ગુજરાતના પાડોશમાં ચાલતી એ પ્રથા જેમાં છોકરીઓએ છૂટાછેડા લેવા માટે રૂપિયા આપવા પડે છે

ઝઘડા નાતરા, પ્રથા, કુરિવાજ, કુપ્રથા, મહિલાઓ, લગ્ન, સમાજ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાનાં કૌશલ્યા
    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા

"અમારે ત્યાં બાળપણમાં જ સગાઈ થઈ જાય છે અને પછી છોકરીઓના તમામ નિર્ણય સસરા પક્ષના લોકો જ લેતા હોય છે. છોકરી એ સંબંધમાંથી બહાર નીકળવા ઇચ્છતી હોય તો સંબંધ તોડવાના બદલામાં પૈસા માગવામાં આવે છે. મારાં સાસરિયાંઓએ મારી પાસેથી રૂ. 18 લાખની માગણી કરી છે."

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાનાં કૌશલ્યા આ વાત કહી રહ્યાં છે અને તેઓ જે પ્રથાની વાત કરી રહ્યાં છે તે અહીં વર્ષોથી અમલમાં છે. તેને ‘ઝઘડા નાતરા’ પ્રથા કહેવામાં આવે છે.

સગાઈ નાતરા પ્રથા મુજબ, પગારિયા ગામનાં રહેવાસી કૌશલ્યાની સગાઈ તેઓ બે વર્ષનાં હતા ત્યારે જ કરી નાખવામાં આવી હતી અને 2021માં તેઓ 22 વર્ષનાં થયાં ત્યારે તેમના લગ્ન થયાં હતાં. તેમના પિતા ખેડૂત છે.

કૌશલ્યા કહે છે, "આ ત્રણ વર્ષમાં મારી સાથે ત્યાં ઘણી હિંસા થઈ. મારી પાસેથી પાંચ લાખ રૂપિયા અને એક મોટર સાયકલની માંગ કરવામાં આવી હતી, પરંતુ મારાથી સહન ન થયું એટલે હું પિયર પાછી આવી ગઈ."

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

કૌશલ્યાની આપવીતી

ઝઘડા નાતરા, પ્રથા, કુરિવાજ, કુપ્રથા, મહિલાઓ, લગ્ન, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, KAUSHALYA

ઇમેજ કૅપ્શન, કૌશલ્યાનું કહેવું છે કે તેની સાથે મારપીટ થતી હતી અને તેઓ આગળ વધુ ભણવા માગતાં હતાં અને નોકરી કરવા ઇચ્છતા હતા. તેમની પાસે લગ્નના બંધનમાંથી મુક્ત થવા માટે 18 લાખની રકમ માંગવામાં આવી હતી.

વાત વકરે તેવું કૌશલ્યાના પરિવારજનો સામાજિક દબાણ અને સંબંધ તૂટવાના ડરથી ઇચ્છતા ન હતા. તેથી શરૂઆતમાં તેમણે કૌશલ્યાને સમજાવીને અનેક વખત સાસરે પાછાં મોકલ્યાં હતાં.

કૌશલ્યા કહે છે, "મારી સાથે મારપીટ થતી હતી. હું વધુ ભણવા ઇચ્છતી હતી. નોકરી કરવા ઇચ્છતી હતી અને મને લગ્નના બંધનમાંથી મુક્ત કરવા માટે રૂ. 18 લાખની માગણી કરવામાં આવી હતી."

જોકે, 2023માં કૌશલ્યા પિયર પાછાં આવ્યાં ત્યારે તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ સાસરે પાછાં જશે નહીં.

પરિવારજનોએ તેમને ફરી મનાવવાના પ્રયાસ કર્યા હતા અને તેઓ એ પણ જાણતા હતા કે સાસરિયાંની માંગ અનુસાર પૈસા ચૂકવવાનું આસાન નહીં હોય.

આ મામલો પંચાયતમાં પહોંચ્યો હતો અને પંચાયતે નિર્ણય કર્યો હતો કે કૌશલ્યા લગ્ન તોડવાં ઇચ્છતાં હોય તો તેમણે રૂ. 18 લાખ ચૂકવવા પડશે.

કૌશલ્યા સોંદિયા સમુદાયનાં છે અને આ સમુદાયનો સમાવેશ અન્ય પછાત જ્ઞાતિઓમાં થાય છે. આ સમુદાયમાં લોકો પોલીસ કે કાયદાનો સહારો લેવાને બદલે પંચાયતોમાં પોતાની સમસ્યાના નિવારણને અગ્રતા આપતા હોય છે.

વિકાસમાં પાછળ રહી ગયેલું ગામ

ઝઘડા નાતરા, પ્રથા, કુરિવાજ, કુપ્રથા, મહિલાઓ, લગ્ન, સમાજ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પેઢીઓથી અહીં 'ઝઘડા નાતરા' પ્રથાના નામે મહિલાઓને તેમના ભાગની આઝાદીથી દૂર રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે.

વિકાસની બાબતમાં પગારિયા ગામ પાછળ રહી ગયું હોય તેવું લાગે છે. ગામમાં પ્રવેશતો મુખ્ય રસ્તો તૂટેલો જોવા મળે છે. અનેક ઠેકાણે કાચા રસ્તા જોવા મળે છે. અહીં મોટા ભાગની મહિલાઓ લાજ કાઢેલી જોવા મળે છે.

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-5 (એનએફએચએસ-5) અનુસા, રાજગઢ જિલ્લામાં 52 ટકા મહિલાઓ અભણ છે અને 20થી 24 વર્ષની વયના કુલ પૈકીની 46 ટકા છોકરીઓ એવી છે, જેમનાં લગ્ન તેઓ 18 વર્ષની થઈ એ પહેલાં થઈ ચૂક્યાં છે. એટલે કે તેમના બાળવિવાહ થયા છે.

2011ની વસ્તી ગણતરી મુજબ, રાજગઢની કુલ વસ્તી 15.45 લાખ લોકોની છે અને તેમાં લગભગ 7.55 લાખથી વધારે મહિલાઓ છે.

મધ્યપ્રદેશના રાજગઢ ઉપરાંત આગર માળવા, ગુના સહિતના રાજસ્થાનના ઝાલાવાડથી માંડીની ચિત્તોડગઢ એવા વિસ્તારો છે, જ્યાં નાતરા પ્રથા આજે પણ ચલણમાં છે.

શું છે આ પ્રથા?

ઝઘડા નાતરા, પ્રથા, કુરિવાજ, કુપ્રથા, મહિલાઓ, લગ્ન, સમાજ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આજે પણ આ વિસ્તારમાં રજાનબાઈ જેવી અનેક મહિલાઓ આ પ્રથાના પીડિત સ્વરૂપે તમને મળી જશે.

જાણકારો જણાવે છે કે આ વિસ્તારોમાં નાતરા પ્રથા 100થી વધુ વર્ષથી અમલમાં છે.

સીમા સિંહ રાજગઢની પી જી કૉલેજમાં 1989થી સમાજશાસ્ત્ર ભણાવે છે.

તેઓ કહે છે, "ઝઘડા નાતરા પ્રથાનો કોઈ લેખિત ઇતિહાસ નથી, પરંતુ એ સદીઓ પુરાણી પ્રથા છે. આ વિધવા મહિલાઓ અને અપરણીત મહિલાઓ તથા પુરુષો સાથે રહીને જીવન પસાર કરી શકે એ માટેની પરંપરા હતી, જેથી તેમને પણ સામાજિક રીતે એક બહેતર જીવન જીવવાની તક મળે."

તેમના જણાવ્યા મુજબ, આ પ્રથા બાબતે અનેક વૃદ્ધો સાથે વાત કરવામાં આવી હતી. પહેલાં તેનું નામ નાતા પ્રથા હતું.

તેઓ કહે છે, "આ પ્રથા હેઠળ વિધવાઓને સામાજિક જીવનમાં ફરી હિસ્સેદારીની તક મળતી હતી. જોકે, સમયની સાથે તેનું સ્વરૂપ બદલાયું અને આજે તે એક પ્રકારે મહિલાઓની સોદાબાજીમાં પરિવર્તિત થઈ ગયું છે. તેમાં બાળકીઓની બાળપણમાં જ સગાઈ કરી નાખવામાં આવે છે અને પછી આગળ જતાં સંબંધમાં તિરાડ પડે ત્યારે છોકરીઓ પાસેથી પૈસા માગવામાં આવે છે. પૈસાની આ માંગને ઝઘડા માંગ કહેવામાં આવે છે."

ઝઘડા નાતરા

આવા કિસ્સાઓમાં પંચાયતોની ભૂમિકા બાબતે સીમા સિંહ કહે છે, "આવા કિસ્સાઓ પંચાયતમાં પહોંચે ત્યારે છોકરીઓ કાં તો તેનો વિરોધ કરે છે અથવા છોકરીનો પક્ષ પૈસા ચૂકવી શકે તેમ હોતો નથી, કારણ કે છોકરાના પક્ષવાળા કાયમ વધારે પૈસા માગતા હોય છે. પંચાયતમાં તેમના જ સમાજના લોકો બેસીને નક્કી કરે છે કે છોકરીએ તેની આઝાદીના બદલામાં છોકરાને કેટલા પૈસા ચૂકવવા પડશે."

સ્થાનિક પત્રકાર અને સામાજિક કાર્યકર ભાનુ ઠાકુર કહે છે, "સ્થાનિક લોકોમાં આ પ્રથાનો પ્રભાવ એટલો ગાઢ છે કે આ સગાઈને કોર્ટ મૅરેજ કરતાં પણ વધારે પાક્કી માનવામાં આવે છે."

માત્ર રાજગઢ જિલ્લામાં છેલ્લાં ત્રણ વર્ષમાં ‘ઝઘડા નાતરા’ પ્રથાના 500થી વધુ કિસ્સા નોંધાયા છે.

જોકે, ભાનુ ઠાકુરના કહેવા મુજબ, આ એ મામલાઓ જ છે, જેની નોંધણી થઈ છે. નોંધણી થઈ ન હોય એવા બીજા અનેક કિસ્સાઓ છે. તેથી આવા કિસ્સાઓની વાસ્તવિક સંખ્યા વધારે હોઈ શકે છે.

ત્રણ વર્ષમાં 500થી વધુ મામલાઓ

ઝઘડા નાતરા, પ્રથા, કુરિવાજ, કુપ્રથા, મહિલાઓ, લગ્ન, સમાજ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રાજગઢના પોલીસ અધિક્ષક આદિત્ય મિશ્રા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૌશલ્યાના મામલા બાબતે અમે રાજગઢના પોલીસ વડા આદિત્ય મિશ્રા સાથે વાત કરી હતી.

તેમના મુજબ, "આ સંપૂર્ણપણે ગેરકાયદે અને ગેરબંધારણીય પ્રથા છે, જેમાં અહીંના લોકો આજે પણ રીતરિવાજના નામે મહિલાઓને તેના અધિકારોથી વંચિત રાખવાના પ્રયાસ કરે છે."

આદિત્ય મિશ્રા કહે છે, "બાળપણમાં બાળકોની સગાઈ કરી નાખવામાં આવી હોય અને આગળ જતાં સંબંધ તૂટે ત્યારે છોકરીના પરિવારે છોકરાના પરિવારને લાખો રૂપિયા ચૂકવવા પડતા હોય એવા અનેક કિસ્સા છે."

તેઓ ઉમેરે છે, "આ એક રીતે મહિલાઓની આઝાદી દબાવવાનો પ્રયાસ છે અને સમાજના લોકો તેને યોગ્ય માને છે."

"છેલ્લાં ત્રણ વર્ષમાં આવા લગભગ 500 મામલા નોંધાયા છે. તેમાં મને હકારાત્મક બાબત એ લાગે છે કે પીડિતાઓમાં હવે કમસે કમ એટલી હિંમત આવી છે કે તેઓ આવીને ફરિયાદ કરે અને કાયદાની મદદ લે."

સીમા સિંહ કહે છે, "આ પ્રથાને છોકરીઓની સોદાબાજી કહેવી જોઈએ, કારણ કે આ પ્રથા હેઠળ છોકરાવાળા પૈસાની માંગ કરે છે ત્યારે છોકરીના પરિવારજનોએ તેમની દીકરીને મજબૂરીથી અનેક છોકરાઓ સાથે વાતચીત કર્યા બાદ કોઈ એક એવા છોકરા પાસે મોકલવી પડે છે, જે સૌથી વધારે પૈસા આપવા તૈયાર હોય. એ પૈસામાંથી છોકરીનો પરિવાર પહેલા છોકરાએ માગેલા પૈસા ચૂકવે છે."

માંગીબાઈની આપવીતી

ઝઘડા નાતરા, પ્રથા, કુરિવાજ, કુપ્રથા, મહિલાઓ, લગ્ન, સમાજ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, માંગીબાઈ કહે છે કે તેમને જિંદગીમાં સ્વપ્ન જોવાનો પણ મોકો નથી મળતો.

રાજગઢથી 20 કિલોમીટર દૂર કોડક્યા ગામમાં રહેતાં માંગીબાઈની કહાણી પણ કૌશલ્યા જેવી જ છે.

આપવીતી કહેતી વખતે માંગીબાઈ ભાવુક થઈ ગયાં હતાં.

તેમણે કહ્યું હતું, "મને સાસરે ખાવા મળતું ન હતું અને ઊંઘવા માટે પથારી પણ મળતી ન હતી. મારા પતિને દારૂ પીવાની ના પાડતી ત્યારે મને માર પડતો હતો. ત્યાં મારી જિંદગી બરબાદ થઈ ગઈ હતી. અમે બહુ ગરીબ લોકો છીએ. મારા સપનાં મોટાં ન હતાં. હું માત્ર સુખી જીવન જીવવા ઇચ્છતી હતી, પરંતુ એ પણ નસીબમાં ન હતું."

માંગીબાઈના જણાવ્યા મુજબ, તેમણે લગ્ન સંબંધ તોડવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેમની પાસે પાંચ લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. પંચાયતે પણ માંગીબાઈની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો.

માંગીબાઈએ જાન્યુઆરી, 2023માં તેમના પતિ, સાસરા અને જેઠ સામે મારપીટ તથા પૈસા માગવાની ફરિયાદ રાજગઢના ખિચલપુર પોલીસ થાણામાં નોંધાવી હતી.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, માંગીબાઈના પતિ કમલ સિંહ, જેઠ માંગીલાલ અને તેમના સાસરાના ગામના કંવરલાલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમાંક 498-એ હેઠળ (મહિલા સાથે તેના પતિ અથવા તેના સાસરિયાં દ્વારા આચરવામાં આવતી ક્રૂરતા સંબંધી કલમ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

હાલ માંગીબાઈના પતિ અને સાસરા પક્ષના અન્ય લોકો જામીન પર છૂટેલા છે, જ્યારે માંગીબાઈ તેમનાં માતા-પિતા સાથે રહે છે.

માંગીબાઈના પિતા તથા તેમના બે ભાઈઓ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

માંગીબાઈના પિતાએ જણાવ્યું હતું કે ઝઘડાના નાણાં ચૂકવવા માટે તેમની પાસે પાંચ લાખ રૂપિયા નથી અને તેઓ પૈસા નહીં ચૂકવે ત્યાં સુધી તેમની દીકરીનાં લગ્ન બીજે ક્યાંય કરી શકે તેમ નથી.

દરમિયાન, માંગીબાઈના પતિ કમલેશે બીજાં લગ્ન કરી લીધાં છે. કમલેશ મજૂર તરીકે કામ કરે છે.

બીબીસીએ કમલેશ સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું હતું, "મેં માંગીબાઈના પિતાને લગભગ ત્રણ લાખ રૂપિયા છ મહિના પહેલાં આપ્યા છે. લગ્ન વખતે મારા પરિવારે માંગીબાઈને એક તોલો સોનું, એક કિલો ચાંદીના ઘરેણાં પણ આપ્યાં હતાં. અમે અમારો સામાન અને જે નાણાં આપ્યાં હતાં એ જ પાછા માંગી રહ્યા છીએ. અમે તે મેળવીને રહીશું."

માંગીબાઈના પિતાને તમે પૈસા શા માટે આપ્યા હતા, એવો સવાલ પૂછ્યો ત્યારે કમલેશે તેનો કોઈ જવાબ આપ્યો ન હતો.

માંગીબાઈનો આરોપ છે કે કમલેશે બીજાં લગ્ન કર્યાં હોવા છતાં એ તેમની પાસેથી પૈસા માંગી રહ્યો છે.

પંચાયત કરે છે નિર્ણય

ઝઘડા નાતરા, પ્રથા, કુરિવાજ, કુપ્રથા, મહિલાઓ, લગ્ન, સમાજ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કમલેશે હવે બીજાં લગ્ન કરી લીધાં છે પરંતુ હજુ પણ તેઓ પોતાની પહેલી પત્ની પાસેથી પૈસા ઇચ્છે છે

આવી પંચાયતમાં બેસીને નિર્ણય કરતા 70 વર્ષના પવન કુમાર (નામ બદલ્યું છે) જણાવે છે કે સદીઓથી ચાલતી આ પ્રથામાં એવું જોવા મળ્યું છે કે નિર્ણય કાયમ છોકરાના તરફેણમાં જ થાય છે.

પવનકુમારનું કહેવું છે, "આવા કિસ્સાઓમાં અમારે ત્યાં પંચાયતનો નિર્ણય અંતિમ હોય છે. હું અનેક પંચાયતોમાં બેઠો છું અને તેમાં મેં રૂ. 60,000થી માંડીને આઠ લાખ રૂપિયા સુધીમાં સમસ્યાનું નિવારણ કર્યું છે."

તેઓ ઉમેરે છે, "બાળપણમાં સંબંધ નક્કી કરવામાં આવ્યો હોવાને કારણે છોકરીઓ આગળ જતાં સંબંધ તોડી નાખે છે."

"કેટલાક કિસ્સાઓમાં છોકરાઓની ભૂલ પણ હોય છે. એવા કિસ્સામાં છોકરીવાળાઓએ ઓછામાં ઓછા પૈસા ચૂકવવા પડે તેવા પ્રયાસ અમે કરીએ છીએ, પરંતુ 90 ટકા કિસ્સામાં પૈસા છોકરીવાળાઓએ જ ચૂકવવા પડે છે."

સામાજિક કાર્યકર શું કહે છે?

ઝઘડા નાતરા, પ્રથા, કુરિવાજ, કુપ્રથા, મહિલાઓ, લગ્ન, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, KAUSHALYA

ઇમેજ કૅપ્શન, તસવીરમાં દેખાતા કૌશલ્યાના પિતા ઝઘડાની એક પંચાયતમાં પોતાનો પક્ષ મૂકી રહ્યા છે

આ પ્રથા વિરુદ્ધ એક દાયકાથી પણ વધુ સમયથી કામ કરી રહેલાં સામાજિક કાર્યકર મોના સુસ્તાની માને છે કે આ પ્રથા મહિલાવિરોધી છે અને પિતૃસત્તાક વિચારધારાને પ્રોત્સાહિત કરે છે.

તેઓ કહે છે, "મારાં લગ્ન એક રાજકીય પરિવારમાં થયાં છે અને 1989માં મારાં લગ્ન થયાં ત્યારે હું આ પ્રથાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મેં આ પ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો."

છોકરીઓ પર આર્થિક બોજો ન પડે એટલા માટે ‘ઝઘડા નાતરા’ પ્રથા હેઠળના મામલાઓમાં હસ્તક્ષેપના પ્રયાસો તેમની સંસ્થા કરે છે. અનેક કિસ્સામાં તેમને સફળતા પણ મળી છે.

ઝઘડા નાતરા, પ્રથા, કુરિવાજ, કુપ્રથા, મહિલાઓ, લગ્ન, સમાજ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મોના સુસ્તાની છેલ્લાં ઘણાં વર્ષોથી 'લાલ ચૂનર' નામે એક સંસ્થા ચલાવી રહ્યાં છે, જે આ પ્રથાથી પીડિત મહિલાઓને મદદ કરે છે.

મોના સુસ્તાનીના જણાવ્યા મુજબ, તેમની સંસ્થાએ છેલ્લાં પાંચ વર્ષમાં 237 છોકરીઓને આવી પ્રથામાંથી મુક્ત કરાવી છે અને એ પૈકીની મોટા ભાગની છોકરીઓએ એકેય પૈસો ચૂકવવો પડ્યો નથી.

મોના સુસ્તાની કહે છે, "આ બહુ મુશ્કેલ હોય છે. ઘણીવાર વાતચીત, પરિવારજનો પર રાજકીય તથા પોલીસનું દબાણ લાવીને અમે માત્ર પાંચ વર્ષમાં 237 છોકરીઓને પૈસાની ચૂકવણી વિના આ પ્રથામાંથી મુક્ત કરાવી છે. એ પૈકીની અનેક છોકરીઓના આજે લગ્ન થઈ ગયાં છે અને તેઓ અગાઉ કરતાં બહેતર સ્થિતિમાં છે."

કુપ્રથા સામે લડીને કંડાર્યો માર્ગ

ઝઘડા નાતરા, પ્રથા, કુરિવાજ, કુપ્રથા, મહિલાઓ, લગ્ન, સમાજ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, રામકલા પણ ક્યારેક આ પ્રથાનાં પીડિતા હતાં, પરંતુ તેની સામે લડીને જ આજે તેઓ એક લાંબા સંધર્ષ પછી મુખર અવાજ બનીને ઊભર્યાં છે.

આ કુપ્રથાને મૂળમાંથી ખતમ કરવા રામકલા છેલ્લાં છ વર્ષથી કાર્યરત છે.

તેઓ પોતે આ પ્રથા સામે લડ્યાં છે. તેમના કહેવા મુજબ, તેઓ પાછું વળીને નજર કરે છે ત્યારે તેમને એ ઘટના ચમત્કારથી જરાય ઓછી લાગતી નથી.

આ પ્રથાને કારણે રામકલાએ પોતાનું ઘર સુદ્ધાં છોડવું પડ્યું હતું. હાલ તેઓ સ્નાતકોત્તર અભ્યાસ કરી રહ્યાં છે અને આ પ્રથા સામે લડવામાં છોકરીઓ તથા મહિલાઓને મદદ કરી રહ્યાં છે.

રામકલા કહે છે, "અમારા માટે છોકરીઓને મુક્ત કરાવવાનું બહુ મુશ્કેલ છે. છોકરીઓ પર પૈસા ચૂકવવાનું બહુ મોટું દબાણ હોય છે. તેથી અમારી પાસે પૈસાનો કોઈ પણ મામલો આવે ત્યારે સૌથી પહેલાં અમે એ મામલો પોલીસ પાસે પહોંચે તેના પ્રયાસ કરીએ છીએ."

"ઘણા કિસ્સામાં અમે છોકરાઓ તથા તેના પરિવારજનો સાથે વાત કરીએ છીએ. તેઓ સમજે તો ઠીક, અન્યથા કાયદાનો સહારો લઈને છોકરીની મદદ કરીએ છીએ."

રામકલા, મોના સુસ્તાની અને અન્ય લોકો આ કુપ્રથામાં ફસાયેલી છોકરીઓને અલગ-અલગ માધ્યમથી મદદ કરવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કૌશલ્યા અને માંગીબાઈ જેવી હજારો છોકરીઓ અહીં છે, જેમને પોતાની જિંદગી તથા આઝાદી માટે લાખો રૂપિયા ચૂકવવા મજબૂર કરવામાં આવી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.