ઇન્સ્ટાગ્રામ પર પ્રેમઃ વરરાજા દુબઈથી સજીધજીને આવ્યા, પણ લગ્નને દિવસે દુલહન મળી જ નહીં

ઇમેજ સ્રોત, UGC/Getty Images
- લેેખક, હરમનદીપ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
પંજાબના જાલંધરના 28 વર્ષના દીપક નામના એક યુવાનને સોશિયલ મીડિયા વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ કરવાનું મોંઘું પડ્યું છે. લગ્નના દિવસે ભાવિ વહુ સાથે મુલાકાત જ ન થઈ ત્યારે દીપકને પ્રેમમાં છેતરાયાનો અનુભવ થયો હતો.
લગ્નના દિવસે દીપકે ફૂલોથી સજાવેલી તેની કાર સાથે ખાલી હાથે ઘરે પાછા ફરવું પડ્યું હતું.
વાસ્તવમાં છઠ્ઠી ડિસેમ્બરે દીપક સજીધજીને મોગા ગામે પહોંચ્યા ત્યારે ત્યાં લગ્નનો મંડપ કે દુલહન એ બેમાંથી કશું જ ન હતું.

ઇમેજ સ્રોત, UGC
દીપક જે સપનું છેલ્લાં ત્રણ વર્ષથી નિહાળતા હતા એ છઠ્ઠી ડિસેમ્બરે તૂટી ગયું હતું. આ તબક્કે દીપકને સમજાયું હતું કે તેમને માત્ર ભાવનાત્મક રીતે જ નહીં, પરંતુ આર્થિક રીતે પણ છેતરવામાં આવ્યા છે.
જાલંધર જિલ્લાના નકોદર તાલુકાના મરિયાલા ગામના નિવાસી દીપકના જણાવ્યા મુજબ, લગ્નના દિવસે તેઓ આખો દિવસ ભાવિ પત્નીની રાહ જોતા રહ્યા હતા. તેમણે ફોન મારફત ભાવિ પત્નીનો સંપર્ક સાધવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ પહેલાં દુલહને ફોનનો જવાબ આપ્યો ન હતો અને પછી ફોન સ્વિચ ઑફ કરી દીધો હતો.
દીપકના દાવા મુજબ, તેમની ગર્લફ્રેન્ડનું નામ મનપ્રીત કૌર છે અને તે વકીલ હોવાનું કહે છે. દીપક છેલ્લાં સાત વર્ષથી દુબઈમાં હતા અને લગ્નના થોડા દિવસ પહેલાં જ પંજાબ આવ્યા હતા.

લગ્નના દિવસે શું થયું?

ઇમેજ સ્રોત, UGC
દીપકના જણાવ્યા મુજબ, લગ્ન માટે રોઝ ગાર્ડન પૅલેસ બૂક કરાવવામાં આવ્યો હોવાનું તેમની ગર્લફ્રેન્ડે જણાવ્યું હતું. લગ્નના દિવસે દીપક લગભગ 100 લોકો સાથે સજીધજીને લગ્નસ્થળે પહોંચ્યા હતા.
ગર્લફ્રેન્ડે દીપકને જણાવ્યું હતું કે હું મોગાનું જે લોકેશન મોકલું છું એ સ્થળે તમે પહોંચી જજો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દીપકે કહ્યું હતું, "અમે લોકેશન પર પહોંચ્યા ત્યારે ત્યાં કન્યા કે તેના પરિવારનો કોઈ સભ્ય ત્યાં હાજર ન હતો. તેથી અમે પોલીસ બોલાવી હતી."
"મોગા પહોંચીને મેં મારી ગર્લફ્રેન્ડને ફોન કર્યો હતો. પહેલાં તો તેણે મારો ફોન કટ કરી નાખ્યો હતો અને બાદમાં સ્વિચ ઑફ કરી નાખ્યો હતો. અમારી વચ્ચે પાંચમી ડિસેમ્બર સુધી સારી રીતે વાતચીત થઈ હતી. છેલ્લાં ત્રણ વર્ષથી અમારી વચ્ચે આખો દિવસ વાતચીત થતી રહી હતી. ક્યારેય કોઈ સમસ્યા સર્જાઈ ન હતી. મને છેતરવામાં આવશે એવી શંકા સુદ્ધાં ક્યારેય પડી ન હતી."
કેવી રીતે થઈ સંબંધની શરૂઆત?
દીપકના જણાવ્યા મુજબ, મોગા જિલ્લાની રહેવાસી મનપ્રીત કૌર સાથેનો તેમનો સંબંધ ઑનલાઇન શરૂ થયો હતો. મનપ્રીતે ઇન્સ્ટાગ્રામ પર દીપકને ફૉલો કરવાનું શરૂ કર્યું ત્યારે બન્ને વચ્ચે સંપર્ક સ્થપાયો હતો.
એ પછી બન્ને ઇન્સ્ટાગ્રામ પર ચૅટ કરવા લાગ્યા હતા અને એકમેકના ફોન નંબર શેર કર્યા હતા. ફોન પર તેઓ કલાકો સુધી વાતચીત કરતા હતા. તેમની વચ્ચેની દોસ્તી ધીમે-ધીમે પ્રેમમાં પલટાઈ ગઈ હતી. એ વખતે દીપક દુબઈમાં રહેતા હતા અને કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કરતા હતા.
સંબંધ કેટલો સમય ટક્યો?

ઇમેજ સ્રોત, UGC
દીપકના કહેવા મુજબ, તેમનો પ્રેમ સંબંધ લગભગ ત્રણ વર્ષ ટકી રહ્યો હતો અને છઠ્ઠી ડિસેમ્બરે તેમના લગ્નના દિવસે ખતમ થઈ ગયો હતો. એ દરમિયાન મનપ્રીત દીપકના પરિવારજનો સાથે ફોન મારફત સતત વાત કરતાં હતાં, પરંતુ તેમની વચ્ચે એકેય પ્રત્યક્ષ મુલાકાત થઈ ન હતી.
મનપ્રીતનો પરિવાર પણ દીપકના પરિવારના સંપર્કમાં રહેતો હોવાનો તથા બન્ને વચ્ચેનો આ સંબંધ ઇન્સ્ટાગ્રામ તથા ફોન મારફત જ ચાલુ હતો, એવો દાવો કરવામાં આવ્યો છે.
લગ્ન નક્કી થયા પછી પણ બન્ને પરિવારો એકમેકને મળ્યા ન હતા.
દીપકે કહ્યું હતું, "હું આજ સુધી મનપ્રીતને મળી શક્યો નથી, કારણ કે હું દુબઈમાં હતો. હું હમણાં પંજાબ પાછો આવ્યો છું. બન્ને પરિવારો પણ એકમેકને મળ્યા નથી."
દીપકના કહેવા મુજબ, "વાતચીત દરમિયાન અમે બીજી ડિસેમ્બરે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેના થોડા દિવસ પહેલાં મનપ્રીતે મને કહ્યું હતું કે તેના પિતાની તબીયત ખરાબ થઈ ગઈ છે. તેથી આપણે લગ્નની તારીખ બદલવી પડેશે. આ રીતે છઠ્ઠી ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી.
પૈસાની લેવડદેવડ બાબતે વરરાજાએ ક્યા આક્ષેપ કર્યા છે?
દીપકે જણાવ્યું હતું કે મનપ્રીતે પાછલાં ત્રણ વર્ષના પ્રેમ સંબંધ દરમિયાન તેની પાસેથી વિવિધ કારણોસર રૂ. 50,000થી રૂ. 60,000 લીધા છે.
દીપકના જણાવ્યા અનુસાર, સંબંધ શરૂ થયાના છ મહિના પછી જ મનપ્રીત કૌરે પૈસા માંગવાનું શરૂ કરી દીધું હતું. મનપ્રીત તેના ઘરના કામ માટે, પરિવારના બીમાર સભ્યો માટે કે અન્ય પારિવારિક જવાબદારીના બહાને તેની પાસેથી પૈસા માંગતી હતી.
દીપકે કહ્યું હતું, "મેં મનપ્રીતને એ પૈસા વેસ્ટર્ન યુનિયન મારફત મોકલ્યા હતા. મેં મનપ્રીતને આ બધા પૈસા અલગ-અલગ સમયે મોકલ્યા હતા."
દીપકે આક્ષેપ કર્યો હતો કે "મનપ્રીતે મને છેતરવાના હેતુસર જ મારી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. એ મને છેતરવા ઇચ્છતી હતી અને તેનો એ ઉદ્દેશ પૂર્ણ થઈ ગયો."
અત્યાર સુધી શું કાયદાકીય કાર્યવાહી થઈ?
પોતાની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સમજાયા બાદ દીપકે જાલંધર ગ્રામ્ય પોલીસના મેહતપુર સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મનપ્રીત કૌરે લગ્નના બહાને દીપક સાતે ઠગાઈ કરી છે અને દીપક, તેના પરિવારને પરેશાન કર્યો છે અને પરિવારને સન્માનને ઠેસ પહોંચાડી છે.
દીપકની ફરિયાદ મળી હોવાનું મેહતપુર સ્ટેશનના વડા ઈન્સપેક્ટર સુખદેવ સિંહે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું, "અમે ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે. તમામ હકીકતની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે બહાર આવશે તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












