સિંહો સાથે જીવતા ગીરના લોકો વનવિભાગના આ પગલાંનો વિરોધ કેમ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
ગીરના જંગલમાં વસતા એશિયાટિક સિંહ અને ત્યાંના સ્થાનિકો ભલે વર્ષોથી એકબીજા સાથે અનુકૂલન સાધીને રહેતા હોય, પરંતુ ગીરના સિંહ સહિતની તમામ વન્યસૃષ્ટિને બચાવવા માટેના કેન્દ્ર સરકારના પ્રયાસો સાથે અનુકૂલન સાધવું એ ગીરના સ્થાનિકો માટે મુશ્કેલ બની રહ્યું હોય તેવું પ્રતીત થાય છે.
કેન્દ્ર સરકારના પર્યાવરણ,વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે 18 સપ્ટેમ્બર, 2024ના રોજ એક ગૅઝેટ બહાર પાડી ગીર રક્ષિત વિસ્તારના ઇકૉ-સેન્સિટિવ ઝોન (ESZ) એટલે કે ગીર વિસ્તારની જીવસૃષ્ટિ માટે સંવેદનશીલ વિસ્તારનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામા સામે દિલીપ સંઘાણી સહિતના ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતાઓએ સરકારને પત્ર લખીને અને જાહેર નિવેદન આપીને આ મામલે પોતાનો વિરોધ સ્પષ્ટ રીતે જાહેર કર્યો છે.
દરમિયાન ગુરૂવારે વનવિભાગે સ્પષ્ટતા કરીને લોકોને 'વાંધા-સૂચન' આપવા કહ્યું છે અને કેવાં પ્રકારની પ્રવૃત્તિઓ થઈ શકે તેના વિશે પણ સ્પષ્ટતા કરી છે.
ગીર રક્ષિત વિસ્તારમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર વન્યજીવ અભયારણ્ય, પાણીયા વન્યજીવ અભયારણ્ય અને મિતિયાળા વન્યજીવ અભયારણ્ય સમાવેશ થાય છે. આ જંગલ વિસ્તાર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં પથરાયેલો છે.
સમગ્ર વિશ્વમાં માત્ર ગીરનું જંગલ જ એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે. આમ તો સરકારના પ્રયાસો અને ગીર પંથકમાં રહેતા લોકોના સહકાર અને સહયોગથી સિંહોના રક્ષણ અને સંવર્ધનમાં મળેલી સફળતા દાખલારૂપ છે.
આમ છતાં આ બાબતે વિરોધ કેમ થઈ રહ્યો છે? વિરોધમાં સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ પણ આગેવાની લઈ રહ્યા છે? આ મુદ્દે વનવિભાગનું શું કહેવું છે?
ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, BHARATIYA KISAN SANGH
ગીર જંગલના પશ્ચિમ સીમાડે આવેલ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સુરવા ગામના ખેડૂત કમલેશ ભંડેરીને ઇકૉ-સેન્સિટિવ ઝોન વિષે પૂછો તો તેઓ થોડા ઉત્તેજિત થઇ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કહે છે,"લોકો જંગલખાતાથી થાકી ગયા છે કારણ કે તેઓ અમને પરેશાન કરે છે. જો કોઈ ખેડૂતે વાડી ખાતે રાત્રે જમણવારનો કાર્યક્રમ રાખ્યો હોય તો જંગલખાતાના લોકો ત્યાં જઈ રહેલા લોકોને રોકે છે અનેએવો આરોપ મૂકે છે કે તમે સિંહદર્શન કરવા જાવ છો."
"તેમણે બધી નદી ઇકૉ-ઝોનમાં લઈ લીધી છે તેથી અમારે ત્યાં ઢોરને પાણી પીવા લઈ જવા હશે તો પણ જંગલખાતાની મંજૂરી લેવી પડશે. અમારા ગામના PF (પ્રોટેકટેડ ફૉરેસ્ટ એટલે કે રક્ષિત વનવિસ્તાર) માંથી વાડી ખાતે જવાનો રસ્તો નીકળે છે. એ રસ્તાને જો રિપેર કરવો હોય તો જંગલખાતું બાજુમાંથી માટી પણ લેવા દેતું નથી. મહત્ત્વની વાત એ છે કે આ PF માટેની જમીન તો અમારી ગ્રામ પંચાયતે જ આપેલી છે. હવે ઇકૉ-ઝોન આવશે તો અમારા વારસદારો પણ અમને બોલશે."
કમલેશભાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં એ સવાલો ઉઠાવે છે કે, "સાસણને ઇકૉ-ઝોનમાં કેમ નથી સમાવ્યું? તમને એવું લાગે છે કે ખેડૂતોનો સ્વભાવ સિંહને નુકસાન કરવાનો હોય? અમને એવું લાગે છે કે ઇકૉ-ઝોન આવતા અમારે વધારે એક ખાતાની મંજૂરી લેવી પડશે અને તેથી ભ્રષ્ટાચાર વધશે."
છેલ્લા કેટલાય દિવસથી ઇકૉ-સેન્સિટિવ ઝોનના પ્રાથમિક જાહેરનામા વિરુદ્ધ તાલાલામાં ભારે વિરોધ થઈ રહ્યો છે.
કમલેશભાઈની જેમ જ ગીર જંગલના પૂર્વ સીમાડે આવેલ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખાડાધાર ગામના ખેડૂત રમેશ બોઘરા પણ પોતાનો રોષ કટાક્ષમાં વર્ણવે છે.
તેમનું કહેવું છે,"ખાડાધાર ખાંભા તાલુકાનું સૌથી મોટું ગામ છે તેમ છતાં અમારા ગામમાં ખેડૂતો પાસે માત્ર 700 વીઘા (આશરે 950 ચોરસ કિલોમીટર) છે. જયારે અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં મોટાભાગની જમીન તો જંગલખાતા પાસે છે, તેમ છતાં સિંહ-દીપડા અમારી વાડીમાં કેમ આવે છે?"
કારણ ગણાવતા રમેશભાઈ કહે છે, "જો અમારા વિસ્તારમાં સિંહ બીમાર પડે તો ખેડૂત કે માલધારી જંગલ ખાતાને જાણ કરે છે પણ એ જ સિંહ જો દોઢ લાખની અમારી ભેંસને મારી નાખે તો વનવિભાગ રૂપિયા વીસ હજાર જ વળતર આપે છે. કાયદા ખેડૂતોના રક્ષણ માટે હોય કે માત્ર જંગલી જનાવરના?"
રમેશભાઈ ખાડાધાર ગામના સરપંચ પણ છે.
તેઓ વધુમાં જણાવે છે, "જંગલખાતાના લોકો ઇકૉ-ઝોન બાબતે મિટિંગ કરવા અમારા ગામે આવ્યા હતા પણ અમે તેમનો વિરોધ કર્યો હતો."
ઇકૉ-સેન્સિટિવ ઝોન એટલે શું?

ઇમેજ સ્રોત, BHARTIYA KISAN SANGH
ભારતમાં વન્યજીવોના રક્ષણ માટે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 અમલમાં છે. તે જ રીતે વન, ઘાસનાં મેદાનો, જળપ્લાવિત વિસ્તારો, સમુદ્ર કાંઠાના વિસ્તાર કે જે સામાન્ય રીતે આવા વન્યજીવોનાં રહેઠાણ હોય તેના રક્ષણ માટે ભારતીય વન અધિનિયમ, 1927 અને વન (સંરક્ષણ) અધિનિયમ, 1980 અમલમાં છે.
આ ઉપરાંત પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ 1986 અમલમાં છે.
કેન્દ્ર સરકાર વન્યજીવોના રક્ષણ માટે મહત્ત્વના વિસ્તારોને વન્યજીવ કાયદા હેઠળ રાષ્ટ્રીય ઉદ્યાનો જાહેર કરે છે. તે જ રીતે, રાજ્ય સરકારો મહત્ત્વના વિસ્તારોને વન્યજીવ અભયારણ્યો, ટાઇગર રિઝર્વ્સ (વાઘ માટેના આરક્ષિત વિસ્તાર), કંઝર્વેશન રિઝર્વ્સ (સંવર્ધન માટે આરક્ષિત વિસ્તાર), કૉમ્યુનિટી રિઝર્વ્સ (સામુદાયિક આરક્ષિત વિસ્તાર) જાહેર કરે છે.
ઉદ્યાનો અને અભયારણ્યો કે જેને રક્ષિત વિસ્તારો કહેવાય છે, તેમાં કાયદા કડક હોય છે અને સામાન્ય વ્યકિત સરકારની પરવાનગી વગર તેમાં પ્રવેશી શકતી નથી. આવા રક્ષિત વિસ્તારોની હદ નક્કી કરેલી હોય છે. પરંતુ વન્યજીવો તો આવા અભયારણ્યો કે ઉદ્યાનોની સીમા ઓળંગી મુક્તપણે વિચરણ કરતા હોય છે.
2020માં ગુજરાત વન વિભાગે ‘પૂનમ અવલોકન’ નામની કવાયતથી કરેલ એશિયાઈ સિંહોની વસ્તીગણતરી મુજબ સિંહોની કુલ વસ્તી 674 હોવાનો અંદાજ બાંધ્યો હતો. પરંતુ નોંધપાત્ર બાબત એ હતી કે આ 674 સિંહોમાંથી 329 સિંહો રક્ષિત વિસ્તારોની બહાર એટલે કે માનવવસ્તી ધરાવતા મહેસુલી વિસ્તારો કે જ્યાં સરકારના મહેસુલ વિભાગના કાયદા લાગુ પડે તેમાં નોંધાયા હતા.
આમ, લગભગ 49 ટકા સિંહો રક્ષિત વન વિસ્તારોની બહાર વસવાટ કરતા હતા.
માનવપ્રવૃતિઓમાંથી કેટલીક પ્રવૃતિઓ ઉદ્યાનો અને અભયારણ્યોમાં રહેતી જીવસૃષ્ટિ પર સીધી કે આડકતરી રીતે ખરાબ અસર કરી શકે છે. દાખલા તરીકે ખાણકામ જમીનની સપાટી બદલી શકે છે, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો જળ, જમીન અને હવાને દૂષિત કરી શકે છે અને તેના કારણે વન્યજીવસૃષ્ટિ પર અવળી અસર પડી શકે છે.
તેથી ભારતના રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડે 2002માં ઉદ્યાનો અને અભયારણ્યોની ફરતે માનવપ્રવૃત્તિઓથી ઉદ્ભવતા આઘાતને ઝીલી શકે, રક્ષિત વિસ્તારની ફરતે આવેલ વિસ્તારનું પર્યાવરણ કથળે નહીં અને રક્ષિત વિસ્તારોની આજુબાજુ વિચરણ કરતાં વન્યજીવોને પણ કંઈક અંશે રક્ષણ મળી રહે તે માટે ઉદ્યાનો અને અભયારણ્યોની ફરતે ઇકૉ-સેન્સિટિવ ઝોન બનાવવાનું સૂચન કર્યું હતું.
વર્ષ 2002માં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડે મંજૂર કરેલી વન્યજીવ સંરક્ષણ વ્યૂહરચના-2002માં ઇકૉ-સેન્સિટિવ ઝોનની વિભાવના રજૂ કરેલી હતી.
તેમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યોની સરહદો ફરતે પથરાયેલ 10 કિલોમીટર સુધીના વિસ્તારોને ઇકો ફ્રેઝાઇલ એટલે કે જીવસૃષ્ટિ માટે કમજોર ક્ષેત્ર જાહેર કરવા.
રાષ્ટ્રીય વન્યજીવ કાર્યરીતી યોજના (2002-2016)માં એવું સૂચવવામાં આવ્યું કે રક્ષિત વિસ્તારોનાં સમૂહો વચ્ચેનાં વિસ્તારો ઘણી વાર એકબીજાને જોડતા કૉરિડોર એટલે કે આવાગમનનાં રસ્તા હોય છે અને જૈવવૈવિધ્યના વિસ્તારોને એકબીજાથી વિખુટા પડતા રોકવા માટે આવા કૉરિડોરનું રક્ષણ કરવું જોઈએ. કારણકે એકબીજાથી અલિપ્ત વિસ્તારોની જૈવવિવિધતા લાંબે ગાળે ટકી શકશે નહીં.
રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ, 2006માં આપેલ વ્યાખ્યા પ્રમાણે ઇકૉ-સેન્સિસ્ટિવ ઝોન એટલે, "એવા વિસ્તાર/ ક્ષેત્ર કે જ્યાં અતુલ્ય કુદરતી સંપદા રહેલ રહેલ છે અને તેમના ભૂપ્રદેશ, વન્યજીવો, જૈવિક વિવિધતા તેમજ ઐતિહાસિક અને કુદરતી મૂલ્યના કારણે તેમના સંવર્ધન માટે વિશેષ પગલાં લેવાં જરૂરી છે."
ટૂંકમાં ઇકૉ-સેન્સિટિવ ઝોન એટલે એવો વિસ્તાર કે જે વન્યપ્રાણીઓને થોડેઘણે અંશે રક્ષણ પૂરું પાડે, તેમના મુખ્ય રહેઠાણને માનવીય પ્રવૃત્તિઓની અનિચ્છનીય અસરોથી બચાવે.
ઇકૉ-સેન્સિટિવ ઝોન કેટલો મોટો હોઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
સરકારની શરૂઆતની વિચારણા હતી કે ઉદ્યાન કે અભયારણ્યની સરહદથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલ વિસ્તારને ઇકૉ-સેન્સિટિવ ઝોન જાહેર કરવો.
સુપ્રીમ કોર્ટે પણ 2002ની વ્યૂહરચના મુજબ 10 કિલોમીટર વિસ્તાર ઇકૉ-સેન્સિટિવ ઝોન જાહેર કરાય તેવા હુકમો કર્યા, પરંતુ સરકારે વિવિધ પરિબળોને ધ્યાને લઈને એવી રજૂઆત કરી કે દરેક રક્ષિત વિસ્તારની 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારને ESZ જાહેર કરવો શક્ય નથી, પરંતુ દરેક રક્ષિત વિસ્તારનો ESZ ત્યાંની સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ અલગ-અલગ રાખવો પડશે. સુપ્રીમે કોર્ટે પણ આ વાત માન્ય રાખી છે.
જોકે, 2018માં સુપ્રીમે કોર્ટે એક હુકમ કર્યો કે જે રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યોના ESZ જાહેર નથી થયા તેવાં ઉદ્યાનો અને અભયારણ્યોની આજુબાજુના 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલ વિસ્તારને ESZ ગણવો. પરંતુ સરકાર જ્યારે આવાં ઉદ્યાનો કે અભયારણ્યોના ESZ જાહેર કરી દે ત્યારથી 10 કિલોમીટર સુધીના વિસ્તારને ESZ ગણવાનો હુકમ અમલમાં રહેશે નહીં.
વળી, 2023માં સુપ્રીમ કોર્ટે પોતાના 2022ના ચુકાદામાં સુધારો કરતા ઠેરવ્યું કે કોઈ ઉદ્યાન કે અભયારણ્યનો ESZ એક કિલોમીટર સુધી તો વિસ્તરેલો હોવો જ જોઈએ એવું ફરજિયાત નથી.
ગીરનો પ્રસ્તાવિત ઇકૉ-સેન્સિટિવ ઝોન કેટલો છે?

ઇમેજ સ્રોત, Getty Images
કોઈ ઉદ્યાન કે અભયારણ્યનો ESZ નક્કી કરવાની સત્તા જે-તે રાજ્ય સરકાર કે કેન્દ્રશાસિત પ્રદેશને છે. તે મુજબ, રાજ્ય સરકાર ESZ નક્કી કરી, વિગતો સાથેનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલે.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આવા પ્રસ્તાવનો યોગ્ય અભ્યાસ કરી, ગૅઝેટ નોટિસથી આવાં ઉદ્યાન કે અભયારણ્યના ESZનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડે છે.
18 સપ્ટેમ્બર 2024ના પ્રાથમિક જાહેરનામામાં કેન્દ્ર સરકારે ગીર રક્ષિત વિસ્તારની ફરતે તેમ જ નજીકમાં આવેલ 2061 ચો. કિમી. વિસ્તારને ગીરના સૂચિત ઇકૉ-સેન્સિટિવ ઝોન જાહેર કર્યો.
તેમાં 196 ગામોનો 1779 ચો. કિમી. વિસ્તાર, 17 નદીઓનો 163 ચો. કિમી. વિસ્તાર કે જેને ‘રિવરાઇન કોરિડોર’ એટલે કે વન્યજીવોના નદીકાંઠાના અવરજવરના માર્ગો, 107 ચો. કિમી.માં પથરાયેલા જમીન પરના મહત્ત્વના વન્યપ્રાણીઓના અવરજવરના ચાર માર્ગો, તુલશીશ્યામ ધાર્મિક સ્થળવાળો 12 ચો. કિમી.નો વિસ્તાર તેમજ નજીકનાં પ્રોટેકટેડ ફૉરેસ્ટ (રક્ષિત વન), આરક્ષિત વન (રિઝર્વ ફૉરેસ્ટ) અને અનકલાસિફાઇડ ફૉરેસ્ટ (બિનવર્ગીકૃત વન)નો સમાવેશ થાય છે.
સૂચિત ESZમાં સમાવવામાં આવેલ અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું મોણવેલ ગામ ગીર રક્ષિત વિસ્તારની હદથી 9.5 કિલોમીટર દૂર છે અને તે રક્ષિત વિસ્તારથી ESZમાં આવેલ સૌથી દૂરનું બિંદુ છે.
ભાજપના નેતાઓ શા માટે કરી રહ્યા છે વિરોધ?

ઇમેજ સ્રોત, RAJAN JOSHI
ભાજપના ગીર સોમનાથ જિલ્લા એકમના પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ 30 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી માંગણી કરી કે ગીર સોમનાથ જિલ્લાનાં તાલાળા અને ગીરગઢડા તાલુકાનાં તેમજ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનાં ગામોને ઇકૉ-સેન્સિટિવ ઝોનમાંથી બાકાત રાખવામાં આવે કારણ કે ESZમાં આવતાં "આવાં ગામોમાં બિનખેતી તથા રિસોર્ટ તથા નાના ઉદ્યોગોના વ્યવસાયમાં ખલેલ થાય તેમ છે. જેથી આ ગામોના ખેડૂતોને મુશ્કેલી પડી શકે તેમ છે."
અમરેલીમાંથી ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી ખાતરનું ઉત્પાદન કરતી સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કૉઑપરેટિવ લિમિટેડ (ઇફ્ફકો)ના પણ અધ્યક્ષ છે.
તેમણે પણ અંગ્રેજી દૈનિક ધ ઇન્ડિયન ઍક્સપ્રેસને જણાવ્યું હતું કે, “જો ગામડાંના વિકાસના ભોગે વન્યપ્રાણી રક્ષણની વાતો થશે તો તેઓ ગામડાંમાં આંદોલન કરશે અને કાયદાઓ બદલવાની સરકારને ફરજ પાડશે. તા. 07 ઑક્ટોબર, 2024ના રોજ અમરેલી જિલ્લામાંથી ધારાસભ્યો ચૂંટાયેલા કૌશિક વેકરિયા, મહેશ કસવાળા અને જે. વી. કાકડિયા ગુજરાતના વન, પર્યાવરણ અને હવામાન પરિવર્તન વિભાગના મંત્રી મૂળુ બેરાને મળી રજૂઆત કરી હતી.
બીબીસી સાથે વાત કરતાં ધારાસભ્ય મહેશ કસવાળાએ કહ્યું, "અમે રજૂઆત કરી કે ઇકૉ-સેન્સિટિવ ઝોન બનવાને કારણે ખેડૂતોની કોઈપણ પ્રવૃત્તિમાં હસ્તક્ષેપ ના થાય, તેઓ ચોવીસેય કલાક ટ્રૅક્ટર ચલાવી શકવા જોઈએ, પોતાના પાકની સિંચાઈ કરી શકવા જોઈએ, પોતાના ખેતર ફરતે કંટાળી વાડ કરવાની છૂટ હોવી જોઈએ વગેરે. ઇકૉ-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું અંગ્રેજી અને હિન્દીમાં છપાયું છે જેને સ્થાનિક લોકો સમજી શકતા નથી. તેથી કેટલીય માન્યતાઓ પ્રવર્તે છે અને ઇકૉ-સેન્સિટિવ ઝોનનું નામ આવતા લોકો ડરી જાય છે. તેથી મંત્રીશ્રીને અમે રજૂઆત કરી કે જાહેરનામાનું ગુજરાતીમાં ભાષાંતર કરી લોકોને સમજાવવામાં આવે."
09 ઑક્ટોબર 2024ના રોજ અમરેલીના ધારી ખાતે ગુજરાતના પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રસ્તાવિત ઇકૉ-સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવા માટે આયોજિત ખેડૂતોના એક સંમેલનને સંબોધન કર્યું.
તો વળી એના બે દિવસ પહેલાં 7 ઑક્ટોબર, 2024 સોમવારે જ ભારતીય કિસાન સંઘે જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુની ઑફિસમાં આવેદનપત્રો સોંપી પ્રસ્તાવિત ESZ સામે વિરોધ નોંધાવ્યો હતો.
વનવિભાગે કરી સ્પષ્ટતા

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR
આ મામલે જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં વિરોધની ગતિવિધિ તેજ બનતાં રાજ્યના વનવિભાગે ખેડૂતો અને સ્થાનિક રહિશોની આ જાહેરનામા મામલે જન્મેલી શંકાઓના નિવારણ માટે કેટલાક ગુજરાતી દૈનિકોમાં આ જ મુદ્દાઓની છણાવટ કરતી જાહેરખબરો પણ છપાવી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુએ કહ્યું, "પત્રિકાઓ ઉપરાંત અમે અમારા સ્ટાફને સૂચના આપી છે કે સૂચિત ઇકૉ-સેન્સિટિવ ઝોનના પ્રાથમિક જાહેરનામાની મહત્ત્વની જોગવાઈઓના ગુજરાતીમાં ભાષાંતર કરેલ પૅમ્ફલેટ (ચોપાનિયા) લઈ ગામડાંની મુલાકાત કરો."
"ગ્રામજનો સાથે મીટિંગ ગોઠવી, પૅમ્ફલેટનું વિતરણ કરી તેમને જણાવો કે આ જાહેરનામામાં નવું કઈ નથી, પરંતુ ખરા અર્થમાં ઇકૉ-સેન્સિટિવ ઝોનનો વિસ્તાર તો ઘટી રહ્યો છે. અમે આ મામલાની સમજણ સ્પષ્ટ કરતો એક વીડિયો બનાવીને પણ લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ."
વિરોધને ખાળવા માટે ગીર (પૂર્વ) વન્યપ્રાણી વિભાગના નાયબ વનસંરક્ષક રાજદીપસિંહ ઝાલાએ ગુરૂવારે અમરેલીના ખાંભા ખાતે પત્રકાર પરિષદ બોલાવીને ESZ વિશે ઊભી થયેલી ભ્રમણાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો.
ઝાલાએ કહ્યું, "18મી સપ્ટેમ્બર, 2024ના રોજ ગીર પ્રૉટેક્ટેડ ઍરિયા નેટવર્ક માટે ડ્રાફ્ટ નૉટિફિકેશન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તે પબ્લિશ થયાના 60 દિવસમાં વાંધા-સૂચનો મગાવવામાં આવે છે અને ચોક્કસ વાજબી કે યોગ્ય વાંધા-સૂચનો હશે તેને સરકાર ધ્યાનમાં લેશે."
"આવા વિસ્તારમાં ઘર, દુકાન, હોટેલ, નાના ઉદ્યોગ કે કુટિર ઉદ્યોગ ચોક્કસ આ વિસ્તારમાં કરી શકે છે. તેમાં કોઈ બંધન હોતા નથી. ફક્ત મોટા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની ઉપર મનાઈ કરવામાં આવેલી છે."
ઝાલાએ વધુમાં જણાવ્યું, "કોઈ ખેતરમાં ઓરડી કે પશુ માટે બાંધકામ કરવું હોય, દવા કે ખાતર રાખવા માટે કોઈ બાંધકામ કરવું હોય તો રૅવન્યૂના કાયદા છે તે મુજબ ચોક્કસ બાંધકામ કરી શકે છે. તેના ઉપર ઇકૉ-સેન્સિટિવ ઝોનમાં હોવાને કારણે કોઈ બંધનો નડતા નથી. તે સાથે ખેતરો કે ઘરોમાં વીજ કનેક્શન લેવું તો તે બાબતે પણ કોઈ બંધનો નથી."
આ સિવાય ઝાલાએ ગુજરાત સરકારના વર્ષ-2015ના ઠરાવનો ઉલ્લેખ કરીને અભ્યારણ્યની બહાર એક કિલોમીટરના હદવિસ્તારમાં કઈ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ શકે તેના વિશે પણ સ્પષ્ટતા કરી હતી.
ઝાલાએ કહ્યું, "વીજળીના તાર ખેંચવા, ઘર કે હોટેલની ફરતે વાડ કરવી, ખેતરની ફરતે શેઢા કરવા, ખેતર સુધી પહોંચવા માટેના રસ્તા બનાવવા, હયાત રસ્તા પહોળા કરવા, તેને રિસર્ફેસ કરવા, રાત્રિ દરમિયાન ખેતરે અવરજવર કરવી કે ખેતી કરવાને ઇકૉ-સેન્સિટીવ ઝોનના નિયમો લાગુ નથી પડતા."
ઝાલાએ ઉમેર્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે છેલ્લા આઠ-દસ વર્ષથી ઇકૉ-સેન્સેટિવ ઝોન લાગુ જ છે. પહેલાં ત્રણ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઇકૉ-સેન્સિટીવ ઝોનનો નિયમ લાગુ હતો, જે હવે ઘટીને બે હજાર 61 કિલોમીટરનો રહેશે.
શું પહેલાં ક્યારેય આવો વિરોધ નહોતો થયો?

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્ટોબર 25, 2016ના રોજ જ્યારે કેન્દ્ર સરકારે ગીર રક્ષિત વિસ્તારના ઇકૉ-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું ત્યારે પણ આવો વિરોધ થયો હતો.
ધારી વિધાનસભા બેઠકના તત્કાલીન ધારાસભ્ય નલિન કોટડીયાએ આવા વિરોધની આગેવાની લીધી હતી.
તે જાહેરનામામાં 3328 ચો. કિમી. વિસ્તારને ESZ જાહેર કરવાનો પ્રસ્તાવ હતો. તેમાં 291 ગામોની 2279 ચો. કિમી. જમીનનો સમાવેશ થતો હતો.
કેન્દ્ર સરકાર ઑક્ટોબર 25, 2016ના જાહેરનામાના આધારે ફાઇનલ નૉટિફિકેશન એટલે કે અંતિમ જાહેરનામું બહાર પાડે તે પહેલાં જ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને એક સુધારેલ પ્રસ્તાવ મોકલી આપ્યો. આ સુધારેલ પ્રસ્તાવમાં માત્ર 1411 ચો. કિમી.ને ESZ જાહેર કરવાનું સૂચવ્યું.
પરંતુ બીરેન પાઢ્યા નામની વ્યક્તિએ ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરી કે ગીરનો સૂચિત ESZ ઘટાડવામાં ના આવે અને કેન્દ્ર સરકારને આ મુદ્દાનો ઉકેલ ના આવે ત્યાં સુધી અંતિમ જાહેરનામું બહાર ના પાડવાની સૂચના આપવામાં આવે.
કોર્ટે પાઢ્યાની આવી દાદ માંગતી અરજી મંજૂર રાખી.
દરમિયાન રાજ્ય સરકારે 2023ના સપ્ટેમ્બરમાં ગીર રક્ષિત વિસ્તારની ફરતે ESZ જાહેર કરવા માટે ત્રીજો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો. આ ત્રીજા સુધારેલ પ્રસ્તાવના આધારે કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બર 2024ના રોજ ગીરના ESZ માટે બીજીવાર પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું.
ઇકૉ-સેન્સિટિવ ઝોન બનવાથી કેવી પ્રવૃત્તિઓ બંધ થાય?

ઇમેજ સ્રોત, Getty Images
ESZમાં વ્યાપારિક ધોરણે ખનીજોનું ખોદકામ ના થઈ શકે, પથ્થરોની ખાણો ખોદી ના શકાય તેમજ ભરડિયા પણ ના ચલાવી શકાય.
પ્રદૂષણ ફેલાવતાં કારખાનાં અને જોખમી રસાયણો/વસ્તુઓનું ઉત્પાદન કે વપરાશ ના થઈ શકે. ESZમાં મોટા જળ-આધારિત વિદ્યુત મથકો સ્થાપી ના શકાય.
ઇંટોના ભઠ્ઠા, લાકડા કાપવાની મિલ, પેઢી કે કોઈ કંપની દ્વારા વ્યાવસાયિક ધોરણે તબેલા કે મત્સ્યઉછેર કેન્દ્રો ના સ્થાપી શકાય.
આ પ્રતિબંધિત પ્રવૃતિઓ ઉપરાંત ESZમાં કેટલીક બાબતોનું નિયમન કરવામાં આવે છે. એટલે કે તેવી પ્રવૃત્તિ કરવા માટે ESZ મૉનિટરિંગ કમિટીની મંજૂરી લેવી પડે.
આવી પ્રવૃત્તિમાં હોટેલ અને રિસોર્ટની સ્થાપના, રક્ષિત વિસ્તારની હદથી એક કિલોમીટરે કે ESZની હદ એ બેમાંથી જે નજીક હોય તેવા વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટ અને પવનચક્કી ના નાખી શકાય.
જોકે, પ્રદૂષણ ના ફેલાવતાં નાના ઉદ્યોગો, વૃક્ષછેદન, લાકડું કે લાકડા સિવાયની વન્ય પેદાશો એકઠી કરવા વગેરે જેવી પ્રવૃત્તિઓ જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષકની અધ્યક્ષતા હેઠળ કાર્ય કરતી મૉનિટરિંગ કમિટીની મંજૂરીથી થઈ શકે.
પરંતુ ESZમાં વરસાદી પાણીના સંગ્રહ, ઑર્ગેનિક ફાર્મિંગ, ઍગ્રોફૉરેસ્ટ્રી, ફળ-ફળાદીની ખેતી વગેરેને પ્રોત્સાહન અપાય છે.
આ વિશે વાત કરતાં રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) નિત્યાનંદ શ્રીવાસ્તવે બીબીસીને જણાવ્યું, "ESZના નિયમો બહુધા સકારાત્મક દૃષ્ટિકોણવાળા છે અને તેનો ઉદ્દેશ લોકોને કાયદો સમજી તેને અનુરૂપ પ્રવૃતિઓ કરવા ઉત્તેજન આપે છે. પ્રતિબંધિત પ્રવૃતિઓ કરતાં પ્રોત્સાહન આપી શકાય તેવી પ્રવૃતિઓ વધારે છે."
વિરોધોનો જવાબ આપવામાં સરકારે મોડું કેમ કર્યું?
જાહેરનામું છપાયાના લગભગ ત્રણ અઠવાડિયા બાદ રાજ્ય સરકારે વિરોધોનો જવાબ આપવાની શરૂઆત કરી છે.
એક વરિષ્ઠ વન કર્મચારીએ બીબીસી સાથે તેમની ઓળખ છતી નહીં કરવાની શરતે વાત કરતાં જણાવ્યું "મોડો જવાબ આપવા પાછળનું કારણ એટલું જ હતું કે જાહેરનામું અંગ્રેજી અને હિન્દી ભાષામાં છપાયેલું હોવાથી લોકોને તે સમજવામાં મુશ્કેલી ઊભી થાય અને જો સરકાર આ નૉટિફિકેશનનું ગુજરાતીમાં ભાષાંતર કરાવે તો પણ એ ભાષાંતર અધિકારિક છે કે નહીં તે બાબતે ભવિષ્યમાં કાયદાકીય પ્રશ્નો ઊભા થઈ શકે. આવા પ્રશ્નો નિવારવા રાજ્ય સરકારે કોઈ અધિકૃત ભાષાંતર જાહેર કરવાનું ઉચિત નથી સમજ્યું, પરંતુ લોકોમાં ESZ વિષે જાગૃતિ ફેલાવવા નૉટિફિકેશનના મુખ્ય મુદ્દાનું ભાષાંતર કરવામાં આવ્યું છે."
ગુજરાતમાં અન્ય ઉદ્યાનો અને અભયારણ્યોના ESZ જાહેર થઈ ગયાં?
કેન્દ્ર સરકારે 2018માં સુપ્રીમ કોર્ટને આપેલ માહિતી મુજબ, ભારતમાં 104 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 558 અભયારણ્યો છે. તેમાંથી 26 નવેમ્બર 2018 સુધીમાં 289 ઉદ્યાનો અને અભયારણ્યોનાં અંતિમ જાહેરનામાં પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યાં છે અને 206 અન્ય ઉદ્યાનો અને અભયારણ્યોના સૂચિત ESZના ડ્રાફ્ટ તૈયાર થઈ ગયા છે.
ગુજરાત વન વિભાગની માહિતી મુજબ, ગુજરાતમાં 25 અભયારણ્યો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તેમાંથી 19 અભયારણ્યો અને ત્રણ રાષ્ટ્રીય ઉદ્યાનોના ESZની જાહેરાત થઈ ગઈ છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ત્રણ અભયારણ્યોના ESZનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે.
વિરોધ કરતાં લોકો પાસે કાયદાકીય ઉપાય શું છે?
પ્રાથમિક નૉટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ગૅઝેટ નૉટિફિકેશનની નકલો જનતાને ઉપલબ્ધ થાય તે તારીખથી 60 દિવસ સુધી, લોકો પોતાના વાંધા, સૂચનો સીધા કેન્દ્ર સરકારને કે ગુજરાત વન વિભાગની કચેરીઓએ રજૂ કરી શકે છે. કેન્દ્ર સરકાર આવા વાંધા-સૂચનો બાબતે રાજ્ય સરકારના જવાબ માંગે છે અને અંતે સામાન્ય રીતે અંતિમ જાહેરનામું પ્રસિદ્ધ કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












