ગુજરાતમાં મગફળીના ટેકાના ભાવ ઊંચા હોવા છતાં ખેડૂતો યાર્ડમાં ઓછા ભાવે મગફળી કેમ વેચી રહ્યા છે? – ગ્રાઉન્ડ રિપોર્ટ

ગુજરાત, મગફળી, શીંગદાણા, ખેતી, ગુજરાતની ખેતી, કૃષિ, ખેડૂતો, ટેકાના ભાવ, કૃષિઉત્પાદન, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, રાજકોટ એપીએમસી યાર્ડમાં પોતાની મગફળીને વેચવા આવેલા ખેડૂતો
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા, રાજકોટ

રાજકોટ શહેરની ભાગોળે બેડી ગામ ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટી (APMC)માં ખેડૂત રમેશભાઈ વેકરીયા સોમવારે પોતાની મગફળીની હરાજી થાય તેની રાહ જોતા લગભગ લાગણીશૂન્ય જણાતા હતા.

શરીરનો પાતળો બાંધો વધી ગયેલી દાઢીવાળા આ ખેડૂત તેમની મગફળીના બે ઢગલા બાજુવાળા ખેડૂતની મગફળી સાથે ભળી ના જાય તે માટે પોતાના પગ વડે પોતાની મગફળીના ઢગલાને સંકોરે રાખતા હતા.

એક ઢગલો રેમ્બો જાતની મગફળીનો હતો કે જેના પોપટા અને દાણાનું કદ ઘણું મોટું હોય છે અને બીજો ઢગલો 45 નંબર તરીકે ઓળખાતી મગફળીની જાતનો હતો.

આ બંને જાતો મહારાષ્ટ્રના ટ્રૉમ્બેમાં આવેલા ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલ છે અને તે ‘ટ્રૉમ્બે જાતો’ તરીકે ઓળખાય છે.

ઑક્શનિયર (હરાજી કરનારા), વેપારીઓ અને કમિશન એજન્ટ્સ (દલાલ) નજીક આવ્યા એટલે રમેશભાઈ અદબ વાળીને ઊભા રહી ગયા. હરાજી કરનારા રમેશભાઈની રેમ્બો મગફળીના ઢગલામાંથી ખોબો ભરી બોલ્યા: "આનો ભાવ બોલો. નવસો રૂપિયા... નવસો રૂપિયા..." વેપારીઓ પણ ખોબા ભરી, મગફળીના દાણાના વજનનો ક્યાસ કાઢવા લાગ્યા અને પોપટા ફોલીને અંદરના સીંગદાણા બરાબર પાકેલા છે કે નહીં, એકાદ દાણો મોઢામાં મૂકી ક્યાંક ખોરાં તો નથી થઈ ગયા તે જોતા ગયા અને પોતાના માથા નકારમાં હલાવતા ગયા.

"સાડા આઠસો... આઠસો..." ઑક્શનિયરે ભાવ ઘટાડ્યા. પણ વેપારીઓ નકારમાં જ માથાં ધુણાવતા રહ્યા. કેટલાક વેપારીઓ ઢગલામાં ઊંડે સુધી હાથ ખૂંપાવી આખા ઢગલામાં મગફળી સરખી જે છે કે નહીં તેનો તાગ મેળવવા મથી રહ્યા. "સાડા સાતસો... સાડા સાતસો..." હરાજીકર્તાએ વધારે ભાવ ઘટાડતા જાહેરાત કરી. વેપારીઓને આ ભાવે રેમ્બો મગફળી ખરીદવામાં રસ પડ્યો એટલે એક વેપારીએ હકારમાં માથું ધુણાવ્યું.

સડસડાટ ગણગણાટ કરતો હરાજીકાર ઢગલા ફરતે ઊભેલા વેપારીઓ તરફ નજર દોડાવતો રહ્યો. છેવટે હરાજી મણ દીઠ 870 રૂપિયાએ અટકી. તરત જ બીજા ઢગલે જઈ, ફરીથી એ જ પ્રક્રિયા દોહરાવીને એણે જાહેર કર્યું, "એનો ભાવ નવસો, હાલો ભાઈ નવસો..." રમેશભાઈની 45 નંબરની મગફળી છેવટે 960 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાઈ.

ગુજરાત, મગફળી, શીંગદાણા, ખેતી, ગુજરાતની ખેતી, કૃષિ, ખેડૂતો, ટેકાના ભાવ, કૃષિઉત્પાદન, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ખેડૂત રમેશભાઈ વેકરીયા

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ચીભડાં ગામના રમેશ વેકરિયા પાસે 12 વીઘા જમીન છે અને બીજી 16 વીઘા જમીન ભાડે રાખી વાવે છે. તેમના બે ઢગલાની કુલ મગફળી 170 મણ થઈ.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે બીબીસીને જણાવ્યું, "આ વર્ષે વરસાદ વધુ પડી જવાથી મારી મગફળીમાં ફૂગ લાગી ગઈ અને સડી ગઈ. તેથી રેમ્બો જે વીઘે 35થી 40 મણ થવી જોઈએ તે 30 મણ પણ ના થઈ. થોડી સડી ગયેલી હોવાથી ભાવ પણ ઓછા મળ્યા."

તેમણે વધુમાં જણાવ્યું "એક મહિના અગાઉ હું 150 મણ મગફળી વેચી ગયો હતો અને ત્યારે ભાવ 1170 રૂપિયા મળ્યો હતો. પણ હવે યાર્ડમાં માલનો બહુ ભરાવો છે, તેથી ભાવ ગગડી ગયા છે."

સોમવારે થયેલી હરાજીના અંત ભાગમાં રાજકોટના પડધરી તાલુકાના સાલ પીપળીયા ગામના ખેડૂત ધીરજભાઈ સાકરિયાએ લાવેલી બીટી-32 તરીકે જાણીતી મગફળીની જાતની હરાજી થઈ. ધીરજભાઈને આઠ વીઘામાંથી 182 મણ મગફળીનું ઉત્પાદન મળ્યું અને પ્રતિ મણ 1168નો ભાવ મળ્યો.

10 વીઘા જમીન ધરાવતા 46 વર્ષના ધીરજભાઈએ ફિક્કા હાસ્ય સાથે બીબીસીને કહ્યું, "સારા વર્ષે મારી આઠ વીઘા જમીનમાંથી 300 મણ મગફળીનું ઉત્પાદન મળે અને ભાવ પણ આનાથી સારા મળે. આ વર્ષે વરસાદ વધી ગયો."

કેન્દ્ર સરકારે 2024ની ખરીફ મગફળી માટે સરકારનો ટેકાનો ભાવ પ્રતિ મણ 1356.6 રૂપિયા નક્કી કર્યો છે. તે ગત વર્ષના 1275.4ના ટેકાના ભાવ કરતા 81.2 રૂપિયા વધારે છે. રમેશભાઈ અને ધીરજભાઈને સોમવારે ખુલ્લી હરાજીમાં આ વરસના ટેકાના ભાવ કરતાં અનુક્રમે લગભગ 400 અને 100 રૂપિયા ઓછા મળ્યા.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

માર્કેટ યાર્ડમાં મગફળીની મબલક આવક

ગુજરાત, મગફળી, શીંગદાણા, ખેતી, ગુજરાતની ખેતી, કૃષિ, ખેડૂતો, ટેકાના ભાવ, કૃષિઉત્પાદન, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, રાજકોટ એપીએમસી યાર્ડમાં મગફળીના ઢગલે ઢગલા છે

જ્યારે યાર્ડની અંદર સવારે મગફળીની હરાજી ચાલી રહી હતી ત્યારે યાર્ડના દરવાજા બહાર સ્ટેટ હાઈવે-24 ઉપર મગફળી ભરેલાં વાહનોની બે કિલોમીટર લાંબી લાઇન લાગી ગઈ હતી.

રાજકોટ APMCના સેક્રેટરી બાબુલાલ તેજાણીએ જણાવ્યું, “સોમવારે સાંજે યાર્ડના દરવાજા ખુલ્યા એટલે ખેડૂતોએ 1.70 લાખ મણ કરતાં પણ વધારે મગફળી વેચાણ માટે યાર્ડમાં ઠાલવી.”

આવાં જ દૃશ્યો જામનગર APMCમાં હાપા યાર્ડમાં જોવા મળ્યાં, જ્યાં 900થી પણ વધારે વાહનો ભરીને 1.35 લાખ મણથી વધારે મગફળી ખેડૂતો સોમવારે લઈ આવ્યા.

ગોંડલ યાર્ડ જે ગુજરાતમાં મગફળીનું સૌથી મોટું હોલસેલ માર્કેટ છે, ત્યાં પણ ગત ગુરુવારે 1.70 લાખ મણ મગફળીની આવક નોંધાઈ હતી.

ગોંડલ APMCના સેક્રેટરી તરૂણ પાંચાણી કહે છે, "આ વર્ષે મગફળીનો પાક ખૂબ સારો ઊતર્યો છે અને શિયાળુ પાક માટે ખેડૂતોને પૈસાની જરૂર હોવાથી તેમને મગફળી વેચવાની ઉતાવળ છે. એટલે યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે. આવક એટલી વધારે છે કે અમે અઠવાડિયામાં બે વાર મગફળી માટે દરવાજા ખોલીયે એટલે એટલી બધી મગફળી આવી જાય છે કે તેની હરાજી કરવામાં આખું અઠવાડિયું નીકળી જાય છે."

જ્યારે રાજકોટ યાર્ડના સેક્રેટરી બાબુલાલ તેજાણી જણાવે છે, "સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ ખેડૂતો પોતાની જમીન ભાગમાં વાવવા માટે આપવા લાગ્યા છે અને ચોમાસું સિઝન પૂરી થતાં જમીન માલિકે ભાગિયાને હિસાબ કરી દેવો હોય એટલા માટે પણ ખેડૂતો મગફળી વેચવાની ઉતાવળમાં રહે છે."

યાર્ડમાં મગફળીની મબલખ આવકનું કારણ સારા વરસાદ ઉપરાંત આ વર્ષે મગફળીના પાકના વાવેતરનો વિસ્તાર વધતા તેના ઉત્પાદનમાં થયેલો વધારો પણ છેકામાં ‘પટેલોનો દબદબો’ કેવી રીતે વધ્યો અને હોટલોના બિઝનેસમાં સામ્રાજ્ય કઈ રીતે સ્થાપ્યું?

મગફળીનું વાવેતર વધારે

ગુજરાત, મગફળી, શીંગદાણા, ખેતી, ગુજરાતની ખેતી, કૃષિ, ખેડૂતો, ટેકાના ભાવ, કૃષિઉત્પાદન, વરસાદ, બીબીસી ગુજરાતી

ગુજરાત રાજ્યના ખેતી નિયામકની કચેરીએ બહાર પાડેલ ફર્સ્ટ ઍડ્વાન્સ ઍસ્ટીમેટ મુજબ રાજ્યમાં 2024-25ના વર્ષમાં મગફળીનું ઉત્પાદન 58.03 લાખ મેટ્રિક ટન (1000 કિલો = 1 મેટ્રિક ટન) રહેવાનો અંદાજ છે. તે ગયા વર્ષના 45.10 લાખ મેટ્રિક ટન કરતાં લગભગ 13 ટન વધારે હશે.

સારા વરસાદ અને હવામાન ઉપરાંત ઉત્પાદનમાં વધારાનું કારણ છે, વાવેતર અને પ્રતિ હેક્ટર ઉત્પાદકતામાં થયેલ વધારો.

આ જ કચેરીના સત્તાવાર આંકડા મુજબ 2024ની ખરીફ એટલે કે ચોમાસુ સિઝનમાં ગુજરાતમાં ખેડૂતોએ 19.08 લાખ હેક્ટર (6.25 વીઘા = 1 હેક્ટર)માં મગફળીનું વાવેતર કર્યું હતું. 2023ની ખરીફ ઋતુમાં આ વાવેતર વિસ્તાર માત્ર 16.35 લાખ હેક્ટર જ હતો.

આમ, મગફળીના વાવેતરમાં ગયા વર્ષની સરખામણીએ લગભગ ત્રણ લાખ હેક્ટરનો વધારો થયો. આ વર્ષનો વાવેતર વિસ્તાર છેલ્લાં ત્રણ વર્ષમાં નોંધાયેલ 17.51 લાખ હેક્ટર કરતાં પણ લગભગ 1.5 લાખ હેક્ટર વધારે છે.

આ વર્ષના મગફળીના વાવેતર વિસ્તારમાંથી 14.63 લાખ વિસ્તાર તો માત્ર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં જ નોંધાયો હતો. જ્યારે ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં 3.50 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું.

સરકારી અધિકારીઓ જણાવે છે કે આ વધારાનું એક કારણ ગયા વર્ષે મગફળીના સારા ભાવ અને કપાસના ઓછા ભાવ હોવાનું જણાવે છે.

ગત વર્ષે મગફળીના સરેરાશ બજાર ભાવ 1200 રૂપિયાની આસપાસ રહ્યા હતા, જ્યારે કપાસના ભાવ રૂપિયા 1700થી નીચે આવી 1400ની આજુબાજુ રહ્યા હતા. પ્રથમ આગોતરા અંદાજ મુજબ આ વર્ષે મગફળીની પ્રતિ હૅક્ટર ઉત્પાદકતા પણ 2.75 ટન એટલે કે 137.85 મણથી વધીને 3.026 ટન એટલે કે 151.31 મણ રહેવાનો અંદાજ છે. આ હિસાબે વીઘા દીઠ સરેરાશ ઉત્પાદન ગયા વર્ષના 22 મણથી વધીને 24.4 મણ થવાનો અંદાજ છે.

મુખ્ય મંત્રીએ પણ સ્વીકાર્યું કે 'ભાવ નીચા છે'

ગુજરાત, મગફળી, શીંગદાણા, ખેતી, ગુજરાતની ખેતી, કૃષિ, ખેડૂતો, ટેકાના ભાવ, કૃષિઉત્પાદન, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ખેડૂત ધીરજભાઈ સાકરિયા

ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં કપાસ બાદ મગફળી સૌથી મહત્ત્વનો રોકડિયો પાક છે અને રાજ્યના ખેડૂતો મોટેપાયે તેનું વાવેતર કરે છે.

એક બાજુ સારા વરસાદ, સારા હવામાન, વધેલા વાવેતર વિસ્તાર અને વધેલ ઉત્પાદક્તાને કારણે મગફળીનું કુલ ઉત્પાદન વધ્યું છે, પણ ગત વર્ષની સરખામણીએ બજારભાવ નીચા ગયા છે.

સોમવારે રાજકોટ યાર્ડમાં મગફળીની મોડાલ પ્રાઇસ 1150 રૂપિયા હતી. (જે-તે દિવસે વેચાણ થયેલ માલમાંથી મહત્તમ માલ જે કિંમતે વેચાય તેને મોડાલ પ્રાઇસ કહેવાય છે.) ગોંડલમાં મોડાલ પ્રાઇસ 1086 રૂપિયા હતી.

પરંતુ રાજકોટ યાર્ડમાં હરેકૃષ્ણ ટ્રેડિંગ કંપની નામની પેઢી થકી મગફળીની ખરીદી કરતા વેપારી દિલીપભાઈ પનારા જણાવે છે કે બજારભાવ નીચા હોવાનું કારણ વધારે ઉત્પાદન નહીં પણ મગફળીની ઓછી માંગ છે.

તેમણે કહ્યું,"જે પલળી ગઈ છે તેવી કાળી મગફળીના ભાવ 950થી 1100-1150 રૂપિયા છે. સારા માલના ભાવ 1200થી 1250-60 રૂપિયા છે. ગયા વર્ષની સરખામણીએ સારા માલમાં મારી દૃષ્ટિએ 50થી 75 રૂપિયા જેટલું નીચું છે. જે ડિમાન્ડ થોડી ઓછી હોવાથી નીચા છે. તેલમાં એટલી ડિમાન્ડ નથી અને સીંગદાણામાં વિદેશની જે ડિમાન્ડ હોવી જોઈએ તે ડિમાન્ડ ઓછી છે તેના હિસાબે ભાવ નીચા છે. બાકી ઉત્પાદન વધારે છે તેના હિસાબે ભાવ નીચા તેવું કઈ નથી."

ગુજરાત, મગફળી, શીંગદાણા, ખેતી, ગુજરાતની ખેતી, કૃષિ, ખેડૂતો, ટેકાના ભાવ, કૃષિઉત્પાદન, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, મગફળીની ખરીદી કરતા વેપારી દિલીપભાઈ પનારા

રાજકોટ APMC કમિશન એજન્ટ ઍસોસિયેશનના પ્રમુખ અતુલ કમાણી કહે છે કે ઓછા ભાવના કારણે ખેડૂતોમાં થોડી નિરાશા છે.

તેઓ કહે છે, "ગત વર્ષના ભાવ કરતાં આ વર્ષે 150થી 250 રૂપિયા જેટલા ભાવ ઓછા મળે છે. છતાં ખેડૂતો ઓપન માર્કેટમાં તેમની મગફળી વેચે છે, કારણ કે તેમને પૈસાની જરૂર છે. ખેડૂતોને આ ભાવથી સંતોષ નથી. કોઈને 25 હજાર રૂપિયાનો પગાર મળતો હોય અને પછી તેને કહેવામાં આવે કે હવે 22 હજાર રૂપિયા જ મળશે તો તેને ગમે? ખેડૂતોની સ્થિતિ પણ આવી જ છે,"

ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરાવતા ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોમવારે સ્વીકાર્યું કે મગફળીના બજારભાવ આ વર્ષે નીચા છે.

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલ APMC ખાતે મગફળી, મગ, અડદ અને સોયાબીનની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીના અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવ્યા બાદ ખેડૂતોની સભાને સંબોધન કરતાં મુખ્ય મંત્રીએ કહ્યું, "ટેકાનો ભાવ તો સારો છે ને? બજારની કિંમત મેં હમણાં ત્યાં પૂછી તો કે 900થી 1000 રૂપિયા છે અને સરકાર આ 1356 રૂપિયે ખરીદવાની છે એટલે ભાવ તો સારો મળી રહ્યો છે."

ટેકાના ભાવે ચાલુ થયેલી ખરીદી ખેડૂતોને બચાવશે?

ગુજરાત, મગફળી, શીંગદાણા, ખેતી, ગુજરાતની ખેતી, કૃષિ, ખેડૂતો, ટેકાના ભાવ, કૃષિઉત્પાદન, વરસાદ, બીબીસી ગુજરાતી

કેન્દ્ર સરકાર દ્વારા તેના પ્રધાન મંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM AASHA) હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તેમ જ ગ્રાહકોને બજારભાવના ઉછાળા સામે રક્ષણ મળે અને ખાદ્યવસ્તુઓ યોગ્ય ભાવે મળતી રહે તે માટે ટેકાના ભાવની યોજના હેઠળ ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે તેમના ખેતરમાં પાકેલ પાકોની સીધી ખરીદી કરે છે.

સામાન્ય રીતે આવી ખરીદી જયારે ખેતઉત્પાદનોના ભાવ બજારભાવથી નીચે જાય ત્યારે કરવામાં આવતી હોય છે.

જોકે સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ દેશના ગરીબોને રૅશન આપી શકાય તે માટે ઘઉં અને ચોખા તેમજ દેશમાં કઠોળ, દાળ અને ખાદ્યતેલોના ભાવ બહુ વધી ના જાય તે હેતુથી આવી જણસીના બફર સ્ટૉક તૈયાર કરવા માટે કઠોળ, તેલીબિયાં તેમ જ ડુંગળી જેવી શાકભાજીના બજારભાવ ઊંચા હોય તો પણ ટેકાના ભાવથી કે બજારભાવે ખરીદી કરે છે.

ગુજરાત ભારતનું સૌથી વધારે મગફળી ઉત્પાદન કરતું રાજ્ય છે અને કેન્દ્ર સરકાર 2016ના વર્ષથી નિયમિત રીતે રાજ્યમાંથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે. તે જોતા આ વર્ષે પણ મોટા પાયે ખરીદી થશે તેવી ખેડૂતોને આશા છે.

કેન્દ્ર સરકાર નાફેડને દેશ લેવલે મગફળીની ખરીદી કરવાનું કામ સોંપી તેના મારફતે ગુજરાતમાં 2016-17માં 2.10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી હતી.

રાજ્ય સરકારના સત્તાવાર આંકડા મુજબ વર્ષ 2017-18માં 8.27 લાખ ટન, 18-19માં 4.46 લાખ ટન અને 2019-20માં પાંચ લાખ ટન મગફળીની ખરીદી થઈ હતી. 2020-21માં ખરીદી ઘટીને 2.02 લાખ ટન થઈ. 2021-22માં તે તેનાથી પણ ઘટીને માત્ર 95,230 મેટ્રિક ટન થઈ. તો વળી 2022-23ના વર્ષમાં તો કોઈ ખરીદી જ ના થઈ કારણ કે બજારભાવ ટેકાના ભાવથી ઊંચા રહ્યા હતા. 2023-24ના વર્ષમાં 35 હજારથી વધુ ખેડૂતોએ તેમની મગફળી વેચવા નામ નોંધાવ્યાં પણ માત્ર 12,024 મેટ્રિક ટન જેટલી મગફળી જ ખરીદ કેન્દ્રો પર લાવ્યા હતા.

આ વર્ષે ખરીદીની શું વ્યવસ્થા છે?

ગુજરાત, મગફળી, શીંગદાણા, ખેતી, ગુજરાતની ખેતી, કૃષિ, ખેડૂતો, ટેકાના ભાવ, કૃષિઉત્પાદન, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, રાજકોટ APMC કમિશન એજન્ટ ઍસોસિયેશનના પ્રમુખ અતુલ કમાણી

હિંમતનગરના કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત-કલ્યાણ અને સહકાર વિભાગનાં અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે રાજ્યમાં આ વર્ષે 3.70 લાખથી વધારે ખેડૂતોએ તેમની મગફળી સરકારને ટેકાના ભાવે વેચવા માટે તેમના નામ નોંધાવ્યાં છે.

આમ, ગયા વર્ષની સરખામણીએ 10 ગણા વધારે ખેડૂતોએ નોંધણી કરાવી છે.

બીબીસી ગુજરાતીએ મેળવેલ સત્તાવાર આંકડા મુજબ સૌરાષ્ટ્રના માત્ર પાંચ જ જિલ્લાઓમાં 2.50 લાખથી વધારે ખેડૂતોએ નામ નોંધાવ્યાં છે. તેમાં 82,799 નામની નોંધણી સાથે રાજકોટ જિલ્લો પ્રથમ છે. ત્યારબાદ જામનગર (46,306), જૂનાગઢ (42,472), દેવભૂમિ દ્વારકા (26,321 ) અને અમરેલી (24,602) આવે છે. અંજુ શર્માએ ઉમેર્યું કે મગફળી ખરીદવા માટે સરકારે 160 જેટલાં ખરીદકેન્દ્રો ખોલ્યાં છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીદી કરનાર એજન્સીઓ ખેડૂતોને તેમના મોબાઇલ પર એસએમએસ મોકલી ખરીદકેન્દ્ર પર મગફળી લાવવાની જાણ કરશે. આ ખરીદી ત્રણ મહિના સુધી ચાલશે.

'સરકાર ખરીદી પછી પૈસા આપવામાં મોડું કરે છે'

ગુજરાત, મગફળી, શીંગદાણા, ખેતી, ગુજરાતની ખેતી, કૃષિ, ખેડૂતો, ટેકાના ભાવ, કૃષિઉત્પાદન, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, રાજકોટ એપીએમસી યાર્ડમાં મગફળીની થઈ રહેલ હરાજીનું દૃશ્ય

બીબીસીએ જ્યારે ખેડૂત રમેશભાઈને પૂછ્યું કે તેમણે સરકારને મગફળીની વેચવા તેમનું નામ લખાવ્યું છે કે કેમ તો તેમણે કહ્યું, "સરકારી ખરીદીમાં પૈસા ક્યારે આપે તેનું કંઈ નક્કી હોતું નથી. મહિને પણ આવે અને છ મહિને પણ આવે. જો છ મહિને આવે તો ત્યાં સુધીમાં તો મારી વાડીમાં (ખેતરમાં) મધ્ય પ્રદેશથી આવી કામ કરતાં મજૂરો પણ તેમના વતન પાછા જતા રહ્યા હોય. વળી, મારે શિયાળુ પાક તરીકે ઘઉં અને ચણા વાવવા માટે પૈસાની જરૂર છે. એટલે ના છૂટકે ઓછા ભાવે પણ મગફળી ખુલ્લા બજારમાં વેચવી પડી. ત્રણ વર્ષ પહેલાં સરકારને મગફળી વેચી હતી અને પૈસા બહુ મોડા મળ્યા હતા. તેથી આ વર્ષે તો મેં નામ જ નથી લખાવ્યું."

ધીરજભાઈ કહે છે કે તેમને નામ નોંધાવેલું છે. તેમણે કહ્યું, "નોંધણી ચાલુ થયાના સાત-આઠ દિવસ પછી મેં નામ નોંધાવી દીધું હતું. પણ મારો વારો ક્યારે આવશે તે નક્કી નથી અને મારે પૈસાની જરૂર છે. પિયત કરવું છે (શિયાળુ પાક વાવવા છે), ઘઉં વાવવા છે તો પૈસા ક્યાંથી લાવવા? ડુંગળીનું હજુ વેચાણ થયું નથી.”

તેમની ગણતરી હતી કે જો વહેલા વારો આવે તો તેઓ સરકારી ખરીદીમાં મગફળી આપશે. પણ આ વર્ષે તો ખરીદી જ એક અઠવાડિયું મોડી ચાલું થઈ. તેથી મેં મારી મગફળી યાર્ડમાં વેચી નાખી.

'નાના ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચી શકતા નથી'

રાજકોટના પડધારી તાલુકાના ખરીદકેન્દ્રોએ સોમવારે ત્રણ ખાતાં ધરાવતા ખેડૂત સહદેવસિંહ જાડેજા અને બે ખાતા ધરાવતાં ખેડૂત વિનોદભાઈ લક્કડને તેમની મગફળી લાવવા એસએમએસ મોકલ્યા. તેમાંથી વિનોદભાઈ જ મગફળી લઈને રાજકોટ APMCના જૂના યાર્ડ ખાતે શરૂ કરાયેલા ખરીદકેન્દ્ર ખાતે આવ્યા.

બીબીસી સાથે વાત કરતા વિનોદભાઈએ જણાવ્યું, "પોતાનો માલ સસ્તામાં વેચવો કોને ગમે? તેથી મેં નોંધણીની કામગીરી શરૂ થઈ એટલે પહેલા દિવસે જ નામ નોંધાવી દીધું હતું અને મારો વારો આવતા મગફળી ખરીદકેન્દ્ર પર પહોંચાડી દીધી. શિયાળુ વાવેતર કરવાને હજુ 15 દિવસની વાર છે તે જોતા મેં આ સાહસ કર્યું છે. મારે પણ શિયાળુ વાવેતર કરવાનું છે અને જો સરકારમાંથી પૈસા મોડા મળશે તો હું પૈસાનો કંઇક મેળ કરી લઈશ.”

તેમનું કહેવું છે કે, “અમે બે ભાઈઓનો પરિવાર ભેગા રહી 25 વીઘામાં ખેતી કરીએ છીએ અને તેથી અમારા માટે આ શક્ય છે. કદાચ નાના ખેડૂતો તરત જ તેની મગફળી યાર્ડમાં વેચી નાખે."

પણ 52 વીઘામાં ખેતી કરતા સહદેવસિંહે જણાવ્યું કે તેમની મગફળી વરસાદના કારણે બગડી ગઈ છે.

તેઓ બીબીસીને જણાવે છે કે, "મેં જ્યારે મગફળી જમીનમાંથી ખેંચીને સુકાવા માટે પાથરી હતી ત્યારે જ વરસાદ પડ્યો. તેથી મગફળી બગડી ગઈ અને તે હજુ તૈયાર નથી. મને ડર છે કે તે સરકારી ખરીદી માટેની ગુણવત્તાની તે ના રહી હોય. જો મારી મગફળી રિજેક્ટ થાય તો મારે મગફળીને ખરીદકેન્દ્ર સુધી લઈ જવાનું ભાડું અને તેને ભરવા અને ઠાલવવાની મજૂરી માથે પડે. તેથી, હું તેને ખરીદકેન્દ્ર પર ના લઈ ગયો."

સરકારનું શું કહેવું છે?

ગુજરાત, મગફળી, શીંગદાણા, ખેતી, ગુજરાતની ખેતી, કૃષિ, ખેડૂતો, ટેકાના ભાવ, કૃષિઉત્પાદન, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં ટેકાના ભાવે મગફળીના ખરીદકેન્દ્ર પર કામ આટોપી આરામ કરી રહેલ મજૂરો

બીબીસી સાથે વાત કરતા ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે આ વર્ષે ખેડૂતોની મગફળી ઝડપથી ખરીદાય તેવી વ્યવસ્થા કરી છે.

તેઓ કહે છે કે, "રાજ્યમાંથી 11.27 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની છે અને તેના માટે 160 ખરીદકેન્દ્રો પર ખરીદી કરીશું. ઝડપથી ખરીદી થાય તે માટે ગુજકોમાસોલ અને NCCFએ ખરીદકેન્દ્રો પર વધારે માણસો મુકાવ્યા છે."

તેમણે ઉમેર્યું કે નામ નોંધવાની પ્રક્રિયા ચાલુ હોવાથી આ વર્ષે લાભપાંચમના દિવસથી ખરીદીની કામગીરી ચાલુ ના થઈ શકી.

ગુજકોમાસોલના ચૅરમૅન દિલીપ સંઘાણીએ કહ્યું,"અમારી પાસે પૂરતા માણસો છે અને ખરીદકેન્દ્ર પર આવતા ખેડૂતની મગફળી એક જ દિવસમાં ખરીદાઈ જાય, કોથળા ભરી તે ગોડાઉનમાં મૂકાઈ જાય, તેનાં બિલો બની જાય અને નાફેડને પહોંચી જાય અને નાફેડ તે જ દિવસે ખેડૂતને પૈસા આપી દે તે પ્રકારની અમે તૈયારી કરી છે.”

ઇન્ડિઍગ્રોના સીઈઓ માનસિંહ સિસોદિયાએ પણ બીબીસીને જણાવ્યું, તેઓ પણ ઝડપથી કામ કરશે. "અમે દરેક ખરીદકેન્દ્ર પર દરરોજ 50 ખેડૂતોને તેમની મગફળી સાથે આવવા જણાવીશું અને તેની ખરીદી કરીશું. અમારો ટાર્ગેટ અમને ફાળવાયેલા કેન્દ્ર પર ખરીદીનું કામ ત્રણ મહિનાને બદલે દોઢ મહિનામાં જ પૂરું કરી દેવાનો છે."

રાઘવજીભાઈનું કહેવું છે કે, "સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ચાલું થતા મગફળીના બજારભાવ પણ ઉચકાશે અને ખેડૂતોને તેનો પણ લાભ મળશે."

સંઘાણીએ ઉમેર્યું કે આ વર્ષે સરકાર ખેડૂતો પાસેથી ખાતા દીઠ 125 મણ નહીં પણ મહત્તમ 200 મણ મગફળી ખરીદશે તેથી ખેડૂતો તેમની મહત્તમ મગફળી ટેકાના ભાવે વેચી શકશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.