જળવાયુ પરિવર્તનની ગુજરાતના કૃષિપાકો પર કેવી અસર થઈ રહી છે?

જળવાયુ પરિવર્તનના કારણે દરિયાના પાણીનું સ્તર વધી રહ્યું છે જેની સીધી અસર કાંઠા વિસ્તારની જૈવ વિવિધતા પર થઈ રહી છે

ઇમેજ સ્રોત, DARPAK JOSHI/GEER FOUNDATION

ઇમેજ કૅપ્શન, જળવાયુ પરિવર્તનના કારણે દરિયાકાઠાં વિસ્તારની જમીનોમાં ખારાશનું સ્તર વધી રહ્યું છે
    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી સંવાદદાતા

''અગાઉ ઘંઉનું જે વાવેતર થતું હતું તેમાં અને આજે જે વાવતેર કરીએ છે એમાં ફરક આવી ગયો છે. અગાઉ કરતાં ઘંઉના દાણા નાના થઈ ગયા છે. ઘંઉના પાક માટે જરૂરી ઝાકળમાં પણ ઘટાડો થયો છે અથવા તો ઝાકળ નહીંવત જેવી હોય છે. જમીનમાં ભેજની જાળવણી માટે અને પાકના વિકાસમાં ઝાકળ બહુ જરૂરી છે.''

''સાલ 2023માં મેં ચાર એકરમાં ઘંઉની ખેતી કરી હતી પરંતુ તેમાં મને ખર્ચ માથે પડ્યો હતો કારણ કે જે પ્રમાણે ઉત્પાદન થવું જોઈતું હતું થયું તે નહોતું થયું. આ વખતે મેં ઘંઉની વાવણી કરી નથી.''

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામના ખેડૂત હેમુભાઈ જોગારાજિયા ખેતીમાં જે અનિશ્ચિત્તા આવી છે તેનું વર્ણન બીબીસી ગુજરાતી સમક્ષ કરી રહ્યા છે.

હેમુભાઈનો દાવો છે કે બાપા-દાદાના વખતથી ચાલી આવતી પાંરપરિક ખેતીમાં તેમને હવે પૂરતી આવક નથી થતી.

માત્ર મુખ્ય પાકો જ નહીં પરંતુ ફળોની ખેતીમાં પણ જળવાયુ પરિવર્તનની અસર થઈ રહી છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખેડૂત ઠાકુરભાઈ પટેલ બે-ત્રણ વર્ષથી કેરીની ખેતીમાં નુકસાની ભોગવી રહ્યા છે.

તેઓ કહે છે, ''જળવાયુ પરિવર્તનના કારણે કેરીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. આજથી પાંચ વર્ષ પહેલાં એક કેરીના ઝાડમાંથી 200-250 મણ કેરી મળતી હતી. દર વર્ષે ઉત્પાદન નીચે આવી રહ્યું છે. કમોસમી વરસાદ, વધતી ગરમી અને જોઈએ એવી ઠંડી ન પડવાના કારણે કેરી ઓછી આવી રહી છે. આ વખતે પણ મૉર આવ્યાં બાદ વધુ ગરમી અને કમોસમી વરસાદના કારણે તે કાળાં પડી ગયાં હતાં, જેના લીધે મને મોટું નુકસાન થયું છે.''

તેઓ વધુમાં જણાવે છે,''કેરીનાં વૃક્ષો જૂનાં હોવાથી કાપીને બીજા વાવવાની ઇચ્છા થતી નથી. હું હજુ એક-બે વર્ષ રાહ જોઈશ અને જો નુકસાન થતું રહેશે તો હું કેરીનાં વૃક્ષો કાપી નાખીશ. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.''

ગુજરાતમાં જળવાયુ પરિવર્તનને કારણે વિવિધ પાકોમાં મોટી અસર પડી રહી હોવાનું વિવિધ સંશોધનોમાં બહાર આવ્યું છે.

ગુજરાત પર કેવી અસર?

ગુજરાત સરકારે આ વિશે ગુજરાત સ્ટેટ ઍક્શન પ્લાન રિપોર્ટ બનાવ્યો છે. આ રિપોર્ટનાં તારણો આ પ્રમાણે છે.

  • દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદની ઘટનામાં વધારો થયો છે.
  • રાજ્યના ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડે છે. ભવિષ્યમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હોય એવા દિવસોની સંખ્યામાં વધારો થશે.
  • સમગ્ર ગુજરાતમાં ગરમ દિવસોની સંખ્યામાં વધારો થશે અને રાત્રે પણ તાપમાન વધારે હશે. દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં સારો એવો વધારો થશે.
  • હીટવેવની સંખ્યા અને તેવી તીવ્રતામાં વધારો જોવા મળશે. સરેરાશ કરતાં હીટવેવ વધારે દિવસો સુધી રહેશે.
  • કુદરતી પાણીના સ્ત્રોતમાં ઘટાડો આવશે અને પાણીની ગુણવત્તા પણ ખરાબ થઈ શકે છે.
  • દરિયાનું પાણીનું લેવલ પણ વધશે જેના કારણે કાંઠાવિસ્તારમાં રહેતા લોકોને અને જૈવ વિવિધતાને અસર થશે.
  • કપાસ સહિત કેટલાક પાકોની ગુણવત્તામાં ઘટાડો આવશે, પાકમાં જીવાતોનો હુમલો વધી શકે છે.
  • તાપમાન વધવાને કારણે ઘાસચારાની ગુણવત્તામાં ઘટાડો આવી શકે છે અને દૂધાળાં પશુઓને અસર થશે.

સંશોધનોમાં શું સામે આવ્યું?

જળવાયુ પરિવર્તનના કારણે ગુજરાતમાં હીટવેવની સંખ્યા અને તેવી તીવ્રતામાં વધારો જોવા મળશે. સરેરાશ કરતા હીટવેવ વધારે દિવસો સુધી રહેશે

ઇમેજ સ્રોત, MUKESH ACHARYA

ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકારના એક સંશોધન અનુસાર જળવાયુ પરિવર્તનને કારણે ગુજરાતમાં હીટવેવની સંખ્યા અને તેવી તીવ્રતામાં વધારો જોવા મળશે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આણંદ કૃષિ યુનિવર્સિટીએ જળવાયુ પરિવર્તનની ખેતી પર થતી અસર ઉપર સંશોધન કર્યું છે જે અનુસાર ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો આવશે.

ગુજરાતમાં વર્ષ 1961-1990 વચ્ચે વરસાદ પડ્યો તેનો આધાર લઇને આ તારણો આપવામાં આવ્યાં છે.

વિવિધ મૉડલનો આધાર લઇને સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં મહત્તમ તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસથી લઇને 7.7 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. જ્યારે લધુત્તમ તાપમાન 3.8 ડિગ્રીથી લઇને 5.2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. સાથે-સાથે વરસાદમાં પણ મોટા ફેરફારો આવશે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે અને તેની તીવ્રતા પણ વધારે હશે.

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સંશોધક હરિદાસ પટેલ પણ આ સંશોધન કરનાર ટીમમાં હતા.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હરિદાસ પટેલ કહે છે, ''આજે તમે જોશો તો સરેરાશ તાપમાન વધી ગયું છે. ઉનાળામાં હવે સરેરાશ તાપમાન 40 ડિગ્રી અથવા તેના કરતાં વધારે હોય છે. તાપમાનમાં આવેલા ફેરફારના કારણે પાકના ઉત્પાદનમાં ઘટાડો આવી રહ્યો છે. આજે ખેડૂતોને પાક ઉત્પાદનમાં સરેરાશ 15થી 20 ટકા જેટલા ઘટાડાનો સામનો કરવાનો વારો આવ્યો છે.''

''તાપમાન વધવાના કારણે પ્રકાશસંશ્લેષણ અટકી જાય છે અને પાક માટે વધુ પાણીની જરૂર પડે. પાક વહેલો તૈયાર થઈ જાય છે જેના કારણે જે પ્રમાણે ઉત્પાદન મળવું જોઈએ એ પ્રમાણે મળતું નથી.''

તેઓ વધુમાં જણાવે છે કે, ''માટીમાં જે માઇક્રોબાયૉલૉજિક ઍક્ટિવિટી ઉપર અસર થાય છે, જેના કારણે માટીની ગુણવત્તા પર અસર થાય છે. જો તાપમાન વધારે હોય તો જમીનની અંદર ભેજના પ્રમાણમાં ઘટાડો આવી જાય છે. આકરી ગરમી પડતી હોય ત્યારે જમીનમાં હાજર પોષકતત્ત્વોને ગંભીર અસર થાય છે. જમીનમાં હાજર બૅક્ટેરિયા અને સુક્ષ્મ જીવો વધુ ઊંડા જતા રહે છે જેની સીધી જમીનની ઉત્પાદકતા ઉપર પડે છે.''

રાજકોટ જિલ્લાના ચોરડી ગામમાં ભારે વરસાદ બાદ કપાસનો પાક સંપર્ણ ધોવાઈ ગયો છે

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, રાજકોટ જિલ્લાના ચોરડી ગામમાં ભારે વરસાદ બાદ કપાસનો પાક ધોવાઈ ગયો હતો

ગુજરાત ઍગ્રિકલ્ચરલ લેબર યુનિયને જળવાયુ પરિવર્તનને કારણે ગુજરાતમાં પાકોમાં શું અસરો થઈ શકે તે વિશે સંશોધન કર્યું હતું.

આ સંશોધન પ્રમાણે શિયાળામાં ઠંડી ઘટવાના કારણે મકાઈ, ઘંઉ, તુવેરદાળ અને અન્ય પાકો પર ગંભીર અસર થઈ શકે છે.

આ સંશોધન મુજબ ખેતપેદાશ ઘટવાના કારણે નાના અને સીમાંત ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થશે.

આ ઉપરાંત શિયાળામાં ઓછી ઠંડી પડવાના કારણે ખેડૂતોને જીવાત અને ફૂગનો સામનો કરવો પડશે જેના કારણે સરવાળે ખેતીનો ખર્ચ વધશે.

સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે તાપમાન વધવાના કારણે ભૂગર્ભજળનો વપરાશ વધશે.

થોડા દિવસો પહેલાં ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં માત્ર બે કલાકમાં 11 ઈંચ વરસાદ પડતા ભારે તારાજી સર્જાઈ હતી.

એ સમયગાળામાં રાજ્યના કેટલાક વિસ્તારો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી અને બોટાદમાં જોઈએ એવો વરસાદ નહોતો પડ્યો.

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સી. કે. ટિમ્બડિયા ગુજરાતના કેટલાક વિસ્તારમાં પડતા ધોધમાર વરસાદ પાછળ જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણે છે.

તેઓ કહે છે, ''દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ પડે એ સૂચવે છે કે ઋતુચક્રમાં ખામી સર્જાઈ છે જે મુખ્યત્વે જળવાયુ પરિવર્તનના કારણે છે. એક જ જગ્યાએ વધુ પડતો વરસાદ પણ પડી રહ્યો અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધટ છે. જે ચિંતાની વાત છે. ખેડૂતોએ પણ હવે ઋતુચક્રના હિસાબે વાવણી કરવી જોઈએ જેથી નુકસાની ઓછી થાય.''

તેમના મત પ્રમાણે,''ગુજરાતનો સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર ઓછા વરસાદવાળો વિસ્તાર હતો અને આજે ત્યાં ગુજરાતમાં જે સરેરાશ વરસાદ છે તેના કરતાં વધારે વરસાદ પડે છે. જે વિસ્તારમાં માત્ર બાજરી અથવા જુવાર થતી હતી, ત્યાં હવે ખેડૂતો વિવિધ પાક લઇ રહ્યા છે.''

થોડા સમય પહેલા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર)ના એક સંશોધન અનુસાર જળવાયુ પરિવર્તનના કારણે ગુજરાતમાં ઉનાળાના સમયગાળામાં વધારો થયો છે. સાથે-સાથે કમોસમી વરસાદમાં વધારો થયો છે. અલ-નીનોના કારણે ભારતમાં વરસાદનું ચક્ર બદલાયું છે.

આ વર્ષે ગુજરાતના દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો છે. બીજી બાજુ અરવલ્લી, ભાવનગર અને મોરબી જેવા જિલ્લાઓમાં જોઈએ એવો વરસાદ થયો નથી.

ગુજરાતના કયા પાકોને જોખમ?

વધુ વરસાદ અને પુરના કારણે નાશ પામેલ ઘંઉનો પાક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વધુ વરસાદને કારણે નાશ પામેલો ઘંઉનો પાક

વિવિધ સંશોધનો અનુસાર જળવાયુ પરિવર્તનના કારણે ગુજરાતના મુખ્ય પાકો- ઘંઉ, મગફળી, મકાઈ, ડાંગર અને અન્ય પાકો ઉપર અસર થઈ રહી છે. ઉત્પાદનમાં ઘટાડો થવાની સાથેસાથે ગુણવત્તા પર પણ અસર પડી રહી છે.

હરિદાસ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલાં સંશોધનો પ્રમાણે જળવાયુ પરિવર્તનની સૌથી વધુ અસર ઘંઉના પાકમાં જોવા મળશે.

આકરી ગરમીના કારણે ઘંઉના ઉત્પાદનમાં 61 ટકાનો ઘટડો થશે એવું સંશોધનમાં બહાર આવ્યું છે. ઉપરાંત ખરીફ મકાઈમાં 47 ટકાનો ઘટાડો થશે. આવી જ રીતે ખરીફ ડાંગરમાં 32 ટકા અને મગફળીના ઉત્પાદનમાં 24 ટકા ટકા ઘટ થશે એવું સંશોધનમાં બહાર આવ્યું છે.

હરિદાસ પટેલ કહે છે, ''મુખ્ય પાકો અને ખાસ કરીને રોકડિયા પાકોમાં જોઈએ એવું ઉત્પાદન નહીં મળે. તાપમાનમાં વધારો, અનિયમિત વરસાદ અને કમોસમી વરસાદના કારણે પાકમાં વિવિધ બીમારીઓ જોવા મળશે અને તેનાથી ખેતી વધુ મુશ્કેલ અને ખર્ચાળ બની જશે.''

જીરું એ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો મહત્ત્વનો પાક છે. નિષ્ણાતો પ્રમાણે જળવાયુ પરિવર્તનની તેની ઉપર પણ વ્યાપક અસર પડશે. કમોસમી વરસાદ, વધુ વરસાદ અને ગરમીના પ્રમાણમાં વધારો થવાના કારણે જીરું પકવતાં ખેડૂતોને નુકસાન થઈ શકે છે.

મધુભાઈ ધોરજિયા ગુજરાત કૃષિ વિભાગના જોઇન્ટ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, ''ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનું પ્રમાણ અને વરસાદનું પ્રમાણ છેલ્લાં વર્ષોમાં વધ્યું છે. તેની સીધી અસર જીરાંની ખેતી પર પડી રહી છે. ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાને કારણે પાકમાં ફૂગ લાગી રહી છે. તે ઉપરાંત જમીનની ગુણવત્તા ઉપર પણ અસર થઈ રહી છે. ભારે વરસાદને કારણે ગયા વર્ષે જીરાંનો પાક બગડી જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું.''

તેઓ વધુમાં જણાવે છે કે ગુજરાતમાં સરેરાશ ચાર લાખ હેક્ટર જમીનમાં જીરાંની ખેતી થાય છે અને સરેરાશ ઉત્પાદન 800 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે.

જળવાયુ પરિવર્તનના કારણે ખાદ્ય ફુગાવો વધ્યો

નાણાકીય વર્ષ 2024માં ખાદ્ય ફુગાવો 7.5 ટકા રહેવાનો અંદાજ છે

ઇમેજ સ્રોત, NATIONAL STATISTICAL OFFICE

ઇમેજ કૅપ્શન, નાણાકીય વર્ષ 2024માં ખાદ્ય ફુગાવો 7.5 ટકા રહેવાનો અંદાજ છે

ભારત સરકારના સાલ 2023-24ના આર્થિક સર્વેમાં જણાવ્યા પ્રમાણે જળવાયુ પરિવર્તનના કારણે ખાદ્ય ફુગાવો છેલ્લાં ત્રણ વર્ષમાં બમણો થઈ ગયો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે સાંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો. સર્વે પ્રમાણે નાણાકીય વર્ષ 2022માં ખાદ્ય ફુગાવો 3.8 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2023માં 6.6 ટકા થઈ ગયો હતો. જ્યારે તે નાણાકિય વર્ષ 2024માં 7.5 ટકા રહેવાનો અંદાજ છે.

ખાદ્ય ફુગાવો વધવાં પાછળનાં કારણો જણાવતાં સર્વે કહે છે કે જળવાયુ પરિવર્તનના કારણે ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. હીટવેવ, અનિયમિત વરસાદ, કમોસમી વરસાદ, વાવઝોડાં, એક સાથે વધુ માત્રામાં વરસાદ પડવાને કારણે અને વરસાદની ઘટના કારણે સમગ્ર વિશ્વમાં ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.

સર્વે અનુસાર જળવાયુ પરિવર્તનના કારણે નાણાકીય વર્ષ 2023 અને 2024માં ખેતીને મોટું નુકસાન થયું છે. સૌથી વધુ અસર શાકભાજી અને દાળની કિંમતમાં થઈ છે.

ડુંગળીનો દાખલો આપીને સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વરસાદને કારણે ડુંગળીનો ઊભો પાક ધોવાઈ ગયો હતો અને નવી વાવણી મોડી શરૂ થતાં ડુંગળીની છૂટક કિંમતમાં તોતિંગ વધારો નોંધાયો હતો.

સર્વેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ખાદ્ય અનાજના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ભારતના કૃષિ વિકાસદરમાં પણ ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2023-24માં કૃષિ વિકાસદર 1.4 ટકા હતો જ્યારે એ પહેલાં નાણાકીય વર્ષ 2022-23માં કૃષિ વિકાસ દર 4.7 ટકા રહ્યો હતો.

સર્વે પ્રમાણે અલ-નીનોના કારણે વરસાદની ઘટ સર્જાઈ હતી અને દેશના ઘણા વિસ્તારોમાં સરેરાશ કરતા પણ ઓછો વરસાદ પડ્યો હતો. કેટલીક જગ્યાએ વરસાદ મોડો શરૂ થતા ખેતીને વ્યાપક નુકસાન થયું હતું.

ખેડૂતો શું કરી શકે?

ખેડૂતોએ ભાવ કેટલા મળે છે, તેના કરતાં વાતાવરણને માફક આવે તેવા પાકોનું વાવેતર કરવું જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખેડૂતોએ વાતાવરણને માફક આવે તેવા પાકોનું વાવેતર કરવું જોઈએ

નિષ્ણાતોના મતે જળવાયુ પરિવર્તનની અસરને ખાળવા માટે ખેડૂતોએ નવી પધ્ધતિથી ખેતી કરવી પડશે. સાથે-સાથે એ પ્રકારના પાકોની વાવણી કરવી પડશે જે વાતાવરણના ફેરફાર સામે ટકી શકતા હોય.

હરિદાસ પટેલ કહે છે, ''ઘણા ખેડૂતોએ ખેતી અને તેની પધ્ધતિ બદલી નાખી છે. પહેલાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો જુવાર અને બાજરીની વાવણી કરતા હતા પરંતુ હવે તેઓ અલગઅલગ પાક લઈ રહ્યા છે. આ ફેરફાર ગુજરાતભરના ખેડૂતોને કરવો પડશે.''

બીબીસી સંવાદદાતા જય શુક્લએ આ વિશે કૃષિ વૈજ્ઞાનિક યોગેશ પવાર સાથે વાત કરી હતી.

તેઓ કહે છે, “વાવણીનો સમય, પાકના બિયારણની જાતો અને કૃષિપદ્ધતિમાં ફેરફાર કરીને ખેડૂતો તેના પાક પર તોળાતા જોખમને ટાળી શકે છે.”

નવસારી કૃષિ યુનિવર્સિટીના ઍસોસિયેટ ડાયરેક્ટર ઑફ રિસર્ચ ડૉ. લલિત મહાત્મા જણાવે છે, “જળવાયુ પરિવર્તનની ખેતીને થતી અસરથી બચવા ખેડૂતોએ ક્લાઇમેટ સ્માર્ટ ખેતી તરફ વળવું જોઈએ. કૃષિ ઇકૉસિસ્ટમ વિવિધતાસભર હોવી જોઈએ. ખાસ કરીને ખેડૂતોએ એવા પાકની પસંદગી કરવી જોઈએ જે વિશેષ ઍગ્રો ક્લાઇમેટ કન્ડિશનમાં ગરમી, ઠંડી અને વરસાદની અનિયમિતતાની અસરનો સામનો કરી શકે.”

તેઓ વધુમાં ઉમેરે છે, “પર્યાવરણની સ્થિતિ પ્રમાણે વાવેતરનો સમય, જમીનની ફળદ્રુપતાનું વ્યવસ્થાપન, રોગો સામેનું જોખમ ટાળવાનું આગોતરું આયોજન વગેરે પગલાં ખેડૂતોને મદદ કરી શકે છે.”

જોકે યોગેશ પવાર કહે છે કે ખેડૂતો પાકની પૅટર્ન બદલવા તૈયાર નથી હોતા. તેમના મત પ્રમાણે ખેડૂતો માટે પાકની પૅટર્ન બદલવી યોગ્ય પણ નથી.

તેઓ કહે છે, “બધા જ બાગાયતની ખેતી કરે તો પછી તેમને તેમના પાકનું મૂલ્ય નહીં મળે. જે સ્થિતિમાં ખેડૂત જે પાકની ખેતી કરવા ટેવાયો હોય તેમાં બદલાવ કરવો મુશ્કેલ છે. મગફળી જેવાં તેલીબિયાંના પાકને બદલીને બીજો પાક લેવો કે કપાસને બદલે બીજો કોઈ પાક લેવો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મુશ્કેલ છે. કારણકે તે તેમની પરંપરાગત પાક પદ્ધતિ છે અને તેઓ તેનાથી ટેવાયેલા છે.”

તેઓ સલાહ આપતા કહે છે કે ખેડૂતોએ ભાવ કેટલા મળે છે, તેના કરતાં વાતાવરણને માફક આવે તેવા પાકોનું વાવેતર કરવું જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.