અવકાશમાં ફસાયેલાં સુનીતા વિલિયમ્સની તબિયત ખરેખર લથડી ગઈ છે, નાસાએ તબિયત વિશે આ માહિતી આપી

સુનીતા વિલિયમ્સ

ઇમેજ સ્રોત, ISS/Twitter

અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની એક તસવીર છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર સતત વાઇરલ થઈ રહી છે. આ તસવીરને કારણે લોકો તેમની તબિયતની ચિંતા કરી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે આ તસવીરમાં સુનીતા વિલિયમ્સનું વજન ઘટેલું દેખાય છે અને પહેલાં કરતાં તેમનું સ્વાસ્થ્ય લથડ્યું હોય તેવું પ્રતીત થાય છે.

સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 8 દિવસના પરીક્ષણ મિશન માટે બૉઇંગ સ્ટારલાઇનર પર અવકાશમાં ઉડાણ ભરી હતી. જોકે, સતત આવી રહેલી ટૅક્નિકલ સમસ્યાઓને કારણે તેઓ હજુ સુધી પાછા ફરી શક્યા નથી.

અંદાજ પ્રમાણે તેઓ ફેબ્રુઆરી, 2025માં સ્પેસઍક્સ અવકાશયાનમાં પૃથ્વી પર પાછા ફરશે.

પરંતુ શું સુનીતા વિલિયમ્સની તબિયત ખરેખર ખરાબ છે? નાસાનું આ મામલે શું કહેવું છે?

અવકાશમાં લાંબો સમય રહેવાથી શરીરમાં શું ફેરફાર થાય છે? જાણો આ અહેવાલમાં...

તબિયત વિશે નાસાએ શું જવાબ આપ્યો?

સુનીતા વિલિયમ્સ, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક, નાસા, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, અવકાશયાત્રી

ઇમેજ સ્રોત, x/Space_Station

ઇમેજ કૅપ્શન, આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં સુનીતા વિલિયમ્સ

5 જૂન, 2024 ના રોજ, સુનીતા વિલિયમ્સે બૉઇંગ સ્ટારલાઇનર મારફતે અવકાશમાં પ્રક્ષેપણ કર્યું અને આંતરરાષ્ટ્રીય સ્પેસસ્ટેશનમાં પ્રવેશ કર્યો હતો.

તેમની તે સમયની તસવીર અને હાલની તસવીરમાં ઘણો ફર્ક જોવા મળે છે. લોકો સોશિયલ મીડિયા પર તેમનાં ઘટી ગયેલા વજન અને બેસી ગયેલા ગાલ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

પરંતુ નાસાના પ્રવક્તાએ આ અંગે ધી ડેઇલી મેઇલને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું, "નાસા સુનીતા વિલિયમ્સ, બૂચ વિલ્મોર અને અવકાશ સ્ટેશન પર રહેલા અન્ય અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે. તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાનું કોઈ કારણ નથી."

નાસાના પ્રવક્તાનું કહેવું છે અવકાશમાં ગયેલા યાત્રીઓના સ્વાસ્થ્યનું નિયમિત મૉનિટરિંગ થતું હોય છે અને ચિંતા કરવા જેવી કોઈ બાબત નથી.

પરંતુ અવકાશમાં આટલા લાંબા સમય સુધી રહેવાની માનવ શરીર પર અનેક પ્રકારની નાની-મોટી અસર જોવા મળે છે.

હાડકાંની ઘનતા અને સ્નાયુઓ પર અસર પડે

વીડિયો કૅપ્શન, સુનીતા વિલિયમ્સ સુરક્ષિત રીતે ધરતી પર પરત ફરે તે માટે ઝુલાસણમાં લોકો રોજ શું કરે છે?

એવા અન્ય અવકાશયાત્રીઓ પણ છે જેમણે અવકાશમાં વધુ સમય વિતાવ્યો છે.

ગત વર્ષે જ ફ્રૅન્ક રુબિયો આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર 371 દિવસ પસાર કરનાર પ્રથમ અમેરિકન અવકાશયાત્રી બન્યા. પરંતુ આ રેકૉર્ડ રશિયન અવકાશયાત્રીઓ ઓલેગ કોનોનેન્કો અને નિકોલાઈ ચુબ દ્વારા તોડવામાં આવ્યો હતો, જેમણે અવકાશમાં 374 દિવસ ગાળ્યા હતા અને સપ્ટેમ્બર,2024માં પૃથ્વી પર પાછા ફર્યા હતા.

અવકાશમાં લાંબા સમય સુધી રહેવાથી અવકાશયાત્રીઓના સ્નાયુઓ, મગજ અને આંખો પર અસર થાય છે.

સૌથી મોટી અસર ગુરુત્વાકર્ષણની ગેરહાજરી થાય છે. ગુરુત્વાકર્ષણનું કોઈ ખેંચાણ ન હોવાથી, હાથ અને પગના સ્નાયુઓની માત્રા અને હાડકાંની ઘનતા ઓછી થવા લાગે છે.

સ્નાયુઓ આપણને સારું પૉસ્ચર જાળવવામાં મદદ કરે છે. પીઠ, ગરદન, પેટ અને જાંઘના સ્નાયુઓ છે સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે. માઇક્રોગ્રૅવિટીમાં આ સ્નાયુઓ નિષ્ક્રિય થઈ જાય છે અને નબળા પડવા લાગે છે.

સુનીતા વિલિયમ્સ, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક, નાસા, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, અવકાશયાત્રી, ઝુલાસણ

ઇમેજ સ્રોત, Kushal Batunge

ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સની સુરક્ષિત વાપસી માટે ઝુલાસણ ગામની મહિલાઓ દ્વારા મંદિરમાં પ્રાર્થના
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અવકાશમાં માત્ર બે અઠવાડિયાં પછી સ્નાયુમાં (મસલ માસ) 20 ટકા જેટલો ઘટે છે, અને બે થી છ મહિના પછી તેમાં 30 ટકા જેટલો ઘટાડો થઈ શકે છે.

એ સિવાય અવકાશમાં પૃથ્વીની જેમ શરીરનાં હાડકાં પર કોઈ કામનો તણાવ હોતો નથી. જેના કારણે હાડકાં બરડ બની જાય છે અને તેમની શક્તિ ગુમાવે છે. છ મહિનાના સમયગાળમાં અવકાશયાત્રીઓ તેમના અસ્થિ સમૂહના 10 ટકા સુધી ગુમાવે છે.

આ અવકાશયાત્રીઓને ફ્રૅક્ચર થવાની સંભાવના વધારે છે અને તેમને સાજા થવામાં વધુ સમય લાગે છે.

પૃથ્વી પર પાછા ફર્યા પછી, શરીરના હાડકાંને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ચાર વર્ષ જેટલો સમય લાગી શકે છે.

પૃથ્વી પર ગુરુત્વાકર્ષણને કારણે આપણા શરીરમાં લોહી વહે છે અને હૃદય તેને પાછું ઉપર મોકલે છે. પરંતુ આ પ્રક્રિયા અવકાશમાં તૂટી જાય છે. ત્યાં માથામાં સામાન્ય કરતાં વધુ લોહી એકઠું થાય છે.

આમાંથી અમુક પ્રવાહી આંખના પાછળના ભાગમાં અને ઑપ્ટિક નર્વની આસપાસ એકઠું થઈ શકે છે જેના કારણે સોજો આવે છે. તેના કારણે દૃષ્ટિને અસર કરી શકે છે અથવા આંખોની રચનાને અસર થઈ શકે છે.

અવકાશમાં માત્ર બે અઠવાડિયાં પછી જ આવું થવાનું શરૂ થઈ શકે છે. પરંતુ જેમ વધુ સમય જાય તેમ આ જોખમ વધતું જાય છે.

અવકાશમાં કોઈ બીમાર પડે તો શું થાય?

સુનીતા વિલિયમ્સ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં

ઇમેજ સ્રોત, ISS/Twitter

ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં

અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં દિવસમાં અઢી કલાક કસરત કરે છે અને સારું ખાવાનો પ્રયાસ કરે છે.

અવકાશમાં વજન જાળવી રાખવું પણ એક પડકાર છે. નાસા એ અવકાશયાત્રીઓને વિવિધ રીતે આરોગ્યપ્રદ ખોરાક આપવાનો પ્રયાસ કરે છે.

દર થોડા દિવસે નાસા દ્વારા અવકાશયાત્રીઓ માટે સ્પેસ સ્ટેશન પર પૃથ્વી પરથી કાર્ગૉ મોકલવામાં આવે છે. તેમાં વિવિધ પ્રકારના ખોરાક અને પોષકતત્ત્વો પણ હોય છે.

એવી પણ શક્યતા છે કે કોઈ અવકાશયાત્રી સ્પેસ સ્ટેશનમાં જ બીમાર પડી જાય. લાંબાગાળાના અવકાશ મિશન દરમિયાન કોઈપણ તબીબી કટોકટી આવી શકે છે.

આ કટોકટીનો અભ્યાસ કર્યા પછી નાસાએ 400 તબીબી પરિસ્થિતિઓને સૂચિબદ્ધ કરી છે. આ પરિસ્થિતિઓમાં કઈ દવાઓની જરૂર પડશે? શું આ દવાઓ લાંબાગાળાથી અવકાશમાં રહેલી વ્યક્તિના શરીર પર કામ કરશે કે કેમ?

શૂન્ય ગુરુત્વાકર્ષણ, રેડિઍશન, હવાનું દબાણ અને અન્ય પરિબળોની અસરમાં દવાને કેવી રીતે સંગ્રહિત કરવામાં આવશે? તેના વિશે પણ અભ્યાસ કરવામાં આવ્યો છે અને પછી જ આ કામગીરી થાય છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓ માટે મેડિકલ કીટ અને અન્ય પુરવઠો રાખવામાં આવ્યો હોય છે.

તે ઉપરાંત આ અવકાશયાત્રીઓ પૃથ્વી પરથી ઉડાન ભરે તે પહેલાં અને પૃથ્વી પર પાછા ફરે તે પછી તેમની વિવિધ તપાસ પણ કરવામાં આવે છે. તેમના મેડિકલ રેકૉર્ડ્સમાંથી મળેલી માહિતી ભવિષ્યના અભિયાનો માટે મૂલ્યવાન બને છે.

સુનીતા વિલિયમ્સ, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક, નાસા, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, અવકાશયાત્રી

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, અવકાશમાં ભોજન તથા જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે સુનીતા વિલિયમ્સ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.