પોરબંદરના બરડામાં સિંહ આવ્યા બાદ ઇકૉ-ટૂરિઝમ ચાલુ કરવામાં સરકારે ઉતાવળ કરી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
2023ના જાન્યુઆરી મહિનામાં એક સિંહ જૂનાગઢ જિલ્લાનો ગીર જંગલ વિસ્તાર છોડીને પોરબંદર પાસેના બરડાના જંગલમાં પહોંચ્યો અને ત્યાં સ્થાયી થયો.
તેના લગભગ બે વર્ષ પછી રાજ્ય સરકારે બરડા વન્યપ્રાણી અભયારણ્યમાં 29 ઑક્ટોબર, 2024ના રોજ બરડા જંગલસફારીની શરૂઆત કરી છે. આ સાથે જ બરડા જંગલમાં ઇકૉ-ટૂરિઝમની શરૂઆત થઈ છે.
અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ફેલાયેલા ગીર જંગલના સાસણ, દેવળિયા અને આંબરડી, ભાવનગરના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, સુરેન્દ્રનગરના ઘુડખર અભયારણ્ય અને જામનગરમાં આવેલા મરીન નૅશનલ પાર્કના ખીજડિયા પક્ષી અભયારણ્ય અને નરારા ટાપુ બાદ બરડાનું જંગલ ઇકૉ-ટૂરિઝમનું આઠમું કેન્દ્ર બની ગયું છે.
મંગળવારે 29 ઑક્ટોબરે ગુજરાતના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તનમંત્રી મૂળુભાઈ બેરાએ દેવભૂમિ દ્વારકાના ભાણવડ શહેર નજીક બરડા અભયારણ્યની કપૂરડી ચૅકપોસ્ટ ખાતેથી પ્રવાસીઓની જીપ્સીને લીલી ઝંડી દેખાડીને બરડા જંગલસફારીની વિધિવત્ શરૂઆત કરાવી હતી.
બરડા જંગલમાં ઇકૉ-ટૂરિઝમ શરૂ થવાથી શું ફેરફારો થશે? ત્યાંના સ્થાનિક લોકોનું આ અંગે શું કહેવું છે? શું અહીં પણ ગીરનાં જંગલોની જેમ સિંહ જોવા મળશે? શું સિંહ આવ્યાના માત્ર બે વર્ષમાં જ આ ટૂરિઝમ શરૂ કરવાનો નિર્ણય ઉતાવળભર્યો છે? બીબીસીએ આ વિશે વધુ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
બરડાનાં જંગલો ‘એશિયાટિક સિંહોનું બીજું ઘર’ કેવી રીતે બન્યાં?

ઇમેજ સ્રોત, Gujarat Information Department
બરડાના જંગલમાં લગભગ દોઢ સો વર્ષ પહેલાં એશિયાટિક સિંહો વસવાટ કરતા હતા પરંતુ શિકાર અને અન્ય કારણસર તે લુપ્ત થયા અને માત્ર ગીરના જંગલ પૂરતા સીમિત થઈ ગયા.
પરંતુ, ગુજરાત સરકાર અને સ્થાનિક લોકોના સહયોગથી સિંહોના રક્ષણ-સંરક્ષણ માટેના પ્રયાસોથી ગીરમાં સિંહોની વસ્તીમાં વધારો થયો છે.
ગુજરાત વનવિભાગના આંકડા મુજબ સિંહોની વસ્તી 1968ની સાલમાં માત્ર 177 હતી તે 2020માં વધીને 674 થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સિંહ એ ‘ટેરિટોરિયલ’ એટલે કે પોતાની હદ-સીમા બાંધતું અને તેની રક્ષા કરતું પ્રાણી હોવાથી તેમની વસ્તી વધતા 1990ના દાયકાથી સિંહો ગીરના જંગલની બહાર નીકળવા માંડ્યા અને પોતાનાં ઐતિહાસિક રહેઠાણોમાં પાછા ફરી રહ્યા છે.
વન્યજીવ સંરક્ષણકર્તા ભૂષણ પંડ્યા કહે છે કે, "કેટલાક દાયકાથી બરડાના જંગલને ગીર બાદ ‘સિંહોના બીજા ઘર’ તરીકે જોવાતું આવ્યું છે."
ગુજરાત સરકારે બરડાના જંગલમાં 2014માં સિંહોનું એક જીનપુલ સ્થાપ્યું અને ત્યાં સિંહો માટે કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર (સંરક્ષણ માટેનું સંવર્ધન કેન્દ્ર) ચાલુ થયું.
છેવટે 2023માં એક સિંહ બરડાના જંગલમાં કુદરતી રીતે પહોંચી ગયો. ત્યાર પછી એક બીજો સિંહ પણ બરડામાં આવ્યો.
ભૂષણ પંડ્યા કહે છે કે, "વનવિભાગે બરડાના જીનપુલમાંથી ચાર સિંહણોને જંગલમાં છોડી અને ગીર તરફથી વિચરણ કરતાં આવી ચડેલા સિંહો સાથે સંવનન કરવાથી એક સિંહણે બે બચ્ચાંને જન્મ પણ આપ્યો છે."
આમ તો સિંહ ગીરના જંગલની પૂર્વે 100 કિલોમીટરથી પણ વધારે અંતરે આવેલ ભાવનગરના પાલિતાણા સુધી પહોંચી ગયા છે. પરંતુ, સિંહો ગીરના જંગલથી આશરે 100 કિલોમીટર દૂર ઉત્તરે આવેલ બરડામાં પાછા ફર્યાં તેને એક મોટી ઘટના તરીકે જોવાય છે, કારણ કે વનવિભાગ બરડાના જંગલને સિંહોના વસવાટ બનાવવા માટે છેલ્લાં ઘણાં વર્ષોથી તૈયાર કરી રહ્યો હતો.
આ તૈયારીના ભાગરૂપે ચિત્તલ અને સાબરની વસ્તી વધારવાના ઉદ્દેશથી આ બંને પ્રજાતિનાં બ્રીડિંગ સેન્ટર (સંવર્ધન કેન્દ્રો) પણ બરડામાં સરકારે ચાલુ કર્યાં હતાં.
હરણની આ બંને પ્રજાતિ ગીરમાં પણ જોવા મળે છે અને આ તૃણાહારી પ્રાણીઓ સિંહોનો ખોરાક છે. ગયા વર્ષથી સિંહો ગીર તરફથી આવી બરડામાં રોકાઈ ગયા.
પણ જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળનાં મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુએ જૂન, 2024માં જણાવ્યું હતું કે બરડાના જંગલમાં ચિત્તલની વસ્તી માત્ર 190 જ હતી.
તેથી, સિંહો માટે પૂરતો ખોરાક ઉપલબ્ધ બને તે હેતુથી વનવિભાગે જૂન 2024થી ચિત્તલ અને સાબરને ગીર વિસ્તારમાંથી પકડી બરડામાં છોડવાનું ચાલુ કર્યું છે.
જંગલસફારીનો રૂટ શું છે અને લોકોને ક્યાં સુધી જવા દેવાશે?

હાલ બરડા જંગલસફારીનો પ્રથમ તબક્કો ચાલુ થયો છે. બરડા જંગલસફારીની શરૂઆત બરડા અભયારણ્યના ઈશાન છેડે કપૂરડી નેસ પાસે આવેલ કપૂરડી ચૅકપૉસ્ટ પરથી થશે.
બરડા અભયારણ્યના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર (RFO ) સામત ભમ્મરના જણાવ્યા અનુસાર, "પર્યટકોને લઈ જતી જિપ્સી કપૂરડી ચૅકપોસ્ટથી કિલેશ્વર મહાદેવ મંદિરના રસ્તે જંગલમાં આગળ વધશે અને કિલેશ્વરથી બે કિલોમીટર પહેલાં ચારણી આઈ ચૅકપોસ્ટ તરફ ફંટાશે."
"ત્યાંથી અજમાપાટ તરફ જશે. વચ્ચે કિલગંગા નદી આવશે અને ટૂરિસ્ટ જીપ્સી એક કૉઝવે પરથી ચાલી નદી પસાર કરશે. આગળ અજમપાટ ખાતે એક વ્યૂપૉઇન્ટ છે. વ્યૂપૉઇન્ટ પરથી પર્યટકો સુદૂર પથરાયેલ બરડાનું જંગલ જોઈ શકશે, તેમજ કિલગંગાની કોતરો, ફોડાળાનો વિસ્તાર, હડિયો ડુંગર, ખટારિયા નેસ વગેરે દેખાય છે."
તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, "અજમાપાટથી આગળ વધી પર્યટકો જિપ્સી જંગલના ભૂખબરા નેસ તરફ જશે અને વચ્ચે જાંબુડાંવાળી જર નામની કોતર આવશે. અહીં એક ચૅકડૅમ છે જેના કારણે એક જલપ્લવિત વિસ્તારનું સર્જન થાય છે અને તેમાં કમળ ખીલે છે."
"આ વિસ્તારમાં પક્ષીદર્શન પણ થઈ શકે છે. જાંબુડાંવાળી જરથી આગળ ભૂખબરા નેસ આવે છે જે કપૂરડી ચૅકપોસ્ટથી 13.5 કિમી દૂર છે. ભૂખબરાથી જિપ્સી પર્યટકોને એ જ રસ્તે પાછી કપૂરડી નેસ પરત ફરશે. આમ, બરડા જંગલસફારીનો રૂટ કુલ 27 કિમી લાંબો છે અને સફારી પૂર્ણ કરતાં પર્યટકોને સરેરાશ ત્રણ કલાક લાગશે."
સફારી દરમિયાન મુલાકાતીઓને મુખ્યત્વે બરડા જંગલનો ઉત્તર અને દક્ષિણ ભાગ જોવાનો લહાવો મળશે.
જંગલસફારીમાં લોકોની સંખ્યા પર નિયંત્રણ છે?

ઇમેજ સ્રોત, Gujarat Information Department
આરએફઓ ભમ્મરે બીબીસીને જણાવ્યું હતું કે, "પર્યટકો સવાર અને સાંજ એમ દિવસના બે ભાગમાં બરડા જંગલસફારીમાં જઈ શકશે. સવારની સફારી પોણા સાત વાગ્યે શરૂ થશે અને ત્રણ કલાક બાદ પોણા દસે પૂરી થશે. સાંજની સફારી ત્રણ વાગ્યે શરૂ થશે અને સાંજે છ વાગ્યે પૂરી થશે."
સવારના અને સાંજના સત્રમાં સત્ર દીઠ મહત્તમ ચાર સફારી પરમિટ આપવામાં આવશે.
એક પરમિટ દીઠ મહત્તમ છ પુખ્ત વયની વ્યક્તિઓ અને બે બાળકો સફારી પર જઈ શકશે.
સફારી માટે પર્યટકોએ અગાઉથી પરમિટ મેળવી લેવાની રહેશે. તેઓ પોરબંદર વનવિભાગની કચેરીના ફોન નંબર પર અથવા આરએફઓનો સંપર્ક કરી શકે છે.
ગુજરાત સરકારે આપેલી માહિતી અનુસાર આગામી સમયમાં આ પરમિટ માટે ઑનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે.
બરડા વન્યજીવ અભયારણ્ય સફારી માટે દર વર્ષે 16 ઑક્ટોબરથી 15 જૂન સુધી ખુલ્લું રહેશે તેમ વનવિભાગના અધિકારીઓ જણાવે છે.
શું ગીરની જેમ સિંહ બરડાના જંગલમાં પણ જોવા મળશે?

જંગલસફારીએ જતાં પર્યટકો માટે સિંહદર્શન એ આકર્ષણનું કેન્દ્ર હોય છે.
બીબીસી સાથે વાત કરતા મંત્રી મૂળુભાઈએ જણાવ્યું હતું કે, "લગભગ 143 વર્ષ પછી સિંહ બરડાના જંગલમાં પાછા ફર્યા છે. બરડામાં સિંહનો વાસ છે અને કુલ છ-સાત સિંહ છે. પણ શક્ય છે કે દરેક પર્યટકોને સિંહ જોવા ન મળે, કારણ કે સિંહોની સંખ્યા ઓછી છે. તેથી, અમે આ સફારીને લાયન સફારી નથી કહી રહ્યા પરંતુ બરડા જંગલસફારી કહીએ છીએ અને બરડાને આપણે સિંહોનું બીજું ઘર કહીએ છીએ."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "સરકારે બરડા જંગલની નજીક સાસણ નજીક દેવળિયા ખાતે આવેલ સફારીપાર્ક જેવો એક લાયન સફારીપાર્ક બનાવવાની મંજૂરી આપી દીધી છે. રાજ્યના બજેટમાં તેની જોગવાઈ થઈ ગઈ છે અને અમે મહેસૂલ ખાતા પાસેથી જમીનની માગણી કરી છે. આ લાયન સફારીપાર્ક બની જશે પછી લોકોને સિંહ અચૂક દેખાશે."
પોરબંદર વનવિભાગના નાયબ વનસંરક્ષક લોકેશ ભારદ્વાજ જણાવે છે કે, "બરડા વન્યપ્રાણી અભયારણ્યનો જે ભાગ ટૂરિઝમ માટે ખુલ્લો મુકાયો છે તે વિસ્તારમાં સિંહો પણ વિચરણ કરી રહ્યા છે. ટૂરિઝમ વિસ્તારમાં સિંહોની અવરજવર તો છે પણ દેખાશે જ એવી ગૅરન્ટી નથી."
"બરડા જંગલસફારીમાં અમારો આશય બરડાની આખી ઇકૉ-સિસ્ટમ લોકોને દેખાડવાનો છે. તેમાં બરડાની વનરાજી, વન્યજીવો, નદીઓ, પહાડો, ટેકરીઓ એમ બધાનો સમાવેશ થાય છે અને તેથી જ અમે આ સફારીને બરડા જંગલ સફારી એવું નામ આપેલ છે."
નિષ્ણાતો કહે છે, ‘સરકારે ઉતાવળ કરી’

ઇમેજ સ્રોત, Gujarat Information Department
ભૂષણ પંડ્યાએ ત્રણ દાયકા સુધી ગીરના સિંહ સહિતના વન્યજીવો અને વનરાજીનું ફોટા સાથેનું દસ્તાવેજીકરણ કરેલું છે.
તેઓ કહે છે કે, "ગુજરાત વનવિભાગે બરડામાં ઇકૉ-ટૂરિઝમ ચાલુ કરવામાં ઉતાવળ કરી છે. મને એમ લાગે છે કે આ બહુ વહેલું છે. બરડાનું જંગલ સિંહોનાં રહેઠાણ માટે ખૂબ સારું સાબિત થઈ શકે તેમ છે. પણ સિંહો હજુ ત્યાં આવ્યાને માત્ર બે વર્ષ થયાં છે."
"આ સિંહોને તેનાં નવાં રહેઠાણમાં ઠરીઠામ થવા માટે સમય આપવો જોઈએ. આવા સમયે માનવપ્રવૃત્તિ તેમના ઠરીઠામ થવાની પ્રક્રિયામાં વિક્ષેપ કરી શકે છે."
તેઓ કહે છે, "આપણે એક બાજુ કહીએ છીએ કે સિંહોને હાઈવે નડે છે અને બરડામાં નવાસવા આવેલા સિંહના વિસ્તારમાં જ આપણે પર્યટકોનાં વાહનો પ્રવેશવા દઈએ છીએ. આ જિપ્સી ધૂળની ડમરીઓ ઉડાડશે અને આવી ડમરી આજુબાજુનાં વૃક્ષો અને છોડનાં પાંદડાં પર જામી જશે અને તેનો વિકાસ રુંધાશે."
"પછી હોટલ, રિસૉર્ટ વગેરે બિલાડીના ટોપની જેમ ત્યાં ફૂટી નીકળશે. આથી, ઇકૉ-ટૂરિઝમ ચાલુ કરવા થોડી રાહ જોવાની જરૂર હતી.”
તેઓ ઉમેરે છે, "ટૂરિઝમથી કદાચ સ્થાનિક લોકોને લાભ થશે અને કદાચ તેના કારણે તેઓ સિંહોને તેમના વિસ્તારમાં વધારે સહજતાથી સ્વીકારશે. પણ, ખરેખર તો બરડાના જંગલમાં રહેતા લોકોને સારું પુનઃવસન પૅકેજ આપી અભ્યારણ્યની બહાર વસવાટ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ."
"જેથી કરીને વન્યજીવો જંગલની અંદર માનવોની દખલગીરી વગર જીવી શકે."
સરકાર કહે છે, ‘રોજગારીની તકો સર્જાશે’

ઇમેજ સ્રોત, Nayan Thanki
મૂળુભાઈ કહે છે કે, “પોરબંદર એ સોમનાથ અને દ્વારકા વચ્ચે આવેલું છે અને બરડાનું ઇકૉ-ટૂરિઝમ આ રૂટ પર નીકળતા પ્રવાસીઓને આકર્ષશે. હજુ થોડા દિવસ પહેલાં જ વડા પ્રધાને પોરબંદર નજીક આવેલા મોકારસાગર વૅટલૅન્ડને વિકસિત કરવા માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું. મુળદ્વારકા, વીસાવાડા, ઘુમલી, કિલેશ્વર, હાથલાનું શનિદેવનું મંદિર વગેરે બરડાની નજીક છે. ભાણવડ ખાતે વેરાડી, વર્તુ અને સોનમતી નદીના ત્રિવેણીસંગમનો વિકાસ કરવા ગુજરાત પ્રવાસન નિગમ 25 કરોડનો પ્રોજેક્ટ હાથ પર લેવાનું છે. ટૂરિઝમનો વિકાસ થતા રોજગારી વધશે."
નાયબ વનસંરક્ષક લોકેશ ભારદ્વાજ કહે છે કે, "જે ચાર જિપ્સીને સફારી પર લઈ જવા માટે મંજૂરી અપાઈ છે તે ચારેય બરડાની અંદર રહેતા માલધારી લોકોએ ખરીદી છે."
"નેસમાં તેમજ બરડા વન્યજીવ અભયારણ્યના ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં આવેલાં ગામોના લગભગ 15 જેટલા યુવાનોને ટૂરિસ્ટ ગાઇડ તરીકે તાલીમ આપવામાં આવેલી છે. સફારીદીઠ આવા યુવકોને 400 રૂપિયાનું મહેનતાણું મળશે."
આરએફઓ ભમ્મર કહે છે કે, "સફારી રૂટ પર વનવિભાગે નેસમાં રહેતા આઠ જેટલા માલધારીઓને શ્રમયોગી તરીકે કામે રાખ્યા છે. તે ઉપરાંત જ્યારે ઇકૉ-ટૂરિઝમના બીજા તબક્કામાં જે વિકાસકાર્યો થશે તેના સંચાલનમાં પણ સ્થાનિક લોકોને અગ્રતા આપવામાં આવશે."
બરડાના સ્થાનિક લોકોમાં આશા તથા સંશયનો ભાવ

ઇમેજ સ્રોત, Gujarat Tourism
બરડા જંગલની અંદર આવેલ બાળાનેસમાં રહેતા માલધારી વીરાભાઈ મોરી પાસે નવ ભેંસ છે અને સાથે જ માહી ડેરીનું એક સેન્ટર ચલાવી પોતાની આજીવિકા રળે છે.
રાજ્ય સરકારે બરડામાં ઇકૉ-ટૂરિઝમ ચાલુ કરવાનો નિર્ણય કર્યો પછી 27 વર્ષના વીરાભાઈએ નવ લાખની લોન લઈ એક જિપ્સી ખરીદી અને વનવિભાગમાં નોંધણી કરાવી લીધી.
બીબીસી સાથે વાત કરતાં વીરાભાઈ કહે છે, "ઇકૉ-ટૂરિઝમ ચાલુ થતા માલધારીઓને પશુપાલન સિવાયના ક્ષેત્રમાં રોજગારી મળશે. પણ મને ચિંતા એ બાબતની છે કે પૂરતા પર્યટકો બરડા જંગલસફારી માટે આવશે કે નહીં. અત્યારે તો પર્યટકોની સિઝન હોવાથી મારી જિપ્સીને દરરોજ બે ટ્રિપ કરવા મળે છે. પણ જો પછી બાકીના સમયમાં પર્યટકો ન આવે તો મારે તો જિપ્સીનો માસિક 24000નો હપ્તો ભરવો અશક્ય થઈ જાય."
પોરબંદર શહેરનો છાયા વિસ્તાર પણ પોરબંદર પક્ષી અભયારણ્યના ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં આવે છે અને છાયામાં રહેતા 32 વર્ષીય નયન થાનકીને વનવિભાગે બરડા જંગલસફારી માટે ગાઇડ એટલે કે ભોમિયા તરીકે માન્યતા આપી છે.
તેઓ કહે છે, "છાયાથી કપૂરડી નેસ 40 કિલોમીટર દૂર છે અને મારે મોટરસાઇકલ લઈ જવું પડે છે. મને મળતી ચારસો રૂપિયાની ફીમાં પેટ્રોલ અને ભોજનનો ખર્ચ બાદ કરતા કંઈ ખાસ બચત થતી નથી. પણ મારે મન લોકોને બરડા વિશે જાણકારી આપી શકાય તે મોટી વાત છે. આનાથી ભવિષ્યમાં મોટો ફાયદો થશે, કારણ કે બરડાનું જંગલ બહુ જ નયનરમ્ય છે અને ઇકૉ-ટૂરિઝમની દૃષ્ટિએ તેનું ખાસ ખેડાણ થયું નથી.”
તેઓ કહે છે, "હાલમાં તો બે દિવસે એક સફારીમાં ગાઇડ તરીકે જવાનો વારો આવે છે પણ સાસણની જેમ બરડામાં પણ ઇકૉ-ટૂરિઝમ વિકસે અને ગાઇડને દરરોજ કે એકાંતરે પણ એક સફારી મળે તો અમારા જેવા યુવાનનું ઘર ચાલે તેટલું કમાઈ શકાય."
મુલાકાતીઓ શું કહે છે?
બરડા જંગલસફારીમાં જતા લોકોને સિંહ દેખાશે તેવી આશા હોય છે પણ ટૂરિઝમ ચાલુ થયાના એક અઠવાડિયા દરમિયાન કોઈને સિંહ જોવા મળ્યા નથી.
બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા અમદાવાદના ચિંતન શાહ અને તેમનો પરિવાર 4 નવેમ્બરના રોજ બરડા જંગલસફારીમાં ગયો અને તેમને પણ સિંહ જોવા ના મળ્યા.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "અમે પોરબંદરમાં હતા અને દ્વારકા તરફ જવાનું હતું તેવામાં સાંભળ્યું કે બરડામાં જંગલસફારી ચાલુ થઈ છે. તેથી અમે સફરમાં જવાનું નક્કી કર્યું. અમારી અપેક્ષા હતી કે સિંહ જોવા મળે. પણ અમને કહેવામાં આવ્યું કે બરડામાં સિંહની સંખ્યા ખૂબ ઓછી છે અને કદાચ ના દેખાય. બરડામાં મને સિંહ ના દેખાયો તેની કોઈ ફરિયાદ નથી પણ મને બરડાનું ગાઢ જંગલ ખૂબ ગમ્યું. તે એકદમ સરસ છે અને અંદર જઈએ તો ખરેખર જંગલ હોય તેવું લાગે છે. અમને સાબર અને કલકલિયો જોવા મળ્યા તેનો વિશેષ આનંદ થયો.”
બરડાનાં જંગલો કેમ મહત્ત્વનાં છે?

ઇમેજ સ્રોત, Gujarat Tourism
પોરબંદરથી દ્વારકા જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 151 પરથી પસાર થતા કે પોરબંદરના રાણાવાવથી ભાણવડ વાટે જામનગર જતા લોકોનું બરડાના વૃક્ષાચ્છાદિત ડુંગરો તરફ ધ્યાન ગયા વગર ન રહે.
બરડા વન્યપ્રાણી અભયારણ્ય 192 વર્ગ કિલોમીટર એટલે કે 19200 હૅક્ટરમાં ફેલાયેલું છે. બરડાનાં જંગલોમાં વૃક્ષો, વેલા, છોડ અને ક્ષુપોથી છવાયેલા પર્વતો, ટેકરીઓ, કોતરો, નદીઓ, ઝરણાં અને સરોવરોનો સમાવેશ થાય છે.
સરકારની એક અખબારી યાદી મુજબ બરડાના જંગલમાં 368 વનસ્પતિ છે, જેમાં 59 વૃક્ષની જાત, 83 પ્રકારના છોડ, 200 પ્રકારના ક્ષુપ અને 26 પ્રકારના વેલાની પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
વનસ્પતિની 368 પ્રજાતિમાં ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ 54 ટકા છે. ત્યારબાદ 23 ટકા છોડ, વૃક્ષો 16 ટકા અને 9 ટકા વેલાનો સમાવેશ થાય છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્ત્વપૂર્ણ પ્રજાતિઓમાંની એક છે.
બીબીસી સાથે વાત કરતા મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, “બરડાનું જંગલ ઔષધીય વનસ્પતિનો ભંડાર છે.
તેમણે જણાવ્યું હતું બરડા જંગલ એ ઔષધીય વનસ્પતિનું ઘર છે. એ સિવાય ત્યાં રાણાસાર જેવું કુદરતી સરોવર, કિલગંગા નદી અને તેના કોતરો, ઘુમલી ખાતે 1400 વર્ષ જૂના મૈત્રકકાલીન નવલખાના મંદિર, મોડપર કિલ્લો, કિલેશ્વર મહાદેવનું મંદિર વગેરે બરડા જંગલની અંદર કે આજુબાજુ આવેલાં છે.”
તદુપરાંત, આ અભયારણ્ય કુલ 22 સસ્તન પ્રાણીની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે જેમાં સિંહ સિવાય દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણિયર, શિયાળ, લોંકડી અને સસલાં સામેલ છે.
અભયારણ્યમાં હરણ, સાબર, ચિત્તલ, નીલગાય અને જંગલી ભૂંડ જેવાં તૃણાહારી પ્રાણીઓ પણ વસવાટ કરે છે. આ અભયારણ્યમાં પક્ષીઓની પણ 269 પ્રજાતિ નોંધાયેલી છે જેમાં મોર, તેતર, દૂધરાજ, પીળીચાંચ ઢોંક, બુલબુલ, ચાશ, દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો વગેરેનો સમાવેશ થાય છે.
વેણુ, અભાપર, કાનમેર, સુલનાપરી, ભતવારી, માલક, દાંતાળા, કાલાડુંગર વગેરે ટેકરીઓ બરડામાં જાણીતી છે. બરડાની અંદર મોટી સંખ્યામાં માલધારીઓ પણ રહે છે અને પશુપાલન કરી તેમનું ગુજરાન ચલાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












