગુજરાતી ફિલ્મોના પ્રાણ છે.

અભિનેતા હિતેનકુમાર અને તેમની કરિયર સમાંતર ચાલી છે. બંનેએ વશ, રાડો જેવી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે.

તેમના વિશે જણાવતાં હિતુ કનોડિયા હસતાં હસતાં કહે છે કે, "હિતેનકુમાર એટલે મારો કમ્પિટીટર. અમારી વચ્ચે પરસ્પર તંદુરસ્ત હરીફાઈ છે. અમે મળીએ ત્યારે એકબીજાને મળીએ ત્યારે મીઠો ઝઘડો કરીએ અને કહીએ કે પેલી ફિલ્મમાં તે જે રોલ કર્યો તે મારે કરવો હતો. મેં હિતેનકુમારને કહ્યું હતું કે વશ ફિલ્મનો તે જે રોલ કર્યો છે તે મારો કરવો હતો."

ગુજરાતી ફિલ્મોના અભિનેતા વિક્રમ ઠાકોર વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "વિક્રમ લોકોનો હીરો છે. આપણી જે લોકસંસ્કૃતિ છે તેની સુગંધ એટલે વિક્રમ ઠાકોર."

નરેશ કનોડિયા અને અભિનેત્રી સ્નેહલતાની જોડી ગુજરાતી ફિલ્મોની હિટ જોડી ગણાતી હતી. તેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

હિતુ કનોડિયા કહે છે કે, "આજ સુધી બધા એમ જ સમજતા હતા કે સ્નેહલતા એ મારી બીજી મમ્મી છે. ગુજરાતી સિનેમામાં પર્ફૉર્મન્સમાં સ્નેહલતા જેવી નમણી હીરોઇન બીજી કોઈ નથી. હીરોઇનોમાં તે ખરેખર સુપરસ્ટાર હતી."

અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી વિશે હિતુ કનોડિયાએ કહ્યું કે, "તેમના માટે અમથું જ અભિનયસમ્રાટ નથી કહેવાયું. તેઓ કોઈ રોલ ભજવતા હોય તો એ કીરદારની પાઘડીમાં કેટલી આંટી હશે અને એ કેવી બોલી બોલશે તેના વિશેની જાણકારી ધરાવે તેવા વિદ્વાન કલાકાર હતા."

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.