ઢોલા મારુ : 'નરેશ કનોડિયા તૂટેલા પુલ પર લટકી પડ્યા અને એ જ સીન ફિલ્મમાં લેવાયો'

ઇમેજ સ્રોત, MEHULKUMAR
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"અમે શૂટિંગ માટે બે પહાડ વચ્ચે પુલ બનાવ્યો હતો. નરેશ કનોડિયાએ ઘોડા પર તેના પરથી જવાનું હતું. નરેશ કનોડિયા જ્યારે ઘોડા પર ત્યાંથી પસાર થાય છે અને એકાએક પુલ તૂટી જાય છે. અમે આ દૃશ્યો પછી ફિલ્મમાં એવાને એવા જ વાપર્યાં હતાં."
1983માં નરેશ કનોડિયા, સ્નેહલતા, જયશ્રી ટી અભિનિત ફિલ્મ 'ઢોલા મારુ'ના શૂટિંગ સમયનાં સ્મરણો યાદ કરતાં તેના દિગ્દર્શક મેહુલકુમાર આ વાત જણાવે છે.
1983માં નરેશ કનોડિયા, સ્નેહલતા, જયશ્રી ટીને ચમકાવતી ફિલ્મ 'ઢોલા મારુ' રજૂ થઈ હતી. થિયેટરની ટિકિટબારી પર ઢોલ વાગવા માંંડ્યા હોય એવો માહોલ હતો.
ટિકિટબારી પર હાઉસફુલનાં પાટિયાં ઝૂલ્યાં હતાં. 80ના દાયકામાં નરેશ કનોડિયા અને સ્નેહલતા ગુજરાતી સિનેમામાં શિરમોર કલાકાર હતાં. તેમની એક પછી એક ફિલ્મો સિલ્વર જ્યૂબિલી થવા માંડી હતી. આ શ્રેણીમાંની એક ફિલ્મ ‘ઢોલા મારૂ’ હતી.
કેવી રીતે ફિલ્મનું પ્લાનિંગ થયું હતું?

ઇમેજ સ્રોત, SAUNA HRADAYMA HARHAMESH... MAHESH- NARESH
ફિલ્મને લગતી રસપ્રદ બાબત એ છે કે ગોવિંદભાઈ પટેલની પ્રોડ્યૂસર તરીકે એ તેમની પ્રથમ ફિલ્મ હતી.
પછીનાં વર્ષોમાં તો તેમના બૅનર તળે ઘણી હિટ ફિલ્મો રજૂ થઈ હતી. ગુજરાતી સિનેમામાં ગોવિંદભાઈ પટેલનો યુગ શરૂ થયો એનાં મંડાણ 'ઢોલા મારુ'થી થયાં હતાં.
'ઢોલા મારુ' અગાઉ ડિરેક્ટર તરીકે મેહુલકુમારે દસ ગુજરાતી ફિલ્મો બનાવી હતી.
'જેમાં જનમ જનમનાં સાથી', 'ચંદુ જમાદાર', 'કંચન' અને 'ગંગા' વગેરે ફિલ્મો સામેલ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેહુલકુમાર કહે છે કે, "મેં જે ફિલ્મો ‘ઢોલા મારુ’ પહેલાં બનાવી હતી તે થોડી અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મો હતી. કેટલાંક લોકો કહેતા કે મેહુલકુમાર પાઘડીવાળી ફિલ્મ ન બનાવી શકે."
"તેથી મેં જાણી જોઈને આવી ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી. જેમાં સૌ પ્રથમ મેં ઢોલી(1982) ફિલ્મ બનાવી હતી. જેમાં મેં નરેશ કનોડિયા અને સ્નેહલતા સાથે પ્રથમ વખત કામ કર્યું હતું. ત્યારપછી ગોવિંદભાઈ પટેલ ફિલ્મ બનાવવાના હતા. તેમણે મને ડિરેક્ટર તરીકે સાઈન કર્યો અને અમે જે ફિલ્મની શરૂઆત કરી તે ‘ઢોલા મારુ’. "

ઇમેજ સ્રોત, MEHULKUMAR
ગોવિંદભાઈ પટેલ સાથે કઈ રીતે કામ ગોઠવાયું? એ સવાલના જવાબમાં મેહુલકુમાર કહે છે કે, "મારી બે ત્રણ ફિલ્મો સુપરહિટ થઈ ચૂકી હતી. તેથી કોઈએ તેમને જણાવ્યું કે તમે મેહુલકુમાર સાથે ફિલ્મ બનાવો. એટલે તેઓ મારી પાસે આવ્યા હતા."
"અમારી વચ્ચે વાતચીત થઈ અને ‘ઢોલા મારુ’ની જે લોકકથા છે એના આધારે ફિલ્મ બનાવવાનું નક્કી થયું. મેં તે કથામાં કેટલાક ફેરફાર સૂચવીને ફિલ્મ બનાવાનું કહ્યું હતું જે તેમણે માન્ય રાખ્યા હતા."
"મારો આગ્રહ હતો કે ફિલ્મ એકદમ કૉમર્શિયલ ઢબે અને સુંદર ગીતો સાથેની બને. પછી નરેશ કનોડિયા અને સ્નેહલતા સાથે ફિલ્મની જાહેરાત થઈ."
ફિલ્મની કહાણીના બૅકગ્રાઉન્ડ વિશે જણાવતા તેઓ વધુમાં કહે છે, "ઢોલા મારુ રાજસ્થાનની પ્રચલિત પ્રેમકથા છે. એ કથામાં ફિલ્મને અનુરૂપ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા."
ફિલ્મની પટકથા પણ મેહુલકુમારે જ લખી હતી.
મેહુલકુમાર કહે છે કે, "ફિલ્મની આત્મા સમાન મૂળ વાર્તા (કહાણી) અમે અકબંધ જાળવી રાખી હતી. એ રીતે ઢોલા મારુ ફિલ્મ તૈયાર થઈ હતી."

ફિલ્મ બાજીગરવાળા અબ્બાસ (મસ્તાન) ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર

ઇમેજ સ્રોત, Ultra Gujarati
ફિલ્મમાં અભિનેતા નરેશ કનોડિયા બે પહાડ વચ્ચે બાંધવામાં આવેલા લાકડિયા પુલ પરથી ઘોડા સાથે પસાર થાય છે અને પુલ તૂટી પડે છે, ફિલ્મમાંથી કેટલાંક યાદગાર દૃશ્યોમાંનું આ એક છે.
એ પુલ શૂટિંગ વખતે ખરેખર તૂટી પડ્યો હતો અને એ ફિલ્મી દૃશ્ય વાસ્તિક રીતે ભજવાઈ ગયું હતું.
એ વખતે ફિલ્મમાં સહાયક તરીકે કામ કરતાં કે. અમર ઉર્ફે ડેનીભાઈ દૃશ્ય યાદ કરતાં બીબીસીને કહે છે કે, "એ દૃશ્યએ તો બધાના જીવ અધ્ધર કરી દીધા હતા. હું પણ એ વખતે ત્યાં જ હતો. સદનસીબે નરેશ કનોડિયા અને ઘોડાને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા."
"અડધો દિવસ એમાં રોકાઈ ગયો હતો. એ દૃશ્યને લીધે જે નુકસાન થયું એને કારણે ફિલ્મનું બજેટ પણ થોડું વધી ગયું હતું."
ફિલ્મમેકર મેહુલકુમાર એ દૃશ્યને સંભારતા કહે છે, "એ લોકેશન સારું હોવાથી મેં જ આર્ટ ડિરેકટરને કહ્યું હતું કે બે પહાડની વચ્ચે પર પુલ બાંધીને સીન (દૃશ્ય) ફિલ્માવીએ તો જમાવટ થઈ જાય. આર્ટ ડિરેકટરને પણ એ વાત પસંદ પડી. તેથી અમે પુલ બનાવ્યો. બે કૅમેરાથી અમે એનું શૂટિંગ કરતા હતા."

ઇમેજ સ્રોત, SAUNA HRADAYMA HARHAMESH... MAHESH- NARESH
"એક કૅમેરો પુલના છેડે હતો અને બીજો કૅમેરો પુલની નીચે. ઍક્શન કહ્યા પછી નરેશભાઈ ઘોડા પર બેસીને પુલ પરથી પસાર થતા હતા ત્યારે અચાનક ઘોડાનો પગ પુલના લાકડામાં ફસાઈ ગયો. એને લીધે ઘોડો ફસડાઈ પડ્યો અને ઘોડો પડવાથી પુલનો આગળનો હિસ્સો તૂટી ગયો."
"જેથી એક છેડે પુલ લટકી પડ્યો. શૂટિંગમાં હાજર તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતી. પળનોય વિલંબ કર્યા વગર ફાઇટ માસ્ટર સહિત તમામ લોકો કામે લાગી ગયા અને નરેશભાઈને ઘોડાને ક્રેનથી ઉતારીને બચાવી લીધા હતા."
રોચક વાત એ છે કે ફિલ્મમાં એજ સાચો સીન વપરાયો છે.
મેહુલકુમાર કહે છે કે, "એ સીનમાં કેટલુંક પોસ્ટ પ્રૉડક્શન વર્ક ઉમેરીને એ જ સાચો સીન ફિલ્મમાં લીધો છે. એ સીન ફિલ્મનો મહત્ત્વનો સીન બની રહ્યો છે."
ગુજરાતમાં ઢોલા મારૂએ સિલ્વર જ્યુબિલી ઊજવી હતી.
રેસ, બાજીગર જેવી હિંદી ફિલ્મો બનાવનારા ડિરેક્ટર અબ્બાસ મસ્તાન પૈકીના અબ્બાસ બર્માવાલા ‘ઢોલા મારૂ’ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. તેમના ભાઈ હુસૈન બર્માવાલા ‘ઢોલા મારુ’ના એડિટર હતા.
‘સોળ સોળ વરસે આવ્યું રે, રાતું ચટ્ટાક જોબનિયું’

ઇમેજ સ્રોત, Ultra Gujarati
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
‘ઢોલા મારુ’નાં ગીતો આજે પણ લોકહૈયે વસેલાં છે. અલકા યાજ્ઞિકે ગાયેલું, ‘સોળ સોળ વરસે આવ્યું રે, રાતું ચટ્ટાક જોબનિયું’ ગીત પર તાલ લેતાં ગરબાપ્રેમીઓ અચૂક તમને જોવા મળશે.
ઢોલા મારુ ફિલ્મમાં કુલ પાંચ ગીતો હતાં જે પ્રફુલ્લ દવે, મહેન્દ્ર કપૂર, અલકા યાજ્ઞિક તેમજ ઉષા મંગેશકરે ગાયાં હતાં.
એ ગીતોમાં ઢોલા હો ઢોલા..., ઓઢી રે ઓઢી ઢોલા તારી ચૂંદડી..., લાલ લાલ જોગીડા ભંવરલાલ જોગીડા..., હે શિવશંકર ત્રિપુરારી..., મારો સંદેશો મોકલે... જેવાં ગીતો સામેલ છે.
ગુજરાતનાં ગામડાઓમાં આ ગીતો આજે પણ ઉત્સાહથી લોકો આ સાંભળે છે. લગ્નસંધ્યા કે ગરબામાં શહેરોમાં પણ આ ગીતો સંભળાય છે.
ઢોલા મારુ સહિત 80ના દાયકામાં આવેલી ઘણી ગુજરાતી ફિલ્મોનાં ગીતો લાંબી આવરદા લખાવીને આવ્યાં છે. ગુજરાતી ફિલ્મોમાં નરેશ કનોડિયાનાં ઘણાં ગીતો પ્રફુલ્લ દવેએ જ ગાયાં છે.
ઢોલા મારુના સંગીત વિશે વાત કરતાં મેહુલકુમાર કહે છે કે, "અમારો પહેલેથી જ આગ્રહ હતો કે ફિલ્મનું સંગીત એનું મજબૂત પાસું હશે. સંગીતમાં મહેશ નરેશે એવું જ ઉમદા કામ કર્યું છે."
"મહેશ નરેશ સાથે ઢોલા મારુ પછી પણ મેં મરદનો માંડવો, હીરણને કાંઠે, મેરુ માલણ વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું."
"મહેશ અને નરેશ કનોડિયા બંને ભાઈઓ એક સરસ જોડી હતા. નરેશ કનોડિયાની મજા એ હતી કે તેઓ ડાન્સ સારી રીતે કરી શકતા હતા."
"ફાઇટિંગ સીન પણ સરસ રીતે કરતા હતા. આ ઉપરાંત, સંગીતમાં મહેશ કનોડિયાના કામ વિશે તો પૂછવું જ શું? સંગીતમાં કોઈ પણ નાના મોટા ફેરફાર આપણે સૂચવીએ તો મહેશ કનોડિયા હંમેશાં એના માટે તૈયાર રહેતા હતા."
"મહેશ નરેશ બંને ભાઈઓ સાથે ઢોલા મારુ ઉપરાંત પણ અન્ય ફિલ્મ એટલા માટે પણ કરી કે ફિલ્મનાં એક સાથે બે ત્રણ વિભાગનું કામ એ જોડીને લીધે પાર પડતું હતું."













